Sunday, May 22, 2016

ભારતે ગ્રીન-કાર્ડ શરૂ કરવાં જોઈએ! - ચંદ્રકાંત બક્ષી



ભારતમાં પણ દરેક વિદેશી માટે સખત કાયદા હોવા જોઈએ. જે ગેરકાયદેસર ઘૂસ્યો છે એને સીમાની બીજી તરફ ફેંકી દેવો પડે જ! જેને કાયદેસર આવવું છે એને માટે ‘વર્ક પરમિટ’ અને ‘ગ્રીન-કાર્ડ’ જેવી વ્યવસ્થા હોવી જોઈએ


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ભારતમાં એક જ પ્રકારના નાગરિક છે અને એ ભારતીય છે. તમે ભારતીય નાગરિકો હો ત્યારે બીજા દેશના નાગરિક બની શકતા નથી. જે ક્ષણે તમે અન્ય દેશના નાગરિક બનો છો, તેમ એ જ ક્ષણે ભારતીય નાગરિક મટી જાઓ છો. ભારતનું સંવિધાન આ વિશે સ્પષ્ટ છે.

જ્યારે સંવિધાન ઘડાયું એ ૧૯૪૮-૧૯૪૯નાં વર્ષોમાં ઘણી સમસ્યાઓનું બિલકુલ અસ્તિત્વ ન હતું. આજે કેટલીક સમસ્યાઓ ભયાનક રૂપ ધારણ કરી ચૂકી છે. એ દિવસોમાં એવી કલ્પના ન હતી કે ૧૯૭૧માં પાકિસ્તાન તૂટીને બે ટુકડા થઈ જશે! એ દિવસોમાં એવી કલ્પના પણ ન હતી કે બાંગલાદેશના બંગાળી મુસ્લિમો આસામમાં ઘૂસી જશે અને ભ્રષ્ટ અફસરો, વિદ્યાનસભ્યો અને ક્યારેક મંત્રીઓ પણ એમને ભારતની ભૂમિમાં ગેરકાયદે વસાવી દેશે! આસામની આખી સમસ્યા ગેરકાયદે ઘૂસી ગયેલા બાંગલાદેશી મુસ્લિમ ઘૂસણખોરોની છે, જે આ દેશમાં વિદેશી છે. ગેરકાયદેસર ઘૂસપેઠિયાનું આ દેશની ધરતી પર કોઈ સ્થાન નથી.

આજે એવી સ્થિતિ છે કે બાંગલાદેશી મુસ્લિમ ગેરકાયદેસર આસામ કે બંગાળમાં ઘૂસી જાય છે અને પાછો જતો નથી. સ્થાનિક નેતાઓ કે ગુંડાઓ મળી રહે છે. બનાવટી પાસપોર્ટ પણ વિદ્યાનસભ્યોની સિફારશથી બની શકે છે અને પાસપોર્ટ બની જાય છે એટલે એ ભારતના નાગરિક બની જાય છે? આઝાદી પછી આ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આસામમાં લગભગ પચીસ ટકા વસ્તી આજે મુસ્લિમ છે. આસામ ગણ પરિષદને જે અભૂતપૂર્વ સહયોગ મળ્યો એનું મુખ્ય કારણ આ બાંગલાદેશી મુસ્લિમોની અમર્યાદ ઘૂસણખોરી સામે આસામી હિંદુ પ્રજા સંગઠિત થઈ. આજે ધીરે ધીરે સીમાન્ત વિસ્તારોમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ પાકિસ્તાની મુસ્લિમોની ઘૂસણખોરી એક સમસ્યા બની રહી છે.

ભારતનું સંવિધાન ૧૯૫૦ની ર૬મી જાન્યુઆરીએ લાગુ પડ્યું અને ૩૫ વર્ષ પછી હવે એની કેટલીક કમીઓ આપણી આંખો સામે ઊભરી રહી છે. ઘૂસપેઠ કરનારાઓ વિદેશીઓ કે દુશ્મનોને રોકવા પડશે અને પકડાય ત્યારે બહાર ફેંકવા પડશે. એ વિશે સંવિધાન તદ્દન શાંત છે કારણ કે એ સમયે આ પ્રકારની દુ:સ્થિતિની કલ્પના જ ન હતી! ભારતમાં સંવિધાન પણ કોઈ ધર્મગ્રંથ જેવું અક્ષુણ્ણ અને અસ્પર્શ હોય એવી માન્યતા કેટલાંક વર્તુળોમાં છે, જે બરાબર નથી. દેશ અને પ્રજા સર્વોપરી છે, સંવિધાન એ પછી આવે છે. પ્રજા એટલે ૧૯૪૭ની નહીં પણ ૧૯૮૬ની પ્રજા. આજનો ભારતીય ચૌદ વર્ષ પછી એકવીસમી સદીમાં પ્રવેશશે. સંવિધાન આજની પેઢીને આવતી કાલની પેઢીઓને લક્ષમાં રાખીને બદલાતું રહેવું જોઈએ. હા, સંવિધાને પણ જીવતા રહેવું હોય તો સર્પની જેમ કાંચળી ઉતારી નાખવી જોઈએ...

રશિયામાં પ્રથમ સંવિધાન ૧૯૧૭ની ક્રાંતિ પછી લાગુ કર્યું. એ પછી ૧૯૩૬માં બીજું સંવિધાન આવ્યું. હમણાં લિયોનીદ બ્રેઝનેવના જમાનામાં ૧૯૮૦ના દશકમાં ત્રીજું સંવિધાન પસાર કરવામાં આવ્યું. દરેક સંવિધાન નવી ઊભરતી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવા નવા ફેરફારો અપનાવતું જાય છે.

આપણા પાડોશના લગભગ આપણી સાથે જ સ્વતંત્ર થયેલા ચીનમાં પણ સંવિધાન બદલાતાં રહ્યાં છે. ભારત ૧૯૪૭માં આઝાદ થયું. જ્યારે ચીન ૧૯૪૯માં સ્વતંત્ર થયું. ભારતમાં હજી એ જ સંવિધાન ચાલે છે. (જે કદાચ બ્રિટિશ અસર હશે!) જ્યારે ચીનમાં, ફ્રાન્સની જેમ, સંવિધાનો બદલાતાં રહ્યાં છે. ૧૯૫૪માં ચીને પ્રથમ સંવિધાન પસાર કર્યું. ૧૯૬૯માં બીજું સંવિધાન લખાઈ ચૂક્યું હતું પણ એ સ્વીકારાયું નહીં. ૧૯૭૫માં વાસ્તવમાં બીજું સંવિધાન પસાર થયું, જેના પર ‘ગૅંગ ઑફ ફોર’ની અસર હતી. ૧૯૭૮માં ત્રીજું સંવિધાન પસાર થયું જે નવી વિચારધારા પર આધારિત હતું.

એટલે જનજાગૃતિ અને જનજરૂરિયાતો પ્રમાણે સંવિધાનો રશિયા અને ચીન બંને બદલતાં રહ્યાં છે. ભારતે પણ હવે સંવૈધાનિક ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. ગમે તે દુશ્મન કે વિદેશી ભારતમાં આવીને નાગરિક બની શકે નહીં. એ રોકવા માટે સંવિધાનમાં ફેરફાર તદ્દન આવશ્યક છે અને આ બાબતમાં ભારતે અમેરિકાના નાગરિકત્વના કાયદાઓ અપનાવવા જોઈએ.

અમેરિકામાં બે પ્રકારના નાગરિકો છે. એક નાગરિક અથવા સિટીઝન છે અને બીજા પ્રવેશક અથવા ઈમિગ્રન્ટ છે! સિટીઝનને રાજકીય અધિકાર છે જ્યારે ઈમિગ્રન્ટને એ અધિકાર નથી. ભારતમાં પ્રવેશી ગયેલા ઈમિગ્રન્ટને સરકાર માત્ર આર્થિક અધિકાર આપે. એની જરૂર છે માટે એ આવે, કામ કરે (એવું કામ જેને માટે આપણે ત્યાં માણસો ન હોય અથવા આપણા નાગરિકોની એવા કામ માટે અરુચિ હોય), પૈસા કમાય અને પાછો ચાલ્યો જાય. અથવા મુદત પૂરી થાય ત્યારે એને પાછો કાઢી મૂકી શકાય. મધ્યપૂર્વના અને ખાડીના બધા જ આરબ દેશોમાં બહારથી જનારાઓને ફક્ત આ આર્થિક અધિકાર છે. (ત્યાં તો ગૈર-મુસ્લિમને ધાર્મિક અધિકાર પણ નથી!), પણ ત્યાં રાજકીય અધિકાર બિલકુલ નથી. ભારતમાં પણ અમેરિકા અને ગલ્ફના દેશોની જેમ આ પ્રકારના પાકિસ્તાની કે બાંગલાદેશી મુસ્લિમોને કામચલાઉ કે ટેમ્પરરી વર્ક-પરમિટ અપાવી જોઈએ. એમના નાગરિક થવાનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. પણ જો કોઈને નાગરિક થવું હોય તો એની અમેરિકા જેવી ‘નેચરલાઈઝેશન’ની આખી પ્રક્રિયા છે. એમાંથી પસાર થયા પછી એ બહારી વ્યક્તિ ભારતીય નાગરિક બની શકે! આજે ગમે તે વિદેશી મુસ્લિમ પાડોશી દેશમાંથી ભારતમાં ઘૂસી આવીને પાસપોર્ટ કઢાવીને ઝડપથી નાગરિક બની જાય છે...

