Tuesday, April 2, 2013

ગૅસનો ફુગ્ગો, પિસ્તાં અને બે શર્ટ - સૌરભ શાહ

ગૅસનો ફુગ્ગો, પિસ્તાં અને બે શર્ટ
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

જે દીકરાને તમે ગૅસનો ફુગ્ગો લાવી આપ્યો હોય તે દીકરો તમારી ૫૦મી કે ૬૦મી વર્ષગાંઠે તમને ગમતા કલરનાં બે મોંઘાં શર્ટ્સ ભેટ આપે છે ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હોય છે? દીકરાને નાનપણમાં તમે કંઈ પણ નાનું-મોટું રમકડું અપાવતા ત્યારે એ કેવો ખુશ થઈ જતો. તમને વહાલથી વળગી પડતો. પણ મોટો થઈને દીકરો તમારા માટે આવું કંઈ પણ કરે ત્યારે સૌથી પહેલું તમારું વાક્ય હોય છે: શું જરૂર હતી આવું બધું લાવવાની? બીજું વાક્ય હોય છે: કેટલું મોંઘું છે, કેટલો ખર્ચો કરે છે તું? આવું સાંભળીને દીકરાના ઉત્સાહ પર પાણી ન રેડાય તો શું થમ્સ અપ રેડાય?’

દસ વરસની દીકરી સામે ચાલીને કહેતી કે પપ્પા, આવતા અઠવાડિયે મારી વરસગાંઠ છે. સ્કૂલની અને બિલ્ડિંગની બધી ફ્રેન્ડ્સ આવવાની છે. તમે કેક લઈને આવજો. તમે હોંશે હોંશે દીકરીની ઈચ્છા પૂરી કરો છો. દસમી જ નહીં, અગિયારમી, બારમી, તેરમી, દીકરી પરણીને સાસરે ગઈ ત્યાં સુધીની બધી જ વરસગાંઠો ઊજવો છો.

આ દીકરી તમારી ૬૦મી કે ૭૫મી વર્ષગાંઠ ઉજવવા માટે એના ભાઈ સાથે કારસ્તાન કરીને તમને મનાવે છે. તમારા તમામ જૂના મિત્રોને યાદ કરીને યાદી બનાવે છે. સગાંવહાલાં અને પડોશીઓને એમાં ઉમેરે છે. સંગીત પાર્ટી સાથે નક્કી કરે છે. પણ પંદર દિવસ પહેલાં, આમંત્રણો મોકલવાનો વખત આવે ત્યારે તમે જાહેર કરો છો કે રહેવા દઈએ આ બધી દોડધામ. આ કંઈ ઉંમર છે વર્ષગાંઠ ઉજવવાની. નકામા ખર્ચા કરવાને બદલે આપણે પાંજરાપોળને દાન મોકલી દઈએ. પ્રોગ્રામ કૅન્સલ. સંતાનોનાં હૃદય ચીરાઈ જાય છે.

તમે સંતાનો માટે જે કંઈ કરતા તેનો એ બાળકો તરફથી જે ખિલખિલાટ પ્રતિસાદ મળતો એને કારણે તમને એમના માટે હજુ વધુ કંઈક કરવાનું મન થતું. સંતાનો મોટાં થઈને તમારા માટે જે કંઈ કરવા માગે છે તેનો તમારા તરફથી મળતો લુખ્ખો પ્રતિસાદ જોઈને, સંતાનો બે-ચાર વખત પછી, એવું કંઈ કરવાનું ટાળતા થઈ જાય છે. અને ફરિયાદ તમે કરો છો કે અમારાં બાળકો અમારા માટે કંઈ કરતા નથી.

તમને રંજ છે કે ગયા વર્ષે તમે બીમાર હતા ત્યારે તમારા દીકરાએ તમને જોવા માટે એની કલકત્તાની બિઝનેસ મીટિંગ કૅન્સલ ન કરી. દિવાળીએ તમારો દીકરો તમને ભાવતાં ખારાં પિસ્તાં લઈને આવ્યો ત્યારે માએ વહુને સંભળાવ્યું પણ ખરું કે તારા વરને બીમાર બાપની ખબર કાઢવાનો તો વખત નથી અને અત્યારે પિસ્તાં ખવડાવવા આવી પહોંચ્યો.

દિવાળીના સપરમા દહાડે રાત્રે ઘરે પાછાં જતી વખતે ગાડીમાં આ વાત સાંભળીને દીકરાની આંખમાંથી ગરમ આંસુ ટપકે છે. એને યાદ આવે છે કે એ નાનો હતો ત્યારે બધાં છોકરાંના મમ્મીપપ્પા પેરન્ટ્સ - ટીચર - મીટિંગમાં આવતાં પણ પપ્પાને કોઈ દહાડો ટાઈમ નહોતો મળતો. પોતે ક્યારેય એની ફરિયાદ નહોતી કરી. એક દિવસ પપ્પા મૂડમાં હતા. નવું કામ મળ્યું હતું, રાત્રે ઘરે આવતી વખતે દીકરા માટે બૅટરીવાળી ટ્રેન, લાંબા પાટા, પુલ અને બોગદા સાથેની, લઈને આવ્યા હતા. દીકરો ખુશ થઈ ગયો હતો. એણે પપ્પાને કહ્યું નહોતું કે કોઈ દહાડો સ્કૂલમાં પી.ટી.એ.ની મીટિંગમાં તો આવતા નથી અને આજ કશું કામ નહીં હોય અને ટાઈમ મળ્યો તો ટ્રેન ખરીદી લાવ્યા.

સંતાનોની માબાપ માટેની અને માબાપોની સંતાનો માટેની ઘણી ફરિયાદો સાચી હશે, વાજબી પણ હશે. પણ સંતાનો માબાપને ખુશ કરવા જાય ત્યારે જે માબાપ ખુશ થવાને બદલે કોઈને કોઈ વાંધાવચકા કાઢતા હોય ત્યારે એમને કોઈ હક્ક નથી હોતો કે મારાં બાળકો મારા માટે કંઈ કરતા નથી.

અમારા એક વડીલમિત્ર છે. દીકરો પરણેલો છે. દીકરાને ત્યાં પણ દીકરો છે. મિત્રનાં પત્નીએ કોઈ સગાને મળવા જવું હોય તો એમનો દીકરો દુકાન છોડીને તૈયાર થઈ જાય એમની સાથે આવવા: મમ્મી, ગાડીમાં લઈ જઉં. મા ના પાડે, રિક્ષામાં જતી રહીશ, ક્યાં લાંબું જવું છે. આ સાંભળીને મારા મિત્ર એમની પત્નીને કહે: દીકરો ગાડી લઈને તને મૂકવા આવવા માગતો હોય તો જવાનું એટલું જ નહીં, ક્યારેક એને ખબર ન હોય કે તારે બહાર જવાનું છે તો તારે એને સામેથી કહેવાનું કે બેટા, ગાડી કાઢ, મને લઈ જા. અત્યારે તું આવું નહીં કરે તો દસ વરસ પછી તું જ ફરિયાદ કરતી હોઈશ કે મારા દીકરાએ મારા માટે કંઈ કર્યું નહીં.

તમારી અપેક્ષાઓ તમે સંતાનોને ન જણાવો અને મનમાં સમસમીને બેસી રહો કે છોકરાઓને અમારી પડી જ નથી એ ગેરવાજબી છે. સંતાનો નાનાં હતાં ત્યારે બેશરમ બનીને કહી શકતા હતા કે મમ્મી, મને બ્લ્યુ શર્ટ અપાવ કે પપ્પા, મારે માથેરાનની સ્કૂલ ટ્રિપ પર જવું છે. તમે બાળકોને સામેથી પણ ઘણું આપ્યું છે. બાળકોએ પણ તમારી પાસે માગીને ઘણું લીધું છે. એ જ તો મઝા છે આ સંબંધની. બધાની પાસે માગીને થોડું લેવાતું હોય. જેને ચાહતા હો એની સાથે જ એવા બેશરમ થવાય. પણ બાળકો મોટા થયા પછી તમે એ સમીકરણ ખોરવી નાખો છો. સંતાનો પાસે માગીને તો મેળવતા જ નથી, સંતાનો સામેથી કંઇક લાવે કે તમારા માટે કંઇક કરવા માગતા હોય ત્યારે તમારો ઉમળકા વિનાનો પ્રતિસાદ એમને તમારાથી દૂર લઇ જાય છે.

નેક્સ્ટ ટાઇમ, દીકરો તમને કહે કે પપ્પા, આવતા રવિવારે ભાઇદાસમાં સરસ નાટક છે. જુઓ, ઍડવાન્સમાં ટિકિટ બુક કરાવી દીધી છે, ત્યારે તમારે ટિકિટ હાથમાં લઇને સીટ નંબર ચેક કરીને કહેવાનું: કેમ, એફ રોની લાવ્યો, મને તો બી રોમાં બેસીને જ નાટક જોવાનું ગમે. હવેથી આવી ભૂલ નહીં કરતો!

પણ અમને ખબર છે કે તમે શું કહેવાના: બેટા, આ તે કંઇ ઉંમર છે અમારી, નાટક જોવાની? એક કામ કરો, અમારા બેની ટિકિટમાં તારી સાળી અને તારા સાઢુભાઇને લઇ જા.

સંતાનો નાનાં હોય છે ત્યારે એમની સાથેના તમારા સંબંધો કેટલા સરળ હોય છે, નિર્દોષ હોય છે, મોટા થઇ ગયા પછી એ સંબંધો ગૂંચવાતા હોય એવું લાગે ત્યારે તમે વાંક કાઢો છો એમનો. તમારી બદલાયેલી ઍટિટ્યુડ તો તમને દેખાતી જ નથી. તમારો દીકરો દસ વરસનો હોય ત્યારે એનું જે વ્યક્તિત્વ છે તે વીસ વરસે બદલાઇ ગયું હોય છે. પણ તમારા ધ્યાનમાં એ નથી આવતું. વીસ વરસનો દીકરો ૪૦નો થાય ત્યારે એનામાં પરિવર્તન આવી ગયું હોય છે. પણ તમે એ ચેન્જ જોવાનો ઇનકાર કરો છો. તમારી પોતાની ઉંમરના તબક્કાઓ યાદ કરો. એમાં આવેલા બદલાવ યાદ કરો. પછી દીકરાની બદલાતી જતી વર્તણૂકને તમે માફ કરી શકશો.

કાલે સવારે એક જૂના મિત્રનો ફોન આવ્યો. જુદા જ વિષયની વાત હતી. એમાંથી કંઇક વાત નીકળી અને મેં વર્ષો પહેલાંના મારા કોઇ લેખમાં લખેલું મારું આ વાક્ય એમને કહ્યું:

આપણાં સંતાનોને આપણે ગમે એટલા સારાં બનાવવાની કોશિશ કરીએ, છેવટે તો એ આપણાં જેવાં જ બનતાં હોય છે.

No comments:

Post a Comment