Tuesday, September 10, 2013

પશ્ચ્યાતાપ અને પ્રાયશ્ચિત- મહેન્દ્ર પુનાતર

પશ્ચ્યાતાપ, ભૂલની કબૂલાત અને પ્રાયશ્ચિત ફરીથી ન થાય તેની પ્રતિજ્ઞા
પશ્ચ્યાતાપ એટલે તમે જે કર્યું છે તેના માટે પસ્તાવો છે, પરંતુ તમે જે છો તેના માટે નહીં. પ્રાયશ્ચિતનો અર્થ છે જે કાંઈ થયું છે તેના માટે હું દોષિત છું અને આવી ભૂલ ફરીથી નહીં થાય તેવો મારો સંકલ્પ છે. પશ્ચ્યાતાપનો સંબંધ કૃત્ય સાથે છે. જ્યારે પ્રાયશ્ચિતનો સંબંધ અંતર પરિવર્તન સાથે છે. પશ્ચ્યાતાપ બહારનો છે. પ્રાયશ્ચિત ભીતરનું છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

પર્યુષણ પ્રસંગે સવંત્સરી પ્રતિક્રમણ કરી એક બીજા પ્રત્યે ક્ષમાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા ફરવું. મન, વચન અને કાર્યથી કોઈના પ્રત્યે જાણતા-અજાણતા અઘટિત વ્યવહાર થયો હોય, કોઈનું દિલ દુભાયું હોય તો અંત:કરણપૂર્વક ક્ષમાયાચના કરવામાં આવે છે. અહિંસા, પ્રેમ અને ક્ષમા એ જીવન અને ધર્મના ત્રણ મંત્રો છે અને એક બીજા સાથે સંકળાયેલા છે. અહિંસા જીવનમાં ઊતરે તો પ્રેમ આપોઆપ પ્રગટ થાય અને પ્રેમ હોય ત્યાં કોઈનું મન દુભવવાનો કે કોઈને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થાય જ નહીં અને ક્ષમાની ભાવના જીવનમાં ઊતરે તો બધુ આવી જાય. એટલે તો ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ કહ્યું છે. આ માત્ર ઔપચારિક વિધિ નથી, પરંતુ હૃદયની ભાવના છે. માત્ર મિચ્છામી દુક્કડમ કરવાથી ક્ષમા આવી જતી નથી. આ હૃદયનું પરિવર્તન છે. માત્ર શબ્દો નહીં તેનું આચરણ જીવનમાં ઘણું મહત્ત્વનું છે.

આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે યુગ ઘણો કઠીન છે. તણાવ, ચિંતા અને સ્વાર્થની ભાવના પ્રબળ છે. જીવનના ઉદાત મૂલ્યો ધીરેધીરે ઓસરતા જાય છે. રાગ, દ્વેષ, માન-અભિમાન અને પૂર્વગ્રહના કારણે આપણે એકબીજા પ્રત્યે જોઈએ તેટલા નિખાલસ નથી. ખુલ્લું મન નથી. સંકૂચિત અને સાંકડી મનોવૃતિથી આપણે ઘેરાયેલા છીએ. ક્ષમાની ભાવના માટે અંત:કરણ સાફ જોઈએ. અંદર મેલ ભરાયો હોય તો શબ્દોનું કોઈ મૂલ્ય નથી.

સર્વ પ્રથમ
પ્રાયશ્ચિત શું છે તે સમજવું જરૂરી છે. પશ્ચ્યાતાપ અને પ્રાયશ્ચિતમાં બહુ મોટો ફરક રહેલો છે. પશ્ચ્યાતાપનો સંબંધ બીજા સાથેનો છે જ્યારે પ્રાયશ્ચિત સાથનો સંબંધ આપણા પોતાની સાથેનો છે. પશ્ચ્યાતાપનો સંબંધ કૃત્ય અને કરણી સાથે છે. પ્રાયશ્ચિતનો સંબંધ અંતર પરિવર્તન સાથે છે. પશ્ચ્યાતાપ બહારનો છે. પ્રાયશ્ચિત ભીતરનું છે.
પશ્ચ્યાતાપ-પસ્તાવો એક સામાન્ય ઘટના છે. જે થઈ ગયું છે તેને માટે અફસોસ છે. કોઈ માણસ એવો નહીં હોય જેને કોઈ પણ બાબત માટે કદી પસ્તાવો ન થયો હોય. કાંઈક ખોટું થાય અને આપણે માત્ર નિમિત્ત હોઈએ તો પણ પસ્તાવો થયા વગર રહેતો નથી. વેપાર ધંધામાં કાંઈક ખોટું થઈ ગયું હોય, પાસાં ઊંધા પડ્યા હોય, કાંઈક હાનિ થાય અને કામનો માણસ જેની સાથેના સંબંધો તૂટી જાય તો માણસને પોતાના કૃત્ય અંગે પારાવાર પસ્તાવો થાય છે. આના કરતાં આમ કર્યું હોત તો સારું થાત એવો અફસોસ થાય છે. પશ્ચ્યાતાપમાં કાંઈક ખોટું કરી નાખ્યું એવી લાગણી ઊભી થાય છે. દિલ દુભાય છે.

