Sunday, July 10, 2016

‘હું અને મારું’ માણસનું મોટું બંધન - મહેન્દ્ર પુનાતર


જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

મહાવીરનાં વચનો છે, ‘જે ક્રોધી, અજ્ઞાની, અહંકારી, અપ્રિયકારી, માયાવી અને શઠ છે એ અવિનીતાત્મા, સંસાર-સ્રોતમાં જેમ લાકડુ નદીના પ્રવાહમાં તણાઇ જાય તેમ તણાઇ જાય છે.

ક્રોધ અને અહંકાર માણસને ન કરવાનું કરાવે છે. ત્યારે કશું ભાન રહેતું નથી. અજ્ઞાનના કારણે ક્રોધ ઊભો થાય છે. ક્રોધના કારણે તે અપ્રિય બને છે અને પોતાના મધ અને અભિમાનના કારણે ખોટું કામ કરતો થઇ જાય છે. ક્રોધ અને અભિમાન પર અંકુશ રહે તો પ્રેમના પુષ્પો પ્રગટ થાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં મૈત્રી છે. મૈત્રી છે ત્યાં સહકાર છે. આવો પ્રેમપૂર્ણ વહેવાર જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. ક્રોધ અને અહંકારથી માણસ સંતુલન ગુમાવે છે. જાત પર અંકુશ રહેતો નથી. શાંતિ માટે સ્થિરતા જોઇએ. ધર્મ આપણને સંયમ અને સમભાવ રાખવાનો માર્ગ ચિંધે છે. કબીર કહે છે.

‘લેનેકો સંતનામ હૈ
દેનેકો અન્નદાન
તરને કો હૈ દીનતા
ડૂબન કો અભિમાન

આ જગતમાં લેવા જેવું કોઇ નામ હોય તો તે પ્રભુનું છે. અને આપવા જેવું કોઇ શ્રેષ્ઠ હોયતો તે અન્નદાન છે. તરવું હોય, પાર ઉતરવું હોય તો નમ્રતા ધારણ કરો અને ડૂબવું હોય તો અભિમાન. દરેક માણસ વધતે ઓછે અંશે અહંકારથી પીડાતો હોય છે. કોઇને ધનનું, કોઇને તનનું, કોઇને પદનું તો કોઇને પ્રતિષ્ઠાનું અભિમાન હોય છે. આપણી જાતને બીજાથી ચડિયાતા માનીએ એટલે સમજો અહંકારના બીજ વવાઇ જાય છે. જ્ઞાન અને ત્યાગનો પણ માણસને અહંકાર હોય છે. અહંકાર છેવટે માણસનું પતન નોતરે છે. અહંકારી માણસોને કોઇનુંં કશું સારું દેખાતું નથી. કોઇ પોતાનાથી જરાક આગળ નીકળી જાય તો ઇર્ષા થાય છે. કોઇ એની વાત ન સાંભળે, કોઇ તેની તરફ ધ્યાન ન આપે કે તેમના આદેશને માન ન આપે તો ક્રોધ આવે છે. માન ન સચવાય, આવકાર ન મળે કે ઉંચા આસને બેસવા ન મળે કે આ માટે કોઇ આગ્રહ ન કરે તો માઠુ લાગી જાય છે અને માણસ અંદરથી ધુંધવાય છે. આ માણસનો અહંમ છે. આનાથી સુખ, શાંતિ હણાઇ જાય છે.

હું કાઇ છું એવો ખ્યાલ આપણા દુ:ખનું કારણ બને છે. કોઇ આપણને આવકાર ન આપે, માન ન આપે કે આપણી અવગણના કરે તો તેનાથી દુ:ખી થવાનું કોઇ કારણ નથી. આપણે આવી અપેક્ષા જ શા માટે રાખવી જોઇએ. કોઇ પણ જાતની ઇચ્છા અને અપેક્ષા હશે તો તે દુ:ખમાં પરિણમશે. કોઇ આપણું માન સન્માન કરે અને ઊંચા આસને બેસાડે તો પણ નમ્રતા ધારણ કરીને વિચારવું જોઇએ કે આ બધું શાના માટે છે? ધન, પદ અને સત્તાના કારણે આ બધા માનપાન મળતા હોય છે. એ ન રહે ત્યારે કોઇ બોલાવતું પણ નથી. આપણે સામા માણસ માટે કામના છીએ એટલે આગતા સ્વાગતા છે. કામના નહીં રહીએ અથવા તેમનો સ્વાર્થ પૂરો થશે એટલે આપણો કોઇ ભાવ નહીં પૂછે. એ સત્યને જો સમજીએ અને એ માટે તૈયાર રહીએ તો આપણને કોઇ ડગાવી નહીં શકે. આ બધી શાન- શોહરત કામચલાઉ હોય છે. કાયમી રહેતી નથી. સંબંધો કાયમી છે, સ્વાર્થ નહીં.

