Sunday, January 17, 2016

આજે પ્રામાણિકતાનો બજારભાવ શું છે?-ચંદ્રકાંત બક્ષી



આ દેશમાં પ્રામાણિકતાની કોઈ કિંમત છે? આ દેશમાં નૈતિક જવાબદારી નામની કોઈ વસ્તુ આપણા ધર્મે શીખવી છે? મનુષ્ય અને કીડા-મકોડા કે બિલાડાં-કૂતરાંની વચ્ચે આપણી સંસ્કૃતિ ક્યાં ભેદરેખા દોરે છે?


ચંદ્રકાંત બક્ષી - બક્ષી સદાબહાર 


ગલી મુદુકૃષ્ણમ્મા નાયડુ એક એવું નામ છે કે વાચક પૂરું વાંચવાનું પણ કષ્ટ કરે નહીં. એ આંધ્ર પ્રદેશના શિક્ષામંત્રી હતા. દસ વર્ષ સુધી રાષ્ટ્રવિજ્ઞાન અને વ્યાવસાયિક કાનૂનના પ્રોફેસર હતા. તેલુગુ દેશમ્ સરકારના આ ૪૦ વર્ષના શિક્ષામંત્રીએ એક દિવસ તેલુગુ દૈનિક ‘ઉદયમ્’માં એસ.એસ.સી. પરીક્ષાનો ગણિતનો આખો પ્રશ્ન પત્ર છપાયેલો જોયો. નાયડુને લાગ્યું કે આ કદાચ મહત્ત્વના પ્રશ્નો  અપાયા હશે. અગિયાર વાગે બંડલો ખૂલ્યાં ત્યારે પ્રશ્ન પત્ર એ જ હતો! બપોરે બે વાગે પ્રોફેસર નાયડુએ એમના પી.એ. સાથે મુખ્યમંત્રીને ત્યાગપત્ર મોકલી આપ્યું. નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષામંત્રી નાયડુએ ત્યાગપત્ર આપ્યું હતું. રિપોર્ટરોને મળ્યા વિના અંદરના રૂમમાં જઈને નાયડુએ રડી લીધું - એમને ત્રણ સંતાનો છે.

પ્રો. નાયડુએ કહ્યું: ‘ત્રણ વર્ષથી એસ.એસ.સી. અને ઈન્ટરની પરીક્ષાઓ મેં બરાબર લીધી હતી. પહેલા ૭૫ દિવસો પછી પરિણામો પ્રક્ટ થતાં હતાં. મેં ૩૦ દિવસોમાં પરિણામો જાહેર કરાવ્યાં. આજે પ્રશ્ન પત્ર ફૂટી ગયો છે. કોઈક જુનિયર અફસરને સસ્પેન્ડ કરીને હું મારી જવાબદારીમાંથી ભાગી જવા માંગતો નથી.’

મુંબઈ વિશ્વ વિદ્યાલયનાં પેપરોના આજકાલ રોજ ગોટાળા આવતા રહે છે. રાજ્યકક્ષાના ગુજરાતી શિક્ષણમંત્રી ચંદ્રિકા કેનિયા આ મુદ્દા પર રાજીનામું આપી રહ્યાં છે એવી કોઈ અફવા આવે તો માનશો નહીં! રાજીનામાં આપનારા માણસોની આંખો સાફ હોય છે અને આંગળીઓમાં તાકાત હોય છે. એ ઊંચા માણસો હોય છે.

અને પ્રશ્ન  એ જ સનાતન ધ્રુવપ્રશ્ન  છે: આ દેશમાં પ્રામાણિકતાની કોઈ કિંમત છે? આ દેશમાં નૈતિક જવાબદારી નામની કોઈ વસ્તુ આપણા ધર્મે શીખવી છે? મનુષ્ય અને કીડા-મકોડા કે બિલાડાં-કૂતરાંની વચ્ચે આપણી સંસ્કૃતિ ક્યાં ભેદરેખા દોરે છે? અંગ્રેજ રૉબર્ટ ક્લાઈવે હિંદુસ્તાન જીતવાનો મર્મ સમજાવતાં અઢારમી સદીમાં લખ્યું હતું કે આ દેશમાં માણસને ખરીદી શકાય છે, દરેક માણસની એક કિંમત છે - એ કેટલું સાચું છે? પ્રતિષ્ઠાનમાં કામ કરનાર અફસર કે સંસ્થાનમાં નોકરી કરતાં કર્મચારીની નૈતિક સિદ્ધાંતો માટે ખુવાર થતા રહેવાની હેસિયત કેટલી? પ્રામાણિકતાનો શું બજારભાવ છે?

જોશ મલીહાબાદીએ તંગ થઈને લખ્યું હતું: ‘આહ, અય ટેગોર તૂ ક્યોં હિન્દ મેં પૈદા હુઆ’! હમણા સુપ્રીમ કોર્ટના જજ સવ્યસાચી મુખર્જીએ હીરાના નિકાસકર્તાઓ અને સૂકા મેવાવાળાઓની પિટિશનો પહેલાં લઈ લેવા માટે સુપ્રીમ કોર્ટને પણ ખખડાવી નાખી હતી. ગરીબોની હજારો અરજીઓને બાજુમાં રાખીને સુપ્રીમ કોર્ટને હીરાવાળાઓને સત્વર ન્યાય આપવાની ચિંતા કેમ થઈ ગઈ? ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો છે - લાગતાવળગતા, બાંધછોડ, લાગવગ! ‘લાગ’ જોઈને ‘વગ’ લગાડે એ લાગવગિયો કહેવાય? આવા શબ્દો બહુ ઓછી વિદેશી ભાષાઓમાં હશે. સ્વેચ્છાએ શહીદ થનાર કે સંન્યાસી થઈ જનાર ઈમાનદાર સામાન્ય માણસ વિશે હંમેશા ચૂપ રહેવાનો રિવાજ છે?

લાલબહાદુર શાસ્ત્રીએ ૧૯૫૬ના નવેમ્બરમાં રેલવે મંત્રી તરીકે રાજીનામું આપ્યું - મદ્રાસ તુતીકોરીન એક્સપ્રેસ મરૂધ્યાર નહેરમાં પડી ગઈ હતી અને ૧૫૪ માણસો મરી ગયા હતા. એક એવી વાત છે કે શાસ્ત્રીને ગૃહમંત્રી બનાવવા હતા એટલે નહેરુએ રાજીનામું અપાવીને છ મહિના પછી એમને ચૂંટણીમાં ઊભા કરીને વધારે જવાબદાર હોદ્દો આપ્યો હતો. જોકે શાસ્ત્રીની ઈમાનદારી વિશે જનતામાં બે મત નથી. મુંબઈ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ગોરે તત્કાલીન મુખ્યમંત્રી પાટીલ નિલંગેકરની શેહમાં આવ્યા વિના સ્વમાની રહ્યા, ત્યાગપત્ર આપી દીધું પણ એમની પ્રામાણિકતાની આગમાં મુખ્યમંત્રી નિલંગેકર અને રાજ્યપાલ કોના પ્રભાકરરાવ બંને ખતમ થઈ ગયા. મસૂરીની આઈ.એ.એસ. તાલીમાર્થીઓની કૉલેજના અધ્યક્ષ અપ્પુએ આ જ કારણસર ત્યાગપત્ર આપ્યું હતું અને આખી કેન્દ્ર સરકાર ખળભળી ગઈ હતી એ વખતે ગૃહમંત્રી ઝૈલસિંઘ હતા! પ્રામાણિકતા માણસની અંદરથી આવતી હોય છે, મંડીમાં મળતી નથી. આરિફ મોહમ્મદ ખાનની હોય કે વિશ્વ નાથ પ્રતાપસિંહની હોય, એનો ‘રંગ’ ધવલગિરિ જેવો શુભ્ર હોય છે, હોવો જોઈએ.

