Friday, June 3, 2016

જ્યારે રાજ્ય સ્વયં મહાભ્રષ્ટાચાર કરવા માંડે ત્યારે-- ચંદ્રકાંત બક્ષી

એકના પૈસા લઈને બીજાને વોટ આપવો: નીતિની રાજનીતિ

ભારતમાં જ નહીં, અન્યત્ર પણ કમજોર અને ક્રૂર શાસકોએ મતદાતાઓને પૈસા આપીને ખરીદવાની કુચેષ્ટા કરી છે. ભારતમાં હજી એટલી મુફલિસી, નિરક્ષરતા, મૂર્ખતા, ડોબાપણું છે કે ભૂખે મરતા લોકો પણ દર પાંચ વર્ષે ફરી એના એ જ ગઠિયાઓ પાસેથી થોડા રૂપિયા લઈને એમને વોટ પહેરાવી આવે છે


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ટેરરિઝમ માટે ત્રાસવાદ શબ્દ વપરાય છે. આ સિવાયના શબ્દો છે: આતંકવાદ અને ઉગ્રવાદ  (એનાર્કી અને એક્ષ્ટ્રિમિઝમ) પંજાબમાં ટેરરિસ્ટ છે, પણ શ્રીલંકામાં મિલિટન્ટ છે, એક ત્રાસવાદી છે, એક બાગી છે. આપણા સંદર્ભમાં આ બધા શબ્દો નવા છે એટલે અર્થરેખાઓ સ્પષ્ટ દોરાઈ નથી. એટલે એકને બદલે બીજો શબ્દ વપરાતો રહે છે. નાગરિક સામાન્ય રીતે અન્યાય અથવા ન્યાય મળવામાં અસહ્ય વિલંબ સહન કરતો રહે છે. પણ દુ:ખી નાગરિક, વસ્તુહારા નાગરિક, શોષિત-પીડિત નાગરિક બગાવત કરે છે. ત્રાસવાદી કે આતંકવાદી બની જાય છે-પંજાબ-મિઝોરમ-ત્રિપુરા, બિહારના આદિવાસી અંચલો, ઉત્તર અને પૂર્વ શ્રીલંકા, આંખની સામે આપણે ટેરર કે ત્રાસનો નકશો જોઈ રહ્યા છીએ અને રાષ્ટ્રવિજ્ઞાનીઓએ હવે એક નવી વિચારધારા વિશે જનધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમ લોકોનો એક ત્રાસવાદ છે એમ વીસમી સદીમાં ઊભરતા સમાજોમાં એક રાજ્ય-ત્રાસવાદ (સ્ટેટ-ટેરેરિઝમ) પણ આવ્યો છે. રાજ્યનો, શાસનનો, શાસનની શસ્ત્રશક્તિનો, પોલીસનો, પરા-સૈનિક શક્તિનો. લૅટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં આ રાજ્ય-ત્રાસવાદ ઘણાં વર્ષોથી છે. પણ એશિયાના દેશોમાં આ એક નવી સ્થિતિ છે એમ ચિંતકો કહે છે.

ભારતમાં રાજ્ય-ત્રાસવાદનું પ્રમાણ ઓછું છે. ભારતનો રાજ્યત્રાસવાદ હજી એટલો બેશરમ અને નગ્ન નથી અને આંચલિક છે, કારણ કે પ્રજાનાં બે ઘટકો-છાપાં અને ન્યાયાલયો હજી વિરોધ કરી શકે છે. પર્દાફાશ કરી શકે છે. બેનકાબ કરી શકે છે. ત્રીજું ઘટક સંસદ છે પણ એમાં જો ચર્ચા જ ન થવા દે તો એ વિકલાંગ બની જાય છે. જનમાધ્યમો રેડિયો તથા ટીવી શાસનના તાબેદાર સરકારી માધ્યમો છે. એટલે રાજ્ય-ત્રાસવાદની સામે બોલવું, લખવું કે વિરોધ કરવો ભારતમાં સરળ નથી.

આલ્બેર કામ્યુએ રાજ્ય-ત્રાસવાદ વિશે લખતાં એક ઐતિહાસિક પ્રશ્ર્ન ઉઠાવ્યો છે: ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંન્તિએ નેપોલિયન ત્રીજાને જન્મ આપ્યો. ૧૯૪૭ની રશિયન બોલ્શેવિક ક્રાન્તિએ સ્તાલિનને જન્મ આપ્યો. ૧૯૨૦નાં ઈટાલિયન આંદોલનોએ મુસોલિનીને જન્મ આપ્યો, ૧૯૩૦ના વાઈમાર ગણતંત્રે હિટલરને જન્મ આપ્યો. સરમુખત્યારશાહી સામેની જનક્રાન્તિઓને અંતે ફરીથી વધારે ભયાનક સરમુખત્યારો શા માટે આવ્યા? ભારતમાં આ તુલના જરા જુદી રીતે કરવી પડશે કારણ કે ભારતમાં સરમુખત્યારશાહીની ફૅશન જુદી છે. બ્રિટિશ એકહથ્થુશાહીની વિરુદ્ધ વિપ્લવ ભડકાવનારા મહાત્મા ગાંધીના સફળ આંદોલનોએ જ રાજીવ ગાંધીની તુઘલખી સુલતાનીને જન્મ આપ્યો છે? ચિંતકોએ આ વિશે ચિંતા કરવી પડશે. ભારતમાં ગોલા-ગરાસિયા-સામંતશાહીને પાછી લાવવામાં રાજીવ ગાંધીના રાજ્યકાળને ઈતિહાસમાં જરૂર સ્થાન મળશે. રાજીવ ગાંધીએ વીસમી સદીમાં ભારતીય શાસનને અઢારમી સદીની ગરાસો લૂંટાવવાની અને શિરપાવ (શિર-ઓ-પા) આપવાની અને વંશવારસોને જાગીરો આપવાની બધી જ એબોની કક્ષાએ મૂકી દીધું છે. ગરાસોની જેમ મોટાં મોટાં સરકારી બોર્ડોમાં નિયુક્તિઓ થાય છે, ભારતરત્નથી નાનામાં નાનાં ઈનામો સુધી હજારો શિરપાવ અપાય છે અને સંસદ વિધાનસભાઓમાં મૃત સંસદસભ્ય કે વિધાનસભ્યના વંશવારસોને માટે એ વિસ્તારો જાગીરોની જેમ રિઝર્વ કરી આપવામાં આવ્યા છે. રાજીવ ગાંધીએ આપણને ખરેખર ૧૮મી સદીમાં મૂકી દીધા છે. એક ફારસી ઉક્તિ હતી જે ૧૮મી સદીના દરબારોને લાગુ પડતી હતી. રાજા કહે કે જુઓ, કેવો સૂર્ય ઊગ્યો છે! ત્યારે દરબારીઓએ આકાશમાં ચંદ્ર સામે જોઈને કહેવું જોઈએ: પ્રભુ! કેવી સખત ગરમી લાગી રહી છે!.. રાગ દરબારી ગાઓ ત્યારે ચાંદની રૌદ્ર ધૂપ બની જાય છે. જો ચાંદનીમાં પસીનો થઈ શકે તો તમે રાજાની પાસે ઊભા રહેવા લાયક બનો છો! બધા રાગોમાં રાગ દરબારી શ્રેષ્ઠ રાગ છે, એ ગમે તે સમયે ગાઈ શકાય છે. એમાં ફક્ત આલાપ હોય છે, અને એક જ તાલ હોય છે.

જગતમાં રાજ્ય-ત્રાસવાદ સમસ્યા છે એમ ભારતવર્ષમાં રાજ્ય-ભષ્ટ્રાચાર સૌથી જીવંત સમસ્યા છે. આચાર્ય કૃપલાણીએ લોકસભામાં જવાહરલાલ નહેરુને એક ફારસી નીતિકથા કહી હતી. એક બાદશાહ એના વજીર, સેનાપતિ, અફસરાન સાથે શિકાર પર ગયો. શિકાર કરીને, પકાવી જમવા બેઠા ત્યારે ખબર પડી કે મીઠું નખાયું નથી. એક ખાસદારે કહ્યું: જહાંપનાહ! હું હમણાં નિમક લઈ આવું છું. એ કથાના બાદશાહે ખાસદારને નિમક લાવવા માટે અશરફીઓ આપવા માંડી ત્યારે વઝીરે કહ્યું: અન્નદાતા! આ પૂરું સામ્રાજ્ય આપનું છે! આપને નિમકના પૈસા આપવાના હોય! બાદશાહે ખાસદારના હાથમાં અશરફીઓ થમાવતાં વજીરને કહ્યું: જે દિવસે બાદશાહ પ્રજાનું નિમક મફત લેવા માંડશે એ દિવસે એની નીચેવાળા અફસરો પ્રજાની મુર્ગીઓ મફત લઈ જશે... અને સમજશે કે પૂરું સામ્રાજ્ય એમનું જ છે! વઝીર સમજી ગયો.

સાર: જે રાજા મફતની એક કટકી લેશે એની નીચેના હાકેમો, અફસરો, સરકારી કર્મચારીઓ આખો દેશ લૂંટી જશે.

આજના ભારતમાં એક વિચિત્ર નઝારો જોવા મળે છે. લૂંટાલૂંટ ચાલી રહી છે. એક પ્રધાન બૅંકમેળાઓ ભરે છે, ગરીબોને પૈસા લૂંટાવે છે. મિઝોરમ ત્રિપુરામાં રૂપિયા લૂંટાવીને નિર્વાચનો જિતાયાં. આ સુલતાની, બેજવાબદાર રાજીવશાહી આ રીતે લાંબી ચાલી શકે નહીં. મુખ્ય પ્રધાન ગરીબોને માટે જ રાજ્ય ચલાવે છે. ચાવલ, કપડાં, ચંપલો, સાડીઓ, ઘરો, ઢોર, જમીનો, બૅંકના રૂપિયા બધું જ ગરીબોના મેળા ભરીને ખેરાત કરી દેવામાં આવે છે. કે જેથી ગરીબો શાસક પક્ષને જ વોટ આપતા રહે. પૈસા લો, વોટ આપો. નીતિ-અનીતિ મોહનદાસ ગાંધી સાથે ગઈ. સમીકરણ સ્પષ્ટ છે-ઉઠાવો પૈસો, લાવો વોટ, લગભગ બધી જ ગરીબપ્રેમવાળી સરકારો ખેરાતો-સખાવતો પ્રજાના પૈસે નિર્વાચન પહેલાં મતદાતાઓને વહેંચી દેવામાં આવે છે. આ ભારતીય રાજીવબ્રાન્ડ લોકશાહી છે. રાજ્ય-ત્રાસવાદ જેવી જ આ એક સમસ્યા છે: રાજ્ય-ભ્રષ્ટાચાર.

ભારતમાં જ નહીં, અન્યત્ર પણ કમજોર અને ક્રૂર (આ બે વિશેષણો સાથે જ જાય છે, એકબીજાનાં પૂરક છે) શાસકોએ મતદાતાઓને પૈસા આપીને ખરીદવાની કુચેષ્ટા કરી છે. ભારતમાં હજી એટલી મુફલિસી, નિરક્ષરતા, મૂર્ખતા, ડોબાપણું છે કે ભૂખે મરતા લોકો પણ દર પાંચ વર્ષે ફરી એના એ જ ગઠિયાઓ પાસેથી થોડા રૂપિયા લઈને એમને વોટ પહેરાવી આવે છે. અને એમના ઉમેદવાર ચૂંટાઈ ગયા પછી મતદાતા પંદર જ દિવસમાં કકળાટ શરૂ કરી દે છે. મતદાનથી સરકાર બદલી શકાય છે અને પાંચ વર્ષે મળતો મતાધિકાર પરિપકવ થઈને વાપરવાનું શસ્ત્ર છે એ ચાળીસ વર્ષ પછી પણ એક વિશાળ વર્ગને સમજાતું નથી. પ્રશ્ર્ન છે કે જો સત્તાધીશ પક્ષ સિંહાસન પરથી ભ્રષ્ટાચાર કરે તો પ્રજાએ કેટલા નૈતિક રહેવું? અથવા વધારે આસાન રીતે મૂકીએ તો: તમને વોટ આપવા માટે પૈસા મળ્યા છે. તમારી એને જ વોટ આપવાની નૈતિક જવાબદારી છે. તમે પૈસા એકના લઈને બીજાને વોટ આપો એ જ નૈતિક છે. અનીતિનાં ધંધામાં એકપક્ષી નીતિ ચાલે નહીં. શત્રુને એનાં જ શસ્ત્રોથી પરાસ્ત કરવો પડશે. જે તમને ભ્રષ્ટ કરવાની ઝુર્રત કરી રહ્યો છે એને તમારે ભ્રષ્ટ થઈને શેષ કરવો પડશે.

કેનિયાના ગાંધી જોમો કેન્યાટાએ એની પ્રજાને ચૂંટણી પહેલાં સ્પષ્ટ કહ્યું હતું: વિરોધ પક્ષના પૈસા, ઘૂસ, રિશવત બધું જ લઈ લેજો અને ચૂંટણીને દિવસે વોટ આપણા ડબ્બામાં નાખજો...! અને એમ જ થયું હતું. ઈટાલીના કમ્યુનિસ્ટ નેતા પાલ્મીરો ટોગ્લીઆટ્ટીના કાળમાં ઈટાલીમાં કમ્યુનિસ્ટ પાર્ટી બહુમતી સીટો જીતી ગઈ હતી. કોમેરેડ ટોગ્લીઆટ્ટીને આ સફળતાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું: અમે મૂડીવાદને એના જ સાધનોથી પીટીએ છીએ! તમારે મૂડીવાદને એના જ હથિયારથી ઝબ્બે કરવો પડશે! અને ટોગ્લીઆટ્ટી પ્રોફેસર હતો, રેસમાં એના ઘોડા દોડતા હતા, એને રખાતો કે મિસ્ટ્રેસ હતી! એ અત્યંત ધનાઢ્ય હતો...

ફિલિપિન્સમાં ધર્મગુરુ કાર્ડિનલ સીને માર્કોસની સામે એક ફતવો બહાર પાડ્યો હતો કે માર્કોસને વોટ આપવો અધર્મ ગણાશે અને એમ પણ કહ્યું હતું કે માર્કોસ તરફથી જે પૈસા મળશે એ સ્વીકારવા અધર્મ નથી. પૈસા માર્કોસના લઈ શકો છો, પણ વોટ કોરી ઍક્વિનોને આપવાનો છે.

રિશવત લેવાની પણ એક નીતિ છે! ઈજિપ્તમાં જ્યારે રાષ્ટ્રપતિ નાસર સત્તા પર હતા ત્યારે અમેરિકન ગુપ્તચર તંત્રી સી.આઈ. દ્વારા નાસેરને ૩૦ લાખ ડૉલરની રિશવતની ઑફર થઈ હતી. આ વાત સી.આઈ.એ.ના એક ઉચ્ચાધિકારી માઈલ્સ કોપલેન્ડે એમના પુસ્તક ‘ધ ગેમ ઑફ નેશન્સ’માં લખી છે. રાષ્ટ્રપતિ નાસરે ૩૦ લાખ ડૉલર લઈ લીધા પછી રાષ્ટ્ર સમક્ષ જાહેર કર્યું કે એમને આ રીતે રિશવત આપવામાં આવી હતી જે એમણે લઈ લીધી છે અને એ ધનમાંથી એક ટેલિવિઝન ટાવર બનાવવામાં આવશે જોકે જાહેરાત પછી એમણે કેરોમાંથી બધા જ અમેરિકન સરકારી અફસરોને કાઢી મૂક્યા. આ ફેંકાઈ ગયેલા અફસરોમાંથી એકનું નામ: મિ. માઈલ્સ કોપલેન્ડ!

બદમાશની સાથે બદમાશી કરવી એ નીતિ છે, એવું આજની રાજનીતિમાં ઘણા માને છે. યુનોમાં નિકારાગુઆની રાજદૂત કુમારી નોરા એસ્ટોર્ગા જ્યારે ૩૮ વર્ષની હતી ત્યારે એની સાથેનો એક પ્રસંગ જગજાહેર થઈ ગયો હતો. કુમારી નોરાએ ક્રૂર જુલ્મગાર સોમોઝાના એક વરિષ્ઠ સેનાપતિને એના બેડરૂમમાં બોલાવ્યો હતો. ૮મી માર્ચે ૧૯૭૮ને દિવસે આ જુલમી સેનાપતિ નોરાના બેડરૂમમાં પ્રવેશ્યો અને કપડાં કાઢીને નગ્ન થઈ ગયો પછી નોરાએ સંકેત કર્યો... અને ત્યાં છુપાયેલા ત્રણ સાંડિનિસ્ટા બળવાખોરો બહાર નીકળ્યા અને આ જુલમીને ગોળીઓથી વીંધી નાખ્યો. હમણાં નોરા એસ્ટોર્ગાનું કૅન્સરમાં અવસાન થયું ત્યારે રાષ્ટ્રપતિ ઓર્તેર્ગાએ કહ્યું કે તે વીરાંગના હતી. દેશની અને ક્રાન્તિની નેતા હતી. એની દફનવિધિ પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે થશે...

જ્યારે રાજ્ય સ્વયં વિશાળ પાયે મહાભ્રષ્ટાચાર કરવા માંડે ત્યારે નાના પક્ષો અને નાના માણસો તેમ જ નાના દેશભક્તોએ એનો પ્રતિકાર કઈ રીતે કરવો? પ્રતિ-મહાભ્રષ્ટાચારથી! જોમો કેન્યાટા, પાલ્મીરો ટોગ્લીઆટ્ટી, કાર્ડિનલ સીન, રાષ્ટ્રપતિ જમાલ, અબ્દ-અલ નાસર અને નોરા એસ્ટોર્ગાનો માર્ગ સાચો છે. શરીરમાં અસાધ્ય ગૂમડાં થાય છે ત્યારે જ એના મવાદની રસીનાં ઇંજેક્સન આપવાં પડે છે. લોઢું લોઢાને કાપે છે, હીરો હીરાને કાપે છે. ગરમી ગરમીને મારે છે. એકના પૈસા લઈનીને બીાને વોટ આપવાથી દેશનું ભાવિ સુધરે છે. અસ્તુ. ઉ

No comments:

Post a Comment