Sunday, March 27, 2016

આસ્ત્રવ ભાવના - મહેન્દ્ર પુનાતર

મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ કર્મોનું પ્રવેશદ્વાર
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર

બાર ભાવનાઓ આકાશમાં ટમટમતા તારલા જેવી છે જે જીવનના ઘોર અંધકારમાં પ્રકાશ પાથરીને નવી દિશા ચિંધે છે. આ ભાવનાઓનું સતત ચિંતન તન અને મનને સ્વચ્છ કરે છે.

અનિત્ય ભાવનામાં આપણે એ જાણ્યું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જોયું કે મનુષ્ય ગમે તેટલો શક્તિશાળી હોય, પણ કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિથી આપણે બંધાયેલા છીએ. એકત્વ ભાવનામાં એકલા આવ્યા અને એકલા જવાના છીએ તેનો બોધ થયો. અન્યત્વ ભાવનામાં આપણે જોયું કે અહીં આપણું પોતાનું પણ આપણું નથી. અશુચિ ભાવનામાં ખ્યાલ કર્યો કે કોઈ પણ વસ્તુ ગમે તેટલી સુંદર હોય પણ તેની સુંદરતા લાંબો સમય ટકતી નથી. રૂપ અને ધનનું અભિમાન નકામું છે. બધું ર્જીણ અને અશુદ્ધ થવાનું છે. હવે આપણે ભાવનાના ગહન તબક્કામાં આસ્ત્રવ ભાવના અંગે જાણવા પ્રયાસ કરીશું.

સૌ પ્રથમ આપણે સમજીએ કે આસ્ત્રવ એટલે શું? આસ્ત્રવ એટલે કર્મોનું આત્મામાં દાખલ થવું તે અને તેના નિમિત્તરૂપ પાપ, પ્રવૃત્તિ અને તેના પરિણામરૂપ દુ:ખ અને પીડા. આ ભાવનાનું ચિંતન આપણને પાપ પ્રવૃત્તિ કરતા અટકાવે છે અને કર્મો બંધાય નહીં તેનાથી સતત જાગૃત રાખે છે. કોઈ પણ આફત આવવાની હોય તેને રોકવાની આ પૂર્વ તૈયારી છે. રોગનો ઈલાજ નહીં, પરંતુ રોગ ન થાય તેની કાળજી લેવાની આ વાત છે.

ઈન્દ્રિય ભોગોની નશ્ર્વરતાનું ચિંતન કરવાથી ભોગોથી બચી શકાય છે. ઈન્દ્રિય પર અંકુશ નથી રહેતો, સંયમ જળવાતો નથી ત્યારે શારીરિક અને માનસિક કષ્ટો ભોગવવા પડે છે. સ્વાદ, સ્પર્શ, ગંધ આ બાબતમાં વિષય ભોગો છે. ચામડીને સુંવાળો મુલાયમ સ્પર્શ ગમે છે. જીભને સ્વાદિષ્ટ ભોજન, નાકને સુગંધિત દ્રવ્યો અને આંખને રૂપાળા, સુંદર, આકર્ષક ચહેરાઓ અને દૃશ્યો જોવા ગમે છે. કાનને પણ ગીત-સંગીત અને ખાટી-મીઠી વાતો સાંભળવાની મજા આવે છે. આ બધી ઈન્દ્રિયો સાથે મન જોડાયેલું છે. જીભ ન ખાવા જેવા પદાર્થોનો સ્વાદ માણે છે. નાકને માદક દ્રવ્યની સુગંધ ગમે છે. આંખ ન જોવાનું જુએ છે અને કાન ન સાંભળવાનું સાંભળે છે. આ પાંચે ઈન્દ્રિયો પર આપણો અંકુશ નથી. તેની વિષય તૃષ્ણા મનને બહેકાવે છે. આ અંગેની આસક્તિના કારણે કર્મોના બંધન થાય છે. મિથ્યાત્વ, અવિરતી, કષાય, પ્રમાદ, આર્તધ્યાન, રોદ્ર ધ્યાન, મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ તેમ જ સંસાર અને દુન્યવી ચીજોનું આકર્ષણ આસ્ત્રવનું કારણ છે. આ બધી ચીજો રાગ-દ્વેષ અને મોહ ઊભો કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં રત રહેવાથી કર્મો બંધાય છે.

ઘરના બારી-બારણા ખુલ્લા રાખીને સોડ તાણીને સૂઈ જઈએ તો ચોર-લૂંટારુઓને અંદર ઘુસવાનો મોકો મળે છે તેવી જ રીતે પાંચે ઈન્દ્રિયોના દ્વારો ખુલ્લા મૂકી દઈએ અને તેની પર કોઈ પણ જાતનો અંકુશ અને ચહેરો ન હોય તો કર્મોના ધાડાઓને આવવાનો માર્ગ મળી જશે. ઈન્દ્રિયો સામે લડવાનું નથી, પરંતુ સમજીને સંયમ દ્વારા તેના પર વિજય મેળવવાનો છે.

