Thursday, May 30, 2013

ધન અને કીર્તિ- મહેન્દ્ર પુનાતર

જૂઠી શાન અને શોભા, આ રાજ અને તાજ બધું છેવટે માટીમાં મળી જવાનું છે
માણસને બે વસ્તુનો અતિ મોહ છે: એક, ધન અને બીજું કીર્તિ. સૌ કોઈ આ માટે ઝંખે છે. કેટલાક લોકો નાનું એવું બિરુદ, ચંદ્રક કે એવૉર્ડ મળે તો ગામ ગજાવી મૂકે છે. લાયકાત વગરના માનમોભાનો કોઈ અર્થ નથી. આ બધું ક્યાં સુધી રહેવાનું છે? તો પછી આ બધા ઉધામા શા માટે?
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મમાં કહ્યું છે કે મોહ, માયા અને આસક્તિ આ ત્રણે પ્રલોભનો જીવનને દુ:ખમય બનાવે છે. આ દુનિયામાં માણસને બે વસ્તુઓનો અતિ મોહ છે એક, ધન અને બીજું કીર્તિ. આ બંને વસ્તુ મેળવવા માણસ બનતું બધું કરી છૂટે છે. જેને મહેનત વગર જલદીથી આ મળી જાય અને જેને સખત મહેનત અને મથામણ કરવા છતાં ન મળે એ બંને માટે આ બાબત ખતરનાક બની જાય છે. એકને આનો મદ અને નશો ચડે છે અને બીજો નિરાશા-હતાશામાં ધકેલાઈ જાય છે. જેની પાસે ધન આવે છે તેને મોટા થવાનો, પ્રસિદ્ધિ મેળવવાનો અને કીર્તિ પ્રાપ્ત કરવાનો ચસકો લાગે છે. એક વખત આ બધું મળે પછી તેનો મોહ જતો નથી. માન ન મળે, ઉચિત સ્વાગત ન થાય કે ઊંચા આસને બેસવા ન મળે તો તેનાથી સહેવાતું નથી. દિલમાં ઘા લાગે છે.

ધન, પદ, પ્રતિષ્ઠા અને માન-મોભા માટે સૌ કોઈ ઝંખે છે. માણસને ધન પ્રાપ્ત કર્યા પછી આ ઝંખના સવિશેષ જાગે છે. જીવનમાં જો આ બધું ન મળે તો ધન વ્યર્થ બની જાય છે. માણસ બધું છોડી શકે પણ આનો મોહ છૂટતો નથી. ધન સાથેનું આ વળગણ છે. ઈચ્છા, અપેક્ષા અને લાલસા અનેક દુ:ખો સર્જે છે. આમ છતાં દુનિયા આ બધી વસ્તુઓ પાછળ પાગલ છે. ધન અને કીર્તિને જીરવવાનું, ટકાવી રાખવાનું મુશ્કેલ છે. માણસને સેવા અને શુભ કાર્યો દ્વારા જે માન મળે છે તે લાંબો સમય ટકી રહે છે, પરંતુ ધન સાથે જે માન-મરતબો આવે છે તે ધન ચાલ્યું જતાં ટકી શકતું નથી. હકૂમત અને સત્તા દ્વારા મળેલું માન, હોદ્દો હોય ત્યાં સુધી જ ટકે છે. માણસ એક વખત ખુરશી પરથી ઊતરી જાય પછી તેનો કોઈ ભાવ પૂછતું નથી.

ધન, કીર્તિ અને પ્રસિદ્ધિનો મોહ માણસને ચેનથી રહેવા દેતો નથી. આ અહંકાર માણસને સહજ રહેવા દેતો નથી. આ અહંકાર માણસને સહજ અને સ્વાભાવિક રીતે વર્તવા દેતો નથી. તેના કારણે દંભ અને દેખાવ વધે છે અને તે પોતાને બીજા કરતાં ચડિયાતો માનવા લાગે છે. પોતે બીજા કરતાં સવિશેષ છે એવું તેને લાગે છે. કૂવામાંના દેડકા જેવી આ પરિસ્થિતિ છે. બહારની તરફ નજર કરતા નથી એટલે આપણને લાગે છે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. આપણે નાનાં વર્તુળોમાં કોલર ઊંચા રાખીને ફરીએ છીએ અને લોકો સલામ ભરે છે એટલે ફુલાઈ જઈને માનવા લાગીએ છીએ કે આપણે સર્વશ્રેષ્ઠ છીએ. મોટા દેખાવાના દંભમાં માણસ કેટલીક વખત એવી હરકતો કરતો હોય છે જે તેને શોભા આપતી નથી. બધા પૈસાથી અંજાઈ જાય છે એટલે સાચું કહે કોણ? અને આ પ્રકારના માણસોને સાચું સાંભળવું પણ ગમતું નથી.

સમાજમાં લોકો હંમેશાં કહેતા હોય છે, ભાઈ આપણને ખુરશીનો મોહ નથી. આપણને હોદ્દો જોઈતો નથી, આપણે તો લોકોનું સારું કરવું છે, સેવા કરવી છે, પરંતુ હકીકતમાં તેને આગ્રહ કરીને હોદ્દા પર બેસાડો નહીં ત્યાં સુધી તેઓ સહાય કરતા નથી કે કામ કરતા નથી. નાના અને મોટા બંનેને હોદ્દાનો મોહ હોય છે. એક આ માટે વલખાં મારે છે અને બીજાને આગ્રહ કરીને હોદ્દા પર બેસાડવો પડે છે. સંસ્થાઓને પણ આવા શોભાના કાંગરાઓની જરૂર હોય છે. કેટલાક માણસોને હોદ્દા અને માન-પાન વગર ફાવતું નથી. કેટલાક માણસો સેવાની વાત કરીને સિફતથી હોદ્દો છીનવી લે છે. કેટલાકને સહેજ આગ્રહ થાય તો સ્ટેજ પર ચડી બેસે છે. કેટલાક માઈક પર ચીટકી રહે છે તો કેટલાક માઈક ઝૂંટવી લે છે અને બોલતા આવડે કે ન આવડે, ભરડતા રહે છે. આ બધા પાછળ માણસને બહાર દેખાવું છે, પોતે કાંઈક છે એવું પ્રદર્શિત કરવું છે. કેટલાક લોકો નાનું એવું બિરુદ મળે કે કહેવાતો એવૉર્ડ મળે તો ગામ ગજવી નાખે છે જાણે કે ભારતરત્નનો ઈલકાબ મળ્યો હોય.

જુદા જુદા સમાજોમાં આવી જૂઠી શાન, શોભા અને શોહરતનું ઘેલું લાગ્યું છે. આપણે એકબીજાની વધુ પડતી પ્રશંસા કરતા થઈ ગયા છીએ. પ્રશંસા અને ખુશામત વચ્ચે વાળ જેટલું અંતર હોય છે. મોટે ભાગે આપણે ખુશામત કરતા રહીએ છીએ. જુદી જુદી સંસ્થાઓ સન્માન સમારંભો યોજીને ઈલકાબો અને એવૉર્ડની લહાણી કરતી હોય છે. તેનું કોઈ ચોક્કસ ધોરણ હોતું નથી. આમાં એવૉર્ડ લેનાર અને દેનાર બંનેની ગરિમા જળવાતી નથી. યુવક રત્ન, પત્રકાર રત્ન, સમાજ રત્ન, સમાજરત્ન, ભૂષણ, સમાજ શિરોમણી વગેરે અનેક જાતનાં બિરુદો પાનબીડાની જેમ અપાતાં હોય છે. આવા પ્રસંગોએ રાજકારણીઓને પણ આમંત્રણ અપાતાં હોય છે. આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ છે. નવા ઊગીને ઊભા થયેલા અને બે પૈસા કમાયેલા લોકોને પૈસાના જોરે થોડા મોટા માણસો વચ્ચે બેસવાનું મળે એટલે તેમને એમ લાગે છે કે જીવન ધન્ય થઈ ગયું. સમારંભના પ્રમુખ, અતિથિવિશેષ, માનવંતા મહેમાન વગેરે સ્થાનો માટે પણ કિંમત ચૂકવવી પડે છે. આવા સમારંભો તેમના હિસાબે અને જોખમે યોજાતા હોય છે. કેટલાક સમાજસેવકો આવો ધંધો લઈને બેઠા હોય છે. એવૉર્ડ અને ઈલકાબ મેળવનારા મોટા માણસો પણ એ સમજી શકતા નથી કે આ એવૉર્ડનું મૂલ્ય શું? એવૉર્ડ આપનાર સંસ્થા લાયક છે કે નહીં? આવા એવૉર્ડ આપવાનું તેનું કાર્યક્ષેત્ર છે કે કેમ? તે માન્ય પ્રતિષ્ઠિત વિશ્ર્વસનીય સંસ્થા છે કે નહીં? માન મળતું હોય તો આવું બધું વિચારવાની કોને ફુરસદ છે. સમાજના ઊંચા ગજાના પ્રતિષ્ઠિત માણસો આવા નાના નાના ઈલકાબો પાછળ દોડતા હોય છે ત્યારે વામણા લાગે છે.

