Monday, January 21, 2013

સચોટ વનલાઈનર- આશુ પટેલ

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

આજે મહાન બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની કેટલીક વિચારકણિકાઓ વાચકો સાથે શેર કરવી છે. શરદબાબુ તરીકે અમર બની ગયેલા આ સાહિત્યકાર અદ્ભુત કૃતિઓ રચી ગયા છે. એ પુસ્તકોમાં અનેક સચોટ વનલાઈનર મળી આવે છે. જોઈએ આવા જ કેટલાક સચોટ વાક્યો.

* * *

મશ્કરી કરવા જતા ક્યારેક મુખમાંથી મહાન સત્ય પ્રકટ થઈ જાય છે.

* * *

તમામ ઘટનાઓનું કારણ જણાવવાનો આગ્રહ માણસમાં એક ઉંમરે હોય છે.

* * *

શ્ર્વાનની પૂંછડીની જેમ જ માણસનો સ્વભાવ કદી બદલાતો નથી.

* * *

એક ભૂલને છૂપાવવા બીજી ભૂલ કરવાથી એનો ભાર ઘટવાને બદલે વધે છે.

* * *
 ઝેર ખાવું સહેલું છે પણ ખોટી ટીકા હજમ કરવી મુશ્કેલ છે.

* * *

ઘનઘોર જંગલોની જેમ કેટલાક માણસોના હૃદયમાં શું છુપાયેલું છે એ કોઈ જાણી શકતું નથી.

* * *

જાનવરની સાથે કંઈ દલીલબાજી થઈ શકતી નથી, એનો રસ્તો બીજો છે.

* * *

લાંબા સમયથી દૃઢ થઈ ગયેલી માન્યતા પર આઘાત લાગે ત્યારે માણસ તે સહી શકતો નથી.

* * *

મોટું નામ આપવા માત્રથી કોઈ પણ વસ્તુ ખરેખર મોટી થઈ જતી નથી.

* * *

એવોય સમય આવે છે જ્યારે માણસ ખરેખર મરણની ઈચ્છા કરે છે.

* * *

માનવ મન અમુક સ્થિતિમાં બિલકુલ સંકોચ વિના અને બિલકુલ સહજ રીતે જુઠ્ઠાણું સર્જી શકે છે.

* * *

જેને તળિયે કાદવ જ હોય એ પાણી ઉલેચવાનું કામ ડહાપણભર્યું નથી.

* * *

કેટલાક લોકો નવા જૂતાનો તીક્ષ્ણ ડંખ અંદરખાનેથી સહન કરવા છતાં બહારથી જૂતા પહેરવાના આનંદનો ડોળ કરે છે.

* * *

છૂટ મળતાં માત્ર કૂતરાં જ માથે ચડી બેસે છે એવું જ નથી, માણસને ય યાદ કરાવવું પડે છે.

* * *

માગ્યા પહેલા માથે પડીને આપીએ તો સ્વમાની માણસનું અપમાન કર્યું કહેવાય.

* * *

દિલ હોય તો દિલને દુ:ખ થાય. 

* * *

માત્ર શબ્દોથી જ બધી વાતોનો અર્થ સમજાતો નથી.

* * *

બહારથી ઈંડાનું કવચ તોડીને અંદરના જીવને છૂટો કરવા જઈએ તો એ જીવ છૂટો થતો નથી, મરી જાય છે.

* * *

બહુ દુ:ખ પામ્યા સિવાય કોઈ પણ મોટી વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી.

* * *

જેનું મન બીજાના હાથમાં ચાલ્યું જાય છે, એનાથી મોટો અભાગી માણસ દુનિયામાં બીજો કોઈ નહીં હોય.

* * *

અનુમાનની વિરુદ્ધ કોઈ દલીલ ના હોઈ શકે.

* * *

દર્દ છુપાવવાથી મટી જતું નથી.

* * *

કોલસાને ધોઈને તેનો રંગ બદલી શકાતો નથી, તેને તો અગ્નિમાં બાળવો પડે છે.

* * *

બધા સુખને એક ચોક્કસ સીમા હોય છે.

* * *

વાઘની સામે બે હાથ જોડીને ઊભા રહેવામાં કોઈ લાભ નથી. જીવ તો જવાનો તે જશે જ ઉપરથી અપમાન થાય તે વધારાનું.

* * *

ઘણી વખત અનિચ્છાએ જમવું એ મરણથી પણ અધિક દુ:ખદ હોય છે.

* * *

થોડા શોકમાં જે હિંમત હારી જાય તે ભારે શોકને નોતરