ફુલનદેવી

લગ્નને નામે ફુલનનો સોદો માત્ર એક ગાયના બદલામાં

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


ફુલન વિશેના સંશોધનમાં હાથ લાગેલી વધુ ચોંેકાવનારી વિગત મુજબ લગ્ન સમયે એની ઉંમર હતી માત્ર ૧૧ વર્ષ, પંદર વર્ષ નહિ. આ સંબંધથી સૌને સુખનો સૂરજ ઊગવાની આશા હતી પણ નવવધૂ ફુલન, વરરાજા પુટ્ટીલાલ, ક્ધયાના પિતા દેવીદીન, માતા મુલા, બિહારી ચાચા કે પિતરાઈ માયાદીન જાણતા નહોતા કે તેમનું જીવન કંઈ દિશામાં ફંટાઈ રહ્યું છે.

૧૧ વર્ષની બાળકીને તો લગ્ન-જીવનની લેશમાત્ર સમજ નહોતી. સમાજમાં અગાઉ લગ્ન જોયા હતા, માણ્યા હતા અને માતા-પિતાએ સમજાવી એટલે પરણવા સિવાય છૂટકો નહોતો. એનું કોમળ મન હજી પરિપક્વ થાય અને કંઈ સમજે એ પહેલા ન થવાનું થવા માંડ્યું. સામાજિક નિયમ મુજબ છોકરી સમજણી એટલે કે પરિપક્વ ન થાય ત્યાં સુધી લગ્નજીવનનો આરંભ ન થાય. માત્ર સાસરામાં રહીને એ ત્યાંના રીતરિવાજ શીખતી રહે, ઘરમાં બધા સાથે હળતીભળતી થાય. સૌના દિલ જીતી લે એવો આદર્શ સેવાય.

ફુલન હજી લગ્ન-જીવન અને સાસરિયાની દુનિયામાં ભાંખોડિયા ભરે એ અગાઉ પુટ્ટીલાલે પોત પ્રકાશી દીધું. એનાથી ત્રણ ગણી વધુ ઉંમરના વરે ફુલન પર બળજબરી કરી. સહશયન નહિ, રીતસરનો બળાત્કાર. જરાય આનાકાની કરતા કે વિરોધનો હરફ સુધ્ધાં ઉચ્ચારતા તેની મારઝૂડ થવા માંડી. ફુલનને ગાળો સાથે સંભળાવી દેવામાં આવતું હતું કે તને કંઈ મફતમાં નથી લાવ્યા સમજી, તારા સાટામાં એક ગાય આપવી પડી છે.

હવે સતામણી, મેણાટોણા, મારપીટ અને જાતિય શોષણ વચ્ચે માસૂમ ફુલન પાસે એક જ વિકલ્પ બચતો હતો ભાગી છૂટવાનો. દર વખતે ફુલન સાસરેથી ભાગીને પિયર જવાનો પ્રયાસ કરતી, પકડાઈ જતી અને ફરીથી એના એ જ અત્યાચાર.

પુટ્ટીલાલ અને તેના પરિવારજનોએ ફુલનને શિસ્તબદ્ધ કરવા, એક સ્ત્રીની જેમ વર્તતી કરવા માટે ખૂબ ધમપછાડા કર્યા પણ બધા પ્રયાસો નિરર્થક નિવડ્યા. એ લોકો ઈચ્છતા હતા કે ગામડાની પરંપરાગત નારીની જેમ ફુલન ચૂપ રહે, બધું સહન કરતી રહે અને ચૂં કે ચાં ન કરે, પરંતુ બાળપણથી જ ફુલનના ઊગી નીકળેલા ઝનૂને એને ગમે તેટલી મારઝૂડ છતાં શાંત પડવા જ ન દીધી.

અંતે એક દિવસ ફુલન સાસરેથી ભાગી છૂટી. પિયર પહોંચીને નિરાંતનો શ્ર્વાસ લે કે એના તન-મન પર પડેલા ઘાની કળ વળે એ પહેલાં એને આંચકાજનક જાણ થઈ. પોતે પાછી ફરી એ કલંકરૂપ છે,

લાંછનરૂપ છે અને બધાની બદનામી કરનારું છે. ન કોઈએ કારણ પૂછ્યા, ન કોઈએ કારણ પૂરા સાંભળ્યા. એના બદલે એને ઠપકો આપ્યો, શિખામણ અપાઈ. પિયરવાળાએ સમજાવી પટાવીને તેને પાછા સાસરે મૂકી આવ્યા.

પરંતુ ફરીથી જૂની વસ્તુઓ જ દોહરાવા માંડી. મારપીટ, ગાળાગાળ અને જાતિયશોષણ સામે ફુલનનો વિરોધ. કંઈ બદલાયું નહોતું. ફરી એનું એ પરિણામ. ફુલન ભાગીને પિયર જતી રહી.

જૂના ઘટનાક્રમમાં નવો સીન ઉમેરાયો. આ વખતે સાસરિયાઓએ એને પાછી સ્વીકારવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો. ખૂબ કાલાવાલા બાદ સાસરિયાએ એક શર્તે એને પાછી લેવાની તૈયારી બતાવી કે હમણાં ભલે પિયરમાં રહેતી અને ઘરના કામકાજ શીખતી. પતિ સાથે રહેવા જેટલી મોટી-સમજુ થાય પછી સાસરે મોકલી દેજો.

ફુલને મનોમન સંતોષ માન્યો કે ભલું થયું ભાંગી જંજાળ. પણ શાંતિ એના નસીબમાં જ નહોતી. પિયરમાં એ ચૂપ ન રહી શકી. પિતરાઈ માયાદીન સાથે ઘર્ષણ ચાલુ રહ્યાં. શાબ્દિક ટપાટપીથી શરૂ થયેલી વાત અદાલત સુધી પહોંચી ગઈ. પિતાની પચાવી પાડેલી જમીન પાછી મેળવવા માટે ફુલન કોર્ટમાં ગઈ પણ હારી ગઈ. ખુદ પિતાએ જ એને મદદ ન કરી.

ફુલન સમજી નહોતી શકતી કે પોતાના દાદાની જમીન પર પિતા દેવીદીન અને બિહારી કાકાનો સરખો હક્ક હોય તો પિતરાઈ માયાદીન કેવી રીતે એનો માલિક બની બેઠો? ફુલન ભલે કંઈ સમજી કે ન સમજી પણ માયાદીનના હાથમાં ચળ આવતી હતી. ક્યારેક જાહેરમાં, તો ક્યારેક ખાનગીમાં, ફુલન એનું અપમાન કરતી જ રહેતી હતી. માયાદીને વેર વાળવું હતું. ફુલનને કાયમ માટે યાદ રહી જાય એવો પાઠ ભણાવવો હતો.

માયાદીનના શેતાની દિમાગમાં એક તુક્કો આવ્યો, કાનૂની ગુંડાગીરી કરવાનો. તેણે પોલીસ પાસે જઈને ફુલને ઘરમાં ચોરી કરી હોવાની ફરિયાદ કરી. સોનાની વીંટી અને કાંડાઘડિયાળ ઉપરાંતની નાની-મોટી ચીજો ફુલને ગાયબ કરી હોવાનો માયાદીને દાવો કર્યો. ફરિયાદ નજીકના ગામની પોલીસમાં નોંધાવાઈ હતી. એ પોલીસવાળા ફુલનને અને એના આખા પરિવારને ઓળખતા હતા. પરિવારની ઈચ્છાને માન આપીને પોલીસ ફુલનને પકડીને પોલીસચોકીએ લઈ ગઈ. તેને ત્રણ દિવસ જેલમાં ગોંધી રખાઈ. ત્રણેય દિવસ બરાબરની મારઝૂડ કર્યા બાદ ચેતવણી આપીને છોડી દેવાઈ કે હવે આવું ન કરતી. આવું એટલે ‘ચોરી’ નહિ, પણ માયાદીનના માર્ગમાં આવવાનું નહિ. સાથાસોથ પરિવારમાં કોઈની સાથે ન બાખડવાની પણ ચીમકી અપાઈ હતી. માયાદીન વિજયના મદમાં રાચવા માંડ્યો પણ ફુલન ખૂબ ખુન્નસે ભરાઈ અને આ જેલના ‘વો તીન દિન’ ક્યારેય ભૂલી ન શકી. આ તરફ માતા-પિતાય હવે કંટાળ્યા હતા. ફુલનથી છૂટવાનો અને એને સુખી કરવાનો એક જ રસ્તો સૂઝતો હતો. સાસરે વળાવી દેવાનો.

દેવીદીન અને મુલાએ જઈને પુટ્ટીલાલ અને એના માતા-પિતાને કાલાવાલા કર્યાં કે હવે ફુલન ૧૬ વર્ષની થઈ ચૂકી છે એટલે એ જમાઈ સાથે સહજીવન શરૂ કરી શકશે, પરંતુ સાસરિયાએ પણ ફુલનના વર્તન અને તોફાનોની વાતો ઊડતી ઊડતી સાંભળી હતી. શરૂઆતમાં તો એક જ જવાબ મળ્યો કે અમને ધોળે ધરમેય ફુલન તો ન જ ખપે.

આવા આકરા નિર્ણય છતાં પુટ્ટીલાલનો પરિવાર ધર્મસંકટમાં હતો. એક તો ગરીબ પરિવાર એટલે ફરીથી લગ્ન તો શકય નહોતા. એ સમયે એમના સમાજમાં છૂટાછેડા જેવી બાબતનું અસ્તિત્વ જ નહોતું. અધૂરામાં પૂરું, પુટ્ટીલાલની ઉંમર વધી રહી હતી. સામે પક્ષે ફુલનના પરિવારે ગમે તેમ કરીને થોકબંધ ભેટ-સોગાદ (કે દહેજ) આપવાની ઓફર કરી. અંતે પુટ્ટીલાલ ઍન્ડ ફેમિલી માની ગયું.

ફુલનના પરિવારમાં ખુશાલી છવાઈ ગઈ. એના ‘ગૌના’ની વિધિની તૈયારીઓ થવા માંડી. નાની ઉંમરે થતા લગ્નમાં છોકરી વયસ્ક થાય અને પતિ સાથે સહજીવન શરૂ કરવા સક્ષમ બને એટલે ‘ગૌના’ની વિધિ થાય.

ફુલન પરિપક્વ થઈ ચૂકી હતી એટલે બધાને હતું કે હવે વાંધો ન આવવો જોઈએ અને અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે.

બધાની ધારણા અને અપેક્ષાથી એકદમ વિપરીત બનવા માંડ્યું

ફુલન અને પુટ્ટીલાલના દામ્પત્યજીવનમાં. ફરી એના એ ઈતિહાસનું પુનરાવર્તન થયું. વાત એટલી બધી હદે વણસી ગઈ કે સાસરિયાએ ભેટસોગાદની બધી ચીજવસ્તુઓ પાછી મોકલી દીધી. તેમણે સોગંદ

ખાધા કે હવે કોઈ સંજોગોમાં ફુલનનો પગ અમારા ઘરમાં ન જોઈએ.

એ વર્ષ હતું ૧૯૭૯નું અને ફુલન સોળ વર્ષ ઉપરાંત થોડા મહિનાની હતી. છૂટાછેડા કે સાસરેથી કાઢી મુકાયેલી છોકરીને સામાજિક કલંક - લાંછન મનાતું હતું. એક તો ગરીબ, અભણ, પછાત અને એમાં હવે સામાજિક અસ્પૃશ્યતા ઉમેરાઈ. ફુલન ઘરમાં રહે તો પોતીકાઓના અને બહાર નીકળે તો બહારનાઓના મેણાંટોણાં સાંભળવા પડતા હતાં. જીવન દોઝખ જેવું થઈ ગયું હતું. ફુલન માટે ઉપર આકાશ અને નીચે ધરતી બચ્યા હતા. ન કોઈ વિકલ્પ કે ન કોઈ આશા. જવું તો ક્યાં જવું? કરવું તો શું કરવું?


ફુલને ધોળે દિવસે પતિની છાતીમાં છરો હુલાવી દીધો

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


ફુલનના જીવનના આરંભિક દિવસો પરથી ગુજરાતી ફિલ્મ બનાવાય તો ટાઈટલ રખાય: પિયરમાં આફત, સાસરામાં મહાઆફત. કાકા બિહારી અને પિતરાઈ મયાદીન સાથે મગજમારીમાંથી છૂટી, તો સાસરિયાંમાં પતિ પુટ્ટીલાલ એકે હજારો જેવો નીકળ્યો. પિયરમાં ચોરીના આરોપસર જેલ ભોગવી આવેલી ફુલનના પગ સાસરિયાંમાં ઝાઝા ન ટક્યા. પિયરથી સાસરે અને સાસરેથી પિયરની આવનજાવન વચ્ચે ૧૯૭૯માં મુકાયું પૂર્ણવિરામ: છૂટાછેડા. એ સમય અને એ સમાજ માટે આમ પતિ-પત્નીનું સત્તાવાર રીતે છૂટા પડવું સામાન્ય કે સહજ નહોતું. પુટ્ટીલાલ માટે ઠીક પણ ફુલન તો છૂટાછેડાને લીધે કલંકિત, બદનામ ગણાવા માંડી.

ફુલન કંઈ જ ભૂલી શકતી નહોતી... પિતરાઈએ કરેલા અન્યાય, પતિએ કરેલા અત્યાચાર અને ચોરીના આરોપસર થયેલા જેલવાસ વખતે થયેલી મારઝૂડ અને સતત બળાત્કાર. હવે સમાજમાં એનું સ્થાન ખૂબ નીચું થઈ ગયું હતું. સામાન્યજનો માટેના કૂવામાંથી પાણી ભરવાની મનાઈ, કારણ કે પોલીસે ચેતવણી આપી હતી. ફુલનને પાણી ભરવા દેશો તો કૂવો દૂષિત થઈ જશે. જોકે ફુલનના પિતાએ દંડ ભર્યા બાદ કૂવેથી પાણી લેવાની છૂટ મળી ખરી.

આ વિસ્તાર જ ખૂબ આંતરિયાળ અને એકદમ પછાત. આજેય ભારોભાર ગરીબી. ઉદ્યોગોના અભાવને લીધે નોકરી મેળવવાનાં ફાંફાં. મજૂરી-કામ મેળવવા માટે ઘણા પુરુષો નજીકના મોટા શહેર ભણી જવા માટે મજબૂર. થોડા ઘણા પાસે જમીન પણ નહિવત્ ફળદ્રુપ. એમાંય એ વર્ષે તો વરસાદ પણ મોળો. ખેડૂતોને દાડિયા મજૂર ન પરવડે. આથી શહેર ન જઈ શકતા અને ગામમાં રોજમદાર દાડિયા પણ ન બની શકતા પુરુષો માટે એક જ રસ્તો બચતો હતો: ખીણ, ચંબલની ખીણ.

અને ચંબલની ખીણમાં ઉતરવા માટે જરૂરી અન્યાય, આક્રોશ અને અજંપાનો ગોળો મોટાભાગનામાં ઠાંસોઠાંસ ભરેલો હતો, ફુલનની જેમ.

અને ફુલન પણ પહોંચી ગઈ એ ચંબલની ખીણમાં. એ ત્યાં સુધી કઈ રીતે પહોંચી એનાં વિરોધાભાસી કારણો બહાર આવ્યાં હતાં. આ માટે ઘણી વાતો બહાર આવી છે: એક, ૧૯૭૯માં જેલમાંથી બહાર આવ્યા બાદ ફુલન ચંબલના એક ડાકુના પ્રેમમાં પડી હતી. બે, ભયંકર ગરમ મગજવાળી ફુલનને પાઠ ભણાવવા તેનું અપહરણ કરાયું હતું. ત્રણ, પોતાના ઘરવાળા અને મોટી ઉંમરના પતિનું બેફામ ઘસાતું બોલનારી ફુલને ડાકુઓનું ધ્યાન ખેંચ્યું હતું. આ મામલે ખુદ ફુલને ક્યારેય ફોડ ન પાડ્યો. પોતાની જીવનકથામાં માત્ર એટલું લખાવ્યું: કિસ્મત કો યહી મંજૂર થા.

કારણ જે હોય તે પણ ફુલનને માટે હવે ચંબલની ખીણ જ લાંબો સમય આશરો બની જવાની હતી. પણ નસીબ સાવ ફૂટેલા. પિયર કે સાસરિયાંમાં દાઝેલી ફુલનને ચંબલની ખીણમાંય અજંપો જ મળ્યો. એ ઉચ્ચ જાતિના મનાતા ડાકુ બાબુ ગુજ્જરસિંહની ટોળકીમાં ભરતી થઈ હતી. સમાજની જેમ ડાકુગીરી અને ચંબલ પણ નાતજાતના ભેદથી મુક્ત નહોતી. ગુજ્જર જાતિના બાબુની નજરમાં ફુલન વસી ગઈ. એ ફુલનની આસપાસ ફરવા માંડ્યો પણ જરાય ભાવ ન મળ્યો. આ ગૅંગમાં બાબુ ગુજ્જરનો જમણો હાથ હતો. વિક્રમસિંહ, જે ફુલનની મલ્લાહ જાતિનો જ હતો. ફુલનને લીધે ટોળકીના ગુજ્જર અને મલ્લાહ સભ્યો વચ્ચે તંગદિલી વધવા માંડી. ફુલનની અવગણનાને લીધે એકદમ ઉશ્કેરાયેલો બાબુ ગુજ્જર ભાન ભૂલ્યો. તેણે ફુલન પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. આ બળાત્કારમાં ફુલનને બચાવી વિક્રમસિંહે. જોકે બાબુ ગુજ્જર અને વિક્રમસિંહની ઝપાઝપી ધારણાથી વધુ લાંબી ચાલી અને ગંભીર બની ગઈ. પરિણામે વિક્રમસિંહના હાથે બાબુ ગુજ્જર ઠાર મરાયો.

હવે વિક્રમસિંહ મલ્લાહ ગૅંગનો નવો આકા બની ગયો. હવે વિક્રમસિંહ અને ફુલન નજીક આવવા માંડ્યા. ભૂતકાળમાં ફુલન પરણેલી હતી, તો વિક્રમ પણ કુંવારો નહોતો. એકનો પતિ હયાત હતો, તો બીજાની પત્ની, પરંતુ વિક્રમસિંહના પ્રેમપૂર્વકના વર્તનથી ફુલન આકર્ષાયા નગર ન રહી. ગૅંગમાં બધા ખૂણેખાંચરે ફુલનને વિક્રમની રખાત કહેવા માંડ્યા. કેટલાક ડાકુઓને નવા બૉસ સામે વાંધો હતો. અમુકને બૉસની નજીક ફુલનનું હોવું આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. એક મલ્લાહના હાથે બાબુસિંહની થયેલી હત્યાને લીધે ગૅંગના ગુજ્જરો સમસમીને બેસી રહ્યા હતા.

વિક્રમસિંહ અને ફુલન હવે પતિ-પત્નીની જેમ રહેવા માંડ્યા હતાં. ફુલનનું દિલ જીતવા એને ખુશ રાખવા અને એના ચહેરા પર સ્મિત લાવવા માટે વિક્રમસિંહ કંઈ પણ કરવા તૈયાર હતો.

થોડાં અઠવાડિયાં બાદ વિક્રમસિંહની ગૅંગે નવો પ્લાન બનાવ્યો. તેઓ ફુલનનાં સાસરિયાંના ગામે પહોંચી ગયા. એમનું ટાર્ગેટ હતો ફુલનનો પતિ પુટ્ટીલાલ. ગામ પર ત્રાટકવા સાથે ગૅંગે પુટ્ટીલાલના ઘર પર હુમલો કર્યો. કયારેક પત્ની તરીકે હડધૂત કરેલી એ પત્ની આજે યમદૂત બનીને સામે આવી હતી. પુટ્ટીલાલની કાકલુદીથી ફુલન જરાય ઢીલી ન પડી. ફુલન એને ઘરમાંથી બહાર ઢસડીને લાવી અને આખા ગામની સામે પુટ્ટીલાલની છાતીમાં છરી હુલાવી દીધી. અધમરેલા પુટ્ટીલાલને ઢોરની જેમ ઢસડતાં ઢસડતાં લઈ જવાયો અને એને રસ્તા પર રઝળતો મૂકી દેવાયો. એ પહેલાં એના ગળામાં એક ધમકી પત્ર બાંધી દેવાયો: ખબરદાર, કોઈ નાની ઉંમરની છોકરીઓ સાથે પરણ્યા છો તો.

હવે ફુલન લોહી ચાખી ગયેલી વાઘણ હતી અને મગજમાં ધરબાયેલા વેર સળવળાટ કરવા માંડ્યા હતા. હવે કોનું આવી નશે?

(ક્રમશ:)
ટોળકીના બીજા સરદારના કમોતમાં ફુલન બની કારણ

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


સતત અત્યાચાર-અન્યાય સામે ફુલને બગાવતનો બુંગિયો ફૂંક્યો હતો. ગૅંગનો સર્વેસર્વા બાબુ ગુજ્જર ફુલનનાં મોહમાં વિક્રમસિંહ મલ્લાહના હાથે માર્યો ગયો. ફૂલન હવે વિક્રમસિંહની માનીતી કહો તો માનીતી અને બીજી પત્ની કહો તો બીજી પત્ની બની ગઈ. આ બંને ફુલનના સાસરાના ગામે પહોંચી ગયા. ખુદ ફુલને જ પોતાના માજી પતિ પુટ્ટીલાલનો ક્રૂરપણે ખાત્મો બોલાવી દીધો.

ફુલને વેરની વસૂલાત શરૂ કરી એ સાથે એના નામનો ફફડાટ વધવા માંડ્યો. એક તરફ ફુલન હથિયાર વાપરતા શીખવા માંડી, તો બીજી બાજુ એને કનડનારાઓને પરસેવો વળવા માંડ્યો. હવે વિક્રમસિંહ મલ્લાહ અને ફુલન એકદમ જોશમાં હતાં. એમની ટોળકી ઠેર ઠેર ત્રાટકીને લૂંટફાટ ચલાવતી હતી. આ ગૅંગ ઉચ્ચ જાતિને વધુ નિશાન બનાવતી હતી. લૂંટ, મારપીટ, ખંડણી વસૂલી અપહરણ અને ધાકધમકીને પ્રતાપે ફુલનના નામનો ફફડાટ વધી રહ્યો હતો. આને લીધે ટોળકીના ઉચ્ચ જાતિના લોકોમાં અસંતોષ અને આક્રોશ ઉગ્ર બની રહ્યા હતા. આ બંનેની વધતી આણ અને ફેલાતી બદનામીને લીધે હરીફ ટોળકીઓ પણ નાખુશ હતી. આ બધામાં ફુલનની કડવી અને તેજાબી જીભ આગમાં ઘી છાંટવાનું કામ કરતી હતી.

એક તરફ આંતરિક અસંતોષ, ઉચ્ચ જાતિનો ગુસ્સો પોલીસના જોશ અને હરીફોની પેંતરાબાજી ફૂલીફાલી રહી હતી. આમાં સક્રિય વિરોધ નોંધાવ્યો વિક્રમસિંહની ગૅંગના જ બે સભ્યે. ઉચ્ચ ઠાકુર કોમના ભાઈ શ્રીરામ અને લાલારામ અત્યાર સુધી મૂંગે મોઢે બધું જોતા હતા. મનમાંને મનમાં સમસમીને હાથ પર હાથ મૂકીને બેસી રહેતા હતા. પણ હવે બંનેએ કંઈક કરી છૂટવાનો નિર્ણય લઈ લીધો હતો. હકીકતમાં તો બાબુ ગુજ્જરના સમયમાં આ ભાઈઓ પોતાના પરિવાર સાથે શાંતિથી જીવવા માટે ટોળકી છોડી ગયા હતા, પણ કોઈક કારણસર પાછું ફરવું પડ્યું હતું. સરદાર બાબુ ગુજ્જરની હત્યા થયાનું જાણીને બંને સ્તબ્ધ થઈ ગયા હતા. એક તો ખૂન અને એ પણ વિક્રમસિંહના હાથે અને ફુલનને કારણે. બંને મલ્લાહ. શ્રીરામ અને લાલારામને ફુલન ખૂબ ખટકતી હતી. તેઓ આથડવા-બાખડવા માટે તકની શોધમાં જ રહેતા હતા.

