ગુડ મોર્નિંગ - સૌરભ શાહ જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા અને વાણિયા તારી મૂછ નીચી, તો આ લે નીચી. આ બે કહેવતો ગુજરાતી પ્રજાની કોઠાસૂઝ અને વેપારવૃત્તિને પ્રગટ કરે છે. દરેક પ્રજા આવું કરતી હોય છે પણ કદાચ જાહેરમાં કબૂલ કરતી નથી. આપણે કબૂલ કરીએ છીએ, કબૂલ કરી શકીએ એટલી પારદર્શકતા છે આપણામાં બીજાઓ નથી કહેતા એનું કારણ એ કે તેઓ મિથ્યા સ્વાભિમાનમાં રાચતા હોય છે. આત્મગૌરવ અને સેલ્ફ એસ્ટીમ બહુ પોલી લાગણીઓ છે, બહુ છેતરામણી પણ છે. આત્મગૌરવ કે સેલ્ફ એસ્ટીમ ખરેખર શું છે અને એ કેટલાં ઉપયોગી છે એ વિશે અહીં ચર્ચા નથી કરવાની, પણ આ બે શબ્દોની આડશ લઈને આપણે એના વિકૃત અર્થને કેવી રીતે વાપરીએ છીએ એની વાત કરવાની છે. નાની નાની વાતોમાં આળા થઈ જવું કે જરાક અમથી બાબતે સેલ્ફ એસ્ટીમની તલવાર તાણવાથી નુકસાન તમને પોતાને થાય છે. માણસે બીજાઓ સાથેના વ્યવહારોમાં નાનાં-મોટાં તથાકથિત કે પછી સાચાં, અપમાનો સહન કરતાં અને જીરવતાં શીખવું પડે. તો જ એ પોતાના ધાર્યા મુકામે પહોંચી શકે. કોઈને મળવા ગયા હો અને અડધો કલાક સુધી એ તમને બેસાડી રાખે કે કોઈને ચાર ફોન કર્યા પછી પણ એ તમને વળતો ફોન ન કરે ત્યારે અપમાનિત થઈને, સેલ્ફ એસ્ટીમ નથી જળવાતી એવું માનીને, ઘાયલ થઈ બેસી રહેવામાં મઝા નથી. નાનાં અપમાનો સહન કરીને, સહેજ જાડી ચામડી કેળવીને, દુનિયાદારીની ભાષામાં કહીએ તો સહેજ નાગા અને નફ્ફટ થઈને જ લોકો પોતાનું ધાર્યું કરી શકતા હોય છે, ટોચ પર પહોંચતા હોય છે. ફરી એકવાર, અહીં તમે નક્કી કરેલા તમારી જાત સાથેના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાની કોઈ વાત નથી. પણ ફાલતુ જેવી વાતોને ઈગોનો ઈશ્યુ નહીં બનાવવાનો એટલી સમજ તમારામાં છે કે નહીં એ સવાલ છે. કૉલેજકાળમાં અમારા એક દોસ્તાર જેવા વડીલ અમને પૂછતાં: ‘કેટલી બહેનપણીઓ છે?’ અમે કહેતા, ‘એક પણ નથી.’ એ પૂછતા, ‘બહેનપણીઓ બનાવવાની. બને એટલી વધારે બનાવવાની. તું કેમ કોઈને પૂછતો નથી કે ચાલ, કૉફી પીવા જઈએ?’ અમે કહેતા, ‘નથી પૂછી શકાતું. ના પાડી દે તો?’ આવો જવાબ સાંભળીને અમારા વડીલ કર્મણ્યે વાધિકારસ્તેના ટપોરી વર્ઝન જેવું વાક્ય અમને સંભળાવતા, ‘પૂછવાનું. દરેકને પૂછવાનું. બહુ બહુ તો ના પાડશે ને.’ આ વાક્ય અમારા હૃદયમાં સોનાના અક્ષરે કોતરાઈ ગયું છે: ‘પૂછવાનું. બહુ બહુ તો ના પાડશે ને.’ અપમાનિત થઈશું એવા કાલ્પનિક ભયથી આપણે કોઈની પાસે કશું જ માગી શકતા નથી: પ્રેમ, પૈસા, ઉષ્મા, મદદ. કશું જ નહીં અને પછી છીએ ત્યાંના ત્યાં રહીને પસ્તાઈએ છીએ. માગ્યા વિના મા પણ પીરસતી નથી એવી પ્રતીતિ હજુય કેટલાય લોકોને નથી થઈ. સોનાની જાળ પાણીમાં શા માટે ફેંકવી? તમે પૂછશો. અમે કહીશું, ભલા માણસ, માછલું જ પકડવું છે ને? તો પછી જાળ શા માટે સોનાની બનાવી? સૂતર કે ગરવારે નાયલોનની જાળથી ચાલી જાત. બીજું, માછલું પકડવું હશે તો જાળ પાણીમાં નાખવી જ પડશે, ખભા પર જાળ મૂકી રાખશો તો માછલાં ઊડીને જાળમાં થોડાં આવવાનાં છે? ગુજરાતી કહેવતો અહીં પણ તમને ટપારે છે: છાશ લેવા જવું ને દોણી સંતાડવી? માગવું. જ્યારે જેની પાસે મન થાય અને જે મન થાય તે માગવું. બહુ બહુ તો ‘ના’ સાંભળવી પડશે. ‘ના’ સાંભળવા મળે તો આપણું અપમાન થયું છે એવું કેવી રીતે માની લેવાય? દુકાનમાં પચ્ચીસ મિનિટ સુધી વિવિધ આઈટમો બતાવનાર સેલ્સમૅનને કોઈ ના પાડીને જાય તો શું સેલ્સમૅન અપમાનિત થઈ ગયો? એવો આળો સેલ્સમૅન શું ધંધો કરી શકવાનો? મિડલ ક્લાસ માનસિકતા ધરાવનારી એંશી ટકા પ્રજા પાસે બીજું કંઈ હોતું નથી એટલે સ્વમાન, સ્વાભિમાન કે સેલ્ફ એસ્ટીમની મહત્તાને બઢાવી ચઢાવીને ફોગટ સંતોષ મેળવી લે છે. આર્થિક રીતે તદ્દન નીચલા સ્તરના લોકોને સતત ધુત્કાર મળ્યો છે. અપમાનિત થઈ થઈને તેઓ રીઢા થઈ ગયા હોય છે. આવા લોકોમાં અંદરખાનેથી કેળવાયેલી સો કૉલ્ડ નફ્ફટાઈને કારણે તેઓ પોતાનું ધાર્યું મેળવવા તમામ પ્રયત્નો કરી શકે છે. જ્યાં સુધી પોતાનું ધાર્યું ન થાય કે ન મળે ત્યાં સુધી ઝઝૂમવાનો ખંત અપમાનો સહન કરવાની તાકાતમાંથી આવે છે. સમાજનો ટોચનો એક ટકા વર્ગ એવો છે જેમણે ક્યારેય અપમાનિત થવાની સ્થિતિમાં મુકાવું પડતું નથી. એમની પાસે એમના લાખો રૂપિયાના પગારદાર મૅનેજરો છે જેઓ ઢાલ બનીને બીજાઓ દ્વારા થતાં અપમાનોનો શૉક ઍબ્ઝોર્બ કરી શકે છે. તેઓ બીજાએ પાડેલી ‘ના’થી સર્જાતાં વમળોને શેઠસાહેબ સુધી ન પહોંચવા દેવાનું સામર્થ્ય ધરાવતા હોય છે. સંતાનોને ‘ના’ સાંભળતાં શીખવવું જોઈએ. માબાપ પાસે સુવિધાઓ હોય તો પણ બાળકોને બધું જ આપી દેવાની હોંશથી બચવું જોઈએ. માગવા છતાં નહીં મળે એવી પરિસ્થિતિ સાથે કેવી રીતે ડીલ કરવું એની તાલીમ બાળપણથી જ એમને આપવી જોઈએ. વંચિત હોવું એટલે શું, અભાવ એટલે શું એની વહેલાસર જાણ થઈ જવી જોઈએ. ભવિષ્યમાં થનારાં અપમાનો પછી પણ પ્રયત્નો પડતાં મૂકવાના નથી એવી સમજ જેટલી જલદી આવે એટલું સારું. અપમાનો સહન કરી લેવાની વાત તમને કોઈ નહીં કહે. એટલું જ નહીં, અપમાનો સહન કર્યા પછી પણ તમે સતત પ્રયત્નો કરતા હશો તમે, તમને તેઓ નફ્ફટ કહેશે, નાગા પણ કહેશે. અને તમારી જગ્યાએ તેઓ પોતે હશે તો શું કહેશે પોતાને? ખંતીલા, નિરાશ નહીં થનારા, સતત પ્રયત્નશીલ. અને? અને કરોળિયાની જેમ સાતવાર ભોંયભેગા થયા પછી પણ આઠમી વાર પ્રયત્ન કરનારા! |
Friday, August 2, 2013
સોનાની જાળ પાણીમાં નાખવી કે ન નાખવી? - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment