Sunday, April 17, 2016

લોકભાવના- મહેન્દ્ર પુનાતર

લોકભાવના એટલે આત્મસ્વરૂપનું ચિંતન
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓ એ ચિંતનની સરવણી છે. વિચાર, ચિંતન અને મનનના અનેક નવા દ્વારો તેનાથી ખૂલે છે અને જ્ઞાન પ્રગટે છે. સાચી સમજ વગર દૃષ્ટિ મળતી નથી. અને જ્ઞાનના ચક્ષુઓ ખૂલતા નથી. જીવનમાં આપણી પાસે બધું હોય પરંતુ સાચી સમજ ન હોય તો બધું નકામું છે. સાચી અને સારી વસ્તુઓનો જીવનના શ્રેય માટે ઉપયોગ થવો જોઇએ. ધન આપણી પાસે હોય, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે હોવાનો અર્થ સરતો નથી.

ધનની ત્રણ ગતિ છે. કાં તો તેનો સદઉપયોગ થાય, કાં તો દૂરુઉપયોગ અને નહીંતર વિનાશ. એમ જ્ઞાનની પણ ત્રણ ગતિ છે. માણસને જ્ઞાન આવે ત્યારે કાં તો સાચી સમજ કેળવાય છે. કાં તો તેનો અહંકાર પ્રબળ બને છે અને કાં તો મિથ્યાભિમાનમાં માણસ રાચતો થઇ જાય છે. ધન અને જ્ઞાન બંને શક્તિ છે, પણ આ શક્તિનો કંઇ રીતે સંયમપૂર્વક ઉપયોગ કરવો તે આપણે જાણવું જોઇએ.

બાર ભાવનાઓનું ચિંતન આપણી પાસે રહેલી શક્તિઓનો સદઉપયોગ કરવાની પ્રેરણા આપે છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જાણ્યું કે અહીં કોઇનું શરણ કામ આવતું નથી. ગમે તેવો ચમરબંધી હોય પણ જે કાઇ બનવાનું છે તેને રોકી શકતો નથી કે બચી શકતો નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. આ તારું અને આ મારુંનો ખટરાગ છે. કહેવાતું સુખ મેળવવા માટેની આ આપાધાપી છે, પણ ખરા અર્થમાં કોઇ સુખ પામી શકતું નથી. બધાને સુખ મેળવવું છે પણ આપવું નથી. એકત્વ ભાવનામાં ખ્યાલ કર્યો કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું મથી. ધન- દોલત બધું અહીં પડી રહેવાનું છે. અન્યથા ભાવનામાં આપણે જોયું કે અહીં કોઇ આપણું નથી. આપણે જેને આપણા માનીએ છીએ તે પણ આપણા નથી. આ સત્ય સમજવું આમ છતાં બધા આપણા છે તેવો વ્યવહાર અને ભાવના રાખવી. અશુચિ ભાવનામાં ખ્યાલ કર્યો કે દરેક વસ્તુ વહેલી કે મોડી ર્જીણ અને અશુદ્ધ થવાની છે. જે બને છે તે સમય જતા બગડે પણ છે. રૂપ સૌંદર્ય પણ કાયમ રહેવાનું નથી. આજે જે સારું લાગે છે, જોવું ગમે છે તે કાલે ગમશે નહીં. ઉગે છે તે આથમે છે, અહીં કોઇ વસ્તુ માટે અભિમાન રાખવાનું નથી. આસ્ત્રવ ભાવનમાં જાણવા મળ્યું કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મોના બંધનોમાં જકડાવું પડે છે. દરેક માણસ કર્મને આધિન છે. સારા અને ખરાબ બંને કર્મો માણસને ભોગવવા પડે છે. બધું અલગ અલગ ભોગવવાનું રહે છે. આમાં ખાતું સરભર થઇ શકતું નથી. સંવર ભાવનામાં જોયું કે ઈન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાતી નથી. નિર્જરા ભાવનામાં એ જાણ્યું કે કર્મો આત્માની સાથે લાગેલા છે તેને ખપાવવા અને દૂર કરવા શરીરથી ઉપર ઊઠવાનું છે. અને તપશ્ર્ચર્યા આ માટેનો માર્ગ છે. હવે આપણે લોકભાવના વિશે જાણવાનો પ્રયાસ કરીશું.

લોકભાવના એટલે આ લોકનું ચિંતન કરવું, તેના સ્વરૂપને સમજવું. આ સકળ વિશ્ર્વ અને બ્રહ્માન્ડનું રહસ્ય શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એ કયા તત્ત્વોનું બનલું છે અને તેને ચલાવનારા દ્રવ્યો કયા છે? વગેરેનું ચિંતન જો માણસ કરે તો તેને આત્મસ્વરૂપનું દર્શન કરવામાં સરળતા રહે. આકાશ, પૃથ્વી, વાયુ, કાળ, સમય. આ બધા તત્ત્વો શું છે? તેનો આપણી સાથેનો શો સંબંધ છે. જીવન પર તેનો શો પ્રભાવ છે? સકળ બ્રહ્માંડ જેમાં આવા અનેક વિશ્ર્વો રહેલા છે. આકાશમાં ટમટમટા તારાઓ, ગ્રહો , ઉલ્કાઓ, સૂર્યમાળાઓ અને પૃથ્વીના પેટાળમાં રહેલાં તત્ત્વો, કુદરતની રહસ્યમય ઘટનાઓ, પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ, નદી નાળાઓ, પર્વતો, આ બધા વિરાટ તત્ત્વો શું છે? અને તેમાં આપણું સ્થાન શું છે? તેનું ચિંતન એટલે લોકભાવના.

આ વિરાટ વિશ્ર્વમાં એક એકથી ચડિયાતી વસ્તુઓ છે. એમાં આપણી શી હેસિયત છે અને આપણું શું સામર્થ્ય છે તે જો આપને સમજાય જાય તો આપણો તમામ અહંકાર ઓગળી જાય. મારા જેવું કોઇ નહીં. હું કાંઇક છું એવું અભિમાન રહે નહીં. આપણે સાંકડી, સંકૂચિત દુનિયામાં રહીએ છીએ. કુવામાંના દેડકાં જેવી આપણી પરિસ્થિતિ છે. આપણી સીમા મર્યાદિત છે એ અહંકાર પ્રબળ છે. આ ભાવનાના ચિંતનથી આ જગત અંગેની સમજ કેળવાય છે. આ ભાવનામાં રહેલું વિરાટનું દર્શન આપણા અહંકારને રોકવા માટેનું છે.

જૈન ધર્મ અંગે વિદ્વાન લેખક અને ચિંતક રમણલાલ સી. શાહે જુદા જુદા પુસ્તકોમાં વિસ્તૃત ખ્યાલ આપ્યો છે તે સંક્ષિપતમાં જોઇએ તો લોકભાવના અંગે વધુ પ્રકાશ પડશે. જૈન ધર્મ માને છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ અને અનંત છે. આત્મા અવિનાશી છે. આત્મા સંસારના બંધનોમાંથી સર્વથા મુકત થઇ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. મુક્તિ પામ્યા પછી આત્માને ફરી સંસારનાં પરિભ્રમણમાં પાછા આવવાનું રહેતું નથી. જૈન ધર્મ પૂર્વ જન્મ અને પુનર્જન્મમાં માને છે. જન્મ જન્માંતરની ગતિ આત્માને પોતાના કર્મના ફળ અનુસાર પ્રાપ્ત થાય છે. આત્મા કર્મોનો કર્તા અને ભોક્તા છે. આત્મા રાગ દ્વેષને જીતી મુક્તિનો અધિકારી બની શકે છે.

જૈન ધર્મના અમુક ગ્રંથોમાં સમગ્ર સૃષ્ટિનું, લોક-અલોકનું ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે કેડે હાથ દઇ ઊભેલા પુરુષની આકૃતિ જેવી ચૌદ રાજલોકની સૃષ્ટિ બનેલી છે જે દશે દિશામાં અબજો માઇલથી પણ વધુ બલકે અસંખ્યાત યોજનોની બનેલી છે. તેમાં નીચેના ભાગમાં નરક અને ઉપરના ભાગમાં દેવલોક છે તથા નાભીના સ્થાને મનુષ્યક્ષેત્ર છે. આ મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલું છે. એ અઢી દ્વીપમાં એક જંબુદ્વીપ છે જે એક લાખ યોજનનો છે. આ જંબુદ્વીપમાં આપણી પૃથ્વી આવેલી છે. ચૌદ રાજલોકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને લોકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે. જયાં સિદ્ધાત્માઓ, મુકતાત્માઓ બિરાજે છે. ચૌદ રાજલોકની બહારનો પ્રદેશ અલોક કહેવાય છે જે અનંત છે. અને અવકાશ સિવાય બીજું કશું ત્યાં નથી. જૈન ધર્મ માને છે કે આ પૃથ્વીની બહાર પણ માનવસૃષ્ટી છે.

જૈન ધર્મમાં ‘સમય’ શબ્દ પારિભાષિક છે. સમય એટલે કાળનો સૂક્ષ્મતમ એકમ સમયના માટે જૈન ધર્મમાં કાળચક્રની કલ્પના કરવામાં આવી છે. સમય એટલે કાળચક્રની ગતિ. કાળચક્રના બે વિભાગ છે. એક અવસર્પિણી અને બીજો ઉત્સર્પિણી. તે દરેકમાં છ છ આરા છે. અવસર્પિણીમાં ઉત્તરોત્તર સુખમાંથી દુ:ખનો ખરાબ સમય આવતો જાય છે. અને ઉત્સર્પિણીમાં ઉત્તરોત્તર દુ:ખમાંથી સુખનો ચડિયાતો સમય આવતો જાય છે. એક કાળચક્રનો સમય વીસ ક્રોડા ક્રોડ સાગરોપમ જેટલો ભાગ હોય છે. સાગરોપમ શબ્દ પારિભાષિક છે. હાલ અવસર્પિણીનો પાંચમો આરો ચાલી રહ્યો છે. પ્રત્યેક અવસર્પિણીમાં અને પ્રત્યેક ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થાય છે.

આ ભાવનાના ચિંતનથી આપણને સમજાય છે કે સમય અને કાળનું ચક્ર ફરી રહ્યું છે. ગઇકાલે હતું તે આજે નથી અને આજે છે તે આવતીકાલે હશે નહીં. બધું સમયની સાથે બદલાઇ જાય છે. દરેક વસ્તુ ક્ષીણ થતી રહે છે. સર્જન અને વિનાશનું ચક્ર ચાલી રહ્યું છે. જિંદગી ધીમે ધીમે સમાપ્ત થતી રહે છે. અહીં કશું આપણા હાથમાં નથી. આપણે સમયને બદલી શકતા નથી. સમય કોઇના કહેવાથી રોકાતો નથી. દરેકને સમયની સાથે ચાલવુ પડે છે. સમયની સાથે જેઓ ચાલે છે તે ટકી રહે છે અને સમયની સામે ઊભો રહીને હવાતિયા મારતો માણસ ઉથલી પડે છે. નદીના પ્રવાહમાં ઘસડાતું તણખલું એમ માને કે નદીમારે કારણે વહી રહી છે તો એ અભિમાન અને અહંકાર સિવાય બીજું કશું નથી. અહીં ગર્વ કરવા જેવુ કશું નથી. આ લોકને છોડીને જવાનું છે અને સાથે કશું આવવાનું નથી એ પરમ સત્ય છે.

ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદગળ, કાળ અને આત્મા આ છ દ્રવ્યો છે. ચૌદ રાજલોક, જન્મ- મરણના ફેરા અને સંસારનું સ્વરૂપ અને એમાં આપણે કયાં ફસાયા છીએ અને એમાંથી આપણે શું સુખ મેળવ્યું. આ બધાનું ગહન ચિંતન સંસારની અસારતાનો ખ્યાલ આપે છે.

આ સંસારમાં સુખ-દુ:ખ, આશા-નિરાશા, હર્ષ -શોક, શુભ-અશુભ બધું સાથે રહેલું છે. એકલું સુખ અહીં શક્ય નથી. સુખ સાથે દુ:ખ જોડાયેલું છે. આશા સાથે નિરાશા છે. હર્ષ સાથે શોક છે. કશુ કાયમી નથી. બધું વારાફરતી આવતું રહે છે. આ વિરાટ વિશ્ર્વમાં આપણે અંશ માત્ર છીએ. તેમાં બનતી ઘટનાઓ આપણને નિરંતર એક યા બીજા સ્વરૂપે સ્પર્શતી રહે છે. જીવન આ બધા પર આધારિત છે.

માણસ પાસે અખૂટ શક્તિ છે. આ શક્તિ જુદા જુદા માર્ગે વેડફાઇ જાય છે. આ શક્તિઓ જો સંગ્રહિત થાય અને સહી માર્ગે વળે તો તેનાથી લોકકલ્યાણ અને આત્મ કલ્યાણ બંને થઇ શકે.

લોકભાવનાનું ચિંતન અહંકારને ઓગાળવા માટેનું છે પણ સાથે સાથે સમજવાનું છે કે મનુષ્ય નિર્બળ નથી. એ ધારે તે કરી શકે છે. માણસને જગતનું સાચું જ્ઞાન અને સાચી સમજણ ઊભી થાય તો આ અનંત શક્તિ દ્વારા માણસ પરમાત્મા પણ બની શકે છે. (હવે પછી બોધિદુર્લભ ભાવના)

No comments:

Post a Comment