Wednesday, July 31, 2013

સ્વાભાવિક હોય તે કરવું પડતું નથી, આપમેળે થઈ જાય છે - મહેન્દ્ર પુનાતર

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મનું બધા જીવો પ્રત્યેનું કથન છે તમે જ તમારા ભાગ્યના વિધાતા છો. સુખ-દુ:ખ, સારું-નરસું, સફળતા-નિષ્ફળતા બધું આપણા હાથમાં છે. આપણે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે વિકાસ કરવો એ આપણે પોતે નક્કી કરવાનું છે. આમાં બીજાની નકલ કે અનુકરણ કામ આવે નહીં. દરેક માણસની શક્તિ અને ક્ષમતા એકસરખી નથી. કેટલાક માણસને જલ્દીથી સફળતા મળે છે, તો કેટલાક માણસોને ભારે જહેમત ઉઠાવવી પડે છે, પરંતુ જે પોતાની રીતે પોતાના બળ પર મક્કમ નિર્ધાર સાથે આગળ વધે છે તેને વહેલી કે મોડી સફળતા મળ્યા વગર રહેતી નથી. જીવનમાં પુરુષાર્થ જરૂરી છે, પણ ક્યાં અને કેવી રીતે કરવો તેમાં ડહાપણની જરૂર છે. કોઇ પણ બાબતમાં આંધળૂકિયાં કરવાથી આગળ વધવાને બદલે ગબડી જવાની વધુ સંભાવના રહેલી છે. એટલે સર્વ પ્રથમ આપણી શક્તિને ઓળખવી જોઈએ અને આપણા પોતાના ગુણધર્મો અનુસાર રસ્તો કંડારવો જોઈએ.

ચાણક્યે કહ્યું છે કે માણસે સુખી અને સમૃદ્ધ થવું હોય તો આટલા પ્રશ્ર્નો પોતાની જાતને વારંવાર પૂછીને તેનું ચિંતન કરવું જોઈએ. 

1) અત્યારે કેવો સમય છે? 
2) મારા સહાયકો, મને મદદ કરનારા કોણ કોણ છે? 
3), મારી આસપાસનું વાતાવરણ કેવું છે. હું કઈ પરિસ્થિતિમાં રહું છું? 
4), મારી આવક-જાવક કેટલી છે? 
5) હું કોણ છું? અને 
6) મારામાં કેટલી શક્તિ છે? 
માણસ આ પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને અને પોતાની શક્તિનો તાગ કાઢીને તે મુજબ આગળ વધે તો તેને જરૂર સફળતા મળે. સમય અને સંજોગો જોયા વગર અને પોતાની શક્તિનું માપ કાઢ્યા વગરની ઊંચી છલાંગો નીચે પટકી નાખે છે.

ધર્મ કહે છે તમે જે છો તે ઠીક છો. તમારે બીજા જેવા બનવાનો ખ્યાલ છોડી દેવો જોઇએ. એ એની શક્તિ મુજબ આગળ વધ્યો છે, મારે મારી શક્તિ મુજબ આગળ વધવું છે. બીજાની સારી વસ્તુ સ્વીકાર્ય પણ આંધળું અનુકરણ નહીં. પ્રભુએ દરેક માણસને કાંઈ ને કાંઈ વિશિષ્ટ શક્તિ આપી છે. આ શક્તિને શોધી કાઢવી એનું નામ ડહાપણ. જાત અનુભવ વગર શાણપણ આવતું નથી. ઠોકર લાગ્યા પછી સાચો રસ્તો સૂઝે છે. દરેક માણસે પોતાના જીવનમાંથી શીખવાનું છે. અનુભવ એ મોટું જ્ઞાન છે, પણ બધા અનુભવો આપણે પોતે કરી શકતા નથી. એટલે બીજાના અનુભવ પરથી પણ બોધ લેવાનો છે.

આપણે જે કાંઇ છીએ સફળ કે નિષ્ફળ, તેને માટે આપણે પોતે જવાબદાર છીએ. આપણી નિષ્ફળતા કે પીછેહઠ માટે બીજો કોઇ દોષિત નથી. આપણી ભૂલનું, ક્ષતિનું અને ઊણપનું આ પરિણામ છે એ સ્વીકારવાની આપણી ખેલદિલી હોવી જોઈએ. આવો ખુલ્લો સ્વીકાર આપણને યોગ્ય રસ્તે વાળે છે, માણસ મોટે ભાગે પોતાની સફળતા અને સિદ્ધિ માટે પોતે હોશિયાર અને બુદ્ધિશાળી છે એમ માને છે. પોતાનાં ડહાપણ અને ચતુરાઈ દ્વારા આ બધું પ્રાપ્ત થયું છે, તેવું તેના મગજમાં હોય છે, પરંતુ નિષ્ફળતા મળે છે ત્યારે બહાનાં શોધી કાઢે છે અને દોષનો ટોપલો બીજા પર ઢોળી દે છે. આ મારી આડે આવ્યો, આણે મારી બાજી બગાડી નાખી. ફલાણાએ વિશ્ર્વાસઘાત કર્યો, દગો દીધો નહીંતર હું ક્યાંનો ક્યાં નીકળી ગયો હોત. તેણે મને સહાય કરી નહીં, તેણે મારા પૈસા ડુબાડી દીધા. આવાં બધાં બહાનાંઓ શોધીને માણસ પોતાની નિષ્ફળતા માટે છટકી જવાનો પ્રયાસ કરતો હોય છે અને મનને મનાવી લેતો હોય છે. એટલે તેને આ અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. જે માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને માને છે કે આ માટે હું દોષિત છું. હું મારા કારણે નિષ્ફળ ગયો છું. તો આ કારણ શોધી કાઢીને આગળ નીકળવાનો જુસ્સો તેનામાં ઊભો થાય છે. સફળતાની પ્રથમ શરત છે ભૂલનો સ્વીકાર.

બહાનું કાઢીને આપણે આવા દોષોમાથી છટકી જતાં હોઇએ છીએ અને બીજા પાસે સારા દેખાવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. સમાજમાં કાંઈ ખરાબ થઇ ગયું કે કામ પૂરું થઈ શક્યું નહીં તો લોકો એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોય છે પણ કોઇ એમ નહીં કહે કે આ માટે હું જવાબદાર છું. સામાજિક કાર્યોમાં લોકો સફળતાનો યશ લેતા હોય છે અને નિષ્ફળતા માટે બલિનો બકરો શોધી કાઢતા હોય છે.

માણસ બીજાની નજરમાં કેવો છે તેનું બહુ મહત્ત્વ નથી. એ તો માત્ર દેખાવ અને દંભ છે, પણ માણસ પોતાની નજરમાં કેવો છે તેનું સવિશેષ મહત્ત્વ છે. આપણે બીજાની નજરે આપણને જોવાને ટેવાયેલાં છીએ એટલે મુશ્કેલી ઊભી થાય છે. કાંઇપણ કરવું હોય તો આપણે પ્રથમ વિચારીશું બીજાને કેમ લાગશે? પોતાને કેમ લાગશે એનો માણસ ખ્યાલ કરતો નથી. વસ્ત્રો અને ઘરેણાં એવાં પસંદ કરીએ છીએ જે બીજાને આકર્ષિત કરે. લગ્ન કે બીજા પ્રસંગોએ જે ધામધૂમ કરીએ છીએ તેમાં પણ લોકોને કેવું લાગશે, આપણું કેવું દેખાશે? આપણા મોભાને અનુરૂપ છે કે કેમ? તે બધાનો વિચાર કરીએ છીએ. આપણા કોઇપણ કાર્યમાં બીજો આવીને ઊભો રહી જાય છે. બીજા પ્રશંસા કરે એટલે આપણે ધન્ય ધન્ય થઈ જઇએ છીએ. બીજાની નજરમાં આપણે સારા લાગીએ એવા આપણા પ્રયાસો હોય છે પછી ભલે આપણે અંદરથી ગમે તેવા હોઇએ. દંભ અને ડોળ આપણને વાસ્તવિકતા સુધી પહોંચવા દેતા નથી. માણસ જો વિચારે કે હું મારી જાતને જે સમજું છું તેવો હું છું તો તેમાં આંતરચક્ષુ ખૂલી જાય.

આપણે પોતાને જોઈ શકીએ તો બધો ભ્રમ ભાંગી જાય. આપણે દર્પણ સામે જોઈએ તો ચહેરો અને શરીર દેખાય છે તે બહારનું આવરણ છે. સ્વયંને જોવા માટેનું દર્પણ છે આત્મનિરીક્ષણ. આપણે સારા સજ્જન થવું છે કે દેખાવું છે? બાહ્ય આચરણ બીજાને માટે અને અંતરની અનુભૂતિ આપણા પોતાના માટે હોય છે.

સદાચાર, આદર્શ, નીતિ, સિદ્ધાંતો અને ધાર્મિકતા લોકો ઘરેણાની જેમ પહેરી લે છે અને બહાર સારા દેખાય છે, પરંતુ આંતરિક જીવન એથી વિપરીત હોય છે. આ વિરોધાભાસના કારણે સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી. જે સ્વાભાવિક રીતે પ્રગટે છે તે આપણું પોતાનું છે અને જેને માટે મહેનત કરવી પડે, દેખાવ કરવો પડે તે નકલી છે. સાચું સ્વયંભૂ છે તે ટકી રહે છે અને ખોટું લાંબો સમય ટકતું નથી. આ અંગે ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે.

એક માણસ થાક્યોપાક્યો ઓફિસમાંથી ઘેર આવે છે અને પોતાની પત્નીને પાણી લાવવા માટે કહે છે. પત્ની પાણી લઇને આવે તે પહેલાં તેને ઊંઘ આવી જાય છે. વહેલી સવારે જ્યારે આંખ ખૂલે છે તો પત્ની પાણીનો ગ્લાસલઇને ઊભી છે.

પતિએ કહ્યું: ‘તું અહીં અત્યારે પાણીનો ગ્લાસ લઇને કેમ ઊભી છો?’ પત્નીએ કહ્યું: ‘તમે ઓફિસેથી આવીને પાણી મંગાવ્યું અને હું પાણી લઇને આવી ત્યાં તમે ઊંઘી ગયા. તમને ખલેલ પાડવાનું મને ઉચિત લાગ્યું નહીં, પરંતુ મને થયું કે તમારી આંખો ખૂલશે અને તમને પાણીની જરૂર પડશે તો, એટલે હું ઊંઘી નહીં અને પાણીનો ગ્લાસ લઇને ઊભી છું.’

પતિએ કહ્યું, ‘તું કેવી ગાંડી છે. આમ આખી રાત ઊભા રહેવાની શું જરૂરત હતી?’ પત્નીએ કહ્યું, ‘મને ઊંઘ આવી જાય તો તમને પાણી કોણ આપે?’

આ વાત આખા ગામમાં પ્રસરી ગઇ. રાજાના કાન સુધી આ વાત પહોંચી. રાજા ખુદ આ પતિવ્રતા નારીના દર્શન માટે આવ્યા. રાજા આવ્યા તો ગામ લોકો પણ એકઠા થઈ ગયા.

કોઇએ ફૂલ ચડાવ્યાં, કોઈએ ભેટ આપી તો કોઇએ પ્રશંસાના પુષ્પો વેર્યાં. રાજાએ સોનાના હારની ભેટ આપી અને કહ્યું, આવો અદ્ભુત પ્રેમ મેં કદી જોયો નથી.

પણ આ બધું જોઈને પાડોશમાં રહેતી સ્ત્રીને આગ લાગી ગઇ. તે ઈર્ષ્યાથી જલી ઊઠી. તેણે કહ્યું, ‘આમાં, કઈ મોટી વાત છે. તેણે કયો મોટો મીર માર્યો છે.’ તેણે પોતાના પતિને કહ્યું, ‘એક રાત તો શું હું દસ રાત આમ ઊભી રહી શકું છું.’

તેણે પોતાના પતિને કહ્યું, ‘આજે થાક્યા પાક્યા તમે મોડા આવજો. આવીને પથારીમાં આડા પડી જજો અને મારી પાસે પાણી મગાવજો. હું પાણી લઇને આવું ત્યાં સુધીમાં તમે ઊંઘી જજો અને હું પાણીનો ગ્લાસ પકડીને ઊભી રહી જઈશ.’

પતિએ તેના કહ્યા મુજબ કર્યું. થાકેલો નહોતો પણ થાકેલો હોવાનો દેખાવ કર્યો. તરસ લાગી નહોતી છતાં પાણી માગ્યું અને ઊંઘ આવતી ન હોવા છતાં પત્નીને ખાતર પથારીમાં આખો મીંચીને પડી રહ્યો અને છેવટે ઊંઘ આવી ગઈ. પત્ની થોડીવાર ગ્લાસ પકડીને ઊભી રહી પછી તેને થયું અહીં આખી રાત જોવાવાળું કોણ છે. નિરાંતે ઊંઘી લઉં. સવારે પ્યાલો લઈને પાછી ઊભી રહી જઇશ.

સવારે પતિની આંખો ખૂલી પણ પત્ની તો પથારીમાં નિરાંતે ઊંઘતી હતી. પતિએ પાછી આંખો બંધ કરી દીધી. અજવાળું થઇ ગયું પણ પત્ની જાગી નહીં.

પત્નીને પરાણે ઉઠાડી અને આજુબાજુ અફવા ફેલાવી દીધી, પરંતુ રાજા આવ્યા નહીં અને ગામના લોકો પણ આવ્યા નહીં.

આ સ્ત્રીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે રાજાના દરબારમાં પહોંચી અને કહ્યું, ‘આ તે કેવો ન્યાય છે. એક એવું કરે તો તેનું સન્માન થાય અને અમે એવું કરીએ તો અમારો ભાવ ન પુછાય. એક એવું કરે તો સોનાનો હાર મળે અને બીજાની સામે પણ ન જોવાય. તમે કેવા રાજા છો? તમારો ન્યાય કેવો છે?’

રાજાએ કહ્યું, ‘તું એકદમ પાગલ છો. તેણે સન્માન મેળવવા માટે આમ કર્યું નહોતું. થઇ ગયું હતું. તેં સન્માન મેળવવા માટે આમ કર્યું એટલે બધું જુઠ્ઠું થઈ ગયું. તે મારા દરવાજા પર આવી નહોતી. અને તું મારા દરવાજા સુધી પહોંચી ગઇ. જે સ્વાભાવિક હોય છે તે કરવું પડતું નથી, થઈ જાય છે.

સારા હોવું, નૈતિક હોવું, ધાર્મિક હોવું સારું છે, પરંતુ તેમાં દંભ-દિખાવટ હોવી જોઈએ નહીં. માણસ જે બહારથી થોપે છે તે લાંબો સમય ટકતું નથી. આપણું પોતાનું સત્ય આપણને તારે છે, બીજાનું નહીં. કાંઇક પ્રાપ્ત કરવા માટે કસોટીમાંથી પસાર થવું પડે છે.

Tuesday, July 23, 2013

સારા માણસોની જિંદગી શૂન્ય - મહેન્દ્ર પુનાતર

સારા માણસોની જિંદગી શૂન્ય: કશું બચતું નથી કશું ઊભરાતું નથી
જીવનના તમામ આયામોમાં સંતુલન જરૂરી શરીર છે એવો ખ્યાલ પણ ન આવે તો તન અને મન બંને સ્વસ્થ. માણસને હું છું તેમ કહેવું પડે છે. ઘટનાને જોડ્યા અને તોડ્યા વગર બહાર દેખાવાનું મુશ્કેલ. આપણે કાંઈક છીએ એવો ખ્યાલ જ તમામ ઉપદ્રવોનું કારણ. ખરાબ માણસોને જેટલી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળે છે તેટલી સારા માણસોને મળતી થાય તો કોઈ ખરાબ રહે નહીં
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. માણસ ઘડીક દોસ્તી કરે છે ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ તો ઘડીક ઘૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમા. આમ બે અંતિમો પર જીવનની ધારા અવલંબિત છે. મન સ્થિર રહી શકતું નથી. માણસનું વલણ બદલાયા કરે છે. એકને એક પરિસ્થિતિમાં તેને સીમિત થઈ જવાનું ગમતું નથી એટલે જીવનમાં પલટા આવ્યા કરે છે. આજે કોઈની સાથે સારું છે કાલે ખરાબ થઈ શકે છે. સંબંધોમાં આરોહ અને અવરોહ આવ્યા કરે છે. જીવનમાં કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. મન એ આયામ પરથી બીજા આયામ પર ભટક્યા કરે છે. કોઈને શિખર પર ચડાવી દે છે તો કોઈને નીચે ગબડાવી મૂકે છે. મન બે અતિઓની વચ્ચે રહી શકતું નથી. મન જ્યારે અતિ પર હોય છે ત્યારે તનાવ ઊભો થાય છે. મન જ્યારે અતિ પર હોતું નથી ત્યારે શાંતિ અને સ્થિરતા સર્જાય છે. સંયમમાં મન સમાપ્ત થઈ જાય છે. આપણે સતત તાણમાં જીવી રહ્યા છીએ. તનાવ ખતમ થઈ જાય તો એમ લાગે છે કે જીવન રહ્યું નથી. ખાલિપો સર્જાય છે. શરીર અને મન સ્વસ્થ હોય ત્યાર તેનો ખ્યાલ આવતો નથી. કાંઈક મુશ્કેલી ઊભી થાય છે ત્યારે શરીર અને મન હોવાનો અહેસાસ થાય છે.
આપણે શ્ર્વાસ લઈએ છીએ પણ ખબર પડતી નથી. શ્ર્વાસોશ્ર્વાસની ક્રિયા એની મેળે ચાલતી રહે છે. એના પ્રત્યે કશું ધ્યાન જતું નથી. કેટલા શ્ર્વાસ લીધા એ પણ આપણે ગણતા નથી. આ ક્રિયા સતત એવી રીતે ચાલે છે કે તેને યાદ રાખવાનું જરૂરી બનતું નથી. પણ શ્ર્વાસ લેવામાં તકલીફ ઊભી થાય ત્યારે ખબર પડે છે કે શ્ર્વાસ લઈ શકાતો નથી અને શ્ર્વાસ તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. શરીરના સ્વસ્થ અંગોની ખબર પડતી નથી. માથું દુ:ખે છે ત્યારે ખ્યાલ આવે છે કે માથું આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે. પગમાં કાંટો વાગે ત્યારે પગનો અહેસાસ થાય છે. પગમાં જોડા પહેર્યા હોય તો કશો ખ્યાલ આવતો નથી પણ ડંખ પડ્યો હોય ત્યારે જોડા પહેર્યાનો ખ્યાલ આવે છે. શરીરનો ખ્યાલ આવે ત્યારે સમજવું કે ક્યાંય કશી બીમારી છે. હકીકતમાં શરીરના એવાં અંગોનો જ ખ્યાલ આવે છે જેમાં કોઈને કોઈ મુશ્કેલી હોય. શરીર છે એવો ખ્યાલ પણ ન આવે એવી સ્વસ્થતા હોય ત્યારે મન પણ સ્વસ્થ બને છે.

જીવનના તમામ આયામોમાં સંતુલન જરૂરી છે. સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક નિંદ્રા, સમ્યક એટલે કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. ભોજન એટલું લેવું કે જેથી ભૂખની ખબર ન પડે અને ભોજનનો પણ ખ્યાલ ન રહે. ખાધા પછી ભૂખની ખબર પડે તો તેનો અર્થ એ થયો કે ભોજન ઓછું પડ્યું છે અને ખાધા પછી પેટનો ખ્યાલ આવે તો સમજવું કે વધુ ખવાઈ ગયું છે. એટલું ખાવું જરૂરી છે કે ખાધા પછી ભૂખની અને પેટની ખબર ન રહે. સમ્યક્ નિંદ્રા હોય તો ક્યારે સૂતા અને ક્યારે જાગ્યા તેની ખબર ન રહે. સ્વસ્થતા હોય તો ક્યારે પરિશ્રમ કર્યો અને ક્યારે વિશ્રામ કર્યો તેનો ખ્યાલ ન આવે. જીવનમાં જે કાંઈ બને છે તે સ્વાભાવિક રીતે બનતું રહે. આપણે બધું અતિ કરી નાખીએ છીએ એટલે શરીરનો ખ્યાલ નજર સમક્ષ રહે છે.

જીવનમાં કાંઈક વધુ કરી નાખવાનું માણસનું જે વલણ છે તેનું મુખ્ય કારણ એ છે કે કાંઈક વધુ કરીએ ત્યારે જ ખબર પડે કે આપણે છીએ. અસાધારણતામાં આપણને આપણી હસ્તીનો ખ્યાલ આવે છે. સમ્યકમાં શરીર અદ્રશ્ય થઈ જાય છે તે છે એવી ખબર પડતી નથી. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણને ખબર પણ ન પડે આપણે છીએ. આપણે છીએ તેવો ખ્યાલ જ તમામ ઉપદ્રવોનું કારણ છે. સંયમી માણસને પોતાની હસ્તીનો ખ્યાલ આવતો નથી. માણસ જ્યારે પોતાની જાતને બતાવવા માગે છે ત્યારે અસંયમ સિવાય બીજો કોઈ માર્ગ નથી. જેટલો માણસ અસંયમી હશે એટલો ઉપદ્રવી હશે. એટલા માટે તો તે છે તેની બીજાને ખબર પડે છે. જેને બહાર દેખાવું હશે તેમને ઉપદ્રવી બનવું પડશે. સમાજમાં પણ સારા, સજ્જન, સંયમી માણસો બહાર દેખાતા નથી. ઉપદ્રવી અને અહંકારી માણસો બધાની નજરે પડે છે. કાંઈક અસાધારણ અજુગતુ કરો તો જ લોકોને ખબર પડે.

એમાઈલ જોલો નામના એક વિદ્વાને તેના સંસ્મરણોમાં લખ્યું છે કે દુનિયામાં જો બધા સારા, સજ્જન માણસો હોય તો કથા લખવાનું મુશ્કેલ બની જાય. કથાવસ્તુ મળે નહીં. સારા માણસોની જિંદગીમાં કોઈ કહાણી હોતી નથી. બૂરા માણસોની જિંદગીમાં ઘટનાઓ ઘટિત થતી રહે છે. સારા માણસોની જિંદગી શૂન્ય બની જાય છે. સરળ અને સાહજિક જીવનમાં કશું બચતું નથી અને કશું ઊભરાતું નથી.

મહાવીર જેવા બુદ્ધ પુરુષોની જિંદગીમાં કશું અસાધારણ બનતું નથી. હવાના ઝોકાને પણ તકલીફ ન પડે તેવી રીતે તેઓ પસાર થાય છે. અને જમીન પર પગ મૂકતી વખતે મૃદ ભાવ રાખનારા માણસની જિંદગી પાણીના પ્રવાહની જેમ સરળતાથી વહી જાય છે. એટલે મહાવીરના જીવનમાં કશી રોમાંચક કહાણી નથી. આવા પ્રજ્ઞાવાન પુરુષો કોરા કાગળની જેમ પૃથ્વી પર ઊતરે છે અને કોરા કાગળની જેમ પૃથ્વી પરથી વિદાય લે છે, પરંતુ તેમનાં વચનો સદાકાળ પ્રેરણા આપતાં રહે છે.

રાવણ વગર રામાયણની કલ્પના કરવી મુશ્કેલ છે. રામ કદાચ ન હોય તો ચાલી જાય પણ રાવણ અપરિહાર્ય છે. એના વિના કહાણીમાં જાન ન રહે. કથાનું કેન્દ્ર રામ છે પણ રાવણ વગર કથાનો કોઈ અર્થ ન રહે. જીવનમાં અને સમાજમાં મોટે ભાગે માથાભારે માણસો અને વિલનો હીરો બની જતા હોય છે. માણસે હીરો બનવાથી બચવું જરૂરી છે. હીરો બનવા માટે થોડું વિલન બનવું અનિવાર્ય છે.

સંયમી વ્યક્તિઓના જીવનમાં તમામ ઘટનાઓ વિદાય થાય છે અને સાથે હું છું, હું કાંઈક છું એમ કહેવાનો ઉપાય રહેતો નથી. અને આપણે બધા કાંઈક છીએ એમ કહેવા માગીએ છીએ એટલો ઉપદ્રવ કરવો જરૂરી બની રહે છે. ઘરમાં, સમાજમાં, મંદિરમાં અને દુકાનમાં આપણે આપણી જાતને પ્રોજેક્ટ કરતા રહીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે જે કાંઈ કરીએ છીએ તે બીજા જુએ અને પ્રશંસા કરે. જ્યાં આપણને કોઈ જોવાવાળું ન હોય ત્યાં જવાનું મન થતું નથી. આપણે એ જ કરીએ છીએ જે લોકો જુએ છે.

દરેક માણસનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત છે. બીજા સામે તેની નજર પડતી નથી. બીજાનું કામ સારું લાગતું નથી. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. સારા માણસો કરતાં ખરાબ માણસોને વધુ પ્રસિદ્ધિ મળતી હોય છે. ખરાબ માણસ સારા માણસનો આંચળો ઓઢીને ફરતો હોય છે. સારા માણસો પાસે પ્રોજેક્ટ કરવા જેવું કશું હોતું નથી. અને તેને એમ કરવાની જરૂર પણ રહેતી નથી. બૂરા માણસોને જેટલું નામ મળે છે તેટલું સારા માણસોને મળતું થાય તો કોઈ માણસ ખરાબ રહે નહીં. સારો માણસ પણ અસ્મિતા અને અહંકારની ખોજમાં બૂરો બને છે. તમે તેના તરફ જોતા નથી. ધ્યાન આપતા નથી. તમે એ છે એમ પણ માનતા નથી એટલે તેને કાંઈક કરીને દેખાડવું પડે છે. જેથી તમારું ધ્યાન તેના તરફ કેન્દ્રિત થાય. એક સ્ત્રી પોતાના પતિ પ્રત્યે જીવનભર નિષ્ઠાવાન, વફાદાર રહી કે કોઈ માણસ જિંદગીભર પ્રામાણિક રહ્યો તે વાત આપણી નજરમાં નહીં આવે પણ કોઈ સ્ત્રી પતિને છોડીને ભાગી ગઈ કે કોઈ માણસ ભ્રષ્ટાચાર કરતા પકડાઈ ગયો તે વાત તુરત આપણી નજરમાં આવશે. સારી વસ્તુઓ જલ્દીથી નજરે પડતી નથી. ખરાબ વસ્તુઓ જલ્દીથી ધ્યાનમાં આવી જાય છે.

માણસ કાંઈ પણ કર્યા વગર રહી શકતો નથી. તે અકસર એવું કરે છે જે બીજાની તુલનામાં ઊંચું હોય, નવું હોય, વિશિષ્ટ હોય. આનાથી તેના અહંકારને પૃષ્ટિ મળે છે. ઘટનાઓને જોડ્યા અને તોડ્યા વગર આપણે છીએ તેવું જણાશે નહીં. જો ક્યાંય આપણે દેખાવું હશે તો તાણમાં રહેવું પડશે. અતિઓ પર હાલકડોલક થવું પડશે. ક્રોધ કરવો પડશે, ક્ષમા કરવી પડશે, ભોગ કરવો પડશે ત્યાગ કરવો પડશે, દોસ્તી કરવી પડશે, દુશ્મની કરવી પડશે, પ્રેમ કરવો પડશે, નફરત કરવી પડશે. દ્વંદ્વોમાં જીવવું પડશે.

એક વખત સંત હસન પાસે એક ભક્ત આવ્યો અને તેના પગમાં પડી ગયો અને કહ્યું આપ પ્રભુના સાક્ષાત અવતાર છો. તમારા દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું. હસન પ્રશંસા સાંભળતા રહ્યા કશું બોલ્યા નહીં.

થોડી વાર થઈ બીજો માણસ આવ્યો. તેને કાંઈક વાંકુ પડ્યું હશે. આવતાની સાથે તેણે હસનને ગાળો ભાંડવા માંડી, કટુ વચનો કહ્યાં અને જતો રહ્યો.

હાજર રહેલા ભક્તોએ કહ્યું: પેલો માણસ આટલું બધું કહી ગયો અને આપ કશું બોલ્યા નહીં. આવો અભદ્ર વહેવાર કેમ સાંખી લીધો? હસને કહ્યું: તે ખાતું સરભર કરી ગયો. તેણે મારી સાથે કશો અભદ્ર વહેવાર કર્યો નથી. તેણે માત્ર બેલેન્સિંગ કર્યું છે. હમણા એક માણસ મને પ્રભુનો સાક્ષાત અવતાર કહી ગયો. એટલી પ્રશંસા કરી ગયો કે સમતુલન ડગી ગયું. આ માણસે ખાતું સરભર કરી નાખ્યું. આ બે માણસો આવ્યા એ પહેલાં હું જે હતો તે પાછો થઈ ગયો છું.

જિંદગીમાં આવું સમતુલન કેળવવું જરૂરી છે. જિંદગીમાં એક બાજુ મિત્રતા બીજી બાજુ શત્રુતા એક બાજુ પ્રેમ બીજી બાજુ ઈર્ષા અને ઘૃણા. એક અતિ બીજા અતિ પર ક્યારે સરકી જાય છે તેની ખબર રહેતી નથી. આપણે કોઈ એક દ્વંદ્વને પસંદ કરીએ છીએ ત્યારે બીજા દ્વંદ્વમાં તેની અસર પહોંચવી શરૂ થઈ જાય છે. કોઈ પણ માણસને શત્રુ બનાવતા પહેલાં મિત્ર બનાવવો પડે છે. કોઈ પણ જાતના સંબંધ વગર કોઈને દુશ્મન બનાવી શકાતો નથી. મૈત્રી અને સંબંધો તૂટે છે ત્યારે દુશ્મની શરૂ થાય છે. જીવનમાં મધ્યમાં રહેવું અને વિવેકથી ચાલવું જરૂરી છે. મનનાં ઉપદ્રવો શમી જશે તો શાંતિ અને સ્થિરતા છે.

Monday, July 22, 2013

માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે - શાહબુદ્દીન રાઠોડ

જીવનમાં સમસ્યા મહત્ત્વની નથી, માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

ઇંગ્લૅન્ડમાં એક ઉમરાવે પાર્ટી આપી. આયોજન ભવ્ય હતું. સો વર્ષ પૂર્વેના રજવાડી કલાત્મક નકશીવાળાં ચાંદીનાં વાસણોમાં ભાત ભાતની વાનગીઓ પીરસવામાં આવી હતી. ટ્યુડર ખાનદાનના મહત્ત્વના પ્રસંગોમાં જ વાસણોનો આ સેટ વપરાતો. હાથમાં ડ્રિંક્સના ગ્લાસ સાથે મહેમાનો વાતોમાં મશગૂલ હતા, જેમાં આકર્ષણના કેન્દ્રસ્થાને હતા સર વિન્સ્ટન ચર્ચિલ.

ચાલુ વાતમાં વિક્ષેપ પાડ્યા બદલ માફી માગી યજમાન ઉમરાવે ચર્ચિલને બાજુ પર બોલાવી વિનંતી કરી, ‘સર, માફ કરજો. વાત તો સાવ મામૂલી છે. અમારા ખાનદાનમાં વર્ષોથી આવા ખાસ પ્રસંગે વપરાતાં ચાંદીના વાસણોના સેટમાંથી એક ચાંદીનો ચમચો એક મહેમાને પોતાના ખિસ્સામાં સેરવી લીધો છે. એમના સ્વમાનને ઠેસ પહોંચાડવા હું ઈચ્છતો નથી અને ચાંદીનો ચમચો ગુમાવ્યાની ચિંતામાંથી પણ મુક્ત થઈ શકું તેમ પણ નથી. શું કરવું તેની મને કંઈ સમજ પડતી નથી. બસ, આ જ ચિંતાએ મને આપની સમક્ષ આવું કહેવા મજબૂર કર્યો છે.’

ચર્ચિલે કહ્યું, ‘ચિંતા કરશો નહીં, મહેમાનની મહત્તા પણ જળવાઈ રહેશે અને આપની ચિંતા પણ દૂર થશે.’

પાર્ટીનો દોર ચાલુ હતો. વાત કરતાં કરતાં ચર્ચિલ ચમચો ચોરી લેનાર સજ્જન પાસે પહોંચ્યા. વિવેકપૂર્ણ વાતચીતનો પ્રથમ તબક્કો પૂરો થતાં ચર્ચિલે મહેમાનને કહ્યું, ‘ખરું કહું તો મને આ ચાંદીનો સેટ ગમી ગયો છે. મેં તો તેમાંથી એક ચમચો ઊઠાવી લીધો છે.’ આમ કહી ચર્ચિલે પોતાના ખિસ્સામાંથી ચાંદીનો ચમચો કાઢી પેલા મહેમાનને બતાવ્યો. સર વિન્સ્ટન ચર્ચિલ જેવી મહાન વિભૂતિએ આવી વાત કહેવા પોતાને યોગ્ય વ્યક્તિ ગણી તે વાતથી જ મહેમાનનું હૈયું ભરાઈ આવ્યું. ચર્ચિલ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેણે જણાવ્યું, ‘સર, આપના પહેલાં મને પણ આવો વિચાર આવ્યો હતો અને ખોટું શું, મેં તો આપના પહેલાં જ આ કાર્ય પૂરું કર્યું છે.’ આમ કહી તેણે પોતાનો ચમચો ચર્ચિલને બતાવ્યો. બંને ખુશ થઈ જુદા પડ્યા.

પાર્ટીમાં મહેમાનોએ ડ્રિંક્સ, ડાન્સ, ડિનરનો આનંદ માણ્યો. વિદાયની વેળા આવી. ફરી વાતો કરતાં કરતાં ચર્ચિલ પેલા મહેમાન પાસે પહોંચ્યા અને ગંભીર ચહેરે ચિંતાતુર સ્વરે કહ્યું, ‘મને શંકા છે કે ઘરધણીને ચમચા ખોવાયાની ખબર પડી ગઈ લાગે છે. વાસણોની ગણતરી કરવા તેમણે નોકરોને સૂચના પણ આપી દીધી છે. મારી તો હિંમત નથી આવું સાહસ કરવાની. ઈજ્જતનો સવાલ છે. હું તો મારી ભૂલ સુધારી લઉં છું.’

આટલું કહી ચર્ચિલે પોતાનો ચમચો ચૂપચાપ ટેબલ પર મૂકી દીધો. મહેમાને કહ્યું, ‘સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આવું જોખમ ખેડવા હરગિજ નથી ઈચ્છતો.’ મહેમાને પણ પોતાનો ચમચો ચૂપચાપ ટેબલ પર મૂકી દીધો. ફરી બંને ખુશ થયા.

જતાં જતાં સર વિન્સ્ટન ચર્ચિલે યજમાનને કહ્યું, ‘સમસ્યા હલ થઈ ગઈ છે.’

આવો જ એક અન્ય પ્રસંગ જેમાં સ્થળ, સમય અને પાત્રો બદલાઈ જાય છે.

અમેરિકાનું કનેક્ટિક્ટ પરગણું. તેનું હાર્ટફૉર્ડ શહેર, જ્યાં જગતના મહાન હાસ્યલેખક માર્ક ટ્વેઈને વસવાટ કર્યો હતો. ત્યાં એક યજમાને આવી જ શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. ગામના પ્રતિષ્ઠિત સજ્જનોની હાજરી હતી. પાર્ટીની તૈયારી પુરજોશથી ચાલી રહી હતી. મહેમાનો આવતા-જતા હતા. ચાંદીના વાસણોના સેટમાં વાનગીઓ પીરસાતી જતી હતી.

આવો મૂલ્યવાન સેટ જોઈ એક મહેમાને ચૂપચાપ ચાંદીનો ચમચો પોતાના કોટના ખિસ્સામાં સેરવી દીધો. અન્ય કોઈનું ધ્યાન નહોતું, પણ માર્ક ટ્વેઈનની ચકોર નજરે આ દૃશ્ય જોયું. તેમણે મનમાં કંઈક વિચાર્યું.

નિશ્ર્ચિત સમય થતાં પાર્ટી શરૂ થઈ. ભોજન પૂરું થતાં સૌ પ્રેક્ષકોના રૂપમાં ગોઠવાઈ ગયા અને માર્ક ટ્વેઈનને હાસ્યરસિક કાર્યક્રમ આપવા વિનંતી કરી. હાર્ટફૉર્ડનો આ શિરસ્તો જ હતો.

માર્ક ટ્વેઈને સ્ટેજ સંભાળ્યું. થોડી વાતો કરી કહ્યું, ‘આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ આજ હું આપની સમક્ષ એક જાદુનો પ્રયોગ રજૂ કરવા ઈચ્છું છું.’ આમ કહી માર્ક ટ્વેઈને એક ચાંદીનો ચમચો સૌ જુએ તેમ પોતાના ખિસ્સામાં નાખી દીધો. ત્યાર પછી તેમણે ઑડિયન્સમાં ફરતાં ફરતાં જે મહેમાને ચમચો ચોર્યો હતો તેના ખિસ્સામાંથી કાઢી સૌને બતાવ્યો. ચમચાચોર મહેમાન ડઘાઈ ગયા. માર્ક ટ્વેઈનના જાદુના કાર્યક્રમથી સૌને આશ્ર્ચર્ય થયું અને તાળીઓથી તેમને વધાવી લીધા. માર્ક ટ્વેઈને ચમચો ટેબલ પર મૂક્યો. સૌએ વિદાય લીધી. જતાં જતાં માર્ક ટ્વેઈને પોતાના ખિસ્સામાં રહેલો ચમચો ટેબલ પર મૂકી વિદાય લીધી.

જીવનમાં સમસ્યા મહત્ત્વની નથી, માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે. એક સૂફી સંત હતા. સરળ જીવન હતું. તેમને થોડા શિષ્યો હતા. જે શીખવવાનું છે તે જીવન દ્વારા વ્યક્ત થવું જોઈએ. એવું તેઓ માનતા. ‘વ્યર્થ બોલવું બંધ કરો.’, ‘વ્યર્થ ખાવું બંધ કરો’, ‘વ્યર્થ પરિશ્રમ બંધ કરો’ -બસ, આવું એ ક્યારેક સમજાવતાં. વર્ષો વીત્યાં. સંતને અવસ્થા આંબી ગઈ. ધીરે ધીરે શરીર શાંત થવા માંડ્યું. છેવટે અંતકાળ આવ્યો. સૂફી સંતે સૌ શિષ્યોને એકત્રિત કરી જણાવ્યું, ‘સંપત્તિ પ્રાપ્ત કરવામાં જિંદગીના અણમોલ વર્ષો વેડફી નાખવાં એના કરતાં જીવનમાં કરવાં જેવાં ઉમદા કાર્યો ઘણાં છે, એટલે મેં સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી છે. મારી પાસે સંપત્તિમાં માત્ર સમજણ છે અને થોડાં ઊંટ છે. હવે જેટલા ઊંટ છે તેને તમે પ્રથમ બે ભાગમાં વહેંચી નાખજો. સૌથી વયોવૃદ્ધ શિષ્યો છે તેને એક ભાગ આપી દેજો, ત્યાર પછી જેટલાં ઊંટો વધે તેને ત્રણ ભાગમાં વહેંચી નાખજો અને પ્રૌઢ શિષ્યોને બે ભાગ આપજો. હવે જે ઊંટો વધે તેમાંથી બે યુવાન શિષ્યોને એક-એક આપજો.’ ગુરુની વિદાયથી શિષ્યોનાં હૃદય ઘેરા વિષાદમાં ગરકાવ થઈ ગયાં. ગુરુની અંતિમ સફર પણ પૂર્ણ થઈ. થોડા દિવસ પછી ગુરુની ઈચ્છા પ્રમાણે વહેંચણીનો સવાલ આવ્યો, પરંતુ શિષ્યોની મૂંઝવણ એ હતી ઊંટ બધાં મળીને સત્તર હતાં. સત્તરના બે ભાગ કઈ રીતે પાડવા? ઘણી મથામણ પછી શિષ્યો જ્યારે સમસ્યા હલ ન જ કરી શક્યા ત્યારે ગમે તેવી સમસ્યાનો ઉકેલ લાવી શકતા એક સમજદાર મહાનુભાવ પાસે ગયા. એમણે શિષ્યોને આવકાર્ય, ભોજન, ઉતારો, વિશ્રામ વગેરેનો પ્રબંધ કર્યો. ત્યાર પછી શિષ્યોની વાત જાણી. પ્રથમ એ ખુશ થયા અને શિષ્યોને કહ્યું, ‘સમસ્યા તમારી તદ્દન સરળ છે. કહો, કેટલાં ઊંટ છે?’ શિષ્યોએ કહ્યું, ‘સત્તર’ તરત એ સજ્જને કહ્યું, ‘આ સત્તરમાં મારું એક ઊંટ હું તમને આપું છું. હવે કહો કેટલાં થયાં?’

