Wednesday, January 2, 2013

બીજાના માટે ભોગ આપે તે મહાન


‘સુખમાં સૌ કોઈ સાથી, દુ:ખમાં ન કોઈ’ આજના કૃષ્ણો અને સુદામાઓ બદલાઈ ગયા છે, એક આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે અને બીજો પડાવી લેવામાં પાવરધો છે. ધનના ઢગલા હેઠળ ધર્મ અને ઈશ્ર્વર બંને દબાઈ ગયા છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

રવિશંકર મહારાજે કહ્યું છે કે ‘હાથથી કામ કરે તે ગામડાનો માણસ અને માત્ર બુદ્ધિથી કામ કરે તે શહેરનો માણસ. ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ અને ભેગુ કરીને જીવે તે શહેરી સંસ્કૃતિ.’ અત્યારના સમયમાં ભેગા મળીને જીવવાની સુખદુ:ખને વહેંચી લેવાની વાત ભૂલાઈ ગઈ છે. જેટલું શક્ય તેટલું ભેગુ કરી સુખ અને આનંદ-માણવાની મનોવૃત્તિ વધી છે. માણસને કોઈપણ રીતે જેટલું સીધી કે આડકતરી રીતે મળે તેટલું ઉસેટી લેવું છે. ધન-કાળુ, ધોળુ ગમે તે માર્ગેથી આવે સ્વીકાર્ય છે. પૈસા મળતા હોય તો માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ધન, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે માણસ ઊધુ ઘાલીને દોડી રહ્યો છે. ધન અને સત્તાની લાલસાએ માણસને માણસ રહેવા દીધો નથી. અપ્રામાણિકતા, દુરાચાર, લાંચરૂશ્વત અને કૌભાંડો વધ્યા છે. બધાને રાતોરાત ધનના ઢગલા પર બેસી જવું છે. નાણાંના આ ખેલે રાજકારણને દુષિત બનાવ્યું છે એટલું જ નહીં પરંતુ સામાજિક અને કૌટુંબિક જીવનને પણ ડહોળી નાખ્યું છે અને તેના ખરાબ પરિણામો ઊભા થઈ રહ્યા છે.

માણસના જીવન પર ધનનો પ્રભાવ વધ્યો છે. ધન વધતું જાય છે તેમ તેમ સ્વાર્થ અને લોભ પ્રબળ બન્યા છે. ઓછું હોય છે ત્યારે છૂટી શકે છે પરંતુ, જેમ જેમ વધતુ જાય છે તેમ છોડવું મુશ્કેલ બને છે. પ્રેમ અને સંવેદના પણ ઓછી થઈ રહી હોવાનું જણાય છે. નજીકના પારકા લાગે છે. થોડુ આપતા જીવ ચાલતો નથી. સુખી અને ધનવાન માણસો પોતાના નજીકના સગાઓનો થોડો ખ્યાલ રાખે અને તેમને એક યા બીજી રીતે પ્રગતિમાં મદદ કરે તો સમાજનું ચિત્ર સમૂળગું બદલાઈ જાય. દાનની શરૂઆત ઘરથી થવી જોઈએ. જીવનમાં આપણને જે કાંઈ સફળતા મળે છે તેમાં ઘણા લોકોનો હાથ હોય છે. કોઈએ આપણને નાણાકીય સહાય કરી હોય, કોઈએ ધંધામાં માર્ગદર્શન આપ્યું હોય, કોઈએ સલાહ અને નૈતિક ટેકો પૂરો પાડયો હોય આ બધાનું અદકેરું મૂલ્ય છે, પણ માણસ આ વાતને સિફતથી ભૂલી જાય છે કોઈનું નાનું એવું ઋણ ચૂકવવું એ પણ ધર્મ છે. ગરીબ માણસ ભલે નજીકનો સગો હોય મળવા આવ્યો હોય ત્યારે કેટલાક માણસોને શંકા જાગે છે કે કશું માગવા તો નથી આવ્યોને? પાણી પહેલા પાળ બાંધી નાખે છે. પોતે જ રોદણાં રોવા બેસી જાય છે. ધંધામાં મંદી, નાણાંભીડ અને એવી બધી વાતો વારંવાર ઉચ્ચારે છે. આવુ બધું સાંભળીને સામો માણસ માગવા આવ્યો હોય તો પણ માગવાની હિંમત કરી શકતો નથી. કોઈનો હાથ લાંબો થાય એ પહેલા તેની મજબૂરી સમજીને પોતાનો હાથ લાંબો કરી દે એવા ઉદાર માણસોને દીવો લઈને શોધવા જવા પડે તેવો હાલનો માહોલ છે. રોતારોતા પરાણે આપવામાં કશી બરકત નથી. આપવાવાળા અને લેવાવાળા બંનેના હૈયામાં પ્રેમના પૂર ઉમટે તો એ સાચો સંબંધ છે. નહીંતર બધા સંબંધો સ્વાર્થના છે. આજના કૃષ્ણો અને સુદામાઓ બદલાઈ ગયા છે. એક આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે અને બીજો પડાવી લેવામાં પાવરધો છે.