જગતના સંબંધો સ્વાર્થના પાયા પર રચાયેલા છે. કહેવાયું છે કે ‘સગાં સૌ સ્વાર્થના’ સ્વાર્થ હોય ત્યારે દૂરના સગા બની જાય છે. અને સ્વાર્થ પૂરો થઇ જાય કે માણસ પાછો પડી જાય ત્યારે નજીકના સગાંઓ પફ દૂર ભાગે છે. માણસ પાસે ધન દોલત, સંપતિ હોય, પદ પ્રતિષ્ઠા હોય અને સિતારો ચમકતો હોય ત્યારે સગાંસંબંધીઓ, મિત્રો અને કહેવાતા શુભેચ્છકોના ટોળાઓ મધમાખીની જેમ ઘુમરાતા રહે છે અને સમય ખરાબ આવે છે, ચમક-દમક ઓછી થઇ જાય છે ત્યારે આ બધા માણસો ક્યાં અલોપ થઇ જાય છે તેની ખબર પડતી નથી, જે માણસ અહંકારમાં જીવ્યો હશે તેને ખરાબ સમય આવતા જીવવાનું આકરું લાગશે, પણ જે માણસ આ બધુ મારું નથી એવી નમ્રતા ધારણ કરીને જીવ્યો હશે તેને કોઇ સમય આકરો નહીં લાગે. માણસે નમ્રતા રાખવી જોઇએ અને સુખ દુ:ખમાં સમભાવ કેળવવો જોઇએ.

કોઇપણ માણસનો સમય સરખો જતો નથી. પ્રેમ, શ્રદ્ધા અને વિશ્ર્વાસ મોટું બળ છે. સુખ-દુ:ખ જીવનના ચક્રો છે તે ફરતા રહે છે. માણસે બંનેને સ્વીકારવાના છે. જેટલો સ્વીકાર થશે એટલો પરિતાપ ઓછો થશે.

સર્વપ્રથમ માણસે વિચાર કરવો જોઇએ અહંકાર કરવા જેવું શું છે? જેના માટે આપણે અભિમાન કરીએ છીએ એ વસ્તુ શું કાયમી રહેવાની છે? જીવનમાં જે કાંઇ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે. તેમ સમજીને ચાલીએ અને આમાં મારું કશું નથી એવો ભય રાખીએ તો જીવન સરળ બની જાય. અહંકારને નાબૂદ કરવાનો અને સમભાવ કેળવવાનો એક રસ્તો છે. ‘હું’ના બિંદુમાં તું નજરે પડે. હું અદ્રશ્ય થઇ જાય અને તું દેખાવા લાગે. મારુ મટીને આપણું બની જાય. મહાવીરની સાધનાની આખરી કડી છે જેમાં ‘હું અને મારું’ ન રહે અહંકારને નાબૂદ કરીન સાધનાના માર્ગે જવાનો આ રાહ છે જેમાં જ્ઞાની ન રહે માત્ર જ્ઞાન રહે. જાણકાર ન રહે તો પણ જાણકારી રહે, કરનારો ન રહે પણ કામ રહે, કર્તા રહે નહી માત્ર કર્મ રહે.

