કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
૧૯૬૫ના
ભારત-પાકિસ્તાન યુદ્ધની ૫૦મી વર્ષગાંઠે ધારણા મુજબ જય-પરાજયની કથાઓ અને
વિશેષ હેવાલ ન્યૂઝ ચેનલો અને અખબારોના પાના પર ચમકી રહ્યા છે, પણ અફસોસ કે
કચ્છની રણ સરહદે સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મર્યાદિત સંખ્યાના
આપણા પોલીસ કર્મીઓએ જવાંમર્દીથી મારી હઠાવીને સર્જેલા ઇતિહાસને કોઇએ વિગતે
યાદ કર્યો નથી. એ સમયે સરદાર ચોકી પર કેન્દ્રીય અનામત પોલીસ દળ
(સી.આર.પી.એફ.) અને રાજ્ય અનામત પોલીસ (એસ.આર.પી.)ના ૨૦૦થી ૨૫૦ પોલીસમેન
ફરજ પર હતા. તેમની પાસે ત્રણ મશીનગન સહિતના ટાંચા અને મર્યાદિત શસ્ત્રો
હતા, એવા સમયે મધરાત પછી પહેલી પરોઢે સાડા ત્રણ હજાર ફોજીઓ સાથેનું
પાકિસ્તાની લશ્કર તોપમારાના પીઠબળે તેમના પર તૂટી પડ્યું અને છતાં દુશ્મનના
છક્કા છોડાવી દેતો ઇતિહાસ સર્જાયો એને આજે યુદ્ધની સુવર્ણજયંતીએ કોઇ યાદ ન
કરે એ કેવું ? શું યુદ્ધમાં લશ્કરી જવાનોના જ ગુણગાન ગવાય ? નાપાક લશ્કરને
અર્ધલશ્કરી દળ મારી હઠાવે તો એનાં ગુણગાન કેમ ન ગવાય ?
ખેર, પણ
ઇતિહાસ ક્યારેય ભૂંસાતો નથી. હા, થોડા સમય માટે ભુલાઇ જરૂર જાય છે, પણ
કાળક્રમે એના તથ્યોનું પુન: મૂલ્યાંકન થાય છે ત્યારે ઘટનાનું પરિમાણ
ધરમૂળથી બદલાઇ જાય છે. ૧૯૬૫ની ૯મી એપ્રિલની આ ઘટના પણ કાંઇક આવી જ છે.
ઘણાંને ખ્યાલ નહીં હોય પણ ભારત-પાક વચ્ચે સત્તાવાર યુદ્ધ
ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ખેલાયું એનાથી ચાર મહિના પહેલાં એટલે કે એપ્રિલમાં
પાકિસ્તાન કચ્છના રણ પર ત્રાટકી ચૂક્યું હતું અને બ્રિટનના વડા પ્રધાનની
દરમિયાનગીરીથી જૂન મહિનામાં યુદ્ધવિરામ થયો હતો. એને પગલે કચ્છ ટ્રિબ્યુનલ
રચાઇ હતી અને એના ચુકાદામાં આખરે કંજરકોટ તેમ જ છાડબેટ સહિતનો કચ્છના રણનો
વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો. ૧૯૬૮માં એની સામે કચ્છ સત્યાગ્રહે થયો
હતો.
આ આખું પ્રકરણ કચ્છ માટે એકતરફ પોલીસ જવાનોની અપ્રિતમ વીરતાનું
પ્રતીક છે તો બીજી તરફ આઝાદી પછી આ સરહદી વિસ્તારની સુરક્ષા અને વિકાસના
પ્રશ્ર્ને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલી હદે અવગણના થઈ હતી એનો એક
કમનસીબ પુરાવો પણ છે. પાકિસ્તાને પહેલીવાર ૧૯૫૬માં છાડબેટ પર ઘૂસણખોરી
કરીને પોતાનો કબજો જમાવ્યો હતો. એ સમયે કચ્છ કેન્દ્રના સીધા શાસન હેઠળ એટલે
કે ‘ક’ વર્ગનું રાજ્ય હતું. કેન્દ્રે તરત જ વળતાં લશ્કરી પગલાં લઈને
છાડબેટ પર પુન: કબજો લઈ લીધો હતો. આ અનુભવ છતાં નવ-નવ વર્ષ સુધી રણની
સરહદોની સુરક્ષા બાબતે ઘોર ઉપેક્ષા સેવવામાં આવી અને પૂરતાં પગલાં લેવાયાં
નહીં. પરિણામે ૧૯૬૫માં નાપાક આક્રમણ થયું તે વખતે આપણે ઊંઘતા ઝડપાયા. આનું
સંભવત: સૌથી મોટું કારણ એ હતું કે કચ્છમાં કેન્દ્રનું શાસન નહોતું. જાણીતું
છે કે ૧૯૫૬માં જ કચ્છને પ્રથમ દ્વિભાષી મુંબઈ રાજ્ય હેઠળ અને ત્યારબાદ
૧૯૬૦માં ગુજરાત સાથે જોડી દેવાયું હતું. આજે પણ કેટલાયે લોકો એમ માને છે કે
૧૯૬૫માં કચ્છ ગુજરાતને બદલે કેન્દ્ર સાથે જોડાયેલું રહ્યું હોત તો છાડબેટ
ગુમાવાનો વારો ન આવત.
જો કે, ’૬૫માં પણ કચ્છના પાકિસ્તાનના છમકલા
વર્ષના આરંભથી જ શરૂ થઈ ગયા હતા અને કચ્છના મુલકી તંત્રે સંબંધિતોને જાણ
કર્યા છતાં ગુજરાતની સાથે કેન્દ્ર સરકારે પણ તેને ગંભીરતાથી લેવાને બદલે
બેદરકારી જ સેવી હતી. એ સમયે જ નહીં પરંતુ સમગ્ર પ્રકરણમાં યુદ્ધવિરામ અને
કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદા સુધીના બનાવોની વણજાર પર નજર કરીએ છીએ તો
કેન્દ્રની વિદેશનીતિ અને સંરક્ષણ વ્યૂહમાં યા તો કચ્છની ભારોભાર ઉપેક્ષા
અગર તો નીતિવિષયક નિર્માલ્યતા દેખાય છે. વિધાનસભા અને સંસદના ગૃહોની
ચર્ચાની વિગતો પર નજર કરીએ તો કચ્છવાસીને આઘાત લાગે એવી હકીકત બહાર આવે છે.
સરહદી સુરક્ષાની જવાબદારી કેન્દ્રની કે રાજ્યની એ પ્રશ્ર્ને એકમેક પર
દોષારોપણ પણ થયું હતું.
૨૨મી ફેબ્રુઆરીએ અબડાસાના ધારાસભ્ય માધવસિંહ
જાડેજા અને ૨૩મીએ માંડવીના ધારાસભ્ય હરિરામભાઈ કોઠારીએ વિધાનસભામાં કચ્છ
સીમાએ નાપાક હુમલાનો પ્રશ્ર્ન ચર્ચ્યો અને પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની
હાકલ કરી ત્યારે ગૃહપ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈએ ઘૂસણખોરીની વાતને હસી
કાઢીને કહ્યું હતું કે ‘આ તો વાર્તા જેવું લાગે છે !’ બીજા દિવસે ૨૪મી
ફેબ્રુઆરીએ ગૃહપ્રધાને ગૃહમાં વિપક્ષને અતિશયોક્તિભર્યા વિધાનો ન કરવાની
અપીલ કરી અને ખાતરી આપી કે કોઈ પણ પડકારને મારી હટાવવા આપણે તૈયાર છીએ. આ
ટાંકણે માધવસિંહજીએ પનચરીની જમીન (એટલે કે છાડબેટ) આપણા કબજામાં છે કે નહીં
એવો સવાલ કર્યો ત્યારે ગૃહપ્રધાને ‘પ્રશ્ર્ન નાજુક છે’ એમ કહીને જવાબ ટાળી
દીધોે.
કહેવાનો સાર એ કે ગુજરાત સરકારે કચ્છના પ્રતિનિધિઓની વાતને
સાવ હળવાશથી લીધી અને પછી શું બન્યું એનો ઈતિહાસ સાક્ષી છે. એપ્રિલમાં
નાપાક હુમલો રણમાં થયો અને આપણે ઊંઘતા ઝડપાયા. તો જમ્મુ-કાશ્મીરના
સપ્ટેમ્બર યુદ્ધ દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાનના વિમાનને પાકિસ્તાને નિશાન
બનાવતાં અબડાસાના સુથરી ગામ નજીક તે તૂટી પડયું અને બળવંતરાય મહેતા શહીદ
થયા.
વિધાનસભામાં મે મહિના દરમિયાન પણ એપ્રિલના હુમલા સંદર્ભે ચર્ચા
થઈ હતી, તેમાં નોંધનીય વાત ભાઈકાકાએ કરી હતી. સ્વતંત્ર પક્ષના આ નેતાએ
સરહદી સુરક્ષાના બંદોબસ્તની સાથેસાથે સીમાના ગામડાઓમાં જે લડાયક કોમ છે તે
સુખેથી રહી શકે એ માટે તેમને હથિયારો આપવા ઉપરાંત નર્મદાનાં પાણી ત્યાં
સુધી પહોંચાડવાની વાત કરી હતી. ઉદ્યોગો શરૂ કરવાનોયે અનુરોધ કર્યો હતો.
(બલિહારી તો જુઓ ’૬૫ની એ અપીલ ૨૦૧૫માં પણ અમલમાં આવી નથી અને આવે એવી કોઇ
શક્યતાયે નથી, કારણ કે ખાવડા-પચ્છમ સુધી સિંચાઇના પાણી પહોંચાડવાની કોઇ વાત
જ નથી.)
બીજી તરફ લોકસભામાં કચ્છના પ્રતિનિધિ મ.કુ. શ્રી
હિમ્મતસિંહજી અને રાજ્યસભામાં ડૉ. મહિપત મહેતા ઉપરાંત બાબુભાઈ ચિનાઈએ
તડાપીટ બોલાવી હતી. ડૉ. મહેતાએ તો દેશહિતમાં કચ્છને ફરી કેન્દ્રના શાસન
હેઠળ મૂકવાની માગ સુધ્ધાં કરી હતી, જ્યારે બાબુભાઈ ચિનાઇએ ૧૯૫૬ની છાડબેટ
પરની નાપાક ઘૂસણખોરી મારી હઠાવાઈ એનોે ઉલ્લેખ કરીને એ પછીના નવ વર્ષમાં
કોઈપણ ભાવિ આક્રમણને ખાળવા માટે સુરક્ષાનાં પગલાં બિલકુલ નથી લેવાયાં એ
બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. ૬ઠ્ઠી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન
ગુલઝારીલાલ નંદાએ લોકસભામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો સ્વીકાર કરવાની સાથેસાથે
ખાતરી આપી હતી કે સરહદની અખંડિતતા જાળવવા કચ્છમાં અસરકારક પગલાં લેવાશે,
પણ અફસોસ કે આ ખાતરી પછીના ત્રીજા જ દિવસે પાકિસ્તાને આક્રમણ કર્યું અને
આપણે હાથ ઘસતા રહ્યા. નાપાક આક્રમણની તૈયારી દીવા જેવી પાધરી હતી તોયે શા
માટે જડબાતોડ જવાબની કોશિશ ન કરી એ આજેય એક મોટું રહસ્ય છે.
કેટલાક
નિષ્ણાતો માને છે કે, એ સમયે રણપ્રદેશ મેદાને જંગમાં ખાસ તો ભારત માટે
પ્રતિકૂળ હતો. ચોમાસામાં વરસાદ અને દરિયાના પાણીથી ભરાઇ જતો વિસ્તાર
ઉનાળામાં નમકના મેદાનમાં પલટાઇ ગયા પછીયે ક્યાંક કાદવવાળોયે હોય તેથી ભારે
વાહનો કે શસ્ત્રોની અવરજવર મુશ્કેલ હતી. વળી રસ્તા તો હતા જ નહીં. ભુજથી
ખાવડા સુધી ગયા પછી સરહદને જોડતો પુલ પણ એ સમયે નહોતો. સંદેશાવ્યવહારના કોઇ
ઠેકાણા નહોતા અને પાણીની તો રણમાં કોઇ જોગવાઇ જ નહોતી. સામે પાકિસ્તાનને
આવી કોઇ મુશ્કેલી ન હોવાથી તે બહેતર સ્થિતિમાં હતું. સરહદી વિસ્તાર રણના
છેક ઉત્તર છેડે હતો. તેથી ભારતીય જવાનોને ત્યાં પહોંચવા માટે દક્ષિણથી ઊતરી
આખું રણ પાર કરી ઉત્તરે પહોંચવાનું હોય અને એ પણ ભરઉનાળે, જ્યારે
પાકિસ્તાન તો ઉત્તર છેડે જ હોવાથી એનું સંદેશાવ્યવહાર અને રસ્તાનું માળખું
સીમાથી સાવ નજીક હતું. કદાચ ભારતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને વ્યૂહરચના
ઘડનારાઓ આ કારણે જ રણમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવા નહોતા માગતા, તેથી જ
ટેન્કો કે તોપદળ ઉતારવાનો વિચાર થયો નહોતો.
આ અને આના જેવી બીજીયે
દલીલો ભારતના કહેવાતા રક્ષણાત્મક વલણ સંદર્ભે થાય છે, પણ પ્રશ્ર્ન એ છે કે,
૧૯૬૫માં છાડબેટનો નાપાક કબજો ભારતે તાબડતોડ પગલાં લઇને મારી હઠાવ્યો તે
પછી રણ વિસ્તારમાં રસ્તા બાંધવા સહિતના કામો હાથ ધરવાની જાહેરાતો કરવામાં
આવી પણ એ માત્ર કાગળ પર જ રહી. કોઇ કામ નવ વર્ષ દરમ્યાન થયાં નહીં તેનું
શું ? ૧૯૬૫ જ નહીં એ પૂર્વે ૧૯૬૪માં પણ પાકિસ્તાનના બદઇરાદાની જાણ ભારતને
થઇ ચૂકી હતી. ઉપરાંત ફેબ્રુઆરી ૧૯૬૫માં પાકિસ્તાને કંજરકોટ કબજે લઇ લીધું
ત્યારે ભુજમાં ફરજ પર આવેલા લેફ્ટ. કર્નલ સુંદરજી (જે પાછળથી ભારતના લશ્કરી
વડા બન્યા) તો કંજરકોટ પુન: કબજે કરવા થનગનતા હતા એટલું જ નહીં પોલીસના
વેશમાં છેક સરદાર ચોકી સુધી રેકીયે કરી આવ્યા હતા. પરંતુ એમને એમ કરવાનો
આદેશ મળ્યો નહીં. આમ એક તરફ પાકિસ્તાને અર્ધલશ્કરી દળના નામે લશ્કર ગોઠવી
દીધું, તો બીજીતરફ ભારતે કેન્દ્રીય અનામત પોલીસ જ મૂકી રાખતાં પાકિસ્તાનને
મોકળું મેદાન મળી ગયું. અરે, ૯મીના હુમલા પછીયે ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો
બંદોબસ્ત થયો નહીં તેથી એપ્રિલના અંત સુધીમાં પાકિસ્તાને બિયારબેટ, છાડબેટ
સહિતના વિસ્તારો પર કબજો જમાવી લીધો. આમ સરવાળે રણયુદ્ધમાં પાકિસ્તાનનો હાથ
ઉપર રહ્યો.
એટલે પ્રશ્ર્ન રાજકીય મનોબળ અને ઇચ્છાશક્તિનોયે હતો.
કચ્છના એ સમયના સંસદસભ્ય અને રાજવી પરિવારના મોભી હિંમતસિંહજીએ એક
મુલાકાતમાં રાજકીય ઇચ્છાશક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ગૃહપ્રધાન
ગુલઝારીલાલ નંદા કચ્છ સરહદે પાકિસ્તાન સામે આક્રમક પગલાંના હિમાયતી હતા.
જ્યારે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ
શાંતિમય સમાધાન ઇચ્છતા હતા. તો સંરક્ષણ પ્રધાન યશવંતરાવ ચૌહાણે કોઇ
અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું.
હિંમતસિંહજીએ પોતાની મુલાકાતમાં એમ
પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની નેતાગીરી કચ્છના રણમાં વ્યાપક અને
પૂર્ણકક્ષાનું યુદ્ધ નહોતી ઇચ્છતી. એનું લક્ષ્યાંક તો કાશ્મીર હતું.
અયુબખાન રણના આક્રમણથી વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના વલણને ચકાસવા માગતા
હતા. આ દૃષ્ટિએ રાજકીય ક્ષેત્રે તેમ ભૂમિ પર ભારતે આક્રમક બનવાની જરૂર
હતી.
સંરક્ષણ નિષ્ણાતોનો મત એ હતો કે પાકિસ્તાન એક કાંકરે ચારેક
પક્ષી મારવા માગતું હતું. પાડોશીની શક્ય એટલી જમીન પર કબજો મેળવી પાછળથી
એને આંતરરાષ્ટ્રીય વિવાદમાં લઈ જઈ જે મળે તે મેળવી લેવું અને એમાં એને
કેટલેક અંશે સફળતાયે મળી, કારણ કે છાડબેટ સહિતના રણનો દશ ટકા ભાગ એને
મળ્યો. બીજું એ કે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય તો ભારત કેવો જવાબ આપે છે ?
ત્રીજું એ કે ભારત જોે કચ્છમાં લશ્કર ખસેડે તો થોડા મહિના બાદ પ્રથમ
કાશ્મીર અને ત્યારબાદ પંજાબ પર હુમલા કરી દેવા જેથી ત્યાં જોરદાર મુકાબલો
કરવા જેટલું દળ મોજૂદ ન હોય. ચોથું હુમલામાં અમેરિકી શસ્ત્રોનો ખુલ્લેઆમ
ઉપયોગ થાય તે વખતે માત્ર ભારત નહીં આંતરરાષ્ટ્રીયસ્તરે કેવા અને કેટલા
પ્રત્યાઘાત પડે છે એ જોઈ લેવું, અને સૌથી વધુ તો અમેરિકા પોતે પાકિસ્તાન
પ્રત્યે કેવું વલણ રાખે છે ?
પાકિસ્તાન પોતાના બદઇરાદાઓમાં મહદઅંશે
સફળ ન થયું. ભારત લશ્કરી જંગ ખેલવા તૈયાર નથી એમ રણના અનુભવથી માનીને
સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીર સહિતની સરહદે આક્રમણ કર્યું અને એમાં માર
ખાવાનો વારો આવ્યો. ખેમકરણ યુદ્ધ ક્ષેત્રમાં તો પાકિસ્તાનની અમેરિકી
બનાવટની પેટન્ટ ટેન્કોનું જાણે કબ્રસ્તાન સર્જાઇ ગયું. યુદ્ધના
લેખાંજોખાંમાં પાકિસ્તાનના ૩૮૦૦ જવાનો સામે ભારતના ૩૦૦૦ જવાન શહીદ થયા હતા.
તો આપણાં લશ્કરે લાહોરના ભાગોળે પહોંચીને કુલ ૧૮૪૦ ચો.કિ.મી. પાકિસ્તાની
પ્રદેશ જીતી લીધો હતો. જ્યારે પાકિસ્તાને ૫૪૦ ચો.કિ.મી. આપણો વિસ્તાર કબજે
કરી લીધો હતો. આ વિસ્તાર મહદંશે કચ્છના રણનો હતો, એટલે સરવાળે જોઇએ તો
’૬૫ના યુદ્ધમાં ભારતના સપ્ટેમ્બરના વિજય પૂર્વે એપ્રિલમાં કચ્છના
વિસ્તારોનો જાણે બલિ ચડાવી દેવાયો હતો.
ખેર, પણ આ બધા વિપરીત સંજોગો
વચ્ચે ૯મી એપ્રિલે અર્ધલશ્કરી દળના જવાનોએ સરદાર ચોકી પર જવાંમર્દભર્યો
જંગ ખેલીને પાકિસ્તાની ફોજના ૩૪ જણને મોતને ઘાટ ઉતારી દઇને ઇતિહાસ સર્જ્યો
એની કથાથી આપણી છાતી ગજગજ ફુલાવી દે તેવી છે. આ લડાઇમાં છ જવાન શહીદ થયા
હતા. તેમની સ્મૃતિમાં સરદાર ચોકી તેમ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શહીદ
સ્મારક નિર્માણ થયા છે. પોતાના આ બહાદુર શહીદોની સ્મૃતિમાં કેન્દ્રીય અનામત
પોલીસ દળ ૨૦૦૨થી ૯મી એપ્રિલે વીરતા દિન મનાવે છે. શહાદત ૧૯૬૫ની અને વીરતા
દિન ૨૦૦૨થી કેમ, એ પ્રશ્ર્ન સહેજે થાય. એની તેમજ ૨૧મી એપ્રિલે છાડબેટ
નજીકની ચોકી પર શહીદ થયેલા એસ.આર.પી.ના ત્રણ જવાનોની અને એમના ભૂકંપમાં
ધ્વંસ થયેલા સ્મારકની વિગતે વાત હવે પછી.
પાક સૈનિકો ૩૪ સાથીના મૃતદેહ છોડીને પરત નાસી ગયા |
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી |
|
કચ્છના
રણમાં ભારતીય વિસ્તારમાં આવેલા કંજરકોટ પર ૧૯૬૫ના ફ્રેબ્રુઆરીમાં જ
પાકિસ્તાની દળોએ ઘૂસણખોરી કરીને કબજો જમાવી દીધો હતો. * કેન્દ્રીય અનામત
પોલીસ દળે ૧૯૬૫ના સરદાર ચોકી પરના નાપાક આક્રમણને કેવી રીતે મારી હઠાવ્યું
એનું દસ્તાવેજીકરણ ૨૦૦૨માં આંખે દેખ્યા હેવાલોના આધારે કર્યું અને પુસ્તિકા
પ્રસિદ્ધ કરી.
(ગયા અંકથી ચાલુ)
૯મી એપ્રિલ
૧૯૬૫ના રોજ કચ્છના રણની સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મારી
હઠાવવાની ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ
(સી.આર.પી.એફ.) દ્વારા દર વર્ષે વીરતા-શૌર્ય દિન મનાવવાનો નિર્ણય ૩૭ વર્ષ
પછી છેક ૨૦૦૨માં કેમ લેવાયો એનો પણ એક ઇતિહાસ છે. પાક લશ્કરની બ્રિગેડ સામે
મુઠ્ઠીભર જવાનોએ બાથ ભીડી અને જાનની પરવાહ કર્યા વિના શહાદત વહોરી ત્યારે
એને ચોગરદમ બિરદાવાઇ હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને ભારતના વડા
પ્રધાન અને ગૃહ પ્રધાન સુધીના સર્વોચ્ચ નેતાઓએ તેમને ગૌરવભેર શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પાંચ શહિદોની ખાંભી પર
પુષ્પાંજલિ અર્પિત કરવા હજારોની મેદની ઉમટી પડી હતી. એ જ રીતે ૨૧મી એપ્રિલે
હનુમાન તરાઇ સરહદી ચોકી પર પાકિસ્તાની ટેન્ક હુમલામાં શહીદ થયેલા રાજ્ય
અનામત પોલીસ દળ (એસ.આર.પી.)ના ત્રણ જવાનોના મૃતદેહ પાછળથી ભુજ લાવવામાં
આવ્યા ત્યારે તેમનેય ભવ્ય અંજલિ અપાઇ હતી. તેમની ખાંભી પોલીસ હેડ
ક્વાર્ટરમાં ઊભી કરાઇ હતી. વિધાનસભા, સંસદમાં શહાદતની ગૌરવભેર નોંધ લેવાઇ
હતી અને શૌર્ય ચંદ્રકોય જાહેર થયા હતા, પણ સમય જતાં આ વીરગાથા વિસરાઇ ગઇ.
સંભવ છે કે છ વર્ષ પછીના ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનું વિભાજન (બાંગલાદેશનો
ઉદય) અને ૯૦ હજાર પાક સૈનિકોની ભારતીય સેના સામે શરણાગતિ જેવી અકલ્પનીય
ઘટનાઓને લીધે હિન્દુસ્તાનનો પ્રચંડ વિજય ડંકો વાગ્યો તેમાં ૬૫નું યુદ્ધ
વિસરાઇ ગયું હોય.
પણ ૩૬ વર્ષ પછી બન્યું એવું કે કેન્દ્રીય અનામત
પોલીસ દળના ડિરેક્ટર જનરલપદે આવેલા ડો. ત્રિનાથ મિશ્રાના ધ્યાને સરદાર
ચોકીવાળો કિસ્સો આવ્યો. તેમણે સી.આર.પી.એફ.ના જૂના ઓફિસરો અને જવાનો પાસેથી
માહિતી મેળવીને સંશોધન - દસ્તાવેજીકરણ કર્યું. કયા સંજોગોમાં પાકિસ્તાની
લશ્કર ત્રાટક્યું, સરદાર ચોકી પર એ સમયે કેટલા જવાનો હતા, કેટલાં શસ્ત્ર
હતા, કેવી રીતે દુશ્મને હુમલો કર્યો અને કેવી રીતે ભારતીય જવાનોએ છટકું
ગોઠવીને હરીફનો ખાત્મો બોલાવયો એની ઝીણામાં ઝીણી વિગતો ભેગી કરી. માહિતીનું
સંકલન કરીને એક બુકલેટ ‘સરદાર પોસ્ટ : એ સાગા ઓફ ધી બ્રેવ હાર્ટસ ઓફ
સી.આર.પી.એફ. ઇન રન ઓફ કચ્છ’ પ્રસિદ્ધ કરવામાં આવી. નાની સાઇઝની ૫૬ પાનાની આ
પુસ્તિકામાં રંગીન ફોટાય સામેલ કરવામાં આવ્યા. ઉપરાંત, ડીવીડી તૈયાર થઇ
તેમાં નક્શાઓ સહિતની રજૂઆત મુકાઇ. ઇન્ટરનેટ પર, દળની વેબસાઇટ પર અને યુ
ટ્યુબ પર આ કથા ફરતી થઇ. ૨૦૦૨ની નવમી એપ્રિલે પ્રથમ વીરતા દિન
સી.આર.પી.એફ.એ દેશભરમાં મનાવ્યો. ડો. મિશ્રા અને દળના અધિકારીઓનો કાફલો એ
દિવસે કચ્છની સરદાર ચોકીએ પહોંચ્યો અને જે સ્થળે જંગ ખેલાયો હતો ત્યાં જ એક
નાનકડી ખાંભી તૈયાર કરી ભાવભરી અંજલિ આપી. દળના સર્વોચ્ચ અધિકારીએ પોતાના
દળના જવાનોની વીરતાને આ રીતે ગૌરવભેર યાદ કર્યો એ ખરે જ દાદ માંગી લે તેવો
છે.
સરદાર પોસ્ટ પરના આક્રમણ અંગેની પુસ્તિકામાં જે તે સમયનું
પાકિસ્તાનનું રાજકીય ચિત્ર, તેને ચીનનો ટેકો, અમેરિકી શસ્ત્ર સહાય, રણના
પ્રતિકૂળ સંજોગો, ભાગલાના સમયથી જ ભારતની સરહદી જમીન પર કબજો કરીને વિવાદ
ઊભો કરી આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવાની નાપાક મુરાદનું વિવરણ કરાયું છે. આવી
જ મુરાદના એક ભાગરૂપે પાકિસ્તાને કચ્છના રણના ૩૫૦૦ ચો.મી. જેટલા વિસ્તાર
પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. રણ તો એક મૃત સાગર છે, તેથી આંતરરાષ્ટ્રીય
પ્રણાલી અનુસાર એની વચ્ચોવચ્ચ સીમારેખા દોરાય એવો વાહિયાત અભિગમ તેણે
અપનાવ્યો. તેથી જ ૧૯૬૩માં સરહદોના સીમાંકન વખતે પંજાબ અને રાજસ્થાનમાં
આંકણી થયા પછી ગુજરાતનો વારો આવે એ પહેલાં જ પાકિસ્તાની સર્વેયરો કામગીરી
અધૂરી છોડીને ચાલ્યા ગયા હતા.
જાન્યુઆરી ૧૯૬૫માં પાકિસ્તાનની
ચૂંટણીમાં અયુબ ખાન વિજયી થયા તે સાથે જ પાકિસ્તાને પોતાના બદઇરાદાઓ પાર
પાડવાના કારણ શરૂ કરી દીધા. રણની કરીમશાહી ચોકી પર ફરજ બજાવતા ભારતીય
પોલીસના ધ્યાનમાં આવ્યું કે, પાકિસ્તાનીઓ સુરઇથી ૧૦ માઇલનો ટ્રેક બિછાવ્યો
છે અને તે એક માઇલ જેટલો ભારતીય સીમામાં ઘૂસીને ડીંગ સુધી પહોંચ્યો છે. આ
સંદર્ભે ભારત હજુ તો કોઇ પગલાં લે એ પહેલાં જ ૧૦મી ફેબ્રુઆરીએ રાઇફલ્સ,
સ્ટેનગન અને મશીનગનથી સજ્જ પાકિસ્તાની દળોનો કંજરકોટનો કબજો પણ લઇ લીધો.
આથી એવું નક્કી થઇ ગયું કે હવે પાકિસ્તાનીઓ ભારતના ડીંગ વિસ્તારનેય કબજે
કરવા કોશિશ કરશે.
પાંચેક દિવસમાં ઇન્ડસ રેન્જર્સ અને રાજકોટ રેન્જના
ડી.આઇ.જી. વચ્ચે બેઠક થઇ ત્યારે પાકિસ્તાને કહી દીધું કે કંજરકોટ તો
ભારતનું છે જ નહીં, એ તો અમારું છે અને ડીંગ સુધીનો રસ્તોય જૂનો છે. ભારત
સમસમી ગયું પણ વળતા કોઇ પગલાં લેવાયાં નહીં. પછી તો ત્રીજી માર્ચે
કંજરકોટમાં પાકિસ્તાને સ્થાયી ચોકી સ્થાપી દીધી. ૧૫મી સુધીમાં તો ડીંગ
ખાતેય નવી ચોકી પાકિસ્તાને ઊભી કરી દીધી. પેંતરાબાજીમાં પાછળ પડી ગયેલા
ભારતે મોડે મોડેય આખરે કંજરકોટની સામે સપાટ વિસ્તારમાં ૧૨મી માર્ચે સરદાર
ચોકી અને ડીંગ નજીક ટાક પોસ્ટ ઊભી કરી દીધી.
સમગ્રતયા જોવા જતાં
ભારતના નબળા રાજકીય અને જમીની પ્રતિકારથી ઉત્સાહમાં આવી ગયેલા પાકિસ્તાને
આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી. કંજરકોટથી ૩૦ કિ.મી. દૂર આવેલા બદીન એરપોર્ટ
પરથી ઊડીને પાક વાયુસેનાના વિમાનો સીમા નજીક ચક્કર મારવા લાગ્યા. આ બધા
બનાવ ભારતની ચોકીઓ પર ત્રાટકવાના ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ના ભાગરૂપે જ હતા.
બ્રિગેડિયર અઝહર ખાને ૫૧મી ઇન્ફેન્ટ્રી બ્રિગેડને કરાંચી નજીકના મલીર
કેન્ટોનમેન્ટમાંથી કચ્છની સરહદે ખસેડી. બાદમાં સમગ્ર આઠમી ઇન્ફેન્ટ્રી
ડિવિઝનની સાથે ૧૨મા અશ્ર્વદળ અને ૧૩મા લાન્સર રેજિમેન્ટને ‘ઓપરેશન ડેઝર્ટ
હોક’ને ગુપ્ત રાખવા માટે પણ પાકિસ્તાને પૂરતી કાળજી લીધી હતી. ભારતીય સરહદી
ચોકીઓ બેધ્યાન રહે તે માટે દુશ્મનોએ છટકું ગોઠવ્યું હતું. આઠમી એપ્રિલ
૧૯૬૫ના પશ્ર્ચિમ પાકિસ્તાની રેન્જર્સે રાજકોટ રેન્જ પોલીસના ડી.આઇ.જી.ને
સંદેશ પાઠવ્યો અને સરહદી સમસ્યા ઉકેલવા ૧૦મી એપ્રિલના બેઠક કરવાનો પ્રસ્તાવ
મૂક્યો. આમ, ભારતીયોને ગફલતમાં રાખવા એકબાજુએ શાંતિની વાતો કરી અને
બીજીબાજુ ૩૫૦૦ સૈનિકોને પોતાનું સ્થાન લઇ લેવાનો આદેશ અપાયો અને તેમને
કહેવામાં આવ્યું કે, આઠમીની રાત્રે એટલે કે નવમીની વહેલી પરોઢે સરદાર ચોકી
પર હુમલો કરવો.
પાકેપાયે ગોઠવાયેલી વ્યૂહરચના મુજબ નવમીની વહેલી
સવારે ૩.૩૦ વાગ્યે હેવી મોર્ટાર અને ૨૫ પાઉન્ડ ગન્સ સાથે પાકિસ્તાની દળોએ
આગેકૂચ શરૂ કરી અને સરદાર તથા ટાક ચોકી પર હુમલો કર્યો.
તે સમયે
સરદાર પોસ્ટ પર હેડ કોન્સ્ટેબલ રણજિતસિંહ ફરજ બજાવી રહ્યા હતા. ઉત્તર
દિશામાંથી ૫૦થી ૧૦૦ વારના અંતરે કાંઇક હલચલ થતી હોવાની ગંધ આવતાં તેમણે
પડકાર ફેંક્યો અને આ પડકારના પ્રતિભાવમાં ગોળીઓની ધણધણાટી બોલી. મોર્ટાર
અને ૨૫ પાઉન્ડના શેલનો મારો કરવા માટે નાપાક દળોને સંકેત મળી ગયો. તેની
સાથે જ સરદાર અને ટાક ચોકી પર બ્રિગેડનો હુમલો શરૂ થઇ ગયો. ત્યાં તે સમયે
ગણ્યાગાંઠ્યા જ પોલીસ જવાન હતા.
