Wednesday, January 2, 2013

"બહુ બધા શબ્દો વાપરવાથી બહુ બધી વાર હારવું પડે છે


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રસ્કિન બૉન્ડને જેમ્સ બૉન્ડ સાથે કોઈ લેવાદેવા નથી પણ એ અમારા પ્યારા લેખક છે. જૈફ વયે મસૂરીમાં રહે છે અને ક્યારેક એ બાજુ જઈશું તો સાહેબને જરૂર સલામ મારીશું. એમનાં અનેક સંસ્મરણો વાંચ્યાં છે, કેટલાક પુસ્તકો તથા થોડીક વાર્તાઓ વાંચી છે. એમણે ખૂબ લખ્યું છે, બાળકો માટે પણ ઘણું સાહિત્ય સર્જ્યું છે. અંગ્રેજીમાં લખે છે. સલમાન રશ્દી કે અરુંધતી રૉયનાં નામ પૉપ્યુલર બન્યાં એના કેટલાંય વર્ષો પહેલાંથી ભારતીય વાચકો રસ્કિન બૉન્ડના નામથી પરિચિત છે.

રસ્કિન બૉન્ડની એક નવી રૂપકડી ચોપડી રૂપાએ પ્રગટ કરી છે: અ લિટલ બુક ઑફ લાઈફ. રસ્કિન વિદ્યાર્થીકાળમાં એક ડાયરી રાખતા અને ખૂબ વાંચતા. એમાંથી ગમતી વાતો ટપકાવી લેતા. આ ડાયરીનાં થોડાંક વાક્યો આ નાનકડા પુુસ્તકમાં સજાવીને મૂક્યાં છે. વચ્ચે વચ્ચે થોડાં પાનાં કોરાં છે. વાચકે પોતે પોતાના વિચારો કે પોતાને ગમતા બીજા કોઈકના વિચારો ટપકાવવા હોય તો ખુશીથી ટપકાવી શકે. કમ્પ્યુટરના જમાનામાં વિવિધ પ્રકારના ટાઈપ કે ફોન્ટ્સની કમી નથી છતાં આ પુસ્તકમાં કેલિગ્રાફીનો થોડોક પણ સુંદર ઉપયોગ થયો છે.

નાની સાઈઝનાં દોઢસો-પોણા બસો પાનાંના આ પુસ્તકનો ઉઘાડ આ વાક્યથી થાય છે. આમાંનું કોઈ પણ વાક્ય રસ્કિન બૉન્ડનું પોતાનું લખેલું નથી, એમને સ્પર્શી ગયેલાં આ વાક્યો છે. આરંભમાં કેલિગ્રાફીથી લખ્યું છે: ‘જે કંઈ શરૂઆતો થાય છે તે માટે ભગવાનનો આભાર. નવાં વર્ષો, નવા મહિનાઓ, દર ચોવીસ કલાકે નવા વિશ્ર્વને ઉઘાડતા સૂર્ય સાથે શરૂ થતા નવા દિવસો.’

બાય ધ વે, અમારા ફોનના લૉક્ડ સ્ક્રીન પર દેખાય છે: ‘દરેક નવો દિવસ જીવનમાં પરિવર્તનની એક ઔર તક લઈને આવે છે.’

રસ્કિન બૉન્ડ. એમની લિટલ બુક ઑફ લાઈફમાં સોરેન કિર્કગાર્ડ નામના મહાન તત્ત્વચિંતકની સાદીસીધી વાત છે: ‘જિંદગી સમજવા માટે પાછળ નજર કરીને જોવું પડે પણ જીવવા માટે તો નજર આગળ જ રાખવાની હોય.’

વાંચન વિશે જોસેફ એડિસનનો ક્વૉટ છે: ‘શરીર માટે જેમ વ્યાયામ જરૂરી છે, એમ મન માટે વાંચન જરૂરી છે.’

પુસ્તકો વિશેનું એક ક્વૉટ અમને ક્રોસવર્ડની દુકાનમાંથી એક બુકમાર્ક મળ્યું ત્યારે ખૂબ ગમી ગયું. વર્ષોથી એને નાનકડી ફ્રેમમાં મઢાવીને રાખ્યું છે. દાંત તૂટી જાય એવું નામ ધરાવતા ડેસિડિરિયસ ઈરાસ્મસે લખ્યું છે: ‘મારા હાથમાં જ્યારે પણ થોડા ઘણા પૈસા આવે ત્યારે હું પુસ્તકો ખરીદું છું. પછી જો એમાંથી કંઈ વધે તો ખાવાપીવાનું અને કપડાં ખરીદું છું.’

વિન્સ્ટન ચર્ચિલનું એક વાક્ય મૂક્યું છે: ‘માન્યું કે આપણે સૌ મામૂલી જંતુઓ છીએ. એવું જ હોય તો હું પ્રકાશ લઈને આવતો આગિયો છું.’

