Monday, May 6, 2013

પરફૅક્શન - સૌરભ શાહ

સૌરભ શાહ

પરફેક્ટ કશું જ નથી આ દુનિયામાં અને એ જ સારું છે

હવાહવાઈ શ્રીદેવી થોડા મહિનામાં પચાસની થશે. ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’માં આ ઉંમરે પણ ભવ્ય કામ કરનારી શ્રીદેવીએ એક ડાયેટ-બુકનું લૉન્ચિંગ કરતી વખતે કહ્યું કે, ‘ઝીરો ફિગર ફૅશન મૉડેલ માટે ઠીક છે બાકી રિયલ લાઈફમાં એવું ફિગર મેઈન્ટેઈન કરવું બહુ અઘરું છે. જે કરી શકતું હોય એને સલામ.’

અને દૂરથી જ પ્રણામ. પરફેક્ટ ફિગર કે પરફેક્ટ બૉડી સ્ત્રીપુરુષ માટે અશક્ય છે. ફિલ્મો કે ફોટાઓમાં જે દેખાય તે કામચલાઉ ઘણી મહેનત કરીને કૃત્રિમ રીતે ઠીકઠાક કરેલું શરીર હોય છે. ઉપરથી મેકઅપ, લાઈટ્સ, કૅમેરા ઍન્ગલ અને હવે તો વળી કૉમ્પ્યુટર પર ફોટોશૉપની કમાલો ઉમેરાય છે. આદર્શ શરીર એ છે જે તંદુરસ્ત હોય. આઈડિયલ વેઈટ એ છે જેમાં તમે બેડોળ ન દેખાતા હો. પરફેક્ટ બૉડી એક મિથ છે, કવિકલ્પના છે. સુદૃઢતા એટલે સિક્સ-પૅક નહીં. સુદૃઢતા એટલે લમ્પ હોય કે લૅન્કી, પણ મજબૂત અને નિરોગી શરીર. સારું ફિગર એટલે છત્રીસચોવીસ-છત્રીસ નહીં પણ સ્ફુર્તિથી હરી ફરી કે કામ કરી શકાય એવું ફિગર.

પણ પરફૅક્શનનું ગાણું એટલું બધું ગવાઈને આપણા મનમાં ઘૂસી ગયું હોય છે કે ટીવી પરની ઍડમાં કોઈ મૉડેલ જોઈ નથી અને હજુ બે કિલો ઘટાડવું પડશે એવું લાગ્યું નથી.

પરફૅક્શનનું આ ગાણું જેઓને પોતાનો માલ વેચવો છે તેઓ ગાય છે. એમાં ડાયેટ બુક્સવાળાઓથી માંડીને ચહેરાનો નિખાર વધારનારાં સૌંદર્ય પ્રસાધનો વેચવાવાળા સુધીનાં સૌ કોઈ આવી ગયા. કરોડો રૂપિયાની ઈન્ડસ્ટ્રી છે આ તો.

એક વાત સમજી લઈએ. જ્યાં જ્યાં પરફૅક્શનના પ્રચારો છે ત્યાં ત્યાં વેસ્ટેડ ઈન્ટરેસ્ટ પડદા પાછળ છુપાયેલા છે. ઉપદેશકો અને બાબાગુરુઓ તમને સદ્ગુણી બનવાનું કહેતા રહે છે. એમને પણ ખબર છે કે એમનાં ચરણસ્પર્શ કરનારાઓમાંનો એકેય કાળા માથાવાળો જીવ કામ, ક્રોધ, લોભ, મોહથી હન્ડ્રેડ પર્સેન્ટ મુક્તિ મેળવી શકવાનો નથી અને મુક્તિ નહીં મેળવી શકે એટલે આઉટ ઑફ ગિલ્ટ એ નેક્સ્ટ ટાઈમ ચરણસ્પર્શને બદલે સીધા દંડવત્ જ કરશે અને ગયા વખત કરતાં બમણી મોટી ભેટ મૂકતો જશે. સાધુમહારાજોના ઉપદેશમાંથી લાઈફના પરફેક્શનની વાતો બાદ થઈ જાય તો એમનો અડધો ધંધો ઓછો થઈ જાય.

લાઈફમાં પરફેક્ટ કશું જ હોતું નથી, જે હોય છે તે કુદરતી હોય છે. કાં તો કુદરત આપણી સાથે નાનું મોટું સમાધાન કરીને એડજસ્ટ થઈ જાય છે કાં આપણે ઉન્નીસબીસ ચલાવીને કુદરત સાથે એડજસ્ટ થઈ જવાનું હોય છે.

પરફેક્ટ કુટુંબ ક્યારેય રિયલ લાઈફમાં જોયું છે તમે? મા વાત્સલ્યમૂર્તિ હોય, પિતા વડલાની છાયા હોય, મોટો ભાઈ રામ અને નાનો લક્ષ્મણ હોય, નોકર સુદ્ધાં આજ્ઞાંકિત અને ડ્રાઈવર પણ હસમુખો હોય. શક્ય જ નથી. એવું કુટુંબ જો તમને કદાચ ક્યાંક દેખાય તો તરત જ તમે ત્યાંથી બહાર નીકળી જજો કારણ કે એ ‘હમ આપ કે હૈં કૌન’ જેવી ફિલ્મનો સેટ હશે અને તમારે કારણે શૂટિંગ ખોરવાઈ જશે.

પરફેક્ટ ઘર પણ એક મિથ છે
. લિસ્સાં પાનાંવાળાં મૅગેઝિનોમાં ઈન્ટિરિયર ડેકોરેશનવાળાઓ તમને જે ડ્રીમ હાઉસીઝ દેખાડે છે તે ભલે ફિલ્મી સેટ ના હોય, રિયલ હોય, પણ એવાં ઘરોમાં રહેવાનું સપનું સાકાર પણ થાય તો તમારું ગજું નથી એને મેઈન્ટેન કરવાનું. છ જ મહિનામાં એ ઘર, અત્યારે તમારું જેવું ઘર છે એવું બની જવાનું અને તમારો મોહભંગ થઈ જવાનો.

પરફેક્ટ સંતાનો પણ નથી હોતાં. બેબી પ્રોડક્ટસની એડમાં દેખાતાં હસતાં રમતાં બાળકો કેટલાંને ત્યાં હોય છે. નાનું બાળક છે. તમે ઊંઘો ત્યારે એ જાગે, એને ઊંઘવું હોય ત્યારે તમારે જાગીને કામે લાગવાનો ટાઈમ થઈ ગયો હોય. એની ભૂખ-તરસ-કુદરતી હાજતો. મહિનાઓ સુધી ચોવીસ કલાક એની તહેનાતમાં રહ્યા હો તો ખબર પડે કે ત્રીસ સેક્ધડની ઍડમાં દેખાતાં બાળકો અને તમારાં સંતાનોમાં ઘણો ફરક છે.

એવો ફરક જે તમારી પર્સનલ લાઈફ અને પિક્ચરો-નવલકથાઓમાં દેખાતી-વંચાતી પર્સનલ લાઈફ વચ્ચે છે. પરફેક્ટ કપલ, એક દુજે કે લિયે જેવી જોડીવાળો રોમાન્સ શોધવાનો જ ના હોય કારણ કે જગત આખામાં એ ક્યાંય છે જ નહીં. રોમેન્ટિક ફિલ્મવાળાઓ કે રોમાન્સની નવલકથા લખવાવાળાઓ તમને પરફૅક્શનનાં સપનાં વેચીને પોતાની રોજીરોટી ચલાવે છે. એ બધી વાતોનું આયુષ્ય ગેસના રંગબેરંગી ફુગ્ગા જેટલું જ હોવાનું એવું જેઓ સમજતા નથી તેઓ પસ્તાય છે, દુખી થાય છે, સામેવાળાને દુખી કરે છે.

