Sunday, May 1, 2016

ધર્મ ભાવના - મહેન્દ્ર પુનાતર

અહિંસા, સંયમ અને તપ, ધર્મ ઉત્કૃષ્ટ મંગલ

જીવન અને ધર્મ જુદા નથી. એક સિક્કાની બે બાજુ છે. જીવન નહીં સમજાય તો ધર્મ સમજાશે નહીં. રાગ-દ્વેષ, ક્રોધ - અહંકાર, લોભ-લાલસા અને ઘૃણા-પૂર્વગ્રહ હોય તો એ સાચો ધર્મ નથી. બહારના દેખાવ કરતાં ભીતરનું પરિવર્તન અને જ્ઞાન કરતાં આચરણ વધુ મહત્ત્વનું છે


જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓ જમીનમાં પડેલા બીજ જેવી છે. તેની યોગ્ય માવજત થાય તો વટવૃક્ષ બનતા વાર લાગે નહીં. બીજને જેમ સારું પાણી, ખાતર અને સૂરજનો જોઈએ તેટલો તાપ મળે તો અંકુર ફૂટી નીકળે છે અને ધીરે ધીરે તેનો વિકાસ થાય છે. આત્મિક વિકાસ માટે પણ આ બાર ભાવનાનાં બીજો મનમાં ધરબાયેલા હોવા જોઈએ અને ચિંતન-મનન દ્વારા તેની યોગ્ય સંભાળ લેવાય તો તે ભાવનાઓ ફળ્યા વગર રહેતી નથી. આ બાર ભાવનાઓ જીવન પરિવર્તનની છે. જીવનને શુદ્ધ બનાવીને આગળ વધવાનો આ રાજમાર્ગ છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ એક ન એક દિન નષ્ટ થવાની છે. અહીં કશું કાયમી નથી. અશરણ ભાવનામાં જાણ્યું કે અહીં કોઈનું શરણ કામ આવતું નથી. આપણી પાસે ગમે તેટલી ધન-દોલત હોય, સત્તા અને શક્તિ હોય પણ અંત સમયે આમાંની કોઈ વસ્તુ આપણું રક્ષણ કરી શકતી નથી કે બચાવી શકતી નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસારમાં રાગ-દ્વેષ છે, ઈર્ષા છે, અદેખાઈ છે અને જીવન જીવવા માટે અનેક આપાધાપી કરવી પડે છે. આને કારણે કર્મોના જાળાઓ બંધાય છે. એકત્વ ભાવનામાં બોધ થયો કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ, કશું સાથે આવવાનું નથી. અન્યત્વ ભાવનામાં આપણે જોયું કે આપણું પોતાનું જેને માનીએ છીએ તે પણ આપણું પોતાનું નથી. અશુચિ ભાવનામાં એ બાબત પર પ્રકાશ પડ્યો કે દરેક વસ્તુ વહેલી-મોડી ર્જીણ થવાની છે. અશુદ્ધ થવાની છે. વસ્તુને ગમે તેટલી સાચવી રાખો પણ સમયની ધારામાં તે ઘસાતી જશે અને છેવટે નાશ પામશે. રૂપ અને સૌંદર્યનું પણ આવું જ છે. જુવાની પણ ટકવાની નથી. વૃદ્ધાવસ્થા આવશે. શરીર ર્જીણ થશે. કાયા બેવડ વળી જશે અને છેવટે તેનું અસ્તિત્વ રહેશે નહીં. જે વસ્તુ આજે સુંદર દેખાય છે તે કાલે ગમશે નહીં. આસ્ત્રવ ભાવનામાં જાણ્યું કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મો બંધાય છે. સંવર ભાવનામાં જોયું કે ઈન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાય નહીં. નિર્જરા ભાવનામાં એ વસ્તુની સમજ પડી કે કર્મો આત્માની સાથે લાગેલા છે તેને દૂર કરવા માટે શરીરથી ઉપર ઉઠવાનું છે અને મનને અંકુશમાં રાખવાનું છે. અને આ માટે તપશ્ર્ચર્યા જરૂરી છે. લોક ભાવનામાં જોયું કે સકળ વિશ્ર્વ અને બ્રહ્માંડનાં રહસ્યોને સમજવાનું જરૂરી છે. તેનાથી આપણી હસ્તી અને હેસિયતનો ખ્યાલ આવે છે. આ ચિંતન માણસને આત્મસ્વરૂપનું દર્શન કરાવે છે. આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ અને આપણું કર્તવ્ય શું છે તેનું આમાંથી જ્ઞાન મળે છે. કુદરત અને પરમાત્માના તત્ત્વોને સમજવાનો આ રાહ છે. બોધિદુર્લભ ભાવનામાં મનુષ્યજન્મની સાર્થકતાની વાત જાણી. જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું છે તે પરમાત્માની કૃપા છે તેનો અહેસાસ થયો. હવે આપણે છેલ્લી ધર્મ ભાવના અંગે વિચાર કરીશું.