શિષ્યોએ કહ્યું, ‘અઢાર’.

એક ઊંટ ઉમેરાતાં સમસ્યા સરળ બની ગઈ અને એક પછી એક વહેંચણી શરૂ થઈ. અઢારના બે ભાગ પાડવામાં આવ્યા જેમાંથી નવ ઊંટ સૌથી વૃદ્ધ શિષ્યોને સુપરત કરવામાં આવ્યાં. બાકી રહ્યાં નવ. તેના ત્રણ ભાગ પાડવામાં આવ્યાં. એના બે ભાગ એટલે છ ઊંટો પ્રૌઢ શિષ્યોને ફાળે ગયાં. નવ અને છ પંદર ઊંટ વહેંચાઈ ચૂક્યાં. બાકીનામાંથી બે યુવાન શિષ્યોને આપવામાં આવ્યાં. નવ અને છ પંદર અને બે સત્તર ઊંટની વહેંચણી પૂરી થઈ. એક ઊંટ વધ્યું. શિષ્યોએ કહ્યું, ‘આ એક ઊંટનું શું કરવું?’ સમસ્યા ઉકેલનાર સજ્જને કહ્યું, ‘એ મારું ઊંટ મને પાછું આપો.’ આટલી જટિલ સમસ્યાનો આવો સરળ ઉકેલ આવી ગયેલો જોઈને શિષ્યો ખુશ થઈ ગયા. તેમણે એ સજ્જનને વિનંતી કરી, ‘આજથી આપ અમારા ગુરુ. આપની રાહબરી નીચે અમે જીવતરના પાઠ શીખીશું.’

આ સમસ્યાનો ઉકેલ લાવનાર સજ્જન હતા, હજરત અલીસાહેબ. હજરત મહંમદસાહેબના જમાઈ, શિષ્ય અને જગતના પ્રથમ સત્યાગ્રહી તરીકે જેમની ગણના મહાત્મા ગાંધીજીએ કરી છે તેવા કરબલાના અમર શહીદ હજરત ઈમામ હુસેનસાહેબના પિતા.


A problem means the distance between reality and expectation

સમસ્યા એટલે વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર. આ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી. આ અંતર જેટલું નાનું એટલી સમસ્યા નાની. આ બધા પ્રારબ્ધના પરિહાસ છે.




હસતાં મોઢે સહેતાં રહેશું પ્રારબ્ધના પરિહાસ,

અગનખેલ જીવતરનો ખેલી રચશું અમ ઈતિહાસ.

Wednesday, July 17, 2013

મન જ્યાં લાગે ત્યાં ધ્યાન -મહેન્દ્ર પુનાતર

મીરા મગન લાગી લગન: મન જ્યાં લાગે ત્યાં ધ્યાન
માત્ર આંખો મીંચીને બેસી રહેવાથી ધ્યાન થતું નથી. ધ્યાન અને ભક્તિમાં બહાર ભટકવાનું હોતું નથી પણ અંદર ઊતરવાનું હોય છે. પ્રાર્થના અને ભક્તિમાં પ્રાણ ન હોય તો આ ક્રિયાનો કોઈ અર્થ નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

મંદિરમાં, દેરાસરોમાં કે ધર્મસ્થળોમાં પ્રભુ સામે હાથ જોડીને આપણે ઊભી હોઈએ છીએ, પણ મન ક્યાં ભટકતું હોય છે તેનો ખ્યાલ રહેતો નથી. મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એક ક્ષણમાં તો તે ક્યાંનું ક્યાં ભટકીને આવી જાય છે. હાથ જોડેલા હોય છે. મંત્રો, સ્તુતિઓ અને ગાથાઓ બોલાતી રહે છે પણ આપણે ભગવાન સમક્ષ હોતા નથી.

આપણે ધર્મ, તપ અને ભક્તિ કરીએ પણ તેમાં ઊંડાણ ન હોય, ચેતના ન હોય, પ્રકાશ ન હોય અને પ્રાણ ન હોય તો તેવો ભાવ ઊભો થતો નથી. ભાવ વગરની ભક્તિનો કોઈ અર્થ નથી. આ માત્ર ક્રિયાકાંડ છે જેમાં હૃદય અને મન જોડાયેલું ન હોય તે સાચી ભક્તિ અને ધર્મ નથી. આમાં કોઈ પણ જાતનો દંભ, દેખાવ અને આડંબર હોવો જોઈએ નહીં. તપ માત્ર શરીરથી નહીં મનથી પણ થવું જોઈએ. શરીર ભૂખ્યું રહે અને મન ભટકતું રહે તો વિપરીત પરિણામ આવે. કર્મો છૂટવાના બદલે બંધાય. તપશ્ર્ચર્યામાં ધર્મત્વનો સમ્યક બોધ થવો જોઈએ. મન નિ:સ્પૃહ, અનાસક્ત અને અવિચલ બનવું જોઈએ. મન અને તન નિર્મળ બને ત્યારે સાધના સરળ બને છે.

એક વખત સાંજના સમયે બાદશાહ પોતાના મહેલના પ્રાંગણમાં ચાદર પાથરીને નમાઝ પઢતા હતા. એટલામાં એક યુવાન સ્ત્રી પોતાના પ્રિયતમને મળવા માટે ઉતાવળી બનીને જઈ રહી હતી. તેનું ચિત્ત બીજા કશામાં નહોતું. પ્રિયતમનું ધ્યાન ધરતી તે આગળ વધી રહી હતી. તેવામાં તેના પગની ઠોકર નમાઝમાં બેઠેલા બાદશાહને લાગી ગઈ. બાદશાહની આંખો ખૂલી ગઈ. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને મોઢું ફરવી નજર કરી તો યુવતી દૂર નીકળી ગઈ હતી. બાદશાહે પોતાના માણસોને યુવતીને પકડવા માટે મોકલ્યા અને યુવતીને બાદશાહ સમક્ષ ખડી કરવામાં આવી.

બાદશાહે કહ્યું, ‘હું નમાઝમાં હતો અને તું મને ઠોકર મારીને ચાલી ગઈ. આમ તે કેવી તુમાખી! તને એટલું ભાન ન થયું કે, હું બંદગી કરી રહ્યો હતો.’

યુવતીએ કહ્યું, ‘હું મારા પ્રિયતમને મળવા જઈ રહી હતી એટલે મને ખબર ન રહી. મને માફ કરો.’

‘પ્રેમમાં તું આટલી બધી અંધ બની ગઈ હતી કે હું બેઠો છું તેનો પણ તને ખ્યાલ આવ્યો નહીં. આ કેવી ગુસ્તાખી’.

યુવતીએ કહ્યું, ‘નામદાર, હું અંધ બની નહોતી, પરંતુ મારા પ્રિયતમના ધ્યાનમાં હતી. એટલે શું બની ગયું તેનો મને ખ્યાલ જ રહ્યો નહીં અને નામવર આપ પણ ખુદાની સાચી બંદગી કરતાં હોત તો અને તેમાં ધ્યાનમગ્ન હોત તો આપને પણ ખબર ન પડત કે શું બની ગયું છે. જેનું મન ખુદામાં હોય તેને બીજા કશાનું ભાન ન રહે! નામદાર આપનું ધ્યાન ક્યાં હતું?’

યુવતીની વાત સાંભળીને બાદશાહ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખો ખૂલી ગઈ. પોતાની જાતને સંભાળી લેતાં બાદશાહે કહ્યું: બહેન, મને માફ કર! તું તારા ખુદાના ખ્યાલમાં હતી પણ હું મારા ખુદાને ભૂલી ગયો હતો.’

આપણી પ્રાર્થના, પૂજા અને ભક્તિ કેવી છે તેનો ખ્યાલ કરીએ. આ દેખાવ અને આડંબર તો નથી ને? આ બધું કરતી વખતે આપણું ધ્યાન વિચલિત થતુ તો નથી ને? દરેક માણસે પોતાની રીતે તેનો તાગ કાઢવાનો છે. માત્ર પ્રભુ સામે હાથ જોડીને ઊભા રહેવાનો કોઈ અર્થ નથી. મન જો પ્રભુના ધ્યાનમાં હોય તો તે તમારી સમક્ષ જ છે અને મન જો આંટાફેરા કરતું રહે તો પ્રભુ તમારાથી દૂર છે એમ સમજવું. ધ્યાન, સમાધિ, પ્રતિક્રમણ અને સામાયિક કરતી વખતે આજુબાજુ જોતા રહીએ, ગપાટા મારીએ, ઘરમાં સૂચનાઓ આપીએ અને સમય પૂરો કરીએ તો એને ધ્યાન કહેવાય નહીં. માત્ર આંખો મીંચીને બેસી રહેવાથી પણ ધ્યાન થતું નથી. ધ્યાન અને ભક્તિમાં બહાર ભટકવાનું નહીં પણ અંદર ઊતરવાનું હોય છે. ધર્મને સાચા અર્થમાં સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. ધર્મના સૂત્રો કંઠસ્થ કરવાથી કે ટીલાં-ટપકાં કરવાથી કશું વળવાનું નથી.

આપણા મોટા ભાગના દુ:ખોનું કારણ ધર્મ અને જીવનને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. દરેક ધર્મના સિદ્ધાંતોમાં જીવનનાં મૂલ્યો રહેલા છે. સારી રીતે કેવી રીતે જીવ શકાય તેનો માર્ગ બતાવવામાં આવ્યો છે, પણ આપણે ખોટાં અર્થઘટનો કરીને તેને ગૂંચવી નાખ્યો છે. આપણે વિપરીતમાં જીવીએ છીએ. એક બાજુ ધર્મ કરીએ છીએ અને બીજી બાજુ અધર્મ. જે કરવું જોઈએ તે આપણે કરતા નથી. આપણે ધર્મ કરવા કરતાં અધર્મને છોડવાની જરૂર છે. અધર્મ છૂટી જશે તો ધર્મ આપોઆપ આવી જશે. કશું કરવાની જરૂર નહીં રહે. ધર્મની શરૂઆત જીવનથી કરીએ અને જીવનને એટલું ઉત્કૃષ્ટ બનાવીએ કે તે ધર્મ બની જાય અને કાં તો ધર્મથી શરૂઆત કરીએ અને તેને એટલો અર્થપૂર્ણ બનાવીએ કે તેનાથી જીવન ઉત્કૃષ્ટ બની જાય. આપણે ધર્મથી કે જીવનથી બંનેથી શરૂઆત કરી શકીએ. મૂળ હેતુ છે સારું જીવન. આ બંને માર્ગોમાં માણસ અર્ધેથી અટકી જાય છે અને ક્યાંયનો રહેતો નથી. બંને વચ્ચે ગોથાં ખાય છે.

માણસ સમય અને સંજોગોને આધીન છે. આપણે બધા અદના માનવીઓ છીએ. ભલાઈ અને બુરાઈ બંને આપણામાં છે. બૂરાઈને, ઊણપોને દૂર કરવા પ્રયાસ થવા જોઈએ. દરેક માણસ ભૂલને પાત્ર છે. જીવનમાં ભૂલો થતી રહે છે, પરંતુ તેમાંથી શીખવાનું હોય છે. વારંવાર ભૂલો કરતા રહીએ તો તેને અર્થ એ થયો કે આપણે આપણા અનુભવમાંથી કશું શીખવા માગતા નથી. જીવન એ મોટી પ્રયોગશાળા છે. જીવનમાં થોડા ઉદાત્ત સિદ્ધાંતો અને ભાવનાઓને મનમાં ઉતારીએ, પરસ્પર સહિષ્ણુ બનીએ, પ્રેમ અને કરુણા વહાવીએ તો જીવનાં કદી દુ:ખ અને સંતાપ રહેશે નહીં. આપણે આપણી તરફ નજર રાખવાની છે. બીજો શું કરે છે તેની ચિંતામાં પડવાની જરૂર નથી. કોઈની ક્ષતિ, કોઈની ભૂલ, કોઈનું દૂષણ આવી શુદ્રતાને શોધીને અભિમાન લેવાની અને પોતાને સારા કહેવરાવવાથી કશું વળશે નહીં. આપણે બીજાના દોષો એટલા માટે જોઈએ છીએ જેથી આપણી ઊણપો ઢંકાઈ જાય. આ રીતે આપણે આપણી જાતને છેતરી રહ્યાં છીએ. બીજાના રાઈ જેટલા દોષો આપણી નજરમાં આવે છે, પણ આપણા મોટા દોષો આપણને દેખાતા નથી. બીજાના દોષો જોવાના હોય ત્યારે આપણે ન્યાયાધીશ બની જઈએ છીએ. આપણી દૃષ્ટિ શુભ તરફ હોવી જોઈએ. દરેક માણસમાં કાંઈક સારું અને શુભ પડેલું છે. શુભનું ચિંતન આપણને ગુણાનુરાગ તરફ લઈ જાય છે. નકારાત્મક વિચારધારા માણસને જીવનથી વિમુખ બનાવે છે. તેને કશું સારું દેખાતું નથી. દરેક વાતમાં વાંધાવચકા કાઢે છે. કોઈ બાબતમાં સંતોષ થતો નથી. આવા માણસોને પોતાના સિવાય બીજું કોઈ સારું લાગતું નથી.

પરસ્પરના વહેવારમાં આપણે ગાંઠો બાંધીને બેઠા છીએ. કોઈએ ગાળ દીધી, કોઈએ અપમાન કર્યું, કોઈએ મને હરાવી દીધો, કોઈ મારૂં  લઈ ગયો, કોઈ મને બનાવી ગયો. આ બધી વાતો ભુલાતી નથી. અને બીજા પ્રત્યે ઘૃણા, તિરસ્કાર અને વેરનાં બીજો
વવાય છે. પ્રેમ અને ક્ષમા દ્વારા જ પરસ્પરના દિલને જીતી શકાય. જીવનમાં હાર-જીત, જય-પરાજય, ચડતી-પડતી બધું આવ્યા કરે છે. મન પર સંયમ અને ક્ષમતા હોય તો કશુ વિચલિત કરી શકે નહીં. કેટલીક બાબતો ભૂલવા માટે હોય છે. આપણે જે ભૂલી જવું જોઈએ તે યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવું જોઈએ તે ભૂલી જઈએ છીએ. કોઈએ સારું કર્યું હોય તે યાદ આવતું નથી પણ કોઈએ બે શબ્દો કહી નાખ્યા તો જીવનભર યાદ રાખીએ છીએ.

જીવનની રમત બૂમરેંગ જેવી છે. જેવું આપીએ છીએ તેવું મેળવીએ છીએ. માણસનાં વિચારો, શબ્દો અને કાર્યો વહેલાં-મોડાં અદભૂત ચોક્કસાઈથી તેના તરફ પાછાં વળે છે. એટલે બીજાની માનહાનિ, અપમાન અને બીજાને દુ:ખ આપવાથી દૂર રહેવું એ આપણા પોતાના હિતમાં છે. જે સમ્યક્ વિચારમાં સ્થિર થાય છે અને બીજા પ્રત્યે શુભ ભાવ ચીંતવે છે તેના પર નકારાત્મક વિચારોનો કોઈ પ્રભાવ પડતો નથી. દિલ સાફ હોય, અંતર નિર્મળ હોય તો કશો રાગ દ્વેષ રહે નહીં. હૃદય મંદિર જેવું છે. તેનું દ્વાર કોઈ મનુષ્ય માટે બંધ થાય ત્યારે ઈશ્ર્વર માટે પણ બંધ થઈ જાય છે. પ્રભુ સમક્ષ પહોંચવા દેહશુદ્ધિની સાથે આત્મશુદ્ધિ પણ જરૂરી છે. દરેક માણસના અંતરમાં પ્રભુનો, શુભ તત્ત્વોનો વાસ છે, પણ ખુદને તેની ખબર પડતી નથી. આત્મા એ પરમાત્મા છે. જે બધું છે તે ભીતરમાં છે. અંદરના ઉપદ્રવો શમી જાય તો સુખશાંતિ છે. મન જ્યારે નકારાત્મક વલણ અને પૂર્વગ્રહથી ગ્રસ્ત બને છે ત્યારે દૃષ્ટિ વિપરીત થઈ જાય છે અને જે નથી તે જુએ છે. અને દરેક વસ્તુમાં તે મનના રંગો પૂરે છે એટલે તેને-સાચી વાત સમજાતી નથી અને દેખાતી નથી. જૈન પરિભાષાના બે મહત્ત્વના શબ્દો છે સમ્યક અને મિથ્યાત્વ જેવું છે તેવું તેને ન જોવું તે મિથ્યાત્વ અને જે છે તેવું જ તેને જોવું એનું નામ સમ્યક. મિથ્યાત્વનો અર્થ છે જે નથી તે તમે જોઈ લીધું અને જે જોવાનું હતું તે ચૂકી ગયા. આત્માની ત્રણ અવસ્થા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એટલે વાસનાના કારણે આપણે બહાર વહી રહ્યા છીએ. અંતરાત્મા એટલે સાધના અને ધ્યાન. તેના દ્વારા આપણે ભીતરમાં જઈએ છીએ. અને પરમાત્મા એટલે બહાર અને ભીતર કશું રહેતું નથી તે પરમ અવસ્થા છે. માણસ મોટે ભાગે બહિરાત્માની અવસ્થામાં હોય છે. મન બહાર લાગેલું છે. ધન, પદ, પ્રતિષ્ઠા અને કીર્તિનો મોહ છે. તેનાથી છૂટી શકાતું નથી એટલે માણસ અંતરયાત્રામાં ઊતરી શકતો નથી. અંતરયાત્રામાં પ્રયાણ કરવા માટે નીચેનો સંકલ્પ જરૂરી છે...

‘હું ધન, સમય, ક્ષમા અને પ્રેમ આપવામાં ઉદાર બનીશ. બીજાની ખુલ્લા દિલથી પ્રશંસા કરીશ. અણગમતા લોકોના દોષો નજરઅંદાજ કરીશ. આત્મપ્રશંસા કરવાનું ટાળીશ. ખોટા કામ માટે દિલગીરી વ્યક્ત કરીશ. કોઈ સાથે ગેરસમજણથી સંબંધોનો વિચ્છેદ થયો હશે તો હું સામે ચાલીને સંબંધોને સુધારીશ. ભૂલ માટે ક્ષમા માગીશ. મન, વચન અને કર્મથી કોઈને કશું દુ:ખ ન પહોંચે તેનો ખ્યાલ કરીશ.’

આમાંથી થોડું પણ જીવનમાં ઊતરે તો અંતરયાત્રા અને ધર્મયાત્રા બંને શરૂ થઈ જાય અને જીવન પરિવર્તનનો માર્ગ મળી જાય. શું કરવું અને શું ન કરવું એ આપણા હાથમાં છે.

Saturday, July 13, 2013

જિંદગી શોખથી જીવવું, શાનથી મરવું - ચંદ્રકાંત બક્ષી

જિંદગી, જિંદગી શોખથી જીવવું, શાનથી મરવું
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

લંડનના ‘ટાઈમ્સ’માં જૂન ર, ર૦૦૩ના અંકમાં એક વિજ્ઞાપન હતું. એ લોકો માટે જે આંખોની રોશની ખોવાના હતા, જેમની આવતી કાલ અંધકારમાં ડૂબી જવાની હતી. પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે? આજે લોંગ ડ્રાઈવ પર જાઓ. બાળકોને વાર્તા વાંચી સંભળાવો. ઈન્ટરનેટને સર્ફ કરો. બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. રૂમ સજાવો. ટોળામાં ખોવાઈ જાઓ. સુપર માર્કેટમાં ફરો. ઈલેક્ટ્રિકનો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ. રસ્તો ક્રોસ કરીને પાછા આવો. સાઈકલ ચલાવો. લોટરીની ટિકિટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદી રીતે ઓળો. ચેક લખો, અને ફાડી નાખો. લોકલ ટે્રનમાં આંટો મારી આવો. સીધા સૂઈને એક પુસ્તક વાંચો. રૂમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અણ જાણ  સ્ત્રીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈને કહો કે એ સરસ લાગે છે હસો આવતી કાલે કદાચ આંખોની રોશની ચાલી જશે! આ પૂરી સૂચિ અંગ્રેજ જીવનની છે, પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે. પાન ખાઓ. છાશ પીઓ. ખરખરે જઈ આવો. સવારે મંદિરમાં જઈને આરસની ફર્શ પર ખૂણામાં બેસીને જે વિધિઓ થાય છે એ જુઓ, સાંભળો. પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઊંઘી જાઓ! ડાબી તરફ પડખું ફરીને. ઘસઘસાટ.

ઘણા માણસો ૮૫મે વર્ષે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનિંગ કરતા હોય છે. ઘણાને ૫૮મે વર્ષે નિવૃત્ત થયા પછી શું કરીશું એ ખબર હોતી નથી. રૂપિયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હિમ્મતનાં તત્ત્વો પસાર થઈ ગયા છે. હવે જે છોકરાને તમે છઠ્ઠે મહિને તકિયાઓ ગોઠવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઊડી રહ્યો છે. હવે લોકોના સ્મિતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલિફોન અને ડોરબેલ ઓછા વાગે છે. હવે ગઈ કાલનો પશ્ર્ચાતાપ અર્થહીન છે, હવે આવતી કાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વર્ષના ૩૬૫ દિવસો છે અને એક દિવસના ર૪ કલાકો છે અને એક વર્ષના ૮૭૬૦ કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનિક સંશોધન કરીને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એક જર્મન માણસ વર્ષના ૮૭૬૦ કલાકોમાંથી ર૯૦૦ કલાકો સૂઈ રહે છે, એટલે જાગૃત અવસ્થામાં એની પાસે પ૮૬૦ કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ ૧૨૦ મિનિટ જેટલો લાંબો હોય છે. વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ ઓપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે...

અને ઘણા એવા હોય છે જે જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ઈશ્ર્વરે આપેલી બધી જ ઇંદ્રિયોની ભરપૂર મજા લૂંટતા હોય છે. ગર્દિશે-આસમાની ત્રાટકે ત્યારે બડી મહર્બાની, બડી મહર્બાની...નાં ગીતો ગાઈ શકનારા ખુશદિલ લોકો પણ હોય છે. શરીરના સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રિય થવાનાં નથી કે મરવાનાં નથી. જમણી આંખની ઉંમર ૪૦ વર્ષની હશે, ડાબી આંખ ૬૦ની થઈ હશે. જમણો કાન ૩૦ ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તિ હજી ૮૦ ટકા રહી હશે. હિંદુ માણસે શુભ અને અશુભની જુદી જુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ર્ચેતન દેહની સાથે સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે. અને વિશેષણોની રાખ પડતી નથી, વિશેષણોમાંથી ધુમાડો ઊઠતો નથી...

પ્રશ્ર્ન એક જ છે: જિંદગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું? જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે. કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસાન પામ્યા અને નિર્વાણ થયું જેવા શબ્દપ્રયોગો વાંચું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચિકર વ્યંજન ઉપર આકર્ષિત કરવા માટે ગાર્નિશ કર્યું હોય એવી ફીલિંગ થયા કરે છે.

મૃત્યુ વિશેની મારી માન્યતા જુદી છે. જિંદગી ફાની છે, લા-ફાની નથી, બેક્ટેરિયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે, અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમિત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી ‘સમકાલ’ નામની નવલકથાના અંત તરફ નાયક રનીલ કથાની નાયિકા આશ્નાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વિશેના સૌથી પ્રામાણિક વિચારો લાગ્યા છે. આશ્ના! સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે... બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે... કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશ્ના! ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી... અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે!...

જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ.

મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે, મારી દૃષ્ટિએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું. હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધ્રુજાવે એવું છે. સન ૨૦૧૬ સુધીમાં દર ૧૦૦૦ ભારતીયોમાંથી ૮૬ની ઉંમર ૬૦ વર્ષ ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વસતિમાંથી માત્ર ૧૧ ટકા લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશ્યલ સિક્યુરિટી કે સામાજિક સલામતીનું કવર છે. નિવૃત્તિનુંં આયોજન એક એવો વિષય છે, જે હજી આપણને સ્પર્શ્યો નથી!

અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુનો ‘ડ્રાય રન’ છે, રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચિરનિદ્રા’ જેવો શબ્દ અપાયો છે.



ક્લોઝ અપ

ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત

જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત.

ઉત્તર ભારતની લોકોક્તિ

(અર્થ: ભક્તો જગતને ઠગે છે, ભક્તોને ઠગે છે એ સંત છે. જે સંતોને ઠગે છે એને મહંત કહેવાય છે.)

Wednesday, July 10, 2013

ભય સૌથી મોટો દુશ્મન - મહેન્દ્ર પુનાતર

ભય સૌથી મોટો દુશ્મન: હારી જવાનો ડર છે તે જીતી ન શકે
* માણસનો ભય ખોટાં કામો અને પોતાની નબળાઈઓના કારણે છે. કેટલાક માણસો દુ:ખ અને વ્યથાથી વિંટળાઈને ભય અને અસલામતીના કોચલામાં મરવાના વાંકે જીવતા હોય છે * આ મારાથી નહીં થઈ શકે, આ મારું કામ નથી, એમ કહેનારા માણસો પ્રયાસ પહેલાં હારને સ્વીકારી લે છે. મુકાબલો કરવાની જેની તૈયારી નથી તેણે સફળતાની આશા રાખવી વ્યર્થ છે * દરેકને એમ થાય છે કે સુરક્ષાનું કવચ જેટલું વધુ હોય તેટલું સારું. તે ધનમાં, સત્તામાં, પદમાં અને પ્રતિષ્ઠામાં સલામતી શોધે છે. પરિગ્રહનું મુખ્ય કારણ એ કે માણસને આવતી કાલ પર ભરોસો નથી

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ભય એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. જીવનમાં ભય છે એટલે ભવિષ્યની ચિંતા છે. માણસને આજ કરતાં કાલની વધુ ચિંતા છે. સમય કેવો જશે તેની કોઈને ખબર નથી. જે માણસ હિંમત ગુમાવે છે એ અડધી બાજી હારી જાય છે અને મુસીબત સામે જે બાથ ભીડે છે તે અડધી બાજી જીતી જાય છે. ભય માણસને અશક્ત, નાહિંમત બનાવે છે. માણસ અનેકવિધ ભયોથી ગ્રસ્ત છે. અસલામતી એ જીવનનો મોટો ભય છે. દરેક માણસને એમ થાય છે કે સુરક્ષાનું કવચ જેટલું વધુ હોય એટલું વધુ સારું. માણસ ધનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં સલામતી શોધે છે. પરિગ્રહનું મુખ્ય કારણ એ છે કે માણસને આજ અને આવતી કાલમાં ભરોસો નથી. એટલે માણસ વધુ ને વધુ ભેગું કરતો રહે છે. માણસ જો સત્યના માર્ગે ચાલે અને જે છે તેનો સ્વીકાર કરે તો ભય જેવું કશું નથી. જેને હારી જવાનો ભય છે તે જીતી શકે નહીં. જીતની પ્રથમ શરત છે હારનો સ્વીકાર કરવાની તૈયારી. મોટી છલાંગ માટે કેટલીક વખત થોડાં ડગલાં પાછળ હઠવું પડે છે.

જીવનમાં ખોટું કરીએ, જૂઠ અને અસત્યનો સહારો લઈએ, બીજાનું પડાવી લેવાની અને દુ:ખ દેવાની પેરવી કરીએ તો ભય અને અજંપો રહેવાનો. જે માણસ બીજા પર જોહુકમી કરે, દબાવવાનો પ્રયાસ કરે તેને તેનાં ફળ ભોગવવાં પડે. કોઈને ગુલામ બનાવીએ તો આપણે પણ ગુલામ બનવું પડે. ગુંડા અને મવાલી માણસો આપણને બહારથી હિંમતવાન લાગે છે પણ અંદરથી તેઓ ભયગ્રસ્ત હોય છે. આપણી નબળાઈઓને કારણે તેઓ ટકી રહેતા હોય છે.

જીવનમાં જે કાંઈ ભય છે એ ખોટા કામને કારણે છે. માણસને ખોટું કામ કરવાની શરમ નથી પણ પકડાઈ જવાની શરમ છે એટલે મોટા ભાગના લોકો આનાથી બચી જાય છે. દરેક માણસ મુખવટો પહેરીને બેઠો છે. એક ચહેરા પર અનેક મહોરાં છે. માણસને ખુલ્લા પડી જવાનો ડર છે. માણસને જેવો છે તેવા દેખાવું નથી, પરંતુ બીજા કરતાં કાંઈક વિશેષ ચડિયાતા દેખાવું છે. એટલે આ મહોરાં લગાવવાં પડે છે અને અસલી ચહેરો પ્રગટ ન થઈ જાય તેની તકેદારી રાખવી પડે છે. આમ આંખું જીવન દંભ અને દેખાવ બની જાય છે. જે મહોરાંઓ લગાવ્યાં છે તે એક ને એક દિવસ ઊતરી જવાનાં છે. માણસ ગમે તેટલો પ્રયાસ કરે પણ તેનો મૂળભૂત સ્વભાવ બદલી શકતો નથી.

માણસનો અસલી ચહેરો ઘરમાં પ્રગટ થાય છે. બહાર તમે દેખાવ કરી શકો પણ જેમની સાથે રાત-દિવસ ઘરમાં રહેવાનું છે ત્યાં તમે દેખાવ કરી શકો નહીં. અહીં કોઈ જાતનો અભિનય ચાલી શકે નહીં. આપણને ઘરના માણસો અને ખાસ કરીને પત્ની જેટલી સારી રીતે ઓળખી શકે એટલું બીજું કોઈ ઓળખી શકે નહીં. જે માણસ ઘરમાં બધા સાથે સારી રીતે વર્તે, પ્રેમ અને સ્નેહની ભાવના રાખે, વિનય, વિવેક અને બીજાનું માન જાળવે તેને ખોટો દેખાવ કરવો પડતો નથી. તે બહાર બીજા સાથે પણ એવો દેખાશે, કારણ કે આ તેનો સ્વભાવ છે. પણ કેટલાક માણસો ઘરમાં સખણા રહેતા નથી. કોઈ ને કોઈ બાબતમાં મહાભારત સર્જે છે પણ બહાર મહોરાં લગાવીને ફરતા હોય છે અને સારા થવાનો પ્રયાસ કરતા હોય છે. પણ જે ખોટું છે, નકલી છે તે લાંબો સમય ચાલતું નથી. જે માણસ સ્વાભાવિક રીતે જીવે છે તેને કશું છુપાવવાનું હોતું નથી અને ડર પણ હોતો નથી.

સફળતા માટે દૃઢ નિર્ધાર અને સાહસ જરૂરી છે. જે માણસ વધારે પડતી ગણતરી કરે છે તે આગળ વધી શકતો નથી. જીવનમાં દરેક જગ્યાએ મુકાબલો કરવાનો રહે છે. સંઘર્ષ અનિવાર્ય છે. સત્ય અને ધર્મના માર્ગે ચાલવાવાળાએ તો નિર્ભય બનવું જ પડે. જે ડરે છે તે ક્ષણે ક્ષણે મરે છે. કેટલાક માણસો દુ:ખ અને વ્યથાથી વિંટળાઈને, ભય અને અસલામતીના કોચલામાં મરવાના વાંકે જીવતા હોય છે. તેમની એક મુશ્કેલી દૂર થાય તો તુરત બીજી આવીને ઊભી રહી જાય છે, કારણ કે તેમનામાં મુકાબલો કરવાનું સામર્થ્ય નથી. જીવનના માર્ગ પર માત્ર ફૂલો ને ફૂલો નથી સાથે કાંટાઓ પણ છે. માણસે અનેક અનષ્ટિોનો સામનો કરવો પડે છે. કાયર માણસોનું આમાં કામ નથી. એટલે મહાવીરે ધર્મના માર્ગે ચાલવાવાળા માણસોને ભયરહિત બનવાનું કહ્યું છે. જે માણસ ભયભીત છે એ પોતાની શક્તિને ઓળખી શકશે નહીં. તેનું મન આશંકાથી ઘેરાયેલું રહેશે. તે ડગલે ને પગલે મૂંઝાતો, ગભરાતો રહેશે. તે જીવનના મહાસાગરને ઓળંગી નહીં શકે. હારનો ભય જેને સતાવતો હોય તેણે જીતની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જીતવાની પ્રથમ શરત છે હાર માટે તૈયાર રહેવાની. જે માણસમાં ભય છે એ તો મુકાબલા પહેલાં હારેલો છે. તેને હરાવવા માટે ખાસ પ્રયાસો કરવાની જરૂર પડતી નથી. તેની શક્તિ પહેલેથી ઓસરી ગયેલી હોય છે. ડરના કારણે માણસ પોતે શું છે તે ભૂલી જાય છે. આ મારાથી નહીં થઈ શકે, આ મારું કામ નથી એમ કહેનારાઓ પ્રયાસ કર્યા વગર હાર સ્વીકારી લે છે. જે ડરે છે તે મરે છે. જંગલનો રાજા સિંહ ડરે તો નાના પ્રાણી સામે પણ હારી જાય. તે સિંહ છે તેટલું યાદ રાખવું તેના માટે પૂરતું છે. ઓશોએ ટાંકેલી એક કહાણી આ સંદર્ભમાં સમજવા જેવી છે.

એક વખત એક રાજાના પ્રધાનના શયનખંડમાં એક ઊંદર ઘૂસી ગયો અને તેણે ભારે ધમાલ મચાવી. તે આમથી તેમ કૂદકા મારવા લાગ્યો. પ્રધાનના પેટ પરથી કૂદકો લગાવી તે દૂર બેસી ગયો અને એકીટશે પ્રધાન સામે જોઈ રહ્યો. પ્રધાન યોદ્ધો હતો, ખડગધારી હતો. આવી ગુસ્તાખી હજુ સુધી કોઈએ કરી નહોતી. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, પરંતુ ઊંદર પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પછી તો યોદ્ધાએ ઉપાડીને તલવારનો ઘા કરી દીધો, પરંતુ ઊંદરે ત્વરાથી છલાંગ લગાવી દીધી અને યોદ્ધાનો વાર ખાલી ગયો. તેણે બીજી વાર પ્રયાસ કર્યો તો બીજી વખત પણ ઊંદર છટકી ગયો. પ્રધાન યોદ્ધાનો મિજાજ ગયો અને તેણે પૂરા બળથી તલવારનો ઘા કર્યો. ઊંદર છટકી ગયો અને પ્રધાનની તલવાર તૂટી ગઈ.

પ્રધાન તો પાગલ થઈ ગયો. તેણે વારંવાર ચેષ્ટા કરી. હાર ઉપર હાર. એ જેમ જેમ હારતો ગયો તેમ ઊંદર બળવાન બનતો ગયો. ઊંદર ઊછળીને પ્રધાનના પલંગ પર બેસી ગયો.

એક મામૂલી ઊંદર અને તે પ્રધાનને હરાવી જાય. તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં, પણ પોતે શું કરે! તેણે પોતાના મિત્રને બોલાવીને કહ્યું, ‘આવું મારી જિંદગીમાં કદી બન્યું નથી. હું કોઈથી હાર્યો નથી. મારી સામે આવું સાહસ કોઈ કરી શકે નહીં અને આ બે દોકડાનો ઊંદર મારી પર હાવી થઈ ગયો. હું ખરાબ રીતે હારી ગયો. તું આનો કાંઈક ઉપાય કર.’

મિત્રે પ્રધાનને કહ્યું: ‘ઊંદર સામે લડવાનું કોઈ પ્રયોજન નથી. એક યોદ્ધાએ ઊંદર સામે શા માટે લડવું જોઈએ? આને માટે એક બિલાડી પૂરતી છે. તે એક ઝટકામાં ખલાસ કરી નાખશે.’

સર્વત્ર અફવા ફેલાઈ ગઈ કે પ્રધાન ઊંદર સામે હારી ગયો અને બિલાડીઓ સુધી આ સમાચાર પહોંચી ગયા. કોઈ બિલાડી હવે આ કામ માટે આવવા તૈયાર ન થઈ. બિલાડીઓ એકઠી થઈ અને પોતાના નેતાને કહ્યું, ‘આ કોઈ સાધારણ ઊંદર નથી. તેની સામે પ્રધાન જેવો યોદ્ધો હારી ગયો છે તો આપણું શું ગજું? પ્રધાનનો હુકમ છે તો તમે જાવ. અમારી આ માટે તૈયારી નથી. બિલાડીનો નેતા પણ અંદરથી ગભરાઈ ગયો. તેણે ઘણાં ગલ્લાંતલ્લાં કર્યાં પણ કશું ચાલ્યું નહીં. બધી બિલાડીઓએ તેને ધક્કો મારીને પ્રધાનના શયનખંડમાં ધકેલ્યો. બિલાડીનો નેતા ડરતો ડરતો ધ્રૂજતો અંદર ગયો.

ઊંદર પથારી પર આરામથી બેઠો હતો. બિલાડીએ આવો ઊંદર કદી જોયો નહોતો. બિલાડી વિચાર કરતી રહી કે શું કરવું, કયો ઉપાય અજમાવવો. ત્યાં તો બિલાડીને જોઈને ઊંદર ડરનો માર્યો પૂરી તાકાત લગાવીને બચવા માટે જોરથી કૂદયો. અચાનક આક્રમણ થયું એમ સમજીને બિલાડી તો અદ્ધર શ્ર્વાસે બહાર ભાગી. ઊંદર હુમલો કરે એવું બિલાડીએ તો સ્વપ્ને પણ ધાર્યંુ નહોતું. બિલાડી બહાર આવીને ઢળી પડી અને મરી ગઈ.

પ્રધાનના મિત્રે કહ્યું, ‘હવે આ માટે સાધારણ બિલાડી નહીં ચાલે. રાજ દરબારની ખાસ બિલાડીને બોલાવવી પડશે.’ રાજાને વિનંતી કરતાં તેમણે પોતાની બિલાડીને મોકલી. રાજાની દૂબળી, પાતળી બિલાડીને જોઈને પ્રધાનને થયું કે આ બિલાડી શું કરી શકશે? રાજાની બિલાડી હતી એટલે તેને પાછી કાઢી શકાય તો નહીં.

બિલાડીનું મોટું ટોળું રાજાની આ બિલાડીને જોઈ રહ્યું. રાજાની બિલાડી કશા પણ ગભરાટ વગર શયનખંડમાં પ્રવેશી. બધાને થયું આ માયકાંગલી બિલાડી હમણાં પાછી ફરીને ઢળી પડશે. શયનખંડમાં થોડા ધબાધબીના અવાજો સંભળાયા અને બધાના આશ્ર્ચર્ય વચ્ચે રાજાની બિલાડી ઊંદરને પૂંછડીએથી પકડીને બહાર આવી.

બાકીની બધી બિલાડીઓ રાજાની બિલાડીને ઘેરી વળી અને પૂછ્યું, ‘તમે એવું તે શું કર્યંુ કે ઊંદર પકડાઈ ગયો. તમારી સફળતાનું રહસ્ય શું છે?’

રાજાની બિલાડીએ કહ્યું, ‘મેં કશું કર્યંુ નથી. મેં તો માત્ર એટલું યાદ રાખ્યું કે હું બિલાડી છું અને તે ઊંદર છે. બિલાડીએ ઊંદરથી ડરવાનું હોય?’ જીવનમાં પણ આવું જ બને છે. ભયના કારણે માણસ પોતાનું કૌવત ગુમાવે છે. ભય માણસનાં ગાત્રો ગાળી નાખે છે. જીવનમાં કશાનો ડર ન હોય અને મુસીબતો સામે મુકાબલો કરવાની હામ હોય તો ઘણા પ્રશ્ર્નો આસાન બની જાય. આપણે મોટે ભાગે કલ્પિત ભયોથી ડરતા હોઈએ છીએ અને એ ભય સામે આવીને ઊભો રહે છે ત્યારે આપણે તૂટી પડીએ છીએ. મુસીબત અને તકલીફને વેઠવાની આપણી તૈયારી નથી. એટલે નાનીનાની વાતોમાં આપણે ગભરાઈ જઈએ છીએ અને તેને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. દુ:ખ, મુશ્કેલી અને આફત કાયમના માટે રહેતાં નથી. સમય પસાર થતાં બધું દૂર થઈ જાય છે, પરંતુ આપણે મગજ પર ભાર રાખીને ફર્યા કરીએ તો બોજો ઓછો થવાનો નથી. આ અંગે ચિંતા રાખવાની જરૂર નથી...

‘ચિંતાસે ચતુરાઈ ઘટે

ઘટે રૂપ, બલ જ્ઞાન

ચિંતા બડી અભાગણી

ચિંતા ચિતા સમાન.’



ગમતાંનો કરીએ ગુલાલ - નલિની માડગાંવકર


જિંદગીને માણનારા માનવીની મધુરપની કવિતા
કવિતાની કેડીએ... - નલિની માડગાંવકર

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ. 


આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,

પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

સમદરની લ્હેર લાખ સુણી ક્યાંઈ સાંકળી?

ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો

વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?

સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?

આવે તો આપ કરી પળમાં પસંદગી,

મુઠ્ઠીમાં રાખતાં તે માટીની પાંદડી

ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,

ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,

આજ પ્રાણ જાગતો પૂછવું શું કોઈને?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં

રણકી ઊઠે કરતાલ.

કેટલીક કવિતા સ્વયં ગુલાલ જેવી હોય છે અને કવિ પોતાની લાડકી આવી કવિતાને ‘ગમતાનો કરીએ ગુલાલ’ની નીતિથી સહુને વહેંચે છે. દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે જો આ કવિતા રાખવામાં આવે તો એ ઘરની ગૃહિણી પોતાના ઘરનો ખૂણે ખૂણો અજવાળી શકે. અનેક ગમતી વસ્તુને અન્યને આપવાનો લ્હાવો લઈ શકે છે. અને એ વસ્તુના રિક્ત સ્થાનને આનંદથી સભર બનાવી શકે છે. પરિગ્રહ અને સંગ્રહખોરીના બોજામાંથી હળવા થવાનો આ કાવ્યાત્મક કીમિયો છે. અણગમતી વસ્તુ તો બધાંય આપે પણ ગમતી વસ્તુને જ્યારે અન્યના હાથમાં મૂકવામાં આવે છે ત્યારે વ્યક્તિ પોતાના પ્રિય વસ્તુની છબી લેનારની આંખમાં નિરખી શકે છે. એના આનંદમાં સહભાગી થઈ શકે છે.

આપણી ભાષા કેટલી બધી ખમતીધર છે! કવિને ક્યાંય દૂર જવું પડતું નથી. કવિતાનો લ્હેકો તો જુઓ! તળપદા શબ્દોનું આ વિશ્ર્વ જ આપણને ગમતી દુનિયામાં આવવા માટેનું ઈજન મોકલે છે. આ ગીતના શબ્દો માટે કોઈ પર્યાય નથી મળવાના. આ ‘ગુંજે ન ભરીએ’ને સ્થાને ખિસ્સું શબ્દ કેટલો ફિક્કો લાગેે છે. આ અધૂરો છે. કારણ આ કવિતામાં જિંદગીને માણનારા માનવીની મધુરપ છે. કવિતાના એક એક શબ્દોમાં ગીતની મસ્તી છે. શબ્દો એકબીજાનો હાથ પકડીને એવી સાંકળીની રમત રમી રહ્યા છે જેમાં આખું જગત સમાઈ જાય છે. આ ગીતના શબ્દોને સમજવા કોઈ શબ્દકોષનો આધાર લઈશું તો એનો અર્થ હાથમાંથી છટકી જશે. કવિતાના શબ્દો અર્થછાયાની પણ પેલી પાર પહોંચી ગયા છે.

સીધી સહજ ભાષામાં કવિ આપણી સાથે વાત કરે છે. એ વાત કહેવા માટે એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ઉપદેશ નથી આપતાં. જાણે આપણે ખભે હાથ મૂકીને મિત્રની જેમ કહે છે. તને ગમતી વસ્તુને ગુંજે નથી ભરવાની પણ એનો ગુલાલ કરવાનો છે. જો ગુલાલનો સ્થૂળ અર્થ લઈશું તો જોડણીકોશમાં એને લાલ રંગના ભૂકા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. એ અર્થ આપણને કામનો નથી. ગમતી વસ્તુને પરિગ્રહની મુઠ્ઠીમાં નથી બાંધવાની ગુલાલ જેને સ્પર્શે છે એ સહુને આનંદને રંગે રંગી દે છે. એ ક્યારે મળે જ્યારે સહુને એનો સ્પર્શ મળે. ગમતી વસ્તુને માલિકીભાવથી મુઠ્ઠીમાં બંધ કરી દઈએ તો એ અન્યને આનંદ નથી આપતી તેમ ખુદને પણ નથી આપતી. ઉપનિષદના કવિએ આ આખી પરિસ્થિતિને ‘ત્યાગીને ભોગવો’ની ફિલસૂફીથી ભરી દીધી છે. ત્યાગના આનંદને શ્રેષ્ઠ કહ્યો છે.

સંસારમાં રહેવા છતાં એની સ્વાર્થપરક પ્રવૃત્તિથી અલિપ્ત રહેનાર ઓલિયા ફકીર જેવા કવિ મકરંદ દવેએ આનંદને જીવનની કવિતા બનાવેલી. એ જ એમના જીવનની ધ્રુવપંક્તિ હતી. તેથી હિસાબ-કિતાબની કવિની પરિભાષા તદ્દન નિરાળી હતી. જે અન્યને આપવામાં અવરોધક બને છે. એવી આંગળીને કવિ ઓશિયાળી કહે છે. ‘આડો આંક દેવો’ એનો પણ શબ્દકોશનો અર્થ આપણને કામે નહીં લાગે. હૃદયમાં સાગરની જેમ ઊછળતો પ્રેમ વસુધૈવ કુટુંબમ્ની ભાવના જેવો હોવો જોઈએ. જે ખુદમાં જ સમાઈ જાય એવો સાંકડો પ્રેમ કવિને ખપતો નથી. સમંદરની લ્હેરોનો આનંદ નિરખી નિરખીને લૂંટી શકાય પણ એને બાંધી શકાતી નથી.

પ્રકૃતિએ આપણને ક્યાંય બાંધ્યા નથી. એણે મુક્તિ આપી છે. ખાડા ખાબોચિયાને બાંધવા પડે કારણ એની સાથે આપણા ગમા-અણગમા સંકળાયેલા છે. પ્રકૃતિનું ઔદાર્ય ચપટી ભરીને આપવાનું નથી હોતું. સમગ્ર પૃથ્વી માટેનું વ્હાલ તો આખા આકાશમાંથી વરસતું હોય છે. આ ગીતની એક એક પંક્તિમાં કવિએ માણસના મનમાં બંધાયેલા સંકુચિત સીમાડાને જ જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં પ્રકૃતિ આવી છે; ‘અમે ખોબો માંગ્યો ને તમે દરિયો દીધો’ ત્યારે આપણે એમણે આપેલી આ મૂડીને શું કામ ન વહેંચવી!

આજે કોઈ સારો વિચાર આવે, તો એને કિંમતી જણસની જેમ મનની કેદમાં શું કામ પૂરી રાખવો! સહુને વહેંચીને એનો આનંદ લેવો. પોતાની પર ચડેલો ગુલાલ ક્યારેય આનંદ નથી આપતો પણ બીજા પર વેરાયેલો ગુલાલ જ આપણી આંખને તૃપ્તિ આપતો આપતો સમગ્ર અસ્તિત્વને સભર કરે છે.

પ્રાપ્તિને ઉત્સવ બનાવવા માટે સમૂહની કલ્પના કરવામાં આવી છે. આજે પણ મુંબઈ સમાચાર-વર્તમાનપત્ર સંગીતની લ્હાણ પીરસીને આમ જ ‘ગમતાંનો ગુલાલ’ કરી રહ્યું છે એ એક સામાજિક નહીં; સાંસ્કૃતિક ઘટના છે. આ કોઈ આડવાત નથી. કવિતામાંથી સ્ફૂરતી સહુને સુખી કરવાની કલ્પના છે.

ત્રણ શ્ર્લોકોમાં-કંડિકાઓમાં કવિતા ફરીફરીને એક વાત કરે છે કે ‘ગમતાંનો ગુલાલ’ કરવાની વૃત્તિ તમારા કૌટુંબિક, સામાજિક અને આધ્યાત્મિક જીવનને પણ સુખ-સંતોષની ઊંચાઈએ પહોંચાડે છે. જીવનનું સુખ ક્યારેય ખરીદી શકાતું નથી. જે સ્થૂળ ધનનો સંચય કર્યો છે એ પણ ખાડા-ખાબોચિયાની જેમ બંધિયાર બની ગયું છે. હથેળીની આંગળીઓ વચ્ચેના અવકાશમાંથી જેમ સમય સરી જાય છે તેમ સ્થૂળ સંપત્તિ પણ સરી જતી હોય છે. એને રોકી શકાતું નથી.

‘આવે તે આપ કરી પળમાં પસંદગી’ અહીં વ્યક્તિની પસંદગી નથી કરવાની; વસ્તુની કરવાની છે. સહુને આપીને હળવી થયેલી જિંદગીની આ સ્વીકૃતિ છે. આવી ફિલસૂફી ધરાવવી એમાં પણ કવિની સમજણભરી ખુમારી જ છે. આવું માનવું એમાં પણ માણસમાત્ર પ્રત્યેનો પ્રેમ જ જોવા મળે છે. સંસારમાં સુખી થવાની અને સુખી કરવાની એક આંતરિક અભીત્સા છે. કોઠાસૂઝ છે.

જે પ્રાપ્તિ છે એને જાણે આંખોમાંથી વહેતા સ્નેહના જળથી પવિત્ર કરવાની છે. પ્રેમને કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. પ્રેમ એ તો આકાશમાંથી વરસતી હેલી જેવો છે. એને ખાબોચિયામાં બાંધી શકાતો નથી. વૃષ્ટિ એ તો જે ઝીલે એ સહુની હોય છે. ઈશ્ર્વરની આશકા લઈને જે પ્રસાદ વહેંચાય એના નાનાં કણોમાંથી પણ સહુને એક એક કણ આપીને આનંદથી ખાઈને સંતોષ મેળવીએ છીએ. ત્યાગ કરીને એની ફલશ્રુતિરૂપે મળતો આ સંતોષ છે. આપણે સહુ મૃત્યુના ઓછાયા નીચે હોવા છતાં આવી છાયા નીચે પણ ઉછરતી જિંદગીને માણીએ છીએ.

છેલ્લી પંક્તિઓમાં માધવ વેચંતી વ્રજનારી છે. આ ગોપાંગનાઓ એક ક્ષણ પણ કૃષ્ણ વગર રહી શકતી નથી છતાં જીવનમાં એની અતિપ્રિય વસ્તુ માધવને અન્યના હાથમાં મૂકવા તૈયાર થઈ ગઈ છે. આ તૈયારી, આવી તત્પરતાની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે સહુને આપવા છતાં પણ એની મૂડી અંતરની હોવાથી ક્યારેય ખૂટતી નથી. કવિ જીવનને પણ, એની સુખદ ક્ષણોને પણ આ રીતે અન્યને આપી ગમતાંનો ગુલાલ કરે છે. ગુલાલનું કામ જ અન્યને રંગી રંગીને ખુદ રંગાવાનું હોય છે. આવી ગમતી ક્ષણોના ગુલાલથી મુઠ્ઠી ભરીને કવિતા આપણી પાસે આવી છે. આવી કવિતા જ્યાં સુધી પોતાના ગુલાલને વેરતી રહેશે ત્યાં સુધી આપણી ભાષા-વધુ ને વધુ પોતીકી લાગવાની છે. વહાલી લાગવાની છે. 


Wednesday, July 3, 2013

ખરાબ માણસ પણ સારું કરે ત્યારે દેવદૂત જેવો લાગે છે - મહેન્દ્ર પુનાતર

* દરેક બાબતમાં જેટલું જ્ઞાન અને અધિકાર હોય તેટલાં અદા કરવાં જોઈએ. વાતવાતમાં ડાહ્યા થવાની જરૂર નથી. * શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ ઘરમાં નહીં મળે તો બહાર ક્યાંય મળશે નહીં. ધરતીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જાય ઘર જેવી નિરાંત બીજે ક્યાંય નહીં મળે. * આપણું કામ કરનારાઓ પ્રત્યે ઉદાર દૃષ્ટિ રાખવી જોઈએ. માગે એ પહેલાં તેમને થોડું વધુ આપવું જોઈએ. આ માનવતા છે. માનવધર્મ એ સૌથી મોટો ધર્મ છે.

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

માણસ કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને કોઈ પણ જાતના દેખીતા લાભ વગર જ્યારે પરમાર્થનું કામ કરે છે ત્યારે તેનો આનંદ અનોખો હોય છે. દાન અને સહાય એવી હોવી જોઈએ કે સામા માણસને હાથ લાંબો ન કરવો પડે. જેની પાસે પૈસા હોય એ જ દાન અને સહાય કરી શકે એવું નથી. આપણી પાસે જે કાંઈ હોય એમાંથી થોડુંક જરૂરિયાતવાળા દુ:ખી માણસને આપી શકીએ. થોડી સહાયમાં પણ ઘણું થઈ શકે છે. બની શકે તો ગરીબના આંસુ લૂછીએ, દુ:ખીને સહારો આપીએ, અપંગ અસહાયને હાથ લાંબો કરીને ટેકો આપીએ, સ્મિત વેરીને સામા માણસની વ્યથાને હળવી કરીએ અને કોઈને હૂંફાળું આશ્ર્વાસન આપીએ આ બધાં નાનાં પરમાર્થનાં કામો છે. એમાં બહુ વધારે ખર્ચ થવાનો નથી પણ તેનાથી જે ખુશી મળશે તે અપાર હશે.

દયા, કરુણા, પ્રેમ, સ્નેહ અને સંવેદના એ જીવનના સ્ત્રોતો છે. ગમે તેવો ખરાબ માણસ હોય, પરંતુ જીવનમાં કાંઈક ને કાંઈક સારું કરતો હોય છે. એનાં ખરાબ કામો સામે આ સારું કામ નજરે પડતું નથી. સારો માણસ પણ કાંઈક ને કાંઈક ખરાબ કામ કરતો હોય છે, પણ તેનાં સારાં કાર્યોની આડશે આ ખરાબ કામો ઢંકાઈ જાય છે. દરેક માણસ સારું - ખરાબ કરતો હોય છે, પણ જ્યારે સારું કામ થતું હોય છે ત્યારે મન નાચી ઊઠે છે અને ખરાબ કામ થયું હોય ત્યારે મન ડંખે છે.

