જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
જીવનમાં
સુખ-દુ:ખ આવ્યા કરે છે, જે કાંઈ બનવાનું છે તેને આપણે ટાળી શકતા નથી.
કેટલાક દુ:ખો સંજોગો અનુસાર સર્જાય છે. તો કેટલાક દુ:ખો આપણી પોતાની સર્જત
છે. કોઈ માણસ એવો નહીં હોય જેને દુ:ખનો કદી અનુભવ ન થયો હોય. આ જીવનની
ઘટમાળ છે. શારીરિક અને માનસિક યાતના આવ્યા કરે છે. માણસ ઈચ્છે કે ન ઈચ્છે
પણ આ બધું આવવાનું છે. જીવનમાં દુ:ખ ન હોત તો સુખ શું છે તે કદી સમજાયું
નહોત. સુખ અને દુ:ખ બધાના માટે સરખા હોતા નથી. એકનું સુખ બીજાનું દુ:ખ પણ
બની શકે છે. બીજાને જાણતા-અજાણતા દુ:ખ ન પહોંચાડવું અને બીજાને સુખી રાખીને
સુખી બનવું એ ધર્મ છે.
જીવનમાં સુખનો સમય ટૂંકો પડે છે અને દુ:ખનો સમય લાંબો લાગે છે. દુ:ખને દૂર કરવાનો માત્ર એક ઉપાય છે તેનો સહર્ષ સ્વીકાર. સુખને આપણે ચીટકીને બેસી જઈએ છીએ એટલે દૂર ભાગે છે અને દુ:ખ દૂર કરવાનો પ્રયાસ કરતા રહીએ છીએ એટલે એ છાતીએ વળગીને બેસી જાય છે. સુખ અને દુ:ખ બંનેને સમાન ભાવે સ્વીકારીએ તો પછી દુ:ખ રહેતું નથી. સુખ અને દુ:ખ સમય પૂરો થયા પછી રહેતા નથી. સુખ અને દુ:ખને પ્રભુની પ્રસાદી સમજીને હસતે મોઢે સ્વીકારી લેવું જોઈએ. સુખ આવે ત્યારે છલકાવું નહીં અને દુ:ખ આવે ત્યારે ગભરાવું નહીં. બંને પરિસ્થિતિમાં સમતા અને સ્થિરતા ધારણ કરવી. સુખ અને દુ:ખ બંને ઉત્તેજક છે. માણસને અંદરથી તોડી નાખે છે. કશુ કાયમના માટે રહેતું નથી. જીવનમાં પરિવર્તન આવ્યા કરે છે. આજે દુ:ખ છે કાલે સુખ આવી શકે છે. માત્ર સમય કારણભૂત છે. સમય અને સંજોગો પ્રમાણે બધું બદલાય છે. માણસે સમય પ્રમાણે ચાલવું પડે છે અને સમય પ્રમાણે બદલાવું પડે છે. સુખની જેમ દુ:ખને પણ હસતે મોઢે સ્વીકારી લેવાનું હોય છે તેનો પ્રતિકાર કરવાથી કોઈ ફાયદો નથી. દુ:ખ કરતાંય તેની સંભવિત કલ્પનાઓ માણસને વધુ પરેશાન કરે છે. આપણે વર્તમાન કરતા ભવિષ્ય પર નજર રાખીને બેઠા છીએ. આજ કરતા કાલે શું બનવાનું છે તેની વધુ ચિંતા છે. ભવિષ્યનો ભરોસો નથી અને આજનું સુખ હાથમાંથી છીનવાય જાય છે. સંભવિત દુ:ખોને આપણે ટાળવા પ્રયાસો કરીએ છીએ એ દુ:ખ આવશે ત્યારે પરિસ્થિતિ જુદી હશે. ગમે તેવો શક્તિશાળી, બુદ્ધિશાળી અને સંપત્તિવાન માણસ પણ દુ:ખના પરિતાપમાંથી છટકી શકતો નથી. સૌના દુ:ખ જુદા છે. દરેકની સહન કરવાની શક્તિ પણ એક સરખી હોતી નથી. મહેનત અને પરિશ્રમ વગરનું ધન જેમ સાચું સુખ આપી શકતું નથી તેમ આ પ્રકારના પરિતાપમાંથી પસાર થયા વગર સુખ શું છે એ પણ સમજાતું નથી અને તેનો અહેસાસ અનુભવી શકાતો નથી. સુખ અને દુ:ખને આપણે મન પર કેવી રીતે લઈએ છીએ તેના પર આનો આધાર