જિંદગીમાં બસ આટલું ગોઠવાઈ જાય પછી કોઈ જ ચિંતા નથી એવું અત્યાર સુધીની લાઈફમાં તમે કેટલી વાર વિચાર્યું? અને દર વખતે એટલું ગોઠવાઈ ગયા પછી તમારી લાઈફ પરફેક્ટ બની? ના જ બને. જિંદગી કોઈ ફેક્ટરીમેડ માલ નથી અને નથી એ જ સારું છે. એવી પરફેક્ટ લાઈફના એકધારાપણાથી કંટાળીને તમે ક્યારનો આપઘાત કરી નાખ્યો હોત.

પરફૅક્શનની સૌથી મોટી પળોજણ આરોગ્યની બાબતમાં રહેવાની. તમારી સેહત ટિપટૉપ કન્ડિશનમાં હોવી જોઈએ એવો આગ્રહ કોણ રાખે છે? તમે? ના. તમારા કરતાં વધારે એવો આગ્રહ એ લોકોનો હોય છે જેમને એમાંથી કમાણી થવાની હોય છે.

અમારા એક વડીલને મેં એક વખત હસતાં હસતાં કહ્યું હતું કે તમારી જૂની કાર આટઆટલી વખત અથડાઈ, એના પર ગોબા પડ્યા, કલર ઝાંખો થઈ ગયો છતાં સરસ કામ આપે છે અને તમે પણ એની કામગીરીથી ખુશ છો; એવી જ રીતે તમારા શરીરમાં આ ઉંમરે હવે બેચાર આધિવ્યાધિઉપાધિ પ્રવેશ્યાં હોય તો લાંબી ચિંતા શું કામ કરો છો? તમારું શરીર તમને બીજી બધી જ રીતે કેટલો સરસ સાથ આપી રહ્યું છે.

પણ આપણા મનમાં ઘર કરી ગયું છે કે શરીરમાં ક્યાંય નખમાંય રોગ ના જોઈએ. કોઈકનું શરીર એવું હોય તો અમારાં અભિનંદન એમને. પણ અમે તો માનીએ છીએ કે ખુદ બાબા રામદેવનેય શરીરસંબંધ ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ હોવાના. આરોગ્યની બાબતમાં જો શરીરને હન્ડ્રેડ પર્સેન્ટ પરફૅક્શન આપી શકાતું હોત તો દુનિયાના બધા દાક્તરસાહેબો ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા હોત.

પરફૅક્શન શબ્દનું હાથવગું ગુજરાતી રૂપાંતર આ વાતના સંદર્ભમાં પૂર્ણ કરીએ તો અપૂર્ણ હોવામાં કોઈ જ વાંધો નથી, કોઈ સંકોચ નથી. અંબાણીના જીવનમાં જે સુખ હશે એની કલ્પના કરીને તમે તમારા જીવનમાં એવું સુખ નથી એમ વિચારતા હો તો સાથે સાથે એ પણ વિચારજો કે એમની જિંદગીમાં જે દુખ હશે એમાંનાં કેટલાંય તમારી જિંદગીમાં નથી. ન તો તમારી જિંદગી પરફેક્ટ છે, ન એમની. અને એ જ સારું છે. પૂર્ણ બન્યા પછી જીવનમાં કોઈ લક્ષ્ય બાકી ન રહે અને ખાલીપો વર્તાય એના કરતાં બહેતર છે કે અધૂરા રહીને, છલકાયા વિનાનું જીવન જીવતાં રહીએ. કવિમિત્રો કહેતા હોય છે એમ અધૂરપમાં મધુરપ છે. કવિ ભગવતીકુમાર શર્માનો શેર છે: થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી / તો ફરિશ્તાઓના ટોળાથી માણસ અલગ પડે.

તેરમી ઑગસ્ટને તો હજુ વાર છે પણ શ્રીદેવીને એડવાન્સમાં હૅપી બર્થડે. જિંદગીનો બહુ મોટો પાઠ શીખવાડી દીધો અમારી ‘ચાંદની’એ. 



No comments:

Post a Comment