Sunday, June 19, 2016

ચર્ચાઓ મૂર્ખામીભરી અને વાહિયાત હોય છે-સૌરભ શાહ

સૌરભ શાહ


રજનીશજીએ દસ ઝેનકથાઓ વિશે પ્રવચનો કર્યાં હતાં. આ પ્રવચનો દરમ્યાન એમણે કહ્યું કે, ‘તમામ ચર્ચાઓ મૂર્ખામીભરી અને વાહિયાત હોય છે.ચર્ચાઓ દરમ્યાન સૌથી મોટું જે શસ્ત્ર વપરાય છે તે તર્ક છે. તર્ક દ્વારા કોઈક તાર્કિક નિર્ણય પર આવી શકાય પરંતુ સત્ય સુધી ન પહોંચી શકાય.’

તમારામાં ધારદાર તર્કશક્તિ હોય તો તમે સામેની વ્યક્તિને કોઈ પણ વિષયમાં, તમારી પાસે જેના વિશે પૂરતી માહિતી નથી એવા વિષયમાં પણ, તત્કાળ ચૂપ કરી શકો, એની પાસે જેનો જવાબ જ ન હોય એવી દલીલો કરીને એને હરાવી શકો. દલીલો દરમ્યાન આપણે જે બોલતા હોઈએ છીએ તે વાસ્તવમાં તો કશુંક છુપાવવા માટે, કશુંક પ્રગટ કરવા માટે નહીં. આ કશુંક એટલે આપણું અજ્ઞાન. જેમની સાથે સહમત ન થવું હોય એમની સાથે તર્કહીન દલીલો કરવાનો કેટલાકને શોખ હોય છે

ચર્ચા કે વિવાદની નિરુપયોગિતા પુરવાર કરવા રજનીશજી એક ઝેનકથાનો આશ્રય લે છે.

જપાનમાં ઝેન સાધુઓના મઠમાં એક પ્રથા હતી. એક ગામથી બીજે ગામ જતા સાધુએ આવા કોઈ મઠમાં આશ્રય લેવો હોય તો એણે મઠમાં રહેતા કોઈ સાધુ સાથે બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરી એને હરાવવો પડે. તો જ એક રાત માટે એને મઠમાં રહેવા મળે.

ઉત્તર જપાનમાં બે ભાઈઓ આવા એક મઠનું સંચાલન કરતા. મોટો ભાઈ વિદ્વાન હતો જ્યારે નાનો ભાઈ જરા મૂરખ અને એક આંખે કાણો. એક દિવસ કોઈ સાધુ રખડતાં રખડતાં આ મઠમાં આવી પહોંચ્યો. મોટો ભાઈ થાકી ગયો હતો એટલે એણે નાનાને કહ્યું કે ચર્ચા તું કરજે અને તમારા વચ્ચેનો સંવાદ મૌનની ભાષામાં જ ચાલે એવો આગ્રહ રાખજે.

અંદર ચર્ચા શરૂ થઈ અને થોડી જ વારમાં પ્રવાસી સાધુ બહાર આવીને મોટા ભાઈને કહેવા લાગ્યો: ‘તમારો ભાઈ તો ઘણો હોશિયાર છે. એણે પળવારમાં મને હરાવી દીધો. મારાથી આ મઠમાં નહીં રહી શકાય.. હું જાઉં છું.’

મોટા ભાઈએ વિનંતી કરી કે, ‘જતાં પહેલાં જરા એટલું તો કહેતા જાઓ કે ચર્ચા શું થઈ?’ પ્રવાસીએ કહ્યું, ‘ચર્ચાની શરૂઆત મેં કરી. બુદ્ધના પ્રતીકરૂપે મેં એક આંગળી ઊંચી કરી. એની સામે તમારા ભાઈએ બે આંગળીની સંજ્ઞા કરીને દર્શાવ્યું કે એક બુદ્ધ અને બીજો એમનો ઉપદેશ - બેઉ ઉપયોગી છે. આ જોઈને મેં બુદ્ધ, એમનો ઉપદેશ અને એમના અનુયાયીઓને ત્રણ આંગળીના પ્રતીક દ્વારા રજૂ કર્યા: બુદ્ધ, ધમ્મ અને સંઘ. આની સામે તમારા વિદ્વાન ભાઈએ મુઠ્ઠી વાળીને બતાવી અને મૌન રહીને જ મને સમજાવી દીધું કે આ ત્રણેયનું મૂળ તો એક જ છે - જાગૃતિ!

પ્રવાસી સાધુ જતો રહ્યો અને થોડી જ વારમાં નાનો ભાઈ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતો બહાર આવ્યો અને બોલ્યો. ‘પેલો પ્રવાસી સાધુ કેટલો તોછડો હતો. કોની સાથે કેવી રીતે વાત થાય એનુંય એને ભાન નહોતું.’

‘કેમ, શું થયું?’ મોટાએ પૂછયું, ‘શેના વિશે ચર્ચા થઈ?’

‘શું ધૂળ ચર્ચા થઈ? મને જોયો કે તરત એણે એક આંગળી ઊંચી કરી, એમ કહેવા કે તને તો એક જ આંખ છે! મેં નમ્રતા બતાવીને બે આંગળી દેખાડી કે ભાઈ, અભિનંદન! તમને તો બે આંખ છે ને! આ જોઈને પેલો મને વધારે ચીડવવા લાગ્યો. ત્રણ આંગળી બતાવીને મને કહે કે, મને ભલે બે આંખ હોય પણ આપણા બે વચ્ચે તો કુલ ત્રણ જ આંખ છે! પછી મારો પિત્તો ગયો એટલે મુક્કો ઉગામીને મેં કહ્યું કે હવે જો આગળ વધ્યો છે તો માર ખાઈશ! અને પેલો ડરીને જતો રહ્યો!’

લાંબી લાંબી દલીલોને અંતે બહુ ઓછા લોકોને સમજાતું હોય છે કે પોતે કલાકો સુધી જે વલોવ્યા કર્યું તે પાણી હતું, છાશ નહીં.

No comments:

Post a Comment