Monday, April 4, 2016

સંવર ભાવના - મહેન્દ્ર પુનાતર

ઈન્દ્રિયો બહારના અને ભીતરના જગતને જોડવાનો સેતુ
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


સંસારના મહાસાગરમાં બાર ભાવનાઓ દીવાદાંડીરૂપ છે, જે આપણને મુક્તિના માર્ગે જવાનો રાહ ચીંધે છે. આ ભાવનાઓનું સતત ચિંતન અને મનન નવી દૃષ્ટિ આપે છે અને જીવનમાં પરિવર્તન લાવે છે. આપણે સૌ મોહ-માયાનાં બંધનોમાં જકડાયેલા છીએ. આ બંધનમાંથી મુક્ત થવાનું એટલું સરળ નથી. પણ સાચી સમજ જો ઊભી થાય તો સાપની કાંચળીની જેમ આ બધા આવરણો એની મેળે દૂર થશે. આપણે બિનજરૂરી ભાર ઊંચકીને ફરી રહ્યા છીએ. મનથી મુક્ત થઈ જઈએ તો પણ રસ્તો મળી રહે. આ બાર ભાવનામાં જીવન જીવવાનો, સુખ અને શાંતિથી રહેવાનો ભગવાન મહાવીરે બતાવેલો માર્ગ છે. આમાં ધર્મ સાથે જીવન જોડાયેલું છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જાણ્યું કે માણસ ગમે તેટલો શક્તિશાળી અને તાકાતવર હોય પણ કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિથી આપણે બંધાયેલા છીએ. એકત્વ ભાવનાનો બોધ એ છે કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું નથી. અન્યત્વ ભાવનામાં એ સંદેશો મળ્યો કે અહીં આપણું પોતાનું નથી અશુચિ ભાવનામાં એ સત્ય સમજાયું કે કોઈ પણ વસ્તુ ગમે તેટલી સુંદર અને આકર્ષક હોય પણ આ ચમક લાંબો સમય ટકતી નથી. રૂપ અને ધનનું અભિમાન નકામું છે. બધું ર્જીણ થવાનું છે અને હાથમાંથી છટકવાનું છે. જે વસ્તુ આજે જેવી છે તેવી કાલે રહેવાની નથી. આસ્ત્રવ ભાવનામાં એ પ્રકાશ પડ્યો કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મો બંધાય છે અને કર્મો બધાને ભોગવવાં પડે છે. હવે આપણે સંવર ભાવના અંગે જાણવા પ્રયાસ કરીશું.

સંવરનો અર્થ છે બાહ્ય પ્રવૃત્તિમાંથી પરાવૃત થઈ આત્માભિમુખ થવું તે અને બીજો અર્થ છે સમેટવું, રોકવું, નિગ્રહ કરવો. આ ભાવનાના ચિંતનમાં આપણે બે બાજુઓનો ખ્યાલ રાખવાનો છે. એક સાંસારિક પ્રવૃત્તિ અને જીવનની આપાધાપીમાંથી ધીરે ધીરે મુક્ત થઈને આત્મા તરફ વળવાનું છે. બહારનું જગત છોડીને ભીતરમાં પ્રવેશ કરવાનો છે અને બીજું કર્મોને આવતા રોકી શકાય તે માટેની સાધનામાં, આરાધનામાં લીન બનવાનું છે.

આપણે અગાઉ જોયું કે ઈન્દ્રિયોને વશ રાખવાથી અને તેના પર વિજય મેળવવાથી કર્મોને આવતા રોકી શકાય છે. ઈન્દ્રિયો દ્વારા જ કર્મો બંધાય છે. મૂળ વાત એ છે કે ઈન્દ્રિયો પર અંકુશ કઈ રીતે મેળવી શકાય? ઈન્દ્રિયો સામે લડવાનું નથી, પણ તેનાથી ઉપર ઉઠવાનું છે. દરેક ઈન્દ્રિય સાથે મન જોડાયેલું છે. મનના કારણે રસવૃત્તિ વધે છે. માત્ર ભોજનના ત્યાગથી રસનો પરિત્યાગ નહીં થાય અને તેમાં પરાણે કરવાનું હશે કે મન વગર દમનથી કરવાનું હશે તો કદાચ પહેલા કરતાં રસવૃત્તિ વધશે. અકસર એવું બને છે જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે જ ભોજનનો વધુ ખ્યાલ આવે છે. જે કાંઈ નથી કરવાનું તેની વારેવારે યાદ આવે છે. વિપરીતમાં વધુ રસ અને આકર્ષણ હોય છે. માત્ર ભોજનનો નહીં, પરંતુ તેના રસનો પણ ત્યાગ કરવાનો છે.

