Tuesday, April 30, 2013

અહીં આંખો પહોળી કરી આપવામાં આવશે ! – ડૉ. નલિની ગણાત્રા


[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.]
શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. આમ, કાંઈ હું પહોળી આંખની એવી આશિક નહિ પરંતુ જેમ આપણને ક્યારેક જીવન જીવવાની ઈચ્છા થઈ જાય એમ આજે મને પહોળી આંખો જોવાની ઈચ્છા થઈ આવી. એટલે વિપરીત વાતોનો કાર્યક્રમ રાખ્યો છે. તો વાંચો અત્રે ઊલટા-પુલટા અને કરો આંખો પહોળી….! મારી નહિ, તમારી….. !
[1] ‘તું તો ખરો છે’ એવું કહીએ તો મૂળચંદને ‘ખોટું’ લાગી જતું હોય છે !
[2] વ્યસ્તતા દુઃખને દૂર રાખે છે પણ કેટલાક દુઃખમાં જ વ્યસ્ત રહે છે.
[3] ઢોરના ડૉક્ટર માણસ હોય છે, માણસના ડૉક્ટર ઢોર નથી હોતા ! અહો આશ્ચર્યમ
[4] સહવાસથી જ પ્રેમ થાય છે અને સહવાસથી જ નફરત !
[5] મહોબ્બત જાનવર કો ઈન્સાન બના દેતી હૈ ઔર ઈન્સાન કો જાનવર ભી !
[6] ચુસ્ત હિંદુ પણ હોંશે હોંશે ‘દાઉદખાની’ ઘઉં ખાતા હોય છે.
[7] ‘અલ્પમ શુભમ’માં માનનારા આસાનીથી સો વર્ષનું આયુષ્ય ખેંચી કાઢતા હોય છે !
[8] કેટલાંક ‘ફક્ત’ ‘સબ’ ટી.વી. જોતા હોય છે !
[9] શાંતિ રાખો….. ઓ…… ! એવું જોરથી બોલવું પડતું હોય છે !
[10] લાગણી પર પથ્થર મૂકનારને પથ્થર પર પણ લાગણી થઈ આવતી હોય છે.
[11] પારદર્શક કપડાં પહેરતી હિરોઈનને અપારદર્શકો મળી રહે છે !
[12] કેટલાક શિષ્યો ગુરુ કરતાં સવાયા હોય છે, કેટલાક દોઢા !
[13] ખાધે-પીધે સુખી લોકો પણ ઉપવાસ કરતા હોય છે.
[14] આપણી જીત માટે હંમેશાં હારેલા જ જવાબદાર હોય છે !
[15] કેટલાંક સ્કૂટર-બાઈક ઓટોસ્ટાર્ટ હોય છે, કેટલાંક ઓટોસ્ટોપ ! ગમ્મે ત્યારે બંધ પડી જાય !
[16] ગરજવાનને અક્કલ ન હોય, પણ અક્કલવાનને ગરજ હોય !
[17] ગરજે ગધેડાને બાપ કહેવાય, પણ ગરજે બાપને ગધેડો ન કહેવાય – લાત પડે.
[18] ગાંડા વિશે લેખ લખવા માટે બુદ્ધિ તો જોઈએ જ !
[19] આપણે સહુ લાદેન નથી તેથી ‘બિન-લાદેન’ જ કહેવાઈએ !
[20] Wrong નો સ્પેલિંગ તો Right જ લખવો પડે છે !
[21] માણસ શૂન્યમાંથી સર્જન કરે છે. સર્જન (ડૉક્ટર) ક્યારેક માણસને શૂન્ય કરી નાંખે છે !
[22] જેને મરવાનોય સમય નથી મળતો એ સમય આવ્યે મરે જ છે !
[23] લોકો સાર્વજનિક ફોન પર અંગત વાતો કરતાં હોય છે !
[24] માણસને પોતાની શંકા પર દઢ વિશ્વાસ હોય છે !
[25] દીવાલને કાન હોય છે તો કાનમાં પણ દીવાલ હોય છે !
[26] ‘દૂર’ રહેતી વ્યક્તિ જ ખરેખર ‘નજીક’ રહે છે !
[27] ‘ખેડૂત’નું લાઈસન્સ ન ધરાવનારા પણ સપનાનાં વાવેતર તો કરી શકે !
[28] અહિંસક લોકો પણ આપણું ‘લોહી પીતાં’ હોય છે !
[29] ‘મોટા’ માણસની ‘નાની’ વાતો પણ છાપે ચડે છે !!!
[30] સરકારી કર્મચારીઓ પણ થાકી જતા હોય છે !!
[31] પ્રશંસા પ્રભુને પ્યારી છે, પણ પ્રશંસા પ્યારી હોય એ બધા પ્રભુ નથી હોતા !
[32] મરાઠીમાં મોટા ભાઈને ‘દાદા’ કહે છે. પણ ભાભીને ‘દાદી’ નથી કહેતાં !
[33] પત્ની રૂપાળી હોય અને પતિ શ્યામ હોય તો ‘રાધા-કૃષ્ણ’ની જોડી લાગે છે. પતિ રૂપાળો અને પત્ની શ્યામ હોય તોપણ ‘રાધા-કૃષ્ણ’ની જોડ જ લાગે છે. કારણ કે રૂપાળો પતિ રાધા જેવો જ લાગે છે !!
[34] મન બીજે પરોવવાથી પીડા ઓછી થાય છે. પણ ક્યારેક મન ‘બીજે’ પરોવવાથી જ પીડા થાય છે !!
[35] કોઈમાં ન ભળે એને છેવટે શ્રાદ્ધમાં તો ભળવું જ પડે છે !!!
ટૂંકમાં ‘ઉનો’ (UNO) ગાડી લે અને એમાં ‘ઠંડું’ એ.સી. નંખાવે એવા મૂળચંદને ઊલટા-પુલટા જાણવો !

 સૌજન્ય : રીડ ગુજરાતી

વિચારમંગલ – સંકલિત

[1] મારી પાસે એક દીવો છે જે મને રાહ દેખાડે છે અને તે છે મારો અનુભવ. – પેટ્રિક હેનરી.
[2] બીજા માણસોમાં ઉત્સાહ જાગ્રત કરવાની મારી શક્તિને હું મારી અમૂલ્ય મિલકત સમજું છું. દરેક માણસમાં પહેલું ઉત્તમ તત્વ ખિલવવાનો રસ્તો તેની પ્રશંસા કરી તેને ઉત્તેજન આપવાનો જ છે. પોતાના ઉપરીઓની ટીકાથી માણસની અભિલાષા મરી જાય છે તેવી કોઈ ચીજથી મરી જતી નથી. હું કોઈનો દોષ શોધતો નથી. કોઈની ટીકા કરતો નથી. માણસને કામ કરવાનો ઉત્સાહ આવે એવી રીતે તેની સાથે વર્તન રાખવામાં મને શ્રદ્ધા છે અને તેથી હું પ્રશંસા કરવાને આતુર રહું છું અને ખોડ કાઢવાનું પસંદ કરતો નથી. મને કંઈપણ પસંદ પડે તો હું ઉદારતાથી અને દિલોજાન જિગરે તેની તારીફ કરું છું. – ચાર્લ્સ સ્વેલ.
[3] ઘણી વ્યક્તિની મુશ્કેલી એ હોય છે કે બીજાએ કરેલી પ્રશંસાથી તેઓ બરબાદ થતા હોય, તોપણ તેમને વધુ ગમે છે. પણ બીજાએ કરેલી ટીકાથી પોતાનો ઉદ્ધાર થવાનો હોય તો પણ ગમતું નથી. – નૉર્મન વિન્સૅટ બીલ.
[4] અસત્યમાં કોઈ શક્તિ નથી. એણે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ સત્યનો આશ્રય લેવો અનિવાર્ય છે. – વિનોબા ભાવે.
[5] ત્રીસ વરસ પહેલાં હું એક વાત શીખ્યો તે એ કે કોઈને ઠપકો દેવો તે મૂર્ખાઈ છે. મારા પોતાનામાં જ એટલી બધી ખામીઓ છે કે ખુદાએ બધાને સરખા ભાગમાં બુદ્ધિની વહેંચણી કેમ ન કરી એમ બબડવામાં કંઈ સાર નથી. – જોન વાનમેકર
[6] ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુઃખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખેરખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે. – જોન ફુલર્ટન
[7] અભિમાની માણસને કદી મિત્રો હોતા નથી. જ્યારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ બીજા કોઈને ઓળખતા નથી અને જ્યારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી. – સિડની સ્મિથ
[8] મહાન સંકટો અને દુઃખો ભોગવનાર એક સ્ત્રી જણાવે છે કે ‘હું કદી પણ કોઈને મારાં દુઃખોની વાત કહીને દુઃખી કરીશ નહિ, એવો મેં નિશ્ચય કર્યો છે. જ્યારે હું રુદન કરી શકી હોત ત્યારે મેં હાસ્ય કર્યું છે, અને મશ્કરીઓ કરી છે. પ્રત્યેક સંકટની સામે મેં સ્મિત કર્યું છે. મેં મારી પાસેથી પ્રત્યેક જણને સુખદ શબ્દ અને આનંદમય વિચાર લઈને જવા દેવાનો પ્રયત્ન કર્યો છે, સુખ જ સુખને જન્મ આપે છે; અને નીચે બેસી ભાગ્ય પર વિલાપ કરવાથી મને જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોત તે કરતાં વધારે સુખી સ્થિતિમાં હું છું.’ – ઓરીસન સ્વેટ માર્ડન
[9] કોઈ પણ રોગને પોષણ મળે એવો સંયોગ જો આપણા શરીરમાં ન હોય તો રોગની તાકાત નથી કે તે આપણા શરીરમાં પ્રવેશી શકે, તે જ પ્રમાણે કોઈ અશુભ કે અનિષ્ટ સ્થિતિને અનુકૂળ તત્વો જો આપણામાં ન હોય તો તે સ્થિતિની તાકાત નથી કે આપણા પર તે સવાર થઈ શકે. માટે જે કાંઈ સુદશા કે દુર્દશા આપણા પર આવી પડે તેનું કારણ બહાર શોધવાને બદલે આપણે આપણામાં જ શોધવું જોઈએ. જો તે કારણ શોધી કાઢીને તેને દૂર કરીએ તો તેથી આપણી આંતરસ્થિતિ એવી તો ઉત્તમ બનશે કે જેથી કેવળ સારી દશા જ આપણી તરફ આકર્ષાઈને આવ્યા કરશે. સ્વભાવથી જ આપણે આપણી દશાના સ્વામી થવાને સરજાયેલા હોવા છતાં માત્ર અજ્ઞાનને લીધે જ સંયોગોને આધીન બની જઈને તેના ગુલામની પેઠે વર્તીએ છીએ. – રાલ્ફ વાલ્ડો ટ્રાઈન
[10] જો હું એક માણસને નિરાશામાંથી બચાવી શકું તો મારું જીવન વ્યર્થ નહિ ગણાય; જો હું એક જ માણસના દુઃખને દૂર કરું અથવા પીડાને શાંત કરું અથવા એકાદ તરફડતા પક્ષીને તેના માળામાં મૂકી શકું તો મારું જીવન એળે ગયું નથી. – એમીલી ડીકીન્સન
[11] વિજયી મનુષ્ય કરતાં જે ધૈર્યથી પરાજય સહન કરે છે તે ખરો ફિલસૂફ છે. કારણ કે જગતને વશ કરવામાં જેટલું કૌશલ જોઈએ છે તેટલું જ કૌશલ જગતને નભાવવામાં પણ જોઈએ છે. મુશ્કેલીઓ આપણને એવી ઉચ્ચ કક્ષામાં લઈ જાય છે કે જેથી, પ્રથમ દુર્ભાગ્ય સહન કરવાની અને અંતે તેની ઉપર વિજય મેળવવાની શક્તિ આપણામાં આવે છે. આ પ્રમાણે કસોટીમાં શિક્ષા અને શુદ્ધિ બંને તત્વો સમાયેલાં છે. – અરધે
[12] જો તમારામાંથી અહંકાર ચાલ્યો ગયો હોય તો કોઈ પણ ધર્મ-પુસ્તકની એક લીટી પણ વાંચ્યા વિના કે કોઈ પણ દેવાલયમાં પગ મૂક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઈ જશે. – સ્વામી વિવેકાનંદ
[13] પોતાના મનથી પોતાને ભલા માણસ સિદ્ધ કરવા માટે ભલા થવાની કંઈ જરૂર પડતી નથી. અહંકાર કંઈ હાથી-ઘોડા જેવી ચીજ નથી. હાથી-ઘોડા પાછળ ખર્ચ કરવું પડે છે. તે ખાવાનું માગે છે. પણ અહંકારને તો બિલકુલ ઓછા ખર્ચે ને વગર ખોરાકે ખૂબ પુષ્ટ બનાવી શકાય છે. – રવીન્દ્રનાથ ટાગોર
[14] અસત્યના માર્ગે આપણે ગમે તેટલા દૂર નીકળી ગયા હોઈએ તોપણ એના પર ચાલવાને બદલે પાછા વળવું બહેતર છે. – ટૉલ્સટૉય
[15] જે માણસો સવારમાં સત્કાર્યો કરે છે એમને દિવસનો દરેક કલાક મજા આપે છે અને તેમની આસપાસની દરેક વસ્તુમાંથી તેમને માટે શાંતિ અને ઉલ્લાસ જન્મે છે. – ગેસનર
[16] આપણે કેવા હોવા જોઈએ તેનું આપણને અરધું પણ ભાન નથી. આપણી શારીરિક અને માનસિક શક્તિનો આપણે જૂજ ઉપયોગ કરીએ છીએ. સ્પષ્ટ શબ્દમાં કહીએ તો ઈન્સાન પોતાની શક્તિનો ઘણો ઓછો લાભ લે છે. તેનામાં રહેલી વિધવિધ જાતની શક્તિઓનો ઉપયોગ કરવામાં તે હંમેશાં નિષ્ફળ જાય છે. – વિલીયમ જેમ્સ (હાવર્ડ)
[17] કેળવાયેલો માણસ નવું જાણવાની વૃત્તિ ખીલવે છે. નવા વિચારોને કદી હસી કાઢતો નથી. બીજા લોક સાથે નભાવી લેવાની કળા જાણે છે. સફળ થવાની ટેવ કેળવે છે. ‘જેવા વિચાર કરીએ તેવા થઈએ’ એ સૂત્ર સમજે છે. લૌકિક વિચારો હંમેશાં ખોટા હોય છે એનું ભાન રાખે છે. નિષ્ણાતોના અભિપ્રાયોને ધ્યાન દઈને સાંભળે છે. મહાન કાર્યોમાં સાથ આપે છે. પોતાની શક્તિ પ્રમાણે આકાંક્ષાઓની સૃષ્ટિ રચે છે. પોતાની ઉચ્ચત્તમ કુદરતી શક્તિ પ્રમાણે કાર્યમગ્ન રહે છે. જ્ઞાન મેળવવા માટે કદી મોડું થતું નથી એ જાણે છે. પોતે સેવેલાં સ્વપ્નાં વિશે કદી શ્રદ્ધા ગુમાવતો નથી. તે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે જે વડે તે જગતપુરુષ બને છે અને ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવે છે. – વિલીયમ એચ. ડેન્ફર્થ

એકાસણાનો ખરો અર્થ શું? જૂન પછી કેરી ખવાય કે નહીં? - સૌરભ શાહ


ગુડમોર્નિંગ - સૌરભ શાહ

કાન્તિ મડિયાના એક નાટકમાં નિશા શાહ નામનું પાત્ર પોતાનું નામ બોલતી વખતે કહેતી હતી: નિસાસા... ‘શ’નો ‘સ’ થાય ત્યારે રંગમંચ પર હસાહસ થાય પણ આવું પ્રેક્ટિકલ લાઈફમાં બને ત્યારે અર્થનો અનર્થ થઈ જાય.

એકાસણું એટલે શું? જૈન વાચકો કહેશે કે એ તો બધાને ખબર હોય. દિવસમાં એક જ વખત આસન પર બેસીને ભોજન કરવું. ખોટી વાત. એકાસન શબ્દનું મૂળ એકાશન છે. એક અશન. અશન એટલે રાંધેલો ખોરાક. અર્થાત દિવસમાં એક વખત રાંધેલો ખોરાક લેવો એને એકાશન કહેવાય. આની પાછળની ભાવના એ કે એક જ વખત રાંધેલો ખોરાક લીધો હોય અને એ પણ અલ્પ પ્રમાણમાં જેથી આત્મસાધના કે સ્વાધ્યાયમાં બેસીએ ત્યારે સુસ્તી ન આવે.

પણ વ્યવહારમાં બને છે એવું કે કેટલાક એક પાટલા પર બેસી બ્રશ કે મુખશુદ્ધિ કરે અને પછી લગભગ એક કલાક સુધી અતિપ્રમાણમાં ભોજન કરે.

આ અને આવી અનેક આંખ ખોલનારી વાતો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તાજેતરમાં પ્રગટ થયેલા એક જબરજસ્ત ક્રાંતિકારી પુસ્તક ‘મરમનો મલક’માં છે. પુસ્તકના લેખક છે શહેરના અગ્રણી જૈન વિચારક સુરેશ ગાલા.

મુંબઈ જૈન યુવક સંઘ પાસે ભવ્ય ભૂતકાળ અને આદરણીય વર્તમાન છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહે આ સંસ્થા હેઠળ અનેક ક્રાંતિકારી કાર્યો કર્યાં, જેમાંનું એક કામ હતું એ જમાનામાં આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા વિચારકનું તેજાબી પ્રવચનનું આયોજન. સંસ્થાના મુખપત્રને ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ બનાવવામાં આવ્યું ત્યારે એમાં જીવન વિશે વિચારતા કરી મૂકે એવા અનેક લેખો ગુજરાતી ભાષાના જાણીતા લેખકોએ લખ્યા. અત્યારે આ પત્ર ડૉ. ધનવંત શાહના તંત્રીપદે પ્રગટ થાય છે. અગાઉ મુંબઈ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ સંભાળતા સ્વ. રમણલાલ ચી. શાહ તંત્રી હતા.

આવી ઉમદા સંસ્થા જ્યારે જૈન ધર્મને લગતી કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરતું બોલ્ડ પુસ્તક પ્રગટ કરે એ ઘણી મોટી ઘટના કહેવાય. સવા બસો પાનાંના પુસ્તકમાં સુરેશ ગાલાએ છ દીર્ઘ નિબંધો લખ્યા છે. પ્રથમ પાંચ નિબંધ જૈન ધર્મના અભ્યાસુ કે જિજ્ઞાસુઓ માટે છે. છઠ્ઠો નિબંધ ‘શું જૈન ધર્મ જીવનવિરોધી છે?’ ક્રાંતિકારી વાતોથી ઠાંસીઠાંસીને ભરેલો છે.

લેખક સુરેશ ગાલા જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે અને એમની સમગ્ર જીવનશૈલી જૈન ધર્મનાં ઉત્તમોત્તમ તત્ત્વોથી છલોછલ છે. સુરેશ ગાલા વૈજ્ઞાનિક મિજાજના માણસ છે અને ધર્મ માટે અપાર શ્રદ્ધા ધરાવનાર છે. આ બેઉ પાટા પર એમના તર્કની ગાડી સમતોલપણે ચાલે છે અને એટલે જ પરંપરાગત વાતોને તેઓ જે રીતે આધુનિક સંદર્ભમાં મૂલવે છે તે તરત ગળે ઊતરી જાય છે.

દાખલા તરીકે એક સાદી સીધી વાત લઈએ - કેરી. સુરેશ ગાલા કહે છે કે સામાન્ય રીતે એકવીસ કે બાવીસમી જૂને આર્દ્રા નક્ષત્ર બેસે એટલે કેરી ના ખવાય એવી પરંપરા જૈનો પાળતા આવ્યા છે. ૨૧મી જૂનથી ભારતમાં શરીર માટે વાયુ પ્રકોપનો કાળ શરૂ થાય અને પાચનશક્તિ મંદ પડે. આયુર્વેદની દૃષ્ટિએ કેરી વાયુ કરે એટલે આ નિયમ શરૂ થયો.

પણ આજના જમાનાની વાત જુદી છે. તે કાળમાં વાહનવ્યવહારની સગવડ નહોતી, બીજા પ્રદેશોમાંથી કેરીનો પાક આવી શકતો નહીં. મહારાષ્ટ્રમાં રત્નાગિરીનો કે ગુજરાતમાં વલસાડની કેરીનો પાક જૂનની ૧૫ તારીખની આસપાસ પૂરો થઈ જાય. એટલે આર્દ્રા નક્ષત્ર સાથે બધું બંધબેસતું થઈ જતું. એ જમાનામાં કેસર કેરીની ખેતી થતી નહીં. એટલે વીસ જૂન પછી કેરી મળતી જ નહીં.

પણ, સુરેશ ગાલા કહે છે એમ, ઉત્તર ભારતમાં લખનૌ તરફ એવી કેરી થાય છે જેના પર પાણી પડે તો જ એ કેરી પાકે. દા.ત. દશહરી, લંગડો આદિ. દિલ્હી અને લખનૌમાં આર્દ્રા નક્ષત્રનો નિયમ કેવી રીતે લાગુ પડે? એટલું જ નહીં અમેરિકા અને યુરોપમાં ૨૨મી જૂને ઉનાળો બેસે અને ત્યારે જ અમેરિકામાં મેક્સિકોથી કેરી આવતી હોય છે. ત્યાં આ નિયમ કેવી રીતે લાગુ પડી શકે?

કેરીનું સાદું ઉદાહરણ આપીને સુરેશ ગાલાએ ધર્મ વિશે જે વાત કરવી છે તે અતિ ગંભીર અને વિચારણીય છે. તેઓ કહે છે સ્થળ બદલાય, કાળ બદલાય એટલે નિયમોમાં, તંત્રમાં પરિવર્તન આવવું જોઈએ.

સુરેશ ગાલાને ચિંતા એ છે કે અત્યારના જૈન ધર્મમાં સાધુઓ માટે કેટલાક નિયમો એવા છે જેને કારણે જૈન ધર્મ જીવનવિરોધી છે એવી છાપ ઊભી થઈ છે. લેખકે પાંચ મુદ્દા લીધા છે જેમાંનો એક છે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો નહીં. એક દાખલો તેઓ આપે છે. એમના એક પરિચિત સાધ્વીજી સવારે એમના ઘરે વહોરવા પધાર્યા. સાત વાગ્યે બારણું ખખડાવ્યું પણ તે સમયે ડ્રોઈંગ રૂમમાં કોઈ હોય નહીં, એટલે કોઈએ સાંભળ્યું નહીં. સાધ્વીજીએ વીજળી વર્જ્ય ગણી હતી એટલે બેલ મારી નહીં અને એમને એમ પાછાં જતાં રહ્યાં. બીજે દિવસે ગાલા અપાસરામાં એમનાં દર્શને ગયા ત્યારે સાધ્વીજીએ આ વાત કરી. સુરેશભાઈએ કહ્યું, ‘તમે બેલ ન મારો તો અમને ખબર કેમ પડે કે કોઈ આવ્યું છે?’ પણ સાધ્વીજી માટે બેલ મારવી ધર્મ વિરુદ્ધની વાત હતી.

આટલી વાત કરીને લેખક કેટલીક સરસ માહિતી આપે છે. એન્ટવર્પમાં જૈન દેરાસર છે. એમાં હીટિંગની વ્યવસ્થા છે. એન્ટવર્પમાં શિયાળામાં માઈનસ ૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન રહેતું હોય ત્યારે હીટિંગ વગર કેવી રીતે જીવી શકાય? મલેશિયાના ઈપો શહેરમાં જૈન દેરાસર છે, જેમાં એરકંડિશનર મૂક્યું છે. ઈપો શહેરમાં ઉનાળામાં સખત ગરમી પડે છે અને એસી વગર રહેવું ભારે કપરું હોય છે. લેખક કહે છે કે જૈન સાધુઓ ગોચરી વહોરે છે, કપડાં પહેરે છે, પુસ્તકો છપાવે છે. આ બધામાં વીજળીનો ઉપયોગ અનિવાર્ય છે. શું કોઈ સાધુ કહી શકશે કે વીજળીનો જેમાં વપરાશ હશે એવી કોઈપણ વસ્તુ મને નહીં ખપે?

બહુ વાજબી સવાલ છે આ. દેરાસર કે અપાસરાના ક્ધસ્ટ્રક્શનમાં પાયો ખોદાય ત્યારથી અને સિમેન્ટ વગેરે આવતી થાય ત્યારથી વીજળી કે વીજળીથી બનેલાં ઉત્પાદનોનો ઉપયોગ શરૂ થઈ જાય છે.

સુરેશ ગાલા ચિંતાતુર સ્વરે લખે છે: ‘ધર્મને નામે ઈલેક્ટ્રિસિટીનો વિરોધ કરવો એ સમજદારીની વાત નથી. આવા વિરોધને કારણે પણ જૈનધર્મની જીવનવિરોધીની છાપ ઊભી થઈ છે.’

તિથલસ્થિત બંધુ ત્રિપુટીમાંના પૂજ્ય કીર્તિચંદ્ર મહારાજને અર્પણ થયેલા આ પુસ્તકના લેખકે આ જ મહારાજ સાહેબની પ્રેરણાથી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં પ્રવચનો આપવાની શરૂઆત કરી હતી. એ પ્રવચનોના વિષયો પણ એમણે પુસ્તકમાં સમાવેલા છે. પંડિત સુખલાલજી, જે. કૃષ્ણમૂર્તિ, રજનીશ, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેના અભ્યાસી એવા લેખક સુરેશ ગાલાને ભગવદ્ગીતા, ઉપનિષદ, પાતંજલ યોગસૂત્ર, સંત સાહિત્ય તેમ જ અફકોર્સ જૈન ધર્મનો ઊંડો અભ્યાસ છે. અગણિત સાધુસંતો સાથે બેસીને એમણે ધર્મચર્ચાઓ કરી છે. આ પુસ્તકમાં એમણે આ સર્વનો નીચોડ આપ્યો છે અને આ પુસ્તકના નીચોડનો શેષ ભાગ કાલે. 


"અમુક ખાવું કે અમુક ન ખાવું એનું નામ વ્રત નથી
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

હાઈવે પર વિહાર કરતાં જૈન સાધુ-સાધ્વીજીઓ ક્યારેક બેદરકારીથી ચાલતાં વાહનોની અડફેટે આવી જાય છે ત્યારે સૌ કોઈને હૃદયથી ઊંડું દુ:ખ થાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સમી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા પ્રગટ થયેલા જૈન વિદ્વાન અને વિચારક સુરેશ ગાલાએ લખેલા પુસ્તક ‘મરમનો મલક’માં આ સમસ્યા વિશે તેમ જ બીજા કેટલાંક પ્રશ્ર્નોની પણ ચર્ચા કરી છે. આમાંનો એક મુદ્દો ચોવિયાર (ચૌવિહાર)નો છે.

સુરેશ ગાલા પુસ્તકમાં જણાવે છે કે આત્મસાધનાના માર્ગમાં એક યૌગિક ક્રિયા એવી આવે છે જે સૂર્યના પ્રકાશમાં થઈ શકે નહીં. ચૌવિહાર પાછળનું રહસ્ય એ છે કે સાંજે છ વાગ્યે હળવું ભોજન લેવું જેથી એના ત્રણ કલાક પછી, રાતના નવ વાગે આત્મસાધનામાં બેસી શકાય કારણ કે ભોજન અને સાધના વચ્ચે ત્રણ કલાકનો ગાળો જરૂરી છે. લેખક કહે છે કે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું આરોગ્યની દૃષ્ટિએ તો ઉત્તમ જ છે પણ ચોવિયારનો હેતુ માત્ર એ નથી. ચોવિયાર કર્યા પછી રાત્રે પિકચર જોવા જવું કે ટોળટપ્પાં કરવા કે સાંસારિક ક્રિયાઓ કરવી - આ બધામાં ચોવિયારની સાર્થકતા નથી.

આ સંદર્ભમાં ફરીદ નામના એક સૂફી સંતની સાખી ટાંકીને સુરેશ ગાલા સમજાવે છે કે બ્રાહ્મમુહૂર્તમાં આત્મસાધના કરવાથી સાધનામાં તીવ્રતા આવે છે અને મન તરત જ સ્થિર થઈ જાય છે. ધારો કે મુંબઈનું કોઈ માણસ જપાનના શેરબજારમાં સોદા પાડતું હોય તો એણે ભારતીય સમય મુજબ સવારે ચાર વાગે જાગી જવું પડે કારણ કે એ સમયે જપાનમાં આઠ વાગી ગયા હોય જે ત્યાંનું શેરબજાર શરૂ થવાનો સમય છે. જે માણસ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને શેરબજારના સોદા પાડતો હોય એને બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાને લીધે થતા ફાયદાઓ ન મળે એ સ્વાભાવિક છે. ચોવિયારનું પણ આવું જ છે.

ઉપવાસ અને અહિંસા વિશે પણ આ પુસ્તકમાં વિગતે ચર્ચા થઈ છે. આવી જ એક ચર્ચા સાધુઓએ વાહનોનો ઉપયોગ કરવો કે નહીં તે અંગેની કરી છે. આ વિષય પર છેલ્લા ઘણા દાયકાઓથી જૈન સમાજમાં અવારનવાર ચર્ચાઓ થતી રહી છે. સરેશ ગાલા કહે છે કે આજથી સો વર્ષ પહેલાં યાંત્રિક વાહનોની શોધ નહોતી થઈ એ વખતે પશુચાલિત વાહનમાં બેસવા કરતાં પાદવિહાર કરવો સાધુઓ માટે ઈષ્ટ હતું. આજના જમાનામાં સ્થિતિ એ છે કે મુંબઈમાં ઘાટકોપરથી વિહાર કરીને અંધેરી જવું હોય તો રસ્તા પરની ગંદકી અને પ્રદૂષણ સહન કરવાં પડે, અકસ્માત થવાનો ભય રહે અને ખોટો સમય બગડે. સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં ઘણાં સ્થાનકવાસી જૈન કુટુંબોએ જૈન સાધુઓનો સંપર્ક નહીં હોવાને કારણે સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવી લીધો છે. માડાગાસ્કરની રાજધાની એન્તાનાનારાવોમાં ઘણાં જૈન કુટુંબોએ વૈષ્ણવ સંપ્રદાય અપનાવ્યો છે કારણ કે ત્યાં જૈન મંદિર નથી. અમેરિકા અને આફ્રિકા, બ્રિટનમાં લાખો જૈનો વસે છે અને એમનાં બાળકોમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એ માટે પણ જૈન સાધુઓએ વાહનના ઉપયોગ વિશે ફેરવિચારણા કરવી જોઈએ.

આની સામે મલેશિયામાં લગભગ ૪૦૦ સ્થાનકવાસી જૈન કુટુંબો છે. ૨૦૦૧માં ત્યાં બંધુત્રિપુટી મહારાજ સાહેબની પ્રેરણાથી દેરાસરની પ્રતિષ્ઠા થઈ. મલેશિયામાં જૈન ધર્મ ટકી ગયો. બંધુત્રિપુટી મહારાજ સાહેબે વાહનનો ઉપયોગ કર્યો તો સાઉથ ઈસ્ટ એશિયામાં પહેલવહેલું શિખરબદ્ધ દેરાસર બન્યું.

નિયમનું હાર્દ સમજ્યા વગર માત્ર બાહ્ય આચરણને જ ધર્મક્રિયા માની બેસવાની ભૂલને કારણે જે પરંપરા ઊભી થાય છે એનું એક ઉદાહરણ લેખકે મુખશુદ્ધિ અને દંતશુદ્ધિનું આપ્યું છે. પર્યુષણના ઉપવાસ દરમ્યાન મુખશુદ્ધિ ન કરવાને લીધે અપાસરામાં ઘણાનાં મોઢામાંથી વાસ આવે છે એવી ફરિયાદ લેખકને એક યુવાને કરી હતી. એક જૈન ડેન્ટિસ્ટે લેખકને કહેલું કે આપણા સાધુઓ દાંતની ટ્રીટમેન્ટ માટે મારી પાસે આવે છે ત્યારે એમના દાંતની સ્થિતિ જોઈને થાય છે કે ધર્મના નામે આ શું થઈ રહ્યું છે. લેખક સમજાવે છે કે જેઓ સાધનામાં ઘણા ઊંડા ઊતરી જાય તેઓને ચોવીસ-છત્રીસ કલાક પછી દેહભાન આવતું હોય છે. આ દરમ્યાન એમને નહાવાનું તો શું મોઢું સાફ કરવાનું પણ ધ્યાનમાં આવતું નથી. આવી વ્યક્તિઓ માટે એ ગાળા પૂરતો સ્નાન કે દંતશુદ્ધિનો આગ્રહ ન હોય એ સ્વાભાવિક છે. આવા તપથી ચિત્તશુદ્ધિ થતી હોય છે, તે દરમ્યાન દેહશુદ્ધિ વિસરી જવી પડે.

જૈન સાધુઓ અને કેટલાક શ્રાવકો કુદરતી હાજત માટે જાજરૂનો ઉપયોગ કરતા નથી એ વિશે પણ લેખકે પોતાની વેદના ઠાલવી છે. કેટલાક દાખલાઓ આપીને તેઓ કહે છે કે શહેરોમાં આને કારણે કેવી રીતે ગંદકી ફેલાય છે. મળનો નિકાલ કરવાનું કામ અમુક વ્યક્તિઓને મજૂરી પેટે પૈસા આપીને કરાવવામાં આવે છે. લેખક અહીં રોકડો સવાલ કરે છે કે ધર્મને નામે આવી ગંદકી કેવી રીતે કરી શકાય? લેખક સ્પષ્ટ શબ્દોમાં કહે છે: ‘આવા સ્વચ્છતાવિરોધી, વિજ્ઞાનવિરોધી, માનવતાવિરોધી નિયમને દૂર કરવો જોઈએ. જેને આવા નિયમો પાળવા હોય એ ભલે જંગલમાં રહે. એણે શહેરમાં આવવું જોઈએ નહીં. આવા નિયમો જંગલમાં પળાય, શહેરમાં નહીં.’

‘મરમનો મલક’ પુસ્તકના છમાનો એક નિબંધ આ પ્રકારના અનેક વિષયોની ચર્ચા કરે છે. પુસ્તકના ૮૦ ટકા કરતાં વધુ હિસ્સામાં જૈન ધર્મના વિવિધ આધ્યાત્મિક પાસાંઓની ખૂબ જ સરળ ભાષામાં ગંભીર ચર્ચાઓ થઈ છે. પ્રથમ નિબંધના આરંભમાં જ હરિભદ્રસૂરિ મહારાજસાહેબને ટાંકીને લેખક કહે છે: ધર્મનો અર્થ સમજવાની ઈચ્છા ધરાવનારે સૂક્ષ્મબુદ્ધિથી એટલે કે અનેકાંત દૃષ્ટિથી, ધર્મનો અર્થ સમજવો જોઈએ. જો ધર્મબુદ્ધિથી એટલે કે સાંપ્રદાયિક માન્યતાઓથી ધર્મનો અર્થ સમજવાનો પ્રયત્ન થશે તો ધર્મની હાનિ થશે અર્થાત્ ધર્મનો યોગ્ય અર્થ નહીં સમજાય.

‘તપ’ શીર્ષક ધરાવતા આ પ્રથમ નિબંધમાં લગભગ સો વર્ષ પહેલાંનાં એક પુસ્તકમાં પ્રગટ થયેલા મુનિશ્રી જયવિજયજીના લેખને ટાંકવામાં આવ્યો છે. મુનિશ્રીએ એ જમાનામાં લખ્યું હતું: ‘આઠ, દસ કે બાર વર્ષની છોડીઓને વધારે ઉપવાસ કરાવવાથી તેમના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભાશય સંકુચિત થઈ જવાની શકયતા વધી જાય છે. પરિણામે પ્રસૂતિ સમયે ભયંકર પીડા ઉપજી શકે છે અને ક્યારેક મરણાધીન પણ થઈ શકાય છે... અમુક ખાવું કે અમુક ન ખાવું એનું નામ વ્રત નથી. વૃત્તિઓથી વિરામ પામવું એનું નામ વ્રત છે.’

‘ચૌદ ગુણસ્થાન’ની ચર્ચા કરતા બીજા નિબંધમાં લેખકે ગહન વિષયને પ્રજા સુધી પહોંચાડવા માટે ડાકોટા પ્લેન જેવી સુંદર ઉપમાઓ મૂકી છે. સામાયિક પ્રતિક્રમણ વિશે સાદી ભાષામાં વિશ્ર્લેષણ કર્યું છે. આ ઉપરાંત ‘ષડ્ આવશ્યક’, ‘ગણધરવાદ’ અને ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ/ સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિ’ નામના દીર્ઘનિબંધો જૈન ધર્મ પાળતા જિજ્ઞાસુઓને જ માત્ર નહીં પણ જીવનમાં, ધર્મમાં તથા અધ્યાત્મમાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિની આ વિષયની જાણકારીમાં ખૂબ મોટો ઉમેરો કરે છે.

સુરેશ ગાલા માત્ર એક સારા વાચક જ નથી, સારા લેખક પણ છે. ‘મરમનો મલક’ની પ્રસ્તાવના બાંધતાં પુસ્તકના પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી ડૉ. ધનવંત શાહે લેખકની શૈલી વિશે સાચું જ નિરીક્ષણ કર્યું છે: ‘... ભાષા સરળ છે, લેખકે પોતાના વિધાનની પુષ્ટિ માટે મબલખ કાવ્યપંક્તિઓ તેમ જ દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે... અને વાચકપક્ષે એ શિરાની જેમ ગળે ઊતરી જાય છે...’

