Saturday, April 16, 2016

નીતિકથાઓ- ચંદ્રકાંત બક્ષી,

મહાસાર: નીતિકથાઓથી રાજાઓમાં પણ અક્કલ આવી જાય છે
નીતિકથા અથવા ઉદાહરણથી સત્યને સમજવું સરળ પડે છે. સત્ય વિકટ છે, સૂર્યના પ્રકાશની જેમ એની છાયાઓ બદલાતી રહે છે, માટે જ સત્યના સાધકે અહર્નિશ સતર્ક રહેવું પડે છે. આ સાધના માટેનાં ઉપકરણો કે સાધનો પર અંધવિશ્ર્વાસ રાખી શકાતો નથી


ચંદ્રકાંત બક્ષી - બક્ષી સદાબહાર


એક જૈન નીતિકથા છે. છ આંધળા માણસો હાથીને સ્પર્શ કરીને પોતપોતાના પ્રતિભાવ આપે છે. એકને હાથીના કાન પંખા જેવા લાગે છે અને એ કહે છે કે હાથી પંખો છે. પગને પકડનાર માને છે કે હાથી એક થાંભલો છે. દરેકનું સત્ય સત્ય જરૂર છે પણ અનુભવસિદ્ધ સત્ય છે અને અહીં સિદ્ધનો અર્થ આધારિત છે, પ્રમાણિત નથી. અહીં સત્યની આંતર-વિરોધતાઓ નથી પણ મેઘધનુષ્યના બે રંગોની પૂરક વિરોધિતાઓ છે. બે વિરોધિતાઓ એક જ સત્યના ઘટક અંશો હોઈ શકે.

નીતિકથા અથવા ઉદાહરણથી સત્યને સમજવું સરળ પડે છે. સત્ય વિકટ છે, સૂર્યના પ્રકાશની જેમ એની છાયાઓ બદલાતી રહે છે, માટે જ સત્યના સાધકે અહર્નિશ સતર્ક રહેવું પડે છે. આ સાધના માટેનાં ઉપકરણો કે સાધનો પર અંધવિશ્ર્વાસ રાખી શકાતો નથી. કારણ કે દરેક સાધન સાધ્યને લક્ષ્યમાં રાખીને જ વાપરી શકાય છે. આ ગહન વાત ઉદાહરણથી સમજવી પડશે. જે ઉપકારક છે એ જ અપકારક બની શકે છે, માર્ગદર્શક છે એ માર્ગભક્ષક બની શકે છે. સનાતન શબ્દના રંગ બદલાતા જાય છે. જે આજે, અત્યારે કામનું છે એ આ પછીની ક્ષણે અને બદલાયેલી જરૂરિયાતના પ્રકાશમાં માત્ર નકામું નહીં પણ નુકસાનકારક પણ બની શકે છે.

આ વાત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને એક બૌદ્ધ જાતકકથા દ્વારા સરસ રીતે સમજાવી છે. સત્ય સમજાવવા માટે ભગવાન બુદ્ધે નૌકાનું દૃષ્ટાંત આપ્યું હતું. એક માણસ એક નદી પાસે આવ્યો. નદીમાં રેલ આવી હતી. માણસે કિનારે પડેલી હોડી છોડી અને હોડીની સહાયથી એ નદી પાર કરી ગયો. એ બુદ્ધિમાન માણસ નદી ઓળંગીને કિનારે ઊતર્યો પછી એણે વિચાર કર્યો કે આ હોડી કામની વસ્તુ છે માટે એણે હોડીને ખભે ઉપાડીને વનમાર્ગ પર ચાલવા માંડ્યું. જે હોડી પાણીમાં સહાયક હતી એ હોડી જમીન પર અવરોધક હતી. માણસ થાકી ગયો. સાર એ છે કે બુદ્ધિમાન માણસ વસ્તુ જ્યારે અનુપયોગી થાય છે ત્યારે એનો ત્યાગ કરી નાખે છે. ક્યારેક બુદ્ધિ સ્વયં ભારરૂપ બની જાય છે.

