Sunday, January 10, 2016

ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર - મહેન્દ્ર પુનાતર

ઈશ્ર્વરે સુખ બનાવ્યું, માણસે દુ:ખ ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


મનુષ્યનું જીવન ઘડતર તેના સંસ્કારો પર આધારિત છે. શિક્ષણ અને ધર્મ સારા સંસ્કારોનું સિંચન કરે છે. તેના પરથી તેની મનુષ્યતા અને રીતભાતનો ખ્યાલ આવે છે. સંસ્કારી માણસ પોતાના કરતા બીજાનો વધુ વિચાર કરે છે. તે બીજા પ્રત્યે વિનય અને વિવેક જાળવશે, સહિષ્ણુ બનશે અને કોઈ પણ જાતનું ખોટું કામ કરશે નહીં અને સર્વ પ્રત્યે આદર રાખશે અને પોતાના થકી બીજાને દુ:ખ ન પહોંચે તેનો ખ્યાલ કરશે. સંસ્કારની શરૂઆત ઘરમાંથી થાય છે. ઘરમાં જેવું વાતાવરણ હોય તે રીતે બાળકનું ચારિત્ર નિર્માણ થાય છે. આમાં શાળા અને વિદ્યાલયો તેમજ સારી સંગત પણ મહત્ત્વની બની રહે છે. આ ઉપરાંત ઘરમાં ધર્મનો માહોલ હોય તો તેનાથી સંસ્કારનો પાયો વધુ મજબૂત થાય છે. મનુષ્યની સંસ્કારિતા તેના સમગ્ર જીવનનો નિચોડ છે. તેમાં તેની બહુર્મુખી પ્રતિભાના દર્શન થાય છે. સંસ્કાર દેખાદેખી કે અનુકરણમાંથી આવે નહીં. માણસનું આ સ્વયંભૂ વ્યક્તિત્વ છે. ખરા અર્થમાં કહીએ તો માણસનો આ સ્વભાવ છે. તેનાથી માણસની સાચી ઓળખ થાય છે. સંસ્કાર વગરનો માણસ ગમે તે રીતે વર્તે છે. તે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર કરતો નથી.

માણસ પોતાના અંગત માહોલમાં અને બહારની દુનિયામાં કેવો છે તેના પરથી તેના સંસ્કારનું માપ નીકળે છે. બહુધા માણસ બહારની દુનિયામાં વધુ સંસ્કારી અને સજ્જન દેખાય છે પણ તેના અંગત જીવનમાં તે એટલો સંસ્કારી અને સારી રીતભાતવાળો બની શકતો નથી. સંસ્કાર અને સજ્જનતા પણ કેટલીક વખત દેખાવ બની જાય છે. કેટલાય એવા માણસો છે જેઓ બહાર સારા સજ્જન દેખાય છે પણ ઘરમાં ઉપદ્રવ મચાવીને ઉદ્ધત વર્તન કરતા હોય છે. આ મુખવટો છે. ખરો સમય આવે છે ત્યારે આ મુખવટો ઉતરી જાય છે. મૂળભૂત સ્વભાવ જે હોય છે તે લાંબા સમય સુધી છૂપો રહી શકતો નથી. માણસ આખી દુનિયા સાથે મીઠાશથી વર્તતો હોય, પરંતુ નિકટના પ્રિયજનો અને ખાસ કરીને પત્ની સાથે કઠોર બનતા અચકાતો નથી. તેના કારણે ઉષ્માભર્યા સંબંધોમાં ઘસારો પહોંચે છે. આપણે ત્યાં માની લેવામાં આવ્યું છે કે જેની સાથે અંગત સંબંધ હોય તેની સાથે ગમેતેમ વર્તી શકાય. તેની પર આધિપત્ય જમાવી શકાય. ઘરમાં કલહ, કંકાસ, ઝઘડાનું મૂળ કારણ સંસ્કારનો અભાવ છે. સંબંધોમાં પ્રેમ અને સંવેદનશીલતા ઓછું થવાનું કારણ ટૂંકા સ્વાર્થ છે. સ્વાર્થ આવે એટલે સંસ્કારો રહેતા નથી. માણસ નીચલી કક્ષાએ ઉતરી જાય છે.