અહંકારને કારણે પણ આવો અફસોસ થતો હોય છે. ક્યાંય જાહેરમાં ગુસ્સો થઈ ગયો. ક્રોધ આવી ગયો. કોઈને ન કહેવાના વેણ કહેવાય ગયા હોય. અને પછી એમ થાય કે લોકો મારા વિશે શું વિચારશે, મારી ખરાબ છાપ ઊભી થશે. મેં જાહેરમાં આમ ન કર્યું હોત તો સારું હતું. કેટલીક વખત આવું બને ત્યારે પોતાની ખરડાયેલી છાપ સુધારવા માણસ જાહેરમાં માફી પણ માગી લેતો હોય છે. પોતાનું સારું દેખાશે એમ લાગતું હોય તો મિચ્છામી દુક્કડમ્ કરવામાં વાંધો નથી. આ
પશ્ચ્યાતાપ એ પસ્તાવો નથી પણ માણસનો અહંકાર છે. એકબીજાને સારું લગાડવાની આ રમત છે. આ રીતે આપણે વારંવાર પસ્તાઈએ છીએ અને પાછું એનું એ જ કરતા રહીએ છીએ. આનાથી જીવનમાં કોઈ ફરક પડતો નથી. પાછા એવા સંજોગો ઊભા થશે. એવું જ કારણ અને બહાનું મળશે તો પાછું આપણે એમ જ કરવાના છીએ અને પાછા માફી માગી લઈશું.

દર વર્ષે આપણે મિચ્છામી દુક્કડ્મ કરીએ છીએ ક્ષમાપનાના કાર્ડ મોકલીએ છીએ. ક્ષમાના સાથીયા પૂરીએ છીએ. આ માત્ર વહેવાર છે. ભીત
નું પરિવર્તન દેખાતું નથી. હકીકતમાં તો જેમની સાથે સારા સંબંધ હોય તેમના પ્રત્યે જ ક્ષમાપના વ્યક્ત થતી હોય છે. જેની સાથો કાંઈ વાંધો પડ્યો હોય, બોલવાનો સંબંધ ન હોય, વેર બંધાયું હોય તેની આપણે સામે ચાલીને ક્ષમા માગતા નથી. આમાં આપણો અહંમ ઘવાય છે. કદાચ સંજોગોવશાત માફી માગી પણ લઈએ તો પણ એ બાહ્ય દેખાવ ખાતર હોય છે. ક્ષમા માગ્યા પછી બીજી જ ક્ષણે હતા ત્યાંને ત્યાં જ આવી જઈએ છીએ. આપણા મૂળભૂત વલણમાં કશો ફરક પડતો નથી. માફી માગી લીધી, સોરી કહી દીધું હવે પછી શું છે? આથી વધુ આપણી તૈયારી નથી. આપણે માફી માગી લીધી એટલે સામા માણસને થયેલી હાનિ દૂર થઈ ગઈ? તેનું અપમાન માનમાં પલટાઈ ગયું? કડવા વચનો મીઠા મધ જેવા થઈ ગયા? માફી માગવાથી ઓકેલું ઝેર અમૃત થઈ ગયું? માફી માગીએ પણ વળ ઓછો થાય નહીં, અભિમાન ઓસરે નહીં તો પસ્તાવાનો કોઈ અર્થ નથી.
પશ્ચ્યાતાપનો અર્થ છે તમે જે કર્યું છે તેને માટે અફસોસ છે પણ તમે જે છો તેને માટે નહીં. તમે ચોરી કરી હોય તો ચોરી માટે, હિંસા કરી હશે તો હિંસા માટે, બેઈમાની કરી હશે તો બેઈમાની માટે પસ્તાશો પણ તમારી જાત માટે, તમારા પોતાના માટે પસ્તાસો નહીં.

આપણે માનીએ છીએ કે આપણે એક સારા માણસ છીએ. થોડી ભૂલ થઈ ગઈ. પસ્તાવો કરી લીધો, ક્ષમા માગી લીધી બધુ ભૂંસાઈ ગયું. સરભર થઈ ગયું. હવે નવું પ્રકરણ, નવો દાવ, નવી ભૂલો, નવો
પશ્ચ્યાતાપ અને નવી ક્ષમાપના.
પ્રાયશ્ચિતનો અર્થ છે હૃદયનું પરિવર્તન જે માણસે ક્રોધ કર્યો હતો. કટુ વચન કહ્યા હતા, હાનિ પહોંચાડી હતી તે માણસ હવે રહ્યો નથી. તમારી સમક્ષ હાથ જોડીને ઊભેલો માણસ નવો છે. હવે તે ફરી ભૂલ કરશે નહીં. કોઈ જાતના દોષમાં પડશે નહીં. તેનું આંતરિક પરિવર્તન થઈ ગયું છે. તેના હૃદયના દ્વારો ખૂલી ગયા છે. ભીતરમાં ઉજાસ થઈ ગયો છે.
પ્રાયશ્ચિતનો અર્થ છે ભૂલ કરણીમાં, કૃત્યમાં નહીં પણ મારા પોતાનામાં છે. હું તેને માટે દોષિત છું. કોઈ કહે તમારાથી ખોટું કામ થઈ ગયું છે તો આપણે તેનો એકરાર કરી લઈએ અને માફી માગી લઈએ, પરંતુ કોઈ કહે કે તમે ખોટા છો. તમે જુઠ્ઠા છો તો અહંકારને ચોટ લાગી જશે. કોઈ ખોટું કામ થઈ ગયું તો તેને સુધારવું સહેલું છે. પણ જાતને સુધારવી બહુ મુશ્કેલ છે. પ્રાયશ્ચિતનો અર્થ છે પોતાનામાં ખૂદમાં પરિવર્તન ઊભું કરવું. આ જગતમાં ત્રણ પ્રકારના લોકો છે એક હંમેશાં બીજાની ભૂલ અને દોષ જુએ છે. તેમને કોઈનું કશું સારું દેખાતું નથી. બીજા પ્રકારના લોકો કૃત્ય અને કરણીમાં ભૂલ જુએ છે. તેમને એમ થાય છે કે આ મારાથી થઈ ગયું છે. પણ આમાં મારો કશો વાંક નથી. ત્રીજા પ્રકારના લોકો સ્વયંમાં દોષ જુએ છે. તેને એમ થાય છે આ જે ખોટું થયું છે તેમાં મારો પોતાનો દોષ છે. આ માટે હું પોતે જવાબદાર છું. આ ત્રીજા પ્રકારના માણસો પ્રાયશ્ચિતમાં ઊતરી શકે છે. અને જેઓ બીજાની ભૂલ જૂએ છે તેમના માટે પશ્ચ્યાતાપ કે પ્રાયશ્ચિત જેવું કશું હોતું નથી. તેમને કદી પોતાનો દોષ દેખાતો નથી.

આપણે જેની સાથે સંબંધ અને વહેવાર રાખીએ તે સામેના માણસ પર ઓછો નિર્ભર છે. આપણી પર તેનો વધુ આધાર છે. એમાં જો કચાશ રહે તો તે આપણો દોષ છે. સંબંધો તૂટી જાય ત્યારે મોટે ભાગે લોકો આ માટે એકબીજા પર દોષારોપણ કરતા હોય છે. મેં તેનું આટલું કર્યું પણ તેને કદર નથી. એવા શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ. સંબંધો ટકાવી રાખવાની જવાબદારી સામેના માણસ પર છે એવું આપણે માનીએ છીએ. એટલે સાચા અર્થપૂર્ણ સંબંધો બંધાતા નથી. ખરે વખતે કોઈ એકબીજાની પડખે ઊભું રહેતું નથી. બીજો સાચો છે કે ખોટો તે વિચારવું એ સાધકની દૃષ્ટિ નથી. આપણે સાચા છીએ કે ખોટા તે અંગે વિચારવું અને નિરીક્ષણ કરવું એ પ્રજ્ઞાવાન માણસની દૃષ્ટિ છે.
પશ્ચ્યાતાપ એ ભૂલની કબૂલાત છે. જ્યારે પ્રાયશ્ચિત એ ભૂલ ફરીથી નહીં થાય તેની પ્રતિજ્ઞા છે.

જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ જૈન ધર્મના ચાર સ્તંભો છે તેના વગર જીવનને રૂપાંતરિત કરી શકાય નહીં અને સાચું સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. આ સંસાર રાગ-દ્વેષનું સંગ્રહસ્થાન છે. અહંકાર દૂર કરવા મનને શુદ્ધ બનાવવું જોઈએ. મન પર વાસનાના થર બાઝેલા છે ત્યાં સુધી અંતરમન વિકસિત થઈ શકે નહીં. કામ, ક્રોધ, લોભ અને મોહ માણસને ભટકાવે છે. સ્વાર્થ દંભ અને અભિમાન તેમાં ઇંધણ પૂરે છે અને માણસ પોતાના કારણે દુ:ખી થતો રહે છે. ખોટું કામ હંમેશા માણસને સતાવતું હોય છે. ગમે તેવો મજબૂત માણસ પણ આવું કર્યા પછી અંદરથી પીડાતો હોય છે. સતત ભય અને અસલામતીમાં જીવતો હોય છે. ભગવાન મહાવીરે કહ્યું છે ‘વાસનાનો અગ્નિ, દ્વેષનો અગ્નિ અને અહંકારનો અગ્નિ જ્યારે બુઝાઈ જાય છે ત્યારે હૃદયને સુખ થાય છે.’ કષાયોને દૂર કરવા
પ્રાયશ્ચિત પણ એક તપ છે. પ્રાયશ્ચિતનું પ્રથમ સૂત્ર છે આપણે સ્વયંને ઓળખીએ સ્વયંને જાણ્યા વગર સિદ્ધ થઈ શકાય નહીં. આપણે જેવા છીએ તેવા જાણીએ અને તેનો સ્વીકાર કરીએ. અંતરના અરીસા સામે ઊભા રહીએ તો આપણી અસલ પહેચાન આપણને મળી જશે. આ દર્પણ કોઈની શરમ રાખતું નથી. આપણે ગમે તેટલા ચહેરા અને મહોરા લગાવીએ પણ અસલી ચહેરો પ્રગટ થયા વગર રહેતો નથી. અંતરના આ અરીસામાં ચહેરો બિહામણો લાગશે એટલે તેમાં ડોકિયું કરવાનું કોઈ સાહસ કરતું નથી. અને જે લોકો આ દર્પણ સામે ઊભા રહેવાનો ડોળ કરતા હોય છે તેઓ મેકઅપ કરીને ઊભા હોય છે. દાનનો, ધર્મનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો આ મેકઅપ અસલી ચહેરાને છુપાવી દે છે. પણ તે લાંબો સમય ટકતો નથી. બીજાને છેતરવાનું સહેલું છે. લાંબા સમય સુધી આપણે બીજાને બનાવી શકીએ છીએ પણ જાતને છેતરવાનું મુશ્કેલ છે. પ્રાયશ્ચિત એ અંતરના અરીસામાં ડોકિયું કરીને આંતરિક પરિવર્તન ઊભું કરવાનું માધ્યમ છે. આપણે જો સાચા દિલથી પ્રાયશ્ચિત ન કરી શકીએ તો અંતરતપમાં પ્રવેશી નહીં શકીએ. તે અંતરતપનું દ્વાર છે. તેમાં વગર રાગ-દ્વેષ દૂર થશે નહીં અને મુક્તિનો માર્ગ મળશે નહીં. આપણે સાચા દિલથી ક્ષમાપના વ્યક્ત કરીએ મિચ્છામી દુક્કડ્મ...

No comments:

Post a Comment