Tuesday, May 21, 2013

પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? -સૌરભ શાહ


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

આચાર્ય ગણો, ભગવાન ગણો કે ઓશો - મારે મન રજનીશજી માત્ર રજનીશ છે, એક મૌલિક અને ક્રાંતિકારી વિચારક.

દેખિતી રીતે તમને લાગે કે એમણે ભગવદ્ ગીતાથી લઈને ઉપનિષદો સુધીનાં અનેક ગ્રંથો પર ટિપ્પણી કરતાં પ્રવચનો કર્યાં કે પછી કબીર, મીરા, લાઓત્ઝુથી માંડીને ગાંધીજી સમા મહાપુરુષના વિચારોનું વિશ્ર્લેષણ કર્યું. મને એમ લાગે છે કે આ બધી હસ્તીઓ કે એ ગ્રંથો એમના માટે ખીંટી હતી. પોતાના જલદ વિચારોને સ્વીકાર્ય બનાવવા રજનીશે એ બધાંને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપર્યા અને પછી પોતાને જે કહેવું હતું તે કહ્યું. આ ગ્રંથો કે હસ્તીઓની ચાલણગાડી શ્રોતાઓને આપ્યા વિના રજનીશે સીધા જ આપણને દોડાવ્યા હોત તો કદાચ થોડે પહોંચીને આપણે થંભી જાત યા ગબડી પડત.

રજનીશે ગીતા-કબીર ઈત્યાદિના વિચારોને પોતાની રીતે ઈન્ટરપ્રીટ કર્યા એવું આપણને લાગે છે પણ જેઓ રજનીશના અઠંગ અભ્યાસી છે તેઓ જોઈ શકશે કે ઈન્ટરપ્રીટેશન તો એમનું પહેલું ગિયર પણ નથી, સ્ટાર્ટર છે. એક વખત સ્ટાર્ટ લીધા પછી તેઓ પોતાની સ્પીડે પોતાના નવા રસ્તે નીકળી પડે છે.

એક જમાનામાં રજનીશનાં પ્રવચનો પરથી બનતાં પુસ્તકો ખૂબ મોંઘાં વેચાતાં. હાર્ડ બાઉન્ડ હોય, એમ્બોસ્ડ ડસ્ટ જૅકેટ હોય, અસ્તર સિલ્કનું હોય, કાગળ અને પ્રિન્ટિંગ તો બેસ્ટ ક્વૉલિટિનાં હોય જ. એ પુસ્તકોનો ઘણો મોટો ચાર્મ હતો. રજનીશના ગયા પછી થોડાંક વર્ષો અસમંજસમાં રહ્યા પછી એમના પુસ્તકના કૉપીરાઈટ હોલ્ડરોએ પેપરબૅક એડિશન માટે પરવાનગીઓ આપવાની શરૂ કરી. આને કારણે છેલ્લાં બેએક દાયકામાં રજનીશ સાહિત્ય ખૂબ કિફાયત કિંમતે અનેક લોકો સુધી પહોંચ્યું. આનો પણ એક ચાર્મ છે. ભારતના જાણીતા અંગ્રેજી-હિન્દી પ્રકાશકોએ પણ આ પુસ્તકોના પ્રકાશનમાં હોંશે હોંશે ભાગ લીધો.

પેપરબૅકમાં છપાયેલાં રજનીશનાં સેંકડો ઉમદા પુસ્તકોમાંનું એક અત્યારે મારા હાથમાં છે. ઓશો લાઈફ એસેન્શ્યલ્સ સિરીઝમાંનું ‘ફેમ, ફૉર્ચ્યુન એન્ડ ઍમ્બિશન’ ટાઈટલ ધરાવતા આ પુસ્તકનું પેટામથાળું છે: વૉટ ઈઝ ધ રિયલ મીનિંગ ઑફ સક્સેસ? પુસ્તકની સાથે ૧૩૧ મિનિટની ડીવીડી પણ છે જેમાં ‘ફ્રોમ ડાર્કનેસ ટુ લાઈટ’ નામના પ્રવચનની વાતો છે જેનું ટાઈટલ છે: ‘ઈનોસન્સ: ધ પ્રાઈસ યુ પે ફૉર ધ ફેઈલ્યોર ઑફ સક્સેસ’

નામ અને દામ. પૈસો અને પ્રસિદ્ધિ. ફેમ ઍન્ડ ફૉર્ચ્યુન. રજનીશ આમાં ઊંડા ઊતરીને એ બંને સાથે જોડાયેલી માનસિકતાનો એકએક તાર છૂટો પાડીને તપાસે છે. લોભ-લાલચનું ઉદ્ગમસ્થાન કયું? પ્રસિદ્ધ માણસો અને શ્રીમંત માણસો સમાજમાં આટલી મોટી વગ ધરાવતા હોય એવું લાગે છે, શા માટે? પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? આ પુસ્તકમાં રજનીશ એમની સરળ, ક્યારેક રમૂજભરી તો ક્યારેક દિમાગને ઉત્તેજિત કરતી તો ક્યારેક તરબતર કરી નાખતી શૈલીમાં જવાબ આપે છે.

લોકોને પોતે જ કામ કરી રહ્યા છે, પોતે જ જિંદગી જીવી રહ્યા છે તેના કરતાં બીજાનું કામ, બીજાની જિંદગી વધારે આકર્ષક લાગવાની. ધ ગ્રાસ ઈઝ ઑલ્વેઝ ગ્રીનર ઑન ધ અધર સાઈડ. આને કારણે આપણે આપણા પોતાનામાં જે પોટેન્શ્યલ ભરીને પડ્યું છે તેની અવગણના કરતા થઈ જઈએ છીએ. બીજા લોકો તમારી પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને સંતોષવામાં તમે મંડી પડો છો. આને કારણે તમને તૃપ્તિ થતી નથી. આ અતૃપ્તિનું કારણ તમને એ લાગે છે કે જે તમે મેળવ્યું છે તે ઓછું છે એટલે તમે ધરાતા નથી. હજુ વધારે મેળવીશું તો તૃપ્ત થઈ જશું.

પણ એવું નથી. અતૃપ્તિનું કારણ એ નથી કે તમે ઓછું મેળવ્યું છે. અતૃપ્તિનું કારણ એ છે કે તમારે જે મેળવવું હતું તે તમને નથી મળ્યું અને ક્યાંથી મળે? તમે તો લોકોની તમારા માટેની અપેક્ષા સંતોષવામાં રહ્યા. તમે માની લીધું કે તમારી તમારા પોતાના માટેની અપેક્ષા પણ એ જ છે. આવું માનવામાં તમે ભૂલ કરી બેઠા.

લોકોની તમારા માટેની અપેક્ષા તમારા પર એટલી બધી હાવિ થઈ ગઈ કે તમારી પોતાની તમારા માટેની અપેક્ષા ઢંકાઈ ગઈ, બિલકુલ છુપાઈ ગઈ. તમે એને જોઈ શક્યા પણ નહીં.

તમને બીજાઓનાં કામ, બીજાઓનાં જીવન આકર્ષક લાગ્યાં ત્યારે તમે વિચાર્યું પણ નહીં એ લોકોને પણ તમારું કામ, તમારું જીવન જોઈને ઈર્ષ્યા આવતી હોય એવું બને. ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ રીતે આ ડાયલેમાનો ઉકેલ આપ્યો છે: સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: અહીં ધર્મ એટલે રિલિજિયન નહીં પણ ધર્મ એટલે જીવનનો હેતુ, જીવનની નીતિરીતિ, જીવનનું લક્ષ્ય. પોતાનો ધર્મ નિભાવતાં આવેલું મૃત્યુ પણ આવકાર્ય છે અર્થાત્ એવું કરવાથી જીવનમાં જે કંઈ અગવડો - અડચણો આવે, કોઈ ફિકર નહીં કરવાની, બહુ બહુ તો શું અંજામ આવશે? મૃત્યુ ને? ભલે. પણ બીજાના ધર્મને અનુસરવાની, બીજાના જેવા બનવા જવાની મૂર્ખામી કરવાથી ઘણો ભયાનક અંજામ આવશે, જીવતે જીવ તમે મડદા જેવા બની જવાના.

રજનીશ કહે છે: ‘કુદરતે પૈસાનો કોઈ વિચાર કર્યો જ નથી. કર્યો હોત તો પૈસા ઝાડ પર ન ઉગતા હોત? પૈસો માણસના ભેજાની પેદાશ છે - ઉપયોગી છે, પરંતુ ડેન્જરસ પણ છે. તમે કોઈ ખૂબ પૈસાદારને જુઓ છો અને તમને લાગે છે કે

કદાચ પૈસાથી આનંદ મળે છે, એ ભાઈ પોતે કેટલો ખુશ દેખાય છે, તો દોડો પૈસા પાછળ. તમને કોઈ તંદુરસ્ત માણસ દેખાય છે, દોડો તંદુરસ્તી પાછળ. તમને કોઈ બીજું કંઈક કરતું દેખાય છે અને એનાથી એ સંતુષ્ટ હોય એવું લાગે છે, દોડો બીજું કંઈક કરવા પાછળ?

આ સમાજ રચાયો છે જ એ રીતે જેમાં વ્યક્તિનું મહત્ત્વ ઓગળી જાય. વ્યક્તિમાં રહેલું આગવાપણું ભૂંસાઈ જાય એની ઈન્ડિવિજ્યુઆલિટી નષ્ટ પામે. એટલે કોઈ તમને તમે જે છો એવા રહેવા દેવા માટે પ્રોત્સાહન નહીં આપે. સમાજ, તમારી આસપાસની વ્યક્તિઓ, કુટુંબીઓ, મિત્રો, પરિચિતો - આ બધા જ તમને તમારું પોટેન્શ્યલ એક્સપ્લોર કરવાના તમારા પ્રયત્નોમાં સાથ નહીં આપે. રજનીશ તમને સાથ આપશે. આવતી કાલે.



અમિતાભ બચ્ચન અને સમરસેટ મૉમ જેટલા પૈસા અને પ્રસિદ્ધિ મળ્યા પછી શું?
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રજનીશજીની આંગળી પકડીને પૈસો અને પ્રસિદ્ધિની વાત ચાલી રહી છે. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિના વિરોધી નથી. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિની તરફદારી પણ નથી કરતા. રજનીશ કહે છે કે જે થાય છે તેને આપમેળે થવા દો. સ્પૃહા રાખ્યા વિના તમે તમારું કામ કરો - જે થવાનું હશે તે થશે. આ વાત તો ગીતાએ પણ કહી. કર્મણ્યે વાધિકારસ્તે દ્વારા.

રજનીશ એક સ્ટેપ આગળ જાય છે. કહે છે કે કંઈક બનવાની, કંઈક થવાની ઈચ્છા હંમેશાં નિરાશામાં જ પરિણમે છે. તમને થશે કે પૈસાદાર બનવાની કે પ્રસિદ્ધ થવાની ઈચ્છા ફળીભૂત થાય તો વળી નિરાશા કેવી?

ધીરજ રાખીએ. આ લાંબી દાઢીવાળો બાવો છુપો રુસ્તમ છે અને મારા તમારા કરતાં ઘણું ડહાપણ છે એનામાં. તમે સફળ બનવા માગો છો અને બાય ચાન્સ બની પણ ગયા તોય તમે ધરાવાના નથી. એક વખત બૅન્કમાં એક કરોડ આવી ગયા પછી તમને બીજા એક કરોડની ઈચ્છા થવાની છે. થવાની જ છે. તમારો પોતાનો જ દાખલો તમારી સામે છે. ચાલીમાં રહેતા હતા ત્યારે એક બેડરૂમના ફ્લૅટની ઈચ્છા હતી. એ મળી ગયા પછી બાજુવાળાનો ફ્લૅટ પણ ખરીદી લઈએ તો કાયમની નિરાંત એવું વિચાર્યું હતું. એ પણ લેવાઈ ગયો અને હવે કોઈ સારા એરિયામાં જઈને રહીએ. જેથી બાળકોને સારી સ્કૂલમાં મૂકીએ, અડોશપડોશ બહેતર હોય. માની લો કે તમે બચ્ચનની બાજુના જ મકાનમાં રહેવા આવી ગયા તો એ જ મકાનના ડુપ્લેક્સની ઈચ્છા થતી રહેવાની. ડુપ્લેક્સ પણ થઈ ગયો તો એની અગાસીમાંથી દેખાતા બચ્ચનના બંગલા જેવું ઘર સપનામાં આવ્યા કરશે. અને ભગવાનના આશિર્વાદથી બચ્ચને એ બંગલો તમને વેચી પણ દીધો તો એના માસ્ટર બેડરૂમમાં સૂતાં સૂતાં એટલે કે આખી રાત જાગતાં જાગતાં તમે વિચાર્યા કરશો કે આજે તમારી પાસે ગાડીઓ છે, બંગલો પણ બચ્ચન જેવી લોકપ્રિયતા નથી, પ્રસિદ્ધિ નથી. બંગલાના ઉપલા માળની બાલકનીમાં ઊભેલા અગાઉના માલિકનાં દસ મિનિટ માટે દર્શન કરવા રવિવારે સેંકડોની ભીડ જમા થતી. તમે કલાકો સુધી તમારી બાલકનીમાં ધામા નાખીને પડ્યા રહો છો તોય કોઈ કૂતરુંય તમને પૂછવા નથી આવતું. જિંદગી ધૂણધાણી થઈ ગઈ ને. ઈચ્છાઓ પૂરી થાય છે, થતી જ રહે છે છતાં સંતોષ નામની ચીજ તમારા હાથમાં ક્યારેય નથી આવતી.

માટે જ રજનીશ કહે છે કે સફળતાની ઈચ્છા રાખ્યા પછી તમે સફળ થયા પણ, તોય તમારી એ સફળતા નિષ્ફળતા બરાબર છે. અને જે સફળતાથી તમે ધરાવાના ન હો એ સફળતા તમારા માટે શું કામની?

રજનીશ કહે છે કે તમે જે છો એ જ રહો, બીજા કોઈ બનવાની કોશિશ ન કરો. તમે ઑર્ડિનરી આદમી છો તો એ જ રહો, એમાં જ તમારી સફળતા છે. (અહીં રજનીશ તમને તમારી પ્રતિભાઓને સામાન્ય કે સાધારણ રાખવાની સલાહ નથી આપતા. તમારા વ્યક્તિત્વને સાદું, ઑર્ડિનરી રાખવાની વાત કરે છે). સફળ એ છે જે નોબડી છે, રજનીશ કહે છે! અબ્રાહમ લિન્કન કે એડોલ્ફ બનવાની કોઈ જરૂર નથી. ઑર્ડિનરી રહો, નોબડી બનો અને જિંદગી તમારા માટે છલોછલ આનંદથી ભરાઈ જશે. બસ સીધાસાદા રહો. કોઈ મોટી મોટી વાતો નહીં, કોઈ ગૂંચવણો નહીં, આંટીઘૂંટી નહીં, કોઈ માગણી નહીં, ઈચ્છા નહીં. જે આપમેળે આવતું રહે એને સોગાદ માનીને સ્વીકારી લો અને ભરપેટ એને માણો. લાખો આવી સોગાદો આવતી રહેતી હોય છે જીવનમાં પણ સતત ઈચ્છાઓમાં અટવાતું મન એને જોયા વિના જ આગળ દોડી જતું હોય છે. સકસેસ મેળવવામાં એટલા મશગૂલ થઈ ગયા છીએ કે તમને અડકીને બેઠેલી આ બધી આનંદની અપ્સરાઓની હાજરીનું ભાન પણ થતું નથી તમને.

રજનીશ માટે ઑર્ડિનરી હોવું એટલે જ એક્સ્ટ્રાઑર્ડિનરી હોવું. પણ આપણે સૌ ઑર્ડિનરી શબ્દ સાંભળીને કતરાઈએ છીએ. હું અને ઑર્ડિનરી? બીજું કોઈ હશે, મારી આસપાસના બધા જ હશે ઑર્ડિનરી. હું તો સ્પેશ્યલ છું. આ ગાંડપણનું ભૂસું આપણા સૌના મનમાં ઠાંસી ઠાંસીને ભરેલું છે.

એક આરબ જોક રજનીશ ક્વોટ કરે છે કે એ લોકોમાં એમ કહેવાય છે અલ્લા દરેક આદમીનું સર્જન થયા પછી એના કાનમાં ખાનગીમાં કહે છે: ‘મેં તારા જેવો બીજો કોઈ મનુષ્ય બનાવ્યો નથી. તું ખાસ છે. બાકીના બધા જ સામાન્ય છે.’

ઉપરવાળો આ જોક બધાની સાથે કરતો રહે છે. દરેક જણ માનતું રહે છે કે મને તો ભગવાને કહ્યું છે કે તું સ્પેશ્યલ છે, અલગ છે, યુનિક છે, બધાથી જુદો છે.

ઑર્ડિનરી થવામાં કોઈ સ્ટ્રગલ કરવી પડતી નથી. અને બધા સંઘર્ષો સમાપ્ત થઈ ગયા પછી તમામ ઉધામા શાંત થઈ જાય છે. જિંદગીનાં પાનાં જેમ જેમ ખૂલતાં જાય તેમ એને વાંચીને એનો આનંદ મેળવતા રહો. તમારા બાળપણને માણો, યુવાનીને માણો, તમારી પાછલી ઉંમરને માણો, જિંદગીને માણો અને તો જ મૃત્યુને પણ માણી શકશો. વરસની દરેક ઋતુનો આનંદ લો. દરેક સીઝનને એનું આગવું સૌંદર્ય છે. જિંદગીના દરેક તબક્કાની એની પોતાની મઝાઓ છે. જિંદગી આખી સંઘર્ષોમાં, ઉધામા કરતાં કરતાં વિતાવી હશે તો અંતિમ ઘડીઓ કેવી હશે?

રજનીશે વિલિયમ સમરસેટ મૉમ નામના બહુ મોટા બ્રિટિશ નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર વિશેના પુસ્તકની વાત કરી છે. એમના જમાનાના એ સૌથી લોકપ્રિય અને લેખનમાંથી સૌથી વધુ કમાતા લેખક હતા. ૧૯૬૫માં ૯૧ વર્ષની ઉંમરે એ ગુજરી ગયા. સમરસેટ મૉમના ભત્રીજા રૉબિન મૉમે ‘ક્ધવર્સેશન્સ વિથ વિલી’ નામના પુસ્તકમાં લખ્યું છે:

‘એ સૌથી ફેમસ ઑથર હતા અને સૌથી દુ:ખી પણ. એક વખત, ૯૧ની ઉંમરે એમણે મને કહ્યું હતું કે હવે હું મરી જવાનો. મને મરવાનું ગમતું નથી...’

ભત્રીજાએ પૂછ્યું કે, ‘તમારી સૌથી સુખી સ્મૃતિઓ કઈ?’ ત્યારે સમરસેટકાકાએ કહ્યું: ‘કોઈ નહીં. જિંદગીને એક ક્ષણની પણ સુખદ સ્મૃતિ નથી.’ ભત્રીજો લખે છે કે મેં એમના ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી. મોંઘું ફર્નિચર, સુંદર પેઈન્ટિંગ્સ, કળાની અદ્ભુત ચીજવસ્તુઓ. એમનો એ બંગલો પણ કેવો ભવ્ય અને રમણીય હતો. મોટો બગીચો, મેડિટરેનિયન સમુદ્રના કિનારે, છ લાખ પાઉન્ડની કિંમત, તહેનાતમાં અગિયાર-અગિયાર નોકરોનો તો સ્ટાફ હતો. છતાં એ હૅપિ નહોતા.

‘આમાંથી એક ટેબલ પણ હું મારી સાથે લઈ શકવાનો નથી’, સમરસેટ મૉમ બોલ્યા હતા, ‘મારી આખી જિંદગી નિષ્ફળ ગઈ. મારે એક શબ્દ લખવો જોઈતો નહોતો. શું મળ્યું મને એમાંથી? જિંદગીમાં મને નિષ્ફળતા સિવાય કશું નથી મળ્યું પણ હવે શું થાય? કશું પણ બદલવા જેટલો સમય ક્યાં બચ્યો છે?’

સમરસેટ મૉમને જિંદગી નિષ્ફળ લાગી કારણ કે એમની પાસે બધું જ હતું, સંતોષ નહોતો. એ સંતોષ જે પૈસાથી નથી મળતો, એ સંતોષ જે પ્રસિદ્ધિથી નથી મળતો. કાલે પૂરું કરીએ. 


શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રજનીશ સમજાવે છે કે તમારી પાસે પૈસા નથી, તમે કંગાળ છો તો તમે શાપિત છો, ડગલે ને પગલે તમે હડધૂત થવાના, તમારી આખી જિંદગી પૈસા મેળવવામાં ખર્ચાઈ જવાની.

તમારી પાસે પૈસા હોય તો એનાથી આ પાયાની મુસીબત બદલાતી નથી, તમે વધુ પૈસો કમાવવા, હજુ વધુ પૈસો મેળવવા આખી જિંદગી ખર્ચી નાખવાના અને જ્યારે ખૂબ બધો પૈસો તમારી પાસે આવી જશે ત્યારે તમે ગિલ્ટી ફીલ કરતા થઈ જશો. કારણ કે તમને ખબર છે કે તમે આ પૈસો કેવી રીતે ભેગો કર્યો છે- લુચ્ચાઈથી, બેરહમ બનીને, ગંદી રીતે. લોકોનું લોહી ચૂસીને એ પૈસો તમે મેળવ્યો છે. એટલે હવે તમારી પાસે ખૂબ બધો પૈસો છે પણ તમને એ પૈસો યાદ કરાવે છે કે તમે કેવા કેવા ગુનાઓ કરીને એ પ્રાપ્ત કર્યો છે.

આવા પૈસાને કારણે બે પ્રકારના લોકો પેદા થાય છે. એક પ્રકારના લોકો ગિલ્ટ દૂર કરવા માટે દાન-ધર્માદા કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે હવે મારે ‘સમાજ માટે કંઈક કરી છૂટવું’ જોઈએ. તમારી આ હૉસ્પિટલો, સ્કૂલો બધું અપરાધભાવથી પીડાતા લોકોના પૈસાથી બનેલું છે. તમારી આ ગિલ્ટનો પૂરેપૂરો લાભ ધર્મનો ધંધો કરનારાઓ ઉઠાવે છે. તેઓ તમારી ગિલ્ટનો ફાયદો ઉઠાવે છે એટલું જ નહીં તમારા અહમ્ને પણ પોષે છે - તમે ખૂબ સુંદર ધાર્મિક- આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છો એવું કહીને તમારા ઈગોને પંપાળે છે. તમારા એ દાનધર્માદાને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકો માત્ર ગુનેગારોને સારા શબ્દોમાં આશ્ર્વાસન આપતા હોય છે.

ચિક્કાર પૈસો મેળવનારા બીજા પ્રકારના લોકો એવા છે જેઓ એટલી ગિલ્ટ અનુભવતા થઈ જાય છે કે કાં તો તેઓ પાગલ થઈ જાય છે, કાં આત્મહત્યા કરી બેસે છે. એ લોકોને પોતાના જ અસ્તિત્વનો ભાર લાગવા માંડે છે. પૈસાથી પાગલ થઈ ગયેલા લોકો છકી જાય છે. પૈસાના તોરમાં તેઓ ન કરવાનું કરી બેસે છે. એમની જિંદગી પાટા પરથી ખડી પડે છે. શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે. બુદ્ધ જો ઝૂંપડીમાં રહેતા હશે તો એ ઝૂંપડી પણ એમના માટે મહેલ હશે અને જો એ મહેલમાં રહેતા હશે તો દુનિયાના બીજા કોઈ પણ આદમી કરતાં મહેલને એ વધારે માણી શકવાના. જે માણસ ઝૂંપડીને માણી શકતો હોય એ મહેલનો આનંદ તો કેટલો બધો માણી શકવાનો.

જિંદગી જીવવી જોઈએ ભરપૂર રીતે. શ્રીમંતાઈ અંદરની જાગૃતિથી આવે છે. તમે ખૂબ ગરીબ હો છતાં બહારથી તમારી પાસે ઘણો પૈસો હોય, મોટું બૅન્ક બૅલેન્સ હોય એ શક્ય છે, પણ તમારી એ લાઈફ કૂતરા જેવી જિંદગી હોવાની.