આમ છતાં, ભારતીય જાંબાઝ જવાનોએ
મોરચો સંભાળી લીધો અને શસ્ત્રો તથા દારૂગોળાનો જથ્થો ખતમ ન થાય ત્યાં લગી
પ્રતિકાર કર્યો. દારૂગોળો ઓછો થતો જતો હોવાથી સી.આર.પી.એફ.ના જવાનોએ
ઇરાદાપૂર્વક પોતાના તરફથી ગોળીબાર બંધ કર્યો અને દુશ્મનોને વધુ નજીક આવવા
દીધા. સમગ્ર ચોકી પર મોત જેવો સન્નાટો છવાયેલો હોવાથી પાકિસ્તાનીઓને એવું
લાગ્યું કે ચોકી પરના સૈનિકો માર્યા ગયા છે અથવા ઘવાયા છે.
જંગ જીતી
લીધો હોય એવી મુસ્કાન સાથે ૨૦ નાપાક સૈનિકો જેવા ચોકી પાસે આવ્યા કે
ભારતીય ચોકીની ત્રણેય મશીનગનો ધણધણી ઊઠી અને એક પછી એક તમામ દુશ્મનોને
મોતને ઘાટ ઉતારી દીધા. ચોકીની પાછળની બાજુએથી પણ પાકિસ્તાનીઓએ હુમલો કર્યો
અને તેમના પણ એવા જ હાલ થયા. ત્યાં ૧૪ પાકિસ્તાનીઓ માર્યા ગયા અને ચાર
જીવતા પકડાયા.
ઇશાન દિશામાંથી સી.આર.પી.એફ.ની મશીનગન જામ થઇ ગઇ
હોવાને કારણે દુશ્મનોને ક્ષણિક સફળતા મળી પણ હિંમતવાન હિન્દુસ્તાની જવાનોએ
કાઉન્ટર એટેક કરીને દુશ્મનોને પાછા હટાવ્યા. અલબત્ત, પોસ્ટ કમાન્ડર મેજર
સરદાર કરનૈલસિંહ સહિત સી.આર.પી.એફ.ના ૧૯ જવાનોને પકડી લેવામાં પાકિસ્તાન
સફળ થયું. જો કે, પાછળથી તેમને છોડી દેવાયા હતા. પણ, એ પૈકી એક ઘવાયેલા
જવાનનું પાકિસ્તાની જેલમાં અવસાન થયું હતું. આમ ૯મીના શહીદોની સંખ્યા છની
થઇ હતી.
બંને દેશો વચ્ચે સામસામો ગોળીબાર એક કલાક સુધી ચાલ્યો હતો.
જે દરમ્યાન દુશ્મનોએ ત્રણ વખત ચોકી કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારે
ખુવારી સાથે તેમને મારી હટાવાયા હતા.
સરદાર ચોકી પર ફરજ બજાવતા હેડ
કોન્સ્ટેબલ ભવનરામે ભારે બહાદુરી દાખવી હતી. તેમની પાસેની મશીનગનનો
દારૂગોળો ખૂટી પડ્યો ત્યારે તેમણે ચોકી પરના તમામ હાથબોમ્બ વીણી વીણીને
એકઠા કર્યા અને નજીક આવી રહેલા દુશ્મનો પર એક પછી એક ફેંક્યા હતા. તેમના આ
જવાંમર્દીભર્યા કૃત્યથી પાકિસ્તાનીઓના જુસ્સા પર અસર પડી હતી અને તેમને
પાછા વળવાની ફરજ પડી હતી. સી.આર.પી.એફ.ના જવાનોના વળતા હુમલાથી દુશ્મનો
એટલી હદે દિગ્મૂઢ થઇ ગયા હતા કે, સંખ્યાબળ અને દારૂગોળાના મામલે ભારતીયોથી
બળૂકા હોવા છતાં વધુ વખત હુમલો કરવાનું સાહસ ન કરી શક્યા.
સવારે
જ્યારે રોશની ફેલાઇ ત્યારે ચોકી પાસેના આખા મેદાનમાં દુશ્મન સૈનિકોના
મૃતદેહો વેરવિખેર પડ્યા હતા. સી.આર.પી.એફ.ના જવાનોના વળતા હુમલાના ભયથી
પોતાના ૩૪ સૈનિકોના મૃતદેહોને ત્યજીને તેઓ પરત વળ્યા હતા ત્યારે દિવસના
પ્રકાશમાં જ ભારતીય જવાનોને પણ ખબર પડી કે રાત્રે તેમણે જે જંગ ખેલ્યો હતો એ
પાકિસ્તાની લશ્કરની ભારે શસ્ત્રસજ્જ ઇન્ફેન્ટ્રી બ્રિગેડ સામેનો હતો.
લશ્કરી
યુદ્ધોના ઇતિહાસમાં આ એક અજોડ બનાવ હતો કે જેમાં અર્ધલશ્કરી દળોની એક
નાનકડી ટુકડીએ લશ્કરની ઇન્ફેન્ટ્રી બ્રિગેડને બરોબરની હંફાવી હોય અને ૧૨
કલાક સુધી તેમનો નાપાક મનસુબો બર આવવા દીધો ન હોય.
રાતભર ચાલેલા આ
જંગમાં ભારતીય ચોકીનું રક્ષણ કરતા નાયક કિશોરસિંહ, કોન્સ્ટેબલ સમશેરસિંહ,
જ્ઞાનસિંહ, હઠુરામ, સીધબીર પ્રધાન અને કિશનસિંહે શહાદત વહોરી લીધી હતી.
જ્યારે સામા પક્ષે ૩૪ સૈનિકો માર્યા ગયા હતા અને બે અફસર સહિત ચાર જીવતા
પકડાયા હતા.
અફસોસ એ વાતનો છે કે, ૬૫ના યુદ્ધના વિજયની ઉજવણી હાલ
૫૦મી જયંતીએ દેશભરમાં થઇ અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, એમાં આ જવાનોને યાદ
કરાયા નહીં. અરે, એમને હજુયે શહીદનો દરજ્જોયે અપાયો નથી, તો એસ.આર.પી.ની
શહાદતની વાત હવે પછી.(ક્રમશ:)
એસ.આર.પી.ના જવાનોને જાણે શહીદ કરવા જ રણમાં ધકેલી દેવાયા હતા |
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
(કચ્છ મોરચે ૧૯૬૫નું યુદ્ધ-૩)
કેન્દ્રીય
અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.) દ્વારા પોતાના જવાનોએ ૧૯૬૫ના રણયુદ્ધ વખતે
દાખવેલું અપ્રતિમ શૌર્યનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ ૨૦૦૨માં કરવામાં આવ્યું એ
એક નોંધનીય ઘટના હતી. આમ છતાં તેની વિશેષ ચર્ચા ૨૦૦૫માં શરૂ થઇ હતી. એ
સમયે વીરતા દિને યોજાયેલા ખાસ કાર્યક્રમમાં તત્કાલીન ગૃહપ્રધાન શિવરાજ
પાટીલે પોતાના પ્રવચનમાં રણની એ ઘટના કોઇ નાની એવી અથડામણ નહીં, પરંતુ
રીતસરનું યુદ્ધ હતું એમ કહીને તેને સત્તાવાર યુદ્ધ લેખવાની અપીલ કરી હતી.
તેમના આ કથનના સમાચારો પણ રાષ્ટ્રીય પ્રચાર માધ્યમોમાં અગ્રસ્થાન મળ્યું
હતું. ચર્ચાયે થવા લાગી કે આ ઘટનાને ભારતના લશ્કરી ઇતિહાસમાં સ્થાન મળવું જ
જોઇએ. આ ચર્ચાને પગલે કચ્છની પત્રકાર ટીમે દિલ્હી જઇને નવેસરથી માહિતી
એકત્ર કરી. લોકસભા, રાજ્યસભા ઉપરાંત ગુજરાત વિધાનસભાની કાર્યવાહીની એ સમયની
સત્તાવાર નોંધોનેય ફંફોળી તો અનેક ભૂલાઇ ગયેલી ઘટનાઓ પુન: સપાટી પર આવી. એ
સાથે એક એ સત્ય પણ બહાર આવ્યું કે, કેન્દ્રીય દળે માત્ર પોતાની કામગીરીનું
દસ્તાવેજીકરણ કર્યું હતું, એમાં કહાની અધૂરી રહી જતી હતી. કારણ કે પાક
આક્રમણ સમયે સીમાએ તેમના ઉપરાંત એસ.આર.પી. એટલે કે ગુજરાત રાજ્ય અનામત
પોલીસ અને પંજાબ પોલીસ દળના જવાનોયે ફરજ પર હતા. સૌથી વધુ મહત્ત્વનું તો એ
હતું કે, એ વખતે જ્યારે સંદેશાવ્યવહાર અને ભુજથી માર્ગ અવરજવરના સાધનો
મર્યાદિત હતા ત્યારે ભુજથી દોઢસો-બસ્સો કિ.મી. દૂર દુર્ગમ સરહદે પાણી જેવી
જરૂરી ચીજોનો પુરવઠો પૂરો પાડવામાં કચ્છ જિલ્લાના વહીવટી તંત્રે અને ખાસ તો
જિલ્લા કલેક્ટરે જે ભૂમિકા ભજવી હતી તેય અજોડ હતી.
એટલે
રણયુદ્ધનું સમગ્રતયા ચિત્ર મેળવવાની કામગીરી શરૂ કરી તો ૧૯૬૫ના રણયુદ્ધ
વખતે એસ.આર.પી.ના એક જવાનની હેસિયતથી છાડબેટ મોરચે ફરજ બજાવનાર કચ્છના
માંડવી શહેરના જવાન વીરજીભાઇ મીઠુ ખારવાની અખબારી મુલાકાત ધ્યાને આવી.
૧૯૯૭માં ‘કચ્છમિત્ર’માં પ્રસિદ્ધ થયેલી આ મુલાકાતમાં વીરજીભાઇએ પોતાના ત્રણ
સાથીઓની ૨૧/૪/૬૫ની શહાદતનો આંખે દેખ્યો ચિતાર રજૂ કર્યો હતોે. છાટબેટ નજીક
હનુમાન તરાઈ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો કેવી રીતે ત્રાટક્યા એની વિગતે
વાત તેમણે કરી હતી. આ હુમલામાં વીરજીભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો.
એ
સમયે જવાનો કેવા કપરા સંજોગોમાં લડ્યા હતા તેની વાત વીરજીભાઇએ કહેલી. પાંચ
કલાકના સતત તોપમારા વચ્ચે સૈનિકોને ભારે ભૂખ લાગી હતી. તોપમારાને લીધે
રાશન ભરેલી ટ્રક, મેસનો સામાન, તંબુ બધું જ બળીને ખાખ થઇ ગયું હતું. બળેલા
રસોડામાં તપાસ કરી તો સદ્નસીબે બચી ગયેલા એક પતરાના ડબ્બામાંથી ઘણાં દિવસની
વાસી અને સૂકી પચ્ચીસેક રોટલી મળી આવી. વધુ ફંફોસ્યું તો મરચાની ભૂકી મળી
અને એની સાથે જેમતેમ જવાનોએ ભૂખ શાંત કરી. જવાનો હજુ તો પૂરતું જમી લે એ
પહેલાં જ ફરી તોપમારો શરૂ થયો. વીરજીભાઇએ બાજુના મોરચામાં જવાનો આગ્રહ
રાખ્યો પણ વિઠ્ઠલ કાંબલે અને સહાજી સાળુકે નામના બે મરાઠી સિપાઇએ ઇન્કાર
કરી દેતાં વીરજીભાઇ એકલા બાજુમાં ગયા અને ત્યાં જ જૂના મોરચામાં તોપગોળો
પડ્યો અને બંને મરાઠી શહીદ થઇ ગયા. થોડા કલાક પહેલાં ગણપત ડી. ભોંસલે પણ
પાકિસ્તાની તોપમારામાં શહીદ થયા એ ઘટનાના પણ વીરજીભાઇ સાક્ષી હતા. છાડબેટથી
બે-ત્રણ માઇલ દૂર હનુમાન તરાઇ અને કુંબા ચોકી પર માત્ર ૩૦ જવાન ફરજ પર
હતા. ખીજડાના ઝાડ પર બાંધેલા માંચડા (અપરવિઝન પોસ્ટ) પર ચડીને દૂરબીનથી નજર
ફેરવતાં તેમણે પાકિસ્તાની રણગાડી (ટેન્ક)ની કતાર જોઇ. એકતરફ હળવાં-નજીવાં
શસ્ત્રો સાથેની પોલીસ અને સામે પાકિસ્તાનનું શસ્ત્રસજ્જ લશ્કર. અચાનક બોમ્બ
ઝીંકાયો અને માંચડાની બાજુમાં પડ્યો. તેથી બધા સ્ટ્રેન્ચમાં ગોઠવાયા. એ
સાથે જ જોરદાર તોપમારો થયો. ચોકી છોડવાનો આદેશ અપાયો, તેથી જવાનો બીજા
મોરચે જવાની તક શોધવા લાગ્યા. હવાલદાર ગણપત ભોંસલે થોડા આડા ફંટાયા તો
દુશ્મનની નજરમાં આવી ગયા અને તરત જ તેમને નિશાન બનાવી તોપના ગોળાથી દુશ્મને
ફૂંકી માર્યા. કેટલાક પોલીસમેનોનું કહેવું એમ હતું કે, ગણપત ભોંસલે ચોકી
પર મૂકાયેલી હનુમાનની મૂર્તિ લેવા માટે આડા ફંટાયા હતા.
વીરજીભાઇ
ખારવાએ કાળજું કંપાવી દે તેવી અન્ય ક્ષણોનુંયે વિવરણ કર્યું હતું. તેમણે
કહ્યું હતું કે, ૨૪/૪/૬૫ના રોજ ભારતીય સેનાની ટુકડીઓએ છાડબેટનો ચાર્જ લઇ
લીધો અને એસ.આર.પી.ને ખાવડા પાછા ફરવાની સૂચના આપી. વાહન હતાં નહીં એટલે
ભરઉનાળે, સૂર્યના પ્રખર તાપ અને લાલચોળ ધરતી પર પગપાળા ૪૫ માઇલ કાપવાના
હતા. દુશ્મન સામેનો જંગ હવે કુદરત સામેના જંગમાં પલટાઇ ગયો હતો. અફાટ ખારા
રણમાં પોલીસ જવાનો તરસને લીધે બેશુદ્ધ બનીને પડવા માંડ્યા હતા. માથે ભારેખમ
સામાન લદાયેલો હતો. બળબળતી બપોર હતી. કેટલાકે રણમાં મીઠાનું પડ તોડીને
પાણી પીધું તેમાં મુશ્કેલીઓ વધી. છતાં કેટલાક પોલીસ ૧૪ માઇલ દૂરની ચોકીએ
પહોંચ્યા, ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી અને લથડિયા ખાઇ પડી ગયેલા જવાનોને
બચાવ્યા. આ જવાનો બીજા દિ’એ સવારે ચોકી પર પહોંચ્યા.
વીરજીભાઇનો આ
આંખે દેખ્યો ચિતાર ઉપરાંત એ સમયે જંગ લડેલા બીજા એક કચ્છી ભાણજીભા કારૂભા
જાડેજાએ પણ અલગ મુલાકાતમાં ઘણી વાતો કરી હતી. સાર એ જ હતો કે અપૂરતા અને
જૂના પુરાણા બંદૂક જેવાં શસ્ત્રો સાથે તેમને રણમાં મોકલી દેવાયા હતા. અરે,
યુદ્ધ પૂરું થયા પછીયે તેમની સાથે અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો હતો. શહીદ
જવાનોના મૃતદેહ ખસેડવા માટે ડ્રાઇવર જોઇતો હતો પણ ડ્રાઇવર નાસી ગયો હતો.