છે. કેટલાક લોકો ગમે તેવી મુશ્કેલીમાં પણ હસતે મોઢે બધું સહન કરતા હોય છે. તો કેટલાક માણસો જરાક એવું દુ:ખ આવે ત્યાં હલીબલી ઊઠે છે. દુ:ખના રોદણાં રોવા બેસી જાય છે. એને એમ થાય છે કે મુસીબતનો પહાડ તૂટી પડ્યો. આવા લોકો પોતે ઊભા કરેલા પહાડ નીચે દબાઈ જાય છે. સારો સમય હોય ત્યારે નજીવા દુ:ખો એટલા આકરા લાગતા નથી, પણ ખરાબ સમય હોય ત્યારે સહેજ અમસ્તો ઘાવ પણ દુષ્કર લાગે છે. આપણે કહીએ છીએ મુસીબત આવે છે ત્યારે ચોમેરથી આવે છે. હકીકતમાં તો આવી પરિસ્થિતિમાં નાના દુ:ખો મોટા થઈ જાય છે. દુ:ખમાં બધું ખરાબ લાગે છે. સુખ અને દુ:ખ બંનેમાં સમભાવ કેળવવો અને જે કાંઈ બને છે તે સારાને માટે બને છે એવો ભાવ રાખવો. દુ:ખમાં આપણી અને આપણી આસપાસના માણસોની સાચી કસોટી થાય છે. જીવનમાં બનનારી કોઈ પણ ઘટના સારાને માટે છે કે ખરાબના માટે તેની આપણને કોઈ ખબર નથી. આજે આપણને જે સારું લાગે છે તે કાલે ખરાબ પણ લાગે અને આજે જે ખરાબ છે તે કાલે સારામાં પણ પરિણમે. ધર્મ કહે છે કે સારું થશે એમ માનીને ચાલવું અને આશાવાદી બનવું પણ ખ્વાબોમાં રાચવું નહીં. વિધાયક દૃષ્ટિ રાખવી અને સારું જોતા શીખવું. આ પ્રકારનો અભિગમ હશે તેમને દુ:ખ કે મુશ્કેલી કદી પરેશાન કરી શકશે નહીં. જૈન ધર્મ અને અન્ય ભારતીય ધર્મોએ કર્મની વાત કરી છે. માણસ પોતાના કર્મો અનુસાર સુખ-દુ:ખ અનુભવ્યા કરે છે. સારા કે ખરાબ કર્મો દરેકને ભોગવવા પડે છે. કર્મો કોઈને છોડતા નથી, જે કાંઈ બને છે તે કર્મો અનુસાર બને છે. જીવનમાં જે કાંઈ બને એ પ્રભુની મરજી એમ માનીને ચાલવું. કદાચ આપણા સારાને માટે પણ હોય એવો અભિગમ રાખવો. આ અંગે પવનકુમાર જૈને ટાંકેલી એક ચીની કથા પ્રેરક અને બોધરૂપ છે. જૂના જમાનાની આ વાત છે, જ્યારે માણસની ધન સંપત્તિ ઢોરઢાંખરમાં અંકાતી હતી. પશુધન મોટું ધન ગણાતું હતું. આવા સમયે ગામના એક માલદાર વૃદ્ધ પાસે પાણીદાર ઘોડો હતો. આવા કિંમતી ઘોડા માટે લોકો તેની ઈર્ષા કરતા હતા. આ ઘોડો એક દિવસ ગુમ થઈ ગયો. જંગલમાં ચાલી ગયો. ઘણી શોખખોળ પછી પણ ઘોડો હાથ લાગ્યો નહીં. ગામના લોકો તેને દિલાસો આપવા આવ્યા ત્યારે ડોશાએ તેમને કહ્યું તમારે કોઈએ નાહકના દુ:ખી થવાની જરૂર નથી. પ્રભુની કૃપા હશે તો ઘોડો પાછો આવી જશે અને ન આવે તો પણ શું? જેવા આપણા નસીબ. થોડા મહિના પછી ડોશાનો ઘોડો પાછો આવી ગયો અને સાથે બીજા એક પાણીદાર ઘોડાને સાથે લેતો આવ્યો તેના નસીબ ઊઘડી ગયા. ફરી લોકો ભેગા થયા અને વૃદ્ધની પાસે જઈને ખુશાલી વ્યક્ત કરી કે તમે તો ખૂબ નસીબદાર. તમારો ઘોડો તો પાછો આવી ગયો અને તમને વધુ એક ઘોડો મળ્યો. વૃદ્ધે કહ્યું: આમાં હરખાવા જેવું કશું નથી. ભાગ્યમાં