Wednesday, March 6, 2013

કેટલાક લોકોની આડે ન ઊતરવામાં ડહાપણ- મહેન્દ્ર પુનાતર

માથાભારે માણસો અંધારીઆલમમાં જ હોય છે એવું નથી
કુટુંબ અને સમાજમાં સારા માણસો કંટાળીને હાર સ્વીકારી લેતા હોય છે ત્યારે ખરાબ માણસોને મોકળું મેદાન મળે છે. જીવન એ કુરુક્ષેત્ર છે, કેટલીક વાર આપણા પોતાના માણસો સામે લડવું પડે છે

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવન અને વહેવારમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિના અનેક માણસોના પરિચયમાં આવીએ છીએ. દરેક માણસનો સ્વભાવ, ગમો અણગમો, જીવન જીવવાની અને કાર્ય કરવાની રીત અલગ અલગ હોય છે. દરેક માણસમાં કાંઈકને કાંઈક ગુણ અને આગવી શક્તિ હોય છે અને સાથે સાથે ઊણપો અને નબળાઈ પણ હોય છે. જે પ્રકારનાં તત્ત્વો તેનામાં ઊભરે છે, તે પ્રમાણમાં માણસ સારો અને ખરાબ દેખાય છે. માણસમાં રહેલાં મૂળભૂત તત્ત્વો પર આનો આધાર છે. માણસ જે પ્રકારના માહોલમાં ઘડાયો હોય તેની છાપ થોડેઘણે અંશે તેની પર અંકિત થઈ જાય છે. આવા અલગ અલગ પ્રકૃતિ અને સ્વભાવના માણસો સાથે રહેતા હોઈએ કે કામ કરતા હોઈએ ત્યારે કેટલીક વખત સંઘર્ષ અનિવાર્ય બની જાય છે, પરંતુ સમજદાર માણસ આની મર્યાદા બાંધી લે છે. આને આપણે મતમતાંતર કે મતભેદ તરીકે ઓળખીયે છીએ. કેટલાક માણસો જિદ્દી અને હઠાગ્રહી હોય છે તે જરા પણ નમતું આપતા નથી. આવા આડા અને અળવીતરા માણસોને લોકો સહન કરી લેતા હોય છે. માણસ વિચારે છે પાણીમાં રહેવું અને મગર સાથે વેર બાંધવું એમાં સાર નથી. જ્ઞાની માણસો કહે છે સમાજમાં એવા કેટલાય માણસો હોય છે તેની સાથે બની શકે ત્યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં. તેનો વિરોધ કરવો નહીં. વિરોધ કરીએ, આડા ઊતરીએ તો સરવાળે આપણને જ નુકસાન થાય.

માણસ આધિ-વ્યાધિ, ચિંતા-તનાવ, માન-અભિમાન, ક્રોધ, લોભ, લાલસા, પૂર્વગ્રહ અને અશાંતિથી ઘેરાયેલો છે. એટલે દુ:ખતી રગ પકડાઈ જાય અથવા તેના મર્મસ્થાન પર ઘાવ પડે ત્યારે તે ઉકળી ઊઠે છે અને તેનો રોષ ભભૂકી ઊઠે છે.

સમાજમાં તરેહતરેહના માણસો છે. સ્વાર્થી, મતલબી, માખણિયા, ખુશામતખોરો અને ધૂર્ત લોકોનો તોટો નથી. લુચ્ચા અને કઢંગા માણસો તુરત ઓળખાઈ જાય છે જ્યારે સિફતદાર માણસો ફોલીફોલીને ખાઈ જતા હોય છે. સજ્જન અને દુર્જનના ચહેરા અને મહોરાઓ બદલાઈ ગયા છે. કોણ સારો અને કોણ ખરાબ એ કળવું મુશ્કેલ બન્યું છે. માણસમાં સંવેદન, સહાનુભૂતિ અને કૃતજ્ઞતાનો લોપ થયો છે. કોઈએ આપણે માટે સારું કર્યું હોય, સહાય કરી હોય આપણે જલદીથી ભૂલી જઈએ છીએ. આભારના બે શબ્દો પણ આપણા મોઢામાંથી નીકળતા નથી. આ એની ફરજ હતી એવું આપણે સમજી લઈએ છીએ. જેટલો માણસ નજીકનો એટલું જલદીથી ભૂલી જવાય છે.

‘તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ.’ સમાજમાં બધા માણસો ખરાબ નથી. સારા સમજદાર માણસો પણ છે. સારા-બૂરાનો આ સમૂહ છે. કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. દરેક માણસની ખૂબીઓ અને વિચિત્રતાઓ હોય છે. આમાં જે બાબત આપણા મગજમાં ફિટ થતી નથી તે અંગે આપણે અણગમો અને વિરોધ વ્યક્ત કરતા રહીએ છીએ. કેટલીક વખત વિરોધ આડકતરો હોય છે. વિરોધ અનેક પ્રકારે થાય છે. પ્રેમથી, રોષથી, વ્યંગથી, કટાક્ષથી કે સામા માણસને ન ગમતી વાત કરીને ઊભરો ઠાલવી શકાય છે. વિરોધનો પ્રતિભાવ ન ઊભો થાય તો વિરોધ બુઠો બની જાય છે. એટલે વિરોધ કરનારાઓ સમય, સ્થળ, સંજોગો અને પાત્ર જોઈને તીર ચલાવતા હોય છે.