એક ચોર રોજ કોઈને કોઈના ઘરમાં ઘૂસીને હાથ અજમાવે અને જે મળે તે લઈને છટકી જાય. એક દિવસ રાતે ઠંડીની ઋતુમાં ચોરી કરવા નીકળ્યો. કાતિલ ઠંડી હતી પણ ધંધો કર્યા વગર છૂટકો નહોતો. ચોર ફરતો ફરતો આજુબાજુ નિરીક્ષણ કરતો જાય છે. નગરજનો ઘરનાં બારીબારણાં બંધ કરીને નિદ્રાને આધીન થયા હતા. કયા ઘરમાં ઘૂસી શકાય એવું છે તેનો તાગ કાઢતો રહ્યો.

ચોર છેવટે એક ઘરમાં ઘૂસ્યો. તેને ખબર નહોતી કે આ ઘરમાંથી કશું નહીં મળે. આ ગરીબનું ઘર હતું. ગાત્રો ગળી જાય એવી ઠંડીમાં પણ તેમની પાસે પૂરતાં વસ્ત્રો અને ઓઢવાનું નહોતાં. અસહ્ય ઠંડીમાં કુટુંબ ટૂંટિયા વાળીને પડ્યું હતું. ઠંડીના કારણે બાળક રડી રહ્યું હતું. તેને ઓઢાડવા માટે આ દંપતી પાસે કશું નહોતું.

પત્ની કહે છે, ઠંડીમાં આ બાળક ઠૂંઠવાઈ જશે. તમે ઘરમાંથી ઓઢાડવા માટે કાંઈક શોધી કાઢો. પતિ કહે છે: આખું ઘર ફેંદી વળ્યો ઓઢાડવા જેવું કશું મળ્યું નથી. પતિએ પોતાનું ફાટેલું પહેરણ કાઢીને બાળકને ઓઢાડી દીધું પણ બાળક માટે એ પૂરતું નહોતું. બાળક જોરશોરથી ચીસો પાડી રહ્યું હતું.

ગરીબાઈનું આ દૃશ્ય જોઈને ચોરી કરવા આવેલા ચોરનું હૃદય દ્રવી ઊઠ્યું. ચોરને પણ દયા આવી ગઈ અને તે પોતાનો ગરમ ધાબળો બાળકને ઓઢાડીને અંધારામાં હળવેકથી ઘરની બહાર નીકળી ગયો.

બાળક રડતું બંધ થઈ ગયું. માતાએ હાથ ફેરવ્યો તો તેના પર ગરમ ધાબળો પથરાયેલો હતો. પતિ-પત્નીને થયું બાળકને બચાવવા માટે કોઈ દેવદૂત આવી ગયો છે. ગમે તેવો ખરાબ માણસ પણ જ્યારે સારું કામ કરે છે ત્યારે તે દેવદૂત જેવો લાગે છે.

* * *

કેટલાક માણસો વાતવાતમાં ડાહ્યા થતા હોય છે. કોઈ પણ બાબતમાં સમજે કે ન સમજે, પરંતુ માથું મારવાનો અને ડહાપણ ડોળવાનો તેમનો સ્વભાવ હોય છે. આવા માણસો અધકચરી સમજણના કારણે વાતનું વતેસર કરતા રહે છે અને સમગ્ર વાતને ગૂંચવી નાખે છે. સમાજમાં આવા કહેવાતા ડાહ્યા માણસોનો તોટો નથી. કોઈ પણ વાત હોય તેઓ આગળ આવી જાય છે અને પોતાનો કક્કો સાચો ઠેરવવાનો પ્રયાસ કરે છે. આડીઅવળી વાતો કરીને મૂળ વાતને ઠેબે ચડાવી દે છે. કોઈ પણ બાબતમાં કશું નહીં જાણવા છતાં બધું તેઓ જાણે છે તેવા તેમના પ્રયાસો હોય છે. હું કશું નથી જાણતો એમ કહેવું તેમના માટે મુશ્કેલ છે.

દરેક બાબતમાં જેનું જેટલું જ્ઞાન હોય અને જેટલો અધિકાર હોય તેટલો તે અદા કરે તો વાજબી છે પણ જેમાં તેનો અધિકાર નથી તેમાં જો ડાહ્યો થાય તો મૂરખ ઠરે છે. આવા ડહાપણ ડોળવાવાળા માણસોને છેવટે લોકો ઓળખી જાય છે. કોઈ મોઢે બોલતું નથી પણ પાછળથી તેની ટીકા થતી હોય છે. પણ આવા લોકોને આની અસર થતી નથી. ઊલટાનું તેઓ કહેશે ભાઈ આપણે તો જે કાંઈ સાચું હોય તે મોઢે સંભળાવી દઈએ ભલે પછી બીજાને ખોટું લાગે. ડૉક્ટરના વિષયમાં વકીલ માથું મારે અને વકીલના વિષયમાં ડૉક્ટર માથું મારે તો શું પરિણામ આવે? કેટલાક લોકો માનતા હોય છે આ બાબતમાં તેમનો અધિકાર છે અને વણમાગી સલાહ આપવા બેસી જાય છે. સલાહ એવી વસ્તુ છે જે આપવી ગમે છે લેવી ગમતી નથી. જ્યાં આપણો અધિકાર ન હોય ત્યાં માથું મારવાથી શું પરિણામ આવે તે અંગે નાની સમજવા જેવી વાત છે...

એક ધોબીને ત્યાં કૂતરો અને ગધેડો રહે. ધોબી પૂરું ખાવાનું ન આપે. કૂતરાએ ઘણાં વર્ષો સુધી વફાદારી બતાવી પણ ફળ કાંઈ મળ્યું નહીં. એક રાતે ધોબીના ઘરમાં ચોર ઘૂસ્યા. કૂતરાએ ભસવું જોઈએ, પરંતુ તે ભસ્યો નહીં. તેની બાજુમાં રહેલા ગધેડાએ કૂતરાને કહ્યું: ચોર આવ્યા છે ભસીને માલિકને જગાડ. કૂતરાએ કહ્યું: તે મને પૂરતું ખાવાનું આપતો નથી તેથી હું તેને નહીં જગાડું. ગધેડાએ કહ્યું, તું નહીં ભસે તો મારે મોઢું ખોલવું પડશે. કૂતરાએ કહ્યું: જેવી તારી મરજી. અને માલિકને જગાડવા માટે ગધેડાએ જોરજોરથી ભૂંકવાનું શરૂ કર્યું. દિવસભરનો થાકેલો ધોબી ભરઊંઘમાં હતો. ગધેડાના ભૂંકવાથી તેની ઊંઘમાં ખલેલ પડી. તે ધોકો લઈને ઊઠ્યો અને ગધેડાનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. ચોરે ચોરનું કામ કર્યું અને ગધેડાને માર પડ્યો.

કોઈ પણ બાબતમાં વગર અધિકારે માથું મારવાથી અને ખોટું ડહાપણ ડોળવાથી માનહાનિ થાય છે. પ્રતિષ્ઠા ઘટે છે અને જશને બદલે જૂતાં મળે છે.

* * *

એક કલાકારને સૌથી સુંદર વસ્તુનું ચિત્ર દોરવાનું મન થયું. તેણે ધર્મગુરુને પૂછ્યું જગતની શ્રેષ્ઠ વસ્તુ કઈ? ધર્મગુરુએ કહ્યું: શ્રદ્ધા. શ્રદ્ધાનાં દર્શન પ્રત્યેક ધર્મસ્થાનકોમાં થશે. શ્રદ્ધા અને વિશ્ર્વાસ પર જગત ચાલી રહ્યું છે. કલાકારને સંતોષ ન થયો. તેણે એક નવપરિણીત મહિલાને આ પ્રશ્ર્ન કર્યો કે જગતની શ્રેષ્ઠ વસ્તુ કઈ? તેણે કહ્યું: પ્રેમ. આ જીવનનું અમૃત છે. જીવનમાં બધું નહીં હોય તો ચાલશે પણ પ્રેમ વગરની દુનિયા નિર્ધન છે. પ્રેમ ખોવાઈ જશે તો કશું હાથમાં નહીં રહે. પ્રેમ થકી દરિદ્રતામાં પણ સમૃદ્ધિ લાગે છે. કલાકારે આ જ પ્રશ્ર્ન એક સૈનિકને પૂછ્યો. તેણે કહ્યું: જગતની શ્રેષ્ઠ વસ્તુ શાંતિ છે. શાંતિ વગર સુખચેન નથી.

શ્રદ્ધા, પ્રેમ અને શાંતિના વિચારમાં કલાકાર ઘેર પહોંચ્યો. એને જોતાં જ પત્ની અને સંતાનો દોડતાં આવ્યાં. બાળકો વીંટળાઈ વળ્યાં. પત્ની સ્મિત સાથે હાથ પકડીને ઊભી રહી ગઈ, કલાકારને વિચાર આવ્યો જેની હું શોધ કરી રહ્યો છું તે મારા ઘરમાં છે.

સંતાનોની નજરમાં શ્રદ્ધા, પત્નીની નજરમાં પ્રેમ અને ઘર શાંતિની દિવ્યભૂમિ. કલાકાર તુરત કામે લાગી ગયો. તેણે વિશ્ર્વની સુંદર વસ્તુનું ચિત્ર બનાવ્યું. તેને નામ આપ્યું ઘર.

શ્રદ્ધા, પ્રેમ અને શાંતિને શોધવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તે ઘરમાં જ છે અને જો તે ઘરમાં નહીં મળે તો દુનિયામાં કશેથી મળશે નહીં. ધરતીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જાય, પરંતુ સાચું સુખ અને શાંતિ ઘર સિવાય બીજે ક્યાંય મળશે નહીં. ઘરમાં પ્રેમ, શ્રદ્ધા અને શાંતિ હશે તો પ્રભુ પણ ત્યાં બિરાજેલો હશે અને ઘર મંદિર બની જશે.

* * *

માણસ દાન, ધર્મ અને મોજશોખમાં હજારો - લાખો રૂપિયા ખર્ચે છે, પણ પોતાને ત્યાં કામ કરતા માણસો પ્રત્યે એટલો ઉદાર બની શકતો નથી. પોતાને ત્યાં કામ કરતી કામવાળી ૫૦ કે ૧૦૦ રૂપિયાનો પગાર વધારો માગે તો મોઢું ચડી જાય છે અને કેટલું બધું સંભળાવી દેવામાં આવે છે. કોઈ પોતાના હક્કનું માગે ત્યારે આપવા મન રાજી થતું નથી, પરંતુ કોઈ આપણને બનાવી જાય, છેતરી જાય ત્યારે હાથ ઘસતા બેસી રહીએ છીએ.

માણસો સામાન ઊંચકનારા મજૂર કે ઘોડાગાડીવાળા સાથે એક-બે રૂપિયા માટે રકઝક કરતા હોય છે, પરંતુ ભિખારીના હાથમાં એક-બે રૂપિયા મૂકી દેતાં અચકાતા નથી, કારણ કે તેમાં પુણ્ય મળી રહ્યું છે, એમ આપણે માનીએ છીએ. પણ કોઈના હક્કનું છીનવી લઈને, તેનું શોષણ કરીને આપણે કેટલું પાપ કરીએ છીએ તેનો ખ્યાલ આવતો નથી.

એક ભંગાર વેચવાવાળો માણસ કે કપડાના બદલામાં વાસણ વેચતી બાઈઓ ઘેર ઘેર ફરે, પરંતુ લોકો ભાવતાલમાં માથાકૂટ કરે અને પેલા શ્રમજીવીઓને ખાટવા ન દે. મોલમાં કે મોટા સ્ટોરોમાં ખરીદી વખતે ભાવતાલ થતા નથી. જે કિંમત હોય તે ચૂકવી દેવી પડે છે ત્યાં વાંધો આવતો નથી. આપણે નાના માણસો અને ગરીબો પ્રત્યે કેમ ઉદાર બની શકતા નથી એ પ્રશ્ર્ન છે. દાન, ધર્મ અને પુણ્યની વાત આવે ત્યારે માણસ અચાનક ઉદાર બની જાય છે.

એક મારવાડી શેઠે ખોટાં કામો કરીને કરોડોની કાળી કમાણી કરી હતી અને પછી ઉંમર થતાં ધન-દોલતનો ત્યાગ કર્યો હતો એટલે કે સંતાનોમાં તે વહેંચી દીધી હતી અને એક કરોડ જેટલી રકમ પોતાના હાથમાં રાખી હતી અને કહેતા બસ આપણે બધું છોડી દીધું છે, હવે પ્રભુની સેવા કરવી છે અને દાન-પુણ્ય કરવા છે જેથી જાણે-અજાણ્યે કાંઈ પાપ થયું હોય તો મુક્તિ મળે.

લોકો માને છે થોડું પાપ થઈ ગયું છે તો થોડું પુણ્ય કરી નાખો એટલે હિસાબ સરભર થઈ જાય, પરંતુ પ્રભુના દરબારમાં બંનેનો હિસાબ જુદો છે. પુણ્યનો લાભ મળશે પણ પાપની સજા ભોગવવી પડે છે. પાપ અને પુણ્ય બંનેનો હિસાબ જુદો છે.

જે લોકો આપણું કામ કરે, આપણી સેવા કરે તેના પ્રત્યે ઉદાર દૃષ્ટિ રાખવી જોઈએ. એ માગે એ પહેલાં તેમને થોડું વધુ આપવું જોઈએ. આ માનવતા છે અને માનવ ધર્મ એ સૌથી મોટો ધર્મ છે.