ઘર્ષણ માટેની તક પૂરી પાડી ફુલનની તીખી અને ધારદાર જીભે. આના જવાબમાં બંનેએ ફુલનને વ્યભિચારી અને વિલાસી કહી અને ટોળકીમાં ભેદભાવ બદલ દોષિત ઠેરવી. વાતવાતમાં શરૂ થયેલો મામલો હાથ સુધી પહોંચી ગયો. ઉશ્કેરાટમાં શ્રીરામે ફુલનનું કાંડુ પકડી લીધું અને જોરદાર તમાચો ઝીંકી દીધો. ત્યાર બાદ થયેલી ઝપાઝપીનો લાભ લઈને ફુલન ગજબનો દાવ રમી ગઈ. તેણે આક્ષેપ કર્યો કે શ્રીરામે મારો વિનયભંગ કર્યો છે. હવે ટોળકીના સરદાર તરીકે વિક્રમસિંહ મલ્લાહે શ્રીરામને ઠપકો આપ્યો અને માફી માગવાનો આદેશ આપ્યો. શ્રીરામ અને લાલારામને આ હડહડતું અપમાન લાગ્યું. પોતે માફી માગવાની અને એ પણ મલ્લાહ જાતિની ફુલનની? પરંતુ એ સમયે બીજો વિકલ્પ નહોતો.

માફી તો માગી લીધી પણ બંને ભાઈ એમ ગાંજ્યા જાય તેવા નહોતા. હવે કોઈ ગામે ટોળકી ત્રાટકે, ત્યારે બંને મળીને ઈરાદાપૂર્વક મલ્લાહ કોમના લોકોની મારઝૂડ કરે, અપમાન કરે અને પોતાનાં હૈયા ને દિમાગ ઠારે. આટલેથી અટકવાને બદલે બંને ઠાકુર જાતિના વધુ ને વધુ સભ્યોને ટોળામાં સામેલ થવા માટે લાવવા માંડ્યા. વિક્રમસિંહ મલ્લાહ ઈનકાર કરી શકે એમ નહોતા. શ્રીરામ અને લાલારામનો વ્યૂહ ખતરનાક હતો. ટીમમાં ઉચ્ચ અને નીચી જાતિ વચ્ચે સંતુલન ઊભું કરવું અને બને તો ઉચ્ચ ઠાકુર જાતિના ડાકુઓની સરસાઈ સાબિત કરવી અને ધીરે ધીરે ઠાકુરોનું પલ્લું ભારે સુધ્ધાં થઈ ગયું.

ખુદ વિક્રમસિંહને સૂઝ્યું હશે કે ફુલને પ્રેરણા આપી હશે, પણ સરદાર વિક્રમસિંહે સૂચન કર્યું કે ટોળકીને બે ભાગમાં વહેંચી નાખવી: એકમાં ઠાકુરો રહે, બીજામાં મલ્લાહ, પરંતુ શ્રીરામે આ પ્રસ્તાવનો સ્પષ્ટ વિરોધ કરતા દલીલ મૂકી કે બાબુ ગુજ્જર કે એની અગાઉના કોઈ સરદારે ક્યારેય આવું પગલું ભર્યું નહોતું. બંનેએ ટોળકીને મિશ્ર જાતિની રાખવાનો ધરાર આગ્રહ રાખ્યો.

ઠાકુર જાતિના ડાકુઓ સીધેસીધા બોલતા નહોતા પણ તેમને હૃદયમાં વધુ એક બાબત ખંજરની જેમ ખૂંપેલી હતી. માત્ર વિક્રમસિંહ મલ્લાહ પાસે જ સ્ત્રી હતી, બાકી કોઈને પત્નીને પણ સાથે રાખવાની મંજૂરી નહોતી. આનાથી આખી ટોળકીમાં નાની મોટી નારાજગી હતી. અધૂરામાં પૂરું, ફુલનનો તીખો સ્વભાવે અને કડવી જીભ, કોઈના દિલ જીતવામાં અડચણરૂપ હતા.

ટોળકીમાં ઉકળતા ચરૂ વચ્ચે ફરી એક વાર શ્રીરામ ફુલનની નૈતિકતા વિશે કંઈક ઘસાતું બોલ્યો અને વિક્રમસિંહ સાથે તડાફડી શરૂ થઈ. વિક્રમે વળતો ફટકો માર્યો અને શ્રીરામના પરિવારની મહિલાઓ વિશે જેમ તેમ બોલ્યો. આ શબ્દોની તડાફડી આગળ વધીને કારતૂસોની આતશબાજીમાં ફેરવાઈ ગઈ. આ સામસામી બંદૂકબાજીમાં ટોળકીનો એકેય ડાકુ વિક્રમસિંહ અને ફુલનને વહારે ન આવ્યા. માંડ માંડ જીવ બચાવીને બંને રાતના અંધારામાં ભાગી છૂટ્યાં.

બંને માંડ જીવ બચ્યાનો હાશકારો અનુભવે, એ પહેલાં તો દોસ્તમાંથી દુશ્મન બનેલા સાથીઓ એમના સુધી પહોંચી ગયા. ઝાઝું વિચાર્યા કે રાહ જોયા વગર ઠાકુરોએ વિક્રમસિંહ મલ્લાહને ઠાર માર્યો. ટોળકીના બીજા સરદારના નેતા માટે પણ કારણરૂપ બની ફુલન.

જો કે બીજી વાત એવી પણ આવી હતી કે ઉચ્ચ જાતિના ડાકુઓ ભરરાતે વિક્રમસિંહ અને ફુલન પર ત્રાટક્યા. બંને ભરઊંઘમાં હતાં, ત્યારે ઘેરી લેવાયા. મીઠી ઊંઘ માણતા વિક્રમસિંહને કાયમ માટે પોઢાડી દેવાયો.

જે કાંઈ બન્યું એ ખરું પણ વિક્રમસિંહ મલ્લાહનું ઢીમ ઢળી ગયું. ને ફુલન જીવતી હતી. એનું કરવું શું? નવા ભરતી થયેલા ઠાકુર ડાકુઓ, શ્રીરામ અને લાલારામમાં આ બાબતે લેશમાત્ર મતભેદ નહોતા. તેઓ ફુલનને પોતાના ગામ બેહમાઈ લઈ ગયા. ફુલનને બેહમાઈમાં ઘરમાં પૂરી રખાઈ. એની પાશવીપણે મારઝૂડ થઈ. એક પછી એક પુરુષ આવે અને બળાત્કાર કરે. ત્રણ અઠવાડિયા સુધી ફુલન પર આ અમાનુષી અત્યાચાર કરતા રહ્યા ત્યારે કોઈ જાણતું નહોતું કે બહેમાઈ કેવી બદનસીબીને આમંત્રણ આપી રહ્યું હતું. અન્ય કોઈ સ્ત્રી હોત તો મરી ગઈ હોત કે આપઘાત કરી લીધો હોત, પણ આ તો હતી ફુલન (ક્રમશ:)
ફુલને બેહમઈ સામૂહિક બળાત્કારનો પાશવી બદલો લીધો

પોલીસોના ધાડેધાડા ઊતરી આવવા છતાં ફુલન જાણે હવામાં ઓગળી ગઈ હતી


રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


બેહમઈ. ઠાકુરોએ ત્રણ-ત્રણ અઠવાડિયા સુધી ફુલન પર અસહ્ય અત્યાચાર અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો. માનવતાને કમકમાટી ઊપજે એવી આ ઘટના છતાં ફુલન ઝઝૂમતી અને જીવતી રહી. અન્ય કોઈ મહિલા હોત તો અત્યાચારને લીધે મરી ગઈ હોત કાં આપઘાત કરી લીધો હોત, પરંતુ ભાવિના ગર્ભમાં કંઈક અલગ રંધાઈ રહ્યું હતું.

બેહમઈના બે નીચલા વર્ગના પ્રજાજનો અને વિક્રમસિંહની ટોળકીના માનસિંહ સહિતના મલ્લાહ કોમના બે સભ્યોની મદદથી ફુલન બંધ રૂમમાંથી ભાગી છૂટી. ઠાકુરોએ આ કચાશ માટે ભારે કિંમત ચુકવવી પડશે, એનો ત્યારે બેહમઈમાં કોઈને લેશમાત્ર અણસાર નહોતો.

બાળપણથી સહન કરેલા ત્રાસ, ચોરીના આરોપ બદલ થયેલા જેલવાસ દરમિયાન થયેલા બળાત્કાર, બાબુ સિંહ ગુજ્જરે કરેલી જીવલેણ છેડતી, પ્રેમી દસ્યુ સરદાર વિક્રમસિંહ મલ્લાહની હત્યા અને પછી બેહમઈમાં બેરહમી. એક જ વ્યક્તિના જીવનમાં આટઆટલું થઈ શકે? તો એ જીરવી શકે ખરો? અને જો ટકી જાય તો ગાંડો ન થઈ જાય? પણ ફુલન કંઈક અલગ જ માટીની બનેલી હતી.

હવે ફુલન અને માનસિંહ મલ્લાહે હાથ મિલાવ્યો. બંનેએ જીવનમાં અને ટોળકીમાં ભાગીદારી કરી લીધી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. આગમચેતી વાપરીને તેમણે માત્ર મલ્લાહની બનેલી ટોળકી શરૂ કરી. અગાઉનો દાખલો તાજો હતો અને એ જ ભૂલ ફરીથી કરે એટલી નાદાન ફુલન નહોતી.

આ નવી ગૅંગે ધડાધડ ધાડ પાડવાનું શરૂ કરી દીધું. લૂંટફાટ સાથે હિંસાચાર હોય જ. આ ગૅંગ બહુધા બુંદેલખંડનાં ગામોને નિશાન બનાવતી અને ઉચ્ચ વર્ણના કે સવર્ણો પર વધુ ધ્યાન આપતી હતી. વાતો એવી પણ વહેતી થઈ કે ફુલનની ગૅંગ લૂંટના માલની નિમ્ન વર્ગના ગરીબોમાં સખાવત કરી દેતી હતી. ફુલનની મિસ રોબિનહુડની ઈમેજ કોઈ સરકારને ન પરવડે. આથી સત્તાવાર સ્તરે તો ફુલન દયાની દેવી હોવાની વાતને ધરાર નકારી કઢાઈ હતી.

ફુલન ભલે ધાડ પાડતી હતી, મારપીટ કરતી હતી, લૂંટફાટ કરતી હતી, પણ એના મન-મગજમાંથી બેહમઈ હટતું નહોતું. જાતને બહુ રોકી પણ છેવટે હારી ગઈ. એનું મગજ અને પગ બેહમઈ તરફ આપોઆપ ખેંચાતા હતા.

અંતે ૧૯૮૧ની ૧૪મી ફેબ્રુઆરી આવી. વેલેન્ટાઈન્સ ડેએ ફુલન અને તેની ગૅંગે બેહમઈમાં ફરી પગ મૂક્યો પણ એમાંય ક્યાંય લવ, પ્રેમ, ઈશ્ક, મહોબ્બત કે વહાલ નહોતો. પોલીસના ગણવેશમાં બેહમઈ પહોંચેલી ગૅંગમાંથી ફુલને આગળ વધીને એક જ માગણી કરી કે મારા પર અત્યાચાર ગુજારનારાઓને પેશ કરો, સાથે તેમનો બધો કિંમતી માલસામાનનો પણ ઢગલો કરો. દુર્ભાગ્યે ગામના બધા સશક્ત માણસો તો મજૂરી કરવા માટે શહેરમાં સ્થળાંતર કરી ગયા. ફુલન ગાંડાની જેમ ફરી વળી અને આકરી શોધખોળ બાદ બે ઠાકુર મળ્યા. આ બંને તેની જૂની ગૅંગના સાથી હતા પણ તેમણે ફુલન પર બળાત્કાર કર્યો નહોતો. તેઓ તો વિક્રમ મલ્લાહ અને ફુલનનો વિરોધ કરનારા શ્રીરામ જૂથના ઠાકુરો હતા.

પોતાના પર બળાત્કાર કરનારો એકેય ગુનેગાર હાથ ન લાગતા ફુલન ક્રોધથી ગાંડી થઈ ગઈ આનાથી મનની અંદર ધરબાયેલો સમગ્ર ઠાકુર કોમ માટેનો ગુસ્સો જવાળામુખી બનીને બહાર આવ્યો: આ આ ઠાકુરોએ જ બાબુ ગુજ્જરની હત્યાનો વિરોધ કર્યો હતો... આ ઠાકુરોએ જ મારા પ્રેમી વિક્રમસિંહ મલ્લાહને ક્રૂરતાથી મારી નાખીને લાશ ફગાવી દીધી હતી... આ ઠાકુરોએ જ મારા પર વારંવાર બળાત્કાર કર્યો હતો. આ ઠાકુરોએ જ...

ફુલને દાંત ભીંસીને આદેશ આપ્યો: ગામમાંથી એક-એક ઠાકુર પુરુષને ઢસડી લાવો. એક સમયે બાજુના ગામમાં કેટલાંક કમનસીબ ઠાકુરો લગ્નમાં હાજર રહેવા બેહમઈ આવ્યા હતા પણ એમની વાત દસ્યુ-ગૅંગે ન સાંભળી. દસ્યુરાણીના આદેશનું પાલન થયું. બધા ઠાકુરોને કતારમાં ઊભા રાખી દેવાયા. કુલ મળીને બે ડઝન માણસો ઊભા હતા, એમના મનમાં જે ચાલતું હોય તે પણ આંખમાં ડરના સાપોલિયા સળવળતા હતા. બધાના પગ પાણી-પાણી થઈ ગયા હતા. આ બધાના મનમાં જેનો ડર હતો એ એકદમ સાચો હતો. ફુલને ભાવહિન ચહેરે આદેશ આપ્યો: ફાયર. ફુલનની ટોળકીના બધા દસ્યુઓની બંદૂક બોલી અને બધા ઠાકુરો કાયમ માટે ચૂપ થઈ ગયા. શનિવારે થયેલો આ હત્યાકાંડ સાંજે ચાર વાગે થયો અને બધાના જીવનના સૂર્યાસ્ત થઈ ગયા.

બીજા દિવસનાં બધાં અખબારોની હેડલાઈનમાં ર૪ લાશ લટકતી દેખાઈ. બેહમઈ હત્યાકાંડે હાહાકાર મચાવી દીધો. આ ર૪માંથી બે જણાંનો થોડો ઘણો દોષ હતો પણ બાકીના રર સંપૂર્ણપણે નિર્દોષ હતા, પરંતુ ઈયળ ભેગા ધાનનો વારો નીકળી ગયો. ફુલન રાતોરાત સેલિબ્રિટી બની ગઈ, દેશની સૌથી મોટી વેમ્પ-ખલનાયિકા બની ગઈ. દેશભરમાં ફુલન-ફુલનના નામની બુમરાણ મચી ગઈ.

જન આક્રોશ એટલો બધો ઉગ્ર હતો કે ઉત્તર પ્રદેશના તત્કાલીન કૉંગ્રેસી મુખ્ય પ્રધાન વિશ્ર્વનાથ પ્રતાપસિંહે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. એક એક પોલીસવાળા ફુલનનું પગેરું દબાવીને પાછળ પડી ગયા, પણ ફુલન તો ઠીક એના પડછાયાને ય હાથ ન લગાવી શકાયો.

બીજી તરફ ઠાકુરો અને ઉચ્ચ કોમ નારાજગી સાથે ગુસ્સાથી એકદમ લાલચોળ થઈ ગઈ. બેહમઈમાં મૃતકોને નિ:શસ્ત્ર નિર્દોષ અને કર્મવીર ગ્રામજનો કહેવા સાથે શહીદ ગણાવાયા. તેમના નામે શહીદ સ્મારક ઊભું કરાયું જેમાં આટલા નામ મુકાયા ૧. તુલસીરામસિંહ કલ્લુસિંહ ઉંમર વર્ષ પપ બેહમઈવાસી, ર. રાજેન્દ્રસિંહ તુલસીરામસિંહ ઉંમર વર્ષ ૩૫ બેહમઈવાસી ૩. સુરેન્દ્રસિંહ તુલસીરામસિંહ ઉંમર વર્ષ ૩૦, બેહમઈવાસી, ૪. જગન્નાથસિંહ છોટેસિંહ ઉંમર વર્ષ ૩૫, બેહમઈવાસી, પ. વીરેન્દ્રસિંહ છેદીસિંહ, ઉંમર વર્ષ રપ, બેહમઈવાસી, ૬. રામાધારસિંહ સુબાસિંહ, ઉંમર વર્ષ, ૫૦, બેહમઈવાસી, ૭. શિવરામસિંહ વિન્દાસિંહ, ઉંમર વર્ષ ૪૦, બેહમઈવાસી, ૮. રામચંદ્રસિંહ શિવરામસિંહ, ઉંમર વર્ષ ૧૬, બેહમઈવાસી, ૯. શિવબાલકસિંહ બૈજનાથસિંહ, ઉંમર વર્ષ ૪૪, બેહમઈવાસી, ૧૦. અનવારીસિંહ મહારાજસિંહ, ઉંમર વર્ષ રર, બેહમઈવાસી, ૧૧. લાલસિંહ મહતાબસિંહ, ઉંમર વર્ષ ર૦, બેહમઈવાસી, ૧૨. નરેશસિંહ સોબરનસિંહ, ઉંમર વર્ષ રર, બેહમઈવાસી, ૧૩, દશરથ સિંહ ક્ધહઈસિંહ, ઉંમર વર્ષ ૩૦, બેહમઈવાસી, ૧૪, બનવારીસિંહ લાખનસિંહ, ઉંમર વર્ષ ર૦, બેહમઈવાસી, ૧૫. હિમ્મતસિંહ રામગુલામસિંહ, ઉંંમર વર્ષ ૩૫, બેહમઈવાસી, ૧૬. હુકમસિંહ મુકટસિંહ, ઉંમર વર્ષ ૩૦, બેહમઈવાસી, ૧૭. હરિઓમસિંહ જાહરસિંહ, ઉંમર વર્ષ રપ, બેહમઈવાસી, ૧૮. રામઅવતાર મિઠીલાલ, ઉંમર વર્ષ ૧૬, રાજપુરવાસી, ૧૯. તુલસીરામ ધનીરામ, ઉંમર વર્ષ ૧૮, રાજપુરવાસી, ર૦. નઝીરખાન લાલખાન, ઉંમર વર્ષ ૩૦, સિક્ધદરાવાસી.

આટલો મોટો હત્યાકાંડ થયો પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ, મુખ્ય પ્રધાને સિંહાસન છોડી દીધું અને પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી, પરંતુ દસ્યુ રાણી ફુલનદેવીના કોઈ સગડ ન મળ્યા. એવી વાતો આવી કે ફુલનને પકડી શકાતી નથી કારણ કે ઘણાં ગામવાળા એને મદદ કરી રહ્યા છે. આમ જનતાનું સમર્થન ધરાવતી ફુલનને પકડવાનું મુશ્કેલ નહીં, પણ એકદમ અશક્ય બની ગયું હતું.

બેહમઈ હત્યાકાંડને બબ્બે વર્ષ વીતી ગયા હતા છતાં સરકારને હાથે નાલેશી સિવાય કંઈ લાગ્યું નહોતું. ડાકુરાણી પુતલીબાઈ બાદ ફુલનદેવી સૌથી મોટું શિરદર્દ બની ગઈ હતી. આ દર્દને કાબૂમાં લેવાનો ઈલાજ એક મહિલા શોધી રહી હતી. એ શક્તિશાળી મહિલાને પૂરેપૂરી ખાતરી હતી કે પોતે સફળ થશે જ. ખરેખર? (ક્રમશ:)

ઇંદિરા ગાંધીને કારણે દસ્યુ-રાણી ફુલને શસ્ત્રો હેઠાં મૂક્યાં

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


ફુલન અને બેહમઈ. બેહમઈ અને ફુલન. બેહમઈ હત્યાકાંડ ભુલાતો નહોતો, ને ફુલન પકડાતી નહોતી. બે હજાર પોલીસવાળા અને હેલિકોપ્ટરની ખાસ સેવા લેવા છતાં ફુલનનો અતોપતો લાગતો નહોતો. લાખોનું ઈનામ કોઈને મળે એમ લાગતું નહોતું.

ઉત્તર ભારતના રાજકારણમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતા ઠાકુરો સહિતના સવર્ણોની નારાજગી અને ગુસ્સાએ માઝા મૂકી હતી. બેહમઈના બે વર્ષ બાદ પણ દસ્યુરાણી ફુલન હાથ ન આવી. તો હવે કરવું શું? આનો જવાબ તો વડાં પ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધી પાસે.

કાબેલ, ગણતરીબાજ અને ચતુર રાજકારણી ‘ઇંદીરા ગાંધીએ ફુલનને પકડવાને બદલે એના ફફડાટ- ડરનો અંત લાવવાનો વ્યૂહ વિચારી લીધો હતો.

૧૯૮૧ની ૧૪મી ફેબ્રુઆરીએ ફુલન અને ટોળકીએ ભલે પોલીસના સ્વાંગમાં જઈને બેહમઈમાં કોહરામ મચાવ્યો હતો. પણ ઇંદિરા ગાંધીએ પોલીસને દૂર રાખીને રાજકીય ઉકેલનો પ્રયોગ કરવાનું વિચાર્યું હતું. પોલીસ નિષ્ફળ ગઈ હતી તો ફુલન ખુદ થાકી હતી, બીમાર હતી અને ટોળકીના ઘણા સભ્યો પોલીસની ગોળીનો શિકાર બની ગયા હતા. આ સંજોગોમાં ઇંદિરા ગાંધીની ટીમે ફુલન અને તેની દસ્યુ ગેંગની શરણાગતિ માટે મંત્રણાઓ શરૂ કરી દીધી હતી. ફુલન માટે જીવ બચાવવાનો આ શ્રેષ્ઠ વિકલ્પ હતો. કારણ કે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે, પોલીસ કે અન્ય ડાકુની ગોળી એને નિશાન બનાવી જાય એવી પૂરેપૂરી શકયતા હતી.

ભલે શરણાગતિ સ્વીકારવાની હતી, પરંતુ સાવ ડરપોક બીલ્લીની જેમ નહિ જ. ૧૯૮૩ના ફેબ્રુઆરીમાં શરણાગતિ માટે તૈયાર થઈ પણ પોતાની શરતે. સૌથી મોટી અને મહત્ત્વની બાબત એ હતી કે ફુલનને ઉત્તર પ્રદેશની પોલીસ પર તસુભાર વિશ્ર્વાસ નહોતો. શરણાગતિને બહાને બોલાવીને ઠાર મારી દે તો! ફુલને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે હું મધ્ય પ્રદેશ પોલીસ સમક્ષ જ શરણાગતિ સ્વીકારીશ અને પોલીસને બદલે મહાત્મા ગાંધી તથા દુર્ગા માતાના ફોટા સમક્ષ જ હથિયાર હેઠાં મૂકીશું. (આ મુખ્ય વાતો માની લેવાય એટલું જ પૂરતું નહોતું. ફુલનની વધુ ચાર શરત હતી. (૧) પોતાને કે શરણાગતિ સ્વીકારનારા એકેય ડાકુને મૃત્યુદંડની સજા નહિ થાય એવું વચન આપો, (૨) શરણે આવેલા એકેય ડાકુને આઠ વર્ષથી વધુ સજા નહિ થાય. (૩) મારા પરિવારને જમીનનો પ્લોટ અપાશે. (૪) મારા આખા પરિવારને પોલીસના રક્ષણ હેઠળ શરણાગતિનો કાર્યક્રમ જોવા લાવવામાં આવે.)

શરણાગતિની શરતોમાં પણ ફુલનનો મિજાજ દેખાયા વગર રહેતો નથી. ફુલનની આ આકરી શરતો મેળવ્યા બાદ એક નિ:શસ્ત્ર પોલીસ અધિકારી ચંબલ ખીણમાં એક ગુપ્ત સ્થળે ફુલનને મળ્યા. બધી વાતો પાકા પાયે નક્કી થઈ ગયા બાદ આ રસાલો ગુપચુપ ચંબલથી રવાના થયો. આ બધા મધ્ય પ્રદેશના ભીંડમાં પહોંચી ગયા.