આવી જ રીતે માત્ર આંખો બંધ રાખવાથી અર્થ સરવાનો નથી. માણસ બંધ આંખે પણ ઘણું ન જોવાનું જોઈ શકે છે અને તેનો આનંદ માણી શકે છે. આપણે મન અને કલ્પના દ્વારા વિચારના ઘોડાઓ દોડાવીએ છીએ અને ઘણું બધું જે હકીકતમાં આપણે જોઈ શકતા નથી તે જોઈએ છીએ. કાન બંધ રાખવાથી ન સાંભળવા જેવી વાત સંભળાવાની નથી એવું નથી. મન દ્વારા પણ ઘણું ઈચ્છિત સાંભળી શકાય છે અને મનના રંગો પૂરી શકાય છે. મન દ્વારા સ્પર્શનો પણ અનુભવ કરી શકાય છે. બધી ઈન્દ્રિયોની બાબતમાં આવું છે તેના પર દમન કરીને કે પડદો લગાવીને તેને આપણે રોકી શકીશું નહીં. જ્યાં સુધી અંદરનો રસ ખતમ નહીં થાય અને જ્યાં સુધી મન જોડાયેલું હશે ત્યાં સુધી તેને અટકાવી શકાશે નહીં. મન વિપરીતમાં રસ લેતું હોય છે. તમે તેને કહો કે આ નથી કરવાનું તો તેને તેમાં વધુ રસ જાગે છે. કોઈ આપણને કહે કે આ વસ્તુ ખાવાની નથી તેની બાધા લઈ લો તો આકરું થઈ પડશે. અમસ્તા તો આપણે ભાગ્યે જ એ વસ્તુ ખાતા હોઈએ પરંતુ એ વસ્તુ પર નિષેધ થયો એટલે એમાં અચાનક રસ જાગૃત થશે. ઈન્દ્રિયોને વશમાં રાખવા માટે હઠ, આગ્રહ, દમન કામ નહીં આવે. માત્ર સંયમ, જ્ઞાન અને સમજ દ્વારા આ સિદ્ધ થઈ શકશે.

દરેક ઈન્દ્રિયો આપણને કોઈ ને કોઈ વસ્તુ સાથે જોડે છે તે કનેક્ટિંગ લિંક્સ છે. તે જોડવાનો સેતુ છે. આંખની ઈન્દ્રિય દૃશ્ય સાથે જોડે છે. કાનની ઈન્દ્રિય ધ્વનિ સાથે જોડે છે. જે ઈન્દ્રિયો બહારના જગત સાથે જોડે છે તે ભીતરના જગત સાથે પણ માણસને જોડી શકે છે. દરેક ઈન્દ્રિય ભીતરમાં ઊતરવાનું દ્વાર છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સંયમ અને તપ દ્વારા ઈન્દ્રિયોને યોગ્ય માર્ગે વાળી શકાય છે.

ઈન્દ્રિયો પર અંકુશ મેળવવાનો એક સરળ રસ્તો એ છે કે આપણે એ જાણવું જોઈએ કે આપણી સૌથી મોટી કમજોરી કઈ છે. કઈ ઈન્દ્રિયને આપણે વધુ પડતા વશ છીએ. આપણે આપણી આ નબળાઈને બરાબર સમજીએ તો વિધાયક સંયમ દ્વારા આ કમજોરીને શક્તિમાં રૂપાંતરિત કરી શકીએ. મોટું નિશાન સર કર્યા પછી બીજા નાનાં નિશાનોને સર કરવાનું સહેલુ થઈ પડશે. એટલે આપણને જેમાં સૌથી વધુ રસ હોય તેને સંયમ દ્વારા સમજપૂર્વક નિયંત્રિત કરીએ તો એક અનોખી ઊર્જા ઊભી થશે અને આ ઊર્જા સંયમના માર્ગે જવામાં સહાયભૂત થશે. રસ્તો એક જ છે પણ દિશા બદલાઈ જાય છે. જે વૃત્તિઓ બહાર ભટકે છે તે ભીતરમાં શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. બહાર જવાનું અને અંદર જવાનું દ્વાર એક જ છે. જે દ્વાર આપણને બહાર લઈ જાય છે તે અંદર જવા માટે પણ કામમાં લઈ શકાય છે. બહુ બહાર ચાલી ગયા પછી હવે પાછા ફરવાનું છે. ઈન્દ્રિયો આપણને બહારથી પદાર્થ સાથે જોડે છે અને અંદરથી ચેતના સાથે જોડે છે. શરીર પદાર્થ છે અને સંકલ્પ ચેતના.

એક ઈન્દ્રિય બીજી ઈન્દ્રિયનું અનુસરણ કરે છે. એક ઈન્દ્રિય ઠીક દિશામાં જતી હશે તો બધી ઈન્દ્રિયો તે તરફ વળશે. એક ઈન્દ્રિય સંયમ તરફ વળશે તો બાકીની બધી ઈન્દ્રિયો અસંયમ તરફ જવામાં અસમર્થ બની જશે. જે શ્રેષ્ઠ હોય છે તે હંમેશા શક્તિશાળી હોય છે અને તે બીજાને આકર્ષે છે. એક દીવો પ્રગટશે તો બધા દીવાઓ પ્રગટી જશે. જે ઈન્દ્રિય વધુ શક્તિશાળી હોય અને જેનાથી આપણે પરેશાન હોઈએ તેનાથી આ અંગે શરૂઆત કરવી પડશે. ભોજનમાં વધુ રસ હોય તો ઉપવાસથી શરૂઆત કરવી પડશે. વધુ પડતો લોભ અને પરિગ્રહ હોય તો ત્યાગ અને અપરિગ્રહથી શરૂઆત કરવી પડશે. વધુ પડતી વાસના હોય તો તે અંગેના સંયમથી શરૂઆત કરવી પડશે અને ધીરે ધીરે સમજપૂર્વક આમાંથી મુક્ત થવાનું રહેશે. આપણે આપણી નબળી કડીને શોધી લેવી જોઈએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આપણું સમગ્ર જીવન આપણા મનનું પરિણામ છે. આપણે ક્રોધથી છુટકારો મેળવવા માગીએ છીએ. રાગ-દ્વેષ અને મોહ દૂર કરવા ઈચ્છીએ છીએ, પણ તેને ભૂલી શકતા નથી એટલે સતત તે વસ્તુ આપણા મનમાં રહે છે. ખોટાને તોડવા અને દૂર કરવાની ઉતાવળ કરતા સાચાને પકડવાની કોશિશ કરવી જોઈએ. સાચું પકડાઈ જશે તો ખોટું એની મેળે દૂર થઈ જશે. સંસાર પ્રત્યે વિરક્ત બનવાની સાથે પરમાત્માને પામવાની કોશિશ થવી જોઈએ. ત્યાગની સાથે રાગની પકડ ઢીલી થવી જોઈએ. મનમાંથી મોહ દૂર ન થાય તો ત્યાગ વ્યર્થ બની જશે. મન જો ત્યાગી બની ગયું તો સંસારમાં રહેવા છતાં તમે સાધુ છો. ક્રોધ અને શાંતિ, પ્રેમ અને ઘૃણા, રાગ અને દ્વેષ, વાસના અને સંયમ, સારું અને ખરાબ બંને એકસાથે રહી શકે નહીં. કોઈ એકમાં શક્તિ કામે લાગે છે ત્યારે બીજામાં વિસર્જિત થાય છે. બેમાંથી એકને છોડવું પડે. સારું સ્વીકારીએ તો નઠારું છૂટી જશે. એક સદ્ગુણ આવી ગયો તો બીજા સદ્ગુણો આવવા શરૂ થશે. જે વસ્તુ પ્રબળ હશે તે બીજી નબળી વસ્તુઓને હટાવી દેશે. સાધના માટે ભીતરમાં ઊતરવા માટે શરીરશુદ્ધિની જેમ મનશુદ્ધિ પણ જરૂરી છે. મનની વ્યાકૂળતાનું કારણ મનની અંદર રહેલા વિકારો છે.

પ્રભુ મહાવીરે કહ્યું છે કે શત્રુ બહાર નથી. બહારના શત્રુઓથી ડરવાની જરૂર નથી. જે કોઈ ભયભીત થવા જેવું છે તે અંદર છે. આપણી વાસના અને વિકાર જ આપણા શત્રુઓ છે. સંવર ભાવનાનું ચિંતન આપણને આત્માભિમુખ બનાવે છે અને કર્મોને આવતા અટકાવવા માટેની શક્તિ ઊભી કરે છે.

(હવે પછી નિર્જરા ભાવના)

No comments:

Post a Comment