રજનીશ કહે છે કે હું એવા કેટલાય પૈસાદારોને ઓળખું છું જેમની પાસે ચિક્કાર પૈસો હોવા છતાં એ લોકો એ પૈસાને માણી શકતા નથી, જિંદગીનું સૌંદર્ય જોઈ શકતા નથી. પૈસો આવી ગયા પછી તમારે વધુ ભૌતિક સગવડો ઊભી કરવાની નથી. તમારે વધારે સંવેદનશીલ બનવાનું છે. જેથી તમારી આસપાસના જગતનો તમે આનંદ માણી શકો.

રજનીશ કહે છે કે હું ગરીબીનો વિરોધી છું, પૈસાનો તરફદાર છું. ગરીબ બનવાની કોઈ જરૂર નથી. આપણે જો ગરીબ હોઈએ તો એ માટે જવાબદાર આપણે પોતે જ છીએ. પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી, પણ પૈસાથી હાલાકીઓ અને મજબૂરીઓ ચોક્કસ હળવી બનાવી શકાય છે અને એટલે જ હું પૈસાનો વિરોધી નથી. અગવડોવાળી મજબૂરીઓ કરતાં સગવડોવાળી મજબૂરીઓ લાખ દરજ્જે સારી. હું પોતે ગરીબીમાં રહ્યો છું, હું શ્રીમંત જિંદગી પણ જીવ્યો છું અને તમને કહું છું કે ગરીબાઈ કરતાં શ્રીમંતાઈ લાખ દરજ્જે સારી છે. હું ઈચ્છું છું કે તમે સૌ ખૂબ શ્રીમંત બનો, માત્ર પૈસાથી જ નહીં, દરેક રીતે- મનથી પણ શ્રીમંત બનો.

પૈસાથી પ્રેમ મળતો નથી, પૈસાથી ખરી દોસ્તી પણ મળતી નથી, પણ જેમને પૈસો જોઈએ છે એ લોકો આવું કશું વિચારતા નથી. પૈસો મેળવતી વખતે કે પૈસો આવી ગયા પછી માણસે સમજવું જોઈએ કે દુનિયામાં કેટલીક ચીજો ખરીદી કે વેચી શકાતી નથી. કેટલીક વસ્તુઓ પૈસાથી પર છે. રજનીશ કહે છે કે યાદ રાખો, હું પૈસાનો વિરોધી નથી, પણ હું તમને એનાથી પર લઈ જવાની કોશિશ કરી રહ્યો છું. પૈસો તમારી જિંદગીમાં હોય કે ન હોય - એ બેઉ પરિસ્થિતિમાં તમે એકસરખા આનંદથી જીવી શકો એમ છો એ સમજાવવાની કોશિશ કરું છું. એ માટે કઈ કઈ પૂર્વશરતો હોય છે તે કહેતો રહું છું તમને.

રજનીશની વાતો ઘણાને ડબલ સ્ટાન્ડર્ડવાળી લાગતી હોય છે. કારણ કે આવું માનનારાઓ પોતે આખી જિંદગી ડબલ સ્ટાન્ડર્ડ્સથી જીવ્યા હોય છે. રજનીશની વાતો કોઈ બાબા-ગુરુની વાત નથી જેનો આંધળો સ્વીકાર કરવાનો હોય, જેની સામે કોઈ દલીલ ન કરવાની હોય. રજનીશ પ્રખર ચિંતક છે, મૌલિક વિચારક છે. આજે, ૨૦૧૩ની સાલમાં, પણ રજનીશના વિચારો તમને ક્રાંતિકારી લાગે છે. કારણ કે સમાજની માનસિકતા હજુય એવી ને એવી જ છે, આપણી પોતાની માનસિકતા પણ ખાસ કંઈ બદલાઈ નથી.

