Wednesday, April 3, 2013

સ્વાર્થ, લોભ અને લાલસા વહાલાંઓને વેરી બનાવે છે - મહેન્દ્ર પુનાતર

સ્વાર્થ, લોભ અને લાલસા વહાલાંઓને વેરી બનાવે છે
માણસ એક એક તણખલું ભેગું કરીને સુખનો માળો બાંધે છે અને પાછળથી સંતાનો માલમિલકત માટે ઉલ્કાપાત સર્જે છે અને દુશ્મનો ન કરે એવા એકબીજાના હાલ કરે છે ત્યારે એમ થાય છે કે આ માણસ કશું મૂકી ન ગયો હોત તો સારું થાત. જે ધનસંપત્તિ પરિવારને સુખી ન કરી શકે તે શા કામની?

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જન્મની સાથે મૃત્યુ નિશ્ર્ચિત છે. એક રીતે કહીએ તો તે ઘણું અનિશ્ર્ચિત પણ છે. ક્યારે આવવાનું છે તેની કોઈને ખબર પડતી નથી. એટલે તો આપણે એવી રીતે જીવીએ છીએ કે મૃત્યુ જાણે કદાપિ આવવાનું ન હોય. જીવન આ રીતે ઝિંદાદિલથી જીવીએ એમાં કશો વાંધો નથી. જીવનની આવી મસ્તી હોવી જોઈએ, પણ સાથે સાથે વાસ્તવિકતાને પણ નજરમાં રાખવી જોઈએ. અચાનક ભગવાનનું તેડું આવે તો પરિવારના સુખચેનનું શું? એવો ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. માણસ કશી ચોખવટ અને વ્યવસ્થા કરી જતો નથી એટલે પાછળથી પરિવારમાં યાદવાસ્થળી રચાય છે. ઘરના મુખ્ય માણસની ચિરવિદાયથી કુટુંબ તૂટી પડે છે. પૈસા અને માલમિલકત માટે મહાભારત સર્જાય છે. માણસ જિંદગીભર બધું પોતાના હાથમાં રાખીને બેઠો હોય અને અંત સમયે બે શબ્દો પણ ન બોલાય ત્યારે મનની મનમાં રહી જાય છે. ચોપડાના હિસાબકિતાબ કદાચ સમજાય પણ ઉપરનો બધો વહેવાર અને લેવડદેવડમાં કશી સમજણ પડે નહીં. લેણદારો આવી જાય, પરંતુ જેની પાસેથી લેવાનું હોય તે ફરકે નહીં. કુટુંબને આ અંગે કશી ખબર ન હોય એટલે બધું ગુમાવવાનું રહે. આ થઈ બહારની વાત, પરંતુ અંદરની વાત તો એથી વધુ વિષમ છે. વેપાર-ધંધા, સંપત્તિ અને રોકડ અંગે કશી સ્પષ્ટ ચોખવટ ન હોય એટલે ભાઈઓ અને પરિવારના સભ્યો વચ્ચે વિખવાદ ઊભો થાય છે અને વહાલાઓ વેરી બને છે. પરિવારમાં પત્ની અને નાનાં બાળકો હોય ત્યારે નાણાંનો વહીવટ બીજાના હાથમાં ચાલ્યો જાય છે અને નજીકના લોકો મજબૂરીનો લાભ ઊઠાવે છે.

સ્વજનનું મૃત્યુ માણસને હતાશ કરે છે. જેટલો નજીકનો સંબંધ એટલી દુ:ખની માત્રા વધુ. દુ:ખ, શોક અને સંતાપના દિવસો ધીરે ધીરે પસાર થાય, જનારની સ્મૃતિઓ જરા આઘી ઠેલાતી જાય, મિત્રો અને સગાંવહાલાંઓ ધીમે ધીમે વિખેરાય આ પછી શરૂ થાય છે કડવી સ્વાર્થની ભાવનાનો દોર. હિસાબ-કિતાબ, બેન્ક બેલેન્સ, મિલકતની વહેંચણી, હુંસાતુંસી, ખેંચાખેંચી, વિવાદ, ઝઘડા અને કેટલીક વખત લાકડીઓ ઊડે છે. મરી ગયેલો માણસ સાવ ભુલાઈ જાય છે. તેણે સખત મહેનત કરીને, પાઈપાઈ બચાવીને, કરકસર કરીને ભેગી કરેલી મિલકત માટે તેના વારસદારો એકબીજાના દુશ્મનો ન કરે તેવા હાલ કરે છે. મિલકતોના ઝઘડામાં કોઈપણ કુટુંબ બાકાત રહેતું નથી. જેટલું વધુ તેટલી વધુ ખેંચતાણ. મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને શ્રીમંત કુટુંબો આ રીતે તૂટી ગયાં છે. લોભ, સ્વાર્થ અને લાલસાના કારણે માણસ છેલ્લે પાટલે જઈને બેસે છે. વર્ષો સુધી કોટર્ર્માં કેસો ચાલતા રહે છે. એકબીજા વચ્ચે વૈમનસ્ય વધે છે અને જિંદગીના સારા દિવસો દુ:ખ અને વ્યથામાં ચાલ્યા જાય છે. પછી જે કાંઈ મળે છે તેનો અર્થ રહેતો નથી. થોડા માટે જિંદગીમાં ઘણું બધું ગુમાવી દેવું પડે છે. માણસને જીવવા માટે કેટલું જોઈએ? તૃષ્ણાનો કોઈ અંત નથી. સોનાના પર્વતો ખડકાઈ જાય તો પણ ઓછા લાગે.

પરિવારમાં કુટુંબના વડીલે પહેલેથી બધી બાબતોની ચોખવટ અને સ્પષ્ટતા કરી હોય તો કોઈ વિવાદ અને અસંતોષ ન રહે અને કુટુંબ છિન્નભિન્ન થતું અટકી જાય. આનો સહેલો અને સરળ ઉપાય એ છે કે માણસે પોતાની હાજરીમાં વહેંચણી અને વ્યવસ્થા કરી દેવી જોઈએ. પોતાની હાજરીમાં આ બધું કરવામાં મૂંઝવણ અનુભવાતી હોય તો વિલ કે વસિયતનામું કરી લેવું જોઈએ. વિલ બનાવવા માટે ૬૦ કે ૭૦ વર્ષની ઉંમર સુધી રાહ જોવાની જરૂર નથી. શરીર અને મન સ્વસ્થ હોય તેવી પરિસ્થિતિમાં પત્ની અને સંતાનોને યોગ્ય ન્યાય મળે એ રીતે વિલ તૈયાર કરી લેવું જોઈએ. જેટલી ચોખવટ હશે તેટલું પાછળથી સરળ રહેશે. દરેક માણસને પોતાના સંતાનો સુખેથી રહે એવી ઈચ્છા હોય છે. એટલે તો જીવનભર કાળી મજૂરી કરીને, એક એક તણખલું ભેગું કરીને તેણે સુખનો માળો બનાવ્યો હોય છે. પાછળથી આ બધું મેળવવા માટે વારસદારો ઉલ્કાપાત મચાવે ત્યારે એમ થાય કે આ માણસ કશું મૂકી ન ગયો હોત તો સારું થાત. મિલકતના ઝઘડાઓ શાંતિથી કદી પતતા નથી. તે પાછળ મૂકી જાય છે ન ભૂલી શકાય એવી યાતના અને વ્યથા. જે ધન અને સંપત્તિ પરિવારને સુખી ન કરી શકે તે શા કામની? માણસને જેમ વધુ મળે છે તેમ વધુ સ્વાર્થી બનતો જાય છે. સૌને અણહકનું ઝૂંટવી લેવું છે. ત્યાગ અને જતું કરવાની ભાવના રહી નથી. પૈસા માટે પુત્ર માતા-પિતા સામે લડવા તૈયાર થઈ જાય છે. બે-ચાર પુત્રો હોય એ બાપની મિલકત ઝૂંટવી લે છે અને માને ઓશિયાળાં બનીને રહેવું પડે છે. કોઈ માને રાખવા તૈયાર હોતું નથી. મા તેમને ભારે પડે છે અને તેમને રાખવા માટેના વારા કાઢે છે. બે-ચાર દીકરાઓ વચ્ચે મા ફંગોળાયા કરે છે. છતે પૈસે આ હાલ છે. ઘરઘરની આ રામકહાણી છે. આવા કળિયુગમાં સંતાનોની બાંધી મૂઠી લાખની રાખવા માટે પણ વ્યક્તિએ પોતાનું વસિયતનામું તૈયાર કરીને રાખવું જોઈએ.

માણસ મરણપથારીએ પડ્યો હોય ત્યારે સ્વજનો ડૉક્ટરોને ત્યાં અને વકીલને ત્યાં દોડધામ કરે છે. કાગળો પર સહીઓ અને અંગૂઠાઓ મરાવે છે. કેટલાક મોઢામાં આંગળાં નાખીને પથારીમાં પડેલા માણસને બોલાવવા પ્રયાસ કરે છે. પુત્રો પથારી ફરતે ઊભા રહી જાય છે. ‘બાપુજી, કાંઈ છેલ્લી ઈચ્છા હોય તો કહી દો, કાંઈ મનમાં રહી જતું હોય તો બોલી નાખો.’ ડચકા ભરતો બાપ કશું સમજી શકાય એવું બોલી શકતો નથી. પરાણે પરાણે ત્રુટક ત્રુટક ઉચ્ચારણો કાઢે છે. પથારી પાસે રહેલા સ્વજનો આ શબ્દોનું પોતાની રીતે અર્થઘટન કરે છે અને વિવાદ વધુ ઘેરો બને છે. છેલ્લી ઘડીએ માણસ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતો નથી. મરી રહેલા માણસને લાગે છે ઘણું કરવાનું બાકી રહી ગયું. મૃત્યુનું આ મોટું દુ:ખ છે. મૃત્યુની વાત કોઈને ગમશે નહીં. જે વસ્તુનો ભય અને ડર હોય તેનું સ્મરણ કે ઉચ્ચારણ બિલકુલ ગમે નહીં.

માણસ પોતાની હાજરીમાં શરીર અને મન સ્વસ્થ હોય ત્યારે આ બધી ચોખવટ કરી શકતો નથી. તે કોઈને નારાજ કરવા માગતો નથી. સાચું કહી શકતો નથી. પણ ધારે તો વિલ બનાવી શકે છે અને સમયાનુસાર આ વિલ બદલાવી પણ શકાય છે. માણસ, વિચાર કરે છે આપણે ક્યાં શ્રીમંત છીએ. આપણે વિલ બનાવવાની ક્યાં જરૂર છે? મોટી સંપત્તિ અને મિલકતો માટે ઝઘડા થાય છે એવું નથી. એક નાની એવી ઓરડી અને થોડા રાચરચીલા માટે પણ સંતાનો બાખડતાં હોય છે. આમાં ખંધા અને લુચ્ચા માણસો ફાવી જતા હોય છે અને સાચા હકદારને ન્યાય મળતો નથી. સ્વાર્થ અને લોભે માણસને માણસ રહેવા દીધો નથી. હવે કુટુંબની વ્યાખ્યા સંકુચિત અને સાંકડી બની ગઈ છે તેમાં પત્ની અને સંતાનો સિવાય બીજા કોઈને સ્થાન નથી. ભાઈ-બહેનો, મા-બાપ હવે દૂર હડસેલાઈ ગયાં છે. માણસે જે કાંઈ કરવું હોય તે પોતાની હાજરીમાં કરી લેવું જોઈએ. કોઈને આપવાનું કે કોઈનું ભલું કરવાનું મન થાય તો કાલ પર રાખવાનું કોઈ પ્રયોજન નથી. જીવન ક્ષણભંગુર છે તેનો કોઈ ભરોસો નથી. આજે માણસ જીવે છે. મિત્રો સાથે વાત કરે છે. હસે છે. મજા કરે છે. કાલે ન હોય તેવું પણ બની શકે છે. કાળને કોઈ જીતી શક્યું નથી. દરેક જણે પરિવારના ક્ષેમ -કુશળની અગાઉથી તૈયારી કરી રાખવી જરૂરી છે. પારિવારિક સુખ અને શાંતિ માટે આ જરૂરી છે.

આમ છતાં મૃત્યુથી ડરવાનું નથી પણ તેની પર વિજય મેળવવાનો છે. સમગ્રતયામાં જીવવાનું છે. મોજમસ્તીથી જીવવાનું છે અને સાથે સાથે જવાબદારીઓ પણ નિભાવવાની છે. માણસે વર્તમાન સાથે ચાલવાનું છે. તેમાં ભૂતકાળ અને ભવિષ્યનો વિચાર કરવાનો નથી. જે થઈ ગયું છે તે ભૂલી જવાનું છે અને જે થવાનું છે તેની કોઈને ખબર નથી તેથી નાહકની કલ્પના કરીને સુખી કે દુ:ખી થવાનું કોઈ કારણ નથી. માણસ આજે જે કરવાનું છે તે કાલ પર છોડી દે છે અને ગઈકાલ જે વીતી ગઈ છે ત્યારે જે કરવાનું હતું તે આજે કરે છે. માણસ દુ:ખી છે તેનું કારણ સમયની રફતારમાં તેની ગતિ ધીમી છે. માણસ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. ભૂતકાળની સારી-નરસી સ્મૃતિઓ પીડા આપે છે. અતીતમાં ઊંડા ઊતરવાથી કશો ફાયદો નથી. સમયની સાથે બધું બદલાય છે. માણસની કમજોરી એ છે કે તે સમયની સાથે જાગતો નથી.

માણસે પરિવારમાં પ્રેમ અને સ્નેહથી રહેવું જોઈએ અને એકબીજાને ઉપયોગી થવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેકને પોતાના માનવા અને એ રીતે વહેવાર કરવો અને સાથે સાથે માનવું કે આમાં આપણું કોઈ નથી. જીવનમાં સમસ્યાઓ રહેવાની છે. પ્રશ્ર્નો ઊભા થવાના છે. આ કોયડાઓને ઉકેલતા જઈને આનંદ માણવાનો છે. જીવનમાં એકલું સુખ નથી. ફૂલ છે તો કાંટાઓ પણ છે. અને છેલ્લે જીવન કેવી રીતે જીવવું તે અંગેની તુરાબ ‘હમદમ’ની એક રચના...

‘મોંઘું જીવન મળ્યું છે મઝેદાર જીવીએ

પળ પળ નહીં, પરંતુ લગાતાર જીવીએ

કોને ખબર છે કાલ પડે કે પડે નહીં

જિવાય એટલું તો છટાદાર જીવીએ

છાયો બનીને કોઈને ટાઢક તો આપીએ

વડલાની જેમ ચાલો ઘટાદાર જીવીએ

‘હમદમ’ આ ભેદભાવને દફનાવીએ હવે

ચાલો હળીમળીને ચિક્કાર જીવીએ.’

No comments:

Post a Comment