Friday, January 22, 2016

આઝાદી પછીની ગુલામી -ચંદ્રકાંત બક્ષી



આ વાતો આઝાદી પછીની ગુલામી મનોવૃત્તિના દિવસોની છે. અંગ્રેજ આપણો માલિક હતો, આપણો રાજા હતો એ ભાવનામાંથી મુક્ત થતાં પણ વર્ષો લાગેલાં... ગોરી ચામડી સામે ઝૂકી જવાની દાસવૃત્તિ ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલી


ચંદ્રકાંત બક્ષી - બક્ષી સદાબહાર


માર્શલ ટીટો પ્રથમ વાર ભારત આવ્યા ત્યારે એમને માટે સ્પેશિયલ ટ્રેન વાપરવામાં આવેલી જેમાં એ ફરેલા!! ચીનના ચાઉ-એન-લાઈ માટે ખાસ નૈનિતાલથી લીચી ફળો મગાવ્યાં હતાં, કારણ કે એમને એ બહુ ભાવતાં હતાં. નહેરુ ઈંગ્લેન્ડ ગયા ત્યારે બર્નાર્ડ શૉ માટે હાફુસ કેરીનો કરંડિયો લઈ ગયેલા. ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથને ડિનર આપવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના સરકારી સહભોજનની પ્રથમ વાનગી હતી: બદામનો સૂપ! રશિયાના બુલ્ગાનીન અને ક્રુશ્ર્ચોવ કલકત્તા આવ્યા ત્યારે નગરની સડકો પર રંગોળી ચીતરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ આઈઝનહોવરને માટે મુંબઈથી નર્તકી વૈજયંંતીમાલાને રાષ્ટ્રપતિભવનમાં નૃત્ય માટે આમંત્રવામાં આવી હતી. એ નાચતી અને એના વાળમાંથી ફૂલો ઝરતાં. આઝાદી પછીના નહેરુ યુગમાં અંગ્રેજી અસર ભરપૂર હતી. વિદેશી રાજનેતાને ખુશ કરવા આપણે ભારતીય આતિથ્યનો અતિરેક કરતાં અચકાતા ન હતા. આજે વિદેશી નેતાઓ આવે છે. નવી દિલ્હી, જયપુર, આગ્રા થઈને ચાલ્યા જાય છે. આપણે ડાહ્યા અને સમજદાર થઈ ગયા છીએ. એમની પાછળ પાગલ થતા નથી. ગુલામી મનોવૃત્તિ ઓછી થઈ છે. નેતાઓની પણ નવી પેઢી આવી ગઈ છે જે આંખમાં આંખ નાખીને વાત કરી શકે છે, જલદી અંજાઈ જતી નથી, હિન્દુસ્તાની તરીકે આપણે થોડી ગૌરવગ્રંથિ પણ કેળવી છે. હવે માત્ર ગોરા નેતાઓ જ આવતા નથી. અરબ અને નીગ્રો નેતાઓ પણ આવે છે, કાળા અને પીળા નેતાઓ પણ આવે છે. પૂરી સરકાર એમને લેવા માટે એરપોર્ટ પર જતી નથી. પહેલાં આપણે બહુ ભાવુક થઈ જતા હતા. હવે વ્યવહારુ બન્યા છીએ. ક્યારેય જેલમાં ગયા નથી એવા નેતાઓ, ખાદીનાં ધોતિયાં નહીં પણ સૂટ પહેરેલા નેતાઓ, ચપાચપ અંગ્રેજી બોલી શકનારા નેતાઓ- આ એક ફર્ક આવ્યો છે. ક્યારે વિદેશી નેતાઓ આવે છે અને ચાલ્યા જાય છે એ પણ ખબર પડતી નથી.

