Friday, July 15, 2016

પ્રામાણિક માણસની લાચારી-ચંદ્રકાંત બક્ષી

નથી ગમતું એ કામ પ્રામાણિક માણસને લાચાર થઇને કરવું પડે છે...!

કોઇ પણ સામાન્ય પ્રશ્ર્નને આપણે ગહન સમસ્યા બનાવી દીધી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવો છે. ફરીથી લાચારી. માત્ર બાળકનો જ નહીં પણ પિતા તરીકે મારો પણ ઇન્ટરવ્યૂ લેવાય છે- ત્રીસેક વર્ષની જરા જરા મૂછવાળી કોઇ અધકચરા શિક્ષણવાળી મિજાજી સ્ત્રીને મારે મારી બુદ્ધિ અને સંસ્કારિત્વનાં સર્ટિફિકેટ આપવાં પડે છે! મારા સંતાનને પ્રવેશ મળે એ માટે!


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


મિસ્ટર કુકરેજાએ એરકન્ડિશન્ડ સેકંડ ક્લાસ પડદો ખેંચતાં કહ્યું : પહેલાં હું અજમેરમાં હતો. પછી મુંબઇમાં આવીને મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડમાં નોકરી કરી...છ વર્ષ નોકરી કરી. પછી છોડી દીધી. હવે મારું ક્ધસ્ટ્રક્શનનું કામ છે. મિસ્ટર કુકરેજા અને એમના સમૃદ્ધ કુટુંબમાં ત્રણ સભ્યોને જોઇને અનુમાન થઇ શકતું કે મિસ્ટર કુકરેજાએ સારા પૈસા બનાવ્યા હતા...

આ વાર્તા હિંદુસ્તાનમાં ઘણા ધનપતિઓ પાસેથી મળે છે. નોકરી કરી, પછી પોતાનો ધંધો શરૂ કર્યો. પહેલાં ભાગીદારીમાં, પછી પોતાનો. પહેલાં આણંદમાં હતો, હવે મુંબઇમાં છું. અથવા આઠ વર્ષ બેંગલોર હતા, હવે છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં છીએ.

કદાચ આ પ્રકારની સફળતાની વાતો ધીરે ધીરે ઓછી થતી જશે. જેમ જેમ મ્યુનિસિપાલિટીઓ અને સરકારો સમાજકારણ કરતાં રાજકારણમાં વધારે રુચિ લઇ રહી છે. જેમ જેમ ઇમાનદાર નોકરિયાત કે બૌદ્ધિક વર્ગ મહાનગરોમાં દૂરનાં ઉપનગરો કે નાનાં ટાઉનોમાં ફેંકાતો જાય છે અને ઉપરની કમાણીવાળા ‘સાહસિક’લોકો મહાનગરના મધ્યબિંદુ તરફ ભેગા થતા જાય છે એમ એમ એક સામાજિક ઘટનાનો પણ લોપ થતો જાય છે. માણસ નોકરી છોડે, અને બીજા શહેરમાં બીજી પ્રવૃત્તિ શરૂ કરે - નોકરી નહીં પણ ધંધો, અને વધારે સંપન્ન થાય!

હિંદુસ્તાનમાં બાપના ધંધામાં જ ઊતરનારાઓની સંખ્યા બહુ મોટી છે - ગુજરાતમાં કદાચ ઘણી વધારે હશે. ત્રણ પુત્રો ત્રણ અલગ લાઇનોમાં હોય એવું ઓછું જોવા મળે છે! બાપની લાઇનમાં જે ગુજરાતી બેટો જતો નથી એ મારી આંખોમાં મર્દ છે - પણ એ મર્દાઇ ને ફૂલો આવતાં વીસ વર્ષની જવાની શહીદ થઇ જાય છે. હવે આદર્શ મર્દાઇ પોષાય એ સ્થિતિ પણ રહી નથી.