કોઈ પણ પ્રજાના સંસ્કાર તેની રીતભાત જોયા વગર મૂલવી શકાય નહીં. બીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ હોય અને પોતાના કરતા બીજાનો ખ્યાલ મનમાં રહે તો તેનો ધબકાર અનોખો હોય છે. સંસ્કાર એટલે માણસ માણસ વચ્ચેનો વહેવાર વધુ સરળ અને ઉષ્માભર્યો બને એવો પરસ્પરનો અભિગમ. આપણે ત્યાં સત્ય, અહિંસા, અનુકંપા, દયા વગેરે અંગે સૂક્ષ્મ વિચારો અને ચર્ચાઓ થાય છે પણ તેનો અમલ કઈ રીતે કરવો, આ અંગે કેવી રીતે સભાન રહેવું તેની આપણે બહુ પરવા કરતા નથી. બધાને જે કાંઈ સારું છે તે ગમે છે પણ તેના માટે પ્રયાસ કરવો નથી. આપણા કરતા બીજા સારા બને તેની વધુ ચિંતા છે. મનુષ્ય સંબંધમાં કઈ રીતે ઓછામાં ઓછો ઘસારો લાગે અને સારા સંસ્કારો જીવનમાં કઈ રીતે વણાઈ જાય તેના પર આપણું સામાજિક જીવન અને નૈતિકતાનો આધાર છે જ્યાં આપણને કશો ફાયદો થવાનો ન હોય એવી પરિસ્થિતિમાં નાનામાં નાના માણસ સાથેનું આપણું વર્તન કેવું છે એ આપણા સંસ્કારોની કસોટી છે. આપણે આપણા હાથ નીચે કામ કરતા માણસો, નોકરો, ઘરકામ કરનારાઓ સાથે કેવો વર્તાવ રાખીએ છીએ તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કોઈને આપણે કામ માટે પૈસા આપીએ છીએ તેનાથી તેની સાથે ગમે તેમ વર્તવાનો કે તેનું અપમાન કરવાનો આપણને અધિકાર મળી જતો નથી. સંસ્કાર એટલે માણસના મૂળભૂત તત્ત્વમાં વિશ્ર્વાસ આપણા વહેવાર અને અભિગમથી સાચો માણસ જેટલે અંશે પ્રસન્ન થાય તેટલી આપણી સંસ્કારિતા. કામનું દબાણ, તંગદિલી અને ચિંતાના વાતાવરણમાં પણ સંસ્કારો ભૂલાવા જોઈએ નહીં.

જીવન વહેવારમાં સ્વાર્થ અને સંકુચિત ભાવનાના કારણે મનની મોકળાશ જેટલી હોવી જોઈએ તેટલી રહી નથી. આપણા મનમાં કાંઈક હોય છે અને કરતા કાંઈક બીજું હોઈએ છીએ. દંભ આપણી પ્રકૃતિનો પ્રાણ બની ગયો છે. આપણને પોતાને શું લાગે છે તેના કરતા બીજાને કેવું લાગશે તેની વધુ ફિકર છે. દંભના કારણે સત્યનો ભોગ લેવાયો છે અને જુઠો વહેવાર ચાલે છે. દંભના કારણે માણસ જેવો છે તેવો દેખાતો નથી. જીવનમાં ખોટો દોરદમામ અને ખોટો દેખાવ સરળતા ને સાહજિકતાને હણી નાખે છે અને માણસ વધુ કઠોર, ડઠ્ઠર અને અસંવેદનશીલ બને છે.

ધર્મના સિદ્ધાંતો અને નીતિનિયમોનું સાચું અનુસરણ જીવન જીવવાનો માર્ગ ચિંધે છે અને સંસ્કાર પ્રેરે છે. સાચો ધાર્મિક માણસ અસંસ્કારી, સંકુચિત અને દંભી હોઈ શકે નહીં. તે ખુલ્લા મનવાળો, સહૃદયી અને ઉદારમતવાદી હોવો જોઈએ. ધન, દોલત અને સંપત્તિની આસક્તિ કરતાંય વિચારોની આસક્તિએ ઘણા અનર્થો સર્જ્યા છે. હું કરું એ જ સાચું બીજું બધું નકામું એવી સંકુચિત વિચારધારાએ ઘણી આફતો ઊભી કરી છે. આમાંથી ધર્મના નામે ઝનૂન ઊભું થાય છે અને માણસ શેતાન જેવો બની જાય છે. વિચારોની ઉદારતા એટલે મનુષ્યની સભ્યતા, જે માણસનું મન ઉદાર છે તે જ નિર્ભય બની શકે છે.

સમયની સાથે આજે દુનિયા બદલાઈ ગઈ છે. સંસ્કાર અને સંસ્કૃતિ સામે અનેક પડકારો ઊભા થયા છે. આજે માણસનું મૂલ્ય તેનાં સંસ્કારો અને માનવતાથી નહીં, પરંતુ તેની પાસે રહેલી ધન દોલત અને સત્તા-સંપત્તિથી અંકાય છે. ભૌતિક વસ્તુઓની બોલબોલા છે. દુન્યવી સુખો પાછળ આંધળી દોટે માણસને માણસ રહેવા દીધો નથી. આજનું જીવન આધી, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલું છે. ક્રોધ, માન, માયા અને લોભથી બચવા માટે મૈત્રી, પ્રેમ, કરુણા અને માનવમૂલ્યોને વધુ પ્રસરાવવાની જરૂર છે. સારું જોવું, સારું સાંભળવું અને સારું કરવું અને મન, વચન અને કર્મથી કોઈને દુ:ખ ન પહોંચે તેવું વર્તન રાખવું એ મનુષ્યતાનો સર્વોત્તમ વિજય છે અને ધર્મનો સાર છે. માણસ નમ્ર, નિખાલસ અને સરળ બને તો મોટાભાગની વિટંબણાઓ દૂર થઈ જાય. આ અંગે એક બોધ કથા પ્રેરક છે.

પરમેશ્ર્વરે જ્યારે જીવનનું નિર્માણ કર્યું ત્યારે માનવી પોતાની બંને આંખે સારી વસ્તુઓ જોતો હતો, બંને કાને સારી વાતો સાંભળતો હતો અને બંને હાથે સારા કાર્યો કરતો હતો. આથી શેતાન સાવ નવરો બની ગયો હતો.

એક દિવસ શેતાન ઉજ્જવળ સ્વરૂપ ધારણ કરીને માનવી પાસે ગયો અને કહ્યું: તમે કેવા ગાંડા લોકો છો. શું એક આંખે દેખાતું નથી, એક કાને શું સંભળાતું નથી, એક હાથે શું તમે કામ કરી શકતા નથી. જ્યાં એકની જરૂર છે ત્યાં બેનો ઉપયોગ કરો છો તેમાં શું મૂર્ખતા નથી?

માણસને શેતાનની વાત ગળે ઉતરી ગઈ. બસ ત્યારથી તે એક આંખે જોવા લાગ્યો, એક કાને સાંભળવા લાગ્યો અને એક હાથે કામ કરવા લાગ્યો.

આનું પરિણામ એ આવ્યું કે બીજા અંગનો કબજો શેતાને લઈ લીધો. પછી માણસની આંખોએ સારા સાથે નરસું જોવા માંડ્યું. એના કાને સાચાની સાથે ખોટું સાંભળવાનું શરૂ કર્યું અને તેના હાથ સત્કર્મની સાથે પાપકર્મ કરવા માંડ્યા.

અને પછી તો માનવી એટલી ભૂલભૂલામણીમાં પડી ગયો કે સારામાંથી નરસું અલગ કરવામાં અને સત્યમાંથી જૂઠ તારવવામાં પડી ગયો અને દંભે સત્યનો આંચળો ઓઢી લીધો.

ઈશ્ર્વરે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસ આનંદપૂર્વક જીવી શકે એવી તમામ સુવિધા આપી હતી. પ્રકૃતિના હર તત્ત્વમાં જીવન ધબકતું હતું, પરંતુ માણસે સુખની વધુ પડતી ખોજમાં પ્રકૃતિ સાથે ચેડાં કર્યા અને કુદરતી તત્ત્વોનો વિનાશ કર્યો. પ્રકૃતિ બદલવાની સાથે માણસ બદલાઈ ગયો. આચાર-વિચાર અને સંસ્કાર બદલાઈ ગયા. વિજ્ઞાને અને નવી નવી શોધોએ માણસને સુખ-સગવડતાના અનેક સાધનો આપ્યા પણ શાંતિ છીનવી લીધી. ઈશ્ર્વરે અર્પણ કરેલી સુંદર ભેટને માનવીએ કેવી વિકૃત કરી નાખી છે તેનું કોઈ દાર્શનિકે સુંદર નિરૂપણ કર્યું છે.

ઈશ્ર્વરે પૃથ્વી બનાવી, માણસે પૈસા

ઈશ્ર્વરે પ્રકૃતિ બનાવી, માણસે સંસ્કૃતિ

ઈશ્ર્વરે ભૂગોળ બનાવી, માણસે ઈતિહાસ

ઈશ્ર્વરે રણ બનાવ્યું, માણસે રણાંગણ

ઈશ્ર્વરે પથ્થર બનાવ્યા, માણસે મૂર્તિ

ઈશ્ર્વરે પાણી બનાવ્યું, માણસે શરબત

ઈશ્ર્વરે અવાજ બનાવ્યો, માણસે નામ

ઈશ્ર્વરે માટી બનાવી, માણસે કાચ

ઈશ્ર્વરે ભૂખ બનાવી, માણસે રોટી

ઈશ્ર્વરે સુખ બનાવ્યું, માણસે દુ:ખ

ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર.

No comments:

Post a Comment