આપણી સામે થતા વિરોધ અને ટીકાને કોઈ પણ જાતનો પ્રતિભાવ નહીં આપીને મહાત કરી શકાય છે, પરંતુ સાચી, સમજભરી વાતમાં ગુસ્સે થયા વગર સામા માણસને સમજવાનો પ્રયાસ કરીએ તો વિરોધ ઓસરી જાય છે. આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ ત્યાં થોડી ઘણી ટીકા અને વિરોધનો ભોગ બનવું પડે છે. તમે ગમે તેટલું સારું કામ કરતા હો પણ તે જોવાની દરેકની દૃષ્ટિ અલગ છે. સ્પર્ધા, ઈર્ષ્યા અને અદેખાઈના કારણે પણ આવું થતું હોય છે. આના કારણે પણ લોકો એકબીજાના ટાંટિયા ખેંચતા હોય છે.

કોઈની ટીકા, નિંદા અને કૂથલીમાં લોકોને વધુ રસ પડે છે. પોતાનામાં રહેલી ઊણપને છુપાવવા માટે આ શસ્ત્રનો ઉપયોગ થતો હોય છે. બીજાને નાનો ચીતરીને મોટો થવાનો આ પ્રયાસ છે. બીજાની બૂરાઈ કરવામાં કેટલાક માણસોને આનંદ થતો હોય છે. આની પાછળનો ભાવ એવો હોય છે કે ‘આના કરતાં તો આપણે ઘણા સારા’. આપણે કોઈની પ્રશંસા કે વખાણ કરીએ તો લોકો સાંભળવા રાજી હોતા નથી, પરંતુ કોઈની ટીકા કે નિંદા કરીએ તો કાન દઈને સાંભળે છે. એટલું જ નહીં પણ ફટ દઈને આપણી વાતનો સ્વીકાર કરી લે છે અને તેમાં થોડું મીઠું-મરચું ભેળવે છે. ટીકા જેટલી સ્વીકાર્ય બને છે તેટલી પ્રશંસા જલદીથી સ્વીકાર્ય બનતી નથી. ખરાબ વસ્તુ જેટલી ગ્રહણ થઈ જાય છે, એટલી સારી વસ્તુ ગળે ઊતરતી નથી.

કેટલાક માણસો એવા હોય છે, જેઓ પૂરું સમજ્યા વગર વાતવાતમાં મિજાજ ગુમાવે છે. તેમને ગમે તે વાતમાં આડું પડી જાય છે. કેટલાકને કોઈ પણ વાતમાં ખોડખાપણ કાઢ્યા વગર ચેન પડતું નથી. વિરોધ, ટીકા, નિંદા સહન કરવાની સૌની સ્વાભાવિક મર્યાદા હોય છે. કેટલાક માણસો બહુ ટચી હોય છે. જરાક અમથું કહો તો ખોટું લાગી જાય છે. સ્ત્રી હોય તો આંખમાંથી આંસુ ટપકી પડે છે. આવી વ્યક્તિઓ આવી વાતને જલદીથી ભૂલતી નથી. ઘરમાં અને સગાસંબંધીઓમાં આવી ચડભડ ચાલ્યા કરે છે. વાતનું વતેસર કરીને અને આવી નકામી વાતો મનમાં સંઘરી રાખીને લોકો દુ:ખી થતા હોય છે અને બીજાને દુ:ખી કરતા હોય છે.

પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુએ તેમની માર્મિક વાણીમાં કહ્યું છે કે માણસે સમાજમાં રહેલાં કેટલાક માણસોનો વિરોધ ન કરવો, એમાં સરવાળે ફાયદા કરતા નુકસાન વધુ છે. તેમની વાતનો સાર નીચે પ્રમાણે છે.

(૧) ગૃહિણીનો એટલે કે ઘરમાં રસોઈ કરનારી સન્નારીનો વિરોધ ન કરવો. બને ત્યાં સુધી ચલાવી લેવું અને કંઈ કહેવું પડે તો પ્રેમથી કહેવું.

(૨) મૂર્ખ માણસનો વિરોધ ન કરવો. તમે તેને ગમે તેટલું સમજાવો પણ કોઈ અર્થ સરવાનો નથી. આવા માણસો સામે માથું ફોડવાનો અર્થ શો?

(૩) જેની પાસે શસ્ત્ર હોય તેનો વિરોધ ન કરવો. હાથમાં રહેલું હથિયાર ક્યારે વિંઝાય તેનો ભરોસો નહીં. ગુસ્સામાં માણસ ગમે તે કરી બેસે. મજાકમાં એમ પણ કહી શકાય કે હાથમાં વેલણ હોય ત્યારે ગૃહિણીનો વિરોધ કરવો નહીં.

(૪) મર્મનો ભેદ જાણનારનો વિરોધ ન કરવો અને વિરોધ કરીએ તો પોલ ખૂલી જાય. આપણાં રહસ્યો જે જાણતું હોય તેની આડે ઊતરવું નહીં. ગમે ત્યારે તે ભાંડો ખોલી નાખે અને આપણી આબરુની ધૂળધાણી કરી નાખે.

(૫) શઠ માણસો, ધૂર્ત લોકો અને માથાભારે માણસોનો વિરોધ કરવો નહીં. ગમે ત્યારે આપણને ફસાવી દે અને હેરાન પરેશાન કરી મૂકે. તેમની વાત અને વર્તનમાં ફરક હોય છે. માથાભારે માણસો માત્ર અંધારીઆલમમાં હોય છે એવું નથી. સમાજમાં પણ આવા માણસો હોય છે, તેઓ બીજાને દબડાવતા હોય છે અને વાતવાતમાં બાંયો ચડાવતા હોય છે.

(૬) જીવન અને વહેવારમાં ધનવાન માણસોનો વિરોધ કરવો નહીં. શ્રીમંત માણસોનો વિરોધ કરીએ તો શું પરિણામ આવે તેની બધાને ખબર છે. આપણી વાત કોણ સાંભળશે? પૈસાદાર માણસોની સામે લોકોની દૃષ્ટિ બદલાઈ જાય છે. ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ’. એ ન્યાયે ચૂપ રહેવું બહેતર છે. ખોટું ડહાપણ ડોળવું નહીં અને તેમની સામે મેદાને પડવું નહીં.

(૭) વૈદ્ય અને ડૉક્ટરનો વિરોધ કરવો નહીં. આપણા તન અને મનનો ભેદ જે જાણતા હોય તેનો વિરોધ કઈ રીતે થઈ શકે? તેમની સલાહ પ્રમાણે ચાલવું. વૈદ્ય ને વેરી બનાવાય નહીં.

(૮) શાસ્ત્રમાં કહ્યું છે કે ગુણીજનો અને જ્ઞાની માણસોનો વિરોધ કરવો નહીં કારણ કે તેમની વાતમાં કાંઈક સાર હોય છે. તે વાત ભલે આપણને ન સમજાય, પરંતુ તેમાં ઘણું સત્ય અને તથ્ય રહેલું હોય છે.

(૯) કવિ, ભાટ અને ચારણનો વિરોધ ન કરવો. ખુશામત અને પ્રશંસા કરનારા માણસોને સાચવી લેવા. તેમની સાથે બગાડવું નહીં. તેમને ફુલાવવા પણ ફટાવવા નહીં. આવા શબ્દોની ધાણી ફોડનારા લોકોની જીભ બહુ ચાલતી હોય છે, ક્યારે આપણને વેતરી નાખે તે કહેવાય નહીં.

(૧૦) ઈશ્ર્વરનો, વિધાતાનો, નિયતિનો કદી વિરોધ ન કરવો. ભલે લાખ માથા પછાડો પણ જીવનમાં જે કાંઈ બનવાનું છે તે મિથ્યા થઈ શકે નહીં. નિયતી પાસ કોઈનું ચાલતું નથી. કર્મોના ફળ દરેક માણસે ભોગવવા પડે છે. શ્રદ્ધા, વિશ્ર્વાસ અને સાફદિલ હોય તો માણસ મુસીબતમાંથી પસાર થઈ શકે છે.

છેવટે સારરૂપે એટલું કહેવાનું કે માણસે પોતાનો ખુદનો વિરોધ કરવો નહીં પણ અંતરાત્માના અવાજને સાંભળવો અને તેને અનુસરવું. આપણે આપણું પોતાનું સાંભળતા નથી. આત્માના અવાજને દાબી દેતા હોઈએ છીએ. અંદરથી જે આવે છે તે સચ હોય છે. આ અવાજ આપણને સાંભળવો ગમતો નથી. જીવનમાં આત્મનિરીક્ષણ, આત્મસૂઝ અને આંતરચક્ષુ જ નવી દૃષ્ટિ આપે છે.

બને ત્યાં સુધી કોઈની આડે આવવું નહીં, કોઈની અડફેટમાં આવવું નહીં, પરંતુ તેનો અર્થ એવો નથી કે લાચારી ભોગવવી, ઘૂંટણિયા તાણવા કે અન્યાય સહન કરી લેવો. સચ્ચાઈના રસ્તે ચાલતા હોઈએ તો કોઈથી ડરવાની કે નીચી મૂંડી કરવાની જરૂર નથી. જૂઠનો અન્યાયનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. સારા માણસો કંટાળીને હાર સ્વીકારે છે ત્યારે ખરાબ માણસોને મોકળું મેદાન મળતું હોય છે. જીવન એ તો કુરુક્ષેત્ર છે. કેટલીક વખત આપણા પોતાના માણસો સામે પણ આપણે લડવું પડે છે.

No comments:

Post a Comment