Tuesday, September 24, 2013

ચિંતા કોને નથી? - મહેન્દ્ર પુનાતર

આશાવાદી માટે પ્યાલો દૂધથી અડધો ભરેલો, નિરાશાવાદી માટે અડધો ખાલી
ચિંતા કોને નથી? દુ:ખમાં ડૂબેલા લોકોને નજીકનાં સુખ નજરે પડતાં નથી. પારકા ભાણાનો લાડુ સૌને મોટો લાગે છે. કેટલાક લોકો ઓછું હોવા છતાં મોજ કરે છે અને કેટલાક વધુ હોવા છતાં વલોપાત

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

આ જગતમાં માણસ પાસે ખુશ રહેવા માટે ઘણી ચીજો છે, પણ આપણી પાસે જે રહેલું છે તે નજરે પડતું નથી. માણસને જીવવા માટે હવા, પાણી, ખોરાક, વસ્ત્રો અને માથે છાપરું આટલી ચીજો અનિવાર્ય છે અને તે સહેલાઈથી મળી જાય છે. બાકીની ચીજો માટે મથામણ કરવી પડે છે. સુખ તો આપણી પાસે છે, પણ મુશ્કેલી એ છે કે બીજા કરતાં વધુ જોઈએ છે. કેટલાક માણસોને તમે ગમે તેટલા દુ:ખમાં નાખો તો પણ લહેરમાં રહેશે. જૂની બાળપોથીમાં આનંદી કાગડાની વાત આવતી હતી. એક વખત રાજાએ ગુસ્સે થઈને કાગડાને ગોળના ગાડવામાં નાખવાનો હુકમ કર્યો તો તે ગાવા લાગ્યો ‘ગોળના દડબા ખાઈએ છીએ લહેર કરીએ છીએ.’ રાજાએ તેને છાપરા પર તડકે નાખ્યો તો ગાવા લાગ્યો ‘રાજાજીના છાપરા ચાળીએ છીએ મજા કરીએ છીએ.’

બીજી એક વાત ઘણાએ વાંચી હશે. એક રાજાએ પોતાના પ્રધાનને સુખી માણસનું પહેરણ લાવવા કહ્યું. ઘણી શોધખોળ પછી સુધી માણસ તો મળ્યો પણ તેના શરીર પર ખમીસ જ નહોતું. કેટલાય એવા માણસો છે જે ઓછું હોવા છતાં મજેથી રહે છે અને બીજા કેટલાક માણસો વધુ હોવા છતાં વલોપાત કરતા હોય છે. એકને જે મળ્યું છે તેનો આનંદ છે તો બીજાને જે નથી મળ્યું તેનો વસવસો છે.

કેટલાક લોકો નાની એવી મુશ્કેલી કે દુ:ખ આવી પડે તો રાઈનો પહાડ કરે છે અને ઠૂઠવો મૂકવા બેસી જાય છે. નોકરી ચાલી ગઈ, ધંધામાં થોડી ખોટ પડી, કોઈએ દગો દીધો, કોઈ પૈસા પડાવી ગયું કે થોડી માંદગી આવી ગઈ. તેઓ લમણે હાથ મૂકીને બેસી જાય છે. કેટલાક લોકો સ્વભાવ અને પ્રકૃતિથી ઢીલાપોચા હોય છે. તેમનો ચહેરો રોતી સૂરત જેવો હોય છે. તેઓ નાનાં એવાં દુ:ખોને પંપાળીને મોટાં કરે છે. આશાવાદીને પ્યાલો દૂધથી અડધો ભરેલો લાગે છે. નિરાશાવાદીને અડધો ખાલી દેખાય છે. તેઓ કાયમ પોતાના સફ્ળ પાડોશી સાથે પોતાની સરખામણી કર્યા કરે છે. બધાને પારકે ભાણે લાડવો મોટો લાગે છે. આ બધું સુખ અને દુ:ખને આપણે કેવી રીતે મન પર લઈએ છીએ તેના પર આધારિત છે. આપણા જૂના કવિએ ગાયું છે તેમ ‘સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તો કોઈનાં નવ ટળે, રઘુરાયના જડિયા.’

આધિ, વ્યાધિ અને ઉપાધિ બધાને એક યા બીજા પ્રકારે આવે છે. ચિંતા કોને નથી? પણ તેનો ભાર લઈને ફર્યા કરવાથી કશું વળવાનું નથી. તે આપણને અંદરથી કોતરી નાખશે. મોટા ભાગની ચિંતા, બિનજરૂરી, નાહકની હોય છે.

સ્વાર્થ, ભય, લોભ અને લાલસાના કારણે ચિંતા ઊભી થાય છે. માણસને આજની ચિંતા નથી એટલી ભવિષ્યની છે. કેટલીક વખત ભવિષ્યમાં શું થશે તેની કલ્પના કરીને માણસ દુ:ખી થતો હોય છે. જીવનમાં દુ:ખ, મુશ્કેલી અને આફતો આવ્યા કરે છે. કોઈ કાયમ સુખી કે દુ:ખી રહેતું નથી. આ સમયચક્ર છે. તે પલટાયા કરે છે. ઘણી વાર દુ:ખ અને આપત્તિ આવ્યા પહેલાં માણસ ઢીલો પડી જાય છે અને જીવ બાળ્યા કરે છે. ખોટી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. ‘પડશે એવા દેવાશે’ એવી હિંમત રાખીને માણસે આગળ વધવું જોઈએ. સમય સમયનું કામ કરે છે. દુ:ખને વાગોળ્યા કરીએ તો ઓછાં થવાનાં નથી, ઊલટાનું તે વધુ ઘેરાં બનશે. આ અંગે એક સરસ ઉક્તિ છે. ‘ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ બલ, જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.’

મોટા ભાગનાં દુ:ખો અને ચિંતાઓ માણસની પોતાની સર્જત છે. દરેકને પોતાના પ્રશ્ર્નો છે અને દરેક પ્રશ્ર્નનું સમાધાન છે. પણ આ માટે ધૈર્ય, હિંમત અને ડહાપણની જરૂર છે. આપણી પોતાની ભૂલોમાંથી શીખવાનું છે. માણસ ધારે તો મોટા ભાગની વિટંબણાઓને ટાળી શકે છે અને ચિંતા-તાણમાંથી મુક્ત થઈ શકે છે. આ માટેની કેટલીક બાબતો વિચાર પ્રેરક અને સોનેરી સૂત્રો જેવી છે.

(૧) જગતના આપણે માત્ર અંશ છીએ. આ દુનિયા આપણા વિના પણ ચાલવાની છે. તેથી માથે ભાર લઈને ફરવાની જરૂર નથી. ગમે તેટલું વ્યવસ્થિત કરીને મૂકીને જશો તો પણ સમયની સાથે બધું વિલિન થવાનું છે.

(૨) બીજા પર વિશ્ર્વાસ મૂકો. સંતાનોને તાલીમ આપી બધું તેમના પર છોડી દો. તમે માત્ર માર્ગદર્શક બનો. તમે જેટલું ચીવટ અને ખંતથી કરી શકો એટલું કદાચ બીજા ન કરી શકે. કદાચ કોઈ ભૂલ પણ થઈ જાય. માણસ અનુભવમાંથી ઘડાય છે.

(૩) ઘણાં બધાં કામો એકસાથે કરી નાખવાની કોશિશ કરો નહીં. આના કારણે તાણ ઊભી થશે અને કામ સરખાં નહીં થાય. એક કામ કામ અધૂરું રાખીને બીજું કામ શરૂ કરો નહીં. જે કામ હાથમાં લીધું હોય તે પૂરું કરો. કામના બોજાની વહેંચણી કરી નાખો.

(૪) ઓફિસમાં હો ત્યાં સુધી કામ ધંધાની ચિંતા કરો. ઓફિસ છોડ્યા પછી ધંધાને ભૂલી જાવ. ઘરમાં બાળકો સાથે થોડો સમય વિતાવો અને એ વિષયની વાત કરો જેમાંથી આનંદ મળે.

(૫) તર્કયુક્ત મહત્ત્વાકાંક્ષા રાખો. શક્તિ અને સામ્યર્થ વગરની વધુ પડતી આકાંક્ષાઓ દુ:ખ ઉત્પન્ન કરે છે. જાત પ્રત્યે પ્રામાણિક રહીને વિચારો કે તમે શું કરી શકો છો. નથી કરી શકવાના તેનો મોહ છોડી દો.

(૬) જીવનમાં જે મળ્યું છે તેનો આનંદ માણો. નથી મળ્યું તેનો અફસોસ કરો નહીં. બધી વસ્તુઓ બધાને મળતી નથી અને જીવનમાં કદાચ મળી જાય તો પણ તેનો કશો અર્થ રહેતો નથી.

(૭) કોઈ પણ બાબતમાં બીજા સાથે સરખામણી કરો નહીં. બીજાથી તમે આગળ રહેવા જોઈએ એ વાત છોડી દો. ઊંધું ઘાલીને દોટ મૂકો નહીં. તમે તમારી રીતે ચાલો.

(૮) બીજાની ઈર્ષ્યા અને અદેખાઈ ન કરો. તમારી પાસે જે છે તે પ્રભુની કૃપા છે એમ માનીને સંતોષ અનુભવો. દરેક બાબતને પૈસાના ત્રાજવે તોળો નહીં.

(૯) બધા જ તમારી સાથે સંમત થાય, તમારા કહ્યા પ્રમાણે ચાલે, તમારો પડ્યો બોલ ઝીલે એવી અપેક્ષા કદી રાખશો નહીં. દરેક માણસને પોતાની ઈચ્છા અને ગમા-અણગમા હોય છે.

(૧૦) બધા તમારા જેવા બને એવી આશા રાખો નહીં. સંતાનોને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરો નહીં. સૌની પ્રકૃતિ, સ્વભાવ જુદો છે. તમે તમારી રીતે રહો અને બીજાને તેમની રીતે રહેવા દો.