ભીંડમાં દસેક હજાર માણસની ભીડ રૉબિનહૂડનો અવતાર ગણાવાયેલી દસ્યુરાણી ફુલનદેવીના આત્મસમર્પણની સાક્ષી બનવા ઊમટી પડી હતી. આ સમયે ૩૦૦ પોલીસવાળા પણ હાજર હતા. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન અર્જુનસિંહની હાજરીમાં હથિયાર હેઠા મૂકી દીધા બાદ વિશાળ વરઘોડા જેવા સરઘસરૂપે ફુલન આણિ મંડળીને ગ્વાલિયર જેલ લઈ જવાઈ હતી, કારણ કે ૩૦૦ પોલીસવાળાને ફુલન એન્ડ કંપનીની ધરપકડ કરવા હાજર રખાઈ જ હતી. પૂરેપૂરી સલામતી વ્યવસ્થા સાથે બેન્ડિટ ક્વીન ફુલનદેવીને જેલભેગી કરી દેવાઈ.

શ્રીમતી ઇંદિરા ગાંધી અને અર્જુનસિંહ માટે આ મોટી રાજકીય સફળતા હતી, પણ ઘણા ઠાકુરોને ફુલન જીવતી રહે અને જેલમાં સલામત રહે એ નાપસંદ હતું.

ફુલન સામે કુલ ૪૮ અપરાધ માટેના આરોપ મુકાયા હતા. આમાંથી ૩૦ તો ધાડ પાડવા અને અપહરણ કરવા સંબંધી હતા. ફુલન સામેનો ખટલો શરૂ થવામાં વિલંબ થતો જતો હતો અને એ જેલની અંદર જ હતી. આ દરમિયાન ફુલનની તબિયત બગડી હતી. અંડાશયની તકલીફ થવાથી ઓપરેશન કરાયું હતું. અગાઉ મુકાયેલી શરત અને અપાયેલા વચન છતાં ફુલનદેવીનો આઠ વર્ષે જેલમાંથી છુટકારો થયો નહોતો. પરંતુ શાંત બેસી રહેવાને બદલે ફુલને લડવાનું શરૂ કરી દીધું. ૧૯૯૨માં નવી દિલ્હી લોકસભાની બેઠક પરથી ફુલને ચૂંટણી મેદાનમાં ઝંપાલાવી દીધું. આ ચૂંટણીમાં મુખ્ય બે હરીફ હતા બૉલીવૂડના જાની દુશ્મન રાજેશ ખન્ના (કૉંગ્રેસ) અને શત્રુઘ્ન સિંહા (ભાજપ). આ ચૂંટણીમાં રાજેશ ખન્નાની જીત થઈ, પણ અપક્ષ તરીકે લડનારી ફુલનને માત્ર ૭૫૩ મત મળ્યા હતા.

દસ વર્ષ પૂરાં થયા બાદ ફુલનનું જેલમાં અગિયારમું વર્ષ ચાલતું હતું એ સમયે માછીમારોના નેતા વિષંભર પ્રસાદ નિષાદની મધ્યસ્થીને લીધે ફુલનને આશાનું કિરણ દેખાયું હતું. નિષાદની દરમિયાનગીરીને પગલે ૧૯૯૪માં ફુલનને પેરોલ પર છોડી મુકાઈ હતી. ત્યારબાદ મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવની ઉત્તર પ્રદેશ સરકારે ફુલનદેવી વિરુદ્ધના બધા આરોપો પાછા ખેંચી લીધા હતા. આની સાથોસાથ જ ફુલને એકલવ્ય મંચની સ્થાપના કરી હતી, જેનું ધ્યેય સમાજના નીચલા સ્તરના લોકોના ઉત્થાનનું હોવાનું જાહેર કરાયું હતું. જોકે ફુલનના છૂટકારાથી દેશભરમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ અને જોરદાર વિવાદ ઊભો થયો હતો. આમેય અદાલતમાં તો ફુલને ફેરવી તોળ્યું હતું કે બેહમઈમાં ગોળીઓ છોડવાનો મેં આદેશ આપ્યો જ નહોતો. આથી બેહમઈ હત્યાકાંડ માટે પોતે દોષી ન હોવાનો તેણે અદાલતમાં દાવો કર્યો હતો.

જેલમાંથી બહાર આવ્યા બાદ ફુલનના જીવનમાં કંઈક નવું બની

રહ્યું હતું. તેણે પોતાના બનેવી અને દિલ્હીના કોન્ટ્રાકટર ઉમેદસિંહ

સાથે લગ્ન કરી લીધા. ઉપરાંત ફુલને બૌદ્ધ ધર્મ પણ અપનાવી

લીધો.

૧૯૯૬માં મુલાયમસિંહ યાદવે ફરી સૌને ચોંકાવી દીધા. ૧૯૯૬માં લોકસભાની ચૂંટણીમાં મુલાયમના સમાજવાદી પક્ષે મિર્ઝાપુર બેઠકની ટિકિટ ફુલનદેવીને આપી. ઉત્તર પ્રદેશના જાતિવાદી રાજકારણમાં ફુલનને ચોક્કસ કારણસર ચૂંટણી લડાવાઈ રહી હતી.

આ ચૂંટણીમાં મિર્ઝાપુર બેઠક પર પૂરા ૬૧ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ ફુલનદેવીની ‘સાઈકલ’ જ વિનિંગ પોસ્ટ સુધી પહોંચી શકી, ત્યારે ફુલનના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના વિરેન્દ્રસિંહ હતા. ફુલનને ૨,૯૭,૯૯૮ મત મળ્યા હતા, તો વિરેન્દ્રસિંહને ૨,૬૦,૯૫૨ મત મળ્યા હતા.

દસ્યુરાણી ફુલનદેવી હવે લોકસભાની સંસદસભ્ય બની ગઈ. જેની પાછળ પોલીસ આદું ખાઈને પડી ગઈ હતી તે ફુલનદેવીને હવે પોલીસ સલામ કરતી હતી. એક સમયે જે પ્રજા એના નામથી ધ્રૂજતી હતી, પણ હવે એ જ પ્રજાના પ્રતિનિધિ તરીકે ફુલનદેવી લોકસભામાં બિરાજમાન થઈ ગઈ હતી.

ભારતીય લોકશાહી માટે જ નહિ પણ ફુલન જેમને આંખમાં કણાની જેમ ખટકતી એ સૌ માટે આ કુઠારાઘાત હતો.

(ક્રમશ:)

ફુલનદેવી ચૂંટણીજંગમાં પણ ખૂબ લડીને જીતી

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


એક સમયની મૉસ્ટ વૉન્ટેડ ક્રિમિનલ ફુલનદેવી હવે વી.આઈ.પી. બની ગઈ હતી. દસ્યુરાણીમાંથી સંસદસભ્ય. લોકશાહી પરંપરામાં બંધારણે આપેલા હકની રૂએ એ ચૂંટાઈને લોકસભામાં પહોંચી ગઈ હતી. પોતાનો વિજય કોઈ ફ્લુક કે અકસ્માત નહોતો એ પુરવાર કરવાનો પડકાર ફુલનદેવીએ ૧૯૯૮ની ચૂંટણીમાં ઝીલવાનો હતો. ફરી એ સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણીજંગમાં ઊતરી. એ જ બેઠક મિર્ઝાપુર અને હરીફ ફરી ભાજપના જ વીરેન્દ્રસિંહ, પરંતુ આ વખતે પરિણામ કંઈક અલગ જ આવ્યું. વીરેન્દ્રસિંહ ૩, ૪૬, ૬૩૫ મત મેળવીને જીતી ગયા, તો ફુલનદેવીને મળ્યાં ર,૯૩,૮૫૮ મત. ભાજપે સમાજવાદી પાર્ટી પાસેથી પોતાની બેઠક મેળવી લીધી.

ઘણાંએ ભવિષ્ય ભાખી નાખ્યું કે ફુલનદેવીની રાજકીય કારકિર્દી પર હવે તો પૂર્ણવિરામ મુકાઈ ગયું જ સમજો, પરંતુ એમ હારે તો એ ફુલનદેવી શાની?

જોેકે સમાજવાદી પાર્ટીને ફુલનદેવીની ક્ષમતામાં પૂરો વિશ્ર્વાસ હતો. એને ફરીથી ચૂંટણી ટિકિટ મળી. ૧૯૯૯માં ફુલન અને ભાજપના વીરેન્દ્રસિંહ વચ્ચે મુકાબલો હતો, પરંતુ કાંશીરામની બહુજન સમાજ પાર્ટી એક મહત્ત્વના પરિબળ તરીકે ઊપસી રહી હતી અને કૉંગ્રેસ પક્ષ પોતાની દાયકાઓ જૂની રમતો સાથે મેદાનમાં હતો. આ ચૂંટણીમાં ફુલનદેવીને ભીંસમાં લેવા માટે બેહમઈની હત્યાકાંડની વિધવાઓને પ્રચાર માટે લવાઈ હતી. ક્ષત્રિય સ્વાભિમાન આંદોલન સમન્વય સમિતિએ તો દેશભરમાં ફુલનદેવીનો વિરોધ કર્યો હતો, પરંતુ મતગણતરી શરૂ થયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટપણે લોકો સમક્ષ આવી ગયું. પ૮ ટકા મતદાન થયું અને સૌથી વધુ મત મળ્યા ફુલનને: ર,૯૦,૮૪૯. વીરેન્દ્રસિંહ ફરી બીજા આવ્યા: મત ર,૦૬,૩૭૩. બહુજન સમાજ પાર્ટી ત્રીજા અને કૉંગ્રેસ છેક ચોથા ક્રમે આવી હતી. ૮૪,૪૭૬મતથી ફુલનદેવીનો વિજય થયો અને હવે ધીરે-ધીરે પીઢ રાજકારણીની જેમ એનો પ્રભાવ વધી રહ્યો હતો.

ચંબલની ખીણમાંથી છુટકારો, હરીફ ડાકુઓનો ડર નહીં, પકડવા દોડતી પોલીસ હવે સલામ કરતી હતી, દિલ્હીમાં સંસદસભ્ય તરીકેનો બંગલો અને અનેક ભથ્થાં, સંસદમાં બોલવાનો હક અને બધાને જવાબ આપી શકવાની-સવાલ પૂછી શકવાની છૂટ. પ્રેમ કરતો પતિ. ફુલનદેવીનું જીવન હવે એકદમ વ્યવસ્થિત અને સ્થિર થઈ રહ્યું હતું.

૧૯૯૯ની ચૂંટણીમાં જીત બાદ એક ઈન્ટરવ્યૂમાં ફુલનદેવીએ પોતાના રાજકીય ધ્યેય સ્પષ્ટ કરતા કહ્યું હતું: ‘અત્યાર સુધી માત્ર ધનવાનો અને વિશેષાધિકાર પ્રાપ્ત લોકો જે માણતા હતા એ બધું ગરીબોને મળવું જોઈએ. દાખલા તરીકે પીવાનું પાણી, વીજળી, શિક્ષણ અને હૉસ્પિટલ. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત બેઠક હોય એવું પણ હું ઈચ્છું છું. મહિલાઓને શિક્ષણ મળવું જોઈએ અને નાની ઉંમરે લગ્ન કરવાની તેમને ફરજ પાડવી ન જોઈએ... સૌથી મહત્ત્વની બાબત છે સમાનતા.’

જોકે પૂર્વ જીવનની જેમ ફુલનદેવીની સંસદસભ્ય તરીકેની કામગીરી પણ વિવાદ-મુક્ત નહોતી જ. ઘણા આક્ષેપ કરતા હતા કે સંસદસભ્ય તરીકે ફુલનદેવી એકદમ પ્રભાવહીન છે. એક વખત તેણે ઉત્તર પ્રદેશમાં બળજબરીથી ટ્રેનને રોકાવી હતી, કારણ કે તે પોતાના સાથીઓને મળવા માગતી હતી. તત્કાલીન રેલવે પ્રધાન રામવિલાસ પાસવાને આ મામલે આંખ આડા કાન કરીને સામાન્ય તપાસનો આદેશ આપી આખા મામલાનું ફીંડલું વાળી નાખ્યું હતું.

એક વાર ફુલનદેવી પોતે જે જેલમાં રહી હતી એ ગ્વાલિયરની જેલની મુલાકાતે પહોંચી ગઈ. મુલાકાતના સમય અંગેના નિયમોને લીધે ફુલનદેવીને જેલમાં પ્રવેશ મળ્યો નહીં. આથી ફુલનદેવીએ જેલ અધિકારીને ભાંડ્યો હતો. પાછળથી આ અધિકારીનો કોઈ પણ જાતનો ખુલાસો કરવાની તક આપ્યા વગર સસ્પેન્ડ કરી દેવાયો હતો.

૧૯૯૮માં તો ફુલનદેવીએ વિચિત્ર દાવો કર્યો હતો કે અમુક બ્રિટિશ સંસદસભ્યોએ શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે મારા નામની ભલામણ કરી છે.

ફુલનનું જીવન ખૂબ નાટ્યાત્મક રહ્યું હતું. ૧૨ વર્ષે બળાત્કાર, ૧૫મા વર્ષે સામુહિક બળાત્કાર, પછી ડાકુ બનવું, બહેમઈ હત્યાકાંડ, શરણાગતિ, જેલમાંથી છુટકારો, લોકસભામાં ચૂંટાવું, હારવું અને ફરી જીતવું... આટલા બધા આશ્ર્ચર્યજનક બનાવો એક જ વ્યક્તિના જીવનમાં? પણ આ ક્યાં અંત હતો? ના, ના.

ફુલનની રાજકીય કટિબદ્ધતાથી ઘણાંને આશ્ર્ચર્ય થતું હતું. લોકસભામાં મુલાયમસિંહ યાદવ પર વિરોધીઓ શાબ્દિક હુમલો કરતા ત્યારે ફુલન દર વખતે પોતાના ગૉડ ફાધરના બચાવમાં કૂદી પડતી હતી. એ બૂમાબૂમ કરીને યાદવના ટીકાખોરોને શાંત પાડવાના કે બોલતા બંધ કરવાના પ્રયત્નો કરતી હતી.

ફુલનદેવીની સાંસદ તરીકેની છેલ્લી મુદત વખતે મુલાયમસિંહ પર રાજકીય ભીંસ વધી રહી હતી. એ વખતે દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રાજનાથસિંહ એમ.બી.સી. (મોસ્ટ બેકવર્ડ ક્લાસ)ની થિયરી લાવ્યા હતા. આને લીધે મુલાયમસિંહ યાદવની પછાત અને દલિતોની મતબૅંક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આને લીધે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી માટે મુશ્કેલી ઊભી થવાની હતી. આવા કટોકટીના સમયે ફુલનદેવી મુલાયમસિંહ યાદવ અને સમાજવાદી પાર્ટીને ખૂબ જ કામમાં આવી ગઈ, એ પણ એવી રીતે કે જેવી કોઈએ ક્યારેય કલ્પના ન કરી હોય! આને લીધે ખૂબ હોબાળો મચી ગયો અને સમાજવાદી પાર્ટીને ભાજપ સામે લડવા માટે એક ખૂબ મજબૂત હથિયાર ફુલનદેવીએ પૂરું પાડ્યું હતું. કયું હતું એ હથિયાર અને શું-કર્યું હતું ફુલન દેવીએ? (ક્રમશ:)
ફુલનને જીવન જેવું જ ક્રૂર મોત મળ્યું

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


ફુલનદેવીને મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીએ સાથ-ટેકો અને ચૂંટણી ટિકિટ આપી. આ બદલ ફુલનદેવી કાયમ મુલાયમસિંહની ઋણી રહી. લોકસભામાં સમાજવાદી પાર્ટીના નેતા પર શાબ્દિક પ્રહાર થતા, ત્યારે માજી દસ્યુરાણી ધમાલ મચાવી દેતી હતી, પરંતુ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન રાજનાથસિંહે મૉસ્ટ બૅકવર્ડ કલાસનું રાજકીય પત્તુ ઊતર્યું ત્યારે યાદવસાહેબ બેકફૂટ પર આવી ગયા હતા. આ કપરી રાજકીય સ્થિતિમાં ફુલને નેતાજી પર મોટો ઉપકાર કર્યો હતો. કેવી રીતે?

* * *

તેરમી લોકસભાના સંસદસભ્ય ફુલનદેવી ૨૦૦૧ની ૨૫મી જુલાઈએ પોતાના નવી દિલ્હીસ્થિત સરકારી નિવાસસ્થાન ભણી કારમાં જઈ રહ્યાં હતાં. ફુલનદેવી કારમાંથી ઊતરે એ સાથે જ બંદૂકોની ધણધણાટીથી માહોલ ગાજી ઊઠ્યો. ફુલન ગંભીર ઈજા સાથે ઘટનાસ્થળે ઢળી પડી. એના સિક્યોરિટી ગાર્ડે ત્યાં જ અંતિમ શ્ર્વાસ લીધા. ધોળે દિવસે પાટનગર દિલ્હીમાં સંસદસભ્યની હત્યા કરીને ખૂની (કે ખૂનીઓ) જીવતા જ ન બચી ગયા પણ ભાગીય ગયા.

ફુલનદેવીની હત્યા સાથે હાહાકાર મચી ગયો. લોકસભાના સવારના સત્રમાં હાજર સંસદસભ્ય પર લંચબ્રેકમાં હુમલો થવાથી દેશભરમાં સનસનાટી મચી ગઈ. ફુલનદેવી પરના આક્રમણથી સરકાર પર પસ્તાળ પડી કે વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની એમના ઘરમાં જ હત્યા થવા છતાં દિલ્હી પોલીસની સલામતી વ્યવસ્થા આટલી બધી કંગાળ શા માટે? એમાંય ઓબીસીમાં આવતી ફુલનની હત્યાને કારણે પછાતવર્ગ પર અને ખાસ તો મહિલાઓ સામે વધુ ક્રૂરતા અને અત્યાચાર અંગે કેન્દ્ર સરકારને ઝૂડી નાખવા માટે મુલાયમસિંહ યાદવને સાધન મળી ગયું.

પોલીસ તપાસમાં શંકા વ્યક્ત થઈ કે ફુલનના પતિ ઉમેદસિંહનો હત્યામાં હાથ હોઈ શકે છે. ભારે મતભેદોને કારણે પોતાની વસિયતમાંથી પતિનું નામ કાઢી નાખવાને લીધે બન્ને વચ્ચે ખૂબ ખટરાગ ઊભા થયાનું બહાર આવ્યું હતું.

ફુલન પીડિત મહિલામાંથી લડાકુ અને એમાંથી શહીદ રાજકારણી બની ગઈ. મુલાયમસિંહ યાદવ માટે ફુલનદેવીની ધોળે દિવસે થયેલી કરપીણ હત્યા અને ત્રણ બુરખાધારી ખૂનીઓનું બચી જવું સંકટ સમયનાં શસ્ત્રો બની ગયાં.

ધીરે - ધીરે વિગતો બહાર આવવા માંડી કે લીલા પાંદડાં લહેરાવતા વૃક્ષોથી શોભતા ફુલનના નિવાસસ્થાનની બહાર ગમે તેની નજરે પડે એ રીતે લીલા રંગની મારુતિ ગાડી (નંબર પ્લેટ ઈઈંખ૯૦૭) પાર્ક કરાયેલી હતી, જેમાં ત્રણ બંદૂકધારીઓ પોતાના શિકારના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ફુલનદેવી પોતાની કારમાંથી ઊતરીને બંગલોના દરવાજા સુધી પહોંચે ત્યાં જ લીલી મારુતિમાંથી પહેલી ગોળી છોડાઈ, એના પછી તરત જ બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી ગોળી છોડાઈ. ત્રણ ગોળીએ એના શરીરને વીંધી નાખ્યું, તો બે ગોળી સીધી માથામાં વાગી. આનાથી એક વાત સ્પષ્ટ થઈ કે હત્યારાઓ કાબેલ નિશાનબાજ હતા અને ફુલન જીવતી બચી ન જાય એવું પરફેક્ટ પ્લાનિંગ કરીને આવ્યા હતા. ગોળીઓથી વીંધાયેલી ફુલન જમીન પર ફસડાઈ પડી એ સાથે જ અંગરક્ષક ધસી આવ્યો અને વળતો ગોળીબાર શરૂ કરી દીધો, પરંતુ સેક્ધડોની અંદર ગોળી વાગવાથી એ પણ ઢળી પડ્યો, કાયમ માટે.

પોતાનું મિશન સાંગોપાંગ પાર પડી ગયાના વિશ્ર્વાસ સાથે ત્રણેય ભેદી હત્યારા પોતાની મારુતિ લઈને જ ભાગી છૂટયા. આગળ જઈને દિલ્હીના ભરચક વિસ્તાર કોનોટ પ્લેસમાં આ મારુતિ ગાડી છોડી દીધી. ત્યાંથી ત્રણેય ખૂનીઓએ કોઈ માની ન શકે એવો વિકલ્પ અપનાવ્યો. ત્રણેય કાળી-પીળી ઑટોરિક્ષામાં બેસીને પલાયન થઈ ગયા.

જુલાઈની બપોરે ચોમાસુ વાદળ દિલ્હીમાં જામી રહ્યાં હતાં, ત્યારે લોહીના ખાબોચિયામાં ફુલનદેવી ધીરે - ધીરે આખરી શ્ર્વાસ લઈ રહી હતી. હૉસ્પિટલ પહોંચવા અગાઉ જ શ્ર્વાસ સાથ છોડી ગયા.

એકદમ બિનપરંપરાગત, આંચકાદાયક અને ક્રૂર જીવન ફુલનદેવીને એવું જ મોત મળ્યું. ક્યારેક પોતાની જાતને લોહીતરસી દુર્ગામાતા સાથે સરખાવનારી ફુલનનો અંત પણ લોહીના સ્નાન સાથે જ આવ્યો પણ આ વખતે લોહી એનું પોતાનું હતું. જોકે બધાએ કબૂલવું જ પડે કે ૩૮ વર્ષના આયુષ્યમાં ફુલનદેવીએ અકલ્પ્ય એવા સારા-માઠા અનુભવ મેળવી લીધા હતા. આ સાથે જ બે સવાલે માથું ઊંચક્યું: રાજકારણી તરીકેના સન્માનનીય વર્તમાને જીવ લીધો? કે પછી ક્રૂર અને વેર-તરસી દસ્યુરાણીનો ભૂતકાળ જીવલેણ બની ગયો?

ફુલનનાં કુટુંબીજનો, મિત્રો, સંબંધીઓ, ચાહકો અને પક્ષના કાર્યકર્તાઓ હૉસ્પિટલ બહાર ઊભરાતા હતા, ત્યારે પોલીસ રાતભર શકમંદોની યાદી બનાવવામાં ગળાડૂબ હતી. આ યાદી નાનીસૂની નહોતી.

બીજી તરફ ફુલનના મોત પર રાજકીય ભાખરી શેકવાનું શરૂ થઈ ગયું. સમાજવાદી પાર્ટીએ ફુલનદેવીની હત્યા બદલ ઉત્તર પ્રદેશના રાજકારણનો વાંક કાઢ્યો. આમેય રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં રાજનાથસિંહની સરકારને ભીડવવા માટે મુલાયમસિંહની પાર્ટીને કોઈક સબળ મુદ્દાની જરૂર હતી, જે ફુલનદેવીએ મરીને પૂરો પાડ્યો હતો.

એક ચર્ચા એવી પણ શરૂ થઈ ચૂકી હતી કે અપરાધમય અતીત કરતાં પણ ફુલનના ખાત્મા પાછળ અન્ય એક કારણ જવાબદાર હતું. પછાત જાતિની અને મહિલા હોવા છતાં વેર વાળીને, હત્યા કરીને અને સંસદસભ્ય બનીને પ્રાચીન પ્રથાને સફળતાપૂર્વક ફેંકેલા પડકારને કેટલાક વર્ગે સ્વીકાર્યા નહોતા. આથી ફુલન ઘણાંને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી અને તેઓ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા.