કોઈ પણ માણસ પોતાના જીવનને સાત્ત્વિક અને આત્મિક રીતે સમૃદ્ધ ન કરે ત્યાં સુધી ધર્મને પામી શકે નહીં. માણસ સરળતાથી, સહજતાથી જીવે અને કોઈને અંતરાયરૂપ ન બને તો ઘણા દોષોમાંથી બચી જાય. હકીકતમાં જીવન એવી રીતે જીવવું જોઈએ જે ખુદ ધર્મ બની જાય. જીવન એ ધર્મનું પ્રથમ સોપાન છે. માણસ ગમે તેટલો ધાર્મિક હોય, પરંતુ જીવન જો કલુષિત હોય, રાગદ્વેષથી ભરેલું હોય, ક્રોધ - અહંકાર હોય, લોભ-લાલસા, ઘૃણા અને પૂર્વગ્રહ હોય તો એ ખરો ધર્મ નથી. કેટલાક માણસો મંદિરમાં, દેરાસરમાં કે ઉપાશ્રયમાં જેટલા નિર્દોષ અને ભાવમય દેખાય છે એટલા ઘરમાં હોતા નથી. મંદિરનો ધર્મ ઘર કે દુકાન સુધી પહોંચતો નથી. આપણે દેરાસરમાં ભગવાનના દરબારમાં હોઈએ છીએ એટલા પૂરતા જ ધાર્મિક હોઈએ છીએ. બાકીના સમયમાં ધર્મ રહેતો નથી. મંદિર કે દેરાસરના પગથિયાં ઊતરતા ઘર સુધી પહોંચીએ ત્યાં તો ધર્મ ઓસરી જાય છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં ધર્મ રહેવો જોઈએ. ધર્મના સિદ્ધાંતોનું અનુશરણ થવું જોઈએ.

હાથમાં માળા અને મન બીજે ભટકતું હોય તો તેનો અર્થ શો છે? ધર્મ તરફ પ્રયાણ કરતા પહેલા જીવનને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. બાર ભાવનાનું ચિંતન એટલા માટે છે કે માણસ જીવનને સમજી શકે અને સુધારી શકે. માણસ મોટે ભાગે જીવનને સમજી શકતો નથી એટલે ધર્મને સમજવાનું મુશ્કેલ બને છે. જીવનને જેવું બનાવીએ તેવું બને છે. તેને જેવો આકાર આપીએ તેવો ઘાટ ઘડાય છે. પ્રેમ, દયા અને કરુણા એ જીવનના સ્ત્રોતો છે, તે જીવનને પારદર્શક બનાવે છે.