(૧૧) દરેક ખુશ રાખવાની મથામણ કરો નહીં. બધાને તમે રાજી રાખી શકવાના નથી. પણ કોઈને દુ:ખ ન પહોંચે તેનો જરૂર ખ્યાલ રાખો. સહૃદયી, મૈત્રીપૂર્ણ અને નિષ્કપટ રહેવાનો પ્રયાસ કરો એટલે ઘણું.

(૧૨) નિષ્ઠુર બનો નહીં અને સાથે સાથે વધુ પડતા લાગણીશીલ પણ બનો નહીં. બીજા પાસેથી અપેક્ષા રાખો નહીં. અપેક્ષા કદી સુખ આપતી નથી. દુ:ખ જરૂર આપે છે. ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય નિભાવો. એમાંથી સુખનો જે અનુભવ થશે તેની સરખામણીમાં બીજું બધું ગૌણ બની જશે.

(૧૩) સરળ અને સહજ રીતે જીવો. ખોટો દંભ અને દેખાવ કરવાનું ટાળો. આ લાંબો સમય ટકશે નહીં.

(૧૪) આજને નજર સમક્ષ રાખો. ભવિષ્યની બિલકુલ ચિંતા કરો નહીં. જે થઈ ગયું છે તે દૂર થઈ શકવાનું નથી અને જે થવાનું છે તેની કોઈને ખબર નથી.

(૧૫) જીવનમાં જે કાંઈ આવે તેનો સહર્ષ સ્વીકાર કરો. સુખ આવે તો સુખ, દુ:ખ આવે તો દુ:ખ. બંનેમાં સ્થિરતા અને સંતુલન જાળવી રાખો.

(૧૬) જીવનને વધુ અર્થપૂર્ણ અને વિવેકપૂર્ણ બનાવો. નમ્રતા, નિખાલસતા અને ખુલ્લું મન રાખો.

(૧૭) કોઈ પણ બાબતમાં નકામી ઉતાવળ કરો નહીં. આરોગ્ય અને ભોજન પાછળ નિરાંતનો સમય આપો. પહેલું સુખ તે જાતે નર્યાં.

(૧૮) ચિંતા અને વ્યથાઓને અંદર દબાવી રાખો નહીં. કોઈ સહૃદયી સ્વજન કે મિત્ર પાસે દિલને ખોલીને મનને હળવું કરી નાખો, પરંતુ એ માટે સાચી વ્યક્તિની પસંદગી કરજો.

(૧૯) તમારી ખાનગી વાત કોઈને કહેશો નહીં. ખાનગી વાતો જલદીથી જાહેર થઈ જાય છે અને ખાનગી રાખવું પડે એવું કરશો નહીં.

(૨૦) સાચી વાતનો હંમેશાં સ્વીકાર કરો. આપણે હંમેશાં સાચા છીએ અને બીજા ખોટા છે એવા ભ્રમમાં કદી રહેશો નહીં.

(૨૧) દરેક બાબતમાં આગળ નીકળી જવાની અને પ્રથમ નંબર પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખશો નહીં. આ નંબર વનનું સ્થાન ટકાવી રાખવા અપાર યાતનામાંથી પસાર થવું પડે છે અને નંબર છીનવાઈ જાય છે ત્યારે હતાશા અને નિરાશાનો અનુભવ કરવો પડે છે.

(૨૨) જીવનમાં હંમેશાં બધું મેળવવું જરૂરી નથી. કેટલીક વખત ગુમાવવાનું પણ અદકેરું મહત્ત્વ હોય છે. ગુમાવે છે તે જ મેળવે છે. બીજ મટી જાય ત્યારે નવા વૃક્ષનો જન્મ થાય છે.

માણસની મોટા ભાગની ચિંતાઓ પૈસાની હોય છે. ધન કમાવું એમાં કશું ખોટું નથી, પણ તે પાછળનું પાગલપણું અનેક અનર્થો સર્જે છે અને ખોટાં કામો કરાવે છે. જીવનમાં પૈસા કરતાંયે બીજી ઘણી વસ્તુઓ મહત્ત્વની છે. તરસ લાગે ત્યારે પાણી મીઠું લાગે છે. કકડીને ભૂખ લાગે ત્યારે ભોજન સ્વાદિષ્ટ બની જાય છે અને પરિશ્રમ પછી ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પડતી નથી. આવાં સુખો ઘણાના નસીબમાં નથી.

બાળકોના સ્મિતમાં, કલકલ વહેતા ઝરણામાં, પક્ષીઓના કલરવમાં, પુષ્પોના પમરાટમાં જીવનનું સંગીત છે. આ બધો નિજાનંદ છે. પૈસા બહુત કુછ હૈ લેકિન સબ કુછ નહીં. કેટલાક સોગિયા, નિરાશાવાદી લોકો સુખને અડકે તો સુખ પણ દુ:ખમાં ફેરવાઈ જાય છે. આવા લોકોની દયા ખાવા સિવાય બીજું કરી શકાય પણ શું?

No comments:

Post a Comment