માત્ર પાંચ ફૂટ ઊંચી ફુલને ઘણાંના જીવન અને જીવ હચમચાવી નાખ્યા હતાં. પોલીસને હત્યા માટે વપરાયેલી કાર મળી ચૂકી હતી, એમાંથી હત્યારાઓના ફિંગરપ્રિન્ટસ મળી આવ્યા હતા. એકાદ હત્યારાને અંગરક્ષકની ગોળી વાગ્યાની શક્યતા વચ્ચે દિલ્હીની બધી હૉસ્પિટલને સાવધ કરી દેવાઈ હતી. ક્યાંય કોઈ લોહીના ડાઘવાળા કપડાં પહેરેલો માણસ શંકાસ્પદ હાલતમાં ફરતો મળે તો પોલીસને તાત્કાલિક જાણ કરવાની સૂચના આપી દેવાઈ હતી.

હૉસ્પિટલની અંદર ફુલનદેવીનો નિશ્ર્ચેતન દેહ, બહાર સમર્થકોના ગોકીરા અને પોલીસની દોડધામ વચ્ચે ફુલનના બંગલો પરની નેઈમપ્લેટ પર વંચાતું હતું: ઙવજ્ઞજ્ઞહફક્ષ ઉયદશ ખઙ(ક/જ) (કજ્ઞસ જફબવફ). આ નેઈમપ્લેટની સામે સુકાઈ ગયેલા ફુલનના લોહી પર વરસાદ પડી રહ્યો હતો. પાણી સાથે લોહીના વહેવા સાથે જીવતીજાગતી ફુલન હવે ઈતિહાસના અંશ બની જવા ભણી અગ્રેસર હતી, છતાં ફુલનદેવીનું મોત હજી કેટલાક સવાલોના જવાબ પૂછતું હતું: હત્યા કરી કોણે? અને શા માટે? (ક્રમશ:)
વેર વાળવા ફુલનની હત્યા થઈ હતી કે પછી...?

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


૨૦૦૧ની રપમી જુલાઈએ તેરમી લોકસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય ફુલનદેવીની રાજધાની દિલ્હીસ્થિત સત્તાવાર નિવાસસ્થાન બહાર ધોળા દિવસે બેરહમીથી હત્યા કરી નખાઈ. એટલું જ નહીં, ત્રણ બુરખાધારી ખૂનીઓ ભાગી છૂટવામાં પણ સફળ થયા. ખૂનના કાવતરાને પાર પાડવામાં વપરાયેલી લીલા રંગની મારુતિ કાર પોલીસને મળી આવી. ત્યાર બાદની તપાસમાં પોલીસ શક્યતાઓના અનંત બોગદામાં ગોળગોળ ફરતી રહી. આમને આમ બે દિવસ ચાલતું રહ્યું હતું.

૨૦૦૧ની ર૭મી જુલાઈએ પોલીસને અંધારા બોગદામાં આશાનું કિરણ દેખાયું. એ શુક્રવારના દિવસે પોલીસ તાણમુક્ત થઈ. દહેરાદૂન પોલીસ સમક્ષ શેરસિંહ રાણા ઉર્ફે પંકજ નામના શખસે શરણાગતિ સ્વીકારી. તેણે કબૂલાત કરી લીધી કે મેં અને મારા સાથીઓએ ફુલનની હત્યા કરી હતી. આ શેરસિંહને રાજકીય કારકિર્દી બનાવવામાં ખૂબ દિલચસ્પી હતી. ત્રણેક વર્ષ અગાઉ દહેરાદૂનમાં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડીને તેણે પોતાની મહત્ત્વાકાંક્ષાના અણસાર આપી દીધા હતા. આ માણસ નાનીસૂની માયા નહોતી. તેણે હરીફોને રંજાડવા માટે પોતાના જ અપહરણની ખોટી પોલીસ ફરિયાદ સુધ્ધાં કરી હતી. આવા તોફાની વ્યક્તિત્વ માટે રાજકારણમાં આગળ વધવાનું મુશ્કેલ ન બને. જોતજોતામાં શેરસિંહ રાણા ઉત્તરાંચલ એકલવ્ય સેનાનો હોદ્દેદાર બની ગયો હતો. એના એક સમારંભમાં ખુદ ફુલનદેવી હાજર રહી હતી. આ શેરસિંહ રાણા હરદ્વારમાના તેજપુર-ભગવાનપુર વિસ્તારમાં દારૂ વેચવાની પરમિટ ધરાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ આ પરમિટ તેના ભાગીદાર પંકજ કાલરાના નામે મેળવાઈ હતી. આ સિવાય શેરસિંહભાઈ ખેતીની જમીન અને ડેરીના માલિક. એની માલિકીના એક મકાનમાંથી રાષ્ટ્રીયકૃત બેંકની શાખા ચાલતી હતી. આ બધું ઓછું હોય એમ ગુનાહિત પ્રવૃત્તિઓમાં નામ ખરડાયેલું હતું અને એકાદ ખૂનના મામલામાં પણ નામ સંડોવાયેલું હોવાનું બહાર આવ્યું હતું. એના પરિવારમાં બે નાના ભાઈ વિક્રમ અને રાજુ.

શેરસિંહ રાણા ઉર્ફે પંકજ સાથે આરોપી તરીકે બે નામ બહાર આવ્યા હતાં. હકીકતમાં તો રાણાએ પોતે દાવો કર્યો હતો કે મેં જ ફુલનદેવીને મારી નાખી હતી. ૧૯૮૧માં બેહમાઈ હત્યાકાંડમાં મારી નખાયેલા સવર્ણોના મોતનો બદલો લેવા માટે ફુલનદેવી પર ગોળીઓ છોડ્યાનું તેણે કબૂલી લીધું હતું.

૧૯૭૬ની ૧૭મી મેના રોજ ઉત્તરાખંડના રૂડકીમાં જન્મેલો શેરસિંહ ખરેખર ખૂની હતો કે પછી હત્યાના કાવતરાને દબાવવાનું એક મહોરું હતો? આ સવાલ લાંબો સમય ચર્ચાતો રહ્યો હતો.

આ સનસનાટીભરી હત્યા બાદ ઘણી રસપ્રદ માહિતી બહાર આવી હતી. સ્વાભાવિકપણે પોલીસની કાર્યક્ષમતા પર અણિયાળા સવાલો ઊભા કરાયા હતા. કહેવાય છે કે હત્યા કર્યા બાદ આરોપીઓએ ફગાવી દીધેલી રિવૉલ્વર એક રાજકીય પક્ષના કાર્યકર્તાએ ઉપાડી લીધી હતી અને ક્યાંક સંતાડી દીધી હતી. બીજી વાત એ ચર્ચાતી રહી કે ફુલનના ઘરમાં રહેનારા ત્રણ જણને આ રિવૉલ્વરની જાણકારી હતી. પછી પોલીસે આ રિવૉલ્વર ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી હતી.

હત્યાનાં વર્ષો બાદ શેરસિંહ રાણા ઍન્ડ કંપની પર ખટલો ચાલે અને અદાલતનો ચુકાદો આવે એ અગાઉ ઘણી નાટ્યાત્મક ઘટનાઓ બનતી રહી. ર૦૧૨માં શેરસિંહ રાણા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી પણ લડ્યો હતો. આમાં એ માત્ર હાર્યો જ નહીં, પાંચમા નંબરે આવ્યો હતો.

૨૦૦૪ની ૧૭મી ફેબ્રુઆરીએ શેરસિંહ રાણાએ જે કર્યું એનાથી ફરીથી સમગ્ર સલામતી વ્યવસ્થા અને ખાસ તો દિલ્હી પોલીસની આબરૂના ધજાગરા નીકળી ગયા. દિલ્હીની મશહુર (કે બદનામ) તિહાર જેલમાંથી શેરસિંહ રાણા ભાગી છૂટ્યો! એકદમ હાઈપ્રોફાઈલ કેસનો આવો નામચીન આરોપી પાટનગરની તિહાડ જેલમાંથી નાસી છૂટે એ કેવી રીતે બની શકે! પણ ભારતમાં બન્યું હતું ખરું, પરંતુ લગભગ બે વર્ષના લાંબા સમય બાદ શેરસિંહ રાણા પકડાઈ ગયો. કોલકતાના એક ગેસ્ટ હાઉસમાંથી શેરસિંહની ફરી ધરપકડ થઈ હતી.

શેરસિંહ રાણા કેવી રીતે ભાગ્યો એ તો ક્યારેકય બહાર ન આવ્યું, પરંતુ તે ભાગીને ક્યાં ગયો અને શા માટે ગયો એ બહાર આવ્યુંં ખરું. શેરસિંહ રાણા તિહાડ જેલમાંથી ભાગીને અફઘાનિસ્તાન પહોંચી ગયો હતો. રાણાએ કરેલા દાવા મુજબ પોતે અફઘાનિસ્તાનના ગજની વિસ્તારમાં રખાયેલા પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિઓ લેવા ગયો હતો. ત્યાં પૃથ્વીરાજના અસ્થિનું અપમાન થતું હોવાનું જાણીને એનું લોહી ઊકળી ઊઠ્યું હતું. આથી યેનકેન પ્રકારેણ જેલમાંથી ભાગી છૂટવાની જોગવાઈ કરી હતી.

તિહાડમાંથી ભાગી છૂટીને સૌથી પહેલા રાંચી પહોંચીને શેરસિંહ રાણાએ બનાવટી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાર બાદ તે વાયા નેપાળ, બાંગલાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચ્યો હતો. ર૦૦પમાં પોતે પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ લઈને ભારત પાછો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો તેણે વીડિયો સુધ્ધાં બનાવ્યો હતો, કે જેથી કોઈ તેના દાવાને નકારી ન શકે. ત્યાર બાદ રાણાએ પોતાની માતાની મદદથી ગાઝિયાબાદના પિલખુઆમાં પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવડાવ્યું હતું, જેમાં અસ્થિ રખાયાં હતાં.

હકીકતમાં તો કોલકાતામાં પણ શેરસિંહ રાણા ન પકડાયો હોત. એ ત્યાંથી પણ ભાગી છૂટવાની તજવીજમાં હતો, પરંતુ વરસાદને લીધે પોલીસના હાથમાં સપડાઈ ગયો હતો.

કોલકાતાના ધરમતલા વિસ્તારમાં શેરસિંહ રાણા ઘણી વાર નજરે પડ્યાની ખબરીઓની માહિતીને પગલે થઈને દિલ્હી પોલીસની ખાસ ટુકડીએ કમર કસી લીધી હતી. તેમની નજર રાણા પર હતી. અગાઉ આ ટુકડી ત્રણેક વાર રાણા સુધી પહોંચી ગઈ, પણ એ હાથ ન લાગ્યો. કોઈક કારણસર પોલીસના પહોંચ્યાની મિનિટો અગાઉ એ પોતાના સંતાવાના સ્થળેથી રવાના થઈ જતો હતો.

પરંતુ ર૦૦૧ના જુલાઈ મહિનાના છેલ્લા સોમવારની સાંજે ભારે વરસાદને લીધે રાણા સમયસર પોતાની હોટેલ બ્લુ મૂન સુધી પહોંચી શકે એમ નહોતો, પરંતુ પોલીસવાળાની નજરથી બચવું જરૂરી હતું. આને લીધે તે થોડી વાર સુધી પબ્લિક બૂથમાં સંતાઈ ગયો. જો એ સમયસર હોટેલ પહોંચી ગયો હોત તો સમયસર રફુચક્કર થઈ શક્યો હોત, પરંતુ વરસાદના વિઘ્નને લીધે પોલીસ સમયસર એની હોટેલ સુધી પહોંચી ગઈ અને ત્યાં પહોંચ્યો ન હોવાનું જાણીને આસપાસ શોધખોળ શરૂ કરી અને રાણા ઝડપાઈ ગયો.

જો કોલકાતામાં રાણા ન પકડાયો હોત તો એ ક્યારેય હાથ ન લાગ્યો હોત એવી શક્યતા ખુદ પોલીસે વ્યક્ત કરી હતી. હકીકતમાં તો શેરસિંહ રાણા બાંગલાદેશ ભાગી જવાની તાકમાં હતો. એને વધુ છ મહિનાના વિઝા મળી ચૂક્યા હતા. પકડાયા બાદ રાણાએ પોલીસ પૂછપરછમાં વટાણા વેરી નાખ્યા કે તિહાડ જેલમાંથી આરોપીને કોર્ટમાં હાજર કરાતી વખતે સલામતી વ્યવસ્થાને ખૂબ હળવાશથી લેવાતી હોવાથી પોતે ભાગી છૂટવાનું કાવતરું પાર પાડી શક્યો હતો.

