Tuesday, August 27, 2013

હવે થોડું આપણા માટે મસ્ત બનીને જીવીએ -મહેન્દ્ર પુનાતર

સારું કામ કરીએ તો પુણ્ય અને ખરાબ કામ કરીએ તો પાપ. સારું શું અને ખરાબ શું? એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે. ઈશ્ર્વરને પામવા માટે પણ ઉધામા કરવાની જરૂર નથી, પણ અધર્મથી બચવાનું છે. જીવનમાં જો ખોટું નહીં થાય તો સાચું એની મેળે આવી જશે. ધર્મ તો જીવન જીવવાની કલા છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં આપણને શેની ઈચ્છા છે? શું જોઈએ છે? માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છે. પછીનાં જે વર્ષો મળે છે એ નફાનાં હોય છે. નફાને નુકસાન ગણીને ચાલીએ તો દુ:ખી થઈએ. જીવનમાં આ વર્ષોમાં પણ જંજાળ ન છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંત સમયે અફસોસ કરીએ તો કેમ ચાલે? આપણે શા માટે જીવીએ છીએ. ધન એકઠું કરવા માટે? સંતાનોને સલાહ આપવા માટે? કીર્તિ અને પ્રસિદ્ધિ માટે? હજુ ક્યાં માન-ચાંદ મેળવવાનાં બાકી છે. અત્યાર સુધી જે જીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતું? પ૦ કે ૬૦ની ઉંમરના આરે પહોંચેલા દરેક માણસે આ પ્રશ્નો પોતાની જાતને પૂછવા જોઈએ અને વિચાર કરવો જોઈએ. શરૂઆતનાં વર્ષોમાં ધન, પદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામા કરવાના હતા તેટલા કરી નાખ્યા અને જીવનનાં કીમતી વર્ષો ગુમાવી દીધાં. હવે થોડું આપણા માટે જીવીએ. મસ્ત બનીને રહીએ. જે આપણને મળ્યું છે અને જે આપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએ. તેનો આનંદ માણીએ અને સંતોષથી રહીએ. ચિંતા, ભય અને રાગદ્વેષ છોડી દઈને અંતરમાં ડોકિયું કરીએ. બધાં કામો યોગ્ય સમયે કરી નાખવાનાં હોય છે. સમય કોઈના હાથમાં રહેતો નથી. કાલ કદી આવતી નથી. કોઈ પણ સારું કામ કરવાની ઈચ્છા જાગે તો આજે કરી લેવું જરૂરી છે. આજે જે સમય છે અને જે વિચારો છે તે કાલે રહેવાના નથી. સુખને માણવાનો સમય પણ આવતી કાલે આવે કે ન આવે તેની કોઈ ખાતરી નથી. બધું ભેગું કરીને નિરાંતે એકસાથે માણી લઈશું એવો જે વિચાર કરે છે તે બધું ગુમાવે છે. સુખને કટકે કટકે માણવાનું હોય છે. સંપૂર્ણ સુખ કોઈને કદી મળ્યું નથી. એ માટે રાહ જોવી નકામી છે. આજનો લહાવો લઈએ, કાલ કોણે દીઠી છે જેવી આ વાત છે.

પ્રતિક્ષણ જગત બદલાયા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે. રંકને રાજા અને રાજાને રંક બની જતાં વાર લાગતી નથી. માણસે વર્તમાન સાથે ચાલવાનું છે. ભૂતકાળ કે ભવિષ્ય કશું કામ આવે એવું નથી. જે વીતી ગયું છે તે ભૂલી જવાનું છે અને જે થવાનું છે તેની કોઈને ખબર નથી તેથી નાહક કલ્પના કરીને દુ:ખી થવાનું કોઈ કારણ નથી. માણસ મોટે ભાગે આજે જે કરવાનું છે તે કાલ પર છોડી દે છે અને ગઈ કાલ જે વીતી ગઈ છે ત્યારે જે કરવાનું હતું તે આજે કરે છે. સમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે અને તે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ભીંસાયા કરે છે.

જિંદગીમાં તત્કાળ ભય ઊભો થાય છે ત્યારે માણસ સાવધ અને સભાન બની જાય છે. જાતને બચાવવા માટે છલાંગ મારે છે ત્યારે તે વિચાર કરતો નથી કે બચવા માટે આજે છલાંગ મારવાની જરૂર નથી, કાલે ફુરસદે છલાંગ મારીશું. કુદરતે જગતમાં તમામ પ્રાણીઓને આવી આંતરિક શક્તિ આપી છે. માણસ તો વિચારશીલ પ્રાણી છે. સમયની સાથે શક્તિઓ ક્ષીણ થતી જાય છે. જીવનમાં જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે અને જે કાંઈ છોડી દેવાનું છે તેને માટે કાલ કરતાં આજ વધુ મહત્ત્વની છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી માણસે મુક્ત થવાનું છે.

જીવન એ સુખદુ:ખની ઘટમાળ છે. સુખ અને દુ:ખનો સમય મર્યાદિત હોય છે, પરંતુ સુખ આપણને ટૂંકું અને દુ:ખ લાંબું લાગે છે, કારણ કે સુખનો સમય આપણને ખ્યાલમાં રહેતો નથી પણ દુ:ખનો સમય હરપળે નજર સમક્ષ રહે છે. સુખને આપણે યાદ રાખતા નથી અને દુ:ખને ભૂલતા નથી. પહેલું સુખ તે જાતે નર્યા. શરીર અને મન સ્વસ્થ હોય, હાથપગ ચાલતા હોય અને બીજાની પાસે હાથ લાંબો ન કરવો પડે તેના જેવું સુખ બીજું કોઈ નથી. આપણે જે કાંઈ મેળવીએ છીએ તે ગઈ કાલે કોઈ બીજાનું હતું અને આજે આપણું છે અને આવતી કાલે તે કોઈ અન્યનુંં હશે. કોઈ એક હારે છે ત્યારે બીજો જીતે છે. મેળવેલું જાય તો પણ શું? તેનો અફસોસ શા માટે? શક્ય છે કે તે પાછું મળી જાય. આપણે કાંઈ લઈને આવ્યા નહોતા અને પાછા કાંઈ સાથે લઈ જવાના નથી. જે કાંઈ છે તેનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો બધું અહીં પડી રહેવાનું છે. તો પછી આ બધી ફિકર શા માટે? જે વસ્તુને જ્યાં સુધી આપણે માણીએ છીએ ત્યાં સુધી જ તે વસ્તુ આપણી છે. તેમાંથી રસ ઊડી જાય ત્યારે તેની કિંમત કોડીની છે. તિજોરીમાં કે બેંકમાં લાખો રૂપિયા પડ્યા હોય, પરંતુ તેને માણી શકાતા નથી. તેના વિચારોથી સુખ અને દુ:ખ અનુભવી શકાય છે. મોટા ભાગનાં સુખો ધારણા અને કલ્પનાના હોય છે. ઝંખનામાં જે સુખ હોય છે એ વાસ્તવિકતામાં હોતું નથી.

જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છે: એક જન્મ અને બીજું મૃત્યુ. જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી. કાળને કોઈ રોકી શકતું નથી. દરેક માણસે એક દિવસ અહીંથી જવાનું છે. તો કાળને મિત્ર શા માટે ન બનાવવો? તેનાથી ડરીને શો ફાયદો? અને તેની ચિંતા પણ શા માટે? કૃષ્ણમૂર્તિએ કહ્યું છે તેમ ‘જીવન જેવું છે તેવું સ્વીકારવું એ જ મુક્તિ, એ જ શાંતિ, એ જ મોક્ષ અને એ જ સ્વર્ગ.’

જીવનમાં સારું કામ કરીએ તો પુણ્ય અને ખરાબ કામ કરીએ તો પાપ. કોઈ પણ ખરાબ કામ થાય ત્યારે મનમાં ડંખ ઊભો થાય છે. ખોટા કામ કરવાવાળો માણસ બહારથી મજબૂત દેખાય છે. પણ અંદરથી હલબલી ગયો હોય છે. ખરાબ કામ કરીને, પાપ કરીને કોઈ ચેનથી સૂઈ શકે નહીં. અંદરનો ભય અને ડર તેને સતાવ્યા કરે.

સુખ આપણે પોતે પ્રથમ મેળવવાનુું છે. પછી બીજાને આપી શકાય. આપણી પાસે સુખ નથી અને બીજાને આપવાનો પ્રયાસ કરીએ છીએ એટલે સુખ કોઈને પહોંચતું નથી. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તેનો આનંદ માણવો પણ તેના પ્રત્યે આસક્તિ ઊભી થવી જોઈએ નહીં. આ મારું છે એવી ભાવના ઊભી થાય ત્યારે તેમાંથી મુક્ત થઈ શકાય નહીં. કોઈ પણ ચીજ આપણી હતી નહીં, છે નહીં અને થશે નહીં. વસ્તુની પ્રાપ્તિ અને તેના અભાવમાં જે માણસ આનંદ અનુભવી શકે છે તેને સુખને શોધવાની જરૂર નથી. કવિ દલપતરામે કહ્યું છે તેમ ‘એક દિન હાથી, એક દિન ઘોડા. એક દિન પાવ સે ચલનાજી. એક દિન લડ્ડુ એક દિન રોટી એક દિન ફક્કમ ફક્કાજી.’ સારું ખાધું, સારું પીધું સુખ-ચેનથી રહ્યાં. એક દિવસ કોઈ ચીજ ન મળી તેથી શું? જીવનમાં ચલાવી લેતાં પણ શીખવું જોઈએ. સારું યાદ કરવું, સારું વિચારવું અને દરેક સ્થિતિમાં સમભાવ રાખવો તો પાછલી ઉંમરમાં પરેશાની ઓછી થશે અને શાંતિ મળશે.

ઈશ્ર્વરને પામવા માટે પણ ઉધામા કરવાની જરૂર નથી. અધર્મથી બચવાની જરૂર છે. અધર્મ ન થાય તો બાકીનું જીવન એની મેળે ધાર્મિક બની જશે. જીવન જીવવાની કલા એ જ ધર્મ છે. ધર્મ પણ આપણને જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા

આપે છે.

માણસને આનંદપૂર્વક જીવવા માટે સૌથી વધુ જરૂર છે પ્રેમ અને સ્નેહની. પ્રેમ આપ્યા વગર મળી શકે નહીં. જેટલો આપો તેના કરતાં વધુ મળે. ફિયોદોર દોસ્તોયેવસ્કી નામના એક ચિંતકે તેની નોંધપોથીમાં લખ્યું છે કે ‘પ્રેમ હોય તો માણસ સુખ વિના પણ આનંદથી જીવી શકે.’ પ્રેમ એ જીવનની જડીબુટ્ટી છે, તેના વગરનું જીવન નીરસ છે. કેટલાય માણસો પ્રેમના અભાવે સમય કરતાં થોડા વહેલા મરતા હોય છે.

જીવનમાં આપણે વ્યર્થ ચીજો પાછળ ફાંફાં મારીએ છીએ. તેમાંથી સુખ શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને છેવટે કશું હાથમાં આવતું નથી. કહેવાતાં ભ્રામક સુખો ઝાંઝવાનાં જળ જેવાં છે. જેમ આપણે નજીક જઈએ તેમ દૂર થતાં જાય છે. બધું ઓછું પડે છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે...

રાબિયા નામે એક સૂફી સ્ત્રી થઈ ગઈ. આધ્યાત્મિક ઈતિહાસના પાના પર તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. એક દિવસ દીવાના પ્રકાશમાં રસ્તા પર તે કશુંક શોધવા લાગી. લોકોને આશ્ર્ચર્ય થયું. આવતા-જતા લોકો ત્યાં ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું ખોવાયું હશે!

અંધારું વધતું ગયું. શોધ પણ ચાલતી રહી. કેટલાક લોકો મદદે આવ્યા અને તેઓ પણ શોધવામાં લાગી ગયા. કશું હાથમાં નહીં આવતાં એક જણે પૂછ્યું: પણ ખોવાયું શું છે તે તો કહો?

રાબિયાએ કહ્યું: સોય ખોવાઈ ગઈ છે. ભાઈ, જુઓને જરા હાથમાં આવે તો. અને બધા ફરી કામે લાગી ગયા. સમય વીતતો ગયો અને લોકો અકળાયા. તેવામાં એક યુવાન ત્યાંથી પસાર થયો અને લોકોની ભીડ જોઈને ઊભો રહી ગયો અને પૂછ્યું શું

ખોવાઈ ગયું છે? જવાબ મળ્યો સોય ખોવાઈ ગઈ છે. જડતી નથી.

યુવાને કહ્યું: ક્યાં ખોવાઈ ગઈ છે? સૌ એકબીજા સામે જોવા લાગ્યા. કોઈને ખબર નહોતી ક્યાં ખોવાઈ ગઈ છે. આમ છતાં બધા તેને શોધતા હતા.

રાબિયાએ કહ્યું: સોય તો મારા ઘરમાં ખોવાઈ ગઈ છે. તો પછી અહીં શા માટે શોધો છો, ઘરમાં શોધોને, યુવકે કહ્યું.

રાબિયાએ કહ્યું: ઘરમાં અંધારું છે એટલે અહીં દીવાના પ્રકાશમાં તેને શોધું છું.

લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા રાબિયા તું પાગલ થઈ ગઈ છો? જે વસ્તુ જ્યાં નથી ત્યાં ક્યાંથી મળે? હોય ત્યાં જ શોધવી પડે. રાબિયા હસી પડી અને કહ્યું: ભાઈ હું પણ એમ જ કહું છું, પરંતુ તમે ક્યાં મારી વાત માનો છો.

‘સુખ તમે જ્યાં નથી ત્યાં શોધો છો. ધનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, પત્ની-પરિવારમાં, મોજશોખમાં, અભિમાન અને અહંકારમાં તમે સુખને શોધી રહ્યા છો. સુખ તો ભીતરમાં છે પણ ત્યાં અંધકાર છે. અંદર આપણે ઊતરતા નથી. અંતરમાં ડોકિયું કરતા નથી અને સુખની શોધમાં બહાર ભટકી રહ્યા છીએ. પછી સુખ ક્યાંથી મળે? સુખની શોધમાં દુ:ખનાં પોટલાં બાંધી રહ્યા છીએ.

ભ્રામક સુખોનાં સુવર્ણ મૃગો આપણને લલચાવે છે, ફસાવે છે અને આપણે તેના છટકામાં ફસાઈ જઈએ છીએ. સાચું સુખ નિજાનંદ છે.

જીવનમાં યોગ્ય સમયે તરવાનું શીખતા નથી. એટલે અંત સમયે ડૂબવાનો વારો આવે છે. જીવનભર ભરવાની ટેવ છે એટલે ખાલી થઈ શકાતું નથી. ત્યાગ નથી. કાંઈ છૂટતું નથી એટલે ભાર વધી જાય છે. રાગ-દ્વેષ, માન-અભિમાન, ક્રોધ-અહંકાર છોડીને હળવાફૂલ જેવા બની જઈએ તો ગમે તે ઉંમરે જીવન આનંદનો સાગર છે. જાણીતા શાયર તુરાબ હમદમનું એક મુક્તક...

‘ખાલી ખાલી આળ ને પંપાળ છે

જિંદગી એ તો બટકણી ડાળ છે

આપણા માટે બધું સરખું જ છે

ના કદી ધરાર ના ઉલાળ છે.’

Tuesday, August 20, 2013

જીવન એક ખેલ: આખી બાજી કદી આપણા હાથમાં હોતી નથી - મહેન્દ્ર પુનાતર

બધું આપણી ઈચ્છા અને અપેક્ષા મુજબ થવાનું નથી. સુખ-દુ:ખ આપણી ઈચ્છાથી આવતાં નથી અને જતાં નથી. કાળના જખમો દરેક માણસે સહન કરવા પડે છે. દુ:ખને દૂર કરવાનો સરળ ઉપાય છે પરિસ્થિતિનો સ્વીકાર. સુખમાં સાથ અને દુ:ખમાં એકાંત જરૂરી છે. સુખનો આનંદ એકલા માણી શકાતો નથી અને દુ:ખ ટોળામાં વહેંચી શકાતું નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવન ખૂબ જ વિસ્મયકારક અને રહસ્યપૂર્ણ છે. કાલે શું થવાનું છે, કેવી ઘટનાઓ ઘટિત થવાની છે તેની કોઈને કશી ખબર પડતી નથી. કાળનું ચક્ર ફર્યા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે અને માણસ તેની આસપાસ ભમ્યા કરે છે. આ જટિલ જગતમાં જ્યાં આપણું જીવન ઘણી બાબતો પર આધારિત છે ત્યાં હંમેશાં બધું આપણી ઈચ્છા મુજબ થવાનું નથી. કશુંક તો અપેક્ષા વિરુદ્ધ થવાનું જ છે. મનગમતી વાત હંમેશાં બનવાની નથી. જીવન એકબીજા સાથે પરસ્પર સંકળાયેલું છે તેથી તેની સંભવિત સારી-માઠી અસર પડવાની છે. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. સુખ-દુ:ખ, આધિ-વ્યાધિ, આશા-નિરાશા આ બધી બાબતો જીવનનો એક ભાગ છે. આપણે આ બધું ટાળી શકવાના નથી. સમય અને કાળના ચક્રને યથાર્થ રીતે સમજીને તેને અનુરૂપ થઈ શકીએ તો સારા-કપરા સમયને પાર કરી શકાય. સુખ-દુ:ખ તો પરિસ્થિતિનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છીએ, તેના પર આધારિત છે. દુ:ખ અને મુસીબતના સમયમાં જે માણસ ધૈર્ય ગુમાવતો નથી અને પરિસ્થિતિને અનુરૂપ થઇને વાસ્તવિકતાનો જે સ્વીકાર કરે છે તે માણસ ટકી શકે છે. સુખ અને દુ:ખ આપણી ઇચ્છાથી આવતાં નથી અને જતાં નથી. તે સમયચક્રનું પરિણામ છે. દુ:ખ અને નિરાશાનો અનુભવ દરેક માણસને એક યા બીજા સ્વરૂપે થતો હોય છે. કોઈ માણસ જલદીથી બધું ભૂલી જાય છે તો કોઈના મનમાં આ બાબત લાંબા સમય સુધી ખટક્યા કરે છે. કાળના જખમો દરેક માણસને સહન કરવા પડે છે. વાંક ન હોવા છતાં મુસીબત આવી પડે છે. માણસ ધારણા, અપેક્ષા અને કલ્પનામાં રાચતો હોય છે. સ્વપ્નાના મહેલો રચાતા હોય છે. મનોરથો સર્જાતા હોય છે. માણસને બધું એની મેળે મળી જતું નથી, આ માટે મહેનત અને પુરુષાર્થ કરવો પડે છે. ઈચ્છાઓ અને અપેક્ષાઓ કદી સુખ આપી શકતી નથી. દુ:ખ જરૂર આપી શકે છે.