આ હિંદુસ્તાનમાં છે. બ્લૅકમાં સિનેમાની ટિકિટ લીધા વિના તમે પાછા ફરી શકો પણ આવતી કાલે લગ્ન પર કે વડોદરા કે મોત પર અમદાવાદ પહોંચવું હોય તો લુખ્ખાને દસની નોટ કે માસ્તરસાહેબને મિન્નત કરીને અંદર ઘૂસીને પછી ચા-પાણી આપીને જવું પડે છે. નથી ગમતું એ કામ પ્રામાણિક માણસને લાચાર થઇને કરવું પડે છે! તદ્દન નાનાં અને નકામાં કામો માટે આટલી બધી બેઇમાની કરવાની ફરજ પડે છે એ સ્વીકારી લો તો જ હિંદુસ્તાનમાં જીવી શકાય. આ સત્ય છે અને સત્યમેવ જયતે!

ધંધાદારી દેશસેવકોએ કેવી સ્થિતિ સર્જી છે? એક ઔદ્યોગિક લાઇસન્સ લેવું હોય તો અફસરો ઝીણી આંખો કરીને ડઝનબંધ સવાલો કરી નાખે છે એવો વેપારીઓનો અનુભવ છે. સેલ્સ-ટૅક્ષ કે ઇન્કમટૅક્ષ કે મ્યુનિસિપલ લાઇસન્સ કેસમાં એવું હવામાન છે કે નિર્દોષતા તમારે સાબિત કરવાની છે!- દુનિયાના સંસ્કારી કાયદાઓનો નિયમ છે: જ્યાં સુધી ગુનો સાબિત થયો નથી ત્યાં સુધી તમે નિર્દોષ છો. અહીં જરા વિચિત્ર અનુભવ થાય છે. સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ માણસ પોલીસ સ્ટેશન કે સેલ્સ ટૅક્ષ ઑફિસ કે એવા કોઇ પ્રતિષ્ઠાનમાં બેઠો હોય ત્યારે એ ગુનેગાર લાગે છે જ્યાં સુધી પોતાની નિર્દોષતા સાબિત કરતો નથી!

તમારે મુંબઇમાં ટેલિફોન જોઇએ છે? અગિયાર વર્ષ રાહ જુઓ પછી મળશે. ટેલિફોન સલાહકાર સમિતિમાં મિત્રો હતા પણ ઇમાનદારીની પરીક્ષા કરવી હતી માટે અગિયાર વર્ષ લાગ્યાં! ટેલિફોનવાળા કદાચ માને છે કે મુંબઇવાળા બસો વર્ષ જીવે છે! ઇંગ્લેન્ડ-અમેરિકામાં તો આ કોઇ સમસ્યા જ નથી. ગૅસનું સિલિન્ડર જોઇએ છે? છોકરી છેલ્લા વર્ષમાં આવે ત્યારે નોંધાવી રાખે...પરણશે ત્યારે દહેજમાં આપવા કામ આવશે! ટેલેક્ષ? એ લાખ્ખો-પતિઓની વસ્તુ છે. જનતાને એની સાથે કોઇ સંબંધ નથી. સીધું ન ચાલતું હોય તો પૈસા ફેંકો, ટેલેક્ષ ચાલવા માંડશે. પોસ્ટ ઑફિસમાં તમારા સેવિંગ્સના રૂપિયા લેવા ગયા છો? હિટલર-કટ મૂછ વાળતો કલાર્ક તમારી સામે એ રીતે જોશે કે તમે ભીખ માગવા ઊભા છો! અંદર જશો ત્યારે હુકમ કરશે, જાઓ, બહાર ખડા રહો! અંદર મત આઓ!...

મહાનગરમાં મધ્યમવર્ગ વૃક્ષની જેમ એના ફ્લેટમાં ચોટી ગયો છે. નવી જગ્યા ખરીદવા જેટલા પૈસા આ જિંદગીમાં કમાઇ શકવાના નથી. એક જમાનો હતો. જગ્યા લેવાઇ ગઇ અથવા વારસામાં મળી ગઇ. બાળક જન્મે છે, જવાન થાય છે, પરણે છે, જીવે છે, મરે છે...એ જ ફલૅટમાં! કારણ કે મુંબઇમાં મધ્યમવર્ગનો માણસ હાલતુંચાલતું વૃક્ષ છે. ફલૅટ એની માતૃભૂમિ છે અને પિતૃભૂમિ છે...એની ધરતી છે.

