Sunday, May 15, 2016

સાધના- મહેન્દ્ર પુનાતર

તપ અને સંયમ દ્વારા અંદર રહેલી સૂક્ષ્મ હિંસાને દૂર કરવી એનું નામ સાધના
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


ધર્મમાં તપ અને સંયમનું સવિશેષ મહત્ત્વ છે. તપ અને સંયમ દ્વારા વૃતિઓને અંકુશમાં રાખી શકાય છે. પણ આ માટે તપ શું છે તે સમજવું જરૂરી છે. માત્ર ઉપવાસ કરવાથી કે ભૂખ્યા રહેવાથી તપ થઇ જતું નથી. જો આને તપ ગણાતું હોત તો દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને ભોજન નસીબ થતું નથી તેઓ પણ તપસ્વી ગણાય. તપમાં ભોજનનો સ્વેચ્છાએ ત્યાગ કરવા ઉપરાંત વૃત્તિઓને અંકુશમાં રાખીને ધર્મ આરાધના કરવાની છે. આમાં દેખાવ નહીં પણ અંતરની ભાવના હોવી જોઇએ. ઉપવાસ કર્યા પછી કે તપ કર્યા પછી શું ઉપલબ્ધ થયું તેનું નિરીક્ષણ કરવાનું છે. તપ અને સાધના કર્યા પછી આપણામાં કશું પરિવર્તન ન આવે તો સમજવું કે આમાં કાંઇક કચાશ છે. આ તપ અને સંયમનો ભાવ બહારથી થોપેલો નહીં પણ આંતરિક હોવો જોઇએ. સંયમ સમજણના પરિપાકરૂપે મનુષ્યને સહજપણે ઉપલબ્ધ થાય ત્યારે તેમાં દિખાવટ રહેતી નથી. એ મનુષ્યનો સ્વભાવ બની જાય અને કામ, ક્રોધ, લોભ અને મોહ એની મેળે દૂર થઇ જાય. જે વસ્તુ ઉપરથી લાદવામાં આવે છે અથવા સમજ્યા વગર કરવા ખાતર કરવામાં આવે છે ત્યારે તેનું યથાર્થ પરિણામ ઊભું થતું નથી. જે વસ્તુને આપણે વધારે પડતી દબાવીએ તે મોકો મળતા વરાળની જેમ બહાર નીકળી જાય છે. તપ અને સંયમમાં હઠ, દબાણ કે આગ્રહ કામયાબ નિવડે નહીં. દબાણ અને દેખાવ હોય ત્યારે માણસ વિભાજિત થાય છે. બહાર અને અંદર જુદું હોય છે. બહાર માણસ ધાર્મિક દેખાય છે પણ અંદર પોકળ. કેટલાક લોકો પોતાની વૃત્તિઓને દાબી દેવામાં કુશળ હોય છે. આ જાતનો સંયમ લાંબો સમય ટકતો નથી. ઉપરથી માણસ અહિંસક દેખાય, પરંતુ અંદર હિંસાની આગ જલતી હોય. ઉપરથી માણસ શાંત અને વિનયી દેખાય પરંતુ અંદર ક્રોધ ભભૂકતો હોય તો સમય આવ્યે અને બહાનું મળતા અંદર રહેલી આ વૃત્તિઓ બહાર આવ્યા વગર રહેતી નથી. વૃત્તિઓને સમજણપૂર્વક સાધના દ્વારા દૂર કરી શકાય તેને દબાવી શકાય નહીં.

જેને સ્વયંનો આધાર ન હોય અને બીજાને સહારે રહેવાનું હોય તે વસ્તુ લાંબો સમય ટકતી નથી. અસત્યને પણ ટકી રહેવા માટે સત્યનો ચહેરો ધારણ કરવો પડે છે. તેમ અસંયમને ઊભા રહેવા માટે સંયમનું મોહરું પહેરવું પડે છે. સત્ય શબ્દોમાં નહીં ભાવમાં રહેલું છે. શબ્દો ગમે ત્યારે બદલાવી શકાય છે. વાતને છુપાવવી, સ્વાર્થ હોય ત્યારે સાચું બોલવું, બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ છે. જીવનમાં દંભ આવે છે ત્યારે સત્યનો અંચળો ઓઢીને અસત્ય ગોઠવાઇ જાય છે. મન જ્યારે વિભાજિત હોય ત્યારે સત્ય રહેતું નથી. સત્યનો પ્રભાવ છે એટલે સમાજ સાચા માણસોથી ડરે છે પણ આ માટે અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડે છે. પાપ પણ પુણ્યનો ચહેરો લગાવીને જીતે છે. આ સંદર્ભમાં આપણે હિંસાને સૂક્ષ્મ સ્વરૂપમાં જોવી પડશે. હિંસા સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર પ્રસરેલી છે. તે ક્રોધના રૂપમાં હોય, ધૃણાના કે તિરસ્કારના રૂપમાં હોય કે મોહ-માયાના આવરણ હેઠળ હોય. મનની અંદરના આ બધા કષાયો દૂર ન થાય ત્યાં સુધી આપણે સાચા અહિંસક બની શકીએ નહીં આપણે પ્રથમ આપણી અંદર રહેલી હિંસાને દૂર કરવી પડશે.