Friday, April 19, 2013

મન મસ્ત હુઆ તબ ક્યા બોલે - મહેન્દ્ર પુનાતર

મન મસ્ત હુઆ તબ ક્યા બોલે
આનંદ અને ખુશીમાં શબ્દોની જરૂર પડતી નથી, આંખ અને ચહેરા પરના ભાવો બધું કહી દે છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ભગવાન મહાવીરને જ્યારે પરમજ્ઞાન થયું ત્યારે તેઓ આંતરિક ચેતનામાં-મૌનમાં ઊતરી ગયા હતા. જ્ઞાન થાય પછી બોલવાનું રહેતું નથી. પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી. આવા સમયે મહાત્માઓ બોલતા નથી. બોલે તો પણ આપણી સમજમાં આવતું નથી. એટલા માટે તેઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે. જિજ્ઞાસુ હોય તેઓ સ્વયં આવા સંતોના જીવનમાંથી અર્થપૂર્ણ હોય તેવું શોધી લે છે અને જેમને જાણવામાં તેમ જ સમજવામાં રસ નથી અને જેમની આંખો જોઈ શકે તેમ નથી અને જેમના કાન સાંભળી શકે તેમ નથી તેમને કાંઈ પણ કહો તેનો કોઈ અર્થ નથી. કહીએ તો પણ તેઓ પોતાની રીતે રંગો પૂરી લેશે. મન સ્થિર ન હોય ત્યાં સુધી સાચું બોલી શકાતું નથી અને સાચું સાંભળી શકાતું નથી. ચિત્તમાં જે હોય છે તે બહાર નીકળે છે. બોલવામાં થતો બફાટ હકીકતમાં એ ભૂલ જીભની નથી. જીભને ગમે તેટલી કાબૂમાં રાખો, ગમે તેવો દૃઢ સંકલ્પ કરો પણ અંદર જે સળવળતું હોય છે તે પ્રગટ થયા વગર રહેતું નથી. અંદરનો ભભડાટ જીભ દ્વારા બહાર નીકળે છે.

મહાપુરુષોના બોલવામાં અને આપણા બોલવામાં ફરક રહેલો છે. તેઓ જરૂર પૂરતું બોલે છે અને આપણે જે કાંઈ મનમાં આવે તે બોલ્યા કરીએ છીએ. માણસ બોલવા માટેના વિષયો શોધી કાઢે છે અને કોઈ પણ વિષય ન મળે તો હવામાનની વાતો પણ કરી શકે છે. બોલવા કરતાં સાંભળવાનું વધુ મહત્ત્વ છે. સૌ કોઈ બોલે છે, સાંભળવાવાળા બહુ ઓછા છે. માણસ પોતાના સુખની, દુ:ખની, કિસ્મતની, બહાદુરીની, બુદ્ધિની, આવડતની વાત વારંવાર દોહરાવ્યા કરે છે. આમાં બીજા પર પ્રભાવ પાડવાનો અને પોતે કાંઈક વિશેષ છે એવું પ્રતિપાદન કરવાનો આશય હોય છે. માણસ પોતાના વિશે જ્યારે વાત કરે છે ત્યારે જાણ્યે-અજાણ્યે અહંકાર ડોકિયાં કરતો હોય છે.

આપણે જ્યારે આપણી વાત કહેતા હોઈએ ત્યારે મોટે ભાગે બીજાના માટે તેનો કોઈ અર્થ હોતો નથી. આમ છતાં લોકો કાન માંડીને સાંભળતા હોય એવું આપણને લાગે છે. હકીકતમાં જે લોકો કાંઈ બોલી શક્તા નથી તેઓ સાંભળે છે, પણ તેમને આમાં કાંઈ રસ હોતો નથી. બાકીના લોકો બોલવાનો મોકો શોધી રહ્યા હોય છે. તેમને સાંભળવા કરતાં તમારી વાતનો જવાબ આપવામાં વધુ રસ હોય છે. તેઓ સાંભળવામાં નહીં પણ તેમને જે કાંઈ કહેવું છે તેમાં મગ્ન હોય છે. આવા વાર્તાલાપમાં સૌ કોઈ બોલવા ઉત્સુક હોય છે. કેટલાક માણસોને બોલતાં તો આવડતું નથી પણ ચૂપ રહેતાં પણ આવડતું નથી. આ ઘણું મુશ્કેલ છે. અસ્વસ્થ ચિત્ત સાથે ચૂપ રહેવાનું અને સ્વસ્થ ચિત્ત હોય ત્યારે બોલવાનું કઠિન છે. મન શાંત થઈ જાય ત્યારે બોલવાનું રહેતું નથી. મન વિક્ષુબ્ધ હોય ત્યારે વાણી દ્વારા એ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

ઓશોએ કબીરવાણીમાં કબીરનાં પદોને ટાંકીને આ વાતને યથાર્થ રીતે સમજાવી છે...

"મન મસ્ત હુઆ તબ ક્યા બોલે

હીરા પાયો ગાઠ ગઠિયાયો બારબાર બાકો ક્યોં ખોલે

હલકીથી તબ ચઢી તરાજૂ પૂરી ભઈ તબ ક્યું તોલે

સુરત કલારી ભઈ મતવારી મદવા પી ગઈ બિન તોલે

હંસા પાયે માન સરોવર તાલ તલૈયાં ક્યોં ડોલે

તેરા સાહબ હૈ ઘર માંહી બાર નૈના ક્યોં ખોલે

કહે કબીર સુનો ભાઈ સાધો સાહબ મિલ ગયે તિલ ઓલે

‘મન મસ્ત હુઆ તબ ક્યા બોલે.’ જ્ઞાન અને આનંદની મસ્તી હોય ત્યારે કશું બોલવાનું રહેતું નથી. માણસ દુ:ખી હોય ત્યારે બોલતો રહે છે. દુ:ખની વાત અને વલોપાત એક યા બીજા સ્વરૂપે બહાર નીકળતો રહે છે. આનંદિત બને છે ત્યારે ચૂપ અને શાંત બની જાય છે. માણસ પૂરેપૂરો સ્વસ્થ હોય ત્યારે તેને શરીરનો ખ્યાલ રહેતો નથી. તેની તમામ ક્રિયાઓ સ્વાભાવિક બની જાય છે. માથું દુ:ખે છે ત્યારે માથાનો ખ્યાલ આવે છે. પગમાં કાંટો વાગે ત્યારે પગનો ખ્યાલ આવે છે.

મહાન તત્ત્વજ્ઞાની ચ્વાંગત્સુએ કહ્યું છે કે ‘જોડો બરાબર પગમાં આવી જાય તો ખબર પડતી નથી, પરંતુ એ ડંખે ત્યારે પગનો ખ્યાલ આવે છે.’ જે સ્વાભાવિક હોય છે તે આનંદજનક હોય છે અને જે અસ્વાભાવિક હોય છે તે દુ:ખદાયક બને છે. માણસ જ્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ બની જાય છે ત્યારે શરીર, મન અને આત્મા શાંત બને છે. વિવાદના સ્થાને સંવાદ સર્જાય છે. માણસ અંતરમાં ઊતરે તો તેને બહાર કશું શોધવાનું રહેતું નથી. અત્યંત દુ:ખ આવે ત્યારે ગળે ડૂમો બાઝી જાય છે. શબ્દો બહાર નીકળી શક્તા નથી. અત્યંત આનંદમાં ભાવવિભોર બની જવાય ત્યારે શબ્દો આંખમાં આંસુ બનીને સરકી પડે છે. આનંદ વ્યક્ત કરવા માટે ભાષાની, શબ્દોની જરૂર પડતી નથી. જે કાંઈ કહેવાનું હોય તે ભાવ દ્વારા પ્રગટ થઈ જાય છે.

‘હીરા પાયો ગાઠ ગઠિયાયો બારબાર બાંકો ક્યોં ખોલે’ હીરો મળી ગયો. ગાંઠમાં બાંધી લીધો પછી તેને વારંવાર શા માટે ખોલવો? જિંદગીમાં માણસને જે કાંઈ મળી જાય છે તેને વારંવાર તપાસ્યા કરે છે. ભરોસો અને વિશ્ર્વાસ નથી. આ ચાલ્યું તો નહીં જાયને એવો ડર છે. તેને સાચવી રાખે છે. કંજૂસ માણસ જેમ વારંવાર તિજોરી ખોલીને ધનને જોઈ લે અને તૃપ્તિ અનુભવે તેવી આ વાત છે. મેળવવા જેવું બધું મળી ગયું હોય પણ માણસને સંતોષ નથી. સુખ મળે ત્યારે માણસ અડોઅડ ચીપકીને ઊભો રહી જાય છે. સુખથી પણ થોડું અંતર રાખવું જરૂરી છે, કારણ કે એ ચાલ્યું જાય તો પણ તેનું દુ:ખ ઓછું રહે.

‘હલકીથી તબ ચઢી તરાજૂ પૂરી, ભઈ તબ ક્યોં તોલે’ ત્રાજવાનું પલ્લું હળવું હોય છે ત્યારે તે ઉપર રહે છે. જેવું તે ભારે થવા લાગે છે ત્યારે નીચે નમે છે અને જ્યારે પૂરું ભરાઈ જાય છે ત્યારે જમીનને અડી જાય છે. પછી તોળવાનું બાકી રહેતું નથી. આપણી જિંદગી પણ ત્રાજવાના પલ્લા જેવી છે. કાંઈક મેળવીએ ત્યારે નીચે નમીએ તો સારા લાગીએ. વૃક્ષ જ્યારે ફળોથી લચી જાય છે ત્યારે નીચે નમે છે, પરંતુ અહંકારયુક્ત માણસો ભાર વધે છે ત્યારે નીચે નમતા નથી અને પોતાના ભારથી છેવટે તૂટી પડે છે. માણસ એક એક પગથિયું માંડીને સફળતાની સીડી પર ચઢે છે અને ટોચ પર પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી જો અહંકાર અને અભિમાન આવી જાય તો ગબડી પડે છે અને લિફટની જેમ ઝડપથી નીચે સરકી જાય છે. ધન, સંપત્તિ અને સત્તાને જીરવતાં આવડતું જોઈએ. થોડા પૈસા થાય અને જે લોકો કૂદકા મારવા લાગે છે તેમને ગોથું ખાઈ જતાં વાર લાગતી નથી.

એક રીતે જોઈએ તો આપણે જિંદગીમાં તોળવાનું અને માપવાનું કામ કરીએ છીએ. તોળવાનું એટલે બીજાની સાથે સરખામણી કરવાનું. મોટે ભાગે લોકો પોતાને જે કાંઈ મળ્યું છે તેમાં રાજી નથી. સૌની નજર બીજા તરફ છે. શ્રીમંત ગરીબની સરખામણીમાં અમીર છે પણ અતિશ્રીમંત માણસોની સરખામણીમાં તે પણ ગરીબ છે. અહીં શેરના માથે સવાશેર પડેલા છે. કોની સાથે સરખામણી કરીશું, આપણે દશની આગળ હોઈશું તો બીજા દશ આપણી આગળ હશે. ધન, પદ અને પ્રતિષ્ઠા મેળવી લઈશું તો પણ બીજી હજારો ચીજો છે. કોઈ ને કોઈ બાબતમાં આપણે પાછળ રહેવાના જ છીએ.

એક ઝેન ફકીરને કોઈએ પૂછ્યું: તમારા જીવનમાં આટલો આનંદ કેમ છે? ફકીરે કહ્યું: ‘હું જે કાંઈ છું તેમાં રાજી છું. તમે જે કાંઈ છો તેમાં રાજી નથી એટલે દુ:ખી છો,’ કુદરતનાં તમામ તત્ત્વો સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો, વૃક્ષો અને પશુપંખીઓ એકબીજા સાથે સરખામણી કરતાં નથી. માણસ જ એક એવું પ્રાણી છે જે બીજાની સાથે પોતાને તોળીને, માપીને દુ:ખી થાય છે.

‘સુરત કલારી ભઈ મતવારી મદવા પી ગઈ બિન તોલે.’ જીવન આનંદ અને ઉત્સવ છે. એમાં રસને જોખી જોખીને પીવાનો નથી. આ મધુશાલા છે. જેટલું પી શકાય તેટલો રસ માણી લેવાનો છે. ચિંતા અને દુ:ખના બોજા હેઠળ દબાઈને માણસ જીવનનો આનંદ માણી શક્તો નથી. મરીઝના શબ્દોમાં કહીએ તો જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

‘હંસા પાયે માન સરોવર તાલ તલૈયા કયોં ડોલે’ હંસને માન સરોવર મળી જાય પછી એ તુચ્છ વસ્તુ પાછળ શા માટે ભટકે? માણસને એવી સંપદા મળી જાય પછી કોઈ વસ્તુ પાછળ ભટકવાનું રહે નહીં. કોઈ તૃષ્ણા રહે નહીં અને કશું છોડવાની પણ જરૂરત રહે નહીં. આ સંપદા છે- શ્રદ્ધા, વિશ્ર્વાસ અને પ્રભુનું સાંનિધ્ય. માણસ જાગૃત બની જાય તો પરમાત્માનું દ્વાર નજીક જ છે.

‘તેરા સાહબ હૈ ઘર માંહી બહાર નૈના ક્યોં ખોલે.’ જે ભીતરમાં છે તેની આપણે બહાર શોધ ચલાવી રહ્યા છીએ. અંતરમાં ડોકિયું કરવાની કોઈને ફુરસદ નથી. મનુષ્ય જાતિના ઈતિહાસમાં આધ્યાત્મિકતાના શિખર પર પહોંચેલી જે થોડી ઘણી સ્ત્રીઓ છે તેમાં રાબિયાનું નામ મશહૂર છે. એક દિવસ લોકોએ જોયું કે રાબિયા શેરીમાં કશુંક શોધી રહી છે. કોઈએ પૂછ્યું: રાબિયા, શું ખોવાઈ ગયું છે? રાબિયાએ કહ્યું: સોય ખોવાઈ ગઈ છે. એકઠા થયેલા બધા લોકોએ સોય શોધી કાઢવામાં તેને સાથ આપ્યો. ખૂબ મથામણ પછી સોય મળી નહીં એટલે કોઈએ કહ્યું: રાબિયા, સોય ચોક્કસ કઈ જગ્યાએ ખોવાઈ ગઈ છે તે કહે તો તેને શોધી શકાય. રાબિયાએ કહ્યું: સોય અંદર ખોવાઈ ગઈ છે. બધા હસવા લાગ્યા. એક જણે કહ્યું: રાબિયા, તું પાગલ થઈ ગઈ છો. સોય અંદર ખોવાઈ છે અને તું બહાર શોધે છે. રાબિયાએ કહ્યું: તમે જે પ્રમાણે કરી રહ્યા છો તે પ્રમાણે હું કરી રહી છું. તમે જે કાંઈ શોધો છો તે અંદર છે છતાં તમે બહાર શોધી રહ્યા છો. આપણે આનંદને મહેલાતોમાં, મોટરકારોમાં અને સુખસગવડોમાં ખોઈ નાખ્યો છે. આપણે આવ્યા ત્યારે આ બધું સાથે લઈને આવ્યા નહોતા અને જઈશું ત્યારે પણ આ બધું સાથે લઈને જવાના નથી. જે કાંઈ પામીશું તે પ્રેમ અને આનંદ દ્વારા જ મેળવી શકીશું.

‘કહે કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલ ગયે તિલ ઓલે.’ નાની એવી આંખથી આપણે સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો બધું જોઈ શકીએ છીએ. એક નાનો એવો તલ એટલે કે અહંકાર આપણી આંખની આડશ બની ગયો છે એટલે આપણને સાચું કશું દેખાતું નથી. કામ, ક્રોધ, માન, માયા, લોભના તલો આંખની કીકીમાં આડશ બનીને બેસી ગયા છે. એટલે માણસ માણસની આંખમાં સમાતો નથી.

Sunday, April 14, 2013

મોટા માણસોની નાની વાતો- શાહબુદ્દીન રાઠોડ

મોટા માણસોની નાની વાતો
માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં
અબ્રાહમ લિંકન, જ્યોર્જ બર્નાર્ડ શૅા, જૉન ડી. રૉકફેલર, માર્ક ટ્વેઈન, સરોજિની નાયડુ

હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી.

મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’

શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’

મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’

બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’

બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા.

સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’

કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં.

હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’

અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં.

શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો.

આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’

અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’

માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું.

અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’

એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’.

લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો.

પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા
. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં.

સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’

અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’

લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

Friday, April 12, 2013

ચાણક્ય નીતિમાંથી - આશુ પટેલ

કેવો માણસ સુખી રહી શકે?
ભય, શરમ, કુશળતા અને ત્યાગવૃત્તિ ન હોય એવા માણસ સાથે મિત્રતા કરવી જોઈએ
સુખનો પાસવર્ડ - આશુ પટેલ

આપણા દેશમાં ઘણા મહામાનવો જન્મ્યા અને ઈતિહાસમાં તેમની નોંધ લેવાઈ. પણ આપણા મહામાનવોમાં પણ ઉચ્ચ કક્ષાએ મૂકી શકાય એવા મહામાનવ એટલે વિષ્ણુગુપ્ત ચાણકય. લોકો એને ચાણકય નામથી હજારો વર્ષોથી ઓળખતા આવ્યા છે. ચાણકય જેવું વ્યક્તિત્વ હજારો વર્ષમાં ક્યારેક ધરતી પર જોવા મળતું હોય છે. ચાણકયએ હજારો વર્ષો અગાઉ કહેલી વાતો આજે પણ એટલી જ અસરકારક છે. ચાણકય નીતિશાસ્ત્રમાં અમૂલ્ય વિચારરત્નો કહેવાયા છે જે દરેક માણસને જીવનમાં ઉપયોગી થઈ પડે એવા છે. એવી કેટલીક વાતો આજે વાચકો સાથે શેર કરવી છે.

* જેમનામાં સ્વાશ્રયીપણુ, શરમ, ભય, કુશળતા અને ત્યાગવૃત્તિ ન હોય એવા માણસ સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ.

* જે દેશમાં આદર ન મળતો હોય, રોજીરોટી ન મળતી હોય, વિદ્યા ન હોય અને ભાઈ-મિત્રો ન હોય એવા દેશમાં રહેવું ન જોઈએ.

* દેવું કરનારો પિતા, વ્યભિચારી માતા, મૂર્ખ પુત્ર અને સુંદર પણ ઝેરીલી સ્ત્રી મનુષ્યના શત્રુ છે.

* સેવાની જરૂર પડે ત્યારે સેવકની, દુ:ખ પડે ત્યારે ભાઈઓની, મુશ્કેલીમાં મિત્રોની અને વૈભવ નાશ પામે ત્યારે પત્નીની પરીક્ષા થાય છે.

* અત્યંત સીધા સ્વભાવના રહેવું પણ યોગ્ય નથી. કારણ કે સીધાં વૃક્ષો જ પહેલાં કપાતાં હોય છે.

* બે બ્રાહ્મણ, અગ્નિ, પતિ-પત્ની, હળ-બળદ અને

નોકર-માલિક; આ બધાં વચ્ચે થઈને કદી પસાર થવું જોઈએ નહીં.

* અધમ માણસ ધનને ઈચ્છે છે, મધ્યમ કક્ષાનો માણસ ધન અને માન બંને ઈચ્છે છે, પરંતુ મહાત્મા માત્ર ઉત્તમ માનને ઈચ્છે છે. કારણ કે માન જ મહાત્માઓનું ધન છે.

* અન્ન અને ધનની આપ-લેમાં, વિદ્યાનો સંચય કરવામાં અને ખોરાકમાં તેમ જ વ્યવહારમાં જે માણસ શરમ નહીં રાખે એ સુખી રહેશે.

* બુદ્ધિશાળી માણસો સંપત્તિના નાશની, માનસિક સંતાપની, પત્નીના ખરાબ ચારિત્ર્યની, નીચ માણસે કહેલી વાતો તથા પોતાના અપમાનની વાત જાહેર કરતા નથી.

* જેની પત્ની દુષ્ટ હોય, મિત્ર ધૂર્ત હોય, નોકર સામે જવાબ આપનારો હોય અને જેના ઘરમાં સાપ રહેતો હોય તેને મૃત જાણવો.
* રાજ્ય ન રહે તો સારું પણ કુરાજ રહે તે સારું નથી. એ જ રીતે મિત્ર ન હોય તો વાંધો નહીં, પણ દુષ્ટ મિત્ર હોવો ખરાબ છે. શિષ્ય ન હોય તો વાંધો નહીં પણ જેની નિંદા થતી હોય એવો શિષ્ય ન હોય એ જ સારું છે. સ્ત્રી (પત્ની) ન રહે તો સારું પણ દુષ્ટ પત્નીનો સહવાસ સારો નથી.

* આતુર થઈએ ત્યારે, દુકાળના સમયમાં દુશ્મનો ત્રાટકે ત્યારે, રાજ્યની સામે જવાનું થાય ત્યારે અને સ્મશાનમાં પણ જે સાથે રહે તે બંધુ કહેવાય.

* મનની વિચારેલી વાત જાહેર ન કરવી જોઈએ, પરંતુ મંત્રણા દ્વારા ગુપ્ત રાખવી જોઈએ અને છૂપી રીતે યોગ્ય સમય આવે ત્યારે એ યોજના અમલમાં મૂકવાથી એ યોજના સફળ નીવડે છે.

* પોતાનો સમય કેવો છે, પોતાનો મિત્ર કોણ છે, પોતાનો દેશ કેવો છે એના ઉપર માણસે ધ્યાન રાખવું જોઈએ. લાભ અને નુકસાન સતત ચકાસવા જોઈએ અને પોતાનામાં શક્તિ છે એવું સતત માનવું જોઈએ.

* જે મનુષ્ય ખરાબ આચરણવાળો હોય, વ્યભિચારી હોય, ખરાબ સ્થાનમાં રહેનારો હોય અને દુર્જનોની દોસ્તી રાખતો હોય એનો અકાળે નાશ થાય છે.

* અભ્યાસથી વિદ્યાની, સુશીલતાથી કુળની, ગુણથી સારા માણસની અને આંખથી ક્રોધની ખબર પડે છે.

* આળસથી વિદ્યા, બીજના અભાવથી ખેતી, બીજાના હાથમાં પડવાથી ધન અને સેનાપતિ વિના સૈન્ય નાશ પામે છે.

* કામ-ધંધો કરવાથી ગરીબી રહેતી નથી, મૌન રહેવાથી કજિયો નથી થતો અને જાગૃત માણસ પાસે ભય નથી રહેતો.

* દુર્જન અને સાપમાંથી એકની પસંદગી કરવાની હોય તો સાપ સારો. કારણ કે સાપ તો કાળ (એટલે કે મોત) આવે ત્યારે કરડે છે. પણ દુર્જન ડગલે ને પગલે ડંસતો રહે છે.

* દયા વિનાના ધર્મનો ત્યાગ કરવો જોઈએ, વિદ્યાહીન ગુરુને છોડી દેવા જોઈએ, ક્રોધી સ્ત્રીની સોબત છોડી દેવી જોઈએ અને જ્યાં પ્રેમબંધન ન હોય એવા ભાઈઓનો ત્યાગ કરવો જોઈએ.

* મેઘજળ સમાન ઉત્તમ અન્ય કોઈ જળ નથી, પોતાના બળ સમાન બીજું કોઈ બળ નથી, નેત્ર સમાન કોઈ તેજ નથી અને અન્ન સમાન બીજી કોઈ પ્રિય ચીજ નથી.

Wednesday, April 10, 2013

હું અને મારું- મહેન્દ્ર પુનાતર

‘હું અને મારું’ જીવનનું મોટું બંધન: માણસનો સૌથી વધુ સંઘર્ષ પોતાની સાથે
જીવનમાં બધું છૂટી જાય તો પણ આ સૂક્ષ્મ અહંકારથી છુટકારો મળતો નથી. હું કાંઈક છું એવું માનીએ એટલે તેનાં બીજ વવાઈ જાય છે. ધનવાનનો અહંકાર છે મેં પ્રાપ્ત કર્યું. ત્યાગીનો અહંકાર છે મેં છોડી દીધું. એકનો અહંકાર દેખાય છે, બીજાનો દેખાતો નથી

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

‘આગ ઉપર ચાલવાનું નામ આ સંસાર છે

થઈ શકે જો એટલો નિર્ણય તો બેડો પાર છે

વિશ્ર્વમાં કુદરતની લીલાનો ભલા ક્યાં પાર છે

તારી દૃષ્ટિ શું જુએ છે એ ઉપર આધાર છે

સર્વથી તું શ્રેષ્ઠ છો એ ગર્વમાં રહેતો નહીં

આપણાથી શ્રેષ્ઠ લોકો જગમાં અપરંપાર છે

કોઈનું દિલ તોડવાની વાત કરશો નહીં કદી

જીભ તો કાબૂમાં રાખો જીભ તલવાર છે

ક્યાંથી આવે છે હવા કેવો હવાનો રંગ છે

વિજ્ઞાનીઓને પૂછીએ કે એનો કયો આકાર છે

કોણ પ્રગટાવે છે રાતે આ કરોડો તારલા?

કો’ અદીઠી આજ્ઞાનો કેટલો સહકાર છે

કેટલો આભાર માનું, કેટલું વર્ણન કરું

આઝાદ મારા પર તો ઈશ્ર્વરના ઘણા ઉપકાર છે.’

કુતુબ ‘આઝાદ’ની આ રચનામાં જીવનનો મર્મ સમજાવાયો છે. સંસારમાં રહીએ છીએ તો અનેક પ્રશ્ર્નો, મુશ્કેલીઓ અને આંટીઘૂંટીઓ ઊભી થવાની છે. માણસે આ બધાનો સામનો કરવાનો છે. બધું આપણી મરજી મુજબ થવાનું નથી. સંસારની આગમાં માણસે તપીને, નક્કર થઈને બહાર આવવાનું છે.

આપણે સૌ ઈશ્ર્વરની રચનાના અંશમાત્ર છીએ. કુદરતે ચોમેર તેનો જાદુ પાથર્યો છે, પણ તેને સમજવાનું મુશ્કેલ છે. આપણે તેનો કઈ રીતે સાક્ષાત્કાર માણીએ છીએ તે આપણા પર આધારિત છે. કોઈ પણ જાતના માન, અભિમાન અને અહંકાર વગર જો જાગીને જોઈએ તો તે અતિસુંદર છે. આપણો અહમ્ આપણને સારું જોવા અને સમજવા દેતો નથી. આપણે માનીએ છીએ કે આપણા જેવું કોઈ નથી. આ કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિ છે. બહાર નીકળીને જોઈએ તો ખ્યાલ આવે કે ધસમસતી નદીમાં આપણે એક નાના તણખલા જેવા છીએ. જિંદગી પ્રેમ, મૈત્રી, સંપ અને સહકારથી ચાલે છે. આપણે જાણ્યે-અજાણ્યે તિરાડો ઊભી કરીએ છીએ અને કડવાં વચનો દ્વારા બીજાના દિલને દૂભવીએ છીએ. મનુષ્યમાત્ર રોટીથી જીવતો નથી. પ્રેમ, મૈત્રી, સૌંદર્ય, સંવાદિતા, સચ્ચાઈ, ભલમનસાઈ, પરિશ્રમ, વિશ્રામ, પૂજા, અર્ચના અને આરાધના તેને જીવંત રાખે છે. ઊંચા પર્વતો, કલકલ વહેતાં ઝરણાંઓ, પક્ષીઓનો કલરવ, આકાશમાં ટમટમતા તારલાઓ મનુષ્યને નવું જીવન બક્ષે છે.

ઈશ્ર્વરે આપણને મબલખ આપ્યું છે, પણ આપણને સંતોષ નથી. કુદરતે જે આપ્યું છે તે છોડીને કૃત્રિમ રીતે જીવીએ છીએ. દંભ, માન-અભિમાન અને પૂર્વગ્રહના કોચલામાં આપણે સીમિત થઈ ગયા છીએ. દરેક માણસ વધતેઓછે અંશે અહંકારથી પીડાય છે. કોઈને ધનનું, કોઈને તનનું, કોઈને પદનું તો કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણી જાતને બીજાથી ચડિયાતા માનીએ એટલે અહંકારના બીજ વવાઈ જાય છે. જ્ઞાનનો અને ત્યાગનો પણ માણસને અહકાર હોય છે. અહંકારી માણસને કોઈનું સારું દેખાતું નથી. કોઈ પોતાનાથી જરાક આગળ નીકળી જાય તો ઈર્ષ્યા થાય છે. કોઈ તેની વાત ન સાંભળે કે તેના હુકમને તાબે ન થાય તો રોષ ઊભો થાય છે. માન-સન્માન ન થાય, આવકાર ન મળે અને ઊંચા આસને બેસવા ન મળે તો માઠું લાગી જાય છે. જેટલો અહંકાર વધે છે તેટલા તેના સુખ-ચેન અને શાંતિ હણાઈ જાય અને માણસ અંદરથી સળગ્યા કરે છે. હું કાંઈક છું એવો ખ્યાલ તેના દુ:ખનું કારણ બની જાય છે. કોઈ માન આપે, ઊંચા આસને બેસાડે કે આદર-સત્કાર કરે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ બધું શાના માટે છે? ધન, પદ અને સત્તાના કારણે આવાં માન મળતાં હોય છે. આ બધું ન રહે ત્યારે માણસો મોઢું ફેરવી લે છે. એટલે આ માટે અભિમાન રાખવાનું કોઈ કારણ નથી.

સ્વાર્થના પાયા પર આ દુનિયા રચાઈ છે. દરેક માણસ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે. કહેવાય છે કે ‘સગા સૌ સ્વાર્થનાં’ સ્વાર્થ હોય ત્યારે દૂરના પણ સગા જેવા બની જાય છે અને સ્વાર્થ પૂરો થઈ જાય, માણસ પાછો પડી જાય ત્યારે નજીકનાં સગાંઓ પણ દૂર ભાગે છે. માણસ પાસે સત્તા, ધન, દોલત, સંપત્તિ હોય અને તેનો સિતારો બુલંદ હોય ત્યારે મિત્રો, સગાંસંબંધીઓ અને કહેવાતા હિતેચ્છુઓ મધમાખીની જેમ વીંટળાયેલાં રહે છે. ખુશામતખોરો ટોળે વાળે છે, પણ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આ બધા ક્યાં અલોપ થઈ જાય છે તેની ખબર પડતી નથી. માણસે સારો સમય હોય ત્યારે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ. સાચા માણસોને ઓળખવા જોઈએ અને કોઈ પણ જાતના અભિમાનથી દૂર રહેવું જોઈએ. સુખ અને દુ:ખમાં સમભાવ કેળવવો જોઈએ. જેના માટે આપણે ગર્વ કરીએ છીએ તેનો કોઈ ભરોસો નથી. આજે આપણી પાસે આ બધું છે. કાલે ન પણ હોય. તો ઘમંડ શા માટે? જીવનમાં જે કાંઈ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે તેમ સમજીને ચાલીએ અને આમાં મારું કશું નથી એવો ભાવ રાખીએ તો જીવન સરળ બની જાય. અહંકારને નાબૂદ કરવાનો અને સમભાવ કેળવવાનો એક રસ્તો એ છે કે ‘હું ના બિંદુમાં તું’ દેખાવા લાગે. હું અદૃશ્ય થઈ જાય અને તું દેખાવા લાગે. કોઈએ કહ્યું છે તેમ ‘ઔરોં મેં ખુદ કો ખો કર, મૈકો ઢૂંઢના, ઝિંદગી ઉસી કા નામ હૈ.’ ભગવાન મહાવીરે પણ આ જ બોધ આપ્યો છે. તેમની સાધનાની આખરી કડી ‘કેવળ જ્ઞાન’ છે. કેવળ જ્ઞાન એટલે જ્ઞાની ન રહે માત્ર જ્ઞાન રહે, જાણનારો ન રહે માત્ર જાણકારી રહે, કરનારો ન રહે માત્ર કામ રહે, કર્તા રહે નહીં માત્ર કર્મ રહે.’

માણસ બધું છોડી દે અને ત્યાગી બની જાય તો પણ આખરી સૂક્ષ્મ અહંકાર ‘હું’ છે. બધું છોડી દીધા પછી પણ આ ભાવ રહી જાય છે. ધનવાનનો અહંકાર છે ‘મેં પ્રાપ્ત કર્યું છે.’ ત્યાગીનો અહંકાર છે ‘મેં ત્યાગ કર્યો છે.’ ફરક માત્ર એટલો છે ધનવાનનો અહંકાર દેખાય છે, ત્યાગીનો અહંકાર દેખાતો નથી. ધનવાનો કહે છે આ મારું ધન છે, આ મારી મહેલાતો છે. ત્યાગીઓ કહે છે, આ મારો સંપ્રદાય છે. આ મારો આશ્રમ છે, આ મારું મંદિર છે, આ મારું તીર્થ છે. બધું કાંચળીની જેમ ઊતરી જાય તો પણ હું અને મારું રહી જાય છે. સંસારીઓ મહેલો બાંધે છે અને ત્યાગીઓ આશ્રમો. સંસાર અને સંન્યાસ બંનેમાં ઢોલનગારાં અને ધામધૂમ છે. અહંકારનું ઈંધણ છે. વસ્તુઓ છોડી દેવાથી ત્યાગી બનાતું નથી. મનની અંદરથી બધી વસ્તુઓ છૂટી જવી જોઈએ. સંન્યાસીઓ ત્યાગ કર્યા પછી અહીં અટકી જાય છે. હું અને મારું તેમનું સૌથી મોટું બંધન છે. અહંકાર ત્યાગનું મહોરું પહેરી લે છે ત્યારે તે દેખાતો નથી. બહારની દુનિયા અને અંદરની દુનિયા જુદી હોય છે. દરેક માણસ એક બીજો ચહેરો લઈને બેઠેલો છે. એટલે તે ખરા સ્વરૂપમાં દેખાતો નથી. કોઈએ ધનનો, કોઈએ જ્ઞાનનો, કોઈએ સજ્જનતાનો, કોઈએ દયાનો તો કોઈએ કરુણાનો અંચળો ઓઢેલો છે. આપણે સાધારણ લોકો છીએ. ઉપરથી નકાબ લગાવીને આપણે એકબીજાને બનાવીએ છીએ. બહાર દેખાતું બધું અસલી નથી. કોઈનો ડ્રોઈંગ રૂમ જોઈને તેના ઘરનો ખ્યાલ આવી શકે નહીં. ડ્રોઈંગરૂમ બીજાને બતાવવા માટે સજાવેલો હોય છે. આવા જ સજાવેલા માણસના ચહેરાઓ છે.

ઘર તો એ છે જ્યાં માણસ જીવે છે, સૂએ છે, ઝઘડે છે, ખાય છે, પીએ છે. સુખ-દુ:ખનો અનુભવ કરે છે. આ બધું સાધારણ છે. આ જિંદગી છે તેનો આ અસલી રંગ છે. ઉપરથી રંગના થપેડા કરવાની જરૂર નથી. અને આ લાંબો સમય ટકે પણ નહીં. અંદરથી જે વસ્તુ પ્રગટ થાય છે તે સ્વાભાવિક છે. બહારથી જે થોપાય છે તે કૃત્રિમ છે. આપણે જિંદગીના મોટા અસલી ભાગને અંધારામાં ધકેલી દઈને કામનું નહીં એવું થોડું જીવીએ છીએ. અંધારા પાછળ ધકેલાઈ ગયેલી જિંદગી આપણને સતત ધક્કા મારતી રહે છે અને કહેતી હોય છે મને જીવવાની તક આપો. પણ માણસ વાઘા ઉતારી શકતો નથી અને તેને જોરથી અંદર ધક્કા મારતો રહે છે. આમ આખી જિંદગી સંઘર્ષમાં વીતી જાય છે. માણસને પોતાની રીતે કદીક જીવવાનું મન થાય છે, પરંતુ આભાસી જીવનમાંથી બહાર નીકળવાની તેની હિંમત નથી. આ વિરોધાભાસના કારણે માણસ પોતાની સામે લડવામાં હારી જાય છે.

માણસ સૌથી વધુ દુ:ખ અને કષ્ટ પોતાને આપે છે. બહાર કરતાં સૌથી વધુ હિંસા અને દમન પોતાના પર કરે છે. સીધોસાદો માણસ જે સરળતાથી જીવે છે, તે કશાથી ડરશે નહીં. જેણે કદી ખોટું કર્યું ન હોય, કોઈનું દબાવ્યું ન હોય, છુપાવ્યું ન હોય તેને ડર શેનો? આપણે ભયભીત છીએ એટલા માટે કે ખોટી રીતે જીવીએ છીએ. આપણે અંદરથી બીમાર છીએ, વિક્ષિપ્ત છીએ અને મનથી ભાંગેલા છીએ. જે માણસ બહારથી અને અંદરથી સ્વસ્થ હોય તેને ડરવાનું કોઈ કારણ નથી. આપણે આપણી રીતે ચાલવાનું છે. આપણે સુખી થવું કે દુ:ખી તે આપણા હાથની વાત છે. આ અંગેની ઓશોની કથાનો મર્મ સમજીએ...