આજકાલ લોકોને પોતાનું સ્ટેટસ અને મોભો જળવાઈ રહે તેની પણ બહુ ચિંતા હોય છે. તેમની નજર બીજા તરફ હોય છે. પોતાને શું ગમે છે તેના કરતાં લોકો શું કહેશે, લોકો શું ધારશે તેની વધુ દહેશત હોય છે. આ બધું જાળવવા માણસે દોડવું પડે છે. કોઈ આગળ નીકળી જાય તો જલન થાય છે. પ્રતિષ્ઠાનું આ જગત થકવી નાખે છે. તેમાં ઊંચે આવ્યા પછી ફંગોળાઈ જતાં વાર લાગતી નથી. માણસ સારો હોય કે ન હોય, પણ તેને બીજા કરતાં વધુ સારા દેખાવું છે.

અગાઉ ધનિકો અને ગર્ભશ્રીમંતો એકદમ નોખા તરી આવતા હતા. પૈસાની સાથે ઠાવકાઈ હતી. ઠાઠની પરિપકવતા હતી. હવે એવું રહ્યું નથી. માણસનો દેખાવ જોઈને તેનું સાચું માપ નીકળતું નથી. બધું આભાસી બની ગયું છે. પહેલાં પૈસાદાર માણસોને ઓળખવા બહુ સહેલા હતા. ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ જેવો ઘાટ હતો. પુરુષનાં કપડાંમાં અને મહિલાઓના અલંકારમાં તેમની શ્રીમંતાઈ છલકી ઊઠતી હતી. આજે એવું રહ્યું નથી. સ્ટેટસ સિમ્બોલ માટે હવે કપડાં-ઘરેણાંનું મહત્ત્વ રહ્યું નથી. એવી જ રીતે વિદેશમાં ફરવા જવાનું. મોટી મોટી ક્લબોના સભ્ય બનવાનું, લગ્ન કે બીજા પ્રસંગોએ લખલૂંટ ખર્ચાઓ કરવાની બાબત પણ મોભાનું પ્રતીક રહી નથી. સામાન્ય મોટરકારો, મોંઘા મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે લેપટોપ કે બે-ત્રણ બેડરૂમના ફલેટોની કોઈ વિસાત નથી. આ બધું મોટા ભાગના લોકોની પહોંચમાં આવી ગયું છે. ફાર્મહાઉસ, હિલ સ્ટેશન પર બંગલો અને થોડા મોંઘાં પેઈન્ટિંગો અને કલાકૃતિની અમૂલ્ય ચીજો અંગે તમે થોડો ગર્વ અનુભવી શકો છો. મોટા પત્રકારો, તંત્રીઓ, ફિલ્મસ્ટારો, સંગીતકારો અને કલાના ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓ સાથેના સંબંધોથી થોડીક પ્રસિદ્ધિ મળી શકે. રાજકારણીઓ અને ‘ભાઈઓ’ સાથે સંબંધો રાખવાથી મોભો વધે છે, પણ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. સાધુ, સંતો, મહંતો ફરતે વીંટળાઈ રહેવામાં વાંધો નથી. આમાં પૈસા સિવાય બીજું કશું નુકસાન નથી.

દરેક વસ્તુની મર્યાદા છે. ધન આવે ત્યારે કૂદકા મારવાની જરૂર નથી. માણસે કાંઈક પ્રાપ્ત કરે ત્યારે નમ્ર બનવું જોઈએ. વૃક્ષને જ્યારે ફળ આવે છે ત્યારે તે ઝૂકી જાય છે. જે લોકો સત્કૃત્યો અને નિષ્ઠાપૂર્વક સેવા કરે છે અને બીજાને સહાયભૂત થતા રહે છે તેમની સુગંધ ચોમેર પ્રસરે છે. તેમને ઢોલનગારાં વગાડવાં પડતાં નથી. અધૂરા ઘડા વધુ છલકાતા હોય છે. સાચા અને સારા માણસોને છીપના મોતીની જેમ શોધવા પડે છે. ઢંઢેરો પીટવાવાળા માણસો ઢેઢે પિટાતા હોય છે.

કોઈ પણ જ્યોતિષીને, સાધુ, સંતોને પૂછો કે લોકો તમારી પાસે શા માટે આવે છે? તેમની શી કામના છે? કયા પ્રશ્ર્નોનું તેઓ સમાધાન ઈચ્છે છે? આ બધા પ્રશ્ર્નોનો એક જવાબ છે: માણસ ધન અને કીર્તિ માટે આ પ્રકારના આંટાફેરા કરે છે. પ્રભુની ભક્તિ પાછળ પણ આવી જ મનોકામના હોય છે.

કેટલાક માણસો નાનાં એવાં કાર્યો કરીને કીર્તિના ધજાગરા ફરકાવતા હોય છે. થોડું કરીને વધુ દેખાવ કરવા પાછળ પ્રશંસા સિવાય બીજું કશું નથી. આવા ધાંધલિયા લોકોને સાચી કીર્તિ મળતી નથી. થોડી વાર ચમકીને આ પૂંછડિયા તારાઓ ખરી પડે છે. લાયકાત વગર મેળવેલી ચમક ક્યાં સુધી ટકે? કીર્તિ અને પ્રસિદ્ધિ મહેક છે, વારંવાર સૂંઘ્યા કરીએ તો તે ઊડી જાય.

સફળતા, માન-ચાંદ, કીર્તિ-પ્રસિદ્ધિ કે લોકપ્રિયતા મળે તો ફુલાવાની જરૂર નથી. મળે તો નમ્રભાવે સ્વીકારી લેવું. ન મળે તો નાસીપાસ થવાની કે હતાશ થવાની બિલકુલ જરૂર નથી. મજેથી, આનંદથી જીવવા માટે આ કોઈ એવી જડીબુટ્ટી નથી.

આ એક નશો છે. થોડીવાર મજા આવે છે. તેનું ધેન ચડવા ન દેવાય. આપણે આપણાં સાધનોમાં આપણી રીતે જીવવાનું છે. માથે ભાર લઈને ફરવાથી કશું વળવાનું નથી. આ બધું હોય કે ન હોય, શું ફરક પડવાનો છે અને આ બધું કાયમના માટે થોડું ટકી રહેવાનું છે. જૂઠી શાન-શોભાનો મતલબ પણ શું છે?

જે લોકોનું બાહ્ય અને આંતરિક જીવન સરખું છે, જેમનામાં દંભ-દિખાવટ નથી, માન-મરતબાની પડી નથી, તેને કોઈની સાથે સરખામણી કરવાની રહેતી નથી. તેઓ તો નિજાનંદમાં મસ્ત હોય છે. આ તેમનું સુખ છે. આ તેમનો વૈભવ છે. બાકી બધું માટીમાં મળી જવાનું છે. આ અંગે કુતુબ ‘આઝાદ’ની એક રચના:...

સહુને એક દિ’ માટી મહીં મળી જવાનું છે,

ઢળે છે સંધ્યા એમ ઢળી જવાનું છે,

યુવાની એટલે ટટ્ટાર ચાલવાનું છે,

બુઢાપો એટલે વાંકા વળી જવાનું છે,

આ રાજ, તાજની પાછળ હરાજ થાઓમા,

બરફની જેમ બધું ઓગળી જવાનું છે,

હતા જ્યાં મહેલ ત્યાં ખંડેર આજ ઊભાં છે,

બરાબર એ જ રીતે ખળભળી જવાનું છે. 

 

No comments:

Post a Comment