ડૉ. રાધાકૃષ્ણને મજ્ઝિમ-નિકાયમાંથી એક શ્ર્લોક પણ ટાંક્યો છે: શાસ્ત્રાણિ અભ્યાસ્ય મેધાવી જ્ઞાનવિજ્ઞાન તત્પરા:/ પલાલમ ઈવ ધ્યાન્યાર્થી ત્યજેત ગ્રંથાન અશેષત:...! આ શ્ર્લોકનો ભાવાર્થ: જ્ઞાની માણસ શાસ્ત્રોનો અભ્યાસ એનો તત્ત્વાર્થ સમજવા માટે કરે છે, (અને એ પ્રાપ્ત કર્યા પછી) એ પુસ્તકો ફેંકી દે છે, જેવી રીતે ધાન્ય શોધનારો કાંકરા ફેંકી દે છે...! એટલે મહત્ત્વની વસ્તુ પુસ્તકો નથી, પણ એ પુસ્તકોમાં સંચિત જ્ઞાન છે.

ઉદાહરણોમાં એ કમાલ છે કે ગહનમાં ગહન વાતને એ સરળતાથી પ્રસ્તુત કરી શકે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મકથાઓમાં અનેકાનેક ઉદાહરણો પડ્યાં છે, જે ભારતવર્ષની સામૂહિક પરંપરા છે. ઘણાં ખરાં પ્રાચીન ઉદાહરણો મનુષ્યલક્ષી અને જીવનલક્ષી છે. જે વાત એક વાક્યમાં સમજાતી નથી એ વાર્તા દ્વારા કહેવાય છે.

ઘણી વાર જંતુઓ કે પ્રાણીઓનાં દૃષ્ટાંતો આપીને મનુષ્ય સ્વભાવની ક્ષતિઓ તરફ નિર્દેશ કરવામાં આવે છે. એક પ્રખ્યાત પ્રસંગ છે. એક મધુમાખી ખીલેલા કમળમાં બેસીને મધ ચૂસી રહી હતી, એ પ્રવૃત્તિમાં એ એટલી મગ્ન થઈ ગઈ હતી કે એ ધ્યાન રહ્યું નહીં કે કમળની પાંદડીઓ રાત્રે બંધ થઈ જશે અને એ અંદર બંધ થઈ જશે. અંતે હાથીઓનું એક ટોળું આવ્યું અને એક હાથી સૂંઢથી કમળ તોડીને ગળી ગયો. મધમાખી આશા રાખતી હતી કે પ્રાત: થશે અને કમળ ખૂલશે એટલે હું ઊડી જઈશ.

એક ધર્મિષ્ઠ માણસ પાણીમાં સ્નાન કરતો હતો અને એણે પાણીની સપાટી પર એક તરફડતો વીંછી જોયો. ધર્માત્માએ હાથથી વીંછીને ઉછાળીને કાંઠા પર ફેંક્યો પણ એટલી વારમાં વીંછી એને કરડી ગયો. જ્યારે કોઈએ ધર્માત્માને પ્રશ્ર્ન કર્યો ત્યારે એણે ઉત્તર આપ્યો: બંનેએ પોતપોતાનો ‘સ્વધર્મ’ કર્યો છે!

એક સ્થળે ઈશ્ર્વરને કરોળિયા સાથે સરખાવવામાં આવે છે. ઈશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. કરોળિયો અત્યંત સૂક્ષ્મ તારોથી એના વિશ્ર્વનું સર્જન કરે છે અને એ તાર એની પોતાની નાભિમાંથી ખેંચીને કાઢે છે.

વરસાદની હેલી થાય છે અને એકાએક કરા પડે છે. ગરમીથી ત્રાસેલો સર્પ બહાર નીકળે છે અને નાના નાના કરાઓ ગળતો જાય છે. આ આનંદનું રહસ્ય સમજવા એ અસમર્થ છે. કરા શરીરમાં ભરાઈ જવાથી થોડી જ મિનિટોમાં સર્પનું મૃત્યુ થાય છે. ઈશ્ર્વરી સુખ દ્વારા મૃત્યુ આકાશમાંથી વરસાવી શકે છે.