જૈન ધર્મમાં અહિંસા, સંયમ અને તપનું અનેરું મહત્ત્વ છે. અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે અને તપ તેનું તેજ છે. જૈન ધર્મમાં અહિંસાનો સૂક્ષ્મ સ્વરૂપે વિચાર કરવામાં આવ્યો છે. જગતના તમામ જીવો પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાની ભાવનાનો તેમાં ખ્યાલ કરાયો છે. જૈન ધર્મમાંથી અહિંસાને બાદ કરો તો કશું બચે નહીં. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘સર્વ જીવો પ્રત્યે આત્મભાવ રાખો. જેવું તમે તમારા માટે ઈચ્છો છો એવું બીજા માટે પણ ઈચ્છો.’ પ્રાણીમાત્ર સુખ ઈચ્છે છે. આ સુખનો ભાવ સ્વભાવગત છે. પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ જીવનના તત્ત્વો છે. તેનો સંયમપૂર્વક ઉપયોગ થવો જોઈએ. ‘ધમ્મસ મૂલં દયા’ દયા ધર્મનું મૂળ છે. અને ‘જીવ વહો અપ્પ વહો’ જીવવધ એ જાતનો વધ છે. હિંસાથી દૂર રહેવાનો આમાં બોધ છે. હિંસાથી બંધાતાં કર્મોનું દુ:ખ અપાર છે. દુનિયામાં દુ:ખ, અશાંતિ અને અજંપો છે. દુ:ખ, વ્યથા, પીડા અને યાતના વધતી જાય છે. સાચા અર્થમાં કોઈ સુખી નથી. આ બધાનું કારણ શું છે? મહાવીર કહે છે આ બધાં દુ:ખોનું મૂળ હિંસા છે. હિંસાના કારણે જગત પીડિત છે. દુનિયાનાં દુ:ખોને રોકવા હશે તો હિંસાને રોકવી પડશે. કોઈને મારી નાખવાથી જ માત્ર હિંસા થતી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ અને અહંકાર એ પણ હિંસા છે. મહાવીરે આ સૂક્ષ્મ હિંસા પર વિશેષ ભાર મૂક્યો છે. બહાર આપણને જે હિંસા દેખાય છે તે આ બધી સૂક્ષ્મ હિંસાઓનો આખરી વિસ્ફોટ છે. મહાવીર પ્રભુએ કહ્યું છે જાગૃતિથી ચાલો, બેસો, ઊંઘો, ખાવ, પીઓ, બોલો જેથી પાપકર્મો બંધાય નહીં. આમા સંયમની વાત છે. પ્રેમ, દયા, કરુણા અને અનુકંપા વગર દીક્ષા, ભિક્ષા, શિક્ષા, દાન, શીલ, તપ અને ધ્યાનનો કોઈ અર્થ નથી.

ભગવાન મહાવીરે કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એટલે અહિંસા, સંયમ અને તપ. આવો ધર્મ જે આચરે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. તપશ્ર્ચર્યા દેહશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે છે. તેનો મુખ્ય હેતુ આત્મકલ્યાણ છે. તેમાં ત્યાગની છૂટવાની ભાવના હોવી જોઈએ. માન, માયા, લોભ, ક્રોધ, આસક્તિ અને વાસનાનો સંપૂર્ણ ક્ષય થવો જોઈએ. તપ અને ત્યાગનો મૂળ ઉદ્દેશ રાગ અને દ્વેષ પર વિજય મેળવવાનો છે.

ધર્મમાં દેખાવના બદલે આચરણ મહત્ત્વનું છે. આચરણની સાથે અંતરાત્માને બદલવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ તેના કરતાં કેવા છીએ તે વધુ મહત્ત્વનું છે. આપણો અંદરનો આધાર જો પોલો હોય તો બહારનું આચરણ માત્ર દંભ અને ડોળ છે. દંભ વહેલો કે મોડો પ્રગટ થયા વગર રહેતો નથી. માણસનું અંદરનું અસ્તિત્વ ઠીક હશે તો બહાર તેવું ઉદ્ભવશે, પરંતુ અંદર મોહ, લોભ અને લાલસા હશે તો બહાર તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં. અંદર જે પડેલું છે તેને બહાર આવતા વાર લાગતી નથી.

ધર્મ એ જીવનનું ધારક બળ છે, પરંતુ ચારિત્ર એ પ્રાણ છે. ચારિત્રને, આચારને કોઈ કાળે ગૌણ ગણી શકાય નહીં. તેનું કાળજીપૂર્વક જતન થવું જોઈએ. આચાર વિનાના વિચારો ગમે તેટલા સમૃદ્ધ હોય તો પણ તેનાથી કોઈ અર્થ સરતો નથી. કોઈ પણ બાબત હોય આપણું જ્ઞાન સિમીત છે. ધર્મને જાણવાનું - સમજવાનું સરળ છે, પણ જીવનમાં ઉતારવાનું અતિ મુશ્કેલ. આપણે કેટલું બધું વાંચીએ છીએ, સાંભળીએ છે, સારું પણ લાગે છે, બીજાને શિખામણ પણ આપીએ છીએ પણ આપણા ખુદના જીવનમાં તે ઊતરતું નથી. માણસ ગમે તેટલો મોટો, સમર્થ અને શક્તિશાળી હોય પણ તેનામાં ચારિત્ર ન હોય તો તેની કોઈ કિંમત નથી. એવું જ્ઞાનની બાબતમાં છે. આજે માહિતી તો જોઈએ તેટલી મળે છે પણ જ્ઞાન મળતું નથી. જ્ઞાન એટલે સાચી સમજ અને આચરણ. ચારિત્ર અને વિવેક સાધનાના સ્થંભો છે. ધર્મનું સાચું અનુશરણ માણસને નિર્ભય બનાવે છે.

અહંકાર એ માણસનો સૌથી મોટો શત્રુ છે. ધન, પદ અને પ્રતિષ્ઠા સાથે અહંકાર આવતો જાય છે. માણસ જેમ ઊંચે ચડતો જાય તેમ તેને વધારે સંભાળવાનું હોય છે. ટોચ પર ગયા પછી સભાનતા ન હોય તો ગબડી પડતા વાર લાગતી નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર શત્રુઓ છે. ક્રોધ આવે છે ત્યારે સારા-નરસાનું ભાન રહેતું નથી. ક્રોધ ગાંડપણ છે, તેમાં ન કરવાનું કરી બેસાય છે. મહાવીર પ્રભુએ કહ્યું છે ‘કોહો પીઈ પણાસેઈ, માણો વિણયનાસણો ત્માયા મિતાણી નાસેઈ, લોહો સવ્વ વિણાસણો’ ક્રોધ પ્રીતિને નષ્ટ કરે છે. માન વિનયને નષ્ટ કરે છે, માયા મૈત્રીને નષ્ટ કરે છે અને લોભ બધાને નષ્ટ કરી નાખે છે.

ભગવાન મહાવીરે સાચા અર્થમાં મનુષ્ય બનવાનો અને પ્રેમપૂર્ણ જીવવાનો માર્ગ બતાવ્યો છે. સમય અને ક્ષેત્ર બે મહત્ત્વનાં તત્ત્વો છે. અભય ધર્મનો મૂળભૂત આધાર છે. સમગ્ર સંસાર સંયોગ છે. અનંત આત્માઓ છે અને આત્મા પરમાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે. જે સમય અને સંસારથી પર છે તેનું નામ સામાયિક છે. વિતરાગનો અર્થ છે ન રાગ, ન વૈરાગ. આ બંનેથી પર થવું એટલે મુક્તિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે. જ્યાં કોઈ જાતનું બંધન નથી. ન સુખનું, ન દુ:ખનું, ન દેહનું, ન મનનું. આ પરમ અવસ્થા છે. ધર્મ એ જીવનનું મંગલ છે, મુક્તિનો માર્ગ છે.

(આ સાથે બાર ભાવનાઓ પૂર્ણ)

No comments:

Post a Comment