માણસ બધુ છોડી દે અને ત્યાગી બની જાય તો પણ આખરી સૂક્ષ્મ અહંકાર ‘હું’ રહી જાય છે. ધનવાનનો અહંકાર છે. મેં પ્રાપ્ત કર્યું છે. ત્યાગીનો અહંકાર છે મેં છોડયું છે. ફરક માત્ર એટલો છે ધનવાનનો અહકાર દેખાય છે. ત્યાગીનો અહંકાર દેખાતો નથી. ધનવાનો કહે છે આ મારું ધન, આ મારી દોલત, આ મારા વાડી-બંગલા અને મહેલાતો. ત્યાગીઓ કહે છે આ મારો સંપ્રદાય, આ મારો આશ્રમ, આ મારું મંદિર અને આ મારું તીર્થ. આ બધા પર પોતાનું નામ અને તક્તિ લગાવવાનો મોહ છૂટતો નથી. કોઇ સાધુ, સંત કે મહારાજ કહેતા નથી ભગવાનનું નામ ભલે રહે પણ મારું નામ કયાંય જોઇએ નહીં. વસ્તુઓ બહારથી છોડી દેવી એ સાચો ત્યાગ નથી. મનથી પણ બધું છૂટી જવું જોઇએ. ત્યાગી અને સન્યાસીઓ પણ અહી અટકી જાય છે. હું તેમનું મોટું બંધન છે. અહંકાર ત્યાગનું મહોરું પહેરી લે છે ત્યારે તે દેખાતો નથી. માણસની બહારની દુનિયા અને અંદરની દુનિયા અલગ છે. દરેક માણસ એક બીજો ચહેરો લગાવીને બેઠો છે. એટલે અસલી ચહેરો દેખાતો નથી. કોઇએ દાનનો, કોઇએ જ્ઞાનનો, કોઇએ સજ્જનતાનો, કોઇએ દયાનો તો કોઇએ કરુણાનો આંચળો ઓઢેલો છે.

આપણે બધા સાધારણ લોકો છીએ. અવારનવાર જુદા જુદા ચહેરાઓ લગાવીને એર બીજાને બનાવીએ છીએ. આપણને બધાને આ ખબર છે પણ આમાં આપણને સારુ લાગે છે. કેટલીક વખત વાસ્તવિકતા કરતા ભ્રમમાં રહેવું સુખદ લાગે છે. જીવનનું સત્ય બહુ આકરું છે. આપણે તેને છૂપાવીને રાખીએ છીએ. બહાર જે બધુ દેખાય છે. તે અસલી નથી. કોઇનો ડ્રોઇંગ રૂમ જોઇને તેના ઘરનો ખ્યાલ નહીં આવે, ડ્રોઇંગ રૂમ બીજાને બતાવવા માટે સજાવીને રાખેલો હોય છે. આવા જ સજાવેલા માણસોના ચહેરાઓ છે. ઉપરથી રંગના થપેડા કરવાની જરૂર નથી. અંદરથી જે પ્રગટ થાય છે તે સ્વાભાવિક છે. બહારથી જે થોપાય છે તે કૃત્રિમ છે. આપણે જિંદગીના મોટા ભાગને અંધારામાં ધકેલી દઇએ છીએ. અમે કામનું કહી શકાય એવું થોડું જીવી લઇએ છીએ. જિંદગી અંદરથી સતત ધક્કા મારે છે, પણ આપણે તેને અંદર હડસેલી દઇએ છીએ. જીવનના સત્યથી આપણે ડરીએ છીએ. સાચુ, સરળ, સહજ જીવન જીવવાની આપણી હિંમત નથી. લોકો શું કહેશે તેનો ડર છે. એટલે માણસ બેવડું જીવન જીવે છે. લોકોને જે સારુ લાગે તે જાહેરમાં કરે છે અને લોકોને સારું નહી લાગે તે છૂપી રીતે કરે છે. માણસને સારા, સાચા, સજ્જન દેખાવું છે પણ એવું બનવું નથી. બહાર અને અંદરના વિરોધાભાસના કારણે માણસ પોતાની સામે જ લડવામાં હારી જાય છે અને સમાપ્ત થઇ જાય છે.

સીધો, સરળ અને સાચો માણસ કોઇનાથી ડરશે નહીં. તેને કશું છુપાવવાનું હોતું નથી. આપણે ખોટી રીતે જીવીએ છીએ, એટલે અંદરથી વિક્ષિપ્ત છીએ. મહાવીર ભગવાને આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે. કેવી રીતે જીવવું એ આપણા પર નિર્ભર છે. સ્વર્ગ અને નર્ક બધુ અહીં જ છે. નમ્રતા ધારણ કરીશું તો તરી જઇશું. અહંકાર હશે તો ડૂબતા વાર નહીં લાગે.

No comments:

Post a Comment