સ્ત્રી વિશે એક નાની વાર્તા છે. એક રાજા જંતુઓની ભાષા સમજતો હતો. રાજારાણી બેઠાં હતાં અને બે કીડીઓ વાતો કરતી હતી. કીડીઓની વાતો સાંભળીને રાજા હસી પડ્યો. રાણીએ વાત જાણવા માટે હઠ પકડી. રાજા પર અભિશાપ હતો કે જો એ આ ભાષાની જાણેલી વાત બીજાને કહેશે તો એનું માથું ફાટી જશે. આ વાત સમજાવવા છતાં રાણીની જીદ ચાલુ રહી ત્યારે રાજાના સલાહકારોની સલાહથી રાજાએ રાણીનો ત્યાગ કર્યો. આ નીતિવાર્તાને અંતે કહેવામાં આવ્યું છે કે લીમડાના વૃક્ષને ગોળનું ખાતર નાખો અને રોજ બાટલીઓ ભરીને મધ પાઓ તો પણ એ મીઠું ફળ આપશે નહીં.

મનુષ્યજીવન કેવું છે? મનુષ્યજીવન વિશે ઘણા પ્રકારનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. મનુષ્ય ગીચ વનમાં ઘેરાયેલા હરણ જેવો છે. પાણી માટે પ્યાસો છે. જમણી તરફ જુએ છે તો એક પારધી (શિકારી) શરસંધાન કરી ઊભો છે. ડાબી તરફ એવા વાઘ એના પર છલાંગ મારવા તૈયાર છે. સામે બળતા વનનો દાવાનળ પાસે આવી રહ્યો છે. પણ એકાએક વીજળીના ચમકારા, આકાશમાં ગડગડાટ અને જોરથી વૃષ્ટિ થાય છે. પારધી એનું નિશાન ચૂકી જાય છે, વાઘ ભયથી ભાગી જાય છે, આગ ઠરી જાય છે - અને હરણને પીવાનું પાણી મળી જાય છે! મનુષ્યજીવન પણ સર્જનહારની લીલા છે.

મનુષ્યશરીર એક નગર છે અને એનાં ૧૧ દ્વારો છે. ગીતામાં શરીરનાં ૯ દ્વારો વિશે ઉલ્લેખ થયો છે. નીચ આત્માઓ શરીરના નિમ્ન ભાગોમાંથી દેહત્યાગ કરે છે અને ઉચ્ચ આત્માઓ શરીરના ઉપરી ભાગોમાંથી દેહત્યાગ કરે છે. પણ મનુષ્યને બંને તરફથી બળતા લાકડાના પાટડાની વચ્ચે દોડી રહેલી કીડી સાથે સરખાવવામાં આવ્યો છે. મનુષ્યને રેલ આવેલી નદીમાં તણાઈ રહેલા શિયાળ સાથે સરખાવ્યો છે. બીજું એક દૃષ્ટાંત એવું છે કે સુખનો એક મહેલ છે, એમાં એક કક્ષ છે અને એ કક્ષમાં મનુષ્ય નિવાસ કરવાનો છે. અહીં બધું જ છે અને કક્ષમાં એક ફણીધર નાગ પણ રહે છે!

એક સૂચક ઉદાહરણ સોબત વિશે છે. વરસાદનું ટીપું લાલઘૂમ લોખંડ પર પડે છે અને એક ક્ષણમાં વરાળ બનીને ઊડી જાય છે. વરસાદનું ટીપું કમળના પાંદડા પર પડે છે અને એ જ રીતે પડ્યું રહે છે. વરસાદનું ટીપું જો છીપના પેટમાં પ્રવેશ કરે છે તો એમાંથી મોતી બને છે. એક જ ટીપું છે પણ પરિણામ, ભિન્ન ભિન્ન છે. વ્યક્તિ જેની સાથે સંબંધ રાખે છે એવું એનું સ્વરૂપ થાય છે, સોબત તેવી અસર કહેવત સાથે આ દૃષ્ટાંતને સંબંધ છે. ભજગોવિન્દમ્ આદ્ય શંકરાચાર્યે પણ ઉચ્ચ આત્માઓ સાથે સંબંધ પર ભાર મૂક્યો છે.

