Monday, May 2, 2016

રહસ્યમય બંદૂકધારીઓ! - ચંદ્રકાંત બક્ષી

સ્વાગતમ્ રહસ્યમય બંદૂકધારીઓ!

હિંદુસ્તાનમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓ જો ગુનેગારોને પતાવી નાખે તો? કદાચ ત્યાંની પ્રજાની જેમ અહીંની પ્રજા પણ ખુશ થાય! પણ આપણે અતિકાયદાબાજી, અતિલોકશાહી, અતિસ્વાતંત્રના પુરસ્કર્તા છીએ


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


હમણાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એક ખાનગી પ્રવચનમાં એક વાત કહી: દરેક વ્યવસાયની જેમ પોલીસમાં પણ હવે મધ્યવર્ગીય, શિક્ષિત, બુદ્ધિમાન જવાનો યુવા ઑફિસરો તરીકે આવી ગયા છે. એ લોકો ઘણી વાર પૂછે છે: સર, આવા તદ્દન ક્રિમિનલ, ખૂની, બદમાશ, બળાત્કાર કરનારા, ડાકુઓ, દાણચોરોને શા માટે આપણે બચાવતા રહીએ છીએ? એમને નાગરિક તરીકેના બુનિયાદી હક્કો પણ શા માટે? એ લોકો જેમને મારી નાંખે છે, રેઈપ કરે છે, લૂંટી લે છે એ કમનસીબ વ્યક્તિઓના અધિકારોની એમણે કોઈ દિવસ ચિંતા કરી છે? જેમણે અસહાય માણસો માટે કોઈ દયા બતાવી નથી અને જે સરાસર દેશદ્રોહીઓ છે એમને રાષ્ટ્રપતિ પાસે જીવતદાનની ભીખ માગવાનો કયો હક્ક છે અને આવા ગુનેગારો જે વારંવાર એ જ ગુના કરતા રહે છે એમને જીવતા રાખવાની જરૂર શું છે? સમાજને એ કઈ રીતે ઉપયોગી થવાના છે? અને સમાજને ખર્ચે એમને એક દિવસ પણ શા માટે જીવતા રાખવા જોઈએ?

આ પ્રશ્ન  કદાચ ઘણા સામાન્ય માણસોને પણ થાય છે... અને મારા જેવા સામાન્ય નાગરિકને પણ થાય છે! ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા સદીઓથી સ્વતંત્ર, શિક્ષિત, વિકસિત દેશોના કાયદાઓ આપણા જેવા વિકાસશીલ, રૂઢિચુસ્ત, અંશત: અશિક્ષિત દેશ માટે કેટલી હદ સુધી સંગત છે? ત્રીજા વિશ્વનો સમાજ અભાવ, ગરીબી, કુરિવાજોમાં પીડાતો હોય છે. અહીં ધનિક જ ગરીબનું શોષણ કરે છે એવો રોમૅન્ટિક વિચાર રાખવાની જરૂર નથી. અહીં એક પગથિયું ઉપર બેઠેલો ગરીબ પણ એક પગથિયું નીચે બેઠેલા ગરીબોનું શોષણ કરે છે! ગુનેગારને રોકવામાં કાયદો અને ન્યાયાલય કેટલાં સફળ થયાં છે? એક એવો વિચાર પણ બૌદ્ધિકોમાં પ્રવર્તી રહ્યો છે કે આ દેશમાં ક્રિમિનલ લૉ (ફોજદારી કાયદો) નિષ્ફળ ગયો છે...

ઈન્ડોનેશિયામાં થોડી વિચિત્ર ઘટનાઓ બની. ૨૧ મે, ૧૯૮૩ની સવારે રાજધાની જાકાર્તામાં કુખ્યાત ગુનેગારોના ગોળીબારથી વીંધાયેલાં શરીરો મળ્યાં. દરેક શરીર પર વીંછીની આકૃતિ કોતરેલી હતી. આ વીંછી ગૅંગના ભયાનક ગુનેગારનાં શરીરોના ફોટા છાપાંઓમાં છપાયા - નીચે લખ્યું કે "રહસ્યમય બંદૂકધારીઓ એ એમનો નિકાલ કરી નાખ્યો છે. જુલાઈની ૨૭મીએ માહિતીમંત્રી અલી મર્તોપોએ ઘટસ્ફોટ કર્યો - આ વ્યવસ્થિત ગૅંગનો સરકારે નિકાલ કર્યો છે! સુરક્ષા અને સલામતી મંત્રાલયે આ ભયાનક ગુનેગારોને ખતમ કર્યા છે. દેશમાં સ્વાભાવિક રીતે જ અસ્થિરતા આવી ગઈ સરકારે હુકમ બહાર પાડ્યો કે આ જાતની વ્યવસ્થા વિશે કે શરીરો વિશે કોઈ છાપું કંઈ જ છાપી શકશે નહીં. એક અફસરે કહ્યું: "ગુનેગારોથી નાગરિકોને બચાવવા એ અમારી જવાબદારી છે...! પોલીસ અને સૈન્યની આવી મૃત્યુટોળીઓ માટે જનતાની હમદર્દી અને તરફદારી હતી.

ત્યાંની લોકસભાના સ્પીકર અમીર મહમૂદે કહ્યું: ‘ઈન્ડોનેશિયાની જનતાની સુરક્ષા માટે જો સેંકડો ક્રિમિનલોને મારી નાખવામાં આવે તો કોઈ વાંધો નથી.’ અને રાષ્ટ્રીય ઈન્ટેલિજન્સના અધ્યક્ષ યોગ સુગામાએ ઉમેર્યું: ‘મહત્ત્વની વાત એ છે કે લોકો રાત્રે નિર્ભયતાથી ફરી શકે છે અને સુરક્ષા-સલામતી પાછાં આવ્યાં છે.’

ઈન્ડોનેશિયાની શિક્ષિત પ્રજા સરકારની પક્ષધર બની ગઈ. મોટરો અને દુકાનો પર સ્ટિકરો અને બેનરો આવી ગયાં: "સ્વાગતમ્ રહસ્યમય બંદૂકધારીઓ! બેરીટા બુઆના નામના પત્રમાં હેડલાઈન મૂકી: ‘ખતમ કરી નાખો!’ એક વિદેશી કૂટનીતિજ્ઞે કહ્યું: ‘અહીંનો કાયદો એટલો ધીમો અને ભ્રષ્ટ છે કે લોકો આ ખૂનોને માફ કરી દે છે.’

લોકોનો પૂરો ટેકો હતો. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ આદમ માલિકે કહ્યું: ‘આ રહસ્યમય ખૂનો સાથે હું સંમત નથી. આપણી પાસે ન્યાયાલયો છે. જરૂર હોય તો ગુનેગારોને સવારે પકડો, બપોરે ફાંસીનો હુકમ કરો અને સાંજે ફાંસી આપી દો. તો એનું મૃત્યુ કાયદેસર થશે. અત્યારે જે થઈ રહ્યું છે એ કાયદાની બહાર થઈ રહ્યું છે.’

એક પરિણામ એ આવ્યું કે ગુનાનો ગ્રાફ તદ્દન નીચે બેસી ગયો!

હમણાં અમેરિકામાં એક વિચિત્ર કેસ થયો. એક છોકરીને રેઈપ કરીને સખ્ત મારવા માટે ત્રણ બળાત્કાર કરનાર જવાનોને જજ વિક્ટર પાયલે સજા સંભળાવી: ત્રીસ વર્ષની જેલ! અને જો આ ત્રણે ગુનેગારો એમનાં શિશ્નો  કપાવી નાખવાની હા પાડે તો એમની ત્રીસ વર્ષની જેલ માફ! અમેરિકામાં આંતરયુદ્ધ અથવા સિવિલ વૉર થઈ એ પહેલાં કોઈ પણ કાળો ગુલામ ગોરી સ્ત્રી પર બળાત્કાર કરવાના જુર્મમાં પકડાતો તો એની ઈંદ્રિય કાપી નાખવામાં આવતી. આ સજાએ અમેરિકામાં ઘણાને ચમકાવી મૂક્યા છે!

તેર બાળકોમાં ત્રીજો જન્મેલો હેનરી બ્રિસ્બન કાળો નિગ્રો મુસ્લિમ છે. એણે છોકરીને પકડીને નગ્ન કરી. પછી? એની યોનિમાં બંદૂક નાખીને બંદૂકનો ઘોડો દબાવી દીધો! અસહ્ય યાતનામાં તરફડતી છોકરીને એણે જોયા કરી! પછી થોડી મિનિટો બાદ એને ગોળીએ મારીને ખતમ કરી. જજે એને ૧૦૦૦થી ૩૦૦૦ વર્ષની જેલ કરી! એક જ વર્ષમાં જેલમાં સૂપ હલાવવાના લાકડાના ચમચાની ધાર કાઢીને એણે એક કેદીનું ખૂન કર્યું. એ કેસ વખતે વકીલે કહ્યું: ફાંસીના ન્યાય માટે આ જીવતોજાગતો કેસ છે! આવા માણસોનું શું કરીશું?

અમેરિકામાં ઈલેક્ટ્રિક ખુરશીમાં બેસાડે છે. જલ્લાદ ચાર વખત શરીરમાંથી ઈલેક્ટ્રિક કરંટ પસાર કરાવે છે. આ વિદ્યુત ૨૦૦૦ વૉલ્ટ શક્તિની હોય છે. આંચકા સાથે બંધાયેલું શરીર ફાટતું હોય એમ ઊછળે છે. આંખોના ડોળા બહાર આવી જાય છે, પછી ફાટે છે, પછી મગજ શેકાઈ જાય છે...

હિંદુસ્તાનમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓ જો ગુનેગારોને પતાવી નાખે તો? કદાચ ત્યાંની પ્રજાની જેમ અહીંની પ્રજા પણ ખુશ થાય! પણ આપણે અતિકાયદાબાજી, અતિલોકશાહી, અતિસ્વાતંત્રના પુરસ્કર્તા છીએ. પણ નવી પેઢીના પોલીસ અફસરો પણ આવી ગયા છે, જે જાનના જોખમે ક્રિમિનલને પકડે છે અને જુએ છે કે એ ક્રિમિનલ જામીન પર છૂટી જાય છે, સજા થયા વિના છૂટી જાય છે, ફરીથી એ જ જૂનું કામ કરવા માંડે છે અને એ પોલીસ અફસરને ખતરામાં મૂકી શકે છે! ભારતમાં ‘એન્કાઉન્ટર’ કે ઝપાઝપી કે અથડામણમાં મરનારા ગુંડા ડાકુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કદાચ આપણા દેશમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓને સ્વાગતમ્ કહેવાના દિવસો આવી રહ્યા છે?

સો ગુનેગારો ભલે છટકી જાય પણ એક નિર્દોષ ફાંસીને માંચડે ન ચઢવો જોઈએ. એંગ્લો સેક્શન ન્યાયસિદ્ધાંત આજના હિંદુસ્તાનમાં કેટલે અંશે ઉચિત છે?

કદાચ ૧૯૮૪માં સો ગુનેગારો એક આખી સરકાર કે આખો સમાજ કે એક આખું અર્થતંત્ર હલાવી શકે છે... અને એક નિર્દોષની જિંદગી એટલી કીમતી રહી નથી!

No comments:

Post a Comment