Tuesday, September 3, 2013

પર્યુષણ પર્વ અંતરમનને વિકસિત કરવાની સાધનાનો મંગલ મહોત્સવ - મહેન્દ્ર પુનાતર

થોડું ચિંતન-મનન * તપ કર્યા પછી તપી જવાય તો સાધના એળે જાય. * દાન એવું હોવું જોઈએ એક હાથે આપીએ અને બીજા હાથ જાણે નહીં. * સર્વ જીવો પોતાનાં કર્મોથી દુ:ખી છે. જેવાં કર્મો હોય તેવું ભોગવવું પડે છે. * અહિંસા જૈન ધર્મનો પાયો છે તેમાં સૂક્ષ્મસ્વરૂપે અહિંસાનો ખ્યાલ કરાયો છે. * ધર્મ કરવાથી શું મળશે તેના કરતાં શું છૂટશે તેનો વિચાર કરવો જોઈએ. * સાધના અને ધ્યાન એટલે અંદરની ચેતનાઓને યોગ્ય માર્ગે વાળવી. * મન મર્કટ જેવું ચંચળ છે. તેને વશમાં રાખવાનું મુશ્કેલ છે મનથી મુક્ત થયા તે ત્યાગી. * ક્ષમાની ભાવના વહેવારની નહીં પણ સાચા દિલની હોવી જોઈએ. પ્રેમ અને મૈત્રીમાં ક્ષમાનો ભાવ ઉમેરાય છે ત્યારે કોઈ શત્રુ રહેતો નથી.

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

પર્યુષણ પર્વ એટલે આત્માને ઉજાળવાનું પર્વ. તપ અને સાધનાનું પર્વ. સૌથી વિશેષ કહીએ તો આત્મનિરીક્ષણનું પર્વ. દરેક માણસે પોતાની જાતને તપાસવી જોઈએ કે તપ અને સાધના કર્યા પછી મારામાં કશો ફરક પડ્યો છે કે કેમ? કે હતો ત્યાંને ત્યાં છું. આ પર્વ હિસાબ કાઢવાનું અને તન-મનને સુધારવાનું પર્વ છે. આ પ્રસંગે થોડું ચિંતન કરીએ...
* તપ કર્યા પછી તપી જવાય તો સાધના એળે જાય. આમાં તો અહંકારને ઓગાળવાની વાત છે. ક્રોધ અને અહંકાર સાધનાનું મોટું વિઘ્ન છે. જ્યાં સુધી માણસ નમ્ર ન બને ત્યાં સુધી જ્ઞાનને પામી શકતો નથી. તપશ્ર્ચર્યા દરમિયાન મન શાંત અને સ્થિર રહેવું જોઈએ. કોઈ પણ જાતના મલિન વિચારો મનમાં આવવા જોઈએ નહીં. શરીર કરતાં મનનાં ઉપદ્રવો વધુ છે. મન પર જેમણે વિજય મેળવ્યો છે તે ખરો વિજેતા છે.
* દાન એવું હોવું જોઈએ કે એક હાથે આપીએ અને બીજો હાથ જાણે નહીં. મેં કર્યું છે એવો ભાવ ઊભો થાય નહીં. દાન કરીએ ત્યારે માન અને પ્રસિદ્ધિની ભાવના ઊભી થવી જોઈએ નહીં. કદાચ ક્યાંય નામ જાહેર થાય તો પણ નમ્રતા ધારણ કરીને વિચારવું જોઈએ કે હું આ કરી શક્યો એ પરમાત્માની કૃપા છે. આમાં મારું કાંઈ નથી. જો મને સાધનો અને શક્તિ ન મળી હોત તો આમાંનું હું કશું કરી શક્યો ન હોત. દાન નમ્રતાપૂર્વકનું અને અહંકારરહિત હોવું જોઈએ અને આ પાછળ કશી અપેક્ષા નહીં હોવી જોઈએ. કોઈ હાથ લાંબો કરે એ પહેલાં આપણો હાથ લાંબો થઈ જવો જોઈએ.
* આ સંસારમાં સર્વ જીવો પોતાનાં કર્મોથી દુ:ખી છે. સારું કે ખરાબ જેવાં કર્મો હોય તેવું ભોગવવું પડે છે. પાપ અને પુણ્યનો હિસાબ સરળ છે. તેમાં દરેકે એકલા ભોગવવાનું હોય છે. મહાવીર પ્રભુ કહે છે, સંસારમાં સૌ કોઈ પ્રાણીઓ પોતાના કારણે દુ:ખી છે. સુખ કે દુ:ખ કોઈ આપી શકતું નથી. કર્મોનું આ ફળ છે. કેટલાક માણસો વિચારે છે એક ખરાબ કામ થઈ ગયું તો એક સારું કામ કરી નાખીએ એટલે હિસાબ સરભર, પરંતુ એમ બનવાનું નથી. સારું કર્મ ખરાબ કર્મને કાપી શકતું નથી. બંનેના હિસાબ જુદા છે. સારું હોય તો સારું અને ખરાબ હોય તો ખરાબ, પણ માણસે તેનું ફળ ભોગવ્યે જ છૂટકો છે. અહીં ચોરી કરો અને ત્યાં દાન આપી દો એટલે મામલો પતી જતો નથી.
* અહિંસા જૈન ધર્મનો પાયો છે. જૈન ધર્મમાંથી અહિંસાને બાદ કરતાં કશું બચે નહીં. સૂક્ષ્મ સ્વરૂપે અહીં અહિંસાનો ખ્યાલ કરાયો છે. મન, વચન અને કાયાથી કોઈને દુ:ખ ન પહોંચે એનો ખ્યાલ કરવાનો છે. એટલું જ નહીં, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને દયા રાખવાની છે. સૂક્ષ્મ અહિંસાનો ખ્યાલ પ્રેમમાંથી પ્રગટ થયો છે. પ્રેમ હોય ત્યાં અહિંસા સંભવિત નથી.
* વાસના જ સંસાર છે. પછી તે ધનની હોય, પદની હોય કે પ્રતિષ્ઠાની હોય કે મદની હોય તેમાં કશો ફરક પડતો નથી. વાસના એ અજ્ઞાન અને બંધન છે. વાસનામાંથી મુક્તિ એટલે દુ:ખમાંથી મુક્તિ. જે ક્ષણે ઈચ્છા રહેતી નથી તે ક્ષણે માણસ મુક્ત બને છે.
* ધર્મ કરવાથી શું મળશે તેના કરતાં ધર્મ કરવાથી શું છૂટશે તેનો જ વિચાર થવો જોઈએ. મેળવવા કરતાં છોડવાની વાત વધુ મહત્ત્વની છે. જીવનમાં પ્રાપ્તિ કરતાં ત્યાગનું વધુ મહત્ત્વ છે. સત્ય, ધર્મ, અને નીતિના માર્ગે જે ચાલે છે તેનું જીવન અંતે સુખમાં પરિણમે છે. સત્ય બોલવું એ સૌથી કઠિન અને કપરું કાર્ય છે. આપણે વાતવાતમાં જાણે-અજાણ્યે બીજાને ખુશ રાખવા, પોતાની જાતને છેતરવા જૂઠનો સહારો લેતા હોઈએ છીએ. જૂઠ અને ફરેબી જેવું કોઈ પાપ નથી.
* ધર્મનું સાચું અનુસરણ જીવન જીવવાનો સાચો માર્ગ ચીંધે છે અને સંસ્કાર પ્રેરે છે. સાચો ધાર્મિક માણસ અસંસ્કારી, સંકુચિત કે દંભી ન હોઈ શકે. તે ખુલ્લા દિલવાળો અને ઉદાર મતવાદી હોવો જોઈએ. ધન, દોલત અને સંપત્તિની આસક્તિ કરતાં વિચારોની આસક્તિના કારણે ઘણાં અનર્થો સર્જાયા છે. ‘હું કહું એ જ સાચું બીજું બધું ખોટું.’ એવી સંકુચિત વિચારધારાએ ઘણી આફતો ઊભી કરી છે. ધર્મના નામે વિનાશી ઝનૂન તેમાંથી સર્જાય છે અને માણસ શેતાન જેવો બની જાય છે. વિચારોની ઉદારતા એ મનુષ્યની સભ્યતા છે એમ જૈન દર્શન કહે છે. અનેકાન્તવાદનું મૂળ આમાં રહેલું છે. બીજો પણ સાચો હોઈ શકે છે એ ખ્યાલ આમાંથી પ્રગટે છે. માણસ ગમે તેટલો મોટો હોય પણ મન મોટું ન હોય તો એ માણસ ખોટો છે.
* જૈન ધર્મમાં આત્માના કલ્યાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં સર્વના કલ્યાણનો ભાવ રહેલો છે. મન નિર્મળ અને દોષરહિત બને ત્યારે અંદર ઉજાસ પ્રગટે છે. આત્માનું કલ્યાણ સાધવું એટલે એવી ઊંચાઈ પર ઊઠવું જેમાં જીવન ખુદ ધર્મ બની જાય. માણસ સરળતા અને સહજતાથી વહેતો રહે તો પ્રેમનાં પુષ્પો ખીલે. જ્યાં અહંકાર, રાગદ્વેષ, લોભ અને સ્વાર્થ, લાલસા અને આસક્તિ ન હોય અને મન તૃપ્ત બને પછી કશી ઈચ્છા અને અપેક્ષા રહેતી નથી. આવી સ્થિતિમાં માણસ જ્યાં પણ વિચરે ત્યાં સુગંધ પ્રસરે છે અને તેની છાયામાં આવતા સર્વેનું કલ્યાણ સધાય છે.
* ધ્યાન એ સાધનાનો માર્ગ છે. ધ્યાન એટલે અંદર રહેલી ચેતનાઓને યોગ્ય માર્ગે વાળવી. આને બાહ્ય વસ્તુ સાથે સંબંધ નથી. ચેતના જે વસ્તુ પ્રત્યે કેન્દ્રિત થાય છે ત્યાં મોહ ઊભો થાય છે. મોહમાં માણસ અંધ બની જાય છે. પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી. માણસ સારાસારનો વિવેક ગુમાવે છે. ધ્યાન એટલે અંતરસાધના. ધ્યાન કોઈના તરફ કે કોઈના પ્રત્યે કરવાનું નથી. ધ્યાન બીજામાંથી ઉઠાવી લઈને પોતાનામાં સ્થિર કરવાનું છે. એટલે ભગવાન મહાવીરે તેને ‘સામાયિક’ નામ આપ્યું છે.
આત્મા પ્રત્યે લીન બનવું, ચેતનાને અંદર કેન્દ્રિત કરવી એનું નામ સામાયિક. શરીર અને મન બંને યાત્રા કરતાં હોય છે. શરીર સ્થાનમાં અને મન સમયમાં યાત્રા કરે છે. ચેતનાની ગતિ સમય છે. મહાવીરે ચેતનાને સમય કહ્યો છે અને ધ્યાનને સામાયિક કહી છે. શરીરની સારી ગતિ અટકી જાય તેનું નામ આસન અને મનની સારી ગતિ અટકી જાય એનું નામ ધ્યાન.
* માણસને શુભ અને સારું કરવા માટે પ્રભુએ ઘણી શક્તિ આપી છે પણ શુભ થતું નથી, કારણ કે શુભ કરવાની ઈચ્છા નથી. ક્યારેક શુભ ઈચ્છા ઊભી થાય છે પણ આ ભાવ લાંબા સમય સુધી રહેતો નથી. શુભ અને અશુભ તત્ત્વો જીવનમાં રહેલાં છે. શુભ ચિંતવન તારે છે અને અશુભ ડુબાડે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવનમાં હરપળે ઊઠતાં-બેસતાં મંગળ ભાવનામાં ડૂબેલા રહો. શ્ર્વાસ લેતાં-છોડતાં મંગળનું સ્મરણ કરો. શુભનું ચિંતવન માણસને વધુ પારદર્શક બનાવે છે. આપણે આપણું શુભ અને મંગળ ઈચ્છતા હોઈએ તો સર્વનું મંગળ કલ્યાણ ઈચ્છીએ અને એવો ભાવ રાખીએ.
* જીવનમાં ત્યાગ એટલો સરળ નથી. છોડવાનું બહુ મુશ્કેલ છે. મહાવીર અને બુદ્ધ જેવી તરલ વ્યક્તિ રાજપાટ, ધનસંપત્તિ અને વૈભવ છોડીને સંન્યાસ ધારણ કરી શકે. તેમની પાસે દુનિયાનાં તમામ સુખો હતાં. કશું પ્રાપ્ત કરવા માટે તેમણે ધર્મનું શરણ લીધું નહોતું. મહાવીરે તો પોતાના ભાગની તમામ સંપત્તિ લોકોમાં વહેંચી દીધી હતી. તેમનો ત્યાગ માત્ર ધન, વૈભવ છોડવા પૂરતો મર્યાદિત નહોતો. મનથી પણ તેઓ વિરકત બની ગયા હતા. મોહ અને આસક્તિ છૂટી જાય તો બધું છૂટી જાય છે.
* ભાવ વગરની ભક્તિ એ સાચી ભક્તિ નથી. પર્યુષણ પર્વ દરમિયાન અંતરને ઢંઢોળવાનું છે. મનની અંદર રાગ-દ્વેષ, માન-અભિમાન અને પૂર્વગ્રહનાં જે જાળાંઓ ગૂંથાઈ ગયાં છે તેને દૂર કરવાનાં છે. મનનો આ મેલ ધર્મને પ્રવેશવા દેતો નથી. દુ:ખનું મૂળ ઈચ્છા અને લાલસા છે. મન જ માણસને ભટકાવે છે. મન સ્પર્ધા, સરખામણી અને ઈર્ષા કરાવે છે. મન લોભ જગાવે છે અને મોહને પ્રજ્વલિત કરે છે. મન મર્કટ જેવું ચંચળ છે. તેને વશમાં રાખવાનું મુશ્કેલ છે. આંખ અને મનથી અગણિત પાપો થતાં રહે છે. પહેલાં મન બગડે છે પછી વર્તન બગડે છે. મનને અંકુશમાં રાખવું જરૂરી છે. કવિ દલપતરામે કહ્યું છે તેમ ‘મન ઢોંગી મન ધૂર્ત છે, મન મંગળ મસ્તાન, મન સુધરે તો મિત્ર છે, નહીં તો શત્રુ સમાન.’
* પરિગ્રહ અંદરના લોભની ઝલક છે. તમારી પાસે કેટલી વસ્તુ છે તેના કરતાં તમે તે વસ્તુથી કેટલા બંધાયેલા છો તેના પર પરિગ્રહનો આધાર છે. માત્ર વસ્તુઓ રાખવાથી કોઈ સંસારી બની જતું નથી અને વસ્તુઓના ત્યાગથી કોઈ સાધુ બની જતું નથી. આ આંતરિક ઘટના છે. વસ્તુઓમાં કેટલી મૂર્ચ્છા છે, કેટલો લગાવ છે, તેનું કેટલું બંધન છે તેના પરથી સાધુ અને સંસારીઓનું માપ નીકળે છે. બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોય, પરંતુ મન તેમાં રસ લેતું હોય તો તે સાચો ત્યાગ નથી. માત્ર ધન, પદ અને પ્રતિષ્ઠાથી આપણે બંધાયેલા છીએ એવું નથી. નાની એવી નકામી ચીજ પણ આપણને બાંધી શકે છે. જે વસ્તુમાં મોહ ઊભો થયો હોય તે છટકી જાય ત્યારે દુ:ખ થયા વગર રહેતું નથી. વસ્તુનું કોઈ મૂલ્ય નથી, પણ આપણે આપણો જીવ તેમાં લગાવી દઈએ છીએ ત્યારે તે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. પછી આ વસ્તુ ચાલી જાય તો આપણને લાગે છે કે આત્મા ખોવાઈ ગયો. ભગવાન મહાવીરે કહ્યું છે કે વસ્તુ આપણાથી મૂલ્યવાન બની જાય તો એ મૂર્ચ્છા છે. રસ્કિને કહ્યું છે કે જે આપી શકે છે, છોડી શકે છે તે શ્રીમંત છે અને જેનો હાથ આપવા માટે લાંબો થતો નથી તે કંગાળ છે. પક્કડ એ ગરીબનું અને છોડવું એ માલકિયતનું લક્ષણ છે.
* જૈન ધર્મમાં ક્ષમાનું જે મહત્ત્વ છે તેની કોઈ તુલના થઈ શકે તેમ નથી. કટ્ટરમાં કટ્ટર દુશ્મન અને વિરોધીઓ પ્રત્યે પણ ક્ષમાની ભાવના રાખવાનું ભગવાન મહાવીરે પોતાના જીવન અને કવન દ્વારા શીખવ્યું છે. ક્ષમાની આ ભાવના વહેવારની નહીં પણ દિલની હોવી જોઈએ. કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવ કે વેરભાવ હોય ત્યાં સુધી સાચું સુખ અને શાંતિ મળી શકે નહીં. ભૂલ થાય તો માત્ર પસ્તાવો કરવાનો નથી પણ આ ભૂલ ફરીથી નહીં થાય તેની પ્રતિજ્ઞા લેવાની છે. પશ્ર્ચાતાપ જ્યારે પ્રાયશ્ચિત બની જાય છે ત્યારે તે તપ બને છે. પ્રેમ અને મૈત્રીમાં ક્ષમાનો ભાવ ઉમેરાય છે ત્યારે કોઈ શત્રુ રહેતો નથી. પ્રેમ હોય ત્યાં ક્ષમાનો ભાવ આપોઆપ પ્રગટે આ છે ક્ષમાપના... મિચ્છામી દુક્કડમ્.

No comments:

Post a Comment