મન એટલે વિચારોનો સંગ્રહ, કર્મોનો સંગ્રહ, અનુભવોનો સંગ્રહ. આપણે જે કાંઈ છીએ તે મનના કારણે છીએ. આ સંસારના રંગોને આપણે મનથી ઘૂંટીએ છીએ અને તેના રંગને ઘેરો બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી. તેના પ્રત્યેની આસક્તિ અને મમત્વ માણસને જંપવા દેતું નથી. માણસ આ બંધનમાં જકડાઈ જાય છે. મનથી આપણે વસ્તુને વિકૃત બનાવી નાખીએ છીએ. જીવનમાં ક્ષણેક્ષણે પ્રલોભનો ઊભા થાય છે. માયા વારંવાર જાગે છે. ત્યાગી માણસ પણ મનને ન સંભાળે તો લપસી પડતા વાર લાગતી નથી.

શરીરની શુદ્ધિની જેમ મનની શુદ્ધિ પણ જરૂરી છે. મન જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી બહારના ઉપદ્રવો ચાલુ રહેવાના છે. ‘મન મેલા તન ઉજળા’ જેવી આજે પરિસ્થિતિ છે. બહારથી માણસ સુંદર દેખાતો હોય પણ મન વિકૃતિથી ભરેલું હોઈ શકે છે. કોઈના મનનો તાગ મેળવવાનું મુશ્કેલ છે. માણસ ક્યારે કેવા વિચારો કરતો હશે તે જાણી શકાતું નથી. વિચારોના ઘોડા દોડ્યા કરતા હોય છે. મન એક ક્ષણમાં અહીં હોય તો બીજી ક્ષણે બીજી કોઈ વસ્તુમાં લપેટાયેલું હોય છે. મન ગમે ત્યાં પોતાની જગ્યા પૂરી લે છે અને પોતાને ગમે તેવા રંગો પૂરી લે છે. મનની વ્યાકુળતાનું કારણ અંદરના વિકારો છે. મન જેવું ઈચ્છે છે તેવું જુએ છે. મન છૂટી જાય તો બધુ છૂટી જાય. લોભ, મોહ, ક્રોધ, તૃષ્ણા, લાલસા આ બધુ મનના કારણે છે. મોટા ભાગના પાપો મનથી થતા હોય છે. તેમાં પકડાવાનો ડર નથી, જે પાપ મનમાં હોય છે તેને કર્મમાં પરિણમતા વાર લાગતી નથી.

કામના અને ઈચ્છા એ સર્વ પાપોનું મૂળ છે. કોઈને ધનની, કોઈને પદની તો કોઈને પ્રતિષ્ઠાની કામના છે. કામના કદી પૂર્ણ થતી નથી. એક ઈચ્છા પૂર્ણ થાય તો બીજી ઈચ્છા જાગે છે. તેનો કોઈ અંત નથી. મન તો અતૃપ્ત રહે છે અને અનેક કર્મો કરાવે છે. ઈચ્છાઓ અને વાસનાઓને કારણે મોટા ભાગના દુ:ખો સર્જાતા હોય છે. કોઈકનું કાંઈક સારું થાય તો ઈર્ષા ઊભી થાય છે. કાંઈક અણગમતું બને તો ક્રોધ ઊભો થાય છે. વધુને વધુ મેળવવા માટે લોભ અને લાલચ ઊભી થાય છે, જે કાંઈ છે તે ચાલ્યું જાય તો ચિંતા અને દુ:ખ ઊભું થાય છે. આ બધો મનનો ખેલ છે. મન આપણને નચાવે છે અને ન કરવાનું કરાવે છે. મનને કાબૂમાં રાખવા આપણી જાતને ઓળખવી જોઈએ અને અંતરમનમાં નિરીક્ષણ કરવું જોઈએ. કોઈ વિચારકે કહ્યું છે તેમ ‘દેખો અપને આપકો, સમજો અપને આપ, અપને કો જાને બીના મીટે ન ભવ સંતાપ’ મોટા ભાગના પાપ કર્મો પ્રમાદ અને મૂર્ચ્છાને કારણે આવે છે. આપણે સૌ તંદ્રામાં પડેલા મનુષ્યો છીએ. આપણે જે કાંઈ કરી રહ્યા છીએ તે બેહોશી અને અજાગૃત અવસ્થામાં કરી રહ્યા છીએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘પ્રમાદ ન કરો’ તેનો અર્થ છે પ્રતિક્ષણ જાગૃત રહો. વૃક્ષ જેટલું અંદર જાય છે તેટલું બહાર ઊંચું આવે છે. આપણે જેટલા અંદર ઊતરીશું એટલા બહારથી મજબૂત બની શકીશું. આંતરિક ચેતના અને જાગૃતિ વગર આત્મા પર વિજય મેળવી શકાય નહીં.