એક બહુ મોટો જ્યોતિષી હતો. એ જે કાંઈ કહેતો તે બરાબર બનતું તેની કોઈ વાત ખોટી ઠરતી નહીં. એ જે બનવાનું છે તે સાચું કહેતો એટલે ગામના લોકો તેનાથી પરેશાન હતા. ગામના બે યુવાનોએ વિચાર્યું કે આ માણસને એક વખત તો ખોટો પાડવો. તેઓ પોતાના મોટા ઓવરકોટની અંદર એક કબૂતરને છૂપાવીને જ્યોતિષીની પાસે ગયા અને કહ્યું અમે આપને પૂછવા આવ્યા છીએ કે આ કબૂતર જીવતું છે કે મરેલું? તેઓ નક્કી કરીને આવ્યા હતા કે જ્યોતિષી જો જીવતું છે એમ કહે તો અંદરથી તેની ગરદન મરડી નાખવી અને મરેલું કબૂતર કાઢવું અને જો તે કહે મરેલું છે તો જીવતું કબૂતર કાઢવું, ગમે તમે પણ જ્યોતિષીને ખોટો પાડવો.

વૃદ્ધ જ્યોતિષીએ ઉપરથી નીચે નજર કરી અને યુવાનોના ચહેરાઓ જોઈને તે વાતને કળી ગયા કે આ યુવાનો તેમને બનાવવા માટે આવ્યા છે. તેણે કહ્યું, ‘કબૂતર નથી જીવતું કે નથી મરેલું. આ તમારા હાથની વાત છે.’ આ જ રીતે જિંદગી કેવી રીતે જીવવી તે આપણા હાથની વાત છે. આપણે મરી મરીને જીવવું છે કે જીવીને મરવું છે તે આપણે નક્કી કરવાનું છે.

Sunday, April 7, 2013

શાહો-બાદશાહોની તઘલખી દુનિયા -સુનીલ મેવાડા

શાહો-બાદશાહોની તઘલખી દુનિયા
વાત એવા રાજાઓની જે આપખુદ તો હતા જ, પણ ઇશ્ર્વરથીય પોતાને સર્વોપરી માનતા
સુનીલ મેવાડા

ઇતિહાસ એવો વિષય છે જેની વાત કરવા માટે કોઇ સીઝન નથી હોતી, અને રીઝન પણ નહીં. સિવાય કે વાત કરનાર અને સાંભળનાર ઇતિહાસપ્રેમી હોય! એ વાતમાં બેમત નથી કે આજનું વાતાવરણ કહેવાતા સત્તાધીશોના રાજમાં પણ અરાજકતાથી પીડાઇ રહ્યું છે. ત્યારે યાદ આવે છે ઇતિહાસનાં પાનાંમાં છુપાઇ ગયેલા દેશદુનિયાના ઘણા એવા રાજાઓની જે ખરા અર્થમાં પ્રજાના રાજા હતા, બાદશાહ હતા અને પોતાની રાજ્યસત્તાને જ નહીં, પરંતુ રાજ્યને પણ અને સત્તાને પણ પ્રેમ કરતા હતા. એ રાજાઓના ઉલ્લેખ સાથે મનમાં એવાય ઘણા રાજાનાં ચિત્રો આવી જાય છે જેમનાં નામ પોઝિટિવ કરતાં નેગેટિવ વાતો માટે વધારે જાણીતાં બન્યાં હોય. એવાં અમુક નામોની વાત આજે કરવી છે.

ભારતમાં મધ્યકાળ(મેડીવલ પિરિયડ)ની દિલ્હી સલ્તનતના રાજાઓ પર ઘણું લખાયું છે તેમની રસપ્રદ કથાઓ માંડીએ તો ક્યાંય અંત દેખાતો નથી. તેમાંના એક સુલતાન મહંમદ બિન તુઘલકનું નામ જાણીતું છે એની બદકિસ્મતી માટે! તેના મહત્ત્વાકાંક્ષી નિર્ણયોના દર વખતે ઊંધા પરિણામો આવતાં, અને તેથી આપણા અમુક નિર્દય ઇતિહાસકારોની મહેરબાનીથી તેને ‘મહંમદ ગાંડો’ જેવું ઉપનામ મળી ગયું! રાજધાનીની બદલી અને ચલણી નાણાંને વપરાશમાં લાવવાની તેની મહત્ત્વકાંક્ષી યોજના તદ્દન નિષ્ફળ રહ્યી સાવ નજીવાં કારણોથી! હકીકતમાં મહમદ બિન તુઘલક અત્યંત પ્રતિભાશાળી અને દીર્ઘદ્રષ્ટા સુલતાન હતો. તેની યોજનાઓની સમસ્યાએ હતી કે તે મધ્યકાળમાં આધુનિક હતી. સુલતાન મહંમદ બિન તુઘલક વિશે એક ઇતિહાસકારે બહુ સરસ લખ્યું છે કે ‘હી વોઝ બોર્ન બિફોર હિઝ ટાઇમ!’

મહંમદ તુઘલક પહેલાં સત્તા પર હતા ખીલજી. ‘માર્કેટ રિફોર્મ્સ’ના પ્રણેતા ગણાતા અલ્લાઉદ્દીન ખીલજીને ખૂબ જ ક્રૂર અને ઘાતકી સુલતાન લેખવામાં આવે છે, તેની ક્રૂરતા તપાસવા એક જ ઉદાહરણ પર્યાપ્ત છે: તેના રાજ્યમાં કોઇ વેપારી દાણચોરી કરતાં પકડાય તો તેણે જેટલા વજનના અનાજાદિનો ગોટાળો કર્યો હોય એટલા જ વજનનું માંસ એના શરીરમાંથી કાઢી નાખવામાં આવતું...! ભારતના મધ્યકાળમાં સૌથી મોટો રસ તો સ્લેવ ડાયનેસ્ટીમાં પડે એવો છે. એના અભ્યાસ પછી તો ગંડુ રાજાના ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ના ન્યાયમાં જરીકે અતિશયોક્તિ ન લાગે. સ્લેવ ડાયનેસ્ટીની ખાસિયત હતી કે એમાં એક પછી એક સુલતાન તેમના ગુલામોને પદાધિકાર આપતા ગયા અને સુલતાન બનાવતા ગયા! તેમાંનું એક રોચક નામ છે ઝિયાસ ઉદ્દીન બાલબન. તે બાદશાહ ઇલ્તુતમિશનો ગુલામ હતો પણ તેને મહત્ત્વનાં સુકાન મળ્યાં હતાં સુલતાન કુતુબુદ્દીન ઐબકના હુકમથી- જેનો ઇલ્તુતમિશ ગુલામ હતો! એ બાલબન જાણીતો છે એની ‘કિંગશિપની થિયરી’ માટે, જેના પ્રમાણે એની સત્તા દૈવીય તત્ત્વની ઇચ્છાથી પ્રસ્થાપિત થઇ છે અને કોઇ માણસને એના વિશે અભિપ્રાય આપવાનો હક્ક નથી. એની માન્યતાઓ ભયંકર હતી. તે માનતો હતો કે ‘કિંગશિપ’એ દૈવીય વસ્તુ છે એનું માન જળવાવું જોઇએ. એ જાહેરમાં, મહેલમાં કે કોર્ટમાં(જ્યાં ધર્મપ્રધાનો સાથે બેસી ચર્ચા થતી) ક્યારેય હસતો નહીં. લોકોને, પ્રધાનોને કે બીજા કોઇને જલદી મળતો નહીં. અનિવાર્ય સંજોગોમાં જ કોર્ટમાં આવતો, તેની કોર્ટમાં પ્રધાનોને હસવાની સખ્ત મનાઇ રહેતી. અને બહુ સખ્તાઇથી માનતો કે સુલતાને આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ કે ઉદાસી જેવા કોઇ ભાવ પ્રદર્શિત ન કરવા અને ચહેરો ગંભીર જ રાખવો જોઇએ. પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પણ બાલબનના ચહેરાની રેખાઓ હલી ન હતી. આવા બાલબન માટે ઘણા મજાકિયાઓ ગીતાનો સ્થિતપ્રજ્ઞ વિશેનો ‘સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા... કિમ્ પ્રભાષિત... કિમ્ આસીત... વ્રજેત કિમ્...’વાળો શ્ર્લોક અવળચંડાઇથી યાદ કરતા હોય છે! બાલબનને ‘ભારતીય કેલીગુલા’ ન કહી શકાય? ઘણા લોકોએ આ રોમન સમ્રાટનું નામ તો સાંભળ્યું જ હશે. કેલીગુલા પણ પોતાને ભગવાન માનતો હતો, દેવપ્રતિમાઓના માથા પડાવીને પોતાનું માથું કોતરાવતો. પોતાની મૂર્તિઓ બનાવડાવતો, મંદિરો બંધાવતો તેણે પોતાના એક મંદિરમાં એક ઘોડાને પૂજારી તરીકે નિયુક્ત કર્યો હતો. તે એટલો સનકી હતો કે એક જગ્યાએ તો એવો સંદર્ભ છે કે તે મનોરંજન માટે રાજ્યના કેદીઓ સિંહોને ખવડાવી દેતો, એ પણ જાહેર કાર્યક્રમ જેવું આયોજન કરીને! એક વાર કેદીઓ ખૂટી પડ્યા, તો પ્રક્ષક તરીકે આવેલા લોકોની ભીડમાંથી અડધાને પકડીને સિંહ સામે નાખી દેવાનો તેણે આદેશ આપી દીધો. એનું એકમાત્ર કારણ હતું: તે કંટાળી રહ્યો હતો!

ભારતમાંથી બહાર નીકળી દુનિયાની લટાર મારીએ તો પણ રાજાઓની અચરજ ભરેલી વાતો ઓછી પડે એમ નથી. ચીનની દીવાલ ‘છાંગ છાંગ’(ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના)થી તો બધા જ પરિચિત હશે, તે બાંધવાની જેણે શરૂઆત કરેલી તે રાજા, નામે શી હુઆંગ ડી કેટલો ધૂની હશે એની કલ્પના કરવી ઘટે! ઉત્તરમાંથી થતાં આક્રમણોના ભયે શી હુઆંગ ડીને આ વોલ બનાવવા પ્રેર્યો હતો. એ સમયે તેણે ફર્સ્ટ વર્લ્ડ વોરની જેમ ‘લેટ ધ ફર્સ્ટ વર્લ્ડ વોલ બિગેઇન!!’ જેવો સૂત્રોચ્ચાર કર્યો હોવો જોઇએ, કારણ કે તેના રાજમાં કોણે કેવી હેરસ્ટાઇલ રાખવી તે પણ એ પોતે નક્કી કરીને કહેતો! આખેઆખા પર્વતો રંગી દેવાના આદેશોથી તેના સૈનિકોને આશ્ર્ચર્ય ન થતું, અમુક વાર કોઇ ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થવાનું બન્યું હોય અને આંધી નડતી હોય તો તેના સૈનિકોએ સંપૂર્ણ જંગલ જ કાપી દેવાના આદેશનું પાલન કરવું પડતું! ચીનની મહા-દીવાલ બાંધવાની તો એણે શરૂઆત જ કરેલી પણ એના જેવું જ પ્રચંડ બાંધકામ એણે કરાવેલું અને એ હતી એની પોતાની કબર! એણે પોતાના ‘નિર્વાણ’ માટેની વ્યવસ્થામાં કબરની આસપાસ ૭૦૦૦ સૈનિકો તહેનાત રાખ્યા હતા (અધધધ સૈનિકો... ટેરાકોટાના)! આ સૈનિકોને ‘ટેરાકોટા આર્મી’ કહેવામાં આવે છે અને તે દુનિયાની આઠમી અજાયબી પણ મનાય છે. ચીનના આ રાજા વિશેની ઘણી ભયંકર વાતો હચમચાવી મૂકે એવી છે. ક્ધફ્યુસિનિઝમ ચીનનું અભિન્ન અંગ છે પણ શી હુઆંગ ડીએ તે બંધ કરાવ્યું હતું. એકચક્રી શાસનમાં માનતા આ રાજાએ સમગ્ર રાજ્યમાંથી દૈવીય અને ઔષધીય વિષયક છોડીને તમામ ગ્રંથો બાળી નખાવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તેના રાજ્યકાળની સરખામણી ઇતિહાસના (અલબત્ત, ચીનના જ) કોઇ રાજ્યકાળ સાથે ન થાય અને ચીનનો ઇતિહાસ તેની ડાયનેસ્ટીથી જ શરૂ થવો જોઇએ એવું તે ચાહતો હતો. ફક્ત પોતાની ક્વીન ડાયનેસ્ટીના ઇતિહાસનાં જ પુસ્તકો તેણે જાળવ્યાં હતાં, અને બીજી એક વાત કે પ્રતિબંધિત ગ્રંથો સાથે પકડાયેલા ૪૬૦ જેટલા વિદ્વાનોને જીવતા જ દાટી દીધા હતા.

ફ્રાન્સમાં જે નોર્મન (નોર્થથી આવેલા લોકો) તરીકે ઓળખાય છે તે વિકિંગ્સ યુરોપના ભયંકર યોદ્ધાઓ હતા. આજનું નોર્મેન્ડી આ નોર્મનો દ્વારા જ સ્થપાયું હતું. કિંગ કેનેટ ધ ગ્રેટ એ જ ભયાનક વિકિંગ્સ યોદ્ધાઓમાંનો એક હતો અને તે માનતો હતો કે પોતે ભરતી રોકવાની શક્તિ ધરાવે છે. તેથી તે તેનું રાજસિંહાસન લઇને દરિયાકિનારે બેસતો અને મોજાંને પાછા વળવાના આદેશો આપ્યા કરતો. તે કહેતો રાજ્યમાં રાજા જ સર્વેસર્વા હોવાથી પોતાના રાજ્યનાં ઝાડપાન, માટી, પથ્થર બધાંએ રાજાનો હુકુમ માનવાનો જ હોય. પછી તે દરિયો હોય તો શું થયું??!

રાજાશાહીમાં વારસાગત પદાધિકારીની ક્ધસેપ્ટ સૌથી પહેલાં અરબના દ્વિપમાં રાજા સેરગોન દ્વારા શરૂ કરવામાં આવી એવું મનાય છે. પ્રાચીનકાળના ઇતિહાસમાં જેની ગણના ગ્રેટેસ્ટ કિંગ્ડમ્સમાં થાય છે તે અક્કાડિયન એમ્પાયર રાજા સેરગોને સ્થાપેલું. સેરગોન વિશે એકથી વધારે માન્યતાઓ છે પણ તેની આધારભૂત વાર્તા કંઇક આવી છે: સેરગોન આમ તો એક સામાન્ય ગાર્ડનર હતો, કંઇક ગરબડથી તે રાજાનો ખાસ સેવક બન્યો. રાજાએ તેને બીજી જગ્યાએ કામ કરવા મોકલ્યો અને એક દિવસ એને ભ્રમ થયો કે દેવી ઇશતાર એને આવીને આશિર્વાદ અને શક્તિ આપી ગયાં છે કે આ દુનિયા પર તારે રાજ કરવાનું છે જા! તેથી સેરગોનભાઇ તો ઉત્સાહિત થઇને ઊપડી ગયા લડવા... અને લડતાં લડતાં રાજા પણ બની ગયા!!

રાજાઓ-બાદશાહો વિશેની આવી વાતો તો બેહિસાબ છે. ઇતિહાસમાં વિલીન થઇ ચૂકેલા સત્તાધીશો વિશે આવી આવી હકીકતો જાણ્યા પછી થાય છેને મન ફરી રાજા-મહારાજા, શાહો-બાદશાહોની દુનિયામાં ખોવાઈ જવાનું?

-----------------

મોજાં રોકવા દરિયાકિનારે બેસી ગયેલો કિંગ કેનેટ - શી હુઆંગ ડીની કબર, જ્યાં આજે પણ ઊભેલા છે ૭૦૦૦ માટીના સૈનિકો

જન ગણ મન અધિનાયક કોણ? - સંજય વોરા

જન ગણ મન અધિનાયક કોણ?
કવીવર રવીન્દ્રનાથ ટાગોરે શું પંચમ જ્યોર્જની પ્રશસ્તિ કરવા માટે આ ગીતની રચના કરી હતી?
સ્પોટ લાઈટ - સંજય વોરા

આપણા રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક’માં ‘સિંધ’ શબ્દ અંગે એક વિવાદ ચાલી રહ્યો છે. ઇ. સ. ૧૯૧૧માં રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતની રચના કરી ત્યારે સિંધ પ્રાંત અખંડ ભારતનો એક હિસ્સો હતો. આજે સિંધ પાકિસ્તાનમાં છે. તો પછી રાષ્ટ્રગીતમાંથી ‘સિંધ’ શબ્દ કાઢી નાખવો જોઇએ કે નહીં? તેનો વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે. જોકે ભારતમાં રહેલા સિંધીઓ આવા કોઇ પણ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમના માટે આ સંવેદનાત્મક મુદ્દો છે. તેઓ હિન્દુ હોવાના કારણે સિંધમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. હવે આપણા રાષ્ટ્રગીતમાંથી પણ તેમની માતૃભૂમિની હકાલપટ્ટી થઇ જાય એ તેમને મંજૂર નથી.

ભારતના રાષ્ટ્રગીત વિશે આજે જેવો વિવાદ ચાલી રહ્યો છે તેનાથી કંઇક અલગ પ્રકારનો વિવાદ ઇ. સ. ૧૯૧૧થી ૧૯૩૭ સુધી ચાલ્યો હતો. ત્યાર પછી ઇ. સ. ૧૯૪૭માં ભારત જ્યારે આઝાદ બન્યું અને નવું રાષ્ટ્રગીત પસંદ કરવાનો અવસર આવ્યો ત્યારે પણ આ વિવાદે માથું ઊંચક્યું હતું. આ વિવાદ અને તેના મુદ્દા વિશે આપણી આજની નવી પેઢીને ભાગ્યે જ કોઇ જાણકારી હશે.‘જન ગણ મન અધિનાયક’ ગીતની રચના કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ઇ. સ. ૧૯૧૧માં કરી હતી. આ ગીત સ્ટેજ ઉપરથી પહેલી વખત ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૨૭મા અધિવેશનનો, જે કોલકતામાં મળ્યું હતું. અધિવેશનનો પ્રારંભ બંકિમચંદ્ર ચેટરજીએ લખેલા ‘વંદે માતરમ્’ ગીત સાથે થયો હતો. બીજે દિવસે સ્ટેજ ઉપરથી ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું હતું.

કોંગ્રેસના જે અધિવેશનમાં ‘જન ગણ મન’ ગીત પહેલી વખત ગાવામાં આવ્યું તેના ત્રણ જ દિવસ પછી ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ કોલકતાની મુલાકાતે આવવાના હતા. કવીવર રવીન્દ્રનાથ ટાગોરના ગીતમાં ‘જય હે ભારત ભાગ્યવિધાતા’ તરીકે જે વ્યક્તિનો ઉલ્લેખ હતો તે ઇંગ્લેંડના રાજા જ હતા, એવું લોકોએ સ્વાભાવિક જ માની લીધું હતું. રવીન્દ્રનાથ ટાગોર એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતના પ્રશંસક હતા એ જાણીતી વાત હતી. હકીકતમાં ઇંગ્લેંડના રાજાની આરતી ઉતારવા માટે જ તેમણે તેમના ભારતમાં આગમન પ્રસંગે આ ગીતની રચના કરી હતી.