આજે સામાન્ય ભારતીયને અમેરિકામાં ઊતર્યા પછી પાંચ વર્ષે ગ્રીનકાર્ડ મળે છે. એ પછી બે વર્ષે નાગરિકતા મળે છે. તમે તમારા ભાઈ કે અન્ય સ્વજનને સ્પોન્સર કરો તો સાત વર્ષ લાગી જાય છે. એક ભાઈ અમેરિકાની ધરતી પર ઊતરે ત્યાંથી શરૂ કરીને એ અમેરિકન સિટીઝન થાય અને પોતાના ભાઈને બોલાવીને એને પણ અમેરિકન સિટીઝન બનાવે ત્યાં સુધીની પૂરી પ્રવૃત્તિને કાનૂન પ્રમાણે પંદરેક વર્ષ લાગે છે એવો અંદાજ છે.

અમેરિકાના કાયદા પ્રમાણે ‘એલિયન’ અથવા વિદેશી માણસ અમેરિકન નાગરિક બની શકે છે પણ એને એ પૂરા કાળ દરમિયાન વોટ આપવાનો અધિકાર મળતો નથી. અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં તો વકીલ કે ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવી હોય તો પણ અમેરિકન નાગરિકત્વ જોઈએ છે! પણ અમેરિકાના નાગરિક થવા માટે તમે કાયદેસર પ્રવેશ્યા હો એ પહેલી શર્ત છે! એ દેશમાં તમે પાંચ વર્ષથી રહ્યા છો એ જરૂરી છે! અને જે રાજ્યમાંથી તમે નાગરિક થવા માટે અરજી કરી હોય ત્યાં ઓછામાં ઓછા છ મહિના તમે રહ્યા હો એ પણ જરૂરી છે! તમારી અરજીને બે અમેરિકન નાગરિકો (‘નૉન ટુ બી ટ્રૂથફુલ’ એટલે કે જે સત્યવાદી તરીકે જાણીતા છે!) એ ટેકો આપવો જોઈએ. એ પછી અરજદાર અને એના સાક્ષીઓની ઈમિગ્રેશન ઍન્ડ નેચરલાઈઝેશન સર્વિસ પરીક્ષક લે છે! આ પરીક્ષાનું તાત્પર્ય એ છે કે અરજદાર કાયદાની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં...

અંતે અમેરિકા માટે વફાદારીના શપથ લેવા પડે છે. એ પછી ‘નેચરલાઈઝડ સિટીઝનશિપ’ના આદેશ પર ન્યાયાધીશ સહી કરે છે અને અરજદારને સર્ટિફિકેટ આપવામાં આવે છે. અમેરિકાના નવા નાગરિકને હવે વોટ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

ભારતમાં પણ દરેક વિદેશી માટે સખત કાયદા હોવા જોઈએ. જે ગેરકાયદેસર ઘૂસ્યો છે એને સીમાની બીજી તરફ ફેંકી દેવો પડે જ! જેને કાયદેસર આવવું છે એને માટે ‘વર્ક પરમિટ’ અને ‘ગ્રીન-કાર્ડ’ જેવી વ્યવસ્થા હોવી જોઈએ. વિદેશીને આવો અધિકાર આપી શકાય, એને રાજકીય અધિકાર એટલે મતદાન! ગમે તે વિદેશી અહીં તરત જ પાસપોર્ટનો અધિકાર અપાય નહીં અને પ્રથમ રાજકીય અધિકાર બની જાય છે અને ગમે તે વિધાનસભ્ય કે સંસદસભ્ય એને ‘રેકમન્ડ’ કરીને પાસપોર્ટ મેળવી આપે છે એ તરત જ બંધ થવું જોઈએ. અમેરિકામાં જ્યાં સુધી પાંચ વર્ષનો વસવાટ થતો નથી ત્યાં સુધી ગ્રીનકાર્ડ મળતું નથી!

ભારતમાં પણ ગ્રીનકાર્ડ દ્વારા નાગરિક અને વિદેશી પ્રવેશકનો ભેદ સ્પષ્ટ થવો જોઈએ. વોટ લેવા માટે ગમે તેને નાગરિક બનાવી દેવાની રાજનીતિ ભયાનક સ્ફોટક છે. ભવિષ્યની પેઢીઓ માટે ટાઈમ-બૉમ્બ મૂકી જવા જેવી એ એક અક્ષમ્ય મૂર્ખતા છે...

No comments:

Post a Comment