હતું તે થયું અને સારાને માટે થયું કે ખરાબના માટે કોને ખબર છે? લોકોને એમ થયું કે આ માણસને વતાવવા જેવો નથી. આપણે તેના સારા માટે જઈએ છીએ અને તે આપણને આવી બધી વાત કરીને તગેડી મૂકે છે. અને થયું પણ એવું કે ડોશાના દીકરાને ઘોડેસવારીનો શોખ હતો અને નવા ઘોડા પર સવારી કરવા જતા ઘોડો ભડક્યો અને તે નીચે પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. વળી પાછા લોકો તેને દિલાસો આપવા આવ્યા કે બહુ ખોટું થયું. જુવાનજોધ દીકરાનો પગ ભાંગી ગયો. આ ઘોડાને હવે બાંધી રાખવો સારો. ડોશાએ કહ્યું આમાં ચિંતા કરવા જેવું નથી. બનવાકાળ બની ગયું. પ્રભુની કૃપા હશે તો આ દુ:ખ પણ ભુલાઈ જશે અને સારાવાના થઈ રહેશે. થોડા વખતમાં રાજાનો હુકમ આવ્યો કે દુશ્મનોએ ચડાઈ કરી હોવાથી બધા જુવાનોએ લશ્કરમાં જોડાવાનું છે. રાજાના માણસો ગામના બધા યુવાનોને ઉપાડી ગયા. ડોશાના દીકરાનો પગ ભાંગી ગયો હતો એટલે તેને આમાંથી મુક્તિ મળી. યુદ્ધમાં ગામના કેટલાય યુવાનો હોમાઈ ગયા. ડોશાનો દીકરો બચી ગયો. ડોશાએ ગામના લોકોને કહ્યું: જીવનમાં જે કાંઈ બને છે તે સારાને માટે બને છે એમ માની ચાલવું. કોને ખબર છે કાલે શું થશે. નાહકના દુ:ખી થવાથી શો ફાયદો? આ કથાનો સાર એ છે કે પરિસ્થિતિ જેવી આવે તેવી સ્વીકારી લેવી ભાવિના ગર્ભમાં શું રહેલું છે તેની આપણને કશી ખબર નથી. ખોટો કચવાટ કરવાથી કે દુ:ખ અનુભવવાથી આપણને જ નુકસાન થાય છે, જે માણસ બીજાનું બૂરું ઈચ્છતો નથી અને પ્રભુના પરમતત્ત્વમાં જેને વિશ્ર્વાસ છે. તેના જીવનમાં ભલે ગમે તેટલી કપરી પરિસ્થિતિ આવે તે ડગમગશે નહીં. મુસીબતો સામે પહાડની જેમ ઊભો રહેશે. મુશ્કેલીને પહોંચી વળવાનો મક્કમ ઈરાદો જેમની પાસે હોય તેને આવા ક્ષણિક દુ:ખો પરેશાન કરી શકતા નથી. કાંટાની સાથે પુષ્પો હોય છે. રણ હશે તો ક્યાંક હરિયાળી પણ હશે, પરંતુ આ માટે અપ્રતિમ ધૈર્ય પ્રભુ-પરમાત્મા પ્રત્યે વિશ્ર્વાસ હોવો જરૂરી છે. પ્રભુની કૃપા અપરંપાર છે, પણ તેને ઝીલતા આવડવું જોઈએ. જીવનમાં સરળ અને સહજ રહેવું, ખોટું અભિમાન કરવું નહીં. કબીરે જેમ કહ્યું છે તેમ... કબીર ગર્વ ન કીજીએ રંક ન હસીએ કોઈ હજુ નાવ સમુદ્રમેં કયા જાને કયા હોય |
Sunday, January 24, 2016
દુ:ખને દૂર કરવાનો ઉપાય તેનો સહર્ષ સ્વીકાર- મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
Simhastha Ujjain is biggest kumbh mela in India, Which celebrate in every 12 years in Ujjain Mahakal Nagari, MadhyaPradesh.Get all mela information, dip dates, news, event news and security option updates on simhasthaujjain.co.in
ReplyDelete