Friday, June 10, 2016

રાજ કર્યું, પીધું અને ખાધું?- ચંદ્રકાંત બક્ષી

રાજ કર્યું, પીધું અને ખાધું?

ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


‘કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દેવી જોઇએ.’

જમાનો આઝાદી પહેલાંનો હતો...કદાચ ૧૯૪૫ આસપાસ હશે. રાષ્ટ્રના નેતાઓ ૧૯૪૨માં ‘ભારત છોડો’આંદોલનમાં ગિરફતાર થયા પછી લગભગ ત્રણ-સાડાત્રણ વર્ષે છૂટ્યા હતા. એ જમાનામાં પંડિત જવાહરલાલ નહેરુ, હિંદુસ્તાનના દિલની ધડકન હતા, આગની જેમ ભડકતા હતા, કરોડોના દિમાગમાં વિપ્લવની આંધી ફૂંકતા હતા. જ્યારે બીજા કેટલાક દેશનેતાઓ વાણિયાવેડા કરવા માંડ્યાં-અમે તો જનતાને અહિંસા રાખવાનું કહ્યું હતું...પણ જનતાએ હિંસા કરી નાખી...ત્યારે કલકત્તાના હાવડા સ્ટેશન પર ઊતરીને પંડિત નહેરુએ પહેલું વાક્ય કહ્યું હતું : જનતાએ જે કંઇ કર્યું છે એ માટે હું પોતે જવાબદાર છું. શહીદોને પ્રણામ કરું છું...અને બ્રિટિશ સરકારને મારા પર કામ ચલાવવાની હું ચૅલેન્જ આપું છું...

લોકો પાગલ થઇ ગયા હતા. નહેરુ એ વખતે કલકત્તામાં ડૉ.બિધાનચંદ્ર રાયના નિવાસસ્થાન પર ઊતરતા હતા. એ વખતે એરોપ્લેનો, હૅલિકોપ્ટરો, મર્સીડીઝ કે ઇમ્પાલા ગાડીઓ ન હતી. નેતાઓ ટ્રેનમાં આવતા, લાખ્ખો, માણસો સ્ટેશનો પર પોતાને ખર્ચે જમા થતા. નહેરુ ત્રણ વર્ષે છૂટ્યા હતા, બધા નેતાઓમાં એ સૌથી મોડા છૂટ્યા હતા. અને એ પ્રજાના હિરો હતા! એમને એમની ગાડી સુધી પણ જવા દીધા નહીં. નહેરુ એક ટૅક્ષીમાં બેસી ગયા. ટૅક્ષી-ડ્રાઇવર એમને બી.સી.રાયને ઘેર લઇ ગયો. ટેક્ષી-ડ્રાઇવર ગદ્ગદ થઇ ગયો, નહેરુ પૈસા આપવા માંડ્યા, એણે ન જ લીધા...આ તો સૌભાગ્યનો દિવસ હતો!

અને કદાચ એ જ અરસામાં એક સભામાં નહેરુ ભડકેલા : કાળાબજારિયાઓને નજીકમાં નજીક લૅમ્પ-પોસ્ટ પર લટકાવી દેવા જોઇએ...

એ પછી એક લેખક- ઇતિહાસકાર ડૉ.ભગવત શરણ ઉપાધ્યાયે એક પુસ્તક લખ્યું. હિન્દીમાં આ પુસ્તક બહાર પડ્યું, નામ હતું : ‘ખૂન કે છિંટે, ઇતિહાસ કે પન્નોં પર !’ એમાં ડૉ.ઉપાધ્યાયે આ વાક્ય વિશે આલોચના કરી અને કંઇક આવા મતલબનું લખ્યું હતું : લીડર કહે કે કાળાબજારિયાઓને નજીકના નજીક લૅમ્પ-પોસ્ટ પર ફાંસી મારી દો!પણ જ્યારે લીડર પાસે ફાંસી મારવાની સત્તા આવશે ત્યારે એ ક્યાં હશે? લેખકે કાળાબજારિયા પાસે સંવાદ બોલાવ્યો છે કે...ત્યારે તો તું અમારા ખિસ્સામાં હશે!...

ભારતની ક્રાન્તિની દેવી અમેરિકા અને ઇંગ્લેન્ડ તરફ મોઢું કરીને ઊભી હતી. ભગવત શરણ ઉપાધ્યાયની વાત કંઇક અંશે બહુ કરુણ રીતે સાચી પડી છે. કાળાબજારિયાઓ લૅમ્પ-પોસ્ટ પર લટક્યા નથી પણ ખીસાં વધ્યાં છે અને ખીસાંની સાઇઝો મોટી થઇ છે. કેટલાક કેસોમાં ભ્રષ્ટાચાર અને ખાયકી સાબિત થઇ ગયા પછી પણ આ ૩૬ વર્ષોમાં કદાચ એક પણ મંત્રીને ફાંસી અપાઇ નથી. અને કોઇ પણ ભ્રષ્ટ નેતાની પૂરી સંપત્તિ જપ્ત થઇ હોય એવું સાંભળ્યું નથી. ભારતનો સમાજવાદ દાંત અને નહોર વિનાનો સાબિત થયો છે. જગતના રાજનીતિશાસ્ત્રમાં આપણે ગાંધીવાદ, લોહિયાવાદ, ભાવેવાદ, નક્ષલવાદ જેવા વાદો તો આપ્યા છે પણ કદાચ આપણું સૌથી મૌલિક ભારતીય યોગદાન જુદું છે : ભ્રષ્ટવાદ! દરેક માણસ ખરીદાઇ શકે છે, દરેક માણસની એક કિંમત છે. આ ભ્રષ્ટવાદ માટે છાંપાઓ અને ઇમાનદાર વિચારકો ઘણાં નામો વાપરે છે: ભાઇભત્રીજાવાદ, ખચ્ચરવાદ, ચમચાવાદ...પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે. બધા જ પક્ષોમાં છે. પૂર્ણત: ભારતીય છે, સમાજસ્વીકૃત છે અને એનું શું કરવું એ વિશે કાયદાથી માંડીને સમાજ સુધી બધાં જ બળો અસહાય થઇ જવાય એટલા ચિંતિત છે.

