Tuesday, May 31, 2016

કરજને થોડું, ઘાવને નાનો અને કષાયોને અલ્પ સમજવા નહીં - મહેન્દ્ર પુનાતર

કરજને થોડું, ઘાવને નાનો અને કષાયોને અલ્પ સમજવા નહીં
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


જીવનમાં બની શકે તો કોઈની પાસેથી લેવું નહીં, આપવાનો ભાવ રાખવો. કોઈની પાસેથી અપેક્ષા રાખવી નહીં. અપેક્ષા બૂરી ચીજ છે. આપણે પારિવારિક અને સામાજિક સંબંધોમાં અપેક્ષાઓ રાખીને બેઠા છીએ. દરેકને એમ થાય છે કે સામો માણસ નગુણો છે. મેં તેના માટે કેટલું બધું કર્યું પણ તેને મારી કોઈ ગણના નથી. આવી ફરિયાદ અને વસવસો થતો હોય છે. અપેક્ષા રાખીને કોઈના માટે કશું કરવાનો અર્થ નથી. કોઈની પાસેથી અપેક્ષા રાખી હોય અને તે પરિપૂર્ણ ન થાય તો તેમાંથી દુ:ખ અને સંબંધોમાં અંતરાયો ઊભા થશે. કોઈ પ્રેમથી આપે તો સ્વીકારી લેવું. આગ્રહ રાખવો નહીં. કોઈ આપણા માટે શું કરી શકે તે મહત્ત્વનું નથી, પણ આપણે કોઈના માટે શું કરી શકીએ છીએ તે અગત્યનું છે. વિનય અને વિવેકમાં પણ કોઈ મોટા માણસ માટે આપણે આદર રાખીએ. તેની આગતાસ્વાગતા કરીએ તેમાં કશું વિશેષ નથી, પરંતુ નાના માણસ માટે આપણે પ્રેમ અને આદર રાખીએ તો તે આપણો ગુણ બની જાય. મોટા શ્રીમંત લોકોનું તો સૌ કોઈ માન જાળવે. આમાં કેટલીક વખત સ્વાર્થ પણ હોય છે. આમાં સદ્ગુણ છે, પણ આપણી મોટાઈ નથી. સામા માણસની મોટાઈ છે, પણ જ્યારે નાના માણસો માટે આપણા મનમાં આદર ઊભો થાય ત્યારે તે વિનય અને વિવેક બને છે. આપણે બીજાના ગુણોના કારણે નહીં આપણા ગુણોના કારણે મોટા થવાનું છે. ગરીબ સાધારણ માણસ કશુંક આપવા નીકળે અને શ્રીમંત માણસ કાંઈ લેવા નીકળે એ બંને અનુઠી ઘટના છે. એટલે જ કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંબંધોમાં સુદામાનું પલ્લુ નમે છે. ધર્મ એ પ્રેમનો માર્ગ છે. આમાં લેવા કરતા આપવાની ભાવના વધુ હોવી જોઈએ. ગરીબમાં ગરીબ માણસ પણ ધારે તો કાંઈક ને કાંઈક આપી શકે છે. શ્રીમંત માણસ પણ ધારે તો કાંઈક ને કાંઈક અનોખુ પ્રાપ્ત કરી શકે છે, પણ આ માટેની ભાવના હોવી જોઈએ.

