Saturday, May 4, 2013

સફળતા અને નિષ્ફળતા-સૌરભ શાહ

સફળતા અને નિષ્ફળતા: કોઈ એક ગુણ કે એક ભૂલથી નથી સર્જાતી
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રેલવે સ્ટેશન પર તમારો સામાન ઊંચકતો મજૂર દિવસરાત મહેનત કરે છે. સરકસમાં એક ઝૂલા પરથી બીજા ઝૂલા પર પહોંચી જતો ટ્રેપીઝ આર્ટિસ્ટ જિંદગી આખી આવાં સાહસ કરે છે.

મહેનત અને સાહસ કરવા છતાં આ બેઉ ત્યાંના ત્યાં રહે છે. કારણ?

એક તો એ કે જે મહેનત કરે છે તે માત્ર મહેનત જ કરે છે, જે સાહસ કરે છે તે માત્ર સાહસ જ કરે છે. સારા સ્વભાવવાળી, ભગવાનના માણસ જેવી વ્યક્તિ જિંદગીમાં ખાસ કશી સફળતા ન મેળવી શકે ત્યારે લોકો કહે: ‘માણસ કેટલો સારો, છતાં જિંદગીમાં ખાસ કંઈ ઉકાળ્યું નહીં.’

હકીકત એ હોવાની કે એ વ્યક્તિમાં આ એક જ ગુણ હતો, બીજા ગુણોનો અભાવ હતો. આવું જ બુદ્ધિશાળી, વગદાર કે અનુભવી વ્યક્તિઓની બાબતમાં બનતું હોય છે. જે માત્ર બુદ્ધિશાળી જ છે એને બહુ મોટી સફળતા ન મળે એવું બને. જે માત્ર વગદાર છે એની બાબતમાં પણ આવું જ બની શકે. જેની પાસે જમા બાજુએ માત્ર વર્ષોનો અનુભવ જ છે તેની જિંદગી પણ નિષ્ફળતાની આસપાસ ઝોલાં ખાતી હોય એવું બને.

અહીં આપણે દુનિયા જેને સફળતા કહે છે તેની વાત કરી રહ્યા છીએ. એ પ્રકારની સફળતા ઈચ્છનીય છે કે નહીં એ વિશેની ચર્ચાને બાજુએ રાખીને આ વાત કરી રહ્યા છીએ.

મહેનત અને સાહસ આ બેઉ ગુણ એકસાથે હોવાં જોઈએ, સફળતા માટે. અને એ એકસાથે હોય એટલું જ પૂરતું નથી. ક્યાં, ક્યારે અને કેટલી મહેનત કરવી તેમ જ ક્યાં, ક્યારે અને કેટલું સાહસ કરવું એની સમજ પણ હોવી જોઈએ. આ સમજ કોઠાસૂઝથી આવે, આ સમજ જાતે પડી-આખડીને અનુભવથી પણ આવે અને આ સમજ બીજાઓના વ્યવહાર-વર્તનનું બારીક નિરીક્ષણ કરીને પણ આવે.

સફળ માણસો શા માટે સફળતા પા્રપ્ત કરે છે તેનો અભ્યાસ જેટલો જરૂરી છે એટલો જ જરૂરી છે નિષ્ફળતા મેળવનારી વ્યક્તિઓની નિષ્ફળતાનાં કારણોનો અભ્યાસ.

સફળતા કોઈ એક ગુણને કારણે નથી મળતી. વિવિધ ગુણનું કૉમ્બિનેશન સફળતા અપાવે છે. નિષ્ફળતા કોઈ એક ભૂલને કારણે નથી મળતી. એક કરતાં વધુ ભૂલોની યુતિ સર્જાયા પછી ધબડકો વળતો હોય છે. સફળતા માટે માત્ર તક મળવી પૂરતી નથી. તક મળ્યા પછી એમાં બીજું ઘણું ઉમેરવાનું હોય છે. એ જ રીતે એકાદ ખોટા નિર્ણયને કારણે માણસ નિષ્ફળ નથી જતો, એ ખોટો નિર્ણય લીધા બાદ એક પછી એક સર્જાતી કમનસીબ ઘટનાઓની ડોમિનો ઈફેક્ટને ખાળવાની અશક્તિ અથવા અણસમજને કારણે એ નિષ્ફળ જાય છે.

ખોટા નિર્ણયો તો દરેક સફળ માણસે જિંદગીમાં અનેક વાર લીધા હોય છે. આ નિર્ણયોને કારણે એમણે ઘણું સહન પણ કર્યું હોય છે. પણ ખોટા નિર્ણયો લેવાયા પછી તરત જ શરૂ થતી આપત્તિઓની હારમાળા ખાળવા માટે, તારાજગી શરૂ થયા પછી પણ જેટલું બચી શકતું હોય એટલું બચાવી લેવા માટે તેઓ એટલી જ મહેનત કરતા હોય છે જેટલી સફળતા મેળવવા માટે કરે છે. હશે, જે થઈ ગયું તે થયું, નવેસરથી મહેનત કરીશું એવું વિચારીને તેઓ પોતાનું સઘળું લૂંટાઈ જવા દેતા નથી. એમને ખબર હોય છે કે નુકસાન તો થયું જ છે, પણ એ નુકસાનને પરિણામે થતા ઘસારામાંથી ઓછામાં ઓછું ગુમાવીને બહાર નીકળી જઈશું તો ભવિષ્યમાં આવનારી બીજી અણધારી નિષ્ફળતાઓ ઝીલવાની તાકાત આવશે.