આનો જવાબ દસ હજાર માઇલ દૂર અમેરિકામાં નહીં મળે, પણ આપણા પાડોશના ચીન કે રશિયામાં મળી જશે. આપણો સમાજ રશિયન કે ચીની સમાજથી વધુ નિકટ છે. અમેરિકા જેવા અત્યંત ધનિક કે યુરોપના દેશો જેવા અત્યંત વિકાસશીલ નાના દેશોની સમસ્યાઓ અને નિદાનો આપણા મહાકાય વિરાટ ભારતની અરાજક અર્થવ્યવસ્થા, સામંતશાહી સમાજ-વ્યવસ્થા કે ભાઇભત્રીજાવાદી રાજ્ય-વ્યવસ્થા માટે અનુકૂળ નથી. ચીન સાથે આપણે બિરાદરી હતી,ભૂખની, દુકાળની, કુરિવાજોની, સ્ત્રી પરના જુલ્મની, સામંતશાહી અને તાનાશાહી અને તુમારશાહીની, કૃષક અને શ્રમિકના શોષણની, ગરીબીની, વિદેશી અને ફિરંગીની ગુલામીની, ઉપસંસ્થાનવાદની, સાથે જીવેલા ઇતિહાસની!ચીન આગળ વધી ગયું છે, રશિયા સાથે તુલના કરવાનો પ્રશ્ર્ન જ નથી. પણ ચીન આપણાથી બે વર્ષ પછી આઝાદ થયું અને આજે વિશ્ર્વસત્તા બની ગયું છે. આપણે ઘાયલ હાથીની જેમ દિશાશૂન્ય બની રહ્યા છીએ. ભ્રષ્ટાચારની ઊધઇનો શું ઇલાજ?

ચીને હમણાં ચુ-તેહના પૌત્રને ભ્રષ્ટાચાર માટે ફાંસી મારી દીધી! ચુ-તેહ ચીની સરસેનાપતિ હતા અને માઓ તથા ચાઉની સાથે એ ત્રિમૂર્તિએ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો. ભારતના ગાંધી-નહેરુ-પટેલ જેવા ચીનમાં માઓ-ચાઉ-ચુ-તેહ હતા! ભારતમાં પટેલ કે રાજેન્દ્રપ્રસાદ કે રાજાજીના પૌત્ર કે પ્રપૌત્રને ફાંસી મારવા જેવી આ ઘટના કહી શકાય ! ભારતમાં આ શક્ય નથી. આપણે ત્યાં લોકશાહી છે.

વાન્ગ ઝોંગ એક કમ્યુનિસ્ટ નેતા હતો. કેન્ટોન પ્રાંતમાં ખુલ્લામાં લોકોથી ઘેરાયેલો અને ટી.વી. પર બતાવવામાં આવ્યો - એના મૃત્યુથી થોડી જ મિનિટો પહેલાં! વાંગ ૫૬ વર્ષનો હતો. એણે ૨૬૩ ઘડિયાળો, ૧૭ કૅસેટ રેકોર્ડર, ટી.વી. સેટ વગેરે સરકારી ગોડાઉનમાંથી ચોર્યાં હતાં. ગળામાં ગોળી મારીને જનતાની હાજરીમાં એને મારી નાખવામાં આવ્યો! આરોપ : ભ્રષ્ટાચાર .

લીજિંગ ફેંગ બૅંકનો ઑફિસર હતો. વાંગના મૃત્યુ પછી બીજે દિવસે લીને મારવામાં આવ્યો. એણે દાણચોરો પાસેથી પકડાયેલા સામાનમાંથી ૨,૯૦,૦૦૦ રૂપિયાનો સામાન પોતાની પાસે રાખી લીધો હતો. એને પણ ખતમ કરવામાં આવ્યો. હમણાં એક ચીની ખેડૂતે એક પંડા પશુને મારીને ભક્ષણ કર્યું હતું. પંડા જાનવરો ચીનમાં આરક્ષિત પ્રાણીઓ છે. એમને મારવાં એ ગુનો છે. પૂરા ચીનમાં ફક્ત ૧૦૦૦ પાંડા કે હયાત છે. આને મારીને ખાઇ જવા માટે ચીની ખેડૂતને બે વર્ષની સખ્ત સજા થઇ હતી! આ કેટલાંક દૃષ્ટાંતો છે. આપણી અને ચીનની રાજ્યવ્યવસ્થાઓ જુદી છે. પણ સમાજ-વ્યવસ્થાઓ લગભગ સમાંતર છે. કદાચ કાળાબજારિયાઓને લટકાવવા માટે આપણી પાસે એટલા લૅમ્પ-પોસ્ટ પણ નથી! આપણા અને ચીનના રાજકર્તાઓ જુદા છે. આપણા બંને દેશોની વાર્તાઓ જુદી છે. જૂના જમાનામાં વાર્તાઓનો જે રીતે અંત આવતો હતો એ ભાષામાં વાત કરીએ તો ચીન કદાચ ‘ખાધું, પીધું અને રાજ કર્યું!ની સ્થિતિમાં છે-

અને આપણે ?

આપણે ઊંધે પાટે ચડી ગયા છીએ?

રાજ કર્યું, પીધું અને ખાધું?

No comments:

Post a Comment