રજનીશ કહેવા માગે છે કે સલામતીની શોધમાં ભટક્યા કરવું ફોગટ છે. માણસ શું કામ વધારે ને વધારે કમાવા માગે છે? જેથી એને પૈસાની જરૂર ન રહે, એની લાઈફ સિક્યોર્ડ થઈ જાય, એનાં સંતાનો ભૂખ્યાં ન રહે, એણે પોતે સાજેમાંદે કોઈની આગળ હાથ લંબાવવો ન પડે. રજનીશ કહે છે કે જિંદગીનું બીજું નામ જ અસલામતી છે. મૃત્યુ આવે જ નહીં એવો કોઈ વીમો છે? એ તો આવવાનું જ. વીમાની ડઝનબંધ પૉલિસીઓ તમારી પાસે હશે છતાંય એ તો આવવાનું જ. અને લાઈફને તમે જેટલી સેફ, જેટલી સિક્યોર્ડ કરવાની કોશિશ કરશો એટલી એ વધારે શુષ્ક, વધારે ઉજ્જડ બનતી જશે.

અસલામતી તમને સતત જાગૃત રહેવા માટે મજબૂર કરે છે. દરેક પ્રકારનાં જોખમ સામે તમને સાવચેત રાખે છે. જિંદગી પૈસાવાળાની હોય કે ગરીબની - કોઈની પણ જિંદગી ખાંડાની ધાર પર ચાલવા જેવી હોય છે. સલામતીભરી જિંદગી જોખમી બની જાય છે કારણ કે તમે ખાંડાની ધાર પર ચાલતી વખતે સાવધ નથી રહેતા, જાગ્રત નથી રહેતા. હકીકત તો એ છે કે જાગ્રત નહીં રહેવા માટે, સાવધ નહીં રહેવા માટે તમે સલામત અને સુરક્ષિત જિંદગી મેળવવા માગો છો.

હજારો ઉપદેશકો કે ધાર્મિક પ્રવચનકારોથી રજનીશ જુદા એટલા માટે છે કે રજનીશ તમને ડરાવતા નથી, તમારામાં ગિલ્ટ ઊભી નથી કરતા. રજનીશની જિંદગીને, એમના વિચારોને તમે કોઈ પણ ઊભા રહીને જોઈ શકો છો. મા શીલા આનંદના ખૂણે ઊભા રહીને જુઓ તો તમને ૮૫ રોલ્સ રોયસ અને સો કીંમતી, રત્નજડિત ઘડિયાળોવાળા રજનીશ દેખાશે, ભૌતિક સુખસગવડોથી ઘેરાયેલા, સુંદર સ્રીઓના સહવાસમાં રહેતા રજનીશ દેખાશે.

એની સામેના છેડેથી જોશો તો જેમની લાઈબ્રેરીમાં ૯૦,૦૦૦ પુસ્તકો હતાં, એ દરેકને વાંચીને અંડરલાઈન કરીને, છેલ્લે પૂરું કર્યા પછી હસ્તાક્ષર કરીને રાખતા, એ રજનીશ છે. વીસમી સદીના ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ જેમનો જોટો ન મળે એવી મૌલિક વિચારધારાવાળા મહાપુરુષ છે જે સાઠ વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવીને સદીઓ સુધી ચાલે એવું ચિંતન આપતા ગયા એવા રજનીશ છે. ચૉઈસ તમારી છે, તમારે કયા રજનીશને મળવું છે. જે રજનીશને તમારે મળવું હોય તેને મળો- ફાયદો કે નુકસાન, તમારું જ છે. 


મારી  નોંધ : રજનીશ ગમે તેવી ડાહી વાત કરે પણ માં શિલા એ  જે ભાંડો ફોડ્યો છે તે રજનીશના આચાર અને વિચાર જુદાહતા તે ચોક્કસ પણે  લાગે છે . જે વસ્તુની વાત તેઓ કરે છે તે વસ્તુ તેઓ પોતે અમલમાં નથી મૂકી શકતા તેનો અર્થ એમજ છે કે આ વાત કહેવી  સહેલી છે પણ કરવી મુશ્કેલ છે . વાંચવા માટે સારી પણ અનુભવાય તેવી નથી . કહેનારા એમ પણ કહે છે કે સંતોષ એટલે પ્રગતિની પૂર્ણાહુતી . મારે પ્રગતિ પણ કરવી છે અને સંતોષ પણ રાખવો છે તે વાત એક સાથે સંભવી શકશે નહિ મહાવીર પ્રભુના ઉપદેશ માં જે આવે છે કે દરેક વસ્તુનો વિવેક રાખવો તે અત્રે પણ લાગુ પડે છે .

No comments:

Post a Comment