Sunday, April 24, 2016

બોધિદુર્લભ ભાવના- મહેન્દ્ર પુનાતર

મનુષ્ય જીવન દુર્લભ: સ્વયંને જાણ્યા વગર સિદ્ધિ નથી

જીવનમાં આપણને જે કાંઇ મળ્યું છે તેનો બોધ થવો જોઇએ. આપણા દુ:ખનું મુખ્ય કારણ એ છે કે જે મળ્યું છે તેમાં સંતોષ નથી અને જે નથી મળ્યું તે આંખમાં કણાની માફક ખટકે છે. ભવિષ્યના સુખની કલ્પના અને જે નથી મળ્યું તેના વલોપાતમાં માણસ આજનું સુખ ગુમાવી રહ્યો છે


જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓના ચિંતનથી સમ્યકત્વ જ્ઞાન, સમ્યકત્વ દર્શન અને સમ્યકત્વ ચારિત્રની દિશામાં પ્રયાણ કરી શકાય છે. સાચી સમજ, સાચુ જ્ઞાન અને સાચુ દર્શન માણસના જીવનને પરિવર્તિત કરે છે. અજ્ઞાનના કારણે માણસ અંધારામાં રહ્યો છે. એટલે બુદ્ધ પુરુષોએ જ્ઞાન પર ભાર મૂકયો છે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં પણ સાચી સમજણ અને આત્મદર્શન. માણસ સારું કરવા ઈચ્છતો હોય પણ કેમ કરવું તેની સમજ ન હોય તો સારાને બદલે ખરાબ થઇ જાય. શુભને બદલે અશુભ થઇ જાય. આ સંસારમાં મનુષ્ય જન્મ ધારણ કરીને કર્મો કરતો રહે છે. ધર્મ નિરંતર થયા કરે છે. શુભ કર્મો શુભ તરફ અને અશુભ કર્મો અશુભ તરફ લઇ જાય છે. માણસ જેવી ભાવના ભાવે તેવું પરિણામ મળે છે. થોર વાવીને ગુલાબની અપેક્ષા રાખી શકાય નહીં. સમગ્ર જીવન કર્મને આધિન છે.

આ સંસારમાં કોઇ સુખી છે. કોઇ દુ:ખી, કોઇ રાજા, કોઇ રંક, કોઇ સ્વામી, કોઇ દાસ, કોઇ સેંકડોનું પાલન કરી શકે, તો કોઇ પોતાનું પેટ પણ ન ભરી શકે, કોઇ રોગી, કોઇ નિરોગી, કોઇ વગર મહેનતે સફળતા હાંસલ કરે તો કોઇ સખત મહેનત કરવા છતાં સિદ્ધિ કે સફળતા હાંસલ ન કરી શકે. આ વિચિત્રતાનું કારણ શું છે? ધર્મ કહે છે આ બધી વસ્તુઓ જેના પરિણામથી થાય છે તેને પાપ અને પુણ્ય કહે છે. ખરાબ કર્મોથી ખરાબ અને સારા કર્મોથી સારું થાય છે. કેટલીક વખત સારુ કરવાવળાં માણસને પણ દુ:ખો અને કષ્ટો વેઠવા પડે છે તેનું કારણ શું? તો ધર્મ કહે છે આ પૂર્વ જન્મોના કર્મો છે. મનુષ્ય મન, વચન અને કાયાથી જે કાંઇ પણ ક્રિયા કરે છે તેના પરિણામ સ્વરૂપ શુભ અને અશુભ કર્મો ઉત્પન્ન થાય છે. આ બધી બાબત ગહન છે. માત્ર આપણે એટલું સમજીએ જીવનમાં સારું કરીએ, સારા ભાવો રાખીએ તો બધુ છેવટે સારું જ થવાનું છે. આ બાર ભાવનાનું ચિંતન આપણને શુભ અને સકારાત્મક વિચારો તરફ લઇ જાય છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુઓ નાશવંત છે. કાયમી રહેવાની નથી. અશરણ ભાવનામાં એ ખ્યાલ કર્યો કે અહીં કોઇનું શરણ કામ આવતું નથી. જીવનમાં જે કાંઇ બનવાનું છે તેનાથી આપણને કોઇ ઉગારી શકવાનું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે અહીં રાગદ્વેષ છે, તારુ-મારુ છે. ઇર્ષા, અદેખાઇ અને આપાધાપી છે. એકત્વ ભાવનામાં એ સમજણ મળી કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. અન્યત્વ ભાવનામાં બોધ થયો કે અહીં કોઇ આપણું નથી. આપણે જેને આપણા પોતાના માનીએ છીએ તેઓ પણ આપણા નથી. સ્વાર્થનો આ સંઘર્ષ છે. આ સત્ય છતાં માણસે સૌને પોતાના માનીને તેમની સાથે સારો વ્યવહાર કરવો અને બીજાનું દુ:ખ આપણું પોતાનું છે એમ માનવું. અશુચિ ભાવનામાં એ જાણ્યું કે દરેક વસ્તુ વહેલી મોડી ર્જીણ થવાની છે. અશુદ્ધ થવાની છે. તેથી રૂપ અને સૌદર્યનું અભિમાન રાખવું નહીં. આસ્ત્રવ ભાવનામાં ખ્યાલ કર્યો કે મન વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મોના બધનમાં જકડાવું પડે છે. સંવર ભાવનમાં જોયું કે ઈન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાતા નથી. નિર્જરા ભાવનામાં એ જ્ઞાન થયું કે કર્મો આત્માની સાથે લાગેલા છે. તેને ખપાવવા અને દૂર કરવા શરીરથી ઉપર ઉઠવાનું છે. શરીર સાથેના તાદાત્મ્યને તોડવાની પ્રક્રિયા એટલે તપ. કર્મોની નિર્જરા માટે તપશ્ર્ચર્યા જરૂરી છે. લોકભાવના એટલે આત્મસ્વરૂપનું ચિંતન. આ ભાવનામાં આપણે જોયું કે જગતનું વાસ્તવિક સ્વરૂપ શું છે. એ કયા તત્ત્વોનું બનેલું છે અને તેને ચલાવનારા દ્રવ્યો કયા કયા છે. સમગ્ર સૃષ્ટી, લોક-અલોક, ચૌદ રાજલોક, દેવલોક, નરક, મનુષ્ય ક્ષેત્ર અને સિદ્ધ ક્ષેત્રે અંગે ખ્યાલ કર્યો. ભાવનાના અંતિમ ચરણમાં બોધિદુર્લભ ભાવના અને ધર્મ ભાવના છે. આપણે અહીં બોધિદુર્લભ ભાવના અંગે જાણવા પ્રયાસો કરીશું.

જીવનમાં આપણને જે કાંઇ મળ્યું છે અને જે દુર્લભ છે તેનો બોધ થવો જોઇએ. સૌથી વિશેષ મનુષ્ય જન્મ અને ઉત્તમમાં ઉત્તમ ધર્મ. મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરવાની આ વાત છે. સંસારમાં આપણે રાગ-દ્વેષ, માન-માયા, લોભ અને મોહમાં ફસાયેલા છીએ, કામ ક્રોધમાં રત છીએ. આ તારું અને આ મારું કરીને કર્મોને બાંધીએ છીએ. અને જીવનને દુ:ખમય બનાવીએ છીએ. અને ન કરવાનું કરીને કર્મોના જાળાઓને વધુ વિસ્તૃત કરીએ છીએ. જીવનમાં દુ:ખી અને અશાંત છીએ તેનું કારણ શું છે? તેનું કારણ જાણ્યે અજાણ્યે આપણે સૂક્ષ્મ હિંસા આચરી રહ્યા છીએ. કોઇના પ્રત્યે ક્રોધ કરવો, રાગ દ્વેષ રાખવો. કોઇના પ્રત્યે ખરાબ વિચાર કરવો એ પણ હિંસા છે. આવી સૂક્ષ્મ હિંસાઓના કારણે પ્રેમ પ્રગટ થતો નથી. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમભાવના રાખવાનું ભગવાન મહાવીરે કહ્યું છે. માત્ર પ્રેમથી જ હિંસાને રોકી શકાશે. જેને તમે પ્રેમ કરતા હો તેને દુ:ખ પહોંચાડી શકો નહીં. એનું દુ:ખ તમારું દુ:ખ બની જાય. આપણે જયારે કોઇના પ્રત્યે ક્રોધ કરીએ. દ્વેષ રાખીએ, વેર ઝેર બાંધીએ કેે કોઇનું અપમાન- અવહેલના કરીએ ત્યારે વિચારવું કે આપણામાંથી પ્રેમ અદૃશ્ય થયો છે. પ્રેમ સુખનું પરમતત્ત્વ છે. પ્રેમ વગરની આ દુનિયા નિર્ધન છે. તમારી પાસે ગમે તેટલું હશે પણ પ્રેમ અને સ્નેહ નહીં હોય તો તમારી સ્થિતિ કંગાળ જેવી છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે પ્રેમ માગવાથી મળે નહીં, આપ્યા વગર પણ મળે નહીં. તમે ઇચ્છો કે બધા મને ચાહે પણ મારે કોઇને ચાહવાની જરૂર નથી. તો તેમ બનવાનું નથી. આ રીતે કોઇ પ્રેમ કરશે તો તે સાચો પ્રેમ નહીં હોય. માત્ર દેખાવ હશે. પ્રેમ મેળવવા માટે પ્રેમમય બનવું પડે. જે પ્રેમમય બને છે તે પ્રભુમય બની શકે છે.

ક્રોધ, ઘૃણા અને તિરસ્કાર હિંસાના લક્ષણો છે. હું કાંઇક છું, બધુ મારા થકી છે આ અહંકાર નાબૂદ થવો જોઇએ. પ્રેમ અને અહંકાર સાથે રહી શકે નહીં. પ્રેમમાં ઓગળવું પડે. જીવનમાં વિરોધાભાસ છે. તેનું મુખ્ય. કારણ દંભ અને દિખાવટ છે. આપણે જે છીએ તેના કરતા જુદી રીતે જીવીએ છીએ. આપણુંં બહારનું અને અંદરનું જીવન જુદું છે. બધું બેહોશીમાં અને અજાગૃત અવસ્થામાં થઇ રહ્યું છે. કોઇને તનનો, કોઇને ધનનો, કોઇને પદનો તો કોઇને પ્રતિષ્ઠાનો કેફ ચડેલો છે. મોહ અને આસક્તિ પણ આપણા દુખનું કારણ છે. મોહનો અર્થ છે આપણે આપણામાં નહીં પણ બીજી વસ્તુઓમાં જીવી રહ્યા છીએ. જે વસ્તુમાં આપણે મોહ રાખી દીધો તેના દાસ બનવું પડે છે. જયાં પક્કડ છે ત્યાં પીડા પણ છે. સંસારના સુખો શાશ્ર્વત નથી. બદલાતા રહે છે. આજે જેમા સુખ દેખાય છે તેમાં કાલે દુ:ખ પણ દેખાઇ શકે છે. આજે જે મનગમતું છે તે કાલે અણગમતુુંં પણ બની જાય.

દરેક માણસે એ વિચારવું જોઇએ કે પરમાત્માની કૃપાથી તેને કેટલું બધું મળ્યું છે. જેના હાથ પગ સલામત છે તેને કોઇનાથી ડરવાનું નથી. પહેલું સુખ તે જાતે નર્યા. માત્ર ધનથી, સુખસગવડતાઓથી જીવી શકાતું નથી. શરીર અને મન સારું ન હોય તો આ બધું નકામું બની જાય. મનની શાંતિ, સ્વસ્થતા અને સારું આરોગ્ય ઉત્તમ સુખ છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ પાયાની જરૂરિયાત છે અને આના માટે બહુ મહેનત કરવી પડતી નથી પણ આ પછીની બીજી બધી વસ્તુઓ છે તે માટે માણસને દોડવું પડે છે. સારો પરિવાર, ઘરમાં સંપ અને સહકાર, એકબીજા માટે ઘસાવાની અને કરી છૂટવાની તમન્ના, સુખ- દુ:ખમાં સાથ અને આપણો વ્યવહાર બરાબર જળવાઇ રહે એ પણ મોટું સુખ છે. ધન- દોલતને સુખ સાથે સંબંધ નથી. એમાં સગવડતા સચવાય છે. પણ સુખ મળશે તેની કોઇ ખાતરી નથી. સુખ આપણા પોતાનામાં છે અને તે આપણે પોતે મેળવવાનું છે. ધન એ જ સુખ હોય તો બધા શ્રીમંત માણસો સુખી જ હોવા જોઇએ. શ્રીમંત કે ગરીબ દરેકને પોતાના સુખ અને દુ:ખ હોય છે. આ માનસિક પરિસ્થિતિ છે. દરેક વસ્તુને તમે કઇ રીતે લો છો તેના પર આનો આધાર છે.

