સારું કામ કરીએ તો પુણ્ય અને ખરાબ કામ કરીએ તો પાપ. સારું શું અને ખરાબ શું? એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે. ઈશ્ર્વરને પામવા માટે પણ ઉધામા કરવાની જરૂર નથી, પણ અધર્મથી બચવાનું છે. જીવનમાં જો ખોટું નહીં થાય તો સાચું એની મેળે આવી જશે. ધર્મ તો જીવન જીવવાની કલા છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવનમાં આપણને શેની ઈચ્છા છે? શું જોઈએ છે? માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છે. પછીનાં જે વર્ષો મળે છે એ નફાનાં હોય છે. નફાને નુકસાન ગણીને ચાલીએ તો દુ:ખી થઈએ. જીવનમાં આ વર્ષોમાં પણ જંજાળ ન છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંત સમયે અફસોસ કરીએ તો કેમ ચાલે? આપણે શા માટે જીવીએ છીએ. ધન એકઠું કરવા માટે? સંતાનોને સલાહ આપવા માટે? કીર્તિ અને પ્રસિદ્ધિ માટે? હજુ ક્યાં માન-ચાંદ મેળવવાનાં બાકી છે. અત્યાર સુધી જે જીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતું? પ૦ કે ૬૦ની ઉંમરના આરે પહોંચેલા દરેક માણસે આ પ્રશ્નો પોતાની જાતને પૂછવા જોઈએ અને વિચાર કરવો જોઈએ. શરૂઆતનાં વર્ષોમાં ધન, પદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામા કરવાના હતા તેટલા કરી નાખ્યા અને જીવનનાં કીમતી વર્ષો ગુમાવી દીધાં. હવે થોડું આપણા માટે જીવીએ. મસ્ત બનીને રહીએ. જે આપણને મળ્યું છે અને જે આપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએ. તેનો આનંદ માણીએ અને સંતોષથી રહીએ. ચિંતા, ભય અને રાગદ્વેષ છોડી દઈને અંતરમાં ડોકિયું કરીએ. બધાં કામો યોગ્ય સમયે કરી નાખવાનાં હોય છે. સમય કોઈના હાથમાં રહેતો નથી. કાલ કદી આવતી નથી. કોઈ પણ સારું કામ કરવાની ઈચ્છા જાગે તો આજે કરી લેવું જરૂરી છે. આજે જે સમય છે અને જે વિચારો છે તે કાલે રહેવાના નથી. સુખને માણવાનો સમય પણ આવતી કાલે આવે કે ન આવે તેની કોઈ ખાતરી નથી. બધું ભેગું કરીને નિરાંતે એકસાથે માણી લઈશું એવો જે વિચાર કરે છે તે બધું ગુમાવે છે. સુખને કટકે કટકે માણવાનું હોય છે. સંપૂર્ણ સુખ કોઈને કદી મળ્યું નથી. એ માટે રાહ જોવી નકામી છે. આજનો લહાવો લઈએ, કાલ કોણે દીઠી છે જેવી આ વાત છે. પ્રતિક્ષણ જગત બદલાયા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે. રંકને રાજા અને રાજાને રંક બની જતાં વાર લાગતી નથી. માણસે વર્તમાન સાથે ચાલવાનું છે. ભૂતકાળ કે ભવિષ્ય કશું કામ આવે એવું નથી. જે વીતી ગયું છે તે ભૂલી જવાનું છે અને જે થવાનું છે તેની કોઈને ખબર નથી તેથી નાહક કલ્પના કરીને દુ:ખી થવાનું કોઈ કારણ નથી. માણસ મોટે ભાગે આજે જે કરવાનું છે તે કાલ પર છોડી દે છે અને ગઈ કાલ જે વીતી ગઈ છે ત્યારે જે કરવાનું હતું તે આજે કરે છે. સમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે અને તે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ભીંસાયા કરે છે. જિંદગીમાં તત્કાળ ભય ઊભો થાય છે ત્યારે માણસ સાવધ અને સભાન બની જાય છે. જાતને બચાવવા માટે છલાંગ મારે છે ત્યારે તે વિચાર કરતો નથી કે બચવા માટે આજે છલાંગ મારવાની જરૂર નથી, કાલે ફુરસદે છલાંગ મારીશું. કુદરતે જગતમાં તમામ પ્રાણીઓને આવી આંતરિક શક્તિ આપી છે. માણસ તો વિચારશીલ પ્રાણી છે. સમયની સાથે શક્તિઓ ક્ષીણ થતી જાય છે. જીવનમાં જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે અને જે કાંઈ છોડી દેવાનું છે તેને માટે કાલ કરતાં આજ વધુ મહત્ત્વની છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી માણસે મુક્ત થવાનું છે. જીવન એ સુખદુ:ખની ઘટમાળ છે. સુખ અને દુ:ખનો સમય મર્યાદિત હોય છે, પરંતુ સુખ આપણને ટૂંકું અને દુ:ખ લાંબું લાગે છે, કારણ કે સુખનો સમય આપણને ખ્યાલમાં રહેતો નથી પણ દુ:ખનો સમય હરપળે નજર સમક્ષ રહે છે. સુખને આપણે યાદ રાખતા નથી અને દુ:ખને ભૂલતા નથી. પહેલું સુખ તે જાતે નર્યા. શરીર અને મન સ્વસ્થ હોય, હાથપગ ચાલતા હોય અને બીજાની પાસે હાથ લાંબો ન કરવો પડે તેના જેવું સુખ બીજું કોઈ નથી. આપણે જે કાંઈ મેળવીએ છીએ તે ગઈ કાલે કોઈ બીજાનું હતું અને આજે આપણું છે અને આવતી કાલે તે કોઈ અન્યનુંં હશે. કોઈ એક હારે છે ત્યારે બીજો જીતે છે. મેળવેલું જાય તો પણ શું? તેનો અફસોસ શા માટે? શક્ય છે કે તે પાછું મળી જાય. આપણે કાંઈ લઈને આવ્યા નહોતા અને પાછા કાંઈ સાથે લઈ જવાના નથી. જે કાંઈ છે તેનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો બધું અહીં પડી રહેવાનું છે. તો પછી આ બધી ફિકર શા માટે? જે વસ્તુને જ્યાં સુધી આપણે માણીએ છીએ ત્યાં સુધી જ તે વસ્તુ આપણી છે. તેમાંથી રસ ઊડી જાય ત્યારે તેની કિંમત કોડીની છે. તિજોરીમાં કે બેંકમાં લાખો રૂપિયા પડ્યા હોય, પરંતુ તેને માણી શકાતા નથી. તેના વિચારોથી સુખ અને દુ:ખ અનુભવી શકાય છે. મોટા ભાગનાં સુખો ધારણા અને કલ્પનાના હોય છે. ઝંખનામાં જે સુખ હોય છે એ વાસ્તવિકતામાં હોતું નથી. જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છે: એક જન્મ અને બીજું મૃત્યુ. જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી. કાળને કોઈ રોકી શકતું નથી. દરેક માણસે એક દિવસ અહીંથી જવાનું છે. તો કાળને મિત્ર શા માટે ન બનાવવો? તેનાથી ડરીને શો ફાયદો? અને તેની ચિંતા પણ શા માટે? કૃષ્ણમૂર્તિએ કહ્યું છે તેમ ‘જીવન જેવું છે તેવું સ્વીકારવું એ જ મુક્તિ, એ જ શાંતિ, એ જ મોક્ષ અને એ જ સ્વર્ગ.’ જીવનમાં સારું કામ કરીએ તો પુણ્ય અને ખરાબ કામ કરીએ તો પાપ. કોઈ પણ ખરાબ કામ થાય ત્યારે મનમાં ડંખ ઊભો થાય છે. ખોટા કામ કરવાવાળો માણસ બહારથી મજબૂત દેખાય છે. પણ અંદરથી હલબલી ગયો હોય છે. ખરાબ કામ કરીને, પાપ કરીને કોઈ ચેનથી સૂઈ શકે નહીં. અંદરનો ભય અને ડર તેને સતાવ્યા કરે. સુખ આપણે પોતે પ્રથમ મેળવવાનુું છે. પછી બીજાને આપી શકાય. આપણી પાસે સુખ નથી અને બીજાને આપવાનો પ્રયાસ કરીએ છીએ એટલે સુખ કોઈને પહોંચતું નથી. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તેનો આનંદ માણવો પણ તેના પ્રત્યે આસક્તિ ઊભી થવી જોઈએ નહીં. આ મારું છે એવી ભાવના ઊભી થાય ત્યારે તેમાંથી મુક્ત થઈ શકાય નહીં. કોઈ પણ ચીજ આપણી હતી નહીં, છે નહીં અને થશે નહીં. વસ્તુની પ્રાપ્તિ અને તેના અભાવમાં જે માણસ આનંદ અનુભવી શકે છે તેને સુખને શોધવાની જરૂર નથી. કવિ દલપતરામે કહ્યું છે તેમ ‘એક દિન હાથી, એક દિન ઘોડા. એક દિન પાવ સે ચલનાજી. એક દિન લડ્ડુ એક દિન રોટી એક દિન ફક્કમ ફક્કાજી.’ સારું ખાધું, સારું પીધું સુખ-ચેનથી રહ્યાં. એક દિવસ કોઈ ચીજ ન મળી તેથી શું? જીવનમાં ચલાવી લેતાં પણ શીખવું જોઈએ. સારું યાદ કરવું, સારું વિચારવું અને દરેક સ્થિતિમાં સમભાવ રાખવો તો પાછલી ઉંમરમાં પરેશાની ઓછી થશે અને શાંતિ મળશે. ઈશ્ર્વરને પામવા માટે પણ ઉધામા કરવાની જરૂર નથી. અધર્મથી બચવાની જરૂર છે. અધર્મ ન થાય તો બાકીનું જીવન એની મેળે ધાર્મિક બની જશે. જીવન જીવવાની કલા એ જ ધર્મ છે. ધર્મ પણ આપણને જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. માણસને આનંદપૂર્વક જીવવા માટે સૌથી વધુ જરૂર છે પ્રેમ અને સ્નેહની. પ્રેમ આપ્યા વગર મળી શકે નહીં. જેટલો આપો તેના કરતાં વધુ મળે. ફિયોદોર દોસ્તોયેવસ્કી નામના એક ચિંતકે તેની નોંધપોથીમાં લખ્યું છે કે ‘પ્રેમ હોય તો માણસ સુખ વિના પણ આનંદથી જીવી શકે.’ પ્રેમ એ જીવનની જડીબુટ્ટી છે, તેના વગરનું જીવન નીરસ છે. કેટલાય માણસો પ્રેમના અભાવે સમય કરતાં થોડા વહેલા મરતા હોય છે. જીવનમાં આપણે વ્યર્થ ચીજો પાછળ ફાંફાં મારીએ છીએ. તેમાંથી સુખ શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને છેવટે કશું હાથમાં આવતું નથી. કહેવાતાં ભ્રામક સુખો ઝાંઝવાનાં જળ જેવાં છે. જેમ આપણે નજીક જઈએ તેમ દૂર થતાં જાય છે. બધું ઓછું પડે છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે... રાબિયા નામે એક સૂફી સ્ત્રી થઈ ગઈ. આધ્યાત્મિક ઈતિહાસના પાના પર તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. એક દિવસ દીવાના પ્રકાશમાં રસ્તા પર તે કશુંક શોધવા લાગી. લોકોને આશ્ર્ચર્ય થયું. આવતા-જતા લોકો ત્યાં ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું ખોવાયું હશે! અંધારું વધતું ગયું. શોધ પણ ચાલતી રહી. કેટલાક લોકો મદદે આવ્યા અને તેઓ પણ શોધવામાં લાગી ગયા. કશું હાથમાં નહીં આવતાં એક જણે પૂછ્યું: પણ ખોવાયું શું છે તે તો કહો? રાબિયાએ કહ્યું: સોય ખોવાઈ ગઈ છે. ભાઈ, જુઓને જરા હાથમાં આવે તો. અને બધા ફરી કામે લાગી ગયા. સમય વીતતો ગયો અને લોકો અકળાયા. તેવામાં એક યુવાન ત્યાંથી પસાર થયો અને લોકોની ભીડ જોઈને ઊભો રહી ગયો અને પૂછ્યું શું ખોવાઈ ગયું છે? જવાબ મળ્યો સોય ખોવાઈ ગઈ છે. જડતી નથી. યુવાને કહ્યું: ક્યાં ખોવાઈ ગઈ છે? સૌ એકબીજા સામે જોવા લાગ્યા. કોઈને ખબર નહોતી ક્યાં ખોવાઈ ગઈ છે. આમ છતાં બધા તેને શોધતા હતા. રાબિયાએ કહ્યું: સોય તો મારા ઘરમાં ખોવાઈ ગઈ છે. તો પછી અહીં શા માટે શોધો છો, ઘરમાં શોધોને, યુવકે કહ્યું. રાબિયાએ કહ્યું: ઘરમાં અંધારું છે એટલે અહીં દીવાના પ્રકાશમાં તેને શોધું છું. લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા રાબિયા તું પાગલ થઈ ગઈ છો? જે વસ્તુ જ્યાં નથી ત્યાં ક્યાંથી મળે? હોય ત્યાં જ શોધવી પડે. રાબિયા હસી પડી અને કહ્યું: ભાઈ હું પણ એમ જ કહું છું, પરંતુ તમે ક્યાં મારી વાત માનો છો. ‘સુખ તમે જ્યાં નથી ત્યાં શોધો છો. ધનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, પત્ની-પરિવારમાં, મોજશોખમાં, અભિમાન અને અહંકારમાં તમે સુખને શોધી રહ્યા છો. સુખ તો ભીતરમાં છે પણ ત્યાં અંધકાર છે. અંદર આપણે ઊતરતા નથી. અંતરમાં ડોકિયું કરતા નથી અને સુખની શોધમાં બહાર ભટકી રહ્યા છીએ. પછી સુખ ક્યાંથી મળે? સુખની શોધમાં દુ:ખનાં પોટલાં બાંધી રહ્યા છીએ.’ ભ્રામક સુખોનાં સુવર્ણ મૃગો આપણને લલચાવે છે, ફસાવે છે અને આપણે તેના છટકામાં ફસાઈ જઈએ છીએ. સાચું સુખ નિજાનંદ છે. જીવનમાં યોગ્ય સમયે તરવાનું શીખતા નથી. એટલે અંત સમયે ડૂબવાનો વારો આવે છે. જીવનભર ભરવાની ટેવ છે એટલે ખાલી થઈ શકાતું નથી. ત્યાગ નથી. કાંઈ છૂટતું નથી એટલે ભાર વધી જાય છે. રાગ-દ્વેષ, માન-અભિમાન, ક્રોધ-અહંકાર છોડીને હળવાફૂલ જેવા બની જઈએ તો ગમે તે ઉંમરે જીવન આનંદનો સાગર છે. જાણીતા શાયર તુરાબ હમદમનું એક મુક્તક... ‘ખાલી ખાલી આળ ને પંપાળ છે જિંદગી એ તો બટકણી ડાળ છે આપણા માટે બધું સરખું જ છે ના કદી ધરાર ના ઉલાળ છે.’ |
Tuesday, August 27, 2013
હવે થોડું આપણા માટે મસ્ત બનીને જીવીએ -મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment