Saturday, March 23, 2013

જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહ વર્ણવે છે અમદાવાદની સાબરમતી જેલમાં ગાળેલા એમના બે મહિનાના કપરા કારાવાસના કેટલાક અનુભવ

‘ચિત્રલેખા’એ લીધેલી સૌરભ શાહની મુલાકાત

June 20, 2009
…એ ૬૩ દિવસ ને ૧૩ કલાક!
(મારી નોંધઃ ત્રણેક મહિના અગાઉ, સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલા ખૂનના બનાવને પગલે, ‘ચિત્રલેખા’એ આ જેલ વિશે એક વિસ્તૃત કવર સ્ટોરી પ્લાન કરી. ‘ચિત્રલેખા’ના તંત્રી અને મારા ૨૫ વર્ષ જૂના મિત્ર ભરત ઘેલાણી, હું જેલમાં હતો ત્યારે મને મળવા આવવાના હતા. અમારી વચ્ચે કંઈક અલગ પ્રકારનો અને જુદાં કારણોસર પત્રવ્યવહાર પણ એ વખતે થયો હતો, જેની વાત ‘અનુભવો’માં આવશે. ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરી માટે જરા સંકોચ સાથે પણ સંપૂર્ણ આદરપૂર્વક, મુંબઈથી આવેલો સંદેશો મહેશ શાહે મને આપ્યો. મહેશભાઈ હરકિસન મહેતાના હાથ નીચે કામ કરી ચૂક્યા છે અને અમદાવાદ રહીને સમગ્ર ગુજરાત સંભાળે છે. ‘ચિત્રલેખાના તસવીરકાર પ્રગ્નેશ વ્યાસ ફોટા પાડવા ઘરે આવ્યા ત્યારે હું એક સમારંભમાં પહોંચવાની ઉતાવળમાં હતો. પ્રસ્તુત છે એ તસવીર સાથે ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી સંપૂર્ણ મુલાકાત.)
ચિત્રલેખા કવરપેજ
‘ચિત્રલેખા’, ૬ એપ્રિલ ૨૦૦૯, મુલાકાત લેનાર: મહેશ શાહ, તસવીરકાર: પ્રગ્નેશ વ્યાસ
જાણીતા પત્રકાર-લેખક સૌરભ શાહ વર્ણવે છે
અમદાવાદની સાબરમતી જેલમાં ગાળેલા એમના
બે મહિનાના કપરા કારાવાસના કેટલાક અનુભવ

ચિત્રલેખા અનુક્રમ
ચિત્રલેખા: જેલમાં કેદીઓની ગૅન્ગ ચાલે છે?
સૌરભ શાહ: જે ગાળામાં મને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો તેના થોડાક જ મહિના પહેલાં જેલમાં કેટલીક ગૅન્ગ કાર્યરત હતી. એક ગૅન્ગવૉરમાં ગોવા રબારીની નામચીન ગૅન્ગના કેદીઓએ નવી બૅરેક નંબર ૬માં ચેતન બૅટરી નામના ખૂનના આરોપીની હત્યા કરી નાખી હતી. મને એ જ બૅરેકમાં રાખવામાં આવ્યો હતો. મારું બેડિંગ ચેતન બૅટરીનું ખૂન થયું એ સ્થળથી ચાર પથારી છોડીને જ હતું.
ચેતન બૅટરીની હત્યા કેવી રીતે થઈ એનું વિગતવાર વર્ણન એક રાતે મેં એ ઘટનાને નજરે જોનારા કેદી પાસેથી સાંભળ્યું હતું. ચેતન બૅટરીની હત્યા પછી જેલમાં ગૅન્ગ પ્રવૃત્તિ નહીંવત્ થઈ ગઈ હતી. જો કે, હમણાં ફરી પાછી શરૂ થઈ હોઈ શકે છે એવું તાજેતરમાં થયેલી હત્યાના બનાવ પરથી લાગે છે. મારા સદ્-નસીબે મેં જેલમાં ગાળેલા ૬૩ દિવસ દરમિયાન મને કોઈ ગૅન્ગનો અનુભવ થયો નહોતો. જેલમાં હું માટુંગાના કુખ્યાત વર્દાભાઈના મોટા દિકરાને મળ્યો હતો, જેણે ‘વૂડલેન્ડ્સ રેસ્ટોરાં’માં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું એવું મને જણાવ્યું હતું. એ અત્યારે બનાવટી ચલણી નોટોના ષડ્યંત્રમાં સજા કાપી રહ્યો છે, પણ જેલમાં એની કોઈ ગૅન્ગ નહોતી. અમદાવાદના નામચીન ડૉન લતીફનો જમણો હાથ ગણાતો વહાબ ખાન પણ મને જેલમાં મળ્યો. એની આજીવન કેદ પૂરી થઈ ગઈ છે પણ હજુય એને હાઈ સિક્યોરિટી અંડા સેલમાં રાખવામાં આવ્યો છે.જેલમાં વહાબના ટેકેદારો ઘણા છે, પણ એ લોકો ગૅન્ગ બનાવીને ઉપદ્રવ કરતા હોય એવા કિસ્સા જાણવા મળ્યા નથી. (તાજા કલમ: આ ઇન્ટર્વ્યુ પ્રગટ થયાના થોડાક દિવસોમાં જ વહાબ ખાન હવે મુક્ત છે એવા સમાચાર છપાયા-સૌ.શા.).
આ જ જેલમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવાના કાવતરાના આરોપ હેઠળ પકડાયેલા હાજી બિલાલ, મોહમ્મદ કલોટા, મૌલાના ઉમરજી અને એમના બીજા ૮૦થી વધુ મુદ્દેકાર (સહઆરોપીઓ) છે. હાજી અને કલોટાને ઘણી વાર મળવાનું થતું. એમની સાથેના કેદીઓને એ કાનૂની અને બીજી મદદ કરતા અને જેલનું એ ખૂબ શક્તિશાળી ગ્રૂપ ગણાતું, પણ આમાંના કોઈએ ગૅન્ગ બનાવીને બીજા કેદીઓને રંજાડ્યા હોય એવું મારા જાણવામાં આવ્યું નથી. માર કારાવાસ દરમિયાન ગૅન્ગનો અનુભવ નહોતો થયો, પણ એકલદોકલ કેદીઓની ગૅન્ગ બનાવ્યા કરતા હોય એવા કિસ્સા ક્યારેક મારા સુધી પહોંચતા. દાખલા તરીકે, જેલમાં પહેલી જ સવારે મને કહેવામાં આવ્યું કે મારે કોઈ સારી બૅરેકમાં રહેવાની ગોઠવણ કરી લેવી અન્યથા કોઈ ઉપદ્રવી કેદી ધાકધમકીથી કે મારઝૂડ કરીને તમારી પાસે ચિઠ્ઠી લખાવીને તમારા ઘરે જઈને હજારો રૂપિયાની ખંડણી વસૂલ કરશે!
ચિત્રલેખા મુલાકાત
દરેક કેદીએ કોઈ ગૅન્ગ કે માથાભારે કેદીના મદદનીશ અથવા સાગરીત બનવું જ પડે એ વાત કેટલે અંશે સાચી?
બધા કેદીએ આવું કરવું પડે એવું દર વખતે નથી બનતું પણ તમારી સામાન્ય સગવડો સચવવા કે કેદી તરીકે તમને મળનારા હક્કો મેળવવા તમારે કોઈને કોઈ વગદાર કેદી સાથે સંપર્ક ચોક્કસ રાખવો જ પડે.દાખલા તરીકે, જેલમાં કાચા કામના કેદી (અર્થાત્ જે આરોપી હોય , જેમનો કેસ અદાલતમાં ચાલુ હોય)ને ઘરેથી જમવાનું મગાવવાનો હક્ક છે, પણ આ હક્ક મેળવવા કઈ વિધિઓ કરવી પડે એની જાણકારી સત્તાવાળા તરફથી તમને મળતી નથી એટલે જૂના કે વગદાર કેદીઓ પર જ તમારે આ બાબતમાં માર્ગદર્શન માટે આધાર રાખવો પડે. જેલમાં તમે તમારી ટૂથપેસ્ટ, સાબુ કે ઊલિયું કે દાઢી કરવાનો સામાન લઈ જઈ શકતા નથી. જીવનજરૂરિયાતની આ પાયાની ચીજો માટે જેલમાં કાયદેસર શી સગવડ છે એ વિશે પણ નવા આવનારા કેદીને કોઈ જ માહિતી પોલીસ, કોર્ટ કે જેલ સત્તાવાળા દ્વારા આપવામાં આવતી નથી. તમારા ધરેથી તમને કોણ, કેટલી વ્યક્તિ, કયા સમયે, મહિનામાં કેટલી વાર જેલમાં મળવા આવી શકે અથવા તો જેલમાં રહીને તમારા વકીલને તમે કેવી રીતે મળી શકો એ વિશેની કોઈ સતાવાર નિયમાવલિ તમને મળતી નથી. આની જાણકારી તથા વિધિ માટે પણ વગદાર કેદીઓ સાથે સંપર્ક રાખ્યા વિના છૂટકો નથી હોતો.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક પુસ્તકાલય પણ છે, જેમાં સ્વામી સચ્ચિદાનંદ, હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ડૉ. સુરેશ દલાલ, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી અને પ્રિયકાન્ત પરીખ સહિત સંખ્યાબંધ લેખકોનાં પુસ્તકો છે, પરંતુ આ લાઈબ્રેરીનો ઉપયોગ કરવાના તમારા હક્ક વિશે તમને જાણકારી આપવાની જેલના સત્તાવાળાઓને કોઈ પડી હોતી નથી.
જેલમાં તમને નોટબુક અને લખવા માટેની પેન, ઘરે ટપાલ લખવા માટેનાં પોસ્ટકાર્ડ-પરબીડિયાં વગેરે નાની-મોટી સગવડ મેળવવાના અધિકાર હોય છે. ઘરેથી વાંચવા માટેનાં પુસ્તક તથા રોજનાં છાપાં પણ કાયદેસર મગાવી શકાય છે… આવી સંખ્યાબંધ નાની-મોટી નિર્દોષ સગવડ મેળવવા માટે તમારે જેલના સત્તાવાળાને બદલે અનુભવી કેદીઓ પર જ આધાર રાખવાનો હોય છે, પરંતુ મારા સમયે કોઈ ગૅન્ગ કાર્યરત નહોતી એટલે મારે પણ કોઈના સાગરીત બનવાનો કોઈ પ્રશ્ન ઊભો થયો નહીં!
પહેલી વાર જેલમાં જવું પડ્યું હોય એવા નવાસવા માટે જેલ ખરેખર દોજખ પુરવાર થાય છે?
નરકનો અનુભવ થવાનો હશે તો તે મર્યા પછી થશે, પણ જીવતેજીવ જેલનો અનુભવ થયો છે તે પછી મને ખાતરી છે કે નરક પણ મને ફાઈવ સ્ટાર હોટેલ જેવું લાગશે! જેલમાં વધારાની સુવિધાઓ કે રોજબરોજની આપણી જિંદગીમાં વણાઈ ચૂકેલી સગવડોની વાત તો જવા દો, માણસની પાયાની અને તે પણ કાયદેસર મળવી જોઈએ એવી સગવડો મેળવતાં પણ નાકે દમ આવી જતો હોય છે. અરે, વાંચવાનાં ચશ્માં પણ મગાવવા તમારે સત્તાવાળાને કાલાવાલા કરવા પડે અને પછી પણ એમની તુમાખીભરી ના સાંભળવી પડે. જે સ્વમાન સાચવીને તમે જાહેર જીવનમાં પ્રતિષ્ઠા બાંધી હોય તે સ્વમાન અહીં ડગલે ને પગલે જેલ સિપાઈઓ અને જેલરોના બૂટ તળે કચડાતું હોય છે. જે વાતાવરણમાં એક કલાક રહેવાની કલ્પના પણ ભલભલાને થર થર કંપાવી મૂકે તે વાતાવરણમાં તમારે બે મહિનાથી વધુ રહેવું પડે ત્યારે જહાંગીરની કશ્મીર વિશેની ઉક્તિમાં ‘ફિરદૌસ’ને બદલે જહન્નમ મૂકીને કહેવું પડે કે ‘દુનિયામાં જો ક્યાંય નરક હોય તો તે જેલમાં જ છે, જેલમાં જ છે અને જેલમાં જ છે.
જેલમાં લાંચ આપ્યા વિના નિયમ મુજબની સુવિધા મળતી જ નથી એ કેટલે અંશે સાચું?
મારે સલામતી માટે કોઈ સારી બૅરેકમાં રહેવું એવું જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે સાથે એ પણ જણાવવામાં આવ્યું કે નવી બૅરેક નંબર ૬ બીજી બૅરેકો કરતાં સારી છે, કારણ કે તેમાં પંખા-લાઈટ વધારે છે, તાજો રંગ કર્યો છે, ત્યાં સમાજના સાવ નીચલા સ્તરના નહીં, પણ મધ્યમ વર્ગના ભણેલાગણેલા કેદીઓને રાખવામાં આવે છે, પણ ત્યાં મુકાવા માટે મારે ત્રણેક સ્તરે અમુક રૂપિયાનો વહીવટ કરવો પડશે. જેલમાં કાયદેસરની સુવિધા મેળવવા માટે તો પૈસા ખર્ચવા જ પડે છે, પણ જે અસુવિધા સત્તાવાર રીતે તમને આપી શકાય નહીં તે અસુવિધા ટાળવા માટે પણ પૈસા ખવડાવવા પડે છે.
એક કિસ્સો કહું. દરેક કાચા કેદીને ૧૪ દિવસ જેલમાંથી કોર્ટમાં લઈ જવો પડે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે માથાભારે કે ઝનૂનીની કૅટેગરીમાં ન હોય એવા તમામ કેદીને હાથકડી પહેરાવ્યા વગર જ લઈ જવાના. હાથકડી તમારા માનવ અધિકારોનો ભંગ કરે છે, પણ જેલમાં મામૂલી ટપોરી કે ખિસ્સાકાતરુથી માંડીને ખૂનના આરોપીઓ સુધીના કેદીને હાથકડી લગાવીને જ જેલની બહાર કાઢી કોર્ટમાં લઈ જવાની પ્રથા પડી ગઈ છે.
મારે જેલમાંથી પહેલી વાર કોર્ટની તારીખે જવાનું થયું ત્યારે મેં હાથકડી પહેરવાની ના પાડી. આ મારો અધિકાર તો હતો જ, પણ એથી વધુ મારા માટે એ દિવસ ઘણો ઈમોશનલ હતો કારણ કે મારી ૭૬ વર્ષની મા, જે માંડ માંડ ચાલી શકે છે તે મને જોવા માટે કોર્ટમાં આવવાની હતી. હું નહોતો ઈચ્છતો કે જે માતાએ આજીવન પોતાના આડોશપડોશમાં, સગાંવહાલાંમાં, પોતાના દીકરાની નામનાને હોંશભેર આર્શીવાદ આપીને ગૌરવભર્યું વર્તન કર્યું હોય તે મા મને હાથકડીમાં જોઈને ઓશિયાળી બની જાય અને ભોંઠી પડી જાય. મારા જાપ્તામાં આવેલી પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઐસી તૈસી કરીને હાથકડી ન પહેરવી હોય તો મારી પાસેથી સો રૂપિયા માગ્યા, જે મારી પાસે નહોતા. કોર્ટમાં લિફ્ટ પાસે મેં માને જોઈ અને હું માને પગે લાગવા નીચે વળ્યો ત્યારે મારી મા મારા હાથ પકડીને હાથકડીના ઠંડા લોખંડને પોતાની કરચલીવાળી આંગળીઓથી પસવારીને ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી હતી….
તમને થયેલો જેલનો સૌથી કડવો અને યાદગાર અનુભવ કયો?
જેલના ૬૩ દિવસમાંનો એકએક દિવસનો દરેકેદરેક કલાક મારી સ્મૃતિમાં જડબેસલાક જડાયેલો છે, જેમાં સારા-માઠા બેઉ પ્રકારના ઘણા અનુભવ છે. આમાંથી સૌથી કડવો અનુભવ કયો કહેવો એ બહુ મુશ્કેલ છે, પણ એક અનુભવ તમને કહું, જેને સૌથી કડવા અનુભવનું લેબલ મારું કે નહીં તેની ખબર નથી.
મને (૨૧ જૂન ૨૦૦૮ના શનિવારે) કોર્ટમાંથી જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે સીધો જ જેલની ઓફિસમાં લાવવામાં આવ્યો. ત્યાં ઓળખવિધિ, અંગૂઠાની છાપ, ફોટાની વિધિ વગેરે બીજી વાર કરવામાં આવી (પહેલી વાર એ તમામ વિધિ પોલીસના નવ દિવસના રિમાન્ડમાં કરવામાં આવી હતી) એટલે મને થયું કે જેલપ્રવેશવિધિ પૂરી થઈ, પણ એટલું પૂરતું નહોતું. જેલમાં ઓફિસની બહાર પતરાંની એક કોટડી હતી, જેને જડતી રૂમ કહે છે. એ કોટડીમાં તે દિવસે જેલમાં ભરતી થનારા ડઝનેક કેદીઓ સાથે મને ઊભો રાખવામાં આવ્યો. જડતી જમાદારે મારા શરીરની જડતી લેવા માટે મને બધાં જ કપડાં ઉતારી નાખવાનો હુકમ કર્યો. બધાં જ એટલે? બધાં જ. હું તદ્દન નિર્વસ્ત્ર બનીને બીજા કેદીઓની સાથે જેલ સ્ટાફની સામે ઊભો હતો એ અનુભવ મારા જેલમાંનો જ નહીં, મારી આખી જિંદગીનો સૌથી હિણપતભર્યો અનુભવ હતો. પતરાંની એ જેલની કોટડીમાં મારી ત્રીસ વર્ષની પત્રકારત્વ અને લેખનની કારકિર્દી થોડી જ મિનિટોમાં વરાળ બનીને હવામાં અદૃશ્ય થઈ ગઈ અને ધરતી માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં એવી તીવ્ર ભોંઠપ મેં અનુભવી હતી. આજે પણ એ દૃશ્ય યાદ કરું છું તો જીવનમાં આટલી નિઃસહાયતા, આટલી લાચારી, આટલી શરમિંદગી મેં ક્યારેય નહોતી અનુભવી એવું લાગે છે.
જેલવાસ દરમિયાન તમને ત્યાંના નિયમો અને એની વિસંગતિઓ જોવા-અનુભવવા મળી?
અનેક. ડગલે ને પગલે પરસ્પર વિરોધી હોય એવા નિયમોનો અનુભવ મને થતો હતો. એક તદ્દન નાનો અને ક્ષુલ્લક ગણી શકાય એવો કિસ્સો કહું . અત્યારે લાગે છે કે કેટલી હાસ્યાસ્પદ વાત હતી એ. જેલમાં રોજ હું અને મારા પરિચિત થઈ ગયેલા મારી બૅરેકના આઠ-દસ કેદીઓ પોતપોતાના ઘ રેથી આવેલું ટિફિન એકબીજા સાથે વહેંચીને જમીએ. જમ્યા પછી ઘણા કેદી લિજ્જતથી સિગારેટ સળગાવે, કોઈ માવો-તમાકુ મોઢામાં દબાવે. મેં છેલ્લાં પાંચેક વર્ષથી સિગારેટ છોડી દીધી હતી એટલે જમ્યા પછી વરિયાળીના થોડા દાણા મોઢામાં ન નાખ્યા હોય તો જાણે ભોજન અધૂરું રહી ગયું છે એવું લાગે. શેકેલી વરિયાળીની જે ટેવ પડી ગઈ હતી તે જેલમાં કેવી રીતે સંતોષાય? એક અઠવાડિક મુલાકાતમાં મેં ઘરે સંદેશો મોકલાવ્યો કે કાલે ટિફિનમાં સાથે નાની ડબ્બીમાં વરિયાળી મોકલજો… અઠવાડિયા સુધી હું રોજ રાહ જોતો, પણ વરિયાળી આવતી નહીં. બીજા અઠવાડિયે મુલાકાત વખતે એકાએક મને યાદ આવ્યું એટલે મેં વરિયાળી વિશે પૂછ્યું. મને કહેવામાં આવ્યું કે અરે, તમને વરિયાળી નથી મળતી? અત્યાર સુધી બે વાર મૂકી છે. પછી તપાસ કરતાં ખબર પડી કે જેલના નિયમો મુજબ ચરસ, ગાંજો અને અફીણની સાથે વરિયાળી કે કોઈ પણ પ્રકારનો નિર્દોષ મુખવાસ પણ પ્રતિબંધિત ચીજવસ્તુની કૅટેગરીમાં મુકાય છે એટલે જેલના કમ્પાઉન્ડમાં ટિફિનની જડતી કરનારો સિપાઈ વરિયાળી વાળી કાઢી લેતો હતો…
મને આશ્ચર્ય થયું કે જેલમાં દર પંદર દિવસે સિગારેટ, બીડી, તમાકુ અને ચૂનો કાયદેસર વેચાતાં, જેનો નફો જેલની કૅન્ટીનના હિસાબમાં સત્તાવાર જમા થતો, જ્યારે વરિયાળી જેવી તદ્દન મામૂલી અને નિર્દોષ ચીજ પર પ્રતિબંધ છે! મને થયું કે જેલમાં વરિયાળી ખાવા કરતાં સિગારેટ પીવી વધારે સારી, કમ સે કમ છૂટથી અને ઑફિશિયલી મેળવી તો શકાય. જો કે મારે સિગારેટ પીવાની નોબત ન આવી. થોડો અનુભવી થયો એટલે વરિયાળીનું સ્મગલિંગ કરવાની કળા મને આવડી ગઈ! (તા.ક.: જેલમાંથી છુટ્યાના દોઢેક મહિના પછી મેં સિગારેટ પીવાનું ફરી શરૂ કર્યું .)
તમારા આ ૬૩ દિવસના જેલના અનુભવોને બહારની દુનિયા સુધી કઈ રીતે પહોંચાડવા ઈચ્છો છો?
મારા મૅગેઝિન અંગે ગુનાઓ દાખલ કરીને મને એક સામાન્ય આરોપી તરીકે મારા જામીન થયા ત્યાં સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. એ દિવસોની સત્યકથાને હું મારા નવા પુસ્તક ‘મારા જેલના અનુભવો’માં આલેખી રહ્યો છું. આ ઉપરાંત, મેં જોયેલી આ દુનિયાના બૅકગ્રાઉન્ડ પર મેં એક નવલકથા ‘અર્ધસત્યમેવ જયતે’ લખવાની શરૂઆત પણ કરી છે…

No comments:

Post a Comment