જ્ઞાન અને વ્યવહાર વિશે થોડાં ઉદાહરણો છે. ત્રણ પંડિતો વનમાંથી આવી રહ્યા હતા અને એમની સાથે એક અશિક્ષિત માણસ હતો. માર્ગમાં એમણે એક મરેલો વાઘ જોયો. પંડિતોએ કહ્યું કે અમે મંત્રોચ્ચારથી આ મૃત પ્રાણીને જીવિત કરી શકીએ છીએ! મંત્રો ઉચ્ચારીને પંડિતોએ વાઘને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું ત્યારે અશિક્ષિત માણસ ઝાડ પર ચડી ગયો. વાઘ જીવતો થયો અને પંડિતોને ખાઈ ગયો. વ્યવહારશૂન્ય જ્ઞાન અને વ્યવહારકુશળ જ્ઞાનમાં ભેદ છે.

એક વાર એક નૌકામાં એક વિદ્વાન નદી ઓળંગી રહ્યો હતો. એણે નૌકાના ચાલક નાવિકને પૂછ્યું: તું શાસ્ત્ર ભણ્યો છે? ગ્રામીણ નાવિકે ના પાડતાં વિદ્વાને કહ્યું: તારું જીવન વ્યર્થ ગયું! મધ્ય નદીમાં તોફાન ઊઠ્યું. નાવ ડોલંડોલ થઈ ગઈ અને બંને પાણીમાં પડ્યા. નાવિકે વિદ્વાનને પૂછ્યું: આપને તરતાં આવડે છે? તરફડિયાં મારતાં વિદ્વાને ઉત્તર આપ્યો: ના! અને ગ્રામીણ નાવિકે કિનારા તરફ તરતાં તરતાં કહ્યું: આપનું જીવન વ્યર્થ ગયું!

કથાસાર દ્વારા ઘણી વસ્તુઓ બહુ સચોટ રીતે કહી શકાય છે. ધર્મગુરુઓનું આ એક અમોઘ શસ્ત્ર છે. એક સાપને કરંડિયામાં પૂરીને કરંડિયો બંધ કરી દેવામાં આવ્યો. એટલામાં એક ઉંદર આવ્યો. કરંડિયામાં કંઈક હશે એમ સમજીને એણે કાણું પાડ્યું અને અંદર પ્રવેશવા ગયો. સાપ ઉંદરનો ભક્ષ કરી ગયો અને એને કરંડિયામાંથી બહાર નીકળી જવાનો માર્ગ પણ મળી ગયો. ઈશ્ર્વર જ્યારે ધ્યાન રાખે છે ત્યારે મનુષ્યનું ભાગ્ય પણ આ રીતે ચાલે છે.

સ્ત્રી-સહવાસ વિશે એક બોધકથા છે. એક સુચ્ચરિત્રા સ્ત્રી હતી અને એનો પતિ વિદેશ ગયો હતો. રાજા આ સ્ત્રીના મોહમાં પડ્યો અને એના ઘરમાં આવી ગયો. સ્ત્રી પરિસ્થિતિનું ગાંભીર્ય સમજી ગઈ. એણે રાજાનો આદર કર્યો અને એક કપમાં વ્યંજન ખાવા આપ્યું. પછી ફરીથી એવા જ બીજા કપમાં એ જ વ્યંજન આપ્યું, આ રીતે એક પ્રકારના કપો બદલાતા ગયા પણ વ્યંજન એ જ રહ્યું. રાજાને પહેલી વાર ભાવ્યું પણ પછી એની એ જ વાનગી આવતી થઈ એટલે અરુચિ થઈ ગઈ. રાજાએ જ્યારે સુચ્ચરિત્રા સ્ત્રીને આ અરુચિનું કારણ પૂછ્યું ત્યારે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે ઈંદ્રિયસુખની એક જ પ્રકૃતિ છે, ફક્ત વાસણો બદલાય છે. માટે સુખ ઝડપથી ક્રમશ: ઓછું થતું જાય છે અને તરત અરુચિ થઈ જાય છે...! સાર: રાજા સમજી ગયો..!

મહાસાર: નીતિકથાઓથી રાજાઓમાં પણ અક્કલ આવી જાય છે!

No comments:

Post a Comment