માત્ર એટલો વિચાર કરીએ કે આપણને જે મળ્યું છે તે બીજા ઘણા માણસોને મળ્યું નથી એવા કેટલાય માણસો છે જેમને પેટનો ખાડો પૂરવા સતત રાત-દિવસ એક કરવા પડે છે. આવો બોધ થાય તો કશું દુ:ખ રહે નહીં. પણ આપણા દુ:ખનું મુખ્ય કારણ એ છે કે આપણને જે મળ્યું છે તેના તરફ આપણી નજર જતી નથી, પરંતુ જે નથી મળ્યું તેના તરફ આપણી નજર તકાયેલી છે. આપણે ભવિષ્યના સુખ માટે અને જે નથી મળ્યું તેના વલોપાતમાં આજનું સુખ ગુમાવીએ છીએ. આપણને જે મળ્યું છે તેનો સંતોષ ઉભો થવો જોઇએ. માણસને બીજાનું બધું સારું લાગે છે પોતાનું નજરમાં આવતું નથી. દરેક માણસે પેતાના સાધનો અનુસાર સુખને શોધી લેવું જોઇએ. બધાના સુખ દુ:ખ સરખા નથી. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. સુખ અને દુ:ખ એક વૃક્ષના બે હિસ્સા છે. સુખ મૂળ છે અને દુ:ખ પાંદડા છે. આપણે મૂળને ટકાવી રાખવા માગીએ  છીએ પણ પાંદડા જોઇતા નથી તેે કેમ બની શકે? મૂળને ટકાવી રાખવા માટે તેને પાણી આપવું પડશે અને પાણી આપીશું તો પાંદડા લીલાછમ રહેવાના છે. સુખ અને દુ:ખ બંને સાથે રહે છે. સુખ જયારે સક્રિય હોય છે ત્યારે દુ:ખ નિષ્ક્રિય બની જાય છે અને દુ:ખ જયારે સક્રિય બને છે ત્યારે સુખ નિષ્ક્રિય બની જાય છે. આપણે બંનેનો પરિતાપ સહન કરવાનો છે.

માણસે પ્રથમ પોતાની જાતને ઓળખવી જોઇએ. સ્વયંનું જ્ઞાન થવું જોઇએ અને વિચાર કરવો જોઇએ કે દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરવા મેં શું કર્યું? જે માણસ સ્વયંને જાણે છે, જેણે પોતાના અંતરમાં ડોકીયું કરીને આત્મ નિરીક્ષણ કર્યું છે અને જે રાગ દ્વેષ રહિત છે. તે જીવન અને ધર્મનું સાચું દર્શન કરી શકે છે. જગતમાં જે કાંઇ જ્ઞાન ઉપલબ્ધ થયું છે અને જે કાંઇ રહસ્યો ઉકેલાયા છે તે માણસની ભીતરમાંથી ઉકેલાયા છે. માણસે પોતાની દૃષ્ટિ બહારથી ભીતર તરફ વાળવાની છે.

માણસે જીવનને શુદ્ધ અને સાત્વિક બનાવવા ધર્મને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. તન શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ વગર આ શકય નથી. જીવનમાં એવો સંકલ્પ અને નિશ્ચય કરવો જોઇએ કે હું માણસ તરીકે જનમ્યો છું તો હવે પછીનું જીવન મહામાનવને છાજે એવું જીવવા પ્રયાસો કરીશ અને પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવીશ. સમાજમાં ફેલાયેલા અસત્ય, જૂઠ અને પ્રપંચના જાળામાંથી મુકત થઇને સત્ય અને ધર્મના માર્ગે વિચરીશ. મારા જીવનના કર્તવ્યોમાં માનવ બનવાનું મારું પ્રથમ કર્તવ્ય બનશે અને તે હું અદા કરીશ. પરમાત્માએ મને લાયકાત કરતા ઘણું આપ્યું છે. આવો નમ્ર ભાવ રાખવો અને આ પ્રકારનું ચિંતન કરવું એ બોધિદુર્લભ ભાવના છે. (હવે પછી ધર્મ ભાવના).

No comments:

Post a Comment