Wednesday, March 20, 2013

ડાહ્યા દીવાનાઓની આ દુનિયા - મહેન્દ્ર પુનાતર


ડાહ્યા દીવાનાઓની આ દુનિયા
દરેક માણસના માથા પર કાંઈકને કાંઈક ઝનૂન સવાર થઈને બેઠું છે. કોઈ પૈસા પાછળ, કોઈ સત્તા પાછળ તો કોઈ પ્રેમ પાછળ પાગલ છે. જિંદગી એટલા માટે જીવવા જેવી લાગે છે કે એમાં દીવાના થવાની અપાર શક્યતાઓ છે.

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

સમગ્ર સંસાર એક પાગલખાનું છે. ડાહ્યા માણસો ભાગ્યે જ જોવા મળશે. તેમ છતાં સમજદારીનો ક્રમ સાવ ઊલટો છે. પાગલોને ડાહ્યા દીવાના લાગે છે. પાગલપણ અને ડહાપણ વચ્ચેની ભેદરેખા બહુ નાજુક અને પાતળી છે. આ કારણે ડાહ્યા કોણ અને પાગલ કોણ એ સમજવું મુશ્કેલ છે. દરેક માણસ કોઈક ને કોઈક બાબતમાં પાગલ હોય છે. કોઈ પૈસા પાછળ, કોઈ સત્તા પાછળ, તો કોઈ પ્રેમ પાછળ ઘેલો છે. માણસના માથા પર કોઈ ને કોઈ બાબત અંગે ઝનૂન સવાર થઈને બેઠેલું હોય છે. દીવાનાઓ જન્મતા નથી, સંજોગો માણસોને દીવાના બનાવે છે. દીવાનગી માટેનાં અનેક કારણો હોય છે. આમાં પ્રેમ-રૂપ-ધનનો મોહ, સત્તાલાલસા, જુવાનીનો મદ અને સફળતાનો ઘમંડ વગેરે અનેક બાબતો સામેલ છે. હકીકતમાં તો માણસને દીવાના બનવા માટે ખાસ કોઈ કારણની જરૂર પડતી નથી. સફળતા અને નિષ્ફળતા બંને માણસોને દીવાના બનાવે છે. ખરું પૂછો તો જિંદગી એટલા માટે જીવવા જેવી લાગે છે કે એમાં દીવાના થવાની અનેક શક્યતાઓ રહેલી છે. માણસને કંઈ પણ મેળવવા માટે પ્રબળ ઝંખના જાગે છે ત્યારે તેની સ્થિતિ પાગલ જેવી બની જાય છે. જ્યાં સુધી એ વસ્તુ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી તેને બિલકુલ ચેન પડતું નથી. માણસને અચાનક વગર મહેનતે જરૂર કરતાં વધુ મળી જાય અને માણસને સખત પરિશ્રમ કરવા છતાં કશું મળે નહીં, આ બંને સ્થિતિમાં માણસ સમતુલા ગુમાવી બેસે છે. સુખ-દુ:ખમાં સ્થિર રહી ન શકે તેની સ્થિતિ પાગલ જેવી બની જાય છે. ધન-દોલત, સત્તા, સફળતા મળ્યા પછી અહંકારનો પારો ઊંચે ચડે છે. માણસ પોતાને બીજા કરતાં ચડિયાતો માનતો થઈ જાય છે, ત્યારે તે ખરા અર્થમાં ડાહ્યો રહેતો નથી. અભિમાન એ ગાંડપણનું જ સ્વરૂપ છે. કોઈ પણ બાબતમાં જ્યારે અતિ આવે છે ત્યારે ગાંડપણની શરૂઆત થઈ જાય છે. જીવનમાં જ્યારે કશું વધુ પડતું થાય ત્યારે તે મુશ્કેલી ઊભી કરે છે. અતિ ધન, અતિ ક્રોધ, અતિ પ્રેમ, અતિ ડહાપણ કંઈ જ સારું નથી. દરેક વસ્તુ મર્યાદામાં હોય ત્યારે સારી લાગે છે. મર્યાદા ઓળંગે છે ત્યારે ઉપદ્રવ બની જાય છે. કેટલાક માણસો વાતવાતમાં વરસી પડે છે અને વાતવાતમાં તપી જાય છે. જે વધુ પડતો પ્રેમ કરે છે તેનો ગુસ્સો પણ એવો જ હોય છે.

અહંમ્, ઈર્ષ્યા અને અદેખાઈ પણ માણસને પાગલ બનાવી દે છે. તે કોઈનું સારું જોઈ શકતો નથી. બીજાની ટીકા-નિંદામાં રાચે છે અને કોઈ બીજો પોતાનાથી આગળ નીકળી જાય કે કંઈક વધુ મેળવી જાય તો બળ્યા કરે છે. આ કારણ કંકાસ અને કલહ વધે છે. મતભેદો, મનભેદો અને પૂર્વગ્રહ વધુ ઘેરા બને છે. અહંકાર સાથે જીદ અને મારી જ વાત સાચી એવું મિથ્યાભિમાન સમરાંગણ સર્જે છે. દ્રોપદીનાં કટુ વચનો, દુર્યોધનનો અહંકાર અને દુ:શાસનની દુષ્ટતાએ પાગલપણું ઊભું ન કર્યું હોત તો મહાભારત ન સર્જાયું હોત. સિકંદરના માથે આખી દુનિયાને જીતવાનું ભૂત સવાર થયું હતું, પરંતુ આખરે કશું હાથમાં આવ્યું નહીં અને ભરજવાનીમાં ખાલી હાથે જ આ ફાની દુનિયાની વિદાય લેવી પડી.