તેથી ભાણજીભાએ એ જવાબદારી નિભાવી. પણ, યુદ્ધ પૂરું થયા પછી ઇનામ અપાયા
તેમાં નામ ભાગી ગયેલા ડ્રાઇવરનું હતું. આ ઘટનાથી નારાજ થઇને ભાણજીભાએ
રાજીનામું ધરી દીધું હતું. તેમના જેવો કડવો અનુભવ વીરજીભાઇનેય નિવૃત્તિ
વખતે પેન્શનના કાગળિયા પાસ કરાવતી વખતે થયો હતો. દરમ્યાન, ૧૯૬૫ના રણયુદ્ધના
શહીદોના સ્મારકને ભૂકંપમાં ભારે નુકસાની થઇ હોવાની વિગત બહાર આવી. તપાસ
કરતાં ખબર પડી કે કુલ નવ શહીદ પૈકી સી.આર.પી.એફ.ના છ શહીદોનું ભુજ પોલીસ
પરેડ ગ્રાઉન્ડ પરનું સ્મારક તો સલામત હતું પણ પોલીસ હેડ ક્વાર્ટરમાં
એસ.આર.પી.ના ત્રણ જવાનોની ખાંભીને ભારે નુકસાન થયું હતું. આ સ્મારક નજીક
૧૯૬૫ના યુદ્ધ દરમ્યાન શહીદ થયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાના
વિમાનના કાટમાળનેય સ્મારકરૂપે રખાયો હતો તે પણ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો.
પાછળથી કાટમાળની સાફસૂફી થઇ તેમાં આ બધું ક્યાં ગયું એની કોઇને ખબર નહોતી.
આ
વિગતોના આધારે પત્રકારોની ટીમે ૨૦૦૬માં એસ.આર.સી. ગ્રુપ-૨નો સેજપુર-બોઘા
સ્થિત હેડક્વાર્ટરનો સંપર્ક સાધ્યો હતો, પણ, કમનસીબે ત્યાં સુધી દોડ્યા
પછીયે અધિકારી વર્ગ દ્વારા સાનુકૂળ પ્રતિસાદ ન મળ્યો. પોતાના જવાનોની
શહાદતની જાણે કોઈને પડી જ નહોતી. આમ છતાં ટીમ નિરાશ થયા વિના પોલીસ
ક્વાર્ટર સુુધી પહોંચી. ત્યાં કમસે કમ ત્રણ જવાનો એવા મળ્યા જેમણે કચ્છના
રણમાં ’૬૫ના એપ્રિલમાં ફરજ બજાવી હતી. તેમને વીઘાકોટ અને કંજરકોટથી માંડી
બિયારબેટ કે બાવરલાબેટ સુધીના રણની એક-એક ચોકી કે સ્થળ જાણે હમણાં જ જોયા
હોય એવા યાદ હતા.
૧૯૬૫ના યુદ્ધ સાથે સંકળાયેલી આ બધી બાબતો, જવાનોની
મુલાકાત, એસ.આર.પી.ના અમદાવાદ-ગાંધીનગર સ્થિત અધિકારીઓના ઉપેક્ષાભર્યા વલણ
અને રાજ્ય સરકારની ઉદાસીનતા સહિતના મુદ્દાઓને આવરી લેતી શ્રેણી અખબારમાં
પ્રસિદ્ધ થઇ છતાં ન તો ગુજરાત સરકારના ગૃહમંત્રાલયે તેની કોઇ નોંધ લીધી કે ન
તો અનામત પોલીસ ખાતાના પેટનું પાણી હાલ્યું. એસ.આર.પી. ગ્રુપ-૨ના હેડ
ક્વાર્ટર પાસે જૂનો, કોઇ કહેતાં કોઇ રેકર્ડ મોજૂદ નહોતો. એટલું જ નહીં
’૬૫માં રણમોરચે ફરજ બજાવનાર પોલીસમેન નિવૃત્ત થયા પછી અમદાવાદમાં એમના જ
ક્વાર્ટરમાં હયાત હતા, તેમને બોલાવીને સાચી વિગતો જાણવાની દરકાર પણ અધિકારી
વર્ગે કરી નહીં. જો ચોક્કસ માહિતી પત્રકાર મેળવી શકે તો અધિકારીઓ કેમ ન
મેળવી શકે ? મંત્રાલય અને ઉચ્ચ અધિકારી વર્ગના આવા ઉપેક્ષાભર્યા વલણ સામે
અખબારી ઉહાપોહ જારી રહેતાં ૨૦૧૦માં એક અધિકારી માહિતી મેળવવા માટે ભુજ
આવ્યા. જૂના અખબારો, હેવાલો અને લેખો મેળવ્યા પણ કાંઇ વળ્યું નહીં. દરમ્યાન
૨૦૧૧માં એક અનોખો યોગાનુયોગ સર્જાયો. વીરતા દિને એટલે કે ૯મી એપ્રિલે જ
તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાપરમાં નર્મદા નહેરના
કામનું ખાતમુહૂર્ત થયું તે વખતે આ યોગાનુયોગને સાંકળીને શહાદત પ્રત્યેની
ઉદાસીનતાના હેવાલો પ્રસિદ્ધ થયા. અગ્રલેખ સુધ્ધાં લખાયા. પરિણામે મુખ્ય
પ્રધાનના ધ્યાને આ વાત આવી હોય કે જે હોય તે પણ બે મહિના પછી એટલે કે જૂન
૨૦૧૧માં જ ગુજરાત સરકારે જાહેરાત કરી કે રણની ધર્મશાલા ચોકી પર યુદ્ધ
સ્મારક ૭૫ લાખના ખર્ચે ઊભું કરાશે. ગયા વર્ષે આ સ્મારક ધર્મશાલા ચોકી પર
ઊભુંયે કરાયું.
એ જ અરસામાં શહીદ નાયક ગણપત ભોંસલેના પુત્ર રમેશ
ભોંસલે ગાંધીનગર આવ્યા. તેઓ મુંબઇ પોલીસમાં ઇન્સ્પેક્ટર છે. પિતા શહીદ થયા
પછી તેમને ગુજરાત એસ.આર.પી.માં જોડાવું હતું પણ કોઇ દાદ મળી નહીં. રમેશ
ભોંસલે ગયા ડિસેમ્બરમાં કચ્છી પ્રધાન તારાચંદભાઇ છેડા અને ગૃહખાતાના રાજ્ય
કક્ષાના પ્રધાન રજનીકાંત પટેલને મળ્યા અને પોતાના પિતાને શહીદ જાહેર કરાય
એવી રજૂઆત કરી. પ્રધાનોએ તેમને યોગ્ય પગલાંની ખાતરી આપી, એટલું જ નહીં
એવુંયે કહ્યું કે, ૨૦૧૫માં યુદ્ધની સુવર્ણ જયંતીના પ્રસંગે ત્રણેય શહીદોનું
ઉચિત સન્માન થશે.
પણ અફસોસ કે ચાલુ વર્ષની ૯મી એપ્રિલે સવારે રણની
ધર્મશાલા ચોકી પર વીરાંજલિ કાર્યક્રમ યોજાયો ત્યારે સીમા સુરક્ષા દળ અને
કેન્દ્રીય પોલીસ દળના અધિકારી હાજર રહ્યા. જ્યારે શરમજનક વાત એ હતી કે
એસ.આર.પી.ના કોઇ કહેતાં કોઇ હાજર જ ન રહ્યા. આ કાર્યક્રમમાં નવી જાહેરાત થઇ
કે હવે સરદાર ચોકી પર એક કાયમી અને શાનદાર શહીદ સ્મારક છ કરોડના ખર્ચે
થશે. સમજાતું નથી કે ’૬૫ના રણયુદ્ધની વાસ્તવિક્તાથી એસ.આર.પી. દૂર કેમ ભાગે
છે?
માભોમની રક્ષા કરતાં શહીદ થયેલા કે હયાત એવા જવાનો પ્રત્યે
આવું ઉપેક્ષાભર્યું વલણ શા માટે ? દસ્તાવેજીકરણનીયે આટલી અવગણના કેમ એ સવાલ
સહેજે ઊભો થાય છે. હા, ગયા વર્ષે રાષ્ટ્રીય કક્ષાની ઘોડેસવારી સ્પર્ધા
વખતે ગુજરાત પોલીસે કોફી ટેબલ બુક પ્રસિદ્ધ કરી હતી, તેમાં રણયુદ્ધના ત્રણ
શહીદ પોલીસ જવાનોનો પરિચય અપાયો હતો. પણ આટલાથી સંતોષનો ઓડકાર ખાઇ લેવો
વાજબી નથી.
કેન્દ્રીય અનામત પોલીસ દળે ૧૯૬૫ની ઘટનાનું દસ્તાવેજીકરણ
૨૦૦૨માં કર્યું અને શહાદતની સ્મૃતિમાં દર વર્ષે ૯મી એપ્રિલે શૌર્ય દિન
મનાવવાના રાષ્ટ્રીય કક્ષાએ શ્રીગણેશ કર્યા. કેન્દ્રીય દળ પોતાના જવાનો
પ્રત્યે ૩૬ વર્ષે ઋણ ચૂકવે છે, તો રાજ્ય અનામત પોલીસ કેમ પચાસ વર્ષે ઋણ
ચૂકવતાં અચકાય છે? કેન્દ્રીય દળે તો સરદાર ચોકીની ધરતીની ધૂળ દિલ્હી સુધી
લઇ જઇને બે કળશમાં મૂકી છે. એક કળશ ડી.જી.ની ઓફિસે અને બીજું શહીદ સ્મારક
પર. કેન્દ્રીય દળના મુખ્યાલયની લાલજાજમ બિછાવેલી સીડી પર તમે પગ મૂકો તો
સામે ૧૨થી ૧૫ ફૂટની વિશાળ કદની સરદાર ચોકીની તસવીર નજરે પડે છે અને આપણી
છાતી ગજગજ ફૂલી જાય છે. ક્યાં કેન્દ્રીય દળ અને ક્યાં એસ.આર.પી. ?
રાજકીય
રીતે જોવા જઇએ તો ભાજપની સરકારો અને નેતાઓ ખાસ કરીને કોંગ્રેસી સરકારોની
ભૂતકાળની ક્ષતિઓ શોધી શોધીને સાચોખોટો હોબાળો મચાવવા હંમેશ તૈયાર હોય છે.
તો રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલી એસ.આર.પી.ના જવાનોની શહાદત જેવા
સંવેદનશીલ પ્રશ્ર્ને ખામોશ કેમ છે, એ જ સમજાતું નથી. લગભગ વિનાહથિયારે
મોરચો સંભાળનારાઓની કદર આપણે સુવર્ણ જયંતીએ નહીં કરીએ તો ક્યારે કરીશું ?
સુરક્ષા પ્રત્યેની સરકારની ઉપેક્ષા વચ્ચે રણમાં જવાનો જંગ લડ્યા એ શું
આપણા માટે ગૌરવની વાત નથી ?
રણમોરચાનો અજોડ મુલકી યોદ્ધો એસ. જે. કોહેલ્હો |
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
(કચ્છ મોરચે ૧૯૬૫નું યુદ્ધ-૪)
૧૯૬૫નું
ભારત-પાક યુદ્ધ પૂરું થયા પછી રણ મોરચે જાનની બાજી લગાવીને મા ભોમની રક્ષા
કરનારા કેન્દ્રીય પોેલીસ, એસ.આર.પી. ઉપરાંત લશ્કરી જવાનોને બહાદુરીના
એવોેર્ડ અપાયા, એ સ્વાભાવિક હતું. પણ કચ્છને સંબંધ છે ત્યાં સુધી એ સમયના
જિલ્લા કલેક્ટર એસ.જે. કોહેલ્હોને યુદ્ધની કટોકટીભરી સ્થિતિમાં દેશદાઝથી
ફરજ બજાવવા બદલ ૧૯૬૬માં કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો એ ઘટના
અભૂતપૂર્વ હતી. આઝાદી પછીના ઇતિહાસમાં કોઇપણ આઇ.એ.એસ. અધિકારીને આ રીતે
પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. આમ તો ’૬૫ના
યુદ્ધની વીરગાથાની જેમ એમની ફરજનિષ્ઠાની વાત પણ સમયના વહેણ સાથે વિસરાઇ ગઇ
હતી. ૨૦૦૨માં કેન્દ્રીય અનામત પોલીસ દળે નવેસરથી ’૬૫ના રણયુદ્ધનું
દસ્તાવેજીકરણ કર્યું તેને પગલે કચ્છના પત્રકારોની ટીમે સારું એવું સંશોધન
કર્યું ત્યારેય આ ઘટના પ્રકાશમાં આવી નહીં, પરંતુ ૨૦૧૦માં ‘કચ્છમિત્ર’ના
આષાઢી બીજ વિશેષાંકમાં શ્રી કોહેલ્હોએ જાતે યુદ્ધના અનુભવનો વિગતે લેખ
લખ્યો ત્યારે ખબર પડી કે આ માણસે તો ઇતિહાસ સર્જી દીધો છે.
પચાસ
વર્ષ પહેલાં કચ્છમાં માળખાકીય સુવિધાઓનો મોટાપાયે અભાવ હતો અને સુરક્ષા
બંદોબસ્ત સાવ અધકચરો હતો. સરહદે ન રસ્તા કે ન પાણીની જોગવાઇ, ભુજથી ખાવડાનો
રસ્તોય બિસમાર, સંદેશાવ્યવહારના વાંધા અને બીજાં સાધનોયે ટાંચા. આવી
સ્થિતિ અને સંજોગોમાં કટોકટી ઊભી થઇ ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના
જવાબદાર પ્રધાનો, જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસ, લશ્કર અને
અર્ધલશ્કરી દળો વચ્ચે સેતુરૂપ બની પરિણામલક્ષી સુસંકલિત કામગીરી પાર
પાડવામાં શ્રી કોહેલ્હોએ જે સૂઝબૂઝ અને હિંમત દાખવ્યા એ બેમિસાલ હતા.
જાણીને
નવાઇ લાગશે કે ૧૯૬૫ની નવમી એપ્રિલે પાકિસ્તાની લશ્કરે સરદાર ચોકી પર
આક્રમણ કર્યું ત્યારે શ્રી કોહેલ્હો જાતે ત્યાંથી થોડે દૂર સરહદી વીઘાકોટ
ચોકી પર હાજર હતા. કલેક્ટર જેવા ઉચ્ચ કક્ષાના અધિકારી યુદ્ધ મોરચે જવાનો
સાથે સ્ટ્રેન્ચમાં બેસીને રાત વિતાવે એ જરૂરી નથી. છતાં તેઓ હાજર હતા એ
એમની દેશદાઝ, હિંમત અને કામ પ્રત્યેની ઝનૂની નિષ્ઠા સૂચવી જાય છે. અરે,
આપણે આજે રણમાં સરદાર ચોકી તરીકે જેને ઓળખીએ છીએ અને જ્યાં યુદ્ધ શહીદોનું
સ્મારક છે એ બોર્ડર પોસ્ટનું સર્જન અને નામકરણ ૧૪ માર્ચ ૧૯૬૫ના રોજ થયા
તેમાંયે તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. બીજા અર્થમાં કહીએ તો સરદાર પટેલ
જેવા લોખંડી ગુજરાતી નેતાનું નામ સરહદે ગાજતું રાખતી ચોકીના સર્જક પણ તેઓ જ
છે. (સરદાર ચોકી નામ શીખ કમાન્ડરના નામે રખાયું હોવાની વાત સાચી નથી
ખોટી છે.)
‘કચ્છના
રણ પર નાપાક આક્રમણ સમયનો અનુભવ, જિંદગીભરનું યાદગાર નજરાણું’ શીર્ષક
હેઠળનો એમનો આ લેખ વાંચતાં એ સમયનાં દૃશ્યોની કલ્પના કરીએ તો જાણે એક
રોમાંચક યુદ્ધ ફિલ્મ જોતાં હોઈએ એવું લાગે... કચ્છની અશાંત સરહદે નાપાક
હરકતોની ભરમાર વચ્ચે ચોક્કસ મિશન અને લક્ષ્ય સાથે રાજ્ય સરકારે એક યુવાન
અધિકારીની ભુજ બદલી કરતાં તા. ૧૧-૯-૧૯૬૪ના રોજ એ નવા કલેકટર તરીકેનો ચાર્જ
સંભાળે છે, બીજા દિવસથી જ અઘરું કામ પાર પાડવા ઝંપલાવી દે છે. છુપા વેશે
સરહદો પર જૂની સ્ટેશન વેગન કાર જાતે જ હંકારીને પહોંચી જાય છે, વીઘાકોટ
જેવા દુર્ગમ સ્થળે પાણીના બોર ખોદાવે છે પણ પાણી ભાંભરું નીકળતાં
ગુજરાતભરમાંથી સરકારી ટેન્કરો બોલાવી સીમાએ પાણી પહોંચાડે છે, ખખડધજ
ટેન્કરોના રિપેરિંગ માટે મુંબઈની ચોરબજારમાંથી સ્પેરપાર્ટ વિમાનમાર્ગે
મગાવે છે, ૧૯૬૫ના બીજા મહિનામાં પાકિસ્તાન ફરી રણમાં લશ્કરી હિલચાલ વધારી
દે છે, પછીના દિવસોમાં કંજરકોટ પર પાકિસ્તાની દળો કબજો જમાવી લે છે અને
કેન્દ્ર સરકાર એને પાછું લેવા લશ્કરી દળનો ઈન્કાર કરી દે છે તેથી કંજરકોટની
સામે ત્રણેક કિ.મી. દૂર ભારતની નવી ચોકી સ્થાપે છે અને એને વલ્લભભાઈ
પટેલની સ્મૃતિમાં સરદાર પોસ્ટ નામ આપે છે, એ ચોકી પર નવમી એપ્રિલે પાક દળો
ત્રાટકે છે ત્યારે કલેકટર જાતે વીઘાકોટ પર હાજર હોય છે અને બીજા દિવસે
ગુજરાતના મુખ્ય પ્રધાનને ફોન કરીને કહી દે છે અહીં હવે તો લશ્કર મોકલો,
જ્યાં સુધી લશ્કર નહીં આવે ત્યાં સુધી હું અહીં જ ખાધાપીધા વિના બેસીશ
એવી ધમકી અધિકારી આપે છે, આખરે ગુજરાતના મુખ્ય પ્રધાન ભારતના વડાપ્રધાન
સાથે વાત કરે છે ને લશ્કરને આદેશ અપાય છે, યુદ્ધના માહોલ વચ્ચે ખાવડામાં
સંરક્ષણપ્રધાન, ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના લશ્કરી વડા સાથે બેઠક
યોજાય છે તેમાં કલેકટર સામે પારથી આવેલી ગુપ્ત બાતમી આપતાં કહે છે કે રણના
બિયારબેટ વિસ્તારમાં પાકિસ્તાન ટેન્ક આક્રમણની શતરંજ બિછાવે છે, લશ્કરી વડા
આ વાત હસી કાઢે છે પણ ગણતરીના દિવસોમાં વાત સાચી પડે છે અને બિયારબેટ પર
પાકિસ્તાન ટેન્ક હુમલો કરી ભારતને ત્યારે નુકસાન પહોંચાડે છે... આવા
અધિકારીની યુદ્ધ પૂરું થયા પછી ૯-૧૧-૧૯૬૫ના રોજ બદલી થાય છે ત્યારે ભુજની
લશ્કરી બ્રિગેડ ચીલો ચાતરીને મુલ્કી અધિકારીને વિદાય બહુમાન આપે છે.
