કાંઈક સારું કરીએ અને તેનો ભાર માથા પર ઊંચકીને ફર્યા કરીએ તો તે ઘંટીના પડની જેમ ગળે વળગી રહે છે. કીર્તિ, પ્રસિદ્ધિ અને પ્રશંસાના મોહમાંથી છટકવાનું મુશ્કેલ છે. બીજાના માટે કંઈક કરી શકાય તો એ પ્રભુની કૃપા છે. આપણને પારાવાર અનુકૂળતા મળી ન હોત તો આપણે શું કરી શકત? વિચાર કરીએ આપણને જે કાંઈ મળ્યું છે તે ન મળ્યું હોત તો હાલત શું હોત? દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને આમાંનું કશું મળ્યું નથી |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર એક સમ્રાટે પોતાના રાજ્યમાં ધર્મનો ખૂબ પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અનેક મંદિરો બંધાવ્યા હતાં અને પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યા હતા અને પ્રભુની પ્રતિમાઓ પધરાવવાનો લાભ લીધો હતો. દાનમાં પણ તે એક્કો હતો. તેણે અનેક સદાવ્રતો ખોલાવ્યાં હતાં. સાધુ, સંતો અને મહાત્માઓ તેને આંગણે પધારતા અને તેમની સેવા કરીને તે આનંદ અનુભવતો હતો. સૌ તેના કાર્યની પ્રશંસા કરતા હતા. ધર્મભાવનાની તેની યશગાથાઓ ગવાતી હતી અને સમગ્ર રાજ્યમાં તેની યશકીર્તિની ધ્વજા-પતાકાઓ સોેળેકળાએ લહેરાતી હતી. તેના જેવો ધાર્મિક અને દાનવીર જડવો મુશ્કેલ હતો. લોકો તેને ધર્માત્મા તરીકે ઓળખતા હતા. એક દિવસ એક મહાન સંત તેમને આંગણે પધાર્યા હતા. રાજાની ખુશીનો પાર નહોતો. મહાત્માની સેવા અને સરભરા કરવા તેણે તમામ વ્યવસ્થાઓ કરી હતી. સમ્રાટ સંતના દર્શને આવ્યો અને નમસ્કાર કર્યા પછી વાતવાતમાં તેણે પોતાની આ બધી સિદ્ધિનું વિગતે વર્ણન કર્યું અને પછી પૂછ્યું: મહાત્મન, મેં ધર્મસેવા અને માનવસેવા માટે આ બધું કર્યું છે. મને મનમાં પ્રશ્ર્ન થાય છે અને પૂછવાનું મન થાય છે કે આ બધું કર્યું છે તેનો મનો શો બદલો મળશે? સમ્રાટે ધાર્યું હતું કે સંત હમણાં કહેશે કે ‘તારે માટે સ્વર્ગમાં સોનાના મહેલો હશે.’ સંત થોડી ક્ષણો ચૂપ રહ્યા અને પછી કહ્યું, ‘હવે તે આ પ્રશ્ર્ન પૂછ્યો છે તો કહી દઉં કે તારા મનમાં આ સવાલ ઊભો થયો છે તો તને જે કાંઈ મળવાનું હતું તે પણ નહીં મળે. તે પૂછ્યું અને તને જે પ્રાપ્ત થવાનું હતું તે ગુમાવી દીધું.’ સમ્રાટના દુ:ખનો પાર ન રહ્યો એને થયું, મેં કર્યું તે બધું જ નકામું ગયું? મેં ધર્મ માટે શું શું નથી કર્યું? મને આનું કાંઈ પુણ્ય નહીં મળે? મહાત્માએ સમ્રાટને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, સત્કાર્યોના બદલાની આશા રાખવી, ધર્મ કાર્ય કરીને કશું પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવી એ પાપ છે. તેં જે કાંઈ કર્યું છે તે ભૂલી જા. જો તું આ નહીં ભૂલે તો તેના બોજા હેઠળ કચડાઈ જઈશ. માત્ર પાપનો બોજો આપણને કચડે છે એવું નથી. સત્કાર્યોનો બોજ પણ એટલો ભારે છે તે ઘંટીના પડની જેમ તને ગળામાં વળગી રહેશે. સારાં કાર્યોની કીર્તિ, પ્રશંસા અને તેના મોહમાંથી છટકવાનું મુશ્કેલ છે. આમાં જે કોઈ મેળવવાની આશા રાખે છે તે ગુમાવે છે. તું જે દિવસે આ બધું ભૂલીને, માથા પરથી બોજ ખંખેરીને હળવોફૂલ જેવો થઈ જઈશ તે દિવસે તને જે સંપદા પ્રાપ્ત થશે તે અતિ મૂલ્યવાન હશે. દુનિયાની કોઈ પણ ચીજ તેની સામે ઝાંખી પડી જશે. સમ્રાટને બોધ થયો. સાચી વાત સમજાઈ અને તેનાં આંતરચક્ષુઓ ખૂલી ગયા. આપણા જીવનમાં પણ આ વાત કેટલી સાચી છે. પળેપળે આપણે તેનો અનુભવ કરીએ છીએ અને બોજો ઊંચકીને ફરીએ છીએ. ધર્મ માટે, સમાજ માટે, સગાંસંબંધીઓ માટે કે મિત્રો માટે થોડું પણ સારું કર્યું હોય, થોડીક કાંઈક મદદ કરી હોય, મુસીબતના સમયે દેખાવ ખાતર પણ કોઈકના પડખે ઘડીભર ઊભા રહ્યા હોઈએ અને આપણા સ્વાર્થ ખાતર પણ કોઈકને ક્યાંક ઉપયોગી થયા હોઈએ તો તેનાં ઢોલનગારાં પીટીએ છીએ. કર્યા પછી સામા માણસને વારંવાર યાદ અપાવીએ છીએ. તેને અહેસાન હેઠળ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. કુટુંબ, સમાજ અને ધર્મ માટે કાંઈક કરીએ અને બદલાની ભાવના રાખીએ, તેમાંથી માન, પ્રતિષ્ઠા, યશ અને કિર્તીની અપેક્ષા રાખીએ અને આવી મનોકામના ઊભી થાય ત્યારે સમજવું કે આપણે જે કાંઈ કર્યું છે તે વ્યર્થ છે. આપણે જે કાંઈ કર્યું છે તે ફોગટમાં કર્યું નથી. કાંઈક મેળવવા માટે કર્યું છે. હું કાંઈક છું, મેં કાંઈક કર્યું છે, હું બીજા કરતાં સવાયો છું આવો ખ્યાલ માણસના મનમાં આવે છે ત્યારે તેની મોટાઈ નીચે ઊતરી જાય છે. ધર્મ અને સેવા દેખાવ માટે કરવાની હોતી નથી. દેખાવ, દંભ અને આડંબર થાય છે ત્યારે ધર્મ રહેતો નથી. નિ:સ્વાર્થ ભાવે કર્તવ્ય અને ફરજ સમજીને કોઈ પણ જાતની કીર્તિ અને પ્રસિદ્ધિ વગર જે માણસ શુભ કાર્યો કરતો રહે છે તેની સાથે પ્રભુની કૃપા સદૈવ હોય છે. આજે કીર્તિ, પ્રસિદ્ધિ, નામ વગર કોઈ દાન અને દામ આપતું નથી. જેટલું નામ મોટું એટલું વધુ દાન, તક્તિઓ જેટલી મોટી એટલા વધુ પૈસા. આ માટે બોલીઓ બોલાતી હોય છે. વાહવાહ થતી હોય છે. અહંકારને ઇંધણ અપાતું હોય છે. હજાર-બે હજારનું દાન કરનારાનું પણ નામ ન આવે તો તેને ખોટું લાગી જાય છે. અને આ બધું શેના માટે થતું હોય છે, પુણ્ય કમાવા માટે. આ માટે લોકોની લાંબી કતારો લાગી છે. આજે દાન અને સહાય પ્રતિષ્ઠાના પ્રતીક જેવી બની ગઈ છે. સાધુ-સંતો પણ દાન આપનારાની જુઠ્ઠી પ્રશંસા કરતા હોય છે. દાન આપનાર માણસ ગમે તેવો હોય, તેના ગમે તેવા કાળાધોળા ધંધા હોય પણ તેની પર ફૂલ વેરવામાં કશો વાંધો નથી. ધન ગમે તેવું હોય પણ ધર્મસ્થાનોમાં સ્વીકાર્ય છે. આ અંગે તમને કોઈ પૂછવાનું નથી. દાન આપ્યા પછી પણ તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તેનું શું પરિણામ ઊભું થયું છે તે તમારે પૂછવાનું નથી. તેનો વહીવટ શું છે તે તમને કોઈ જણાવવાનું નથી. તમે દાન આપીને છૂટી જાવ આવો મંત્ર ઠેરઠેર ચાલી રહ્યો છે. સાધુ-મહાત્માઓને ઊંચાં મોટાં મંદિરો, ભવનો અને મહેલો બાંધવાં છે. આ માટે પૈસાની રેલમછેલ છે, પણ શિક્ષણ, તબીબી સવલત અને સમાજ ઉત્કર્ષ માટે પૈસા નથી. આ બધા પર સાધુસંતોએ ધ્યાન આપ્યું હોત તો આજે સમાજ વધુ મજબૂત હોત. સમાજ જેટલો મજબૂત બનશે એટલો ધર્મ મજબૂત બનશે. દાન અને સહાય શ્રીમંત માણસો જ કરી શકે એવું નથી. દરેક માણસ યથાશક્તિ દાન અને સહાય કરી શકે છે. બીજા માણસો છટકી જાય છે એટલે ધર્મ અને સમાજમાં માલેતુજાર માણસોની ઈજારાશાહી ઊભી થઈ છે. ધર્મ એ અંતરની ભાવના છે એમાં બહારના દેખાવની કશી જરૂર નથી. કોઈ પણ સારું કાર્ય કરીએ તે ધર્મ છે. આપણાથી જો દાન, સહાય, સેવા અને સારું શુભ કાર્ય થઈ શકે તો એટલું વિચારવું જોઈએ કે હું આ બધું કરી શક્યો છું તેમાં પ્રભુની કૃપા છે. ઉપરની કથામાં સમ્રાટ એ બધું કરી શક્યો, કારણ કે ભગવાને તેને રાજકુટુંબમાં જન્મ આપ્યો હતો. તેને ધન, દોલત અને સંપત્તિ મળી હતી. પ્રભુએ તેને પારાવાર અનુકૂળતા આપી હતી. આ બધું ન હોત તો તે શું કરી શક્યો હોત? આપણે જીવનમાં તન, મન અને ધનથી જે કાંઈ સારાં કાર્યો કરીએ છીએ તેમાં પરમાત્માના આશીર્વાદ રહેલા છે. શરીર માંદલું હોય, મન પડી ભાંગ્યું હોય અને ધન ન હોય તો આપણે પણ શું કરી શકીએ? આપણી દશા પણ ભિખારી જેવી બને. આપવાને બદલે માગવાનો વારો આવે. આ જગતમાં સુખી માણસ એ છે કે તેને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. પ્રભુને પણ યાચકો પસંદ નથી. આમ છતાં માગણો પ્રભુ સન્મુખ આવીને ઊભા રહી જાય છે. જેમની પાસે ધન, દોલત અને કહેવાતાં બધાં સુખો છે તેમના હાથ પણ ફેલાયેલા છે. તેઓ મનથી ગરીબ અને કંગાળ છે. મબલક સંપત્તિના માલિકોને પણ કાંઈક ખૂટે છે. મળ્યું છે તેમાં સંતોષ નથી. સમ્રાટને તેનાં સત્કાર્યો માટે અહંકાર ઊભો થયો. મેં આ બધું કર્યું એવો અહ્મભાવ પ્રગટ્યો, બદલાની આશા જન્મી, આટલું બધું કર્યું હોવા છતાં મનમાં લાલસા ઊભી થઈ. જે ભૂલવું જોઈએ તે ભૂલી શક્યો નહીં અને તેનું બધું કર્યું-કારવ્યું વ્યર્થ ગયું. પણ તે બેહોશીમાંથી જાગી ગયો. આપણે તો અનુભવ છતાં સોડ તાણીને સૂતા છીએ. આપણે એકબીજા માટે કાંઈ કર્યું હોય તો ભૂલી શકતા નથી અને તેનો બોજો ઊંચકીને ફર્યા કરીએ છીએ. આપણે જે કાંઈ બીજા માટે કર્યું છે તેની સરખામણીમાં બીજાઓએ આપણે માટે શું શું કર્યું છે તે વિચારીએ તો તેની યાદી લાંબી બની જાય. જન્મથી મૃત્યુ સુધી કેટકેટલા માણસોનો એક યા બીજી રીતે સહારો મળે છે તેનો કોઈ વિચાર કરે તો અહંકાર ઓગળી જાય. સુખ અને સફળતા મળે એટલે આટલું યાદ કરીએ આપણને કોનો કોનો કેવો સાથ મળ્યો છે. આપણે જે કાંઈ છીએ તેમાં કેટલા બધા માણસોનો હાથ છે. અણીના સમયે કેવી અણધારી સહાય મળી છે. આ બધા દેવદૂત જેવા માણસો આપણા જીવનના કોઈ ને કોઈ મુકામે ન આવ્યા હોત અને તેમણે આપણને કોઈ ને કોઈ પ્રકારે મદદ ન કરી હોત તો આપણે ક્યાં હોત? આ અંતિમેથી વિચાર કરીને આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે મેં બીજાને માટે શું કર્યું છે? બીજાઓ જે કાંઈ કરે છે તે આપણો અધિકાર છે અને આપણે જે કાંઈ કરીએ છીએ એ તેમના પરનો ઉપકાર છે એવું વિચારીને આપણે આપણી જાતને સ્વાર્થી અને સંકુચિત બનાવી દઈએ છીએ. આપણે અદના માનવીઓ છીએ. માનવમાત્ર અધૂરા અને ન્યાયે સંપૂર્ણ નથી. ઘડીક વારમાં છલકાઈ જઈએ છીએ. દાન, સહાય અને શુભ કાર્યો કર્યા પછી તેનું વળગણ ન રહે, અભિમાન ન જાગે, નમ્ર, સરળ અને નિખાલસ બનીને રહીએ તો સત્કાર્યો બોજ બનવાના બદલે ફૂલની માળા બની જાય. જીવનમાં એક બાજુ જય છે તો બીજી બાજુ પરાજય, એક બાજુ ચડતી છે તો બીજી બાજુ પડતી, એક બાજુ અંધકાર છે તો બીજી બાજુ પ્રકાશ. આમ ચડઊતર થયા કરે છે. કોઈ એક મેળવે છે ત્યારે બીજો ગુમાવતો હોય છે. જીવનના સુખ દુ:ખના તંગ દોર પર જિંદગી ચાલતી રહે છે. પ્રભુએ જે આપ્યું છે અને સત્કર્મોથી જે મળ્યું છે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરવો જોઈએ અને સંતોષ અનુભવવો જોઈએ. આપણે માત્ર એટલો વિચાર કરીએ કે આપણને જે કાંઈ મળ્યું છે તે ન મળ્યું હોત તો આપણી હાલત કેવી હોત. અને દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને આપણને જે કાંઈ મળ્યું છે તેમાંનું કશું મળ્યું નથી, બધું ઈચ્છિત કોઈને મળ્યું નથી અને કદાચ મળી જાય તો પણ તેનો એટલો આનંદ રહેતો નથી. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અમને એવી શક્તિ અને સામર્થ્ય આપો જેથી અમે બીજાનું કાંઈક ભલું કરી શકીએ. પ્રભુને પ્રાર્થીએ શોભિત દેસાઈના શબ્દોમાં... ‘તમારા શરણમાં આવ્યા તમારામાં સમાવી દો અમે માટી છીએ અમને પારસ બનાવી દો. |
Tuesday, August 6, 2013
સત્કાર્યોનો બોજો પણ કચડી નાખે છે - મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment