Saturday, March 16, 2013

કલાકાર-કસબીઓનો જીવનનો કપરો સંધ્યાકાળ

નીંદ ઉડ જાએ તેરી ચૈન સે સોનેવાલે...
ઘણા ફિલ્મ કલાકાર-કસબીઓનો જીવનનો સંધ્યાકાળ કપરો વીતે છે, છતાં સમાજ, સંગઠનો કે સરકાર જાગતાં નથી! આ રાષ્ટ્રીય નાલેશીમાંથી મુક્તિ મેળવવી જ જોઈએ
પ્રફુલ શાહ

અજય દેવગણને પોતાની ૨૦૧૭ સુધીમાં રિલીઝ થનારી દસેક ફિલ્મોના સેટેલાઈટ રાઈટનો સોદો કર્યાના વાવડ આવ્યા. આ સોદો ૪,૦૦૦,૦૦૦,૦૦૦ (યસ, ચોગડા સાથે નવ શૂન્ય અર્થાત્ પૂરા ૪૦૦ કરોડ) રૂપિયામાં થયાની વાતો છાપે ચડી હતી. આ જ અરસામાં વીતેલા જમાનાનાં ગાયિકા મુબારક બેગમ પણ સમાચારમાં ચમક્યાં હતાં.

૧૯૬૩માં ‘હમરાહી’નું ‘મુઝ કો અપને ગલે લગા લો’ ગાઈને રાતોરાત દેશભરમાં લોકપ્રિય થઈ ગયેલાં મુબારક બેગમ હાલ જોગેશ્ર્વરીમાં સરકારે આપેલા વન બેડરૂમના ફલેટમાં પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાતી ૪૦ વર્ષીય દીકરી ઉપરાંત પુત્ર-પુત્રવધૂ અને તેમનાં બાળકો સાથે રહે છે. ક્યારેક રડ્યાખડ્યા લાઈવ સ્ટેજ પ્રોગ્રામથી તેમને થોડા હજારેક રૂપિયા મળી રહે છે. સચીન દેવ બર્મન, શંકર-જયકિસન, નૌશાદ, મદનમોહન, સલિલ ચૌધરી, ખૈયામ અને કલ્યાણજી-આણંદજીના સંગીતમાં અદ્ભુત-યાદગાર ગીતો ગાનારાં મુબારક બેગમને રાજ્ય સરકાર એકદમ નજીવું પેન્શન આપે છે: માસિક સાતસો રૂપરડી.

‘દેવતા તુમ હો મેરા સહારા (દાયરા), વોહ ના આયેંગે પલટકર ફિર સે (દેવદાસ), ‘નીંદ ઉડ જાએ તેરી ચૈન સે સોને વાલે’ (યે દિલ કિસ કો દૂં), ‘કભી તન્હાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી’ (હમારી યાદ આયેગી), ‘હમ-એ-દિલ, સુનાયેંગે’ (મધુમતી), ‘અય દિલ બતા’ (ખૂની ખજાના) તથા ‘કુછ અજનબી સે આપ હૈ’ અને ‘મુઝ કો અપને ગલે લગા લો’ (હમરાહી)ના શબ્દો મુબારક બેગમના જીવન-કવનનો વિરોધાભાસ કેટલી કરુણતાથી રજૂ કરે છે?

પોતાની આગવી કળા થકી આપણા સમાજ-જીવનને સમૃદ્ધ કરનારાઓને પાછલી જિંદગીમાં દર્દભર્યાં દિવસો વિતાવવા પડે એવો આ કિસ્સો પહેલો નથી, પણ ૭૦ વર્ષનાં મુબારક બેગમનો કેસ છેલ્લો બની રહેવો જોઈએ. કલાકારોની આવી કંગાળ-કરુણ સ્થિતિ દેશ, સમાજ અને વ્યક્તિ તરીકે સૌના સામૂહિક નગુણાપણાનું શરમજનક કૃત્ય છે.

સ્વાતંત્ર્યસૈનિક તરીકે યોગદાન આપ્યા બાદ લગભગ સાતેક દાયકા રંગભૂમિ અને સિનેમામાં અભિનય કરનારા અવતાર કિશન હંગલે છેલ્લે ૨૦૧૨માં ટીવી સિરિયલ ‘મધુબાલા’માં દેખા દીધી. ‘શોલે’ના રહીમ ચાચા તરીકે વધુ જાણીતા એ. કે. હંગલને સાડા પાંચેક દાયકામાં સવાબસો ફિલ્મ કરવા છતાં અંતિમ દિવસોમાં આર્થિક મદદની જરૂર પડી હતી.

‘હમરાઝ’ની હિરોઈન વિમ્મીનું અવસાન થયું, ત્યારે મૃતદેહનો કબજો લેવા કોઈ નહોતું. ‘લારા લપ્પા’ ગર્લ તરીકે જાણીતી મીના શોરીએ પાકિસ્તાનમાં અત્યંત નિર્ધન દશામાં છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. લલિતા પવારે એટલી એકલતામાં અંતિમ દિવસો ગુજાર્યા કે અવસાનના ચાર દિવસ બાદ પુણેના ફલેટમાંથી તેમની લાશ મળી હતી. આ રીતે જ કેશ્ટો મુખર્જી, મુકરી, કે. એન. સિંહ, શેટ્ટી, નાદિરા, પિંચુ કપૂર, સત્યન કપ્પુ, રાજેન્દ્રનાથ, વિજય અરોરા અને કિરણ કુમારને પણ ચાહકો અને ફિલ્મ ઉદ્યોગે ભુલાવી દીધા હતા.

ફિલ્મ ઉદ્યોગમાં થોકબંધ સંગઠનો છે. આવા કિસ્સા બહાર આવે, ત્યારે બે-પાંચ જણ દોડાદોડી કરીને આર્થિક સહાયનું કરાવી આપે, પરંતુ આ કાયમી કે આવકાર્ય વ્યવસ્થા નથી. ભવ્ય ભૂતકાળ ધરાવતા ભારતીય અને ખાસ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દીના શિખરેથી ઊતરી ગયા બાદ બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયેલા એટલાં બધાં અને એવાં એવાં નામ છે કે માથું શરમથી ઝૂકી જાય.

‘સરદાર’ના નામે ઓળખાતા ચંદુલાલ જેસંગભાઈ શાહ (૧૮૯૮-૧૯૭૫) શેરબજાર છોડીને ૧૯૨૫માં લક્ષ્મી ફિલ્મ કંપનીના આમંત્રણને માન આપીને ફિલ્મ જગતમાં આવ્યા. ૧૯૨૬માં તેમણે દિગ્દર્શિત કરેલી ‘ટાઈપિસ્ટ ગર્લ’ સુપરહિટ થઈ. પછી તેમણે ૧૯૨૯માં શરૂ કરેલા રણજિત સ્ટુડિયોમાં કે. એલ. સાયગલ, મોતીલાલ અને નિરૂપા રોય સહિતના ૩૦૦ કર્મચારી હતા. હિન્દી ઉપરાંત ગુજરાતી-પંજાબી ફિલ્મો બનાવનારા શાહ એક સમયે ફિલ્મ ઉદ્યોગના સૌથી શક્તિશાળી માણસ હતા. તેઓ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે અમેરિકા, ચીન અને સોવિયેત સંઘ ગયેલા પ્રતિનિધિમંડળમાં હતા, પરંતુ રાજ કપૂર- નરગિસને ચમકાવતી બિગ-બજેટ ફિલ્મ (પાપી) સુપરફલોપ થતાં તેમનું સામ્રાજ્ય પત્તાંના મહેલની જેમ કકડભૂસ થઈ ગયું. પછી ‘જમીન કે તારેં’ (૧૯૫૫)માં એનું જ પુનરાવર્તન થયું અને રહ્યુંસહ્યું પૂરું કર્યંુ જુગાર અને અશ્ર્વરેસે. રણજિત સ્ટુડિયોની લીલામી થઈ અને એક સમયે મોટરોનો કાફલો ધરાવનારો આ માણસ બસમાં ફરતો થઈ ગયો. કારમી ગરીબીમાં ૧૯૭૫ની ૨૫મી નવેમ્બરે ચંદુલાલ શાહે અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે બોલીવુડમાંથી ભાગ્યે જ કોઈ ફરક્યું હતું.

ચંદ્રમોહન (૧૯૦૫-૧૯૪૯). આજની પેઢીમાંથી મોટા ભાગનાએ આ નામ સાંભળ્યું નથી, પરંતુ વી. શાંતારામની ‘અમૃત મંથન’, સોહરાબ મોદીની ‘પુકાર’, મહેબૂબ ખાનની ‘હુમાયુ’ અને ‘રોટી’ તથા ફિલ્મીસ્તાનની ‘શહીદ’માં અત્યંત પાવરફુલ રોલ થકી ભારતના સૌથી લોકપ્રિય અભિનેતા બનેલા ચંદ્રમોહનનો દબદબો એવો કે ન પૂછો વાત, પરંતુ કાયમ ‘વેટ ૬૯’ પીનારો આ સિતારો મદિરા અને જુગારની લતમાં બરબાદ થઈ ગયો. છેલ્લે દેશી દારૂથી ચલાવી લેનારા ચંદ્રમોહન ૪૩ વર્ષની ઉંમરે અવસાન પામ્યા ત્યારે અંતિમવિધિનો ખર્ચો કર્યો હતો તેમના ડ્રિન્કિંગ પાર્ટનર મોતીલાલે.

મોતીલાલનું પૂરું નામ મોતીલાલ રાજવંશ (૧૯૧૦-૧૯૬૫). શિમલાના ધનવાન પરિવારનો આ નબીરો દિલ્હીની પ્રતિષ્ઠિત કોલેજમાં ગ્રેજ્યુએટ થઈને નૌકાદળમાં જોડાવા મુંબઈ આવ્યો પણ માંદગીને લીધે પરીક્ષા ચૂકી ગયો. એક ફિલ્મનું શૂટિંગ જોતી વખતે મોતીલાલને વિખ્યાત સાગર ફિલ્મ કંપનીએ ‘શહર કા જાદુ’ (૧૯૩૪)ની ઓફર કરી અને તેમણે એક્ટિંગમાં પદાર્પણ કર્યંુ. એ.વી.એમ.ની ‘મિ. સંપટ’, બિમલ રોયની ‘દેવદાસ’ તથા ‘પરખ’ થકી મોતીલાલ એકદમ છવાઈ ગયા, પરંતુ જુગાર અને અશ્ર્વ-દોડનો પ્રતાપ અને ‘છોટી છોટી બાતેં’ના નિર્માણ-દિગ્દર્શન થકી મોતીલાલ ડૂબી ગયા. ૧૯૬૫માં હતાશ મોતીલાલે છેલ્લા શ્ર્વાસ લીધા, ત્યારે અજાણ હતા કે તેમની ફિલ્મને રાષ્ટ્રપતિએ શ્રેષ્ઠ જાહેર કરી હતી. એક ખાસ વાત નસીરુદ્દીન શાહ, મોતીલાલ અને બલરાજ સહાનીને ભારતના સર્વશ્રેષ્ઠ અભિનેતા માને છે. તક મળે તો ‘દેવદાસ’માં ચુનીલાલ તરીકે મોતીલાલનો અભિનય જરૂર જોઈ લેજો. માત્ર શૈલેન્દ્ર તરીકે જ ઓળખાતા શંકરદાસ કેસરીલાલ શૈલેન્દ્ર (૧૯૨૩-૧૯૬૬)ના ગીતકાર તરીકે કસબ અને પ્રદાન વિશે અલગથી લેખ લખવો પડે. ‘બરસાત’ (૧૯૪૯)થી શ્રીગણેશ બાદ ‘અનાડી’, ‘યહૂદી’ જેવી કૃતિમાં કમાલ દાખવનારા શૈલેન્દ્ર નિર્માતા બનવા ગયા, પરંતુ ‘તીસરી કસમ’ના અનુભવે શીખવ્યું કે અહીં કોઈ જ મિત્ર નથી. આ સુંદર ફિલ્મ ખૂબ વખણાઈ પણ ટિકિટબારી પર ઢળી પડી. પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને ‘તીસરી કસમ’ના હીરો રાજ કપૂરના બર્થ-ડે એટલે કે ૧૪મી ડિસેમ્બરે શૈલેન્દ્રએ જિંદગી સાથેની દોસ્તી સાવ તોડી નાખી. એમના મૃત્યુ બાદ ‘તીસરી કસમ’ને રાષ્ટ્રપતિ તરફથી શ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડ મેડલ મળ્યો હતો.