ફિલ્મી
પટકથા કે રોમાંચક નવલકથા માટે રસપ્રદ અને નાટકીય ઘટનાઓની આ વિગત જાણ્યા
પછી નિવૃત્ત સવાઇ કચ્છી અધિકારી સ્ટાનિસ્લાઉસ જોસેફને કોહેલ્હોને રૂબરૂ
મળીને વંદન કરવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. તેમણે જો એક સર્વોચ્ચ મૂલ્કી
અધિકારી તરીકે સંકલિત કામગીરીમાં જો અજોડ ભૂમિકા ન ભજવી હોત તો સંભવ છે કે,
પાકિસ્તાને આપણા વધુ વિસ્તારો કબજે કરી લીધા હોત. એ રીતે જોતાં તેઓ
રણયુદ્ધના મુખ્ય હીરો હતા.
તેમને રૂબરૂ મળવાની ઝંખના ગયા વર્ષના
સપ્ટેમ્બર મહિનામાં પૂરી થઇ. તેઓ તેમના પત્ની મરિટા સાથે બેંગ્લુરુમાં
નિવૃત્ત જીવન મોજથી માણે છે. અમે એમના બંગલામાં પ્રવેશ્યા કે તરત જ ભેટી
પડ્યા. છેક ભુજથી પચાસ વર્ષ પહેલાંની વિગતો જાણવા કોઇ બેંગ્લુરુ સુધી આવે એ
વાત એમને માન્યામાં નહોતી આવતી. ખેર, પણ ૮૨ વર્ષની જૈફ ઉંમરે એમણે યુવાન
જેવી સ્ફૂર્તિભરી છટાથી ભૂતકાળને વાગોળ્યો. જાણે બધું હમણાં જ બન્યું હોય એ
રીતે ઝીણામાં ઝીણી વિગતો સાથે તેમણે એકએક પ્રસંગની વાત માંડીને કહી. વાત
ક્યાંક ફંટાઇ જાય તો એમના પત્ની મરિટા વચ્ચે ટાપસી પૂરી દેતાં. નાપાક
આક્રમણની તેમની સ્મૃતિ અકબંધ હતી. યુદ્ધ સમયના જુદા જુદા વિભાગોના
અધિકારીઓ, પાત્રોના નામ ફટાફટ બોલે જતા હતા. કચ્છના ડી.એસ.પી. શ્રી
દાદાભોય, ભૂસ્તરશાસ્ત્રી સી.બી. રાજુ, મેજર કર્નેલસિંહ, બ્રિગેડિયર
પહેલજાની, જનરલ ઓ.પી. દૂન, લેફ્ટ. કર્નલ સુંદરજી, વાયુદળના વી. વેંકટરામન,
ડી.આઇ.જી. જે.કે. સેન, એસ.ટી. અધિકારી જ્યોર્જ ફ્રાન્સીસ, કર્નલ હેનરી...
વિગેરે એ સમયનાં પાત્રોની યાદી લાંબી છે.
વાતચીત દરમ્યાન શ્રી
કોહેલ્હો પ્રસંગ વર્ણન વખતે રમૂજ પણ કરી લેતા. એમની સેન્સ ઓફ હ્યુમર પણ દાદ
માંગી લે તેવી હતી. તેમની સાથેની આ મુલાકાત ઉપરાંત ભુજમાં એમની સાથે કામ
કરનાર જૂના કર્મચારી અને કેટલાક વયોવૃદ્ધ કચ્છી રાજકારણીઓ પાસેથી જાણવા
મળેલું કે આવા દેશદાઝભર્યા અધિકારીનીયે રાતોરાત ટેલિફોનિક બદલી માંડવીના
ક્ધિનાખોર રાજકારણીએ કરાવી હતી. બન્યું એવું કે, સલાયાના કોઇ ઇસમની ભારતીય
સંરક્ષણ ધારા હેઠળ અટક કરવાનો આદેશ શ્રી કોહેલ્હોએ આપ્યો હતો. તેથી
કૉંગ્રેસી મહાશય નારાજ હતા, જેની અટક કરાઇ હતી તે સંભવત: દાણચોર હતો. મતલબ
કે પચાસ વર્ષ પહેલાં ભલે દાઉદ ઇબ્રાહિમનો જમાનો નહોતો, પરંતુ કોઇ રાજકારણીઓ
એ સમયે પણ દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓની પડખે ઊભા રહેતા હતા. કચ્છના
રાજકારણની આ એક શરમજનક ઘટના હતી.
બેંગ્લોરની મુલાકાત વખતે બદલી અંગે
પૂછયું તો શ્રી કોહેલ્હોએ રાજકીય દબાણ હેઠળ પોતાની બદલી થઈ હોવાનો એકરાર
કર્યો હતો. જો કે વધુ વિગતો આપી નહોતી. મોરારજીભાઈ દેસાઈના કહેવાથી મુખ્ય
પ્રધાન હિતેન્દ્ર દેસાઈએ તેમને ફોન કરીને કહ્યું હતું કે ‘રાજકીય દબાણમાં
અમારે કયારેક આવું કરવું પડે છે પણ તમને હવે વડોદરા જેવું શ્રેષ્ઠ સ્થળ
આપું છું.’
ખેર, બદલી કર્યા પછી હિતુભાઈની સૌમ્યતા અને ગરિમા કે
પછી પાપના પ્રાયશ્ર્ચિતરૂપે શ્રી કોહેલ્હોને પદ્મભૂષણ જેવું બહુમાન મળે એ
માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી. હિતુભાઈ ૧૯૬૫ના યુદ્ધ સમયે ગૃહપ્રધાન હતા
પણ એ જ યુદ્ધમાં પાછળથી પાકિસ્તાની ગોળીબારથી વિમાન તૂટતાં મુખ્ય પ્રધાન
બળવંતરાય મહેતા કચ્છની ધરતી પર શહીદ થયા તે પછી મુખ્ય પ્રધાન બન્યા હતા. એ
વખતે કેન્દ્રીય ગૃહમંત્રાલયના સચિવ જેવા બાબુઓ કોઈ મુલ્કી અધિકારીને યુદ્ધ
દરમ્યાનની કામગીરી માટે મોટો ઈલ્કાબ રાષ્ટ્રપતિ દ્વારા મળે એની તરફેણમાં
નહોતા. તેથી તેમણે ઈન્કાર કરી દીધો. પણ, ગુજરાતી જયસુખલાલ હાથી રાજ્ય
કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન હતા તેથી તેમણે ભારપૂર્વક પુન: રજૂઆત કરી.
આખરે તેમને પદ્મભૂષણ નહીં પરંતુ પદ્મશ્રી એવોર્ડ ૨૬ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ
એનાયત થયો. આમ અહીંયે રાજકારણ ખેલાયું હતું.
પરંતુ શ્રી કોહેલ્હો
માને છે કે અધિકારીએ બદલીઓની ચિંતા કરવાને બદલે નિષ્ઠા અને ઈમાનદારીથી કામ
કરવું હિતાવહ છે. તેમણે ગુજરાત સરકાર તેમ કેન્દ્ર સરકારના જુદાં જુદાં
ખાતાઓ અને નિગમોનાં કામ કરી નોંધપાત્ર એવોર્ડ મેળવ્યા છે. છેલ્લે ગુજરાત
વિદ્યુત બોર્ડના અધ્યક્ષ તરીકે ડિસેમ્બર, ’૯૫થી ઑગસ્ટ ’૯૭ સુધી અસરકારક
કારભાર નિભાવી નિવૃત્ત થયા છે. ૮૨ વર્ષની ઉમરે હજુયે સ્ફૂર્તિ ધરાવે છે.
એકમાત્ર પુત્રી વિદેશમાં છે, પત્ની મરિટાને એન્ટિક ચીજો સંઘરવાનો શોખ છે, એ
તો એમના બંગલામાં પ્રવેશતાં જ જોઈ શકાય છે. જાણે કોઈ એન્ટિકવાળાના શો
રૂમમાં પ્રવેશતા હોઈએ એવું લાગે. જૂનું ફર્નિચર, રાચરચીલું, પશ્ર્ચિમી
આધુનિક ચિત્રકલાનાં તૈલચિત્રો, વાસણો, કલાત્મક કોતરકામ કરેલો અરીસો, મેજ,
ઈસ્કોતરો વગેરે...
શ્રીમતી મરિટાનેય યુદ્ધના દિવસો બરાબર યાદ છે.
દિવસ-રાત પતિદેવ જાણે કોઈ ઝનૂન એમના મગજ પર સવાર થઈ ગયું હોય એમ કામ કર્યા જ
કરતા. રાતે સૂએ પણ નહીં. ૯મી એપ્રિલે વીઘાકોટના સ્ટ્રેન્ચ (ખાડા)માં રાત
વીતાવી તે વખતે પાકિસ્તાની તોપમારાના અવાજથી શ્રી કોહેલ્હોના કાનના પરદાને
નુકસાન થતાં કાયમી બહેરાશ આવી ગઈ એને યાદ કરતાં શ્રીમતી મરિટા કહે છે કે
૧૨મી એપ્રિલે મારો જન્મદિન હતો એ દિવસેય સાહેબ કામમાં એવા મગ્ન હતા કે જાતે
જ સ્ટેશન વેગન હંકારી સીમાએ પહોંચી ગયા હતા.
ભુજમાં એકધારું કામ
કરતાં શ્રી કોહેલ્હોને જેમણે જોયા છે એ પૈકી એક પી. એચ. ભટ્ટી પણ
માર્ચ-એપ્રિલ ૧૯૬૫માં બે-ત્રણ વાર સરહદ પર ગયા હતા. તેમને યાદ છે કે
ધર્મશાળા ચોકી નજીક ૧૦ડ્ઢ૧૦ની ઓરડીમાં શ્રી કોહેલ્હો અને ડી.એસ.પી. શ્રી
દાદાભોય રોકાતા અને પછી સિંધ ભણી ચોકીઓ તરફ જતા. જવાનોને સરહદે ખસેડવા એ
સમયે કોઈ વાહન હતાં નહીં તેથી બસો મોકલવી પડતી. ઈન્ડિયા બ્રિજનું તે વખતે
અસ્તિત્વ નહોતું. જૂનો કસ્ટમ રોડ હતો. ખાવડા પછીયે ઝાડી હતી અને રણ પણ છેક
નાળા સુધી આવીએ ત્યારે દેખાતું. નાળામાં પાણી અને કીચડમાં ગાડી ખૂંપી જાય.
કલેકટરને જાતે ગાડીને ધક્કા મારતાં ભટ્ટીભાઈએ જોયા છે. આપણાં વાહન અત્યારે
જ્યાં બ્રિજ છે એ વિસ્તાર પાર કરી શકે એ માટે યુદ્ધના ધોરણે કાચો રસ્તો
બંધાયો હતો. કન્ટ્રોલ રૂમમાં અવારનવાર શ્રી કોહેલ્હોને દોડી જતાં તેમણે
જોયા છે. તેમના જણાવ્યા અનુસાર શંકરભાઈ ઠક્કર અને નાયબ કલેકટર કે.જી. સરૈયા
જેવા કર્મચારીઓ પણ સરહદે આવ-જાવ કરતા.
’૬૫ના માર્ચ-એપ્રિલનો એક-એક
દિવસ તારીખ સાથે શ્રી કોહેલ્હોને યાદ છે. ખાસ કરીને ૮, ૯ અને ૧૦ એપ્રિલની
ઘટનાઓ તો એમના મેમરી કાર્ડમાં એવી સચવાયેલી છે કે દિવસ કે કલાક નહીં
મિનિટોની ગણતરી સાથે વાત કરે છે. એમની સાથે એમના દીવાનખંડમાં કેટલીયે વાતો
કરી. વચ્ચે, એમનો બાયોડેટા માગ્યો તો ‘અરે મારી પાસે કોપી નથી..’ એમ કહી
ઊઠયા અને ઝેરોક્ષ કરાવવા જાતે બહાર ચાલ્યા ગયા. દશ મિનિટમાં પાછા આવ્યા,
એવી એમની સ્ફૂર્તિ.
..પણ આખરે તો, યુદ્ધવિરામ પછી ટ્રિબ્યુનલ રચાઈ
અને કચ્છ રણનો ૩૫૦ કિલોમીટર જેટલો છાડબેટ સહિતનો વિસ્તાર ગુમાવવાનો વારો
આવ્યો એ માટે જવાબદાર કોણ, શું રાજ્ય અને કેન્દ્ર સરકારની નિર્માલ્ય નીતિ
અને વલણ આ માટે જવાબદાર નથી એવું પૂછ્યું તો શ્રી કોહેલ્હોએ ચુપકી સેવી,
પછી બોલ્યા... ‘છાડબેટ ગયું, સરદાર (ચોકી) આપણી પાસે રહ્યા ! શૌર્યનું
પ્રતીક છે ને?
આ યુદ્ધ અને એ પછીના બનાવોનાં લેખાંજોખાં કરતાં
રાજ્ય-કેન્દ્ર સરકારની તૈયારીઓ અંગે ઘણી ટીકા-ટિપ્પણીઓ થઈ છે, પરંતુ નવમી
એપ્રિલ સહિતના બનાવ અને કલેક્ટરની કામગીરીની તો સર્વત્ર પ્રશંસા થઈ છે,
એનું એક કચ્છી તરીકે આ લખનારને ગૌરવ છે.
સિંધના હિન્દુ ભારતનું આક્રમણ ઇચ્છતા હતા તો બદીનના મુસ્લિમ બે દેશનું એકીકરણ |
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
કચ્છ મોરચે ’૬૫નું યુદ્ધ...૫
કચ્છના
રણમાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન સંઘર્ષનો એપ્રિલના છેલ્લા દિવસોમાં બ્રિટનની
દરમ્યાનગીરીથી અંત આવી ગયો હતો. વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સને ૨૮મી એપ્રિલે
ભારતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ
ખાનને યુદ્ધવિરામ માટે દરખાસ્ત કરી. તેમણે સૂચવ્યું કે, પ્રથમ લડાઇ બંધ કરી
દેવી, તે પછી બંને દેશનાં સશસ્ત્ર દળો યથાવત્ સ્થાને એટલે કે ૧લી
જાન્યુઆરી, ૧૯૬૫ના રોજ સરહદ પર જે સ્થળે-સ્થિતિએ હતા ત્યાં પાછાં ફરે અને
એને પગલે બંને દેશની સરકારો ઝઘડાના નિવારણની વાટાઘાટ શરૂ કરી દે. બે-ત્રણ
દિવસમાં જ ભારત અને પાકિસ્તાન દરખાસ્ત સ્વીકારી લેવા સંમત થયા. અહીં
પાકિસ્તાન માટે સંતોષ માનવાને સૌથી મોટું કારણ એ હતું કે, તેમાં કચ્છ-સિંધ
સરહદ વિવાદગ્રસ્ત છે, એવા પોતાના દાવાને સ્વાભાવિક રીતે જ સમર્થન મળી જતું
હતું. વિવાદ છે એટલે જ એને ઉકેલવા મંત્રણાની વાત હતી.
ખેર, દરખાસ્ત
પ્રત્યેના સકારાત્મક પ્રતિભાવને પગલે રણ મોરચો શાંત થઇ ગયો, પણ
યુદ્ધવિરામના ત્રણ તબક્કા હતા. પ્રથમ તો મે મહિનાના આરંભે બિનસત્તાવાર
યુદ્ધવિરામ. એ પછી ૧૦મી મેથી વિધિવત્ યુદ્ધવિરામની જાહેરાત થઇ, પણ
યુદ્ધવિરામ સમજૂતી હજુ બાકી હતી. એટલે સંઘર્ષ બંધ થયા પછી મે અને જૂન
મહિનામાં યુદ્ધવિરામ કરારના જુદા જુદા મુદ્દા અને શરતોની સંબંધિત પક્ષોના
પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાઓ થઇ અને એના મુસદ્દાને અંતિમ ઓપ અપાયો. આખરે ૩૦મી
જૂન, ૧૯૬૫ના રોજ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા અને ૧લી જુલાઇથી તેનું
અમલીકરણ શરૂ થયું. બંને દેશનાં દળો ૧લી જાન્યુઆરીની સ્થિતિએ કરારની શરતો
અનુસાર પાછા ફર્યાં. કરાર અનુસાર બે મહિનામાં ભારત-પાકિસ્તાનના
વિદેશપ્રધાનોની બેઠક સીમા વિવાદ સંબંધિત ચર્ચા કરવા યોજવાની હતી. આ માટે
૨૦મી ઑગસ્ટની તારીખ નક્કી થઇ, પરંતુ મંત્રણાઓ રદ્દ કરવી પડી, કારણ કે એ
સમયે તો ભારત-પાક વચ્ચે સંઘર્ષ કાશ્મીર મોરચે શરૂ થઇ ચૂક્યો હતો. તેથી
યુદ્ધવિરામ કરવાની શરત અનુસાર રણ સરહદ વિવાદ સીધો જ આંતરરાષ્ટ્રીય
ટ્રિબ્યુનલને સોંપવાની જાહેરાત થઇ.
આમ ભારતની અનિચ્છા છતાં કચ્છ રણ
સરહદ વિવાદ આંતરરાષ્ટ્રીય ફોરમ પર પહોંચી ગયો. પણ, લડાઇ બંધ થઇ ત્યાં
સુધીમાં ભારત અને પાકિસ્તાનમાં ખરેખર શું થયું, મોરચા પર એપ્રિલના છેલ્લા
દિવસોમાં કેવી સ્થિતિ હતી, એની વિગતોયે જાણવા જેવી અને રસપ્રદ છે.
૯મી
એપ્રિલે નાપાક આક્રમણ શરૂ થયું અને કેન્દ્રીય અનામત પોલીસ દળે તેને કેવી
ચાલાકીથી મારી હઠાવ્યું એ આપણે અગાઉના લખાણમાં જોઇ ગયા છીએ. પણ સરદાર ચોકી
પર માર ખાધા પછી, પાકિસ્તાની દળો ફરી સક્રિય થઇ ગયા હતાં. સામસામો ગોળીબાર
બંને બાજુથી થતો રહ્યો હતો. નોંધપાત્ર બાબત એ હતી કે, ૧૯મી એપ્રિલ સુધી
બંને દળો વચ્ચેનો સંઘર્ષ સરદાર ચોકી અને વીઘાકોટ વિસ્તાર સુધી મર્યાદિત
રહ્યો હતો. જ્યારે ૨૦મી એપ્રિલે પાકિસ્તાને છાડબેટ વિસ્તારમાં પોઇન્ટ ૮૪
(સેરાબેટ) પર પણ સેલ છોડવાનું શરૂ કરી દીધું.
૨૧મીએ હનુમાન તરાઇ
ચોકી પર એસ.આર.પી.ના ત્રણ જવાનો દુશ્મનના હુમલામાં શહીદ થયા, એ આપણે અગાઉના
લખાણોમાં જોઇ ગયા છીએ. તે પછી એટલે કે ૨૩ અને ૨૪ એપ્રિલે બિયારબેટ અને
છાડબેટ પર મુખ્ય આક્રમણ પાકિસ્તાને કર્યું હતું. આ હુમલામાં ૧૨થી ૧૩
ટેન્કનો કાફલો રણમાં આગળ વધ્યો હતો. ત્રણ ટેન્ક ભારતીય જવાનોએ ફૂંકી મારી
હતી, તો બે ટેન્ક રણમાં ખૂપી જતાં દુશ્મનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
હતો. આમ છતાં દુશ્મનની સંખ્યા - જોર, આપણી તુલનાએ વધુ હતું. પરિણામે ૨૪મીએ
પોઇન્ટ ૮૪ (સેરાબેટ) પર દુશ્મને કબજો કરી લીધેલો. ૨૬મીએ બિયારબેટ પણ
હાથમાંથી નીકળી ગયું હતું. સંઘર્ષ જારી રહ્યો હતો. પાકિસ્તાની દળોએ તે
પછીયે એટલે કે છેક ૨૯ એપ્રિલ સુધી મીડિયમ ગન્સ, એફ.ડી. ગન્સના બે હજારથી
વધુ રાઉન્ડ ગોળીબાર સાથે ૩૨૫ મોર્ટાર સેલનો મારોયે ચલાવ્યો હતો. તે પછી, આમ
તો મે મહિનાના આરંભે જ બિનસત્તાવાર યુદ્ધવિરામ થઇ ગયું હોવાથી મોરચા શાંત
હતા. આમ છતાં ૧૦મી મે સુધી એટલે કે વિધિવત્ જાહેરાત અનુસાર યુદ્ધવિરામ થાય
તે દરમ્યાન ક્યાંક ક્યાંક છમકલાં ચાલુ રહ્યા હતાં. ખાસ કરીને રણના
સંવેદનશીલ વિસ્તારમાં બંને દળોના જવાન પેટ્રોલિંગ કરતી વખતે સામસામા આવી
જતા ત્યારે તંગદિલી વધી જતી. આ પ્રકારની એક અથડામણ ૯મી મેના રોજ થઇ હતી.
જેમાં પાકિસ્તાનના ચાર સૈનિક માર્યા ગયા હતા. જ્યારે ભારત પક્ષે બે જવાન
શહીદ થયા હતા. રણ મોરચે આ છેલ્લી અથડામણ હતી. ૩૨ દિવસના સંઘર્ષમાં
પાકિસ્તાનની ખુવારી ભારત કરતાં સારી એવી મોટી હતી. પણ કંજરબેટ, છાડબેટ અને
બિયારબેટ સહિતનો વિસ્તાર એણે કબજે કરી લીધો હતો.
કચ્છની પ્રજાને
સંબંધ છે ત્યાં સુધી યુદ્ધકાળ દરમ્યાન એનો જુસ્સો મહદઅંશે જળવાઇ રહ્યો હતો.
એપ્રિલના સંઘર્ષ વખતે હવાઇ હુમલાનો ભય નહોતો, પરંતુ સપ્ટેમ્બરમાં પૂર્ણ
કક્ષાએ રાજસ્થાનથી જમ્મુ-કાશ્મીર સુધી યુદ્ધ ખેલાયું ત્યારે પાકિસ્તાનનાં
વિમાનો કચ્છ સુધી આવતાં હતાં એટલે નાગરિક સંરક્ષણની વ્યવસ્થા તંત્ર અને
સ્થાનિક સંસ્થાઓના સુસંકલનથી વ્યવસ્થિત રીતે ગોઠવાઇ હતી. દુશ્મન વિરોધી
લોકજુવાળ ઊભો થયો હતો. રાજ્યસભામાં ડૉ. મહિપત મહેતાએ આ જુવાળને વાચા આપતાં
સંસદગૃહમાં કહ્યું હતું કે, "ભુજમાં અમર શહીદોને અંજલિ
આપવા મોટી
જનમેદની ઊમટી પડી હતી. આપણા જવાનો અને લશ્કરના લોકોયે તેનાથી પ્રભાવિત થયા
હતા. આજે હું અત્યંત ગર્વથી એમ કહી શકું છું કે, સરહદી ગામોમાં જ્યાં
ગોળીબારના અવાજો સંભળાતા હતા, ત્યાંના લોકો પોતાના ઘર છોડીને ક્યાંય ગયા
નહોતા, તેમનો જુસ્સો ઊંચો હતો. દરેક યુવાન હથિયાર માગે છે... કચ્છનો ઇતિહાસ
અનેરો છે. કચ્છ પર હંમેશાં સિંધનો ડોળો રહ્યો હતો. તેઓ સતત હુમલા કરતા
રહ્યા હતા અને કચ્છના લોકો હંમેશાં હિંમતભેર તેને મારી હઠાવતા હતા. આ
ઇતિહાસનું આજે પુનરાવર્તન થાય છે...
સપ્ટેમ્બરના યુદ્ધ સમયે
પાકિસ્તાન વાયુસેનાનાં વિમાનો કચ્છ પર તેમ અહીંથી છેક જામનગર સુધી ઉડ્ડયન
કરીને હુમલાની કોશિશ કરતા. એ વખતે એકાદ વાર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પણ
નેતાઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓએ સાથે મળી હિજરત રોકવામાં મહત્ત્વનો
ભાગ ભજવ્યો હતો. જો કે, સરહદનાં કેટલાંક ગામોમાંથી લોકોએ સ્થળાંતર કર્યું
હતું ખરું. ૭મી સપ્ટેમ્બરથી કચ્છમાં બ્લેકઆઉટ શરૂ થયા હતા અને તે સાથે જ
નાગરિક સંરક્ષણ વ્યવસ્થા મજબૂત બની હતી. વર્તમાનપત્રો સાંજે યુદ્ધ સમાચાર
માટે ખાસ વધારા પ્રસિદ્ધ કરતા હતા.
પરંતુ ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના
મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું વિમાન દુશ્મને નિશાન બનાવતાં અબડાસા
તાલુકાના સુથરી ગામ નજીક તૂટી પડ્યું, એ ઘટના કલ્પી ન શકાય એવી હતી. કચ્છના
નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુન્દનલાલ ધોળકિયાએ ‘શ્રુતિ અને
સ્મૃતિ, કચ્છ’ નામક પોતાના પુસ્તકમાં તેનું ટૂંક વિવરણ કરતાં લખ્યું છે "આમ
તો શ્રી બળવંતરાય કચ્છ ઉપરથી ઊડીને દ્વારકા જતા હતા. પણ સરહદ જોવા કચ્છ
સીમાએ જરા નીચે આવ્યા કે તરત જ પાકિસ્તાનના રડારે પ્લેનની હસ્તી પકડી
પાડી... અને આખરે પ્લેન તોડી પડાયું... આ સમયે કચ્છભરમાં ઊંડા આઘાત અને
શોકની લાગણી ફરી વળી હતી.
-તો પાકિસ્તાન અને તેમાંયે ખાસ કરીને
ત્યાંના સિંધ પ્રાન્તની પ્રજાનો જુસ્સો કેવો હતો ? આશ્ર્ચર્ય પમાડે એવા
નિર્દેશ એ સમયે કચ્છ પોલીસના દેશી જાસૂસોને સિંધના અંતરિયાળ વિસ્તારોમાંથી
મળ્યા હતા. એ સમયે સરહદે કોઇ મજબૂત બંદોબસ્ત નહોતો... સાવ હળવી સરહદ હતી.
બંને દેશના લોકો આસાનીથી આવજ-જાવન કરતા. ખાવડાથી તંબાકુના પાનની ધૂમ
દાણચોરી ઊંટોની મદદથી થતી. કચ્છ પોલીસની ગુપ્તચર પાંખ પોતાના સોર્સ એટલે કે
કોઇ વ્યક્તિને સામે પાર મોકલી બાતમી મેળવવામાં માહિર હતી.
કચ્છની
વીઘાકોટ ચોકીથી ૩૫-૪૦ કિ.મી. દૂર આવેલું બદીન નગર પાકિસ્તાની લશ્કરની
હેરફેરનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૯૬૫ના આરંભે જ પાક ફોજની હેરફેર વધતાં
કાંઇક નવાજૂનીના એંધાણ મળી ગયા હતા. ત્યાંના વેપારી વર્ગમાં ગભરાટ ફેલાયો
હતો. હવે શું થશે ? તેઓ ખૂબ ડરી ગયા હતા. એવી લાગણી વ્યક્ત થતી હતી કે લડાઇ
કરતાં તો શાંતિ સારી, રણનો મામલો જલ્દી ઉકેલાઇ જાય અને
હિન્દુસ્તાન-પાકિસ્તાન એક થઇ જાય તો સારું. બદીન શહેરમાં મુસ્લિમોની બહુમતી
હોવા છતાં બે દેશ એક થાય એવી ઇચ્છા થઇ હતી. એની બાતમી આશ્ર્ચર્ય પમાડે
તેવી હતી. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની સામેપાર થરપારકર વિસ્તારના
હિન્દુઓમાં એવી લાગણી હતી કે, ભારતીય લશ્કર સિંધ પર આક્રમણ કરીને કૂચ કરે
તો તેઓ ભારતની પડખે રહીને તમામ સાથ - સહકાર આપવા ઉત્સુક હતા. એવીયે બાતમી
ભુજ સુધી પહોંચેલી કે થરપારકરમાં સંરક્ષણ ધારા હેઠળ લુહાણા, સોઢા અને કોળી
જ્ઞાતિના સંખ્યાબંધ લોકોને પાકિસ્તાની સત્તાવાળાઓએ અટકમાં લઇ લીધા હતા.
’૬૫ના
આરંભથી જ, ખાસ તો લશ્કરી સરમુખત્યાર અયુબ ખાન રાષ્ટ્રપતિ બન્યા પછી સિંધના
કેટલાક વિસ્તારોમાં અસલામત હિન્દુ પરિવારો પર પાકિસ્તાની તંત્ર-લશ્કરની
તવાઇ આવી પડી હતી. ધર્મપરિવર્તન, અપહરણ સહિતના પ્રયાસો ખુલ્લેઆમ થઇ રહ્યા
હતા. એ સમયે ત્યાંથી નાસીને કચ્છ પહોંચી આવેલા લોકોના જણાવ્યા અનુસાર
સંખ્યાબંધ હિન્દુ મંદિરોનેય તોડી પાડવામાં આવ્યાં હતાં. કચ્છ પર આક્રમણ
કરીને વિજય મેળવ્યો હોવાના દાવા પાકિસ્તાની અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. એ
સાથે એવીયે અફવાઓ ફેલાવાઇ હતી કે પાકિસ્તાની રોજર્સ ભુજ સુધી કૂચ કરી
ચૂક્યા છે.
પણ, સિંધી-ગુજરાતી મુસ્લિમોએ સિંધના કેટલાક વિસ્તારમાં
ભારત-પાક એક થાય એવી લાગણી વ્યક્ત કરી હતી. એનું મૂળ કારણ એ હતું કે, તેઓ
અયુબ ખાનની સત્તારોહણથી નારાજ હતા. એ અરસામાં યોગાનુયોગ કરાચી ગયેલા કચ્છના
જાણીતા કચ્છી સાહિત્યકાર માધવ જોશીએ પોતાના એક લેખમાં કરાચીના ડહોળાયેલા
માહોલનો ચિતાર આપતાં લખ્યું હતું કે, "અયુબ ખાનનું વિરાટ વિજય સરઘસ
નીકળ્યું હતું, તેમાંય તેમની સાથે પરાજય પામેલા મહમદઅલી ઝીણાના બહેન ફાતિમા
ઝીણાનું જે ચૂંટણી પ્રતીક હતું તે ફાનસની મોટી પ્રતિકૃતિને સાંકળ વડે
બાંધીને રસ્તા પર ઘસડવામાં આવતી હતી. આ ઘૃણાજનક દૃશ્ય જોઇને ફાતિમા ઝીણાના
સમર્થકોમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી અને કરાચીમાં તોફાનો ફાટી
નીકળ્યાં હતાં...
શ્રી જોશીના આ લેખમાં સિંધના મુસ્લિમોનું વલણ
હિન્દુ પરિવારો પ્રત્યે સહાનુભૂતિભર્યું હતું એનોયે વિગતે ઉલ્લેખ થયો છે.
ખરેખર તો એકથી વધુ પરિબળોએ ત્યાંના મુસ્લિમોની પંજાબી અને અન્ય કટ્ટર
પાકિસ્તાનીઓ કરતાં અલગ પ્રકારની માનસિક્તા વિકસાવવામાં ભાગ ભજવ્યો છે. જિયે
સિંધ ચળવળમાં પણ હિન્દુ-મુસ્લિમ સાથે હતા. જો કે, આ એક અલગ વિષય હોવાથી
અલગ ચર્ચા માગી લેતો મુદ્દો છે.
કચ્છ સત્યાગ્રહ ‘દાંડીકૂચ’ની યાદ અપાવી ગયો ! |
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
(કચ્છ મોરચે ’૬૫નું યુદ્ધ...)
કચ્છ
ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર મોટા રણમાં કંજરબેટ, છાડબેટ અને ધાર બન્ની
સહિતના લગભગ સાડા ત્રણસો ચો. માઇલ વિસ્તારની પાકિસ્તાનને વિધિસર રીતે
સોંપણી થાય એ પહેલાં વિરોધ પક્ષોએ કચ્છ સત્યાગ્રહનું રણશીંગુ ફૂંકી દેતાં
કચ્છમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી. આમ તો ૧૯મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ
આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે ચુકાદો જાહેર કર્યો તે ઘડીથી જ કચ્છ અને બૃહદ
કચ્છમાં બેચેની ફેલાઇ ગઇ હતી. ઇતિહાસ અને પરંપરા અનુસાર કચ્છી જેને પોતાનો
વિસ્તાર માનતા હતા, એનો કોઇ અંશત: ભાગ પાકિસ્તાનને સોંપી દેવાની નોબત આવે
એવું સપ્નામાંયે કોઇએ વિચાર્યું ન્હોતું અને છતાં એક ક્રૂર વાસ્તવિક્તારૂપે
એ જ વાત સામે આવી પડી ત્યારે લાગણીઓ બેકાબૂ બની જાય એ સ્વાભાવિક છે. તેથી જ
તો વિરોધ પક્ષોનું સત્યાગ્રહનું એલાન લાખો કચ્છીઓને મન તેમની ઘવાયેલી
લાગણીઓને વાચા આપતું એક માધ્યમ બની ગયું. કચ્છ તેમ બૃહદ કચ્છના કચ્છીઓએ
સત્યાગ્રહને જબ્બર પ્રતિસાદ આપ્યો. ગુજરાતમાં અને કેન્દ્રમાં કૉંગ્રેસની
સરકાર હતી એટલે કૉંગ્રેસે એ ચુકાદો સ્વીકારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો.
જો કે, કચ્છ-ગુજરાતના કૉંગ્રેસી નેતાઓ મૂળભૂત રીતે એમ માનતા હતા કે ચુકાદો
અન્યાયી છે પણ પક્ષીય શિસ્તથી ઉપર જવાની તેમનામાં હિંમત નહોતી. તેઓ લાચાર
હતા, પ્રજા તેમનાથી સખત નારાજ હતી એટલે વિપક્ષે કચ્છીઓની લાગણીઓને વાચા
આપતાં જ લોકજુવાળ ઊભો થતાં સમય ન લાગ્યો.
સત્યાગ્રહના વિધિવત મંડાણ
૨૧મી એપ્રિલે થયા પણ કચ્છનાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનસંઘ
સ્વતંત્ર પક્ષ, મહાગુજરાત જનતા પરિષદ, પ્રજા સમાજવાદી પક્ષ, સંયુક્ત
સમાજવાદી પક્ષ સહિતના વિપક્ષી નેતાઓની જાહેરસભાઓ માર્ચના પહેલા અઠવાડિયાથી જ
ગાજતી થઇ ગઇ હતી. લોકોમાં જાગૃતિયે આવી હતી. સભાઓમાં નોંધપાત્ર હાજરી
વચ્ચે કંજરબેટ લે કે રહેંગે, છાડબેટ હમારા હૈ... જેવા નારા ગુંજવા લાગેલાં.
સત્યાગ્રહની લડતના ખર્ચ માટે લોકો શક્ય ફાળો સભાઓ વખતે જ ઉમંગે આપવા
લાગ્યા હતા. અટલબિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, પ્રો. રંગા,
જગન્નાથરાવ જોશી, એસ.એમ. જોશી, હેમ બરૂઆ, અરીફ મહમદ બેગ, રાજનારાયણ,
નાથપાઇ, મધુ લિમયે, ઇન્દુલાલ યાજ્ઞિક, લાડલી મોહન નિગમ, મદનલાલ ખુરાના,
તુલસી બોડા, નરભેશંકર પાણેરી, ચીમન શુક્લ, સનત મહેતા, કેશુભાઇ પટેલ જેવા
સંખ્યાબંધ નામી-અનામી નેતાઓ દેશભરમાંથી કચ્છ દોડી આવ્યા હતા અને ‘કચ્છ કી
ધરતી દેશ કી ધરતી’ના નારા સાથે ધરતી બચાવ સત્યાગ્રહમાં જોડાયા હતા. કચ્છને
સંબંધ છે ત્યાં સુધી કચ્છના રાજવી પરિવારના હિંમતસિંહજી, બિહારીલાલ અંતાણી,
પ્રાણલાલ શાહ, ગુલાબશંકર ધોળકિયા, ફુલશંકર પટ્ટણી, અમૃતપ્રસાદ અંતાણી,
કૃષ્ણલાલ માંકડ, માધવસિંહ મોકાજીએ તમામ તાકાતથી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું
હતું.
પણ, સત્યાગ્રહ શરૂ થાય એ પહેલાં એક રસપ્રદ મુદ્દો ભારે
ચર્ચાસ્પદ બની ગયો હતો અને તે એ કે સત્યાગ્રહનું સ્થળ કયું નક્કી કરવું ?
કચ્છનું રણ તો વિશાળ ૩૫૦૦ ચો.મી.માં પથરાયેલું છે. જે છાડબેટ અને કંજરકોટ
વિસ્તાર પાકિસ્તાનને સોંપવાના હતા તે ખાવડાથી ૫૦થી ૮૦ કિ.મી. જેટલા ખાસ્સા
એવા દૂર હતા. ત્યાં પહોંચવા રસ્તાયે બરાબર નહોતા. મૂળ તો એ રણ હતું અને
એપ્રિલમાં ભરઉનાળો. તેથી સખત તાપ, પાણીની ક્યાંયે વ્યવસ્થા નહીં, ધૂળના
વંટોળ, ક્યારેક ઝંઝાવાત મચાવે તો ક્યારેક મૃગજળ... તમામ પ્રકારની કુદરતી
વિષમતાઓ વચ્ચે જ્યાં ભારત-પાકિસ્તાનના સર્વેયરો મોજણી-માપણી કરીને સરહદી
થાંભલા ખોડવાની કામગીરી કરવાના હતા ત્યાં સરકારની મદદ વિના પહોંચવું
સત્યાગ્રહીઓ માટે લગભગ અશક્ય હતું. અધૂરામાં પૂરું ગુજરાત સરકારે પણ આ
બાબતે સત્તાવાર રીતે સત્યાગ્રહી નેતાઓને ચેતવ્યા હતા અને છેક લખપતથી બેલા
સુધીના સરહદી રણ વિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ પાડી દેવાની જાહેરાત કરી હતી.
કચ્છ
બચાવ સમિતિ મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી. ૨૧મી એપ્રિલથી સત્યાગ્રહ શરૂ થવાનો
હતો. ૧૯મી સુધી રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ભુજમાં ભેગા થઇ ગયા હતા. ચુકાદા
વિરોધી પરિષદની જાહેરસભામાંયે કાંઇ નક્કી ન થઇ શક્યું. આખરે હિંમતસિંહજી કે
જેઓ કચ્છની ભૂગોળથી પૂરેપૂરા પરિચિત હતા. તેમણે રસ્તો સૂચવ્યો, જે મુજબ
સત્યાગ્રહનો આરંભ ખાવડાથી કરવો અને અત્યારે મોરીબેટ પાસે જે ઇન્ડિયા બ્રીજ
છે, ત્યાં સુધી એટલે કે રણની કાંધી સુધી સત્યાગ્રહીઓએ જવાનું. આ જાહેરાત
અનુસાર ૨૧મી એપ્રિલે હેમ બરૂઆના નેજા હેઠળ ૧૭૫ સત્યાગ્રહીઓની પહેલી ટુકડી
ખાવડાથી રવાના થઇ અને બાંદી નદીના પુલ પાસે ધરપકડ વહોરી. આ સત્યાગ્રહીઓમાં
૧૧ મહિલાઓ હતી.
સતત ૧૭ દિવસ સુધી દરરોજ દોઢસોથી બસ્સો સત્યાગ્રહી
રણકાંધીએ જાય અને ધરપકડ થાય. તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાય અને સાતથી
પંદર દિવસની સાદી જેલસજા થાય. સામાન્ય લોકો તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ
પણ જેલમાં જાય. કચ્છમાં અને તેમાંયે ખાસ કરીને ભુજમાં તો લોકજાગૃતિનો જબ્બર
જુવાળ જોવા મળતો હતો. સત્યાગ્રહીઓની ટ્રેનો આવવાની હોય તો મોટી સંખ્યામાં
લોકો ત્યાં ઊમટી પડે. ખાવડામાં તો જાણે મહોત્સવ હોય એવો માહોલ હતો.
સત્યાગ્રહીઓને મદદ કરવા પ્રજામાં જાણે પડાપડી થતી. ભુજમાં જુદી જુદી
જ્ઞાતિના સમાજો દ્વારા સત્યાગ્રહીઓ માટે સમૂહ ભોજન ઉપરાંત તેમની વાડીઓમાં
ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
૬ઠ્ઠી મેના રોજ મ.કુ.
હિંમતસિંહજીના નેજા હેઠળ સામૂહિક સત્યાગ્રહ માટે ભુજથી ખાવડાની ઐતિહાસિક
કૂચ શરૂ થઇ, જેમાં ચારથી પાંચ હજાર લોકો જોડાયા. આ યાત્રાનું વર્ણન કરતાં
જાણીતા કચ્છી નેતા કુન્દનલાલ ધોળકિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ‘કચ્છ
કી ધરતી દેશ કી ધરતી’ના પ્રચંડ નારા સાથેની ૭૦ કિ.મી.ની આ પગપાળા કૂચ
ગાંધીજીની દાંડીકૂચની કાંઇક યાદ આપતી હતી. જ્યોર્જ ફર્નાન્ડિઝ અને અરીફ બેગ
પણ તેમાં જોડાયા હતા. ૮મીએ કૂચ ખાવડા પહોંચી. જંગી સત્યાગ્રહ શરૂ થયો.
ખાવડા પછી બાંદી, ધ્રોબાણા, કુરણ, ઇન્ડિયા બ્રીજ પાસે પોલીસ સામાન્ય રીતે
અટકાવતી, પરંતુ આ વખતે ધ્રોબાણા પાસે જ ૧૨૫૦ સત્યાગ્રહીઓને અટકમાં લઇ
લેવાયા...
કુન્દનભાઇએ એ સમયનો ચિતાર આપતાં વધુમાં લખ્યું છે કે,
"૮મીની સાંજે સેંકડો સત્યાગ્રહીઓને ભુજ લાવવામાં આવ્યા ત્યારે એસ.ટી. બસ
સ્ટેશને કોઇક બનાવ બની જતાં તોફાન થયું. પોલીસે લાઠીચાર્જ કે સોટીમાર
કર્યો. ટોળું આગળ વધ્યું. તોફાન બેકાબૂ બનતું ગયું.... ૯મીએ સવારે એક
સત્યાગ્રહીનું મરણ થયું. એવી વાત ફેલાઇ કે લાઠીમારથી મોત થયું છે અને તેની
સ્મશાનયાત્રા નીકળશે એવી જાહેરાતથી તો એવી હવા ઊભી થઇ કે જાણે ભુજ ભડકે
બળશે. પણ શ્રી હિંમતસિંહજીએ તે ઘડીએ એક સાચા સત્યાગ્રહીને શોભે તેવી
પરિપક્વતા બતાવીને જાહેર કર્યું કે, એ ભાઇ કૂચમાં ગયેલા પણ એમને ટી.બી.નું
દર્દ હતું એટલે પરિસ્થિતિ વણસતાં બચી ગઇ...
કચ્છ સત્યાગ્રહની આ
પરાકાષ્ટા હતી. આખરે સરકારે તો ચુકાદાનું અમલીકરણ કરવાનું જ હતું અને કોઇ
મચક આપે એવી શક્યતા નહોતી. પણ, લોકલાગણીનો એક જબ્બર પડઘો કચ્છની ધરતી પર
જોવા મળ્યો એ ઘટના અવિસ્મરણીય હતી. કચ્છની ધરતી બચાવવા માટે ભારતભરમાંથી
નેતાઓ, કાર્યકરો, સામાન્ય લોકો આવ્યા અને લોકશાહી માર્ગે સંયમપૂર્વક
સત્યાગ્રહ કર્યો. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અરે કેરળ અને તામિલનાડુના
કાર્યકરો પણ સત્યાગ્રહમાં જોડાયા. જનસંઘના કેટલાક કાર્યકરોએ તો ખાવડાથી
ઊંટ પર સવાર થઇને હાથમાં ત્રિરંગો લહેરાવી સત્યાગ્રહ કર્યો હતો. ભુજ,
માંડવી, ગાંધીધામની કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા. ચોમેર
અભૂતપૂર્વ જુસ્સો જોવા મળ્યો હતો. બે હજારથી વધુ લોકોએ ધરપકડ વ્હોરી હતી,
તેમાં ૧૫૦ વિદ્યાર્થી અને ૩૦ મહિલાઓનો સમાવેશ થાય છે. ભુજની જેલમાં જગ્યા
ખૂટી પડતાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર કે જામનગરની જેલમાં સત્યાગ્રહીઓને
રાખવા પડ્યા હતા.
ખાવડાના ૯મી મેના જબ્બર દેખાવો પછી સત્યાગ્રહનો
તખતો ભુજ ખસેડાયો હતો. લાઠીમારના વિરોધમાં ગુલાબશંકર ધોળકિયાએ ઉપવાસ શરૂ
કર્યા પણ તપાસની ખાતરી સાથે સમેટાયા. પછી આંદોલનનું જોર નબળું પડતું ગયું.
ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના વડા પ્રધાનના નિવાસ સામે ધરણાં થયાં.
થોડા સમય બાદ સત્યાગ્રહ સમેટી લેવાયો. આમ કચ્છની ધરતી પાછી ન મળી એ દૃષ્ટિએ
સત્યાગ્રહ નિષ્ફળ ગણાય. પણ, એ તો પહેલેથી સૌ સમજતા હતા. સવાલ અન્યાય સામે
એકી અવાજે નારો ઉઠાવવાનો હતો અને એ ઊઠ્યો. કચ્છમાં વસતા કચ્છીઓ જ નહીં,
મુંબઇ તેમજ અન્યત્ર વસતા કચ્છીઓએ પણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. અરે,
છાડબેટ સોંપણીના વિરોધમાં મુંબઇના કચ્છી બજારોયે બંધ રહ્યા હતા. તો
ભારતભરના લોકો કચ્છ આવ્યા એ કચ્છ સાથેની તેમની ભાવાત્મક એકતાનું પ્રતીક
હતું.
પીઢ રાજકીય અગ્રણી કુન્દનલાલ ધોળકિયાએ પોતાના પુસ્તકમાં કચ્છ
સત્યાગ્રહ સંદર્ભે એક રાજકીય નિરીક્ષણ કર્યું છે તે ઊડીને આંખે વળગે તેવું
છે. આ સત્યાગ્રહમાં જુદા જુદા રાજકીય પક્ષોએ પોતાના પક્ષીય ધ્વજને બદલે
એકમાત્ર રાષ્ટ્રીય ધ્વજ હેઠળ જ સત્યાગ્રહ કર્યો એ કુન્દનભાઇના મત અનુસાર
૧૯૭૭ના કટોકટી સામેના ‘ભવ્ય જોડાણ’ના બીજ સમાન હતો. મતલબ કે, ભવ્ય જોડાણની
રાજકીય પ્રક્રિયાના બીજ કચ્છની ધરતીમાં રોપાયા એ હકીકત ઇતિહાસે નોંધવી
પડશે.