આપણે દુ:ખભરી ગેરસમજણો વર્ષોના વર્ષો સુધી ચાલવા દઈએ છીએ. નકામાં ઝઘડા સળગતા રાખીએ છીએ. કોઈની સાથે સમાધાન અને સુમેળ સાધવાની તક ઊભી થાય તો પણ રાહ જોઈએ છીએ અને વિચારીએ છીએ કે તેને થોડો વધુ કુણો પડવા દો. આપણે સામેથી જવાની જરૂર નથી. ગરજ હશે તો તે આવશે. આપણે રસ્તા પર મોં ફુલાવીને કે મોઢું ફેરવીને ચાલી જઈએ છીએ. કોઈક તુચ્છ અણગમાના કારણે જનમજનમના વેર બાંધી લઈએ છીએ. આ પાગલપણું નથી તો બીજું શું છે?

આપણે જેને માટે દીવાનગી વહોરી લેવી જોઈએ, જેને માટે ફના થવું જોઈએ તે કરતા નથી અને નકામી વ્યર્થ વસ્તુઓ પાછળ ખુવાર થઈ જઈએ છીએ. દીવાના અનેક પ્રકારના હોય છે. રામકૃષ્ણ પરમહંસ એવા દીવાના હતા કે એક હાથમાં ગંગાજળ અને બીજા હાથમાં વિષ રાખીને તપશ્ર્ચર્યા કરતા હતા. જેથી સ્થિતપ્રજ્ઞ રહી શકાય. સરમદ એવો દીવાનો હતો કે તે નિર્વસ્ત્ર ફરતો હતો. ઔરંગઝેબે તેને શૂળી પર ચડાવી દીધો. તેણે નિર્વસ્ત્ર રહેવાનું કારણ એ બતાવ્યું કે કપડાં એબ છુપાવવા માટે પહેરવામાં આવે છે મારામાં કોઈ એબ નથી તો હું કપડાં શા માટે પહેરું? ઔરંગઝેબ સરમદને સમજી ન શક્યો. સરમદની દીવાનગી હતી અને ઔરંગઝેબનું ગાંડપણ હતું. નરસિંહ મહેતા અને મીરાબાઈ પણ દીવાનાં હતાં. પ્રભુભક્તિમાં લીન થવા એમણે દીવાનગી વહોરી લીધી હતી. આ માટે તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. નરસિંહ મહેતાને લોકોએ નાત બહાર મૂક્યા અને મીરાબાઈને ઝેરનો કટોરો પીવો પડ્યો, પરંતુ તેઓ તેમના ધ્યેયમાંથી વિચલિત થયાં નહોતાં. પ્રભુને પામવાની આ દીવાનગી હતી અને તેમનું સાંનિધ્ય માણવાની તાલાવેલી હતી. ગાંધીજી જુદી કક્ષાના મહાપુરુષ હતા, પરંતુ કોઈ દીવાનાની યાદી તૈયાર કરવા બેસે તો તેમનું નામ પ્રથમ મૂકે. તેમણે સુખ વૈભવનાં બધાં લક્ષણોનો ત્યાગ કર્યો હતો, તદ્દન ઓછાં કપડાં ધારણ કર્યા હતાં. આજના લોકસેવકોના વૈભવશાળી જીવન અને રાજકારણીઓના કરોડોના કૌભાંડોમાં કોઈ સત્ય, નીતિ અને પ્રામાણિકતાની વાત કરે અને લંગોટી ધારણ કરે તો આપણે એને પાગલ સમજીએ કે બીજું શું? જેઓ વચનને વળગી રહે, ધ્યેય માટે ખુવાર થાય તથા સચ્ચાઈ અને પ્રામાણિકતાને અનુસરે તો તેને ડાહ્યો કઈ રીતે કહી શકાય? રાજકારણીઓમાં લાલબહાદુર શાસ્ત્રી આવા પાગલ હતા. મોટા મોટા હોદ્દાઓ ભોગવ્યા, વડા પ્રધાન બન્યા પણ તેમની પાસે પોતાનું મકાન કે સંપત્તિ નહોતાં. ફકીરની જેમ પાયાના પથ્થર બનીને તેમણે દેશને જીવન સમર્પિત કર્યું. આ દીવાનગી નહીં તો બીજું શું?

જે સ્થળ અને સમય પ્રમાણે રંગ બદલી શકે છે જે બોલીને તુરતમાં ફરી શકે છે, જે શરમને નેવે મૂકી શકે છે, જે જાહેરમાં પગે લાગે છે અને ખાનગીમાં લાત મારે છે એવા માણસો મોટા થઈને ફરે છે. સમાજ જીવન અને રાજકારણ અત્યારે દંભના અંચળા હેઠળ ઢંકાયેલું છે. એમાં કોઈ દીવાના નથી પણ ડાકુઓ છે.