ભગવાન આબાજી પાલવ
(૧૯૧૩-૨૦૦૨)નું સપનું ફિલ્મસ્ટાર બનવાનું હતું. સ્ટન્ટ ફિલ્મોના એકસ્ટ્રા આર્ટિસ્ટમાંથી દિગ્દર્શક, ચેમ્બુરના જાગૃતિ સ્ટુડિયોના માલિક સુધ્ધાં બન્યા. રાજ કપૂરની વાત માનીને ૧૯૫૧માં ગીતાબાલીને લઈને ‘અલબેલા’ બનાવી, જે સી. રામચંદ્રના જાદુને લીધે સુપરડુપર હિટ થઈ. આ સાથે જ ભગવાન પાસે સાત કારનો કાફલો આવી ગયો- રોજની એક, પરંતુ એ પછીની ‘ઝમેલા’ અને ‘લાબેલા’ ઊંધા માથે પછડાઈ. ઘોડ-દોડની ભૂંડી આદત વચ્ચે ભગવાન નસીબ સાથે હારવા માંડ્યા. કિશોરકુમારને ચમકાવતી ‘હંસતે રહેના’ ફિલ્મ પૂરી ન કરી શક્યા અને બધું રોકાણ ડૂબી ગયું. બધું ગુમાવીને ચાલમાં રહેવા ગયા. પછી ફિલ્મમાં એકાદ ગીતમાં ટિપિકલ ભગવાન-દાદા સ્ટાઈલ બતાવે પણ સમૃદ્ધિ કંઈ એમ પાછી આવે? એકદમ દયનીય સ્થિતિમાં ૨૦૦૨ની ચોથી ફેબ્રુઆરીએ અલબેલાએ મારી આખરી એક્ઝિટ.

ભગવાન સાથે ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ (૧૯૫૭)થી ‘સ્વર્ગ’ (૧૯૯૦)માં કામ કરનારા ભારત ભૂષણનો કિસ્સો પણ વિચારતા કરી મૂકે છે. ભારત ભૂષણ (૧૯૨૦-૧૯૯૨) યુ.પી.ના મેરઠથી અભિનેતા બનવા આવ્યા. ઘણો સંઘર્ષ કર્યો. અંતે સફળ ગુજરાતી સર્જક બંધુ વિજય અને શંકર ભાના મિડાસ ટચથી ‘બૈજુ બાવરા’ (૧૯૫૨)માં સ્ટાર બની ગયા. પછી ‘ચૈતન્ય મહાપ્રભુ’, ‘બરસાત કી રાત’, ‘શબાબ’, ‘બસંત બહાર’ જેવી અનેક સફળતા... નવી નવી મોટરકાર... વૈભવશાળી બંગલો આવતા ગયા. પહેલી પત્નીના મોત બાદ ‘જહાંઆરા’ અને ‘તકદીર’ ફલોપ ગઈ... હીરોમાંથી કેરેક્ટર રોલ... પાંચમા-છઠ્ઠા દાયકાના સુપરસ્ટારે બંગલા-કાર છોડી દેવા પડ્યાં. આ બંગલો પછી રાજેન્દ્ર કુમાર, રાજેશ ખન્ના અને જિતેન્દ્રે ખરીદયા. પોતાને હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષાવાળાને વિનંતી કરતી વખતે ભારત ભૂષણનો જીવ ગયો હતો!

ગુલામ મુસ્તફા દુર્રાની ઉર્ફે જી. એમ. દુર્રાની નામના ગાયક કે જે મોહમ્મદ રફીના આદર્શ હતા, પણ સમય વીતતાં તેઓ પૈસા અને કામ માગતા નજરે ચડ્યા હતા. અનેક મૂક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પ્રથમ મહિલા પાર્શ્ર્વગાયિકાનું બહુમાન મેળવનારાં રાજકુમારી પાછલી જિંદગીમાં કોરસગાનના વૃંદમાં નજરે પડ્યાં હતાં. ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો...’માં રફી સાથે અવાજ આપનારા ખાન મસ્તાના હાજીઅલી દરગાહ પર ભિખારી તરીકે મર્યા હતા.

... આવાં વધુ નામ અને દૃષ્ટાંત છે, જે ગમગીન કરી દે. પરંતુ શું કોઈ જ ઉપાય નથી? છે જ. આ બધાના અંજામમાં પ્રજા અને ફિલ્મ-રસિક તરીકે સૌનો થોડો ફાળો ખરો. આ રાષ્ટ્રીય શરમ છે.

સરકાર કોઈ કલાકારની આવકમાંથી ટી.ડી.એસ. તરત કાપી શકે, તો એના માટે પ્રોવિડન્ટ ફંડ, પર્યાપ્ત પેન્શન કે અન્ય કોઈ વ્યવસ્થા શા માટે ન કરી શકે? મન હોય તો માળવે જવાય જ. પણ મન છે ખરું?

No comments:

Post a Comment