પણ ૧૯૫૯માં ઈંગ્લેન્ડની રાણીના પતિ પ્રિન્સ ફિલિપ આવેલા. બે વર્ષ પછી રાણી એલિઝાબેથ ભારત આવેલી. પ્રિન્સ ફિલિપને આપણે બહુ લાડ લડાવ્યા હતા! ચાંદનીમાં તાજમહાલ બતાવ્યો, હવાઈ જહાજમાંથી આખું ભૂતિયું ફતેહપુર સિક્રી બતાવ્યું. જયપુરમાં હાથીઓ પાસે સલામો કરાવી, ઊંટોને ફિલિપ માટે નચાવ્યા, ખુદ જયપુરના મહારાજાએ દસ કિલોમીટર ગાડી ચલાવી. ગુલાબી શામિયાનામાં કાચનાં ઝુંમરોની નીચે ફિલિપનું અભિવાદન કર્યું. જયપુરના ઝવેરીઓએ લીલા ઝેડ પથ્થરના હાથાવાળું પાનાં અને માણેક જડેલું એક ખંજર ભેટ આપ્યું! મહારાજાએ અને ગવર્નરે ફિલિપને સોનાનું મીનાકામ કરેલી, હીરાજડિત રાજપૂત ઘોડેસવારની મૂર્તિ આપી. એના બદલામાં ફિલિપે પોતાનો સહી કરેલો ફોટો આપ્યો! જયપુરની ગર્લ્સ પબ્લિક સ્કૂલની છોકરીઓએ એક સમૂહ-ગાન ગાયું. ‘મહારાણી એલિઝાબેથને અમારી વફાદારીની સ્તુતિ!’ આઝાદી આવ્યા પછી બાર વર્ષે આ મનોવૃત્તિ હતી આપણી...

પછી ફિલિપ મુંબઈ આવ્યા. સરકાર તરફથી પ્રકટ થયેલા આમંત્રણકાર્ડ પર રવીન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ પણ છાપી હતી: ‘ઓહ માતા! આપણા દ્વાર પાસેથી એક રાજકુમાર પસાર થવાનો છે!’

રાજકુમાર અહીંથી ઈલોરા-અજંટાની ગુફાઓ અને મંદિરો જોવા ગયા. એમને માટે ઈલોરાની ૩૪ ગુફાઓમાંથી ત્રણ પસંદ કરવામાં આવી, એક બૌદ્ધ, એક હિંદુ અને એક જૈન! જૈન રામેશ્ર્વર ગુફામાં રાજકુમારને આરામ આપીને બેસાડીને, કોકા-કોલા અને ઑરેંજ સ્કવૉશ ખારા કાજુનો હલકો નાસ્તો કરાવ્યો. આ નાસ્તો અને જલપાન જૈન ગુફાની અંદર જ કરાવવામાં આવ્યાં હતાં!

મદ્રાસની પાસે મહાબલિપુરમમાં અતિથિસત્કાર આગળ વધ્યો. કોઝેરીનાં વૃક્ષોની નીચે લીલાં નાળિયેર લાવ્યા પણ ફિલિપે સોડા પીધી, કારણ કે હિંદુસ્તાની પાણીથી અંગ્રેજ રાજકુમારનું જઠર અપસેટ થઈ જાય તો? ચેટ્ટીનાડ પૅલૅસમાં સમુદ્રકિનારે લંચની વ્યવસ્થા થઈ. રાત્રે ગવર્નર બિષ્નુરામ મેધીએ ડિનર પછી ફિલિપને ભેટ આપેલી વસ્તુઓ આ પ્રમાણે હતી: સોનાના તાર ભરેલું ખાદીનું કપડું, જાતજાતના ઘાસમાંથી વણેલી ચટાઈ, નટરાજનું વિરાટ કાંસાનું શિલ્પ, એક તાંજોર પ્લેટ, ઑક્સિડાઈઝ કરેલાં કાળાં મોતીની બે ઢીંગલીઓ જેના પર દક્ષિણ ભારતીય આભૂષણો હતાં. રોઝવૂડમાં કોતરેલા અને હાથીદાંતથી નકશી કરેલા બે લડતા હાથીઓ, ધર્મકાર્યમાં વપરાતાં ચાંદીનાં વાસણોનો સેટ! ફિલિપે શું આપ્યું એની માહિતી નથી. કદાચ પોતાનો ફોટો આપ્યો હશે...