સમાજમાં સત્તાની સાથે પૈસાનું પ્રભુત્વ વધ્યું છે. પૈસા થતા માણસ સમૂળગો બદલાઈ જાય છે. ‘નાણાં વગરનો નાથીયો, નાણે નાથાલાલ’ કહેવત મુજબ માણસ પૈસાથી પુજાવા અને પુછાવા લાગે છે. માણસ ગમે તેટલો ગાંડો હોય, પણ પૈસા થતાં ડાહ્યો ગણાવા લાગે છે. કાલ સુધી કોઈ જેનો ભાવ પૂછતું નહોતું તેના ગુણગાન ગવાવા લાગે છે. પૈસાનો ચળકાટ અને રણકાર અનોખો છે. પૈસા ડાહ્યાને દીવાના અને દીવાનાને ડાહ્યા બનાવી નાખે છે. પૈસાનો પ્રભાવ એવો છે કે ડહાપણ એની મેળે આવી જાય છે. ધન અને સત્તા અનોખો આત્મવિશ્ર્વાસ ઊભો કરે છે.

પાગલ માણસો પણ આપણે ધારીએ છીએ તેવા પાગલ કદી હોતા નથી. તેમના પાગલપણામાં પણ ડહાપણ હોય છે. ગમે તેવો માણસ મુશ્કેલી અને ભય આવે છે ત્યારે ડાહ્યો ડમરો બની જાય છે. જર્મન કવિ ગટેના કહેવા મુજબ આખું વિશ્ર્વ પાગલોથી ભરેલું છે. તેમને પાગલખાનામાં શોધવાની જરૂર નથી. ડાહ્યા અને શાણા માણસો પણ કેટલીક વખત ગાંડપણ પર ઊતરી આવતા હોય છે. સત્તા, પદ અને ધન માણસને બહેકાવે છે, તેમને સાચું સાંભળવું ગમતું નથી માત્ર ખુશામત અને પ્રશંસા પસંદ છે. આવા માણસોનાં ગમે તેવાં ઉચ્ચારણો લોકો સહન કરી લે છે. ધન અને સત્તા સામે લોકોની નજર બદલાઈ જાય છે. કોઈ તેમને કહેશે નહીં, સાહેબ આવી ગાંડીઘેલી વાતો કરો નહીં. કોઈ તેમને ટોકશે નહીં કે તમે જે કહો છો તે સાચું નથી. ઊલટાનું કહેશે, સાહેબ તમારી વાત સો ટકા સાચી છે. આ દુનિયાદારીની રીત છે. આટલી સીધી સાદી વાત નહીં સમજનાર સોક્રેટિસને ઝેરનો પ્યાલો પીવો પડ્યો, ઈસુને વધસ્તંભે ચડવું પડ્યું, ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા અને ગાંધીજીને ગોળીએ દેવાયા. સત્યના રાહ પર ચાલનારા માણસોને દુનિયાએ કદી સહન નથી કર્યા.

યૌવન, ધનસંપત્તિ, સત્તા, તુમાખી અને અહંકાર આ બધાં લક્ષણો ભેગાં થાય છે ત્યારે અનર્થ સર્જાય છે
. આવા માણસો કોઈ ને કોઈ તબક્કે ગાંડપણમાં સરકી જતા હોય છે. કોઈ પણ માણસને ડાહ્યો ઠરાવવા કરતાં પાગલ ઠરાવવાનું કઠિન છે. કોઈને ડાહ્યો કહીએ તો તે સ્વીકારી લેશે, કારણ કે એ પોતાને ડાહ્યો જ સમજતો હોય છે, પણ કોઈને ગાંડો કહીએ તો આપણું આવી બને. આ કહેવાતા ડાહ્યા માણસો બીજાને નાસમજ, અબુધ અને ગાંડા સમજતા હોય છે. ધન, સત્તા અને કીર્તિ પાછળ દુનિયા પાગલ બનીને દોડી રહી છે. આ માયાવી તત્ત્વો છે, તે હંમેશાંનાં કોઈનાં રહ્યાં નથી. રાજાને રંક બનતા વાર લાગતી નથી. સત્તાનું સિંહાસન હવાની એક લહેરખીમાં ઉથલી પડે છે, લક્ષ્મી ચંચળ છે. આ બધું સમજવા છતાં માણસ તેની પાછળ પાગલ છે. ધર્મ અને પ્રેમમાં દીવાનગી સારી છે, પરંતુ ગાંડપણ સારું નથી. ગાંડપણ અને ઝનૂને ધર્મને સાચા અર્થમાં ધર્મ રહેવા દીધો નથી. હૃદય ધર્મથી રંગાયેલું હશે તો બહારના બીજા કોઈ રંગની જરૂર નથી. માણસને માણસ બનાવે એ સાચો ધર્મ. 

No comments:

Post a Comment