કોઇ પણ સામાન્ય પ્રશ્ર્નને આપણે ગહન સમસ્યા બનાવી દીધી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવો છે. ફરીથી લાચારી. માત્ર બાળકનો જ નહીં પણ પિતા તરીકે મારો પણ ઇન્ટરવ્યૂ લેવાય છે- ત્રીસેક વર્ષની જરા જરા મૂછવાળી કોઇ અધકચરા શિક્ષણવાળી મિજાજી સ્ત્રીને મારે મારી બુદ્ધિ અને સંસ્કારિત્વનાં સર્ટિફિકેટ આપવાં પડે છે! મારાં સંતાનને પ્રવેશ મળે એ માટે! એને દૂધનું કાર્ડ કે રેશનનું કાર્ડ કાઢવાનાં ભગીરથ કાર્યો તો હજી બાકી છે?

આ શહેરી મધ્યમવર્ગીય સ્વર્ણભૂમિનું દૃશ્ય છે. ટેલિફોન, રેલવેની ટિકિટ, બાળકનો સ્કૂલ-પ્રવેશ, ગૅસનું સિલિન્ડર, દૂધનું કાર્ડ, રેશનિંગ ઑફિસ, ફલૅટ, બસ કે ટ્રેનમાં ઑફિસ જવાનું દૈનિક પરાક્રમ...! અંત નથી, તદ્દન નાના પ્રશ્ર્નો જેને મોટી સમસ્યાઓ બનાવી મૂકવામાં આવી છે. રેલવે સ્ટેશન પર કમ્પ્યુટર દ્વારા બુકિંગ થઇ શકે- મુંબઇથી રોજ માત્ર બૉમ્બે સેન્ટ્રલથી ટ્રેનો દોડે છે! જે આઠ-દસ ટ્રેનો જતી હોય એનો ચાર્ટ આંખની સામે રાખીને આ ન કરી શકાય? મુંબઇમાં બેઠા બેઠા આખી દુનિયામાં ક્મ્ફર્ટ બુકિંગ થઇ શકે છે પણ મુંબઇથી અમદાવાદ જવું હોય તો પંદર દિવસ પહેલાનું વેઇટિંગ-લિસ્ટ પરનું નામ જવાના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી ક્ધફર્મ થતું નથી...અને રાત્રે ટ્રેન ઉપડે છે ત્યારે ખબર પડે છે કે અડધો ડબ્બો ખાલી છે!

મિસ્ટર કુકરેજાએ શહેરો બદલ્યાં. નોકરીઓ બદલી. આજે એ જરા કઠિન બની ગયું છે. તદ્દન સામાન્ય નાની વાતો પહાડ જેવી દુર્ગમ બનાવી દીધી છે! પ્રમાણિકતાનો એકેય શુદ્ધ શ્ર્વેત રંગ રહ્યો નથી. હવે પ્રમાણિકતા ઘણાં રંગોમાં મળે છે. બુદ્ધિ ચાલતી રહે, શહેરો બદલતી રહે, વ્યવસાયો ફેરવતી રહે તો જ અર્થતંત્ર પ્રગતિ કરે...આજના હિંદુસ્તાનમાં ગતિ ધીમી પડી ગઇ છે, સ્થિતિમાં ટકી શકાય તો પણ ઘણું! આર્થિક રીતે ઘાયલ થયેલા બૌદ્ધિક અથવા પ્રોફેશનલની કદાચ આ માનસિક હાલત છે.
*****************************************************************
નોંધ : બક્ષીસાહેબ 2006માં સ્વર્ગવાસ પામ્યા છે પરંતુ તેમનું લખાણ આજે પણ આપણને લાગુ પડે છે   
*****************************************************************

No comments:

Post a Comment