સાગરસીમાએ પણ કાશ્મીર જેવો નાપાક ખેલ? |
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
પાકિસ્તાન
મરીન સિક્યુરિટી એજન્સીએ કચ્છની જખૌ નજીકની સાગર સરહદે ગયા રવિવારે
સૌરાષ્ટ્રના ૧૮ માછીમારોનું ત્રણ ફિશિંગ ટ્રોલર્સ સહિત બંદૂકની અણીએ અપહરણ
કરીને કરાંચીની જેલમાં ધકેલી દીધા હોવાના હેવાલ ગુજરાતના અખબારોમાં મોટા
મથાળે પ્રસિદ્ધ થયા હતા. ઓક્ટોબર મહિનામાં નાપાક ચાંચિયાગીરીનો આ ત્રીજો
બનાવ હતો. દિવસે દિવસે વધુ ગંભીર અને સ્ફોટક બનતી જતી આ સમસ્યાની ચર્ચા
કરીએ એ પહેલાં કચ્છની સાગર સીમાની સ્થિતિ સમજી લેવી જરૂરી છે. આ એક એવો
વિસ્તાર છે જ્યાં દરિયાઇ સીમાની આંકણી ભાગલાના સાડા છ દાયકા પછીયે ભારત અને
પાકિસ્તાન કરી શક્યા નથી. અહીં કોરી સહિતની ખાડીઓ (ક્રીકો) મારફત વરસાદ
અને જુદી જુદી નદીઓના પાણી રણમાંથી દરિયામાં ઠલવાય છે. ખારા પાણીમાં મીઠું
પાણી ભળવાથી પેદા થતા પર્યાવરણને લીધે અહીં પાપલેટ, ઝીંગા અને જેલીફિશ જેવી
કિંમતી માછલીઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી સરહદી સિરક્રીકના મુખ તેમજ
એની નજીકના છેક જખૌ સુધી લંબાતા સરહદી દરિયાઇ વિસ્તારમાં ભારત અને
પાકિસ્તાની ટ્રોલર્સ માછલીનો દલ્લો કબજે કરવા ઊમટી પડે છે. પણ સાગર સીમા
આંકણીના અભાવે બે દેશોને અલગ પાડતી રેખા પર કોઇ તરતા નિશાન કે દીવાદાંડી
મોજૂદ નથી. તેથી બંને દેશના માછીમારો શરતચૂકથી કે પછી વધુ માછલી મળવાની
લાલચે સરહદો ઓળંગી એકમેકના વિસ્તારમાં ઘૂસી જાય છે. આવે વખતે પાકિસ્તાની
એજન્સી કે ભારતીય કોસ્ટગાર્ડની ચોકીયાત નૌકાઓ ત્યાં આવી ચડે તો માછીમારોનું
આવી બને છે અને કરાંચી કે ભુજની જેલોની હવા ગરીબ માછીમારોએ ખાવી પડે છે. આ
જાણે એક સામાન્ય ઘટનાક્રમ છે. પણ ક્યારેક પાકિસ્તાન જાણીજોઇને સળી કરવાના
નાપાક ઇરાદે ભારતીય જળ વિસ્તારમાં ઘૂસી આવીને છમકલું કરે છે અને આપણા
માછીમારોને પકડી લે છે. જવાબમાં ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની માછીમારોને
પકડી લે છે. બંને બાજુ હોહા થાય છે અને તે પછી દિવાળી કે ઇદના તહેવારો વખતે
શુભેચ્છાના પ્રતીકરૂપે માછીમારોને મુક્ત કરવામાં આવે છે. આ સિલસિલો પાંચ
દાયકાથી ચાલતો આવે છે. અરે, ૧૯૬૫માં રણયુદ્ધ ચાલતું હતું ત્યારેય જખૌના
દરિયામાં ૧૯ પાકિસ્તાની ટ્રોલર્સ છેક બંદર સુધી ઘૂસી આવતાં ૩૦૫ માછીમારોને
પકડી લેવાયા હતા. એ સમયે ભુજની જેલમાં જગ્યાયે ખૂટી પડી હતી.
મૂળ
મુદ્દે પાછા ફરીએ તો એકલા ઓક્ટોબર મહિનામાં જ પાકિસ્તાની એજન્સીએ કચ્છ સાગર
સીમાએ ત્રણ વાર દાદાગીરી કરીને બંદૂકની અણીએ ભારતના ૧૯ ટ્રોલર્સ સહિત ૧૦૮
માછીમારોને પકડી લઇ કરાંચીની જેલભેગા કરી દીધા છે. સરકારી માહિતી અનુસાર
માર્ચ-એપ્રિલમાં પણ ટ્રોલર્સના અપહરણ થયા છે, તેને ધ્યાને લઇએ તો અત્યારે
કચ્છ સરહદેથી અપહરણ કરાયેલા કુલ્લ ૨૩૯ માછીમાર અને ૩૫ બોટ પાકિસ્તાનના
કબજામાં છે. ખેર, પણ આ વખતે આશ્ર્ચર્ય એ વાતનું છે કે, ભારતીય માછીમારોના
અપહરણની છ-છ ઘટનાઓ બન્યા પછીયે ભારતે વળતો જવાબ આપવાનું ટાળ્યું હોય એમ
એકેય પાકિસ્તાની બોટ કે માછીમાર તાજેતરમાં ઝડપાયા નથી. અધૂરામાં પૂરું ગયા
મહિનાની બે ઘટનાઓમાં નાપાક એજન્સીએ આડેધડ ગોળીબાર કરતાં એકે જાન ગુમાવ્યો
છે અને ચાર ઘાયલ થયા છે. એજન્સીનું આવું આક્રમક વલણ ચોંકાવી મૂકે તેવું છે.
છેલ્લા એક દાયકામાં ભારતીય માછીમારો પર આડેધડ ગોળીબારની ઘટના પ્રથમ વાર
બની છે. તેથી શંકા એ જાગે છે કે કચ્છ સાગરસીમાએ પણ જમ્મુ-કાશ્મીર જેવો ઘાટ
તો નથી ઘડાતોને ? જેમ નાપાક અને ભાડૂતી આતંકવાદીઓ અને સ્ફોટક પદાર્થ
કાશ્મીરમાં ઘુસાડવા માટે અંકુશરેખા તેમજ સરહદો પર પાકિસ્તાન તોપમારો કરે
છે, તેમ દરિયાઇ સરહદ પર પણ ઘૂસણખોરીના પ્રયાસ માટે માછીમારો પર ગોળીબાર
કરાયો છે ? અહીં એ વાતની નોંધ લેવી રહી કે મુંબઇ પરના બે મોટા આતંકી હુમલા
વખતે આતંકીઓ તેમજ સ્ફોટક પદાર્થોની હેરફેર આ જ સાગર સરહદેથી પાકિસ્તાનની
ખુફિયા એજન્સીએ કરી હતી. કહેવાનો સાર એ કે જળસીમાએ નાપાક ગોળીબારે સલામતીના
પરિમાણ બદલી નાખ્યાં છે. તેથી ભારતે ગફલતમાં રહેવા જેવું નથી. ઇંટનો જવાબ
પથ્થરથી આપવો જ પડશે.
જોકે, જળ સીમાંકનના અભાવની સમસ્યામાં ઊંડા
ઊતરીએ તો તેનાં મૂળ પણ ૧૯૬૫ના રણયુદ્ધ પછી રચાયેલી કચ્છ ટ્રિબ્યુનલના
કાર્યક્ષેત્ર સુધી જાય છે. આમ તો તે વખતે જો ભારત અને પાકિસ્તાને ઇચ્છયું
હોત તો સમગ્ર પશ્ર્ચિમી સરહદ એટલે કે રણ સીમા, ક્રીક અને દરિયાઇ સરહદ નક્કી
થઇ શકી હોત. પણ બંનેએ રણના ઉત્તર ભાગની સીમારેખા પૂરતું જ ટ્રિબ્યુનલનું
કાર્યક્ષેત્ર મર્યાદિત રાખવા સંમતિ આપી. એ વખતે ભારત-પાકિસ્તાન બાકીની એટલે
કે દક્ષિણ અને પશ્ર્ચિમની સરહદ અગાઉ સિંધ પ્રાંત અને કચ્છરાજ વચ્ચે જે
કરાર થયા હતા તે મુજબ રાખવા સંમત થયા હોય એવી છાપ ઊભી થઇ હતી. તેથી
ટ્રિબ્યુનલે કચ્છના રણની ઉત્તર કાંધીએ જ સરહદ રેખા નક્કી કરતો ચુકાદો
આપ્યો. જેમાં કંજરકોટ, છાડબેટ અને ધારબન્ની પાકિસ્તાનને ફાળે ગયા. આ ઉત્તર
કાંધીની સરહદ કચ્છના નકશામાં લખપતની બરાબર સામે જે કાટખૂણો વેસ્ટર્ન
ટર્મિનસ તરીકે ઓળખાય છે, ત્યાં સુધી દોરવામાં આવી. એ મુજબ સરહદી થાંભલા ઊભા
કરવામાં આવ્યા અને છેલ્લે થાંભલો એટલે કે પીલર નં. ૧૧૭૫ લખપતથી દશેક
કિ.મી. દૂર સીધી લીટીમાં આવે છે, જે સાથે આપેલા નકશામાં જોઇ શકાય છે.
આ
પીલર નં. ૧૧૭૫થી પશ્ર્ચિમે સિરક્રીકના મથાળા સુધીની સીધી લાઇન નક્શામાં
જોઇ શકાય છે. ત્યાં સિંધ પ્રાંત અને કચ્છરાજ વચ્ચે થયેલા કરાર અનુસરતા જી.
પીલર્સ નામે ઓળખાતા થાંભલા ખોડેલા છે. આ રેખા-સરહદ સામે પાકિસ્તાને કોઇ
વાંધો આજ સુધી ઉઠાવ્યો નથી. પરંતુ એનો વાંધો સિરક્રીકની મધ્યમાં સરહદ નક્કી
કરવાના ભારતના દાવા સામે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૮૯માં જળસીમા
આંકણીના મુદ્દે પ્રથમ વાર મંત્રણા યોજાઇ તે પછી કમસે કમ દશ રાઉન્ડ થઇ
ચૂક્યા છે. અત્યારે ભારત-પાક સંબંધ ઠીકઠાક નથી તેથી મંત્રણાઓ સ્થગિત છે પણ
અગાઉના રાઉન્ડોની વિગતો પર નજર કરીએ તો દરેક વખતે મતભેદનો ભમરડો એક જ
મુદ્દા પર આવીને થંભી જાય છે. ભારતનો આગ્રહ છે કે આંતરરાષ્ટ્રીય કાનૂન
પ્રણાલી અનુસાર સિરક્રીકના એક કાંઠે ભારત, સામેના બીજા કાંઠે પાકિસ્તાન
અને વચ્ચે સીમારેખા હોવી જોઇએ પણ પાકિસ્તાનને એ મંજૂર નથી. એને સિરક્રીકના
બંને કાંઠા એટલે કે સમગ્ર ક્રીક પર પોતાનો કબજો ખપે છે. બંને દેશ પોતાના
દાવાના સમર્થનમાં ભાગલા પૂર્વે કચ્છરાજ અને સિંધ પ્રાંત વચ્ચે થયેલી
સમજૂતીને પગલે સમયાંતરે પ્રસિદ્ધ થયેલા નકશાનો હવાલો આપે છે અને અંતે વાત
બે નકશાઓમાં દોરાયેલી સીમ રેખાના વિરોધાભાસી અર્થઘટન પર અટકે છે. દરેક દૌર
વખતે પ્રસિદ્ધ થતા સંયુકત નિવેદનમાં કે નેતાઓની પત્રકાર પરિષદમાં હંમેશ
ઉકેલની ઉજળી શક્યતા પ્રદર્શિત કરાય છે. પણ આમને આમ સાડાત્રણ દાયકા નીકળી
ગયા. વાત આગળ વધતી જ નથી. અરે, ૨૦૦૭માં રાવલપિંડી મંત્રણા વખતે તો
રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતીય પ્રતિનિધિમંડળને એમ કહ્યું હતું કે ક્રીક
વિવાદ તો દશ મિનિટમાં થાળે પડી શકે તેમ છે.
આ દશ મિનિટ ક્યારે
પૂરી થશે એ કહેવું મુશ્કેલ છે. મંત્રણાની ચ્યુઈંગમ ચવાયા કરે છે અને આશાવાદ
દર્શાવાતો રહે છે. મુંબઇ પરના નાપાક આતંકી હુમલા પછી ભારત-પાક સંવાદની
પ્રક્રિયા અટકાવી દેવાઇ હતી તે ૨૦૧૧ના મે મહિનામાં પુન: શરૂ થઇ. ફરી
સિરક્રીક મુદ્દો ચર્ચાયો અને એમાં પાકિસ્તાને પીર સનાઇ ક્રીકનું નવું
સલાડું ઊભું કરીને ભારતના અધિકારીઓને આશ્ર્ચર્યમાં મૂકી દીધા. પણ, આપણે
કઠે એવી વાત એ છે કે આ નવા નાપાક ખેલ અંગે કોઇ કાંઇ બોલ્યું જ નહીં. એક
વર્ષની રહસ્યમય ચૂપકી ભારત-પાક બંનેએ સેવ્યા પછી ૨૦૧૨માં સિરક્રીક
મંત્રણાની તારીખ નક્કી થઇ ત્યારે જ પાકિસ્તાનના નવા ખેલ અંગેની વાત વહેતી
કરાઇ અને એ પણ બિનસત્તાવાર રીતે.
ભારતીય વિદેશ મંત્રાલયે
પાકિસ્તાનના આ નવા ખેલ પ્રત્યે આંખમીંચામણા કરવાનું શા માટે પસંદ કર્યું
હશે એ તો ખબર નથી. પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પ્રથમ પાને સમાચાર પ્રસિદ્ધ
થયા કે પાકિસ્તાને ૨૦૧૧ની મંત્રણામાં કચ્છની પીર સનાઇ ક્રીક પર પોતાનો
દાવો ઠોકી દીધો હતો. આનો સીધો અર્થ એ થયો કે સાડાત્રણ દાયકા પછી
પાકિસ્તાને નવી ગુલાંટ મારી છે.
કેટલાક રાજકીય નિરીક્ષકો એમ માને છે
કે પાકિસ્તાને સિરક્રીક પ્રશ્ર્ને આ નવી ગુલાંટ કે નવો ખેલ પ્રેસર ટેકટિક
પ્રમાણે કર્યો છે. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું, મૂળ વાંધો સિયાચીન
બાબતે છે. પણ સિરક્રીકને આગળ ધરીને ભવિષ્યની ‘સોદાબાજી’ માટે સંભવત: તૈયારી
કરે છે. જે હોય તે પણ ૧૯૬૫માં છાડબેટ પ્રકરણમાં નુકસાની ભોગવ્યા પછી ભારત
જરા સરખીયે ગફલતમાં રહે એ પાલવે તેમ નથી. છાડબેટના અનુભવ પછી સિરક્રીકમાં
એનું પુનરાવર્તન ન થાય એની તકેદારી આજ સુધી ભારતે રાખી છે અને સીમા
સુરક્ષા દળના જવાનોએ પ્રશંસ્ય કામગીરી બજાવી છે. છતાં પાકિસ્તાનની કોઇપણ
ચાલને હળવાશથી ન લેવાય. પાકિસ્તાનના નકશામાં તો જૂનાગઢનેય પોતાના વિસ્તાર
તરીકે ખપાવ્યો છે તેથી સિરક્રીક પછી જેમ પીર સનાઇનો દાવો કર્યો તેમ આગળ
જતાં જૂનાગઢનોયે કરી શકે છે.
છેલ્લે ભારત-પાકના માછીમારોની પીડાની
વાત. ભારત-પાક સીમારેખા નક્કી થાય તો જખૌથી માંડીને સિરક્રીક સુધીના
વિસ્તારમાં વારંવાર એકમેકના સુરક્ષા દળોની ચોકિયાત નૌકાઓ દ્વારા ઝડપાઇને
જેલોમાં ધકેલાઇ જતા સેંકડો માછીમારો માટે રાહતનો શ્ર્વાસ લેવા જેવું
લેખાશે. પાકિસ્તાને આ વાત સમજવાની જરૂર છે. બંને દેશો સાથે મળીને
માછીમારોની પરેશાની ઉકેલવાના ઇલાજો અજમાવે તો તે આવકાર્ય બની રહેશે. દશેક
વર્ષ પહેલાં ભારત-પાક કોમન ફિશિંગ ઝોન અંગે વિચારવા સંમત થયા હતા. આમ થાય
તો બંને દેશ વચ્ચે દરિયાઇ સીમા પર બફર ઝોન સર્જાઇ જાય અને કોઇપણ માછીમાર
સરતચૂકથી સીમા ઓળંગી જાય તો તેની ધરપકડ કરવાને બદલે બંને દેશોના સુરક્ષા
દળો સ્થળ પર જ વાતચીત કરીને મુકત કરી દે.
બાકી સિરક્રીકનો પૂર્વીય
કાંઠો અને પીરસનાઇ સહિતની ક્રીકોની જમીની વાસ્તવિક્તા એ છે કે તેના પર
ભારતનો અબાધિત કબજો-વર્ચસ્વ છે, તેથી ચિંતાનું કોઇ કારણ નથી. અગાઉ લખપતની
સામે બાજુ તેમજ હરામીનાળાંની સમસ્યા હતી. પણ સમગ્ર વિસ્તારમાં તરતી ચોકીઓનો
બંદોબસ્ત અને જમીન, કાદવ તેમજ દરિયામાં પર ચાલી શકે એવા ઓલટેરિન વ્હીકલ
સાથે ખાસ કમાન્ડો તહેનાત કરાયા પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. તેથી આપણે આ
બંદોબસ્ત જળવાઇ રહે અને સજાગતામાં ક્યાંયે ઢીલાશ ન થાય એ જોવાની સાથે સાથે
માછીમારોની ચિંતા અને ક્રીક-જળ વિસ્તારમાં તેલ-ગેસ સંશોધન રોકટોક વિના આગળ
વધતું રહે એની ખાસ તકેદારી રાખવી રહી.
|
|
|
|
|
|
|