બે વર્ષ પછી ફિલિપ અને એમના પત્ની રાણી એલિઝાબેથ ભારત આવ્યાં ત્યારે મદ્રાસ સરકારે જે ભેટસોગાદો ધરી એમાંની કેટલીક: મહાબલિપુરમના સમુદ્ર મંદિરનું શંખજીરામાં કોતરેલું મૉડેલ, રોઝવૂડના બૉક્સમાં દક્ષિણ ભારતીય ગોપુરમનું ચાંદીનું મૉડેલ, એક અત્યંત મોંઘી સાડી, એક ઉપવસ્ત્રમ, તિરૂકકુલ ગં્રથની એક પ્રત! રાણીને ડિનર વખતે આનંદ ખાતર ભારતની ચાર પ્રમુખ નર્તકીઓ કમલા, વૈજયંતીમાલા, પહ્મિની અને રાણીએ નૃત્યો કરેલાં...

આ વાતો આઝાદી પછીની ગુલામી મનોવૃત્તિના દિવસોની છે. અંગ્રેજ આપણો માલિક હતો, આપણો રાજા હતો એ ભાવનામાંથી મુક્ત થતાં પણ વર્ષો લાગેલા... ગોરી ચામડી સામે ઝૂકી જવાની દાસવૃત્તિ ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલી.

એલિઝાબેથનું લગ્ન થયું ત્યારે આઝાદી નવી નવી હતી. દુનિયાભરમાંથી બ્રિટનની સમ્રાજ્ઞીને મોંઘી મહામૂલ્ય ભેટ-સોગાદો-તોહફાઓનો ધોધ વહ્યો હતો. જવાહરલાલ નહેરુએ એક મૂલ્યવાન બ્રોકેડની બનારસની સાડી મોકલી હતી. એલિઝાબેથને મળેલી લગ્નભેટોમાં સૌથી સસ્તી અને સૌથી મોંઘી ભેટ વાણિયા મોહનદાસ કરમચંદ ગાંધીએ મોકલેલી. પોતાને હાથે એક મહિનો કાંતેલી ખાદીમાંથી બનાવેલું ટેબલ-કલોથ! કહેવાય છે કે આ ભેટ પ્રાપ્ત કરીને ઈંગ્લેન્ડની મહારાણી થ્રીલ થઈ ગયેલી!

આજે જમાનો બદલાઈ ગયો છે. આપણે પણ સ્વતંત્રતાની મુગ્ધાવસ્થામાંથી પસાર થઈ ચૂક્યા છીએ. આજે આપણાં વર્તમાનપત્રો અને સામયિકો શિકારી કૂતરાઓની જેમ પાછળ પડી જાય છે. ચર્ચાઓ શરૂ કરી દે છે. જાગ્રત પ્રજાવાદનું આ એક લક્ષણ છે.

કલકત્તાથી પ્રકટ થતા ‘સન્ડે’ સાપ્તાહિકના ૩૦ માર્ચના અંકમાં એક રમૂજી વાત છે. વાંચીને ગુજરાતી વાચકો પ્રસન્ન થશે. ૨૨ માર્ચે ભારતીય ભાષા પરિષદના ઉપલક્ષ્યમાં કલકત્તામાં એક કવિમિલન યોજાયું, જેના અધ્યક્ષ હતા આપણા ઉમાશંકર જોષી. ‘સન્ડે’ના પ્રતિનિધિ એસ. એન. અબ્દી લખે છે કે બંગાળી, અસમિયા, ઊડિયા, મણિપુરી અને મૈથિલી ભાષાઓમાં કવિતાપાઠ થયો, પણ ‘ખરો રંગ ઉમાશંકર જોષીએ રાખ્યો.’ અબ્દીસાહેબ લખે છે: ‘એ (ઉમાશંકર જોષી) એક પ્રખ્યાત ગદ્ય- લેખક છે, પણ આ પ્રસંગે એમણે કાર્યક્રમની પૂર્ણાહુતિ રૂપે એક કમાલ કામ, એમના સ્વભાવની વિરુદ્ધનું કર્યું. એમણે પોતાની બનાવેલી એક નાની કવિતા સંભળાવી દીધી!’

આપણા મહાન ‘ગદ્યલેખક’ ઉમાશંકર જોષી પોતે કવિતા પણ લખે છે એ સુખદ આશ્ર્ચર્ય ૧૯૮૦માં અબ્દીસાહેબની જેમ આપણને પણ થઈ રહ્યું છે...!


No comments:

Post a Comment