જિંદગીમાં સુખદુ:ખ તો આવ્યા કરે છે પરંતુ કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એટલી શક્તિ પ્રભુ આપે તો આપણી જાતને નસીબદાર ગણવી જોઈએ. કોઈની પાસે કશું માગવું એ મરવા જેવું છે. મુસીબતના સમયમાં પોતાના સગાસંબંધીઓ અને મિત્રો પાસે માગવા જવાનું થાય ત્યારે મનને કેટલું મજબૂત કરવું પડે છે. પગ ઉપડતા નથી પરંતુ મજબૂરી તેમ કરવા પ્રેરે છે અને પછી જ્યારે ઠાલા હાથે પાછા ફરવું પડે છે ત્યારે હૃદયને કેટલો આઘાત લાગે છે તે આ પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થયા હોય તે જ બરાબર સમજી શકે છે. આ અંગે કબીર સાહેબની પંક્તિઓ યાદ રાખવા જેવી છે...

"માગન મરન સમાન હૈ

મત કોઈ માંગો ભીખ

માંગનસે મરના ભલા

યહ સદગુરુકી શીખ

"આવ ગઈ આદર ગયા

નૈનન ગયા સ્નેહ,

યે તીનો તબ હી ગયે

જબ હી કહા કછુ દે


કોઈની પાસે કાંઈ માગવા જઈએ છીએ ત્યારે આપણી કિંમત ઘટે છે. સામી વ્યક્તિનો આદર પણ આપણે ગુમાવીએ છીએ. આપણા માટે કશું માગવું નહીં પરંતુ બીજાના ભલા માટે, લોકકલ્યાણ માટે, દીનદુ:ખીઓ માટે માગવામાં કોઈપણ જાતની શરમ રાખવી નહીં અને એમાં અચકાવું પણ નહીં. કારણ કે પરહિત કાજે કાંઈક સારું કરવું એ આપણો ધર્મ છે. પ્રેમ, દયા, કરુણા અને દાન એ ધર્મના ચાર સ્થંભો છે તેની પર શાંતિ અને સદ્ભાવનાનો મંડપ ઊભેલો છે. માત્ર વાતોમાં નહીં વર્તન અને વહેવારમાં ધર્મ પ્રગટવો જોઈએ.

સમાજમાં, કુટુંબમાં, પાડોશમાં જ્યાં આપણે રહેતા હોઈએ અને કામ કરતા હોઈએ ત્યાં પરસ્પર સહકારની અને એકબીજાને સહાયરૂપ બનવાની ભાવના હોવી જોઈએ. પરંતુ સ્વાર્થ, ઈર્ષા અને સંકૂચિત ભાવનાના કારણે ખરા અર્થમાં આવું બનતું નથી. ‘સુખમાં સૌ કોઈ સાથી દુ:ખમાં ન કોઈ’ જેવો આજનો વહેવાર છે, અત્યારે તો તમારી પાસે પૈસા, શક્તિ અને સત્તા હોય તો ભાવ પુછાય છે. નહિંતર નજીકના પણ અજાણ્યા બની જાય છે. આ બધો પૈસાનો ચળકાટ છે. મોહ માયાને છોડવાની અને ત્યાગની વાતો કરનારા સાધુ-સંતો પણ ધનવાનો સામે નમી પડે છે. બે હાથ જોડીને નેતાઓ દર્શન કરવા માટે આવે છે ત્યારે તેઓ ફૂલ્યા સમાતા નથી પણ આ લુચ્ચા રાજકારણીઓ દર્શન કરવા આવતા નથી પણ દર્શન આપવા આવે છે. સાધુઓ પર સત્તાનો પ્રભાવ વધે એ સારી નિશાની નથી.

સ્વામી શ્રદ્ધાનંદ એક વખત એક શ્રીમંતને ઘેર ભોજન માટે પધાર્યા હતા. જમી કરીને સૌ બેઠા હતા. ધર્મની ચર્ચા ચાલતી હતી એવામાં એક ભાવિકજને પૂછયું; ‘સ્વામીજી તમે ઈશ્ર્વરની વાત કરો છો પણ જગતમાં ઈશ્ર્વર તો ક્યાંય દેખાતો નથી.

સ્વામી હસ્યા, થોડી વાર થોભીને કહ્યું તમારી વાત સાચી છે.

તો પછી લોકો ઈશ્ર્વરમાં કેમ માને છે?

સ્વામીજીએ એ ભાઈને એક કાગળ અને પેન્સીલ લાવવા કહ્યું. પેલા ભાઈએ કાગળ અને પેન્સીલ સ્વામીજીને આપ્યા. સ્વામીએ કાગળ પર લખ્યું ‘ઈશ્ર્વર’.

પછી પેલા ભાઈને પૂછયું આ શું છે? તેણે કહ્યું ‘ઈશ્ર્વર’. સ્વામીજીએ કહ્યું હવે એક રૂપિયો લાવો. પેલા ભાઈએ ખીસ્સામાંથી એક રૂપિયો કાઢીને આપ્યો. સ્વામીજીએ ‘ઈશ્ર્વર’ શબ્દ લખ્યો હતો તેના પર રૂપિયો મૂકી દીધો અને પછી પેલા ભાઈને પૂછયુ હવે ઈશ્ર્વર ક્યાં છે? પેલા ભાઈએ ભોળાભાવે કહી દીધું કે ‘પેલા રૂપિયા નીચે.’

સ્વામીજીએ કહ્યું; ‘ભાઈ ઈશ્ર્વર આ જગતમાં રૂપિયા નીચે ઢંકાઈ ગયો છે. માયાના આ આવરણ હેઠળ ઈશ્ર્વરના દર્શન દુર્લભ છે. આ માયાનું આવરણ દૂર કરી નાખો તો ઈશ્ર્વર તમને જરૂર દેખાશે.’ આજે ધર્મમાં પણ બાહ્ય આડંબર વધ્યો છે. ધન-દોલતનું પ્રદર્શન વધ્યું છે. ધન હેઠળ ધર્મ અને ઈશ્ર્વર બંને દબાઈ ગયા છે.

માત્ર પૈસાથી માણસ મહાન બની શકે નહીં
. આ જગતમાં એ જ માણસ મોટો છે જે બીજા માટે કાંઈક કરી છૂટે છે. નિસ્વાર્થ ભાવ અને ત્યાગ વગર મોટાઈ મેળવી શકાતી નથી. માણસ એની મેળે મોટો થઈ જતો નથી. કુટુંબ, સમાજના સહકાર અને નાના માણસોના ટેકા વડે માણસ મોટો બને છે આવો મોટો માણસ નાના માણસોને ભૂલી જાય છે ત્યારે તેની મોટાઈ નીચે ઊતરી જાય છે. કોઈ પણ માણસ પોતાનાથી નાના માણસો પ્રત્યે કેવો વર્તાવ અને વહેવાર રાખે છે તેના પરથી તેની મોટાઈનું માપ નીકળે છે. કેટલાક માણસો તાડ જેવા હોય છે તેમનામાં ઊંચાઈ હોય છે પરંતુ કોઈને કશા કામમા આવતા નથી. તાડના ઝાડ નીચે કોઈને છાંયો મળી શકે નહીં. તેમની મોટાઈ માત્ર કહેવાની હોય છે. આવો માણસ મોટો હોવા છતાં ખોટો છે.

એક વખત એક સમ્રાટ ફરતો ફરતો કોન્ફયુશિયસ પાસે આવ્યો અને પૂછયું; મને એવો કોઈ માણસ બતાવો જે મોટો હોય.