કોઈ બાબત આપણી ધારણા અને અપેક્ષા મુજબ બને તો તેનો એટલો આનંદ હોતો નથી કારણ કે આ અપેક્ષિત હતું, ધારેલું હતુ. આપણું અનુમાન સાચું પડયું. જે બન્યું તે સાધારણ અને રાબેતા મુજબનું બન્યું. દીકરો સુખથી રાખશે એવી બાપને અપેક્ષા હોય અને તેમ બને તો તેમાં કશું નવાઈ જેવું હોતું નથી, પણ દીકરો બાપને ઘરમાંથી કાઢી મૂકે તો તે ઘટના અસાધારણ અને અનપેક્ષિત બની જાય. ધારણાથી વિપરીત થાય ત્યારે તેનું દુ:ખ અપાર હોય છે. હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ ‘કોઈનો પ્રેમ ઓછો હોતો નથી પણ આપણી અપેક્ષા વધુ હોય છે’ અપેક્ષાઓ સુખદ કરતા વધુ દુ:ખદ હોય છે.

દુ:ખ, મુશ્કેલી અને વિપત્તિ આવે છે ત્યારે મન ઉદ્વેગ અનુભવે છે. જીવતર કડવું ઝેર બની ગયાનું લાગે છે. બનેલી ઘટનાને અનુલક્ષીને ભાવિનો ભય સતાવ્યા કરે છે. કોઈ આપણા વિશે શું ધારશે, શું વિચારશે, નજીકના લોકોનો શો પ્રતિભાવ હશે એવી ચિંતાઓ માણસને સતાવ્યા કરે છે. કેટલીક વખત દુ:ખ હકીકતમાં એટલું મોટું હોતું નથી, પણ ભયના કારણે તેની માત્રા અનેકગણી વધી જાય છે. મોટા ભાગનાં દુ:ખો માનસિક હોય છે. મન પરથી બોજો હટી જાય તો દુ:ખ જલદીથી ભૂલી શકાય છે. દુ:ખોને આપણે વાગોળી વાગોળીને ઘેરા બનાવી દઇએ છીએ. સુખ કરતા દુ:ખનું સ્મરણ લાંબો સમય ચાલે છે. વિચારો અને કલ્પનાઓના ઘોડાઓ દોડાવીને જખમોને પંપાળતા રહીએ છીએ. કોઇપણ સમસ્યા એવી નથી જેનું સમાધાન ન હોય. સમયની સાથે બધું ઉકલી જતું હોય છે. આ સમયે માણસ બની ગયેલી ઘટનાઓ અંગે વિચારે તો તેને લાગશે કે આ બધી વ્યથા અને સંતાપ વેઠવાની જરૂર નહોતી. દુ:ખના સમયે માણસ સ્થિર રહી શકતો નથી. તેનું મન આ અંગે કેન્દ્રિત થઈ જાય છે, તેને બીજું કશું સૂઝતું નથી.

એક રીતે જોઈએ તો જીવનમાં આપણે ધારીએ છીએ તેવા સુખ-દુ:ખ હોતા નથી. સગવડતા અને અગવડતા હોય છે. આપણને જે અનુકૂળ હોય તે સુખ લાગે છે અને પ્રતિકૂળ હોય તે દુ:ખ લાગે છે. સ્થિરતા અને સમતા હોય તો બધી બાબતો અનુકૂળ અને સ્વીકાર્ય બની જાય છે. દુ:ખને દૂર કરવાનો સરળ ઉપાય છે પરિસ્થિતિનો સ્વીકાર. આપણે કોઇપણ બાબતને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ, ત્યારે મનનો ઊભરો શાંત બની જાય છે અને આંતરિક શક્તિ ઊભી થાય છે અને ઊભી થયેલી પરિસ્થિતિને દૂર કરવા માટે નવું બળ મળે છે. કોઈપણ માણસ ૨૪ કલાક ક્રોધમાં કે વ્યગ્રતામાં રહી શકે નહીં. આ ઊભરો શમી જવા માટે સર્જાયેલો હોય છે. અંદરનો ડહોળ ધીરેધીરે દબાઈ જાય છે અને માણસ દુ:ખને ભૂલીને સુખના કોઈ નવા ખ્યાલમાં ઢળવા માંડે છે. આમ છતાં કેટલાંક દુ:ખોને ટાળી શકાતા નથી. તેની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે. મૃત્યુનું દુ:ખ આ પ્રકારનું છે. માત્ર સમયની સાથે તેની યાદો વિલિન થાય છે. જીવનનું આ મોટું દુ:ખ છે પણ તેમાં આપણું કશું ચાલતું નથી. બધું ઈશ્ર્વરને. નિયતિને આધીન છે નરસિંહ મહેતાની ઉક્તિ મુજબ મનને મનાવવું પડે છે.

"જે ગમે જગતગુરૂ  દેવ જગદીશને

તે તણો ખરખરો ફોક કરવો

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે

ઉગરે એક ઉદ્વેગ ધરવો

કોઇપણ કપરા સંયોગથી ગભરાઈ જવાથી કશું વળતું નથી. આખરે મુસીબત સામે લડ્યે જ છૂટકો છે. આપણે હસતે મોઢે આ પડકારનો સામનો કરીએ કે દુ:ખી વદને પીડા સહન કરીએ. એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. માણસના દુ:ખનો તાગ મેળવવાનું અતિ કઠિન છે. ચહેરા પર સ્મિત હોય, પરંતુ હૃદયમાં ઊંડી વેદના ભરી હોય. કેટલીક વખત વેદનાને વાચા આપી શકાતી નથી. માણસે પોતાનાં દુ:ખોને ભીતરમાં સમાવી લેવાનાં હોય છે. દુ:ખ અને મુસીબતના સમયે રોદણા રોવાનો કોઈ અર્થ નથી. આપણા દુ:ખ અને મુસીબતની વાતો સાંભળવાની કોઈને ફુરસદ નથી. આપણા સંતોષ ખાતર સામો માણસ આપણી વાત સાંભળી લેશે અને આવી તકલીફ પોતાને નથી એ જાણી તેનો અહમ્ સંતોષાશે. આપણે તકલીફની વાતો કોઈ ખોટા માણસને કરીશું તો તે અંદરખાનેથી ખુશ થશે. દુ:ખ અને મુશ્કેલીને દૂર કરવાનો માર્ગ આપણે પોતે જ શોધી કાઢવાનો હોય છે. સુખમાં સાથ અને દુ:ખમાં એકલતા જરૂરી છે. સુખનો આનંદ એકલા માણી શકાતો નથી અને દુ:ખ ટોળામાં વહેચી શકાતું નથી. કેટલીક વખત માણસ જેવું વિચારે છે તેવું બને છે. દુ:ખનો વિચાર કરતા હોઈએ તો દુ:ખ નજર સમક્ષ આવે. સારી ભાવના અને સારા વિચારો હોય તો બધું સારું દેખાય. નકારાત્મક વિચારો અને દુ:ખોની સંભવિત કલ્પના દ્વારા માણસ મુશ્કેલી આવે તે પહેલાં ઢીલો પડી જાય છે. ધારણા અને કલ્પનાઓ દ્વારા તે દુ:ખો માટે સેજ તૈયાર કરી રાખે છે. જેવું વાંચ્છે છે તેવું પરિણમે છે. આ અંગે ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક માણસ અથડાતો કુટાતો કલ્પવૃક્ષ નીચે પહોંચી ગયો. તેને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે. પોતે થાક્યો પાક્યો હતો. તેથી વૃક્ષ નીચે આરામ કરતો બેઠો હતો. તેણે વિચાર્યું કે ભૂખ લાગી છે. આસપાસ કાંઇક ભોજન મળી જાય તો મજા પડે.

તે વૃક્ષ તો કલ્પવૃક્ષ હતું. તમે ઈચ્છો એવું મળે તુરત સુવર્ણ થાળીઓમાં જાતજાતના મિષ્ટાન અને પકવાન હાજર થઈ ગયા. આ માણસ એટલો ભૂખ્યો હતો કે તેણે વિચાર્યું પણ નહીં કે આ ભોજન તત્કાળ ક્યાંથી આવ્યું. તેને થયું આ કોઈ પુણ્યનું ફળ છે જન્મોજન્મની કમાણી છે અને માળા કંઈ ઓછી જપી નહોતી. આ ઈશ્ર્વરની કૃપા છે. આવું સુખ તો બહુ જલ્દીથી મળવું જોઈતું હતું, પરંતુ વિલંબ થયો છે.

ભોજન કર્યા બાદ સ્વાભાવિક રીતે વિચાર આવ્યો સુવા માટેની સુંદર જગ્યા હોય સરસ ગાદીતકિયા હોય તો જરા વિશ્રામ થઈ જાય. તુરંત સુંદર શૈયા, ગાદી-તકિયા હાજર થઈ ગયા અને તે આરામથી સૂઇ ગયો. બે ત્રણ કલાક પછી આંખો ખૂલી ત્યારે તેણે મનોમન વિચાર કર્યો તરસ લાગી છે સુમધુર શિતળ જળ મળે તો સારું અને ગુલાબની ખુશ્બુવાળું શીતળ મીઠું શરબત હાજર થઈ ગયું. આવું મધુર જળ તેણે કયારેય પીધું નહોતું. શરબત પીતા પીતા તેને જરા ખ્યાલ આવ્યો આ બધું શું છે? પહેલા ભોજનનો થાળ આવ્યો, પછી શૈયા આવી અને પછી શીતળ જળ. આ બધું ક્યાંથી આવ્યું? આ વૃક્ષમાં કોઈ ભૂતપ્રેત તો નહીં હોય ને? બસ તુરત ભૂતપ્રેત પ્રગટ થઈ ગયા.

કલ્પવૃક્ષ તો કલ્પવૃક્ષ છે જેવું ઈચ્છો તેવું પામો. તેની આસપાસ નંગધડંગ ભૂતપ્રેત નાચવા લાગ્યા. તે ખૂબ ગભરાઈ ગયો. તેને થયું બસ હવે હું મરી ગયો. તુરત ભૂતપ્રેત છાતી પર ચડી બેઠા. તેને ખૂબ દબાવ્યો, માર્યો પીટ્યો અને અંતે ગળું દબાવી દીધું. જે કાંઈ વિચાર્યું તે પ્રમાણે બન્યું. માણસને દુ:ખની કલ્પનાઓ અને ધારણાઓ પિડિત કરે છે. તેને એમ થાય છે કે દુ:ખ આવી ગયું અને ખરેખર દુ:ખ આવી જાય છે. દુ:ખ કરતાં ય માણસને દુ:ખની ભ્રમણા વધુ પરેશાન કરે છે અને તે ડરીડરીને મરતો રહે છે. મનમાંથી ડર અને ભય દૂર થઈ જાય તો મુશ્કેલી લાંબો સમય રહેતી નથી. સુખ અને દુ:ખમાં માણસને વર્તમાન કરતાં ભાવિ વધુ સતાવતું હોય છે. ભાવિનો ડર માણસને અકળાવી નાખે છે. દરેક માણસ સુખને ટકાવી રાખવા અને દુ:ખને ટાળવા મથે છે. જીવનની આખી બાજી કદી આપણા હાથમાં હોતી નથી. આપણે બાજીને સુધારવી પડે છે. કેટલીક વખત ખરાબ બાજી સુધરી જાય છે અને કેટલીક વખત સારી બાજી હોવા છતાં હારી જવાય છે. આ કુદરતનો ખેલ છે. જીવનની ગૂંચો કેટલીક વખત ઉકેલી શકાતી નથી. કાળના ચક્ર પાસે માણસનું કશું ચાલતું નથી. સમર્થ માણસ પણ લાચાર બની જાય છે. માણસ માત્ર નિયતિને આધીન છે.

Saturday, August 17, 2013

તમે તિલક કઈ આંગળીથી કરો છો?- ચંદ્રકાંત બક્ષી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

ભારતમાંથી સંસ્કૃત ભાષાને દેશવટો મળી રહ્યો છે. બહુ જલદી એ દિવસ આવી રહ્યો છે જ્યારે સંસ્કૃત શીખવા માટે આપણે હાઈડલબર્ગ (જર્મની) કે ઑક્સફર્ડ (ઇંગ્લેંડ) કે પ્રાગ (ચેકસ્લોવેકિયા) જવું પડશે! સંસ્કૃતનો આગ્રહ રાખવાથી વૉટ મળતા નથી એ તકલીફ છે! અને આપણા સગવડિયા સેક્યુલર રાજકારણમાં સંસ્કૃતની વાત કરો તો હિંદુ કૌમવાદી કે એવું કંઈક લેબલ તરત લાગી જાય છે...

ચાલો, ફોર અ ચેન્જ, હિંદ કૌમવાદી બની જઈએ અને સંસ્કૃતની વાત કરી લઈએ! હવે આ ભાષા મુંબઈ-મહારાષ્ટ્રમાં ફરજિયાત નથી. અરબી, ફ્રેંચ, ફારસી, હિન્દી ગમે તે ભણી લો. બધું મરજિયાત છે... અને સંસ્કૃત ફક્ત એક જ હવે ગરજિયાત ભાષા બની ગઈ છે. સ્કૂલમાં મને સંસ્કૃત ગમતી ન હતી. બહુ ગોખણપટ્ટી કરવી પડતી હતી. સંસ્કૃતના માસ્તરો સૌથી ગંદા અને ગરીબ લાગતા, એમની શીખવવાની રીત સૌથી જુનવાણી હતી, એ ભાગ્યે જ શેવ કરેલા કે ક્લીન શેવ કરેલા સ્માર્ટ લાગતા! સમય એમને પાછળ ફેંકીને હંમેશાં આગળ નીકળી ગયેલો લાગતો. આજે એ વિચારોને લીધે જરા દોષની ભાવના પણ થઈ રહી છે. સંસ્કૃતનું ગણિત અમને ભણાવવામાં આવ્યું, સંસ્કૃતનું સૌન્દર્ય સ્કૂલમાં કોઈએ કેમ ભણાવ્યું નહીં?

જેમને સંસ્કૃતનો પરિચય નથી એમને માટે થોડી પ્રસ્તાવના, થોડો પરિચય: આશીર્વાદ, નમસ્કાર અને પ્રણામ વચ્ચે શું ફર્ક?

આશીર્વાદ નાનાને અપાય, નમસ્કાર સરખાને થાય અને પ્રણામ મોટાને કરાય. અને નમસ્કાર?

ફિલ્મી સમારંભોમાં આયોજકો ‘નમશ્કાર’ બોલે છે જે બરાબર નથી, બંગાળીમાં ઉચ્ચાર ‘નોમોશ્કાર’ થાય છે. કદાચ એની અસર છે. પણ નમસ્કાર એ સાચો શબ્દ છે. નમ:+કાર પરથી નમસ્કાર થાય છે, અને નમ:+તે પરથી નમસ્તે થયું છે.

ભારતનાટ્યમ્ નૃત્યમાં અંજલિહસ્તમ્ નામની એક પ્રક્રિયા છે. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નમસ્કાર કોને અને કેવી રીતે થાય? એક દક્ષિણ ભારતીયે આ વાત સમજાવી હતી. નમસ્કારના ત્રણ પ્રકાર છે.

મિત્રને નમસ્કાર કરવા હોય તો છાતીની સામે બંને હાથ જોડવા જોઈએ કે જેથી મિત્રની આંખોમાં જોઈ શકાય.

ગુરુની સામે નમસ્કાર કરવા હોય તો બંને હથેળીઓ આંખોની સામે જોડવી જોઈએ કે જેથી ગુરુની આંખોમાં ન જોવાય.

અને પ્રભુને નમસ્કાર કરવા હોય તો બંને હથેળીઓ માથાની ઉપર જોડવી જોઈએ.


એટલે મિત્ર માટે છાતી સામે, ગુરુ માટે આંખો સામે અને પ્રભુ માટે માથા પર નમસ્કાર થાય. જોકે ઘૂંટણિયે પડવું એ ભારતીય સંસ્કાર નથી, પણ ચરણસ્પર્શ ભારતીય છે.

પ્રણામની બાબતમાં એક વાક્ય વારંવાર વાંચવામાં આવે છે: સાષ્ટાંગ દંડવત્ પ્રણામ અથવા સાષ્ટાંગ પ્રણામ! સાષ્ટાંગ એટલે સ+અષ્ટ+અંગ એટલે આઠ અંગો સાથે! આ આઠ અંગો કયાં છે? સંસ્કૃતમાં આ આઠ છે: ઘૂંટણ, પગ, હાથ, છાતી, બુદ્ધિ, માથું, વાણી અને દૃષ્ટિ! આ આઠે અંગો સાથે એક દંડની જેમ પ્રણામ કરો ત્યારે સાષ્ટાંગ પ્રણામ કહેવાય, એમાં જમીનસરસા સૂઈને હાથ લાંબા કરીને જોડવાના હોય છે.

આવી કેટલીક સામાન્ય જીવનની વાતોથી સંસ્કૃત શીખવવામાં આવે તો? સંસ્કૃત ફક્ત વ્યાકરણ નથી. એમાં ભાષાના સંગીત અને લાલિત્ય સાથે જિવાતા જીવનનો રોમાંસ ઉમેરાવો જોઈએ. વિભક્તિ અને સમાસને જરા મોડાં શરૂ કરીએ તો ચાલે! પણ એવું શીખવીએ કે તિલક કેવી રીતે કરશો? તિલક કરવા માટે કઈ આંગળી વાપરવી જોઈએ? તો કદાચ સામાન્ય વિદ્યાર્થીને વધારે રસ પડે, મજા પણ આવે.

અંગૂઠાને સંસ્કૃતમાં અંગુષ્ઠ કહે છે અને અંગૂઠાથી તિલક થાય છે વીરને કે પતિને, જે યુદ્ધમાં જઈ રહ્યો છે. રણભૂમિ પર કૂચ કરી જતા યોદ્ધાને અંગૂઠાથી તિલક થાય છે.

એ પછીની પહેલી આંગળીને તર્જની કહે છે. તર્જ એટલે ઘોંચવું અને તર્જનીથી અશુભ કાર્ય માટે તિલક કરવાનો રિવાજ છે. દાખલા તરીકે શ્રાદ્ધ માટે થતું તિલક તર્જનીથી થાય છે.

બીજી આંગળી, જે સૌથી લાંબી છે, એ મધ્યમા કે માધ્યમિકા કહેવાય છે.

ત્રીજી આંગળી અનામિકા કહેવાય છે. એને કોઈ નામ નથી. એ ઈશ્ર્વર માટે છે. ભગવાનની મૂર્તિને તિલક કરવા માટે ત્રીજી આંગળી વપરાય છે.

સૌથી નાની આંગળી, જે છેલ્લી છે એને કનિષ્ટિકા કહેવાય છે.

આ આંગળીથી તિલક થાય છે રક્ષાબંધન દરમિયાન, જ્યારે બહેન પોતાના ભાઈને કપાળ પર તિલક કરે છે.


આ માહિતી સંસ્કૃતના એક અધ્યાપકે આપી હતી. તિલક કરવાનું પણ એક શાસ્ત્ર છે એ કદાચ ઘણાને ખબર નથી.

કંઈક આવા પ્રકારની એક વાત ચુંબન વિષે સાંભળી હતી! સ્ત્રીના શરીર પર ચુંબન ક્યાં થઈ શકે અને કોણ કરી શકે? પિતા આંખ અને માથા પર ચુંબન કરી શકે. પરિવાર નાક પર ચુંબન કરે. સ્ત્રીના સ્તન પર ચુંબન કરવાનો અધિકાર પતિને છે. એવું મનાય છે કે મામીના સાથળ પર ચુંબન ભાણેજ કરી શકે અને પગ પર સંતાન ચુંબન કરે.

સંસ્કૃતમાં જે સુભાષિતો છે એનો અભ્યાસમાં ઉપયોગ કરવો જોઈએ. આજની સંસ્કૃતથી વંચિત પેઢીને કદાચ એ ખબર નથી કે સુભાષિતોમાં સાઈકોલોજી અને સોશિયોલોજી જેવાં આધુનિક સામાજિક વિજ્ઞાનો પણ આવી જાય છે અને નીતિશાસ્ત્ર (એથિક્સ) જેવાં જૂનાં વિજ્ઞાનોને પણ સ્થાન છે, જ્યારે પ્રશ્ર્ન થાય છે કે નિમંત્રણ વિના ક્યાં જવાય, ત્યારે એક સુભાષિત યાદ રાખવું: ચાર સ્થાને નિમંત્રણ વિના જઈ શકાય છે-માતાપિતાને ત્યાં સંતાનો, મિત્રને ત્યાં મિત્ર. ગુરુને ત્યાં શિષ્ય અને ધર્મનું આખ્યાન થતું હોય ત્યાં દરેક!

સંસ્કૃતના મહાસાગરની આ માત્ર એક નાની ઝલક છે. સંસ્કૃત એ રીતે શીખવવું જોઈએ કે એમાં થોડું આયુર્વેદ, થોડી ચાણક્ય નીતિ, થોડી ગીતા, થોડું કામશાસ્ત્ર, થોડું મહાભારત, થોડો યોગ... એમ બધું જ થોડું થોડું એક જ પુસ્તકમાં આવી જાય! આ પ્રયોગ પણ કરી જોવા જેવો છે. આજના શિક્ષાર્થીને કદાચ સંસ્કૃતમાં રસ પડે... અને આ પ્રકારની સંકલનોની શ્રેણી બહાર પાડવી જોઈએ.



કલોઝ અપ

ચીનમાં કોઈને પચીસ વર્ષ પહેલાં પરણવાની રજા નથી, કોઈ પણ પતિ-પત્નીને એક બાળકથી વધારે પૈદા કરવાની આઝાદી નથી અને એ બાળક પૈદા કરવા પણ સરકારી મંજૂરી લેવી જરૂરી છે.

Tuesday, August 6, 2013

સત્કાર્યોનો બોજો પણ કચડી નાખે છે - મહેન્દ્ર પુનાતર

કાંઈક સારું કરીએ અને તેનો ભાર માથા પર ઊંચકીને ફર્યા કરીએ તો તે ઘંટીના પડની જેમ ગળે વળગી રહે છે. કીર્તિ, પ્રસિદ્ધિ અને પ્રશંસાના મોહમાંથી છટકવાનું મુશ્કેલ છે. બીજાના માટે કંઈક કરી શકાય તો એ પ્રભુની કૃપા છે. આપણને પારાવાર અનુકૂળતા મળી ન હોત તો આપણે શું કરી શકત? વિચાર કરીએ આપણને જે કાંઈ મળ્યું છે તે ન મળ્યું હોત તો હાલત શું હોત? દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને આમાંનું કશું મળ્યું નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

એક સમ્રાટે પોતાના રાજ્યમાં ધર્મનો ખૂબ પ્રચાર અને પ્રસાર કર્યો હતો. અનેક મંદિરો બંધાવ્યા હતાં અને પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યા હતા અને પ્રભુની પ્રતિમાઓ પધરાવવાનો લાભ લીધો હતો. દાનમાં પણ તે એક્કો હતો. તેણે અનેક સદાવ્રતો ખોલાવ્યાં હતાં. સાધુ, સંતો અને મહાત્માઓ તેને આંગણે પધારતા અને તેમની સેવા કરીને તે આનંદ અનુભવતો હતો. સૌ તેના કાર્યની પ્રશંસા કરતા હતા. ધર્મભાવનાની તેની યશગાથાઓ ગવાતી હતી અને સમગ્ર રાજ્યમાં તેની યશકીર્તિની ધ્વજા-પતાકાઓ સોેળેકળાએ લહેરાતી હતી. તેના જેવો ધાર્મિક અને દાનવીર જડવો મુશ્કેલ હતો. લોકો તેને ધર્માત્મા તરીકે ઓળખતા હતા.

એક દિવસ એક મહાન સંત તેમને આંગણે પધાર્યા હતા. રાજાની ખુશીનો પાર નહોતો. મહાત્માની સેવા અને સરભરા કરવા તેણે તમામ વ્યવસ્થાઓ કરી હતી.

સમ્રાટ સંતના દર્શને આવ્યો અને નમસ્કાર કર્યા પછી વાતવાતમાં તેણે પોતાની આ બધી સિદ્ધિનું વિગતે વર્ણન કર્યું અને પછી પૂછ્યું: મહાત્મન, મેં ધર્મસેવા અને માનવસેવા માટે આ બધું કર્યું છે. મને મનમાં પ્રશ્ર્ન થાય છે અને પૂછવાનું મન થાય છે કે આ બધું કર્યું છે તેનો મનો શો બદલો મળશે?

સમ્રાટે ધાર્યું હતું કે સંત હમણાં કહેશે કે ‘તારે માટે સ્વર્ગમાં સોનાના મહેલો હશે.’ સંત થોડી ક્ષણો ચૂપ રહ્યા અને પછી કહ્યું, ‘હવે તે આ પ્રશ્ર્ન પૂછ્યો છે તો કહી દઉં કે તારા મનમાં આ સવાલ ઊભો થયો છે તો તને જે કાંઈ મળવાનું હતું તે પણ નહીં મળે. તે પૂછ્યું અને તને જે પ્રાપ્ત થવાનું હતું તે ગુમાવી દીધું.’

સમ્રાટના દુ:ખનો પાર ન રહ્યો એને થયું, મેં કર્યું તે બધું જ નકામું ગયું? મેં ધર્મ માટે શું શું નથી કર્યું? મને આનું કાંઈ પુણ્ય નહીં મળે?

મહાત્માએ સમ્રાટને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, સત્કાર્યોના બદલાની આશા રાખવી, ધર્મ કાર્ય કરીને કશું પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવી એ પાપ છે. તેં જે કાંઈ કર્યું છે તે ભૂલી જા. જો તું આ નહીં ભૂલે તો તેના બોજા હેઠળ કચડાઈ જઈશ. માત્ર પાપનો બોજો આપણને કચડે છે એવું નથી. સત્કાર્યોનો બોજ પણ એટલો ભારે છે તે ઘંટીના પડની જેમ તને ગળામાં વળગી રહેશે. સારાં કાર્યોની કીર્તિ, પ્રશંસા અને તેના મોહમાંથી છટકવાનું મુશ્કેલ છે. આમાં જે કોઈ મેળવવાની આશા રાખે છે તે ગુમાવે છે.

તું જે દિવસે આ બધું ભૂલીને, માથા પરથી બોજ ખંખેરીને હળવોફૂલ જેવો થઈ જઈશ તે દિવસે તને જે સંપદા પ્રાપ્ત થશે તે અતિ મૂલ્યવાન હશે. દુનિયાની કોઈ પણ ચીજ તેની સામે ઝાંખી પડી જશે.

સમ્રાટને બોધ થયો. સાચી વાત સમજાઈ અને તેનાં આંતરચક્ષુઓ ખૂલી ગયા.

આપણા જીવનમાં પણ આ વાત કેટલી સાચી છે. પળેપળે આપણે તેનો અનુભવ કરીએ છીએ અને બોજો ઊંચકીને ફરીએ છીએ. ધર્મ માટે, સમાજ માટે, સગાંસંબંધીઓ માટે કે મિત્રો માટે થોડું પણ સારું કર્યું હોય, થોડીક કાંઈક મદદ કરી હોય, મુસીબતના સમયે દેખાવ ખાતર પણ કોઈકના પડખે ઘડીભર ઊભા રહ્યા હોઈએ અને આપણા સ્વાર્થ ખાતર પણ કોઈકને ક્યાંક ઉપયોગી થયા હોઈએ તો તેનાં ઢોલનગારાં પીટીએ છીએ. કર્યા પછી સામા માણસને વારંવાર યાદ અપાવીએ છીએ. તેને અહેસાન હેઠળ રાખવાનો પ્રયાસ કરીએ છીએ.

કુટુંબ, સમાજ અને ધર્મ માટે કાંઈક કરીએ અને બદલાની ભાવના રાખીએ, તેમાંથી માન, પ્રતિષ્ઠા, યશ અને કિર્તીની અપેક્ષા રાખીએ અને આવી મનોકામના ઊભી થાય ત્યારે સમજવું કે આપણે જે કાંઈ કર્યું છે તે વ્યર્થ છે. આપણે જે કાંઈ કર્યું છે તે ફોગટમાં કર્યું નથી. કાંઈક મેળવવા માટે કર્યું છે. હું કાંઈક છું, મેં કાંઈક કર્યું છે, હું બીજા કરતાં સવાયો છું આવો ખ્યાલ માણસના મનમાં આવે છે ત્યારે તેની મોટાઈ નીચે ઊતરી જાય છે. ધર્મ અને સેવા દેખાવ માટે કરવાની હોતી નથી. દેખાવ, દંભ અને આડંબર થાય છે ત્યારે ધર્મ રહેતો નથી. નિ:સ્વાર્થ ભાવે કર્તવ્ય અને ફરજ સમજીને કોઈ પણ જાતની કીર્તિ અને પ્રસિદ્ધિ વગર જે માણસ શુભ કાર્યો કરતો રહે છે તેની સાથે પ્રભુની કૃપા સદૈવ હોય છે.

આજે કીર્તિ, પ્રસિદ્ધિ, નામ વગર કોઈ દાન અને દામ આપતું નથી. જેટલું નામ મોટું એટલું વધુ દાન, તક્તિઓ જેટલી મોટી એટલા વધુ પૈસા. આ માટે બોલીઓ બોલાતી હોય છે. વાહવાહ થતી હોય છે. અહંકારને ઇંધણ અપાતું હોય છે. હજાર-બે હજારનું દાન કરનારાનું પણ નામ ન આવે તો તેને ખોટું લાગી જાય છે. અને આ બધું શેના માટે થતું હોય છે, પુણ્ય કમાવા માટે. આ માટે લોકોની લાંબી કતારો લાગી છે. આજે દાન અને સહાય પ્રતિષ્ઠાના પ્રતીક જેવી બની ગઈ છે. સાધુ-સંતો પણ દાન આપનારાની જુઠ્ઠી પ્રશંસા કરતા હોય છે. દાન આપનાર માણસ ગમે તેવો હોય, તેના ગમે તેવા કાળાધોળા ધંધા હોય પણ તેની પર ફૂલ વેરવામાં કશો વાંધો નથી. ધન ગમે તેવું હોય પણ ધર્મસ્થાનોમાં સ્વીકાર્ય છે. આ અંગે તમને કોઈ પૂછવાનું નથી. દાન આપ્યા પછી પણ તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તેનું શું પરિણામ ઊભું થયું છે તે તમારે પૂછવાનું નથી. તેનો વહીવટ શું છે તે તમને કોઈ જણાવવાનું નથી. તમે દાન આપીને છૂટી જાવ આવો મંત્ર ઠેરઠેર ચાલી રહ્યો છે. સાધુ-મહાત્માઓને ઊંચાં મોટાં મંદિરો, ભવનો અને મહેલો બાંધવાં છે. આ માટે પૈસાની રેલમછેલ છે, પણ શિક્ષણ, તબીબી સવલત અને સમાજ ઉત્કર્ષ માટે પૈસા નથી. આ બધા પર સાધુસંતોએ ધ્યાન આપ્યું હોત તો આજે સમાજ વધુ મજબૂત હોત. સમાજ જેટલો મજબૂત બનશે એટલો ધર્મ મજબૂત બનશે.

દાન અને સહાય શ્રીમંત માણસો જ કરી શકે એવું નથી. દરેક માણસ યથાશક્તિ દાન અને સહાય કરી શકે છે. બીજા માણસો છટકી જાય છે એટલે ધર્મ અને સમાજમાં માલેતુજાર માણસોની ઈજારાશાહી ઊભી થઈ છે. ધર્મ એ અંતરની ભાવના છે એમાં બહારના દેખાવની કશી જરૂર નથી. કોઈ પણ સારું કાર્ય કરીએ તે ધર્મ છે.

આપણાથી જો દાન, સહાય, સેવા અને સારું શુભ કાર્ય થઈ શકે તો એટલું વિચારવું જોઈએ કે હું આ બધું કરી શક્યો છું તેમાં પ્રભુની કૃપા છે. ઉપરની કથામાં સમ્રાટ એ બધું કરી શક્યો, કારણ કે ભગવાને તેને રાજકુટુંબમાં જન્મ આપ્યો હતો. તેને ધન, દોલત અને સંપત્તિ મળી હતી. પ્રભુએ તેને પારાવાર અનુકૂળતા આપી હતી. આ બધું ન હોત તો તે શું કરી શક્યો હોત? આપણે જીવનમાં તન, મન અને ધનથી જે કાંઈ સારાં કાર્યો કરીએ છીએ તેમાં પરમાત્માના આશીર્વાદ રહેલા છે. શરીર માંદલું હોય, મન પડી ભાંગ્યું હોય અને ધન ન હોય તો આપણે પણ શું કરી શકીએ? આપણી દશા પણ ભિખારી જેવી બને. આપવાને બદલે માગવાનો વારો આવે. આ જગતમાં સુખી માણસ એ છે કે તેને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. પ્રભુને પણ યાચકો પસંદ નથી. આમ છતાં માગણો પ્રભુ સન્મુખ આવીને ઊભા રહી જાય છે. જેમની પાસે ધન, દોલત અને કહેવાતાં બધાં સુખો છે તેમના હાથ પણ ફેલાયેલા છે. તેઓ મનથી ગરીબ અને કંગાળ છે. મબલક સંપત્તિના માલિકોને પણ કાંઈક ખૂટે છે. મળ્યું છે તેમાં સંતોષ નથી.

સમ્રાટને તેનાં સત્કાર્યો માટે અહંકાર ઊભો થયો. મેં આ બધું કર્યું એવો અહ્મભાવ પ્રગટ્યો, બદલાની આશા જન્મી, આટલું બધું કર્યું હોવા છતાં મનમાં લાલસા ઊભી થઈ. જે ભૂલવું જોઈએ તે ભૂલી શક્યો નહીં અને તેનું બધું કર્યું-કારવ્યું વ્યર્થ ગયું. પણ તે બેહોશીમાંથી જાગી ગયો. આપણે તો અનુભવ છતાં સોડ તાણીને સૂતા છીએ. આપણે એકબીજા માટે કાંઈ કર્યું હોય તો ભૂલી શકતા નથી અને તેનો બોજો ઊંચકીને ફર્યા કરીએ છીએ. આપણે જે કાંઈ બીજા માટે કર્યું છે તેની સરખામણીમાં બીજાઓએ આપણે માટે શું શું કર્યું છે તે વિચારીએ તો તેની યાદી લાંબી બની જાય. જન્મથી મૃત્યુ સુધી કેટકેટલા માણસોનો એક યા બીજી રીતે સહારો મળે છે તેનો કોઈ વિચાર કરે તો અહંકાર ઓગળી જાય.

સુખ અને સફળતા મળે એટલે આટલું યાદ કરીએ આપણને કોનો કોનો કેવો સાથ મળ્યો છે. આપણે જે કાંઈ છીએ તેમાં કેટલા બધા માણસોનો હાથ છે. અણીના સમયે કેવી અણધારી સહાય મળી છે. આ બધા દેવદૂત જેવા માણસો આપણા જીવનના કોઈ ને કોઈ મુકામે ન આવ્યા હોત અને તેમણે આપણને કોઈ ને કોઈ પ્રકારે મદદ ન કરી હોત તો આપણે ક્યાં હોત? આ અંતિમેથી વિચાર કરીને આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે મેં બીજાને માટે શું કર્યું છે? બીજાઓ જે કાંઈ કરે છે તે આપણો અધિકાર છે અને આપણે જે કાંઈ કરીએ છીએ એ તેમના પરનો ઉપકાર છે એવું વિચારીને આપણે આપણી જાતને સ્વાર્થી અને સંકુચિત બનાવી દઈએ છીએ.

આપણે અદના માનવીઓ છીએ. માનવમાત્ર અધૂરા અને ન્યાયે સંપૂર્ણ નથી. ઘડીક વારમાં છલકાઈ જઈએ છીએ. દાન, સહાય અને શુભ કાર્યો કર્યા પછી તેનું વળગણ ન રહે, અભિમાન ન જાગે, નમ્ર, સરળ અને નિખાલસ બનીને રહીએ તો સત્કાર્યો બોજ બનવાના બદલે ફૂલની માળા બની જાય.

જીવનમાં એક બાજુ જય છે તો બીજી બાજુ પરાજય, એક બાજુ ચડતી છે તો બીજી બાજુ પડતી, એક બાજુ અંધકાર છે તો બીજી બાજુ પ્રકાશ. આમ ચડઊતર થયા કરે છે. કોઈ એક મેળવે છે ત્યારે બીજો ગુમાવતો હોય છે. જીવનના સુખ દુ:ખના તંગ દોર પર જિંદગી ચાલતી રહે છે. પ્રભુએ જે આપ્યું છે અને સત્કર્મોથી જે મળ્યું છે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરવો જોઈએ અને સંતોષ અનુભવવો જોઈએ. આપણે માત્ર એટલો વિચાર કરીએ કે આપણને જે કાંઈ મળ્યું છે તે ન મળ્યું હોત તો આપણી હાલત કેવી હોત. અને દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને આપણને જે કાંઈ મળ્યું છે તેમાંનું કશું મળ્યું નથી, બધું ઈચ્છિત કોઈને મળ્યું નથી અને કદાચ મળી જાય તો પણ તેનો એટલો આનંદ રહેતો નથી. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અમને એવી શક્તિ અને સામર્થ્ય આપો જેથી અમે બીજાનું કાંઈક ભલું કરી શકીએ. પ્રભુને પ્રાર્થીએ શોભિત દેસાઈના શબ્દોમાં...

‘તમારા શરણમાં આવ્યા

તમારામાં સમાવી દો

અમે માટી છીએ

અમને પારસ બનાવી દો.

Friday, August 2, 2013

સોનાની જાળ પાણીમાં નાખવી કે ન નાખવી? - સૌરભ શાહ

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા અને વાણિયા તારી મૂછ નીચી, તો આ લે નીચી. આ બે કહેવતો ગુજરાતી પ્રજાની કોઠાસૂઝ અને વેપારવૃત્તિને પ્રગટ કરે છે. દરેક પ્રજા આવું કરતી હોય છે પણ કદાચ જાહેરમાં કબૂલ કરતી નથી. આપણે કબૂલ કરીએ છીએ, કબૂલ કરી શકીએ એટલી પારદર્શકતા છે આપણામાં બીજાઓ નથી કહેતા એનું કારણ એ કે તેઓ મિથ્યા સ્વાભિમાનમાં રાચતા હોય છે. આત્મગૌરવ અને સેલ્ફ એસ્ટીમ બહુ પોલી લાગણીઓ છે, બહુ છેતરામણી પણ છે. આત્મગૌરવ કે સેલ્ફ એસ્ટીમ ખરેખર શું છે અને એ કેટલાં ઉપયોગી છે એ વિશે અહીં ચર્ચા નથી કરવાની, પણ આ બે શબ્દોની આડશ લઈને આપણે એના વિકૃત અર્થને કેવી રીતે વાપરીએ છીએ એની વાત કરવાની છે. નાની નાની વાતોમાં આળા થઈ જવું કે જરાક અમથી બાબતે સેલ્ફ એસ્ટીમની તલવાર તાણવાથી નુકસાન તમને પોતાને થાય છે.

માણસે બીજાઓ સાથેના વ્યવહારોમાં નાનાં-મોટાં તથાકથિત કે પછી સાચાં, અપમાનો સહન કરતાં અને જીરવતાં શીખવું પડે. તો જ એ પોતાના ધાર્યા મુકામે પહોંચી શકે. કોઈને મળવા ગયા હો અને અડધો કલાક સુધી એ તમને બેસાડી રાખે કે કોઈને ચાર ફોન કર્યા પછી પણ એ તમને વળતો ફોન ન કરે ત્યારે અપમાનિત થઈને, સેલ્ફ એસ્ટીમ નથી જળવાતી એવું માનીને, ઘાયલ થઈ બેસી રહેવામાં મઝા નથી.

નાનાં અપમાનો સહન કરીને, સહેજ જાડી ચામડી કેળવીને, દુનિયાદારીની ભાષામાં કહીએ તો સહેજ નાગા અને નફ્ફટ થઈને જ લોકો પોતાનું ધાર્યું કરી શકતા હોય છે, ટોચ પર પહોંચતા હોય છે. ફરી એકવાર, અહીં તમે નક્કી કરેલા તમારી જાત સાથેના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાની કોઈ વાત નથી. પણ ફાલતુ જેવી વાતોને ઈગોનો ઈશ્યુ નહીં બનાવવાનો એટલી સમજ તમારામાં છે કે નહીં એ સવાલ છે.

કૉલેજકાળમાં અમારા એક દોસ્તાર જેવા વડીલ અમને પૂછતાં: ‘કેટલી બહેનપણીઓ છે?’ અમે કહેતા, ‘એક પણ નથી.’ એ પૂછતા, ‘બહેનપણીઓ બનાવવાની. બને એટલી વધારે બનાવવાની. તું કેમ કોઈને પૂછતો નથી કે ચાલ, કૉફી પીવા જઈએ?’ અમે કહેતા, ‘નથી પૂછી શકાતું. ના પાડી દે તો?’ આવો જવાબ સાંભળીને અમારા વડીલ કર્મણ્યે વાધિકારસ્તેના ટપોરી વર્ઝન જેવું વાક્ય અમને સંભળાવતા, ‘પૂછવાનું. દરેકને પૂછવાનું. બહુ બહુ તો ના પાડશે ને.’

આ વાક્ય અમારા હૃદયમાં સોનાના અક્ષરે કોતરાઈ ગયું છે: ‘પૂછવાનું. બહુ બહુ તો ના પાડશે ને.’ અપમાનિત થઈશું એવા કાલ્પનિક ભયથી આપણે કોઈની પાસે કશું જ માગી શકતા નથી: પ્રેમ, પૈસા, ઉષ્મા, મદદ. કશું જ નહીં અને પછી છીએ ત્યાંના ત્યાં રહીને પસ્તાઈએ છીએ. માગ્યા વિના મા પણ પીરસતી નથી એવી પ્રતીતિ હજુય કેટલાય લોકોને નથી થઈ.

સોનાની જાળ પાણીમાં શા માટે ફેંકવી? તમે પૂછશો. અમે કહીશું, ભલા માણસ, માછલું જ પકડવું છે ને? તો પછી જાળ શા માટે સોનાની બનાવી? સૂતર કે ગરવારે નાયલોનની જાળથી ચાલી જાત. બીજું, માછલું પકડવું હશે તો જાળ પાણીમાં નાખવી જ પડશે, ખભા પર જાળ મૂકી રાખશો તો માછલાં ઊડીને જાળમાં થોડાં આવવાનાં છે? ગુજરાતી કહેવતો અહીં પણ તમને ટપારે છે: છાશ લેવા જવું ને દોણી સંતાડવી? માગવું. જ્યારે જેની પાસે મન થાય અને જે મન થાય તે માગવું. બહુ બહુ તો ‘ના’ સાંભળવી પડશે. ‘ના’ સાંભળવા મળે તો આપણું અપમાન થયું છે એવું કેવી રીતે માની લેવાય? દુકાનમાં પચ્ચીસ મિનિટ સુધી વિવિધ આઈટમો બતાવનાર સેલ્સમૅનને કોઈ ના પાડીને જાય તો શું સેલ્સમૅન અપમાનિત થઈ ગયો? એવો આળો સેલ્સમૅન શું ધંધો કરી શકવાનો?

મિડલ ક્લાસ માનસિકતા ધરાવનારી એંશી ટકા પ્રજા પાસે બીજું કંઈ હોતું નથી એટલે સ્વમાન, સ્વાભિમાન કે સેલ્ફ એસ્ટીમની મહત્તાને બઢાવી ચઢાવીને ફોગટ સંતોષ મેળવી લે છે. આર્થિક રીતે તદ્દન નીચલા સ્તરના લોકોને સતત ધુત્કાર મળ્યો છે. અપમાનિત થઈ થઈને તેઓ રીઢા થઈ ગયા હોય છે. આવા લોકોમાં અંદરખાનેથી કેળવાયેલી સો કૉલ્ડ નફ્ફટાઈને કારણે તેઓ પોતાનું ધાર્યું મેળવવા તમામ પ્રયત્નો કરી શકે છે. જ્યાં સુધી પોતાનું ધાર્યું ન થાય કે ન મળે ત્યાં સુધી ઝઝૂમવાનો ખંત અપમાનો સહન કરવાની તાકાતમાંથી આવે છે.

સમાજનો ટોચનો એક ટકા વર્ગ એવો છે જેમણે ક્યારેય અપમાનિત થવાની સ્થિતિમાં મુકાવું પડતું નથી. એમની પાસે એમના લાખો રૂપિયાના પગારદાર મૅનેજરો છે જેઓ ઢાલ બનીને બીજાઓ દ્વારા થતાં અપમાનોનો શૉક ઍબ્ઝોર્બ કરી શકે છે. તેઓ બીજાએ પાડેલી ‘ના’થી સર્જાતાં વમળોને શેઠસાહેબ સુધી ન પહોંચવા દેવાનું સામર્થ્ય ધરાવતા હોય છે.

સંતાનોને ‘ના’ સાંભળતાં શીખવવું જોઈએ. માબાપ પાસે સુવિધાઓ હોય તો પણ બાળકોને બધું જ આપી દેવાની હોંશથી બચવું જોઈએ. માગવા છતાં નહીં મળે એવી પરિસ્થિતિ સાથે કેવી રીતે ડીલ કરવું એની તાલીમ બાળપણથી જ એમને આપવી જોઈએ. વંચિત હોવું એટલે શું, અભાવ એટલે શું એની વહેલાસર જાણ થઈ જવી જોઈએ. ભવિષ્યમાં થનારાં અપમાનો પછી પણ પ્રયત્નો પડતાં મૂકવાના નથી એવી સમજ જેટલી જલદી આવે એટલું સારું.

અપમાનો સહન કરી લેવાની વાત તમને કોઈ નહીં કહે. એટલું જ નહીં, અપમાનો સહન કર્યા પછી પણ તમે સતત પ્રયત્નો કરતા હશો તમે, તમને તેઓ નફ્ફટ કહેશે, નાગા પણ કહેશે. અને તમારી જગ્યાએ તેઓ પોતે હશે તો શું કહેશે પોતાને? ખંતીલા, નિરાશ નહીં થનારા, સતત પ્રયત્નશીલ. અને? અને કરોળિયાની જેમ સાતવાર ભોંયભેગા થયા પછી પણ આઠમી વાર પ્રયત્ન કરનારા!

Thursday, August 1, 2013

સ્ટ્રેસમુક્ત રહીને જીવનમાં કરશો શું? - સૌરભ શાહ

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ડૉક્ટરો તમને ચેતવણી આપી આપીને થાકી ગયા: બાપલા, સ્ટ્રેસમાં ના જીવો, તંગદિલીવાળું જીવન છોડો, હાય બીપી થઈ જશે ને વહેલા મરી જશો.

સ્ટ્રેસ વગર જીવવું શું શક્ય છે? શક્ય હોય તો પણ, શું હિતાવહ છે? ખાઈપીને જલસા કરવાની માનસિકતાવાળા લોકો ક્યારેય પોતાનું કૌવત દેખાડી શકતા નથી. કોઈ પૂછે કે કેમ છો ને તમે કહો કે ખાઈપીને જલસા કરીએ છીએ ત્યારે પેલાનો પ્રશ્ર્ન અને તમારો ઉત્તર - બેઉ માત્ર એક ફૉર્મેલિટી છે. કઈ તંગદિલી હેઠળ તમે જીવો છો એનું વર્ણન બધાની આગળ કરવા બેસવાની કંઈ જરૂર નથી. હકીકત એ છે કે જીવનની દરેક શ્રેષ્ઠતમ કામગીરી તમે સ્ટ્રેસ હેઠળ જ કરી હોય છે. ત્યારે માનસિક તનાવની ભીંસ વિના તમે સફળતા ન મેળવી શક્યા હોત. અભ્યાસથી માંડીને કરિયર સુધીના તમામ તબક્કાઓમાં તમે જોયું છે કે તમારામાં રહેલું કૌવત તમે સ્ટ્રેસ્ડ હો ત્યારે જ બહાર આવતું હોય છે, ખાઈપીને જલસા કરતા હો ત્યારે નહીં.

સ્ટ્રેસ ઉપયોગી છે. ચિંતા પણ ઉપકારક છે. માણસને બે ટંક ભોજનની ચિંતા હશે તો જ એ નોકરીધંધો કરશે. તમારી પ્રેમિકા/ પત્ની કે પછી તમારો પ્રેમી/ પતિ તમને છોડીને જઈ શકે છે એવી ફિકરને કારણે તમે વધુ ખુશ રાખવાનો (કે ઓછા દુ:ખી કરવાનો) પ્રયત્ન કરતા રહો છો. નાપાસ થવાની કે ઓછા માર્ક્સ આવવાની ચિંતા ના રહેતી હોત તો કયો વિદ્યાર્થી ભણવામાં ધ્યાન આપતો હોત? ખોટ જશે ને દેવું થશે એવી ચિંતાને કારણે ઉદ્યોગપતિઓ દિવસ-રાત એક કરીને પોતાનું પ્રોડક્શન સસ્તું અને સારું બનાવીને બજારમાં મૂકતા હોય છે. તેઓ ગ્રાહક માટે નહીં, પોતાની આ ચિંતાને કારણે ક્વૉલિટી સુધારવાની અને કિંમત ઓછી લાવવાની ફિકરમાં ઉજાગરા કરતા હોય છે.

સ્ટ્રેસને કારણે થતા શારીરિક/ માનસિક વ્યાધિઓનો સામનો તમારે તમારી રીતે કરી લેવાનો. યોગ, નિદ્રા, વ્યાયામ અને મિતાહાર - આટલી બાબતો પર ધ્યાન રાખીએ તો બીપીનો બાપ પણ તમારું કશું બગાડી શકતો નથી. બાકી તો ટાયટેનિક જેવી ટાયટેનિક ડૂબી જતી હોય છે, આપણે તે કઈ વાડીના મૂળા. સ્ટ્રેસરહિત જીવવાનો મતલબ એ કે સ્ટ્રેસની ખરાબ આડઅસરોને નાબૂદ કરીએ, સ્ટ્રેસને નહીં.

પોતાની શ્રેષ્ઠ કામગીરી કરતી વખતે માણસે સ્ટ્રેસની ચિંતા (!) છોડી દેવી જોઈએ; ઉપરાંત પર્સનલ લાઈફની પરવા પણ ન કરવી જોઈએ. તમને તમારું કુટુંબ વહાલું હોવાનું, સંતાનો એથીય વધુ વહાલા હોવાના. પણ કુટુંબકબીલા સાથે આનંદકિલ્લોલ કરવાનો સમય નથી મળતો એવો કકળાટ કરતા રહેશો તો મીડિયોકર સફળતા મળી જશે, ભવ્ય સફળતાથી તમે વંચિત રહેવાના. ધીરુભાઈ ક્યારેક મૂકેશ-અનિલને આંગળીએ વળગાડીને મુંબઈની ચોપાટીએ કોકિલાબેન સાથે ભેળ ખાવા નીકળી પડ્યા હશે પણ એમના જીવનનું કેન્દ્ર એમનું કુટુંબ નહીં. એમનું કામ હતું. અને એટલે જ એ ભવ્ય કામની ભવ્ય સફળતાનાં ભવ્ય ફળ આજે એમના કુટુંબીઓને મળી રહ્યાં છે. કામને બદલે પર્સનલ લાઈફને વધુ અગત્યની ગણનારા લોકો ક્યારેય સફળતાના ભવ્યતમ શિખરો સુધી પહોંચી શકતા નથી. આમ છતાં ચોઈસ ઈઝ યૉર્સ. કુટુંબ વહાલું હોય, પર્સનલ લાઈફ પ્યારી હોય અને ફુર્સતના સ્ટ્રેસફ્રી રાતદિન ઢૂંઢવા દિલ નીકળી પડતું હોય તો ભલે, એવું રાખો. પછી લાઈફમાં ક્યારેય ફરિયાદ નહીં કરવાની કે ધાર્યું હોત તો હુંય ધીરુભાઈ બની શક્યો હોત, પણ પ્રાયોરિટી પહેલેથી જ નક્કી છોકરાંઓના ઉછેર પર બને એટલું ધ્યાન આપવું, એટલે શું છે કે ધંધામાં બહુ સમય ના આપી શક્યો.

સ્ટ્રેસમાં રહેવાની મઝા છે, એનો એક નશો છે. કામ વગરના કે અંડરવર્ક્ડ કે કામચોર કે બેકાર કે નકામા લોકો આવી મઝા માણી શકતા નથી. સ્ટ્રેસ તમારી ઈન્દ્રિયોને સતેજ કરી નાખે છે. ફૉર્મ્યુલા વનની મોટર રેસનો એક્સ-ચૅમ્પિયન માઈકલ શુમાકર કઈ તંગદિલી હેઠળ રેસિંગ કરતો હશે તેની કલ્પના કરો. સચિન તેન્ડુલકર કટોકટીની ઓવર્સ દરમિયાન કેવા સ્ટ્રેસ હેઠળ બેટિંગ કરતો હશે એની કલ્પના કરો. ભયંકર માનસિક તાણને લીધે જ એમની એકાગ્રતા હન્ડ્રેડ પર્સેન્ટ પર પહોંચી શકતી હોય છે. શુમાકરે કે સચિને સ્ટ્રેસમુક્ત રહેવાનું નક્કી કર્યું હોત તો તે જ ઘડીએ એમની કારકિર્દીનું જયશ્રીકૃષ્ણ થઈ ગયું હોત.

સ્ટ્રેસફ્રી લાઈફ જીવવાની શિખામણ આપતા ડૉક્ટરોનું બાબાગુરુઓ જેવું હોય છે. બાબાગુરુઓને ખબર છે કે એમની પાસે આવનારો એક પણ માણસ મોહમાયાથી મુક્ત થઈ શકવાનો નથી. એટલે દર વખતે તેઓ એક જ શિખામણ આપશે: વત્સ, મોહમાયાને છોડી દે. વત્સ નહીં છોડી શકે એટલે એ ગિલ્ટ ફીલ કરશે અને નેક્સ્ટ ટાઈમ બમણા જોરથી બાબાને દંડવત્ કરશે. ડૉક્ટરની સલાહ પછી પણ સ્ટ્રેસફ્રી નહીં થઈ શકનારો માણસ નેક્સ્ટ ટાઈમ ડૉક્ટરને બમણી ફી આપવા તૈયાર થઈ જશે. જે ઘડીએ બાબાગુરુ કે ડૉક્ટરે કહ્યું કે મોહમાયાથી છૂટવું જરૂરી નથી, મોહ છે તો જ આ સંસાર છે, માયા છે તો જ તમારું કુટુંબ છે અને સ્ટ્રેસ છે તો આ કુટુંબની સગવડો તથા સંસારના સુખો માણવા માટે કમાવાની ક્ષમતા છે - તે જ ઘડીએ એ સૌ ઉપદેશકોની પ્રેક્ટિસ છૂટી જશે.

ચાકુની તેજ ધાર જેવું છે આ સ્ટ્રેસનું. ધાર બુઠ્ઠી થઈ જશે એવા ડરથી કોઈએ ચપ્પુને શો કેસમાં મૂકી રાખ્યું હોય એવું સાંભળ્યું છે? ધાર બુઠ્ઠી થઈ જશે તો ફરી તેજ કરાવીએ છીએ. પણ સ્ટ્રેસફ્રી રહેવા માટે માણસ પોતાનું કામ ઓછું કરી નાખે છે કે બદલી નાખે છે. લાંબુ જીવવાની લાહ્યમાં એ જીવનની રફતાર મંદ કરી નાખે છે. પછી બાકીનાં વર્ષો શુષ્ક બનીને, બીજાના માથે બોજ બનીને જીવતો રહે છે. તાણ અને તંગદિલીને વખોડતા લોકોએ ક્યારેક મ્યુઝિક કૉન્સર્ટમાં કે ઓરકેસ્ટ્રાના શોમાં જઈ આવવું જોઈએ. ગિટાર, સિતાર કે સંતુરના તારને ઢીલા મૂકી દો તો એમાંથી કેવું સંગીત નીકળશે? તારને ખૂબ જોરથી બાંધશો તો તૂટી જશે એ તો બાળકનેય ખબર છે. અતિશયોક્તિ કોઈપણ બાબતમાં નકામી. પણ સ્ટ્રેસફ્રી ગિટાર, સ્ટ્રેસફ્રી સિતાર કે સ્ટ્રેસફ્રી સંતુરમાંથી નીકળતા બોદા અવાજ જેવી સ્ટ્રેસફ્રી જિંદગી શું કામની? શું કામની, હં?