૧૯૮૭ કૌભાંડી હિન્દુસ્તાનમાં સાવિત્રીઓ જ સત્યવાનોને વેચી આવે છે. ઈમાનદાર અફસર ભૂરેલાલને ફેંકી દેવામાં આવ્યા છે, એ અર્થ મંત્રાલયમાં ઍન્ફોર્સમેન્ટના ડિરેક્ટર હતા. આટલો બધો પ્રામાણિક માણસ ખતરનાક છે! અરુણ ભાટિયા નામના એક યુવા આઈ.એ.એસ. અફસરે મહારાષ્ટ્રના સરમાયાદાર - જમીનદાર તત્ત્વોને પર્દાફાશ કરવા માંડ્યા હતા. અંજામ શું આવ્યો? એ આજે આફ્રિકામાં એક ભાડૂતી જૉબમાં સડી રહ્યા છે! તમિળનાડુમાં ગુરનિહાલસિંઘ પીરઝાદા નામનો એક અત્યંત સક્ષમ યુવા શીખ અફસર હતો. એણે ભૂમિહીનોને જાગીરદારોની વેઠિયાગીરીમાંથી મુક્ત કરવા કોશિશ કરી - સિંઘને ટ્રાન્સફરો કરી કરીને હાલહવાલ કરી નાખ્યો, અંતે શીખ-ત્રાસવાદીઓ સાથે એનાં સગાંઓ સંકળાયેલા છે એવા આભાસી આરોપ પણ એની સામે ઊછળવા લાગ્યા! રાજસ્થાનના વરિષ્ઠ અફસર બ્રિજરાજ બહાદુર ૧૯૫૨થી આઈ.એ.એસ.માં હતા. ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે જી-જાન પ્રયાસ કરતા હતા. કૌભાંડ ખોલતા રહેતા હતા. મે ૧૯૮૭માં એમને ફરજિયાત નિવૃત્ત કરી નાખવામાં આવ્યા!

નામ દયારામ વ્યાસ મધ્ય પ્રદેશના અન્ન વિભાગમાં ઈન્સ્પેક્ટર હતા. બેનામી વેચાણો, બદમાશીઓ વગેરેને એ ઈમાનદારીથી ખુલ્લાં પાડવાની રાષ્ટ્રસેવા કરતા હતા. ત્રણ વર્ષમાં એમને ચૌદ વાર ટ્રાન્સફર કરવામાં આવ્યા. એક વાર કાઢી મુકાયા. એમણે રિટ-પિટિશન ફાઈલ કરી. હાઈકોર્ટમાં હાર્યા, સુપ્રીમ કોર્ટમાં જીતી ગયા. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ધમકાવી નાખી: વ્યાસની અઢાર માસ સુધી બદલી કરવી નહીં અને એ પછી કાનૂન અનુસાર જ કરવી. પણ આ અઢાર માસ દરમિયાન રાજકારણીઓ - વેપારીઓ - ભ્રષ્ટ અફસરોના ગુટે એમના મોઢા પર ઍસિડ ફેંક્યો! રાજ્ય સરકારનો કર્મચારી સેવા બજાવતાં જખ્મી થયો છે... પોલીસે છ જ માસમાં કેસ બંધ કરી દીધો, એક પણ ગુનેગાર પકડાયો નથી.

નાના માણસનું શું ભવિષ્ય છે હિંદુસ્તાનમાં? શંકરદાસને દિલ્હી મિલ્ક સ્કીમે ૨૧ વર્ષ પહેલાં કાઢી મૂક્યો. બે વર્ષના એકમાત્ર પુત્ર અનિલની અંત્યેષ્ટિ ક્રિયા માટે કૅશમાંથી પાંચસો રૂપિયા લેવા માટે એની નોકરી ગઈ, પત્ની પડી ગઈ, જડબું તૂટી ગયું, નવ વર્ષની દીકરી આંધળી થઈ ગઈ... ન મરવા માટે માણસ પાસે કેટલી તાકાત જોઈએ? દિલ્હીના નિહાલસિંહને માર્ચ ૧૯૫૯માં સસ્પેન્ડ કરવામાં આવ્યો - એ પહેલાં એની ૨૪ વર્ષની નોકરી થઈ ચૂકી હતી અને નિષ્ઠા તથા વફાદારીનાં અનેક પ્રમાણપત્રો મળી ચૂક્યાં હતાં. એણે ૨૬ ફાઈલોમાં ૪૩ લાખનાં જમીન-કૌભાંડો શોધી કાઢ્યાં હતાં - અને એની સામે મામલા-મુકદ્દમા ઠોકી દેવામાં આવ્યા. ૧૫ વર્ષ સુધી ખૂન ચુસાઈ ગયા પછી નિહાલસિંહને ૧૯૭૩માં મુક્તિ મળી.

હિન્દુસ્તાનમાં સામાન્ય નાગરિકને પ્રામાણિક થવું પોષાતું નથી. મોહનદાસ ગાંધીએ લખ્યું હતું: ‘જે પ્રતિષ્ઠાન ગુંડાઓ દ્વારા કામ કરાવવાની ચેષ્ટા કરશે એના અધ્યક્ષો છેવટે ગુંડાઓ જ બની જવાના.’ કદાચ જગતના સૌથી પ્રામાણિક ગુંડાઓ ભારતવર્ષમાં જ હશે!

No comments:

Post a Comment