કોલકતામાં કોંગ્રેસના અધિવેશનમાં ‘જન ગણ મન’ પછી ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જનું ખુશામત કરતું હિંદી ગીત કોંગ્રેસી ગાયક વૃંદ તરફથી રજૂ કરવામાં આવ્યું હતું
. તે દિવસોમાં કોંગ્રેસી નેતાઓ પણ બ્રિટિશ તાજની ખુશામત કરવામાંથી ઊંચા નહોતા આવતા એટલે આ બાબતમાં કોઇને પણ કંઇ અજુગતું નહોતું લાગતું. કોલકતાના અંગ્રેજી દૈનિક ‘ધ ઇંગ્લિશમેન’માં બીજા દિવસે કોંગ્રેસના અધિવેશનનો અહેવાલ છપાયો હતો. તેમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ‘અધિવેશનની કાર્યવાહીનો પ્રારંભ કવિ રવીન્દ્રનાથ ઠાકુરે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જના સ્વાગત માટે ખાસ તૈયાર કરેલા ‘જન ગણ મન’ ગીત સાથે કરવામાં આવ્યો હતો.’ રવીન્દ્રનાથ ટાગોરે આ હેવાલ વાંચ્યો હતો પણ તેને રદિયો નહોતો આપ્યો. જોકે તે દિવસે ‘ધ બેંગાલી’ નામના અખબારે એવો રિપોર્ટ પ્રગટ કર્યો હતો કે ‘અધિવેશનની કાર્યવાહી શરૂ થાય તે અગાઉ બંગાળના નામાંકિત કવિ રવીન્દ્રનાથ ઠાકુરે રચેલું દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું.’

જન ગણ મન અધિનાયક’ ગીતમાં ભારતના જે ભાગ્યવિધાતા છે, તે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ છે કે બીજા કોઇ, એ બાબતમાં રવીન્દ્રનાથ ટાગોરને વારંવાર પ્રશ્ર્નો કરવામાં આવ્યા, પરંતુ તેમણે મૌન જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે બ્રિટિશ સરકાર તો રવીન્દ્રનાથને પોતાના પ્રશંસક જ માનતી હતી. એટલે જ તેમણે ઇ. સ. ૧૯૧૫માં ટાગોરને ‘નાઇટહૂડ’ એટલે કે ‘સર’નો ખિતાબ આપ્યો હતો. આ ખિતાબ બ્રિટિશ તાજના વફાદાર પ્રજાજનને જ આપવામાં આવતો હતો. રવીન્દ્રનાથ ટાગોરે આ ખિતાબનો રાજીખુશીથી સ્વીકાર કર્યો હતો. તેને કારણે એ માન્યતા મજબૂત બની હતી કે ‘જન ગણ મન’ ગીત રાજા પંચમ જ્યોર્જની જ આરતી ઉતારવા માટે રચવામાં આવ્યું છે અને રાજાએ ટાગોરને ‘નાઇટહૂડ’ની નવાજેશ કરીને આ વફાદારીનો બદલો ચૂકવી આપ્યો છે.

‘જન ગણ મન’ ગીતની રચના કરવામાં આવી ત્યારે ભારતની અને બંગાળની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તેનો અભ્યાસ કરવાથી પણ આ ગીતના પ્રયોજનનો ખ્યાલ આવે છે. ઇ. સ. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા તેના ઘેરા પ્રત્યાઘાતો આખા હિન્દુસ્તાનમાં પેદા થયા હતા. કોંગ્રેસી આગેવાનોએ આ ભાગલાનો વિરોધ કર્યો હતો. ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જે કોંગ્રેસી આગેવાનોને વચન આપ્યું હતું કે તેઓ બંગાળને ફરી અખંડ બનાવશે. આ બાબતની સત્તાવાર જાહેરાત કરવા માટે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ ઇ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે જ ભારતમાં બ્રિટિશ રાજ્યની રાજધાની કોલકતાથી ખસેડીને નવી દિલ્હીમાં તેનું સ્થળાંતર કરવાનું હતું. આ પ્રસંગે ભારતના રાજામહારાજાઓને પંચમ જ્યોર્જના દરબારમાં નવી દિલ્હી ખાતે હાજર થવાનું કહેણ મોકલવામાં આવ્યું હતું.

આખા દેશમાં પંચમ જ્યોર્જની જ ચર્ચા ચાલી રહી હતી. પંચમ જ્યોર્જે ઇ. સ. ૧૯૧૧ની ૧૨ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો હતો. તેમાં આશરે ૮૦,૦૦૦ પ્રજાજનો હાજર રહ્યા હતા. આ દરબારમાં જ તેમણે બંગાળને ફરી અખંડ બનાવવાની ઘોષણા કરી હતી. અગાઉ બિહાર અને ઓરિસ્સા પ્રાંત પણ બંગાળનો હિસ્સો ગણાતા હતા. નવી રચનામાં પંચમ જ્યોર્જે બે બંગાળનું એકીકરણ કરવાની સાથે બિહાર અને ઓરિસ્સાને તેમાંથી અલગ કરી નાખ્યા હતા. બંગાળીઓએ પણ આ નિર્ણયને વધાવી લીધો હતો. આ જાહેરાત પછી જ કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ‘જન ગણ મન’ ગીતની રચના કરી હતી. આ કારણે જ તેમાં ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ’ એવા શબ્દો મૂકવામાં આવ્યા હતા. અહીં ‘ઉત્કલ’ શબ્દ ઓરિસ્સાનો સૂચક છે અને ‘બંગાળ’ પ્રાંતથી તેને અલગ પાડ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરનું ગીત સ્પષ્ટપણે જ પંચમ જ્યોર્જના દરબારની અસર હેઠળ, તેમને ભારતના ભાગ્યવિધાતા ઠરાવવા માટે જ લખવામાં આવ્યું હતું.

‘જન ગણ મન’ ગીતમાં ભારતનો ભાગ્યવિધાતા કોણ છે એ બાબતમાં કવીવર રવીન્દ્રનાથ ટાગોરનું મૌન આશરે ૨૫ વર્ષ ચાલ્યું. એ દિવસોમાં ભારતમાં રાજકીય તખતે ભારે પરિવર્તન થયું હતું. ગાંધીજીની આગેવાની હેઠળ આઝાદીની ચળવળ જોર પકડી રહી હતી. શહીદ ભગત સિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાંતિવીરોએ ભારતમાં અપૂર્વ ચેતના પ્રગટાવી હતી. હવે બ્રિટિશરો માટે ધિક્કારની લાગણી પ્રબળ બની હતી. રવીન્દ્રનાથ ટાગોરે પણ રાષ્ટ્રીય આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ સંયોગોમાં બ્રિટિશ સલ્તનત વિશેના તેમના વિચારો પણ બદલાયા હોય તે શક્ય છે. એટલે તેમણે છેક ઇ. સ. ૧૯૩૭માં ખુલાસો કર્યો હતો કે, ‘જન ગણ મન અધિનાયક ગીતમાં જે ભારતના ભાગ્યવિધાતાની વાત કરવામાં આવી છે એ વિધાતા ઇંગ્લેંડનો રાજા પંચમ જ્યોર્જ નથી પણ સર્વશક્તિમાન ઇશ્ર્વર જ છે.’

જોકે રવીન્દ્રનાથ ટાગોરે મોડે મોડે કરેલો આ ખુલાસો પણ જલદીથી ગળે ઊતરે તેવો નહોતો. રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે ‘જન ગણ મન’ ગીતની રચના કરી ત્યારે તેમાં કુલ પાંચ પરિચ્છેદો હતા. આ ગીતના અંતિમ ફકરામાં નીચે મુજબ પ્રશસ્તિ હતી, ‘જય જય જય દે, જય રાજેશ્ર્વર, ભારત ભાગ્ય વિધાતા.’ આ કડીમાં જે ‘રાજેશ્ર્વર’ શબ્દ હતો એ સ્પષ્ટ રીતે પંચમ જ્યોર્જને ઉદ્દેશીને જ લખવામાં આવ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે પોતે જ સંસ્કૃતમાં રચાયેલા ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. તેમાં ‘રાજેશ્ર્વર’ શબ્દનું ભાષાંતર ‘કિંગ ઓફ ઓલ કિંગ્સ’ તરીકે કરવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૯૧૧માં આ ગીતની રચના કરવામાં આવી ત્યારે પંચમ જ્યોર્જની પ્રશસ્તિ પણ કિંગ ઓફ કિંગ્સ તરીકે જ કરવામાં આવતી હતી.

ઇ. સ. ૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી આપવાની વાત આવી ત્યારે મોટા ભાગના નેતાઓ બંકિમચંદ્રના ગીત ‘વંદે માતરમ્’ને જ રાષ્ટ્રગીત બનાવવા માગતા હતા. ભારતના લાખો સ્વતંત્રતા સૈનિકોનું પ્રિય ગીત આ જ હતું. ‘વંદે માતરમ્’ ગીત ભારતની માતૃભૂમિને ઉદ્દેશીને લખાયેલું હોવાથી મુસ્લિમો તેનો વિરોધ કરતા હતા. તેઓ અલ્લાહ સિવાય કોઇને પણ વંદન કરવામાં નહોતા માનતા, જ્યારે આ ગીતમાં માતૃભૂમિને એટલે કે ભારતમાતાને દેવી કલ્પીને તેને વંદન કરવાની વાત હતી. મુસ્લિમોના વિરોધને કારણે કોંગ્રેસના અધિવેશનમાં પાછળથી આખું ‘વંદે માતરમ્’ ગાવાને બદલે તેની પ્રથમ બે પંક્તિઓ જ ગાવામાં આવતી હતી, જેમાં ભારતની માત્ર ભૌગોલિક સમૃદ્ધિનું જ વર્ણન છે, એમ કહીને મુસ્લિમોનું મન મનાવી લેવામાં આવ્યું હતું.

મુસ્લિમોને તેમનો અલગ દેશ મળી ગયો તે પછી ભારતને ‘વંદે માતરમ્’ ગીત રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં કોઇ વાંધો આવે તેમ નહોતો. પરંતુ કોઇ અકળ કારણોસર પંડિત નેહરુએ બંધારણ સભા ઉપર દબાણ લાવી ‘જન ગણ મન અધિનાયક’ને ભારતના રાષ્ટ્રગીત તરીકે મંજૂર કરાવી દીધું. આ દબાણને કારણે જ બંધારણ સભાએ ‘રાષ્ટ્રવિધાતા’ કોણ, એ ચર્ચા જ કરી નહીં. જોકે ‘જન ગણ મન’ ગીતના પ્રથમ ફકરાને જ રાષ્ટ્રગીત તરીકે માન્ય રાખવામાં આવ્યો એટલે તેમાં જે ‘રાજેશ્ર્વર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પ્રજા ભૂલી ગઇ.

તમે ભગવાનમાં માનો છો?- સૌરભ શાહ

ભગવાન તમારું ભલું કરો અને તમે ભગવાનનું
જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો યોગ્ય નથી
સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

તમે ભગવાનમાં માનો છો? આવો સવાલ કોઈ પૂછે ત્યારે હું એમની સાથે બહસમાં ઊતરવાનું ટાળું છું. પૂછનાર વ્યક્તિ ભગવાનમાં માનતી હશે અને મારો જવાબ ‘ના’માં હશે તો એ જોરશોરથી દલીલો કરીને મારું મગજ ખરાબ કરી નાખશે. પૂછનાર નાસ્તિક હશે અને મારો જવાબ ‘હા’માં હશે તો પણ એ જોરશોરથી દલીલો કરીને મારું મગજ ખરાબ કરી નાખશે. સાચું પૂછો તો મને એવી કોઈ જિજ્ઞાસા નથી કે ભગવાન છે કે નહીં, આ સૃષ્ટિ કોણે બનાવી, એનું સંચાલન કોણ કરે છે, મૃત્યુ પછી આ જીવનું શું થાય છે, માણસના મૃત્યુ પછી અને નવા જન્મ પહેલાં આત્મા ક્યાં રહે છે, પુનર્જન્મ જેવું કંઈ છે કે નહીં. અગમનિગમને લગતા આવા સવાલોનું કુતૂહલ મને ક્યારેય થયું નથી. જેમને થતું હોય એમને મારાં જયશ્રી કૃષ્ણ પણ આવી બધી ચર્ચાઓ કરવાનું કે આવા વિષયોમાં ઊંડા ઊતરવાનું મને ગમતું નથી.

કોઈ અતિ વિદ્વાન અને મૌલિક વિચારક એવા જૈન મહારાજસાહેબ અથવા એવી જ કક્ષાના ઉત્તમ સાધુપુરુષો સાથે મને તક મળે ત્યારે એમનાં ચરણોમાં બેસીને જ્ઞાનપ્રાપ્તિ કરવાનો લહાવો હું છોડતો નથી, પણ હજુ સુધી મેં ક્યારેય એમની સામે ભગવાન છે કે નહીં કે પછી પેલા અગમનિગમ પ્રકારના વિષયોની ચર્ચા કરી નથી. એમની સાથે ચર્ચાઓ કરીને માણસો માટેની, આ દુનિયા માટેની મારી સમજણ વિકસે એટલું મને પૂરતું લાગે છે.

નાનીમોટી કોઈ પણ આપત્તિમાં મને મારાં માબાપ અને ભગવાન બેઉ યાદ આવે છે. ખુશીના સમયમાં પણ. એવું નથી કે માબાપ હયાત નથી એટલે યાદ આવે છે. એમની હયાતીમાં પણ યાદ આવતાં. એવું પણ નથી કે માબાપને મેં મારી જિંદગીની સૌથી નિકટની વ્યક્તિ તરીકે ચાહ્યા હોય કે પછી તેઓ મને મારી જિંદગી માટે સર્વશક્તિશાળી લાગ્યાં હોય, પણ જન્મતાંની સાથે એક અનુબંધ, એક બૉન્ડ બંધાઈ ગયો હોય તે આજીવન ટકતો હોય છે- માર્ગમાં ગમે એટલા ખાડાટેકરા, યુ ટર્ન્સ આવે તો પણ.

ભગવાન સાથેનું પણ કંઈક એવું જ હશે. સુખદુ:ખમાં એ યાદ આવે, પણ મારાં દુ:ખો માટે મેં એમને ક્યારેય બ્લેમ નથી કર્યા. હસવામાં કહું એ જુદી વાત છે. પણ સિરિયસલી ક્યારેય નથી કર્યા. એ જ પ્રમાણે જિંદગીમાં કંઈક સારું થતું હોય ત્યારે કોઈકના મોઢે કહીએ કે ‘ભગવાનની કૃપા છે’ એ જુદી વાત છે, પણ ખરેખર હું એવું નથી માનતો હોતો. કંઈક સારું થાય ત્યારે એ મારે કારણે જ થાય છે એવી ભ્રમણામાં પણ હું નથી રાચતો. મને ખબર છે કે આવું બધું ચાલ્યા કરવાનું. કેટલીય વખત તમારા કોઈ જ પ્રયત્ન વિના તમારું સારું થતું હોય છે. એ જ રીતે કેટલીય વખત તમારા કોઈ જ વાંકગુના વગર તમારું અહિત થતું હોય છે, બસ. એનાં કારણોમાં ડૂબી જઈને સમય વેડફવાની એક્સરસાઈઝ કરવાને બદલે જે કામ હાથમાં હોય તે કર્યા કરવું અને કોઈ કામ હાથમાં ન હોય તો મનગમતું કામ શોધીને કરતા રહેવું એ જ શ્રેષ્ઠ છે.

આ બધામાં ભગવાન ક્યાં આવ્યા? મંદિરો, દેરાસરો કે ધર્મસ્થળોમાં જવું મને ગમે છે, પણ ભગવાન ત્યાં વાસ કરે છે એવું હું બિલકુલ નથી માનતો. ભગવાન કોઈની સેવા કરવાથી કે દરિદ્રનારાયણને રીઝવવાથી મળે છે એવું પણ નથી માનતો. ઘરેથી બહારગામ નીકળતી વખતે ભગ-વાનની છબીને પગે લાગવાનું ગમે છે. ભગવાનની બાજુમાં રાખેલી મારા પરદાદાની છબીને પગે લાગવાનું પણ ગમે છે. એમના આશીર્વાદથી મારી યાત્રા સુખદ કે સફળ નીવડશે એવું હું નથી માનતો, પણ એમના આશીર્વાદ લીધા પછી હું આ યાત્રા સુખદ કે સફળ નીવડે એ માટે કૉન્શ્યસ થઈને પ્રયત્નો કરતો રહીશ એવું હું ચોક્કસ માનું છું અને આમ છતાં ક્યારેક સુખદ કે સફળ ન નીવડે તો હું એમને કે મારા પ્રયત્નોને બ્લેમ નથી કરતો.

ભગવદ્ ગીતાને આત્મસાત્ કરવાનો દાવો ગાંધીજી જ કરી શકે અને એને આચરણમાં મૂકવાનો દાવો કરવાનું ગજું પણ એમનું જ. આપણે સૌ ભગવદ્ ગીતામાંથી આપણી તત્કાલીન સમજણ અને આપણી તત્કાલીન જરૂરિયાત મુજબનું મેળવી શકીએ તોય ઘણું.

ભગવદ્ ગીતામાંના બે શ્ર્લોકની ચાવી જડી જાય તો ગંગા નાહ્યા. પછી ભગવાન છે કે નહીં, આત્માનું શું થાય છે ને શું નહીં વગેરે પ્રશ્ર્નોની જંજાળમાંથી બહાર આવી જઈએ. સાંખ્યયોગમાં ‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ’વાળા અને એની પછીના ‘તત્ર કા પરિદેવના’વાળા શ્ર્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે: ‘જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય નથી.’

આગળ કહે છે: ‘જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ (અર્થાત્ આપણે જેટલો સમય જીવીએ છીએ એટલો તબક્કો) જ વ્યક્ત છે એટલે કે પ્રગટ છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે?’ અનુવાદ: (ગાંધીજી, ‘અનાસક્તિ યોગ’ ૨:૨૭/૨:૨૮)

એટલે હવે અગમનિગમની વાતોનો તો જાણે સાવ છેદ જ ઊડી ગયો. જે અવ્યક્ત છે એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જે વ્યક્ત છે તે જ અર્થાત્ જિંદગી જ મહત્ત્વની છે અને ભગવદ્ ગીતાનું કેન્દ્ર માણસની જિંદગી જ છે.

હવે ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’ વાળો શ્ર્લોક લો. બાકીની સમસ્યા પણ દૂર થઈ જશે. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, પાણી પલાળી શકતું નથી વગેરે કહીને એક વાત સ્થાપિત થઈ ગઈ કે આત્મા અમર છે. જો જિંદગી પહેલાંની અને જિંદગી પછીની પરિસ્થિતિઓ અવ્યક્ત હોય તો તમે આત્માની અમરતા કઈ રીતે લઈ આવ્યા?

તે એ રીતે કે કોઈના વિચારો, એનું વર્તન, એનો સ્વભાવ, એની રહેણીકરણી વગેરે બધું જ એના સીધા કે આડકતરા સંપર્કમાં હોય એવી વ્યક્તિ પર છાપ પાડતું રહે છે. કોઈ મૃત્યુ પામે પછી પણ આવી છાપ ઝીલનારી ડઝનબંધ, સેંકડો કે પછી એથીય વધુ વ્યક્તિઓ જીવતી રહે છે. આ સેંકડો કે હજારો વ્યક્તિઓમાં પેલા મૃત્યુ પામેલા કોઈક જીવનો આત્મા આ રીતે ‘રહેતો’ હોય છે. તમારા પિતાના ગયા પછી એમનો સ્વભાવ, એમના વિચારો ઈત્યાદિ તમારા સહિત તમારા કુટુંબના કેટલાક સભ્યોમાં કે એમના મિત્રો વગેરે તથા સમાજજ્ઞાતિના પરિચિતોમાં છાપ મૂકી જાય. એ રીતે તમારા પિતાનો આત્મા અમર. તમે જશો પછી તમારો આત્મા પણ અમર. આત્મા અમર છે તે આ અર્થમાં.

ભગવાન, આત્મા આ બધું એક સુંદર ક્ધસેપ્ટ છે. આવી અદ્ભુત કવિતાની કવ્વાલી બનાવીને ધંધો કરનારાઓ દરેક ધર્મમાં હોવાના. કકળાટ નહીં કરવાનો. એકાંતમાં કવિતાનું સાંનિધ્ય માણતા રહેવાનું. હવે હું તમને એક સવાલ પૂછું: તમે ભગવાનમાં માનો છો? 


મારી નોંધ : સૌરભભાઈની રજૂઆત સારી રહી પણ તેઓ દૂધ અને દહીંમાં પગ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે .
મંદિરે જાય છે પણ ભગવાનમાં માનતા નથી . ફોટાઓને પગે લાગે છે પણ તેમ આસ્થા નથી . માણસ ક્યારે ય સ્વાર્થ વગર આવું કરી ન શકે તેનો કોઈ ગર્ભિત સ્વાર્થ જરૂર હોય જ છે સહમત થઈએ કે ન થઇએ   લાલો લાભ વગર ક્યારે લોટ તો નથી .

Wednesday, April 3, 2013

સ્વાર્થ, લોભ અને લાલસા વહાલાંઓને વેરી બનાવે છે - મહેન્દ્ર પુનાતર

સ્વાર્થ, લોભ અને લાલસા વહાલાંઓને વેરી બનાવે છે
માણસ એક એક તણખલું ભેગું કરીને સુખનો માળો બાંધે છે અને પાછળથી સંતાનો માલમિલકત માટે ઉલ્કાપાત સર્જે છે અને દુશ્મનો ન કરે એવા એકબીજાના હાલ કરે છે ત્યારે એમ થાય છે કે આ માણસ કશું મૂકી ન ગયો હોત તો સારું થાત. જે ધનસંપત્તિ પરિવારને સુખી ન કરી શકે તે શા કામની?

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જન્મની સાથે મૃત્યુ નિશ્ર્ચિત છે. એક રીતે કહીએ તો તે ઘણું અનિશ્ર્ચિત પણ છે. ક્યારે આવવાનું છે તેની કોઈને ખબર પડતી નથી. એટલે તો આપણે એવી રીતે જીવીએ છીએ કે મૃત્યુ જાણે કદાપિ આવવાનું ન હોય. જીવન આ રીતે ઝિંદાદિલથી જીવીએ એમાં કશો વાંધો નથી. જીવનની આવી મસ્તી હોવી જોઈએ, પણ સાથે સાથે વાસ્તવિકતાને પણ નજરમાં રાખવી જોઈએ. અચાનક ભગવાનનું તેડું આવે તો પરિવારના સુખચેનનું શું? એવો ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. માણસ કશી ચોખવટ અને વ્યવસ્થા કરી જતો નથી એટલે પાછળથી પરિવારમાં યાદવાસ્થળી રચાય છે. ઘરના મુખ્ય માણસની ચિરવિદાયથી કુટુંબ તૂટી પડે છે. પૈસા અને માલમિલકત માટે મહાભારત સર્જાય છે. માણસ જિંદગીભર બધું પોતાના હાથમાં રાખીને બેઠો હોય અને અંત સમયે બે શબ્દો પણ ન બોલાય ત્યારે મનની મનમાં રહી જાય છે. ચોપડાના હિસાબકિતાબ કદાચ સમજાય પણ ઉપરનો બધો વહેવાર અને લેવડદેવડમાં કશી સમજણ પડે નહીં. લેણદારો આવી જાય, પરંતુ જેની પાસેથી લેવાનું હોય તે ફરકે નહીં. કુટુંબને આ અંગે કશી ખબર ન હોય એટલે બધું ગુમાવવાનું રહે. આ થઈ બહારની વાત, પરંતુ અંદરની વાત તો એથી વધુ વિષમ છે. વેપાર-ધંધા, સંપત્તિ અને રોકડ અંગે કશી સ્પષ્ટ ચોખવટ ન હોય એટલે ભાઈઓ અને પરિવારના સભ્યો વચ્ચે વિખવાદ ઊભો થાય છે અને વહાલાઓ વેરી બને છે. પરિવારમાં પત્ની અને નાનાં બાળકો હોય ત્યારે નાણાંનો વહીવટ બીજાના હાથમાં ચાલ્યો જાય છે અને નજીકના લોકો મજબૂરીનો લાભ ઊઠાવે છે.

સ્વજનનું મૃત્યુ માણસને હતાશ કરે છે. જેટલો નજીકનો સંબંધ એટલી દુ:ખની માત્રા વધુ. દુ:ખ, શોક અને સંતાપના દિવસો ધીરે ધીરે પસાર થાય, જનારની સ્મૃતિઓ જરા આઘી ઠેલાતી જાય, મિત્રો અને સગાંવહાલાંઓ ધીમે ધીમે વિખેરાય આ પછી શરૂ થાય છે કડવી સ્વાર્થની ભાવનાનો દોર. હિસાબ-કિતાબ, બેન્ક બેલેન્સ, મિલકતની વહેંચણી, હુંસાતુંસી, ખેંચાખેંચી, વિવાદ, ઝઘડા અને કેટલીક વખત લાકડીઓ ઊડે છે. મરી ગયેલો માણસ સાવ ભુલાઈ જાય છે. તેણે સખત મહેનત કરીને, પાઈપાઈ બચાવીને, કરકસર કરીને ભેગી કરેલી મિલકત માટે તેના વારસદારો એકબીજાના દુશ્મનો ન કરે તેવા હાલ કરે છે. મિલકતોના ઝઘડામાં કોઈપણ કુટુંબ બાકાત રહેતું નથી. જેટલું વધુ તેટલી વધુ ખેંચતાણ. મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને શ્રીમંત કુટુંબો આ રીતે તૂટી ગયાં છે. લોભ, સ્વાર્થ અને લાલસાના કારણે માણસ છેલ્લે પાટલે જઈને બેસે છે. વર્ષો સુધી કોટર્ર્માં કેસો ચાલતા રહે છે. એકબીજા વચ્ચે વૈમનસ્ય વધે છે અને જિંદગીના સારા દિવસો દુ:ખ અને વ્યથામાં ચાલ્યા જાય છે. પછી જે કાંઈ મળે છે તેનો અર્થ રહેતો નથી. થોડા માટે જિંદગીમાં ઘણું બધું ગુમાવી દેવું પડે છે. માણસને જીવવા માટે કેટલું જોઈએ? તૃષ્ણાનો કોઈ અંત નથી. સોનાના પર્વતો ખડકાઈ જાય તો પણ ઓછા લાગે.

પરિવારમાં કુટુંબના વડીલે પહેલેથી બધી બાબતોની ચોખવટ અને સ્પષ્ટતા કરી હોય તો કોઈ વિવાદ અને અસંતોષ ન રહે અને કુટુંબ છિન્નભિન્ન થતું અટકી જાય. આનો સહેલો અને સરળ ઉપાય એ છે કે માણસે પોતાની હાજરીમાં વહેંચણી અને વ્યવસ્થા કરી દેવી જોઈએ. પોતાની હાજરીમાં આ બધું કરવામાં મૂંઝવણ અનુભવાતી હોય તો વિલ કે વસિયતનામું કરી લેવું જોઈએ. વિલ બનાવવા માટે ૬૦ કે ૭૦ વર્ષની ઉંમર સુધી રાહ જોવાની જરૂર નથી. શરીર અને મન સ્વસ્થ હોય તેવી પરિસ્થિતિમાં પત્ની અને સંતાનોને યોગ્ય ન્યાય મળે એ રીતે વિલ તૈયાર કરી લેવું જોઈએ. જેટલી ચોખવટ હશે તેટલું પાછળથી સરળ રહેશે. દરેક માણસને પોતાના સંતાનો સુખેથી રહે એવી ઈચ્છા હોય છે. એટલે તો જીવનભર કાળી મજૂરી કરીને, એક એક તણખલું ભેગું કરીને તેણે સુખનો માળો બનાવ્યો હોય છે. પાછળથી આ બધું મેળવવા માટે વારસદારો ઉલ્કાપાત મચાવે ત્યારે એમ થાય કે આ માણસ કશું મૂકી ન ગયો હોત તો સારું થાત. મિલકતના ઝઘડાઓ શાંતિથી કદી પતતા નથી. તે પાછળ મૂકી જાય છે ન ભૂલી શકાય એવી યાતના અને વ્યથા. જે ધન અને સંપત્તિ પરિવારને સુખી ન કરી શકે તે શા કામની? માણસને જેમ વધુ મળે છે તેમ વધુ સ્વાર્થી બનતો જાય છે. સૌને અણહકનું ઝૂંટવી લેવું છે. ત્યાગ અને જતું કરવાની ભાવના રહી નથી. પૈસા માટે પુત્ર માતા-પિતા સામે લડવા તૈયાર થઈ જાય છે. બે-ચાર પુત્રો હોય એ બાપની મિલકત ઝૂંટવી લે છે અને માને ઓશિયાળાં બનીને રહેવું પડે છે. કોઈ માને રાખવા તૈયાર હોતું નથી. મા તેમને ભારે પડે છે અને તેમને રાખવા માટેના વારા કાઢે છે. બે-ચાર દીકરાઓ વચ્ચે મા ફંગોળાયા કરે છે. છતે પૈસે આ હાલ છે. ઘરઘરની આ રામકહાણી છે. આવા કળિયુગમાં સંતાનોની બાંધી મૂઠી લાખની રાખવા માટે પણ વ્યક્તિએ પોતાનું વસિયતનામું તૈયાર કરીને રાખવું જોઈએ.

માણસ મરણપથારીએ પડ્યો હોય ત્યારે સ્વજનો ડૉક્ટરોને ત્યાં અને વકીલને ત્યાં દોડધામ કરે છે. કાગળો પર સહીઓ અને અંગૂઠાઓ મરાવે છે. કેટલાક મોઢામાં આંગળાં નાખીને પથારીમાં પડેલા માણસને બોલાવવા પ્રયાસ કરે છે. પુત્રો પથારી ફરતે ઊભા રહી જાય છે. ‘બાપુજી, કાંઈ છેલ્લી ઈચ્છા હોય તો કહી દો, કાંઈ મનમાં રહી જતું હોય તો બોલી નાખો.’ ડચકા ભરતો બાપ કશું સમજી શકાય એવું બોલી શકતો નથી. પરાણે પરાણે ત્રુટક ત્રુટક ઉચ્ચારણો કાઢે છે. પથારી પાસે રહેલા સ્વજનો આ શબ્દોનું પોતાની રીતે અર્થઘટન કરે છે અને વિવાદ વધુ ઘેરો બને છે. છેલ્લી ઘડીએ માણસ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતો નથી. મરી રહેલા માણસને લાગે છે ઘણું કરવાનું બાકી રહી ગયું. મૃત્યુનું આ મોટું દુ:ખ છે. મૃત્યુની વાત કોઈને ગમશે નહીં. જે વસ્તુનો ભય અને ડર હોય તેનું સ્મરણ કે ઉચ્ચારણ બિલકુલ ગમે નહીં.

માણસ પોતાની હાજરીમાં શરીર અને મન સ્વસ્થ હોય ત્યારે આ બધી ચોખવટ કરી શકતો નથી. તે કોઈને નારાજ કરવા માગતો નથી. સાચું કહી શકતો નથી. પણ ધારે તો વિલ બનાવી શકે છે અને સમયાનુસાર આ વિલ બદલાવી પણ શકાય છે. માણસ, વિચાર કરે છે આપણે ક્યાં શ્રીમંત છીએ. આપણે વિલ બનાવવાની ક્યાં જરૂર છે? મોટી સંપત્તિ અને મિલકતો માટે ઝઘડા થાય છે એવું નથી. એક નાની એવી ઓરડી અને થોડા રાચરચીલા માટે પણ સંતાનો બાખડતાં હોય છે. આમાં ખંધા અને લુચ્ચા માણસો ફાવી જતા હોય છે અને સાચા હકદારને ન્યાય મળતો નથી. સ્વાર્થ અને લોભે માણસને માણસ રહેવા દીધો નથી. હવે કુટુંબની વ્યાખ્યા સંકુચિત અને સાંકડી બની ગઈ છે તેમાં પત્ની અને સંતાનો સિવાય બીજા કોઈને સ્થાન નથી. ભાઈ-બહેનો, મા-બાપ હવે દૂર હડસેલાઈ ગયાં છે. માણસે જે કાંઈ કરવું હોય તે પોતાની હાજરીમાં કરી લેવું જોઈએ. કોઈને આપવાનું કે કોઈનું ભલું કરવાનું મન થાય તો કાલ પર રાખવાનું કોઈ પ્રયોજન નથી. જીવન ક્ષણભંગુર છે તેનો કોઈ ભરોસો નથી. આજે માણસ જીવે છે. મિત્રો સાથે વાત કરે છે. હસે છે. મજા કરે છે. કાલે ન હોય તેવું પણ બની શકે છે. કાળને કોઈ જીતી શક્યું નથી. દરેક જણે પરિવારના ક્ષેમ -કુશળની અગાઉથી તૈયારી કરી રાખવી જરૂરી છે. પારિવારિક સુખ અને શાંતિ માટે આ જરૂરી છે.

આમ છતાં મૃત્યુથી ડરવાનું નથી પણ તેની પર વિજય મેળવવાનો છે. સમગ્રતયામાં જીવવાનું છે. મોજમસ્તીથી જીવવાનું છે અને સાથે સાથે જવાબદારીઓ પણ નિભાવવાની છે. માણસે વર્તમાન સાથે ચાલવાનું છે. તેમાં ભૂતકાળ અને ભવિષ્યનો વિચાર કરવાનો નથી. જે થઈ ગયું છે તે ભૂલી જવાનું છે અને જે થવાનું છે તેની કોઈને ખબર નથી તેથી નાહકની કલ્પના કરીને સુખી કે દુ:ખી થવાનું કોઈ કારણ નથી. માણસ આજે જે કરવાનું છે તે કાલ પર છોડી દે છે અને ગઈકાલ જે વીતી ગઈ છે ત્યારે જે કરવાનું હતું તે આજે કરે છે. માણસ દુ:ખી છે તેનું કારણ સમયની રફતારમાં તેની ગતિ ધીમી છે. માણસ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. ભૂતકાળની સારી-નરસી સ્મૃતિઓ પીડા આપે છે. અતીતમાં ઊંડા ઊતરવાથી કશો ફાયદો નથી. સમયની સાથે બધું બદલાય છે. માણસની કમજોરી એ છે કે તે સમયની સાથે જાગતો નથી.

માણસે પરિવારમાં પ્રેમ અને સ્નેહથી રહેવું જોઈએ અને એકબીજાને ઉપયોગી થવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેકને પોતાના માનવા અને એ રીતે વહેવાર કરવો અને સાથે સાથે માનવું કે આમાં આપણું કોઈ નથી. જીવનમાં સમસ્યાઓ રહેવાની છે. પ્રશ્ર્નો ઊભા થવાના છે. આ કોયડાઓને ઉકેલતા જઈને આનંદ માણવાનો છે. જીવનમાં એકલું સુખ નથી. ફૂલ છે તો કાંટાઓ પણ છે. અને છેલ્લે જીવન કેવી રીતે જીવવું તે અંગેની તુરાબ ‘હમદમ’ની એક રચના...

‘મોંઘું જીવન મળ્યું છે મઝેદાર જીવીએ

પળ પળ નહીં, પરંતુ લગાતાર જીવીએ

કોને ખબર છે કાલ પડે કે પડે નહીં

જિવાય એટલું તો છટાદાર જીવીએ

છાયો બનીને કોઈને ટાઢક તો આપીએ

વડલાની જેમ ચાલો ઘટાદાર જીવીએ

‘હમદમ’ આ ભેદભાવને દફનાવીએ હવે

ચાલો હળીમળીને ચિક્કાર જીવીએ.’

Tuesday, April 2, 2013

ગૅસનો ફુગ્ગો, પિસ્તાં અને બે શર્ટ - સૌરભ શાહ

ગૅસનો ફુગ્ગો, પિસ્તાં અને બે શર્ટ
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

જે દીકરાને તમે ગૅસનો ફુગ્ગો લાવી આપ્યો હોય તે દીકરો તમારી ૫૦મી કે ૬૦મી વર્ષગાંઠે તમને ગમતા કલરનાં બે મોંઘાં શર્ટ્સ ભેટ આપે છે ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હોય છે? દીકરાને નાનપણમાં તમે કંઈ પણ નાનું-મોટું રમકડું અપાવતા ત્યારે એ કેવો ખુશ થઈ જતો. તમને વહાલથી વળગી પડતો. પણ મોટો થઈને દીકરો તમારા માટે આવું કંઈ પણ કરે ત્યારે સૌથી પહેલું તમારું વાક્ય હોય છે: શું જરૂર હતી આવું બધું લાવવાની? બીજું વાક્ય હોય છે: કેટલું મોંઘું છે, કેટલો ખર્ચો કરે છે તું? આવું સાંભળીને દીકરાના ઉત્સાહ પર પાણી ન રેડાય તો શું થમ્સ અપ રેડાય?’

દસ વરસની દીકરી સામે ચાલીને કહેતી કે પપ્પા, આવતા અઠવાડિયે મારી વરસગાંઠ છે. સ્કૂલની અને બિલ્ડિંગની બધી ફ્રેન્ડ્સ આવવાની છે. તમે કેક લઈને આવજો. તમે હોંશે હોંશે દીકરીની ઈચ્છા પૂરી કરો છો. દસમી જ નહીં, અગિયારમી, બારમી, તેરમી, દીકરી પરણીને સાસરે ગઈ ત્યાં સુધીની બધી જ વરસગાંઠો ઊજવો છો.

આ દીકરી તમારી ૬૦મી કે ૭૫મી વર્ષગાંઠ ઉજવવા માટે એના ભાઈ સાથે કારસ્તાન કરીને તમને મનાવે છે. તમારા તમામ જૂના મિત્રોને યાદ કરીને યાદી બનાવે છે. સગાંવહાલાં અને પડોશીઓને એમાં ઉમેરે છે. સંગીત પાર્ટી સાથે નક્કી કરે છે. પણ પંદર દિવસ પહેલાં, આમંત્રણો મોકલવાનો વખત આવે ત્યારે તમે જાહેર કરો છો કે રહેવા દઈએ આ બધી દોડધામ. આ કંઈ ઉંમર છે વર્ષગાંઠ ઉજવવાની. નકામા ખર્ચા કરવાને બદલે આપણે પાંજરાપોળને દાન મોકલી દઈએ. પ્રોગ્રામ કૅન્સલ. સંતાનોનાં હૃદય ચીરાઈ જાય છે.

તમે સંતાનો માટે જે કંઈ કરતા તેનો એ બાળકો તરફથી જે ખિલખિલાટ પ્રતિસાદ મળતો એને કારણે તમને એમના માટે હજુ વધુ કંઈક કરવાનું મન થતું. સંતાનો મોટાં થઈને તમારા માટે જે કંઈ કરવા માગે છે તેનો તમારા તરફથી મળતો લુખ્ખો પ્રતિસાદ જોઈને, સંતાનો બે-ચાર વખત પછી, એવું કંઈ કરવાનું ટાળતા થઈ જાય છે. અને ફરિયાદ તમે કરો છો કે અમારાં બાળકો અમારા માટે કંઈ કરતા નથી.

તમને રંજ છે કે ગયા વર્ષે તમે બીમાર હતા ત્યારે તમારા દીકરાએ તમને જોવા માટે એની કલકત્તાની બિઝનેસ મીટિંગ કૅન્સલ ન કરી. દિવાળીએ તમારો દીકરો તમને ભાવતાં ખારાં પિસ્તાં લઈને આવ્યો ત્યારે માએ વહુને સંભળાવ્યું પણ ખરું કે તારા વરને બીમાર બાપની ખબર કાઢવાનો તો વખત નથી અને અત્યારે પિસ્તાં ખવડાવવા આવી પહોંચ્યો.

દિવાળીના સપરમા દહાડે રાત્રે ઘરે પાછાં જતી વખતે ગાડીમાં આ વાત સાંભળીને દીકરાની આંખમાંથી ગરમ આંસુ ટપકે છે. એને યાદ આવે છે કે એ નાનો હતો ત્યારે બધાં છોકરાંના મમ્મીપપ્પા પેરન્ટ્સ - ટીચર - મીટિંગમાં આવતાં પણ પપ્પાને કોઈ દહાડો ટાઈમ નહોતો મળતો. પોતે ક્યારેય એની ફરિયાદ નહોતી કરી. એક દિવસ પપ્પા મૂડમાં હતા. નવું કામ મળ્યું હતું, રાત્રે ઘરે આવતી વખતે દીકરા માટે બૅટરીવાળી ટ્રેન, લાંબા પાટા, પુલ અને બોગદા સાથેની, લઈને આવ્યા હતા. દીકરો ખુશ થઈ ગયો હતો. એણે પપ્પાને કહ્યું નહોતું કે કોઈ દહાડો સ્કૂલમાં પી.ટી.એ.ની મીટિંગમાં તો આવતા નથી અને આજ કશું કામ નહીં હોય અને ટાઈમ મળ્યો તો ટ્રેન ખરીદી લાવ્યા.

સંતાનોની માબાપ માટેની અને માબાપોની સંતાનો માટેની ઘણી ફરિયાદો સાચી હશે, વાજબી પણ હશે. પણ સંતાનો માબાપને ખુશ કરવા જાય ત્યારે જે માબાપ ખુશ થવાને બદલે કોઈને કોઈ વાંધાવચકા કાઢતા હોય ત્યારે એમને કોઈ હક્ક નથી હોતો કે મારાં બાળકો મારા માટે કંઈ કરતા નથી.

અમારા એક વડીલમિત્ર છે. દીકરો પરણેલો છે. દીકરાને ત્યાં પણ દીકરો છે. મિત્રનાં પત્નીએ કોઈ સગાને મળવા જવું હોય તો એમનો દીકરો દુકાન છોડીને તૈયાર થઈ જાય એમની સાથે આવવા: મમ્મી, ગાડીમાં લઈ જઉં. મા ના પાડે, રિક્ષામાં જતી રહીશ, ક્યાં લાંબું જવું છે. આ સાંભળીને મારા મિત્ર એમની પત્નીને કહે: દીકરો ગાડી લઈને તને મૂકવા આવવા માગતો હોય તો જવાનું એટલું જ નહીં, ક્યારેક એને ખબર ન હોય કે તારે બહાર જવાનું છે તો તારે એને સામેથી કહેવાનું કે બેટા, ગાડી કાઢ, મને લઈ જા. અત્યારે તું આવું નહીં કરે તો દસ વરસ પછી તું જ ફરિયાદ કરતી હોઈશ કે મારા દીકરાએ મારા માટે કંઈ કર્યું નહીં.

તમારી અપેક્ષાઓ તમે સંતાનોને ન જણાવો અને મનમાં સમસમીને બેસી રહો કે છોકરાઓને અમારી પડી જ નથી એ ગેરવાજબી છે. સંતાનો નાનાં હતાં ત્યારે બેશરમ બનીને કહી શકતા હતા કે મમ્મી, મને બ્લ્યુ શર્ટ અપાવ કે પપ્પા, મારે માથેરાનની સ્કૂલ ટ્રિપ પર જવું છે. તમે બાળકોને સામેથી પણ ઘણું આપ્યું છે. બાળકોએ પણ તમારી પાસે માગીને ઘણું લીધું છે. એ જ તો મઝા છે આ સંબંધની. બધાની પાસે માગીને થોડું લેવાતું હોય. જેને ચાહતા હો એની સાથે જ એવા બેશરમ થવાય. પણ બાળકો મોટા થયા પછી તમે એ સમીકરણ ખોરવી નાખો છો. સંતાનો પાસે માગીને તો મેળવતા જ નથી, સંતાનો સામેથી કંઇક લાવે કે તમારા માટે કંઇક કરવા માગતા હોય ત્યારે તમારો ઉમળકા વિનાનો પ્રતિસાદ એમને તમારાથી દૂર લઇ જાય છે.

નેક્સ્ટ ટાઇમ, દીકરો તમને કહે કે પપ્પા, આવતા રવિવારે ભાઇદાસમાં સરસ નાટક છે. જુઓ, ઍડવાન્સમાં ટિકિટ બુક કરાવી દીધી છે, ત્યારે તમારે ટિકિટ હાથમાં લઇને સીટ નંબર ચેક કરીને કહેવાનું: કેમ, એફ રોની લાવ્યો, મને તો બી રોમાં બેસીને જ નાટક જોવાનું ગમે. હવેથી આવી ભૂલ નહીં કરતો!

પણ અમને ખબર છે કે તમે શું કહેવાના: બેટા, આ તે કંઇ ઉંમર છે અમારી, નાટક જોવાની? એક કામ કરો, અમારા બેની ટિકિટમાં તારી સાળી અને તારા સાઢુભાઇને લઇ જા.

સંતાનો નાનાં હોય છે ત્યારે એમની સાથેના તમારા સંબંધો કેટલા સરળ હોય છે, નિર્દોષ હોય છે, મોટા થઇ ગયા પછી એ સંબંધો ગૂંચવાતા હોય એવું લાગે ત્યારે તમે વાંક કાઢો છો એમનો. તમારી બદલાયેલી ઍટિટ્યુડ તો તમને દેખાતી જ નથી. તમારો દીકરો દસ વરસનો હોય ત્યારે એનું જે વ્યક્તિત્વ છે તે વીસ વરસે બદલાઇ ગયું હોય છે. પણ તમારા ધ્યાનમાં એ નથી આવતું. વીસ વરસનો દીકરો ૪૦નો થાય ત્યારે એનામાં પરિવર્તન આવી ગયું હોય છે. પણ તમે એ ચેન્જ જોવાનો ઇનકાર કરો છો. તમારી પોતાની ઉંમરના તબક્કાઓ યાદ કરો. એમાં આવેલા બદલાવ યાદ કરો. પછી દીકરાની બદલાતી જતી વર્તણૂકને તમે માફ કરી શકશો.

કાલે સવારે એક જૂના મિત્રનો ફોન આવ્યો. જુદા જ વિષયની વાત હતી. એમાંથી કંઇક વાત નીકળી અને મેં વર્ષો પહેલાંના મારા કોઇ લેખમાં લખેલું મારું આ વાક્ય એમને કહ્યું:

આપણાં સંતાનોને આપણે ગમે એટલા સારાં બનાવવાની કોશિશ કરીએ, છેવટે તો એ આપણાં જેવાં જ બનતાં હોય છે.

આવતી કાલને સિક્યૉર્ડ કરવા આજને અસલામત બનાવનારાઓ - સૌરભ શાહ


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

એક યંગ કપલ છે. હજુ ત્રીસ પૂરાં નથી થયાં. પાંચેક વર્ષ પહેલાં લગ્ન થયાં. બેઉ જણ વેલ ક્વૉલિફાઈડ છે. બંનેની છ આંકડાની નોકરી છે. છ મહિના પહેલાં લોન લઈને મોટો ફ્લૅટ ખરીદ્યો. થ્રી બી.એચ.કે. ભવિષ્યમાં બાળકો થાય કે બેમાંથી કોઈનાય માબાપ રહેવા આવે તો મુંબઈ જેવામાં રાતોરાત નવી જગ્યા લેવા ક્યાં જવું એવું વિચારીને પહેલેથી જ મોટો ફ્લૅટ લઈ લીધો. બેઉનાં મેડિક્લેઈમ છે, લાઈફ ઈન્શ્યોરન્સ છે. જિંદગી બધી રીતે સિક્યૉર્ડ થઈ ગઈ છે.

લોનના હપ્તા અને વીમાનાં પ્રીમિયમો સહેલાઈથી ભરાય એટલો પગાર છે એટલે બીજી કોઈ ચિંતા નથી. લાઈફ નિશ્ર્ચિંત અને સલામત છે. ખરેખર?

છોકરીને ફરવાનો બહુ શોખ છે. નાનું ગ્રુપ બનાવીને ટ્રાવેલ એજન્સી જેવું શરૂ કરવાનું વિચારે છે. છેક લેહ-લદાખ સુધી કૉન્ટેક્ટ્સ છે. છોકરાને કૉલેજના દિવસોથી નાટકનો બહુ શોખ. બધા કહે કે તું જ નેક્સ્ટ પરેશ રાવળ છે, તું જ નેક્સ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા છે. પણ પછી ભણવામાં, ડિગ્રી લેવામાં, નોકરી કરવામાં બધું ભુલાઈ ગયું. અત્યારે એક ઑફર આવી છે. પૃથ્વી થિયેટરમાં ભજવાનારા હિંદી પ્લેમાં લીડનો રોલ છે. ડાયરેક્ટર ટૉપનો છે અને રાઈટર પણ ટેલેન્ટેડ છે. પૃથ્વીનાં નાટકો જોવા હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટૉપના લોકો આવે છે. અમિતાભ બચ્ચન ગયા મહિને જ નંદિતા દાસનું નાટક જોવા આવ્યા હતા. આવા કોઈની નજરે તમારું કામ ચડી જાય તો લાઈફ બની જાય.

પણ છોકરી ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ જિંદગીમાં ક્યારેય કરી શકવાની નથી અને છોકરો લીડ રોલની ઑફર ક્યારેય સ્વીકારી શકવાનો નથી, કારણ કે બેઉ જણાએ જિંદગીમાં સિક્યૉર્ડ થઈ જવાનું પ્લાનિંગ કરીને ભારે મોટી ઈન્સિક્યોરિટિ વહોરી લીધી છે. અસલામતી, અત્યારની જંગી પગાર પ્લસ વર્ક્સ આપતી નોકરી છોડી દેવાની. નોકરી છૂટી જશે તો ઘરની લોનના હપ્તા અને વીમાનાં પ્રીમિયમો કેવી રીતે ભરાશે? ટ્રાવેલ એજન્સી ના ચાલી કે નાટકમાં કામ કર્યા પછી કોઈ મોટો બ્રેક ના મળ્યો તો ફરી પાછી આવી સારી નોકરી નથી મળવાની. પોતાનાથી વધારે યંગ, વધારે ટેલન્ટેડ, વધારે ક્વૉલિફાઈડ લોકો એ જગ્યા લઈ લેવાના. એવું થયું તો? લાઈફ ખલાસ.

ખબર પણ ન પડે એ રીતે, જિંદગીને સિક્યૉર્ડ બનાવવાના ખેલમાં આપણે વધારે અસલામતી અનુભવતા થઈ જઈએ છીએ. લાઈફની આવતી કાલનું જે થવાનું હોય તે, મારે આવતી કાલની સલામતી નથી જોઈતી, મારે વૃદ્ધાવસ્થાને નચિંત બનાવવા આજની ઉંમરે ટેન્શનમાં નથી રહેવું. લોન પર ફ્લૅટ ખરીદીને ન ગમતી નોકરી કરીને હપ્તા નથી ભરવા. એને બદલે ભાડાના ઘરમાં રહીને મનગમતા કામની શોધમાં રહેવું સારું અને એવું કામ મળી જાય તો ન ગમતી નોકરી કરતાં ઓછા વળતરે પણ એ કામ કરવું સારું.

મેડિક્લેઈમ કે લાઈફ ઈન્શ્યોરન્સ નહીં હોય તો થઈ થઈને શું થશે? ભવિષ્યમાં હૉસ્પિટલભેગા થવું પડશે તો પૈસા ક્યાંથી લાવશો એની ચિંતા હશે એટલું જ ને. લાઈફ ઈન્શ્યોરન્સ નહીં તો પાછલી ઉંમરે નિયમિત આવક નહીં મળે અથવા અણધાર્યા ટપકી ગયા તો પત્ની-બાળકો રઝળી પડશે એટલું જ ને? કોઈ રઝળી નથી પડતું તમારા જવાથી. ખોટી ખાંડ ખાઓ છો. તમે નહીં હો તો બધા પોતપોતાનું કૂટી ખાશે અને ભૂખે મરશે તોય તમને વતાવવા તો કોઈ આવવાનું નથી.

આ બધી ભવિષ્યની ચિંતાઓ કરીને શું કામ તમારી આજને રોળી નાખો છો? તમે જેવી ડરામણી કલ્પનાઓ કરો છો એવું ભવિષ્યમાં કદાચ બને અને ચાન્સીસ એવા કે ક્યારેય એવું ન બને.

પણ એવું કંઈક બને તો એનો સામનો કરવા માટે આજે તમે જે કંઈ પ્લાનિંગ કરો છો (ઘરની લોન, ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ એટસેટેરા) તેનાથી તમારી આજની વાટ તો પાકે પાયે લાગી જવાની. તમારે એવી જ નોકરીઓ કરવી પડવાની જે તમને પૈસા આપશે પણ સંતોષ નહીં આપે. જે તમારાં ભૌતિક સપનાંઓ પૂરાં કરશે પણ તમારી પૅશનને, તમારી માનસિક ભૂખને કચડી નાખશે. તમે ઝોમ્બીની જેમ નાઈન-ટુ-ફાઈવના ચક્કરમાં ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાના. ફોર ધ લાઈફ ટાઈમ.

પાયાનો સવાલ. જિંદગીનો પરપઝ શું? ખાવું પીવું અને પછી? બે ટંક ખાવાપીવા જેટલું કમાવા માટે સમયશક્તિનો ઝાઝો સેક્રિફાઈસ નથી આપવો પડતો. ખાવાપીવા પછીની જે જરૂરિયાતો, કમ્ફર્ટ્સ, માની લીધેલી કમ્ફર્ટ્સ અને તથાકથિત લકઝરીઝ મેળવવા માટે જિંદગી ખર્ચી નાખવાની હોય તો એ જિંદગીનો કોઈ અર્થ નથી. લાઈફમાં કશુંક પરપઝફુલ ન કર્યું, જિંદગી આપણી પૅશન પ્રમાણે ન જીવ્યા તો કલ્પના કરો કે ડેથ બેડ પર તમે કેટલા મિઝરેબલ હશો.

જિંદગી મહામૂલી છે, કિંમતી છે, ચોર્યાશી લાખ ભવ પછી માણસ તરીકે જન્મ મળે છે આવું બધું સાંભળ્યા પછી કે વાંચ્યા પછી એમાં ભરોસો રાખીએ કે ન રાખીએ તે આપણી મરજી છે. પણ એટલું તો ખરું જ ને કે આપણી જિંદગી મચ્છર, માખી કે વાંદા જેટલી ક્ષુલ્લક નથી. માણસની જિંદગીમાં કેટલું મોટું પોટેન્શ્યલ છે.

લાખો લોકો દર વર્ષે આ પોટેન્શ્યલને એક્સપ્લોર કર્યા વિના જ મરી જાય છે. આજથી શરૂ થતા નવા ફિનેન્શ્યલ યરને દિવસે સંકલ્પ કરવાનો કે મારે મારી જિંદગીની પૂરેપૂરી શક્યતાઓને બહાર કાઢવી છે. મારી ભવિષ્યની સલામતી માટે આજની જિંદગીમાં અસલામતી ઊભી નથી કરવી. મારે મારી પૅશન મુજબ જિંદગી જીવવી છે. મારે મચ્છર, માખી કે વાંદા નથી બનવું.


મારી નોંધ : સૌરભભાઈ સાથે એમની આ રજૂઆતમાં સમત થઇ શકાતું નથી . આજની મજા માણવામાં કેટલા કેટલા કલાકારો ભૂખને ભાથે થયા તેની યાદી થોડા સમય પહેલા જ મુંબઈ સમાચારમાં પ્રગટ થઇ હતી .તેઓ દુખી થવાનું મોટું કારણ એ દેખાય કે તેમને પૈસાની કદર કરતા આવડ્યું નહી . જિંદગીના પરપઝ માં લગ્ન, વંશવૃદ્ધિ, કુટુંબની સુખાકારી એ બધા વણ કહેલા પર્પઝો છે જ . તમે તમારા સ્વાર્થને ખાતર તમારી સાથે જીવનારા તરફ બેજવાબદાર ન થઇ શકો . હા પૈસા ભેગા જ કરવામાં જીંદગી જીવવાનું ભૂલી ન જવું જોઈએ જે હાલના સંજોગોમાં થઇ રહ્યું છે . તમારો શોખ અને જવાબદારીને સમતોલ રાખીને જીવન જીવવું જોઈએ .