હકીકતમાં તો ફુલનદેવીની હત્યાના મુખ્ય આરોપી શેરસિંહ રાણાને હીરો બનાવી દેવા માટે વ્યવસ્થિત કવાયત હાથ ધરાયાનું લાગ્યા વગર ન રહે. ખેર, હજી અદાલતમાં રાણા સહિતના આરોપીઓ અંગેનો ચુકાદો આવવાનો બાકી હતો. (ક્રમશ:)
ફુલન અને શેરસિંહ રાણા, બન્ને સનસનાટીના ચાહક

રિયલ ક્રાઈમ સ્ટોરી - પ્રફુલ શાહ


જો દિલ્હી પોલીસ ટીમની સ્પેશિયલ ટીમને કોલકાતામાં નસીબે ચોથીવાર હાથતાળી આપી હોત તો શેરસિંહ રાણા નામનું પંખી ફરી એકવાર દેશ છોડી ગયું હોત, આ વખતે કદાચ કાયમ માટે.

દિલ્હીથી તિહાર જેલથી રાંચી પહોંચ્યા બાદ બાંગલાદેશ પહોંચી ગયેલા શેરસિંહની ઈચ્છા પોતાના મિત્રો અને સંબંધીનો સંપર્ક સાધવાનો હતો. જો લેન્ડલાઈન કે મોબાઈલનો ઉપયોગ કરે તો પોતાના સંતાવાના સ્થળની પોલીસને જાણ થઈ જાય એટલો ચાલાક તો એ હતો જ. તેણે સેટેલાઈટ ફોન ખરીદી લીધો કે જેથી પોલીસ એને લોકેટ ન કરી શકે. પોલીસે એની પાસેથી મેળવેલી માહિતી મુજબ શેરસિંહ રાણા દિલ્હીથી મોરાદાબાદ, રાંચી, કોલકાતા, બાંગલાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન ગયો હતો. આ સંતાકૂકડી દરમિયાન દર મહિને તેને રૂ. ૧૫ હજારથી ૨૦ હજાર મળતા રહેતા હતા. આ મદદ તેનો સાથી અને ઉત્તર પ્રદેશ સ્થિત અપરાધી સુભાષ ઠાકુર કરતો હતો અને એ પણ જેલની અંદર બેઠા બેઠા!

દિલ્હી પાછા આવ્યા બાદ પોલીસ જાણવા માગતી હતી કે રાણાને કોણે કોણે મદદ કરી અને તેણે વધુ કોઈ ગુનાખોરી આચરી હતી ખરી?

શેરસિંહ રાણા કેટલો ચાલાક અને ખંધો હતો એની વધુ માહિતી બહાર આવી રહી હતી.

ફૂલનદેવીની હત્યા થઈ એ નાગપંચમીનો દિવસ હતો. આથી ફૂલનના ઘરે દૂધની ખીર બની હતી. હત્યાના કલાકો અગાઉ શેરસિંહ બનાવટી ઓળખ સાથે સંસદ સભ્ય ફૂલનદેેવીને મળવા ગયો હતો. શેખર બનીને આવેલા શેરસિંહ સાથે એકલવ્ય સેનાની ઉત્તરાખંડ એકમની રાજ્ય ઉમા કશ્યપ પણ હતી. બંને વહેલી સવારે ફૂલનદેવીના ઘરે પહોંચ્યાં હતાં. શેખર એટલે કે શેરસિંહે ફૂલનદેવીને માહિતી આપી કે અમે દલિતો અને પીડિતોના ઉત્થાન માટે અમે એકલવ્ય મંચની સ્થાપના કરી છે તેમાં હું જોડાવા માગું છું. ફૂલનદેવીએ પ્રસાદ તરીકે શેરસિંહ રાણા અને ઉમા કશ્યપને ખીરનો પ્રસાદ આપ્યો હતો. એ દિવસે શેરસિંહ રાણા વિઝિટર્સ લોબીમાં બેઠો હતો ત્યારે કોઈને એના ઝેરીલા ઈરાદાનો અણસાર નહોતો.

ફૂલનદેવી સાથે સાત વર્ષ અગાઉ લગ્ન કરનારા ઉમેદસિંહના જણાવ્યા મુજબ તો પોતાના હત્યાના કાવતરાને અંજામ આપવા માટે શેરસિંહ અગાઉ પણ ફૂલનના ઘરની જાણકારી મેળવવા માટે આવી ચૂકયો હતો. શેરસિંહ રાણાએ ભલે ૧૯૮૧ના બેહમાઈ હત્યાકાંડનું વેર વાળવા માટે ખૂન કર્યાની કબૂલાત કરી પણ ઉમેદસિંહના મત મુજબ તો આ હત્યા કોઈ રાજકીય કાવતરાનો ભાગ હતો. ‘ફૂલન એક મહિલા હતી અને દલિત હતી. તે શોષિત વર્ગને એક કરવાના પ્રયત્નશીલ હતી. નીચલા વર્ગની મહિલા આટલું બધું કરી શકે એ સ્વાભાવિકપણે ઘણાને ગમતું નહોતું! એમ ઉમેદસિંહે કહ્યું હતું. આ ઉમેદસિંહ ૨૦૦૯માં કૉંગ્રેસના અને પછી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા પણ ફાવ્યા નહોતા.

ફૂલનદેવીના સેન્સેશનલ મર્ડરના તેર વર્ષ સુધી આ ખટલો ચાલતો રહ્યો. પોલીસે દાખલ કરેલા આરોપનામામાં શેરસિંહ રાણા મુખ્ય આરોપી અને સહ-આરોપી તરીકે વિક્કી, શેખર, રાજબીર, ઉમા કશ્યપ, ઉમાના પતિ વિજય કશ્યપના નામ હતાં. પોલીસના દાવા મુુજબ ફૂલન ગાડીમાંથી ઉતરતાં જ રાણાએ તેના માથામાં, તો વિક્કીએ તેના પેટમાં ગોળીઓ ધરબી દીધી હતી. પોલીસના માનવા મુજબ આ ગોળીઓ છોડ્યા બાદ ફૂલન ઢળી પડી, ત્યાર બાદ રાણાએ તેના પર અંધાધૂંધ ગોળીઓ છોડી હતી. આના જવાબમાં ફૂલનના બોડીગાર્ડે ગોળીઓ છોડતા, હુમલાખોરોએ તેના પર વળતો ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળેથી નાસભાગ વખતે આરોપીઓમાંથી એકની દેશી પિસ્તોલ ઘટનાસ્થળે પડી ગઈ હતી. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને એક રિવોલ્વર, સિમકાર્ડ અને આરોપીઓએ પહેરેલાં વસ્ત્રો મળી આવ્યાં હતાં. વધુ રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ હતી કે ફૂલનની હત્યાનું કાવતરું એક વર્ષથી રચાતું હતું. આને પાર પાડવા માટેની આર્થિક વ્યવસ્થા કરવા માટે શેરસિંહ રાણાએ બૅન્ક લૂંટી હતી અને ધાડ સુધ્ધાં પાડી હતી.

...અને ફૂલનની હત્યાના તેર વર્ષ બાદ દિલ્હીની અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો: શેરસિંહ રાણા દોષિત. સજા જન્મટીપ. એની સામે ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (હત્યા), ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ૩૪ (કોમન ઈન્ટેનશન) લગાડાઈ હતી. ૨૦૧૪ની ૧૪મી ઓગસ્ટે આ સજા સંભળાવાઈ હતી. જો કે શેરસિંહ રાણા સાથેના સહ-આરોપી ધનપ્રકાશ ઉર્ફે વિક્કી, શેખર, રાજબીર, રાજિન્દર, અમિત રાઠી, પ્રવીણ મિત્તલ, કેશવ ચૌહાણ, સુરિન્દર સિંહ ઉર્ફે સુટી અને રાણાના ભાઈ વિજયને બેકસુર ઠેરવીને છોડા મૂક્યા હતા. આ ઉપરાંત રાણાની દારૂની દુકાનમાં કામ કરનારા અને આ ખૂનમાં હથિયાર પૂરાં પાડવાના આરોપી મુસ્તકીમને પણ નિર્દોષ છોડી દેવાયો હતો. વધુ એક આરોપી પ્રદીપનું તિહાર જેલમાં જ અવસાન થઈ ચૂકયું હતું.

જો કે પોતાને કસુરવાર ઠેરવવા કે જન્મટીપની સજા અંગે એક શબ્દ સુધ્ધાં ન ઉચ્ચારનારા શેરસિંહ રાણાએ ચુકાદો સંભળાવનારા જજને પૂછયું: ‘મને એકલાને (સજા) શા માટે? સાહેબ, તમે મને એકને જ કેમ ગુનેગાર માનો છો? શું હું એકલો હત્યા કરી શકું?’

શેરસિંહ રાણાના આ છેલ્લા શબ્દો હશે? શેખર કપૂરે ‘બેન્ડીટ ક્વીન’ બનાવી તો હવે શેરસિંહ રાણાના જીવન પરથી બાયોપિક ‘ધ ઍન્ડ ઑફ બેન્ડીટ ક્વીન’ બનવાની છે, જેમાં હીરો બનશે નવાઝુદ્દીન સિદ્દીકી. (સંપૂર્ણ)

------------------------------

શેરસિંહ રાણા હીરો?

દસ્યુરાણી ફૂલનદેવીની હત્યાના કસુરવાર ગુનેગાર શેરસિંહ રાણાને હીરો માનનારો એક વર્ગ છે. વિશ્ર્વ રાજપૂત સંઘ (વી.આર.એસ.) તો માને છે કે સમગ્ર ભારતે રાણાના પરાક્રમ બદલ ગર્વ અનુભવવો જોઈએ. એના બે મહાન પરાક્રમમાં પહેલું છે ફૂલનદેવીની હત્યા. બેહમાઈ હત્યાકાંડ બાદ પોલીસ ફૂલનદેવીને કંઈ ન કરી શકી પણ શેરસિંહે ૨૦ ‘નિર્દોષ ઠાકુરો’ના મોતનું વેર ફૂલનદેવીની હત્યા કરીને વાળ્યું હતું. વી. આર. એસ.નું તો માનવું છે કે પોલીસ, સી.બી.આઈ. અને લશ્કર સહિતની બધી સરકારી યંત્રણા ન કરી શકી એ કામ કરનારા શેરસિંહ રાણાને પરમવીર ચક્ર આપવું જોઈએ.

સેલ્યુટ ટુ શેરસિંહ રાણા. આ અને ખરેખર ફૂલનની હત્યા થઈ એ દિવસે બેહમાઈમાં ખૂબ ફટાકડા ફૂટ્યા હતા. ઘણાએ ફૂલનના ખૂનને ‘ભગવાને કરેલી સજા’ ગણાવી હતી.

રાણાનું બીજું પરાક્રમ કયું? અફઘાનિસ્તાનથી ‘હિન્દુ મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ’ના અસ્થિ પાછા લાવવા. આ રાષ્ટ્રીય મિશન હતું. શેરસિંહ રાણાની માતા સ્વાતિદેવીએ પોતાના પુત્રને ‘રાષ્ટ્રનું ગૌરવ’ ગણાવ્યા સાથે આનંદ વ્યક્ત કર્યો કે મારા શેરસિંહે તો આ દેશની સેવા કરી છે. આખા ભારતને એના માટે ગર્વ થવો જોઈએ.

પૃથ્વીરાજ ચૌહાણની આ ‘અસ્થિ’ શેરસિંહે કુરિયરથી ઈટાવાહ મોકલી હતી. એની માતાના અધ્યક્ષપદે યોજાયેલા સમારંભમાં મંદિર બનાવવાનાનું જાહેર કરાયું હતું. જો કે પોલીસના દાવા મુજબ તો ઈટાવાહમાં એ સ્થળે મંદિરના નામે માત્ર એક ખાંભીનો પથ્થર છે.

શેરસિંહ રાણાને હીરો માનનારાઓ માટે એ કાયમ હીરો જ રહેશે.

No comments:

Post a Comment