પરમ દિવસે મોદીજી કેશુબાપાને મીઠાઈ ખવડાવવા પહોંચી ગયા એ પહેલાં એમણે જરૂર રસ્કિન બૉન્ડની ડાયરી વાંચી લીધી હશે: ‘સૌજન્યતા એક અમોઘ શસ્ત્ર છે, ખાસ કરીને ઘમંડી અને દુશ્મનાવટ ધરાવતા લોકો સામે વપરાય છે ત્યારે.’

બે ભૂત એકબીજા સાથે માણસજાત વિશે વાત કરતા હતા. યુવાન ભૂતે પૂછ્યું: ‘આ લોકોને છેતરવાની શ્રેષ્ઠ ચાલ કઈ?’ અનુભવી ભૂતે કહ્યું, ‘એમને કહેવાનું કે તમારી પાસે ખૂબ બધો ટાઈમ છે. ટાઈમ જ ટાઈમ છે અને એ લોકો ઉલ્લુ બની જશે.

આરંભે શૂરાઓ માટે આ સારી શિખામણ છે: ‘લગભગ બધા જ લોકો કોઈ પણ વાતનો ફર્સ્ટ હાફ તો પૂરો કરી શકે છે, પણ સફળ એ કહેવાય જે સેક્ધડ હાફ પૂરો કરે.’ અમને લાગે છે કે લગ્નથી માંડીને નવલકથાલેખન સુધીની જીવનની સેંકડો વાતો માટે આ વાક્ય બરાબર બંધબેસે છે.

મુસીબતો આવતીજતી હોય છે, એટલે જો તમારા પ્રયાસો અવિરત ચાલતા હશે તો તમે જીતવાના જ છો- આ વાક્યને મનમાં રાખીને જ સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરો સો સદી ફટકારતા હશે.

અત્યારે તો જીવનમાં આવું બનવાને હજુ વાર છે પણ જો બન્યું તો આ વાક્યને અનુસરવું: ‘બહુ બધું કામ ચડી ગયું હોય ત્યારે એક રજા લઈ લેવી.’

‘મૂરખ હંમેશાં વિદ્વાન જેવો દેખાવાની કોશિશ કરતો હોય છે. જે વિદ્વાન છે એને જોકર જેવા દેખાવામાં પણ કોઈ શરમ નડતી નથી.’ આ હન્ડ્રેડ પર્સેન્ટ સાચી છે.

‘માણસ બે વાત ક્યારેય છુપાવી નથી શકતો: પોતે પીધેલો છે, એ વાત અને પોતે પ્રેમમાં છે, એ વાત.’ આ વાક્ય કોઈ ‘અનામી’નું છે એવું લખ્યું છે. પણ અમને ખાતરી છે કે નહીં પીનારાઓ પણ આ વાક્યની નીચે સહી કરશે.

‘જિંદગીના લક્ષ્યો પ્રાપ્ત કરવાનાં હોય, એના વિશે વાતો ન કરવાની હોય.’ અને આ એક વાત લેખકો માટે: ‘લેખકોને વાંચવાના હોય, સાંભળવાના ન હોય.’

કર્મણ્યે વાધિકારસ્તેવાળી ગીતાની ફિલસૂફી સાદી ભાષામાં કહેવી હોય તો કહી શકાય કે: જીતવાની ઈચ્છા ન હોય તો મોટેભાગે સફળતા મળવાની જ છે. અને રાલ્ફ વાલ્ડો એમર્સનના એકાદ ક્વૉટ વિના આ પ્રકારનું કોઈ પણ સંપાદન અધૂરું કહેવાય: ‘મહાન માણસ હંમેશાં નાનો બનવા તૈયાર હોય છે.’ કેશુભાઈના ઘરે બેસવા માટે મોદીજીએ પ્લાસ્ટિકની ખુરશી જાતે ઉપાડીને પોતાના માટે ગોઠવી હતી, જોયું’તું ટીવી પર?

આ સલાહ વકીલો અસીલોને આપતા હોય છે કે અદાલતમાં જજ સમક્ષ ખપ પૂરતા શબ્દોમાં જ બોલવું. અહીં આ સલાહ રોજિંદા જીવન માટે અપાઈ છે: ‘બોલતી વખતે સાચવવું. બહુ બોલ બોલ નહીં કરવાનું. બહુ બધા શબ્દો વાપરવાથી બહુ બધી વાર હારવું પડે છે.’

અને છેલ્લે:

‘’તમારે તમારી ગતિએ આગળ વધવાનું. પણ ક્યારે અટકવાનું છે એનું ધ્યાન રાખવાનું!’

No comments:

Post a Comment