સતત નિષ્ફળતાઓથી સંપૂર્ણપણે તૂટી જનારા લોકોનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ કે તેઓ નિષ્ફળતાની શરૂઆત થતાં જ હિંમત હારી બેસે છે. શરૂઆતના બે ચાર પગલાં ખોટાં મંડાયા હોય તો પણ સારી દિશા શોધવામાં ખાસ મોડું નથી થયું હોતું. આ બાબતમાં અંતિમ કે આખરી એવું કશું જ નથી હોતું.

આવનારી નિષ્ફળતાને જોઈ શકનારો માણસ બીજું કશું નહીં તો કમસે કમ ઓછામાં ઓછું નુકસાન કરીને બહાર આવી જઈ શકતો હોય છે. નુકસાન સહન કરવાની ક્ષમતા અને નિષ્ફળતામાંથી પાઠ શીખવાની આવડત સફળતાનું પહેલું પગથિયું છે.

પણ લોકો પોતાની નિષ્ફળતાને છુપાવેે છે. પોતાની નિષ્ફળતાઓની પ્રક્રિયા માણસે પોતે જ સમજવાની હોય, બીજાઓ આગળ જઈ જઈને સમજાવવાની ન હોય. ફોર ધેટ મેટર બીજાઓની સમક્ષ તમારી સફળતાની કે નિષ્ફળતાની કોઈ વાત જ ન કરવાની હોય.

સફળતાની વાત કરશો તો સામેવાળી વ્યક્તિ કાં તો તમને શેખીખોર માનશે, ઘમંડી માનશે કાં તમારી ઈર્ષ્યા કરશે. શક્ય છે કે તમને સાવ જુઠાડા પણ માને.

તમારી નિષ્ફળતાની વાત કરશો તો સામેની વ્યક્તિ તમારા પ્રત્યે કદાચ સહાનુભૂતિ દેખાડશે. એ સહાનુભૂતિ ચોવીસ કૅરેટની હોય કે તદ્દન તકલાદી-સહાનુભૂતિઓથી ક્યારેય કોઈનું પેટ ભરાયું નથી કે ભલું થયું નહીં. અને શક્ય એ છે કે તમે ઈન ગુડ ફેઈથ કહેલી તમારી નિષ્ફળતાઓની કબૂલાતમાંની વિગતોનો ઉપયોગ સામેની વ્યક્તિ ભવિષ્યમાં તમારું જ નુકસાન કરવા માટે વાપરે. આવું કદાચ ન પણ થયું તોય તમારી નિષ્ફળતાથી પેલી વ્યક્તિ મનોમન ખુશ તો જરૂર થવાની. બે કારણોસર: એક પોતે એવી નિષ્ફળતાને દૂર રાખી શક્યા છે એટલે અને બે, જોયું ને-હું નહોતો કહેતો કે બહુ ઉપર ચડે છે તે ક્યારેક એવો પટકાશે તે પટકાયો ને-આવું વિચારીને. પોતે સાચા પડ્યા એવું માનીને પણ પોતાની જાત આગળ માણસે નિષ્ફળતા છુપાવવી નહીં. કબૂલ કરવું કે આ નિષ્ફળતા પાછળ ખરેખરાં કારણો ક્યાં હતાં. મોટા ભાગના લોકો નિષ્ફળતા મળ્યા પછી, બીજાઓને દોષ આપીને પોતાના નસીબનો વાંક કાઢતા રહે છે.

સફળતા ક્યારેય આપણા એકલાની નથી હોતી. એમાં કેટલી બધી વ્યક્તિઓનો સીધો યા આડકતરો હિસ્સો હોય છે, કેટલીય અજાણી વ્યક્તિઓએ પણ એ સફળતામાં ભાગ ભજવ્યો હોય છે. આમ છતાં જશનો તાજ માત્ર તમારા એકલા પર મૂકવામાં આવે છે. તમે એ પહેરીને ખુશી ખુશી મહાલતા રહો છો.

પણ નિષ્ફળતા વખતે તમારા માથે મુકાતો દોષનો ટોપલો ઊંચકવાની તમે આનાકાની કરો છો. કોણે-કયાં-કેવી રીતે તમારો વિશ્ર્વાસભંગ કર્યો, સાથ ના આપ્યો વગેરે કહીને તમે એકલા એ બોજ ઉપાડવાની ના પાડો છો. તે વખતે એવું નથી વિચારતા કે તમારી સફળતાના ભાગીદારો પાસેથી યશ ઝૂંટવીને એકલા પ્રકાશમાં આવવામાં તમને કોઈ વાંધો નહોતો. તો પછી અત્યારે બીજાઓને કારણે મળેલા અપયશને સ્વીકારી લેવામાં શો વાંધો છે?

નિષ્ફળતા વખતે બીજાઓનાં વાંક કાઢવો સહેલો છે. હકીકત એ છે કે દરેક નિષ્ફળતાના કેન્દ્રમાં વ્યક્તિ પોતે જ હોય છે. દરેક સફળતાનો પરિઘ વ્યક્તિની આસપાસ રહેલી અનેક વ્યક્તિઓને કારણે જ વિસ્તરે છે.

No comments:

Post a Comment