મનુષ્યે અધર્મ છોડવાની જરૂર છે. અધર્મ છૂટી જશે તો ધર્મ એનીમેળે આવી જશે... વિચારોથી, બોધથી અધર્મ છૂટી જાય છે. પણ આપણે આંખો મીંચીને બધુ કરી રહ્યા છીએ એટલે કશું શીખી શકતા નથી. જે વસ્તુ વિચારપૂર્વક સમજીને થતી નથી. તેમાં આડે રસ્તે ચડી જવાય છે અને કર્યા પછી અફસોસ થાય છે. કેટલીક વસ્તુઓ ક્ષણિક આવેશમાં થતી હોય છે ત્યારે માણસને તે શું કરી રહ્યો છે તેનું ભાન રહેતું નથી. આપણે બહારથી સાધીએ છીએ ધર્મ અને અંદર રહી જાય છે અધર્મ. માણસ જેવો છે તેવો દેખાતો નથી. બહાર અહિંસા અંદર હિંસા, બહાર અચોરી અંદર ચોરી, બહાર અપરિગ્રહ અંદર ભેગું કરવાની લાલસા, બહાર ત્યાગ અંદર રાગ, બહાર વૈરાગ્ય અને અંદર વાસના. આમ બહાર અને અંદર જુદું છે. માણસ બેવડું જીવન જીવી રહ્યો છે. જેના કારણે ધર્મને આત્મસાત થઈ શકતો નથી. અને પાપકર્મોના પોટલા બાંધી રહ્યો છે. દંભ અને દેખાવ સાચો ધર્મ નથી. ધર્મ આત્મકલ્યાણ માટે છે બીજાને બતાવવા માટે કે તેનું પ્રદર્શન કરવા માટે નથી. સાચો તપસ્વી અને ધાર્મિક માણસ બહાર દેખાય નહીં. બહાર જે બધુ દેખાય છે તે બોદુ છે.

‘કરણી તેવી ભરણી’ કર્મો કોઈને છોડતા નથી. કર્મનો બદલો મળ્યા વગર રહેતો નથી. ખોટું કામ કરીએ તો અંતર ડંખતું હોય છે અને વસવસો પણ રહે છે કે આમ ન કર્યું હોત તો સારું થાત એવો વિચાર પણ આવે છે. કર્મ એક વખત થઈ ગયા પછી તેને પાછું વાળી શકાતું નથી. માણસ પસ્તાયા પછી પણ આવું બધું કરતો રહે છે. ભીતરના દ્વારો જ્યાં સુધી ખુલતા નથી ત્યાં સુધી ચેતનાની ક્ષણો સર્જાતી નથી.

મહાવીરપ્રભુને કોઈએ પૂછ્યું જિજ્ઞાસા વ્યક્ત કરી કે ‘સાધક કેવી રીતે ચાલે, કેવી રીતે ઊભો રહે, કેવી રીતે સૂએ, કેવી રીતે ભોજન કરે, કેવી રીતે બોલે જેથી પાપકર્મો ન બંધાય. મહાવીર પ્રભુએ માત્ર એટલું કહ્યું: સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી ઊઠે, વિવેકથી સૂએ. વિવેકથી ભોજન કરે અને વિવેકથી બોલે તો પાપકર્મો બંધાતા નથી. ઊઠવા બેસવાનું મૂલ્ય નથી. વિવેકનું મૂલ્ય છે. વિવેક એટલે સંયમ. વિવેકનો અર્થ છે જાગૃતિ અને હોંશ. તપ અને સંયમ માણસને ધર્મમય બનાવે છે. પછી રાગદ્વેષ અને માયાના બંધનો રહેતા નથી. સમ્યક્દૃષ્ટિ કેળવાય છે. સાચા-ખોટાની સમજ ઊભી થાય છે. ટાગોરની એક રચના આપણને આ અંગેનો મર્મ સમજાવે છે.

‘મુજ મોહ સઘળો જે બધો

મુક્તિરૂપે સળગી ઊઠો

મુજ પ્રેમ સઘળો જે બધો

ભક્તિરૂપે વ્યાપી રહો’

આસ્ત્રવ ભાવનાનું ચિંતન આપણને કષાયોથી-કર્મોથી જાગૃત કરે છે અને પાણી પહેલા પાળ બાંધવાનો આપણને નિર્દેશ કરે છે.

(હવે પછી સંવર ભાવના)

No comments:

Post a Comment