કોન્ફ્યુશિયસે હસતા હસતા કહ્યું; તમે મોટા છો. કારણ કે સચ્ચાઈને જાણવાની તમે ઈચ્છા રાખી છે.

સમ્રાટે કહ્યું; તો મને મારાથી મોટો હોય એવો માણસ બતાવો.

કોન્ફયુશિયસે કહ્યું; એ હું છું કારણ કે હું સચ્ચાઈને ચાહું છું. સમ્રાટે કહ્યું તો પછી તમે મને એવા માણસ પાસે લઈ જાવ, જે તમારાથી પણ મહાન હોય.

કોન્ફ્યુશિયસે કહ્યું; ક્યાંય જવાની જરૂર નથી. આ સામે જુઓ પેલી વૃદ્ધ ડોશી બાગમાં કોદાળી લઈને આંબાનું વૃક્ષ રોપી રહી છે. આ ડોશીએ આંબો વાવવાની શી જરૂર છે? તે હવે કેટલા વર્ષ જીવવાની. તેને કેરી ક્યાં ખાવાની છે? આમ છતાં તે મહેનત કરી રહી છે. કોના માટે? આ રીતે નિસ્વાર્થ ભાવના રાખીને બીજાને માટે જે કામ કરે છે તે સૌથી મોટો છે.

કર્ણ મહાન દાનવીર હતો. જે કોઈ પણ તેની પાસે માગવા આવે તે કદી પણ ખાલી હાથે જતો નહોતો. એક વખત એક યાચક તેની પાસે આવ્યો. કર્ણ સૂર્યપૂજા માટે જઈ રહ્યો હતો. તેના જમણા હાથમાં પૂજાની થાળી હતી. તેણે જરાપણ વિલંબ વગર ડાબા હાથથી ગળામાં પહેરેલી સુવર્ણમાળા કાઢીને આ યાચકની જોળીમાં નાખી દીધી.

બાજુમાં રહેલા સાથીએ કહ્યું; ડાબા હાથે દાન ન દેવાય. આપ પૂજાની થાળી મારા હાથમાં આપીને જમણા હાથે દાન કરી શકયા હોત.

કર્ણે કહ્યું; વાત સાચી છે, પણ પૂજાની થાળી તમને આપવા રહું ત્યાં સુધીમાં મારું મન બદલાઈ જાય તો યાચકને ખાલી હાથે પાછું જવું પડે. એટલે મેં તુરત ડાબા હાથે દાન કરી નાખ્યું. દાન આપવા માટે બંને હાથ સરખા છે. પવિત્ર છે, પણ દાન એવી રીતે થવું જોઈએ એક હાથ આપે અને બીજાને ખબર પણ ન પડે.

આપણે કોઈને થોડું એવું આપીએ તો પણ ઢોલનગારા પીટાવીને આપીએ. મેં આ કર્યું મે તે કર્યું એમ કહેતા થાકતા નથી. બીજો કોઈ જાણે નહીં તો આપણા દાનની કિંમત શું?

આપવાની સામે કાંઈક મેળવવાની અપેક્ષા હોય પછી ભલે તે માત્ર કીર્તિ અને પ્રસિદ્ધિ હોય પણ તે સાચું દાન અને સહાય નથી. આમ છતાં આનાથી કોઈને થોડો ઘણો લાભ થતો હોય તો તે સ્વીકાર્ય છે.

જીવનમાં ત્યાગ બહુ મુશ્કેલ છે. શ્રીમંતો જ આપી શકે એવો ખ્યાલ ખોટો છે. દરેક માણસ પોતાની શક્તિ અને સાધનો અનુસાર દાન અને સહાય કરી શકે. દિલથી આપેલું કોઈ દાન નાનુ નથી. પોતાના માટે સૌ કોઈ જીવે છે અને કરે છે પરંતુ જેમાંથી પોતાને કશું મળવાનું નથી એ જાણવા છતાં બીજાના સુખને માટે જે લોકો ભોગ આપે છે તે માણસો મહાન છે. તેમની મોટાઈ જીવન અને મૃત્યુની સીમા ઓળંગીને આકાશને આંબે છે.

No comments:

Post a Comment