મહાવીર દર્શન એ જીવનનું દર્શન છે. આમાં આવી અનેક વાતો રહેલી છે. બની શકે તો કરજ કરવું નહીં. ઉધાર લેવું નહીં. આપણને આ નાની એવી વાત લાગે છે, પરંતુ તેને મોટી થઈ જતા વાર લાગતી નથી. દેવાનો ડુંગર જોતજોતામાં મોટો થઈ જાય છે. દેવું દુર્ગુણો જેવું છે તેને વધતા વાર લાગતી નથી. એક દુર્ગુણ જો જીવનમાં પ્રવેશે છે તો બીજા દુર્ગુણોને આવતા વાર લાગતી નથી. માણસે પ્રથમથી જ આ અંગે સાવચેત રહેવું જોઈએ. મહાવીર સૂત્ર છે ‘અણ થોવં, વણ થોવં, અગ્ગી થોવં, કસાય થોવં ચ! ન હૂ મે વીસસિયવાં, થોવં પિ હુ તં બહુ હોઈ!’ આ સૂત્રનો અર્થ છે ‘કરજને થોડું, ઘાવને નાનો, આગને નજીવી અને કષાયને અલ્પ માનીને બેસી જવું નહીં.’ આ વસ્તુ ભલે નાની હોય પણ તેને મોટી થતા વાર લાગતી નથી. મહાવીરના વચનોને જીવન સાથે સંબંધ છે. થોડામાં ઘણું કહી જતા જિનસૂત્રો જીવન રૂપાંતર માટે મહત્ત્વના છે, જે માણસ કરજ લેતો હોય, દેવું કરતો હોય એ એમ સમજે છે કે આ એકદમ થોડું છે. થોડા સમયમાં ચૂકવી દઈશું. કરજ નાનુ માનીને જરૂર હોય કે ન હોય માણસો વધુ ને વધુ લેતા હોય છે. અત્યારે કામ પતાવી દઈએ પછી આપી દેશું. ઋણ ચૂકવાતું નથી અને ધીરે ધીરે વધતું જાય છે. વ્યાજના ઘોડાને કોઈ લગામ નથી. આ થઈ આર્થિક કરજની બાબત, પણ જીવનમાં ઊંચા ઊઠવા માટે આપણે કેટકેટલાની મદદ લઈએ છીએ. જીવનના દરેક તબક્કે કોણે કોણે આપણને મદદ કરી છે. કોનું અહેસાન આપણા પર છે તે સામે આપણે શું કર્યું તેનો હિસાબ તપાસીએ તો માલુમ પડશે કે આપણે આ ઋણ ચૂકવી શક્યા નથી. સૌથી મોટું ઋણ માતા-પિતાનું છે. ગમે તેટલું કરીએ તો પણ ચૂકવી શકાતું નથી. આ ઉપરાંત ભાઈ-બહેન, પરિવાર આ બધાએ આપણા માટે કાંઈક ને કાંઈક કરેલું છે. તેમના પ્રત્યે પ્રેમ અને આદર રાખીએ. દુ:ખ અને મુસીબતમાં તેમના પડખે ઊભા રહીએ તો પણ ઘણું. મહાવીર કહે છે આપણે અસ્તિત્વના તમામ તત્ત્વોના ઋણી છીએ. એટલે આપણો બીજા પ્રત્યેનો ઉદાર અભિગમ હોવો જોઈએ. આમ કરીશ તો મને શું મળશે એ ખ્યાલ જ ખોટો છે. મારું શું છૂટશે એ મહત્ત્વનું છે. આપણે કેટલો બધો કચરો મનમાં ભરીને બેઠા છીએ. સદ્ભાવના, પ્રેમ, મૈત્રી, વિશ્ર્વાસ અને શ્રદ્ધા દ્વારા આ બધો મનનો મેલ સાફ થઈ શકે છે.

મહાવીરે બીજી મહત્ત્વની વાત કરી છે ઘાવને નાનો સમજીને ઉપેક્ષા કરશો નહીં. ધીરે ધીરે આ ઘાવ મોટો થઈ જશે અને વેદના વધી જશે. ઘાવ લાગે કે તુરંત તેનો ઉપચાર કરવો જરૂરી છે. મહાવીર માત્ર શરીરના ઘાની વાત કરતા નથી. મનના ઘાવનું પણ આવું જ છે. એનો તત્કાળ ઉપાય ન થાય તો આ ઘાવ વધતા રહે છે. મતભેદો, ગેરસમજો વધુ ઘેરી બને છે ત્યારે મતભેદ ઊભા થાય છે. મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી ફરી સંધાતા નથી. મન પરના ઘા અહંકારના હોય છે. કોઈની સાથે કાંઈ વાંકુ પડ્યું હોય તો સુધારી લેવામાં ડહાપણ છે. નહીંતર વેરઝેર, ઈર્ષા અને અદેખાઈ વધતી રહેશે અને તે અંદરને અંદર આપણને કોતરતી રહેશે. બીજાનું ખરાબ કરવામાં આપણું પણ ખરાબ થતું હોય છે પણ તે આપણને દેખાતું નથી.

મહાવીર કહે છે આગના તણખાને પણ નાનો સમજતા નહીં. નાનો એવો તણખો, નાની એવી ચિનગારી મોટા મહાલયોને ભસ્મીભૂત કરી નાખે છે. આગને પ્રસરતા વાર લાગતી નથી. પછી ભલે તે આગ વેરઝેરની કે અહંકારની હોય. આવી આગ લાગતાની સાથે જ બુઝાવી દેવી જોઈએ. નહિતર એ હૈયાને બાળી નાખશે. ક્રોધ આવે છે ત્યારે ભાન રહેતું નથી. ક્રોધની જ્વાળામાં માણસ પોતે સળગે છે અને બીજાને પણ સળગાવે છે.

ક્રોધ સમી ગયા પછી ભાન થાય છે કે ખોટું થઈ ગયું, પણ ક્રોધને પાછો ખેંચી શકાતો નથી. એટલે માણસ બહાના શોધે છે અને પોતે જે કર્યું તે વાજબી હતું એવું મનને મનાવવા પ્રયાસ કરે છે. કેટલીક વખત પસ્તાવો પણ થાય છે, પણ ભૂલ કબૂલ કરવાની હિંમત થતી નથી. ઘડીક મનમાં પરિવર્તન ઊભું થાય છે, પરંતુ તે લાંબો સમય ટકતું નથી. ફરી પાછા એવા સંજોગો ઊભા થાય તો ક્રોધ પાછો સપાટી પર આવી જાય છે. પસ્તાવા કરતા પ્રાયશ્ર્ચિત્તની જરૂર છે. પસ્તાવો તો આપણે રોજ કરતા રહીએ છીએ. પસ્તાવો ભૂલનો એકરાર છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્ત ફરીથી આવું નહીં થાય તેની પ્રતિજ્ઞા છે. એટલે પ્રાયશ્ર્ચિત્તને અંતરતપ કહ્યું છે.