આ હિંસા દૂર થશે તો પ્રેમ એની મેળે પ્રગટ થશે. કોઇ પ્રત્યે દુર્ભાવ રહેશે નહીં. રાગ-દ્વેષ નાબૂદ થશે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. ઉપરથી તપ અને સંયમ હોય પણ અંદર સૂક્ષ્મ હિંસા રહેલી હોય તો તેનો કોઇ અર્થ નથી. હું અને તું છે ત્યાં સુધી હિંસા રહેવાની છે, આ મારું અને આ તારું છે ત્યાં સુધી વેરઝેર-ધૃણા અને તિરસ્કાર રહેવાનો છે. હિંસાના આ બધા ઇંધણો છે. આપણે કોઇને આપણા નહીં પણ બીજા સમજીએ ત્યાં સુધી અંદરની આ હિંસા દૂર થવાની નથી. બીજાને પોતાના સમજવાની જે ક્ષણો છે તે પ્રેમની ક્ષણો છે.

મનુષ્ય મોટે ભાગે પોતાના પર વધુ હિંસા કરતો હોય છે. માણસ પોતાની જાતને જેટલું દુ:ખ આપે છે, દમન કરે છે એટલું ભાગ્યે જ બીજા કોઇ સાથે કરે છે. માણસ ક્રોધ કરે છે બીજાને હેરાન કરવા માટે પણ ખૂદ પરેશાન થાય છે. કોઇને સતાવવા માટે આપણે રીબાવું પડે છે. કોઇને બંધનમાં રાખવા આપણે ગુલામ બનવું પડે છે. ક્રોધ શાંત બનીને થતો નથી. અંદરથી ઉકળવું પડે છે. અંદરથી જલન થાય છે ત્યારે આગ પ્રગટે છે. જે વ્યક્તિએ હિંસા પ્રત્યે જાગૃત થવું હોય તેણે પ્રથમ પોતાના પરની હિંસામાંથી બચવું પડશે. અંદરથી જ્યાં સુધી પરિવર્તન ઊભું નહીં થાય ત્યાં સુધી બહાર પ્રભાવ પડવાનો નથી. મોટાભાગના માણસો દંભનો અંચળો લગાવીને બેઠા હોય છે. માણસને સારા-સજ્જન દેખાવું છે પણ બનવુ નથી. પુણ્યશાળી બનવું છે પણ પાપ છોડવા નથી. દયા અને કરુણાનો સાચો ભાવ નથી. દુનિયાને બતાવવા માટે જે કાંઇ થાય તે સાચો ધર્મ નથી.

જીવનમાં કોઇ પણ વસ્તુ અતિ સારી નથી. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણે એવી રીતે જીવીએ કે આપણી હસ્તીનો ખ્યાલ ન આવે. આપણે કંઇક છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. બહાર દેખાવું છે એટલે દંભ અને દેખાવનો અંચળો ઓઢવો પડે છે. ધર્મ કહે છે જીવનમાં કોઇ પણ વસ્તુ અતિ સારી નથી. અતિ લાભ, અતિ ક્રોધ, અતિ ભોજન, અતિ નિદ્રા, અતિ ધન આ બધું ક્યાંય ને ક્યાંય દુ:ખ અને મુશ્કેલી ઊભી કરે છે. માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. આપણું મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એટલે ઘડીક દોસ્તી, ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ, ઘડીક ધૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમાની લાગણી અને ભાવો ઊભા થયા કરે છે. આપણું મન કોઇને શીખર પર ચડાવી દે છે તો કોઇને નીચે ગબડાવી મૂકે છે. મન બે અતિ વચ્ચે રહી શકતું નથી. મન અતિ પર હોય ત્યારે તણાવ ઊભો થાય છે અને મન અતિ પર હોતું નથી ત્યારે શાંતિ અને સ્થિરતા સર્જાય છે.

મહાવીર ભગવાનનો ઉપદેશ તમામ આયામોમાં સંતુલન જાળવવાનો છે. આ માટે તેમણે સમ્યક શબ્દનો ઉપયોગ કર્યો છે. સમ્યક વિહાર, સંમ્પર્ક વ્યાયામ, સમ્યક ભોજન, સમ્યક નિદ્રા અને જીવનની તમામ પ્રવૃત્તિ સમ્યક બની જાય તો સંતુલન ઊભું થાય. સમ્યકનો સીધો સાદો અર્થ છે કાંઇ વધુ નહીં, કાંઇ ઓછું નહીં, બધુ પ્રર્યાપ્ત. જીવનમાં જે કાંઇ બને તે સ્વાભાવિક રીતે બનતું રહે. બધી વસ્તુઓનો સ્વીકાર દુ:ખ આવે કે સુખ બંનેને સમાન આવકાર કોઇને પકડવાની કે છોડવાની વાત નહીં. અસ્તિત્વનો નિયમ છે જે વસ્તુને આપણે પકડી રાખીશું તે છટકી જશે અને જેેને દૂર કરવાનો પ્રયાસ કરીશું તે વળગી રહેશે. દુ:ખને ઓછુ કરવાનો એક સરળ ઉપાય છે તેનો સહજતાથી સ્વીકાર.

ધર્મ કહે છે તમે કેવું કરો છો તેનું મહત્ત્વ નથી પણ તમે કેવા છો તેનું મહત્ત્વ છે. તમારી પાસે શું છે તેનું નહીં પણ તમારુ આચરણ કેવું છે તેની મહત્તા છે. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણને ખબર ન પડે કે આપણે છીએ. આપણે છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. એટલે જ દરેક માણસને કહેવું પડે છે કે હું છું. મારી સામે જુઓ, મારી હસ્તીનો ખ્યાલ કરો. સંયમી માણસો બહાર દેખાતા નથી. તેમને કશું પ્રદર્શિત કરવાનું રહેતું નથી. તેઓ પોતાની જાતને સંકોરી લે છે.

જીવનમાં તપ, સંયમ અને સંતુલન હશે તો મન સ્થિર અને શાંત રહેશે અને કોઇ સમસ્યા આપણને પરેશાન કરી શકશે નહીં.

એક વખત એક સંત પાસે એક ભક્ત આવ્યો અને તેમના પગમાં પડી ગયો અને કહ્યું: આપ સાક્ષાત ભગવાનના અવતાર છો. આપની ચરણરજ લઇને અને આપના દર્શન કરીને હું ધન્ય થઇ ગયો છું. સંત પ્રશંસા સાંભળતા રહ્યા પણ કશું બોલ્યા નહી.

થોડીવાર થઇ ત્યાં બીજો માણસ આવ્યો. તેને કાંઇક વાકું પડ્યું હશે તેણે આવતાંની સાથે કટુ વચનો અને ગાળો ભાંડવા માંડી અને તે ગાળો આપતા થાકી ગયો એટલે ચાલ્યો ગયો. આ સમયે પણ સંત કશું બોલ્યા નહીં સાંભળ્યા કર્યું.

હાજર રહેલા ભક્તોએ સંતને કહ્યું : આ માણસ ગેમ તેમ એલફેલ બોલી ગયો અને તમે કશું બોલ્યા નહીં. આવો અભદ્ર વહેવાર તમે કેમ સાંખી લીધો

સંતે કહ્યું તેણે મારી સાથે કશો અનુચિત વહેવાર કર્યો નથી. તે ખાતું સરભર કરી ગયો. તેણે માત્ર બેલેન્સિંગ કર્યું છે. હમણાં એક માણસ મને પ્રભુના સાક્ષાત અવતાર કહી ગયો હતો. તેણે એટલી મારી પ્રશંસા કરી કે મારું સંતુલન ડગી ગયું હતું. આ માણસે તેને સરખું કરી નાંખ્યું છે. હવે આ બે માણસો આવ્યા પહેલાં હું જે હતો તે થઇ ગયો છું. ખાતું સરભર થઇ ગયું. મગજ પર હવે કોઇ ભાર નથી.

જિંદગીમાં સંયમ દ્વારા આવું સમતુલન કેળવવું જરૂરી છે. અતિ પરથી ઊતરી જઇએ અને મધ્યમ માર્ગ અપનાવીએ તો બધું સરળ છે. આ માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દૃષ્ટિ જોઇએ. મહાવીર આને સંયમ કહે છે. ધર્મ અને મુક્તિનો આ માર્ગ છે.

No comments:

Post a Comment