મહાવીરના વચનો છે કે સમગ્ર ચૈતન્ય એક સાથે સંકળાયેલું છે. એમાં જે કાંઈ ઘટના બને છે તે એક યા બીજા સ્વરૂપે વહેલી કે મોડી સર્વને અસર કરે છે. એક આત્માનો આ વિસ્તાર છે. આપણા જેવો જીવ અને ચૈતન્ય બીજામાં છે. સૌને જીવ વહાલો છે સૌને સુખ ગમે છે. સૌ કોઈ સુખ મેળવવા અને દુ:ખને ટાળવા મથામણ કરે છે. આપણે જેવું ઈચ્છીએ છીએ તેવું બીજા પણ ઈચ્છે છે. એટલે કોઈને દુ:ખ આપવામાં, કોઈનું અપમાન કે અવહેલના કરવામાં કે કોઈને અંકુશ હેઠળ રાખવામાં કે કોઈને ગુલામ બનાવવામાં આપણી પોતાની ગુલામી છે. આ જગતમાં જે કોઈ બીજાને બાંધવાનો પ્રયાસ કરે છે તે ખૂદ બંધાઈ જાય છે. અહીં સૌ કોઈ પોતાને માલિક સમજે છે પોતાનાથી નાનાને દબાવે છે. પ્રેમ અને મૈત્રીમાં પણ કોઈને બાંધી રાખવાની કે સ્વામીત્વની ભાવના હોય તો પ્રેમ પણ હિંસામાં પરિણમે છે. તમે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છો છો તેવું વર્તન બીજા પ્રત્યે દાખવો એ સર્વધર્મનો સાર છે.

મહાવીર આ સૂત્રમાં કહે છે કષાયોને પણ અલ્પ સમજશો નહીં. જૈન પરિભાષાનો આ બહુમૂલ્ય શબ્દ છે. કષાય એટલે જેનાથી આપણે બંધાયેલા છીએ તે દોષો, ક્રોધ, લોભ, મોહ, માયા વગેરે. આ બધા જીવનના બંધનો છે. આ બંધનો કપાય ત્યારે માણસ ખરા અર્થમાં મુક્ત બને છે. કષાયોના કારણે માણસ સંકુચિત અને નાનો બનતો જાય છે અને બંધનોના જાળા વિસ્તૃત થતા જાય છે. કષાયોને નાના સમજવા નહીં. નાનું એવું બીજ છીદ્ર પાડીને જમીનની અંદર એવી રીતે ઘૂસી જાય છે ધરતીને તેની ખબર પણ પડતી નથી. દુર્ગુણો અને કષાયોનું પણ આવું જ છે. દુર્ગુણો આપણી અંદર કેવી રીતે ઘૂસી ગયા તેની ખબર પડતી નથી. એક દુર્ગુણ અંદર આવે તો બીજાને પણ અંદર આવવાનો માર્ગ મોકળો કરી આપે છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ મનુષ્ય જીવનનું બંધન છે. માણસ આ જાળમાં વધુ ને વધુ જકડાતો જાય છે. ભગવાન મહાવીરે આ ચાર બંધનોને શત્રુ ગણાવ્યા છે. માણસ આ બંધનોમાંથી ઉપર ઊઠે નહીં અને આ કષાયોને દૂર કરે નહીં ત્યાં સુધી તેને આત્માનો કોઈ અનુભવ થતો નથી. આ અલગઅલગ વસ્તુ નથી, પણ એક ચીજના ચાર મહોરા છે ક્રોધ, માન, માયા અને લોભને એકબીજા સાથે સંબંધ છે.

ફેલાઈ જવું, પ્રસરી જવું એ પ્રકૃતિનો નિયમ છે. અહીં કોઈ પણ વસ્તુને જગ્યા મળે તો તેને ફેલાઈ જતા વાર લાગતી નથી, આને ‘બહ્મ’ કહેવામાં આવે છે. આ ફેલાવાની કોઈ સીમા નથી. અહીં નાની વસ્તુઓ જલદીથી મોટી થઈ જાય છે. કોઈ પણ વસ્તુને નાની, નબળી સમજવી નહીં. તેના પ્રત્યે સાવધાન રહેવું અને કષાયોને મૂળમાંથી જ કાપી નાખવા. તેના પ્રત્યે દુર્લક્ષ સેવવું નહીં અને હંમેશાં જાગૃત રહેવું. મહાવીર કહે છે સમયસર જાગી જવામાં ડહાપણ છે. જીવનને સ્પર્શતા મહાવીરના આ વચનો સદાકાળ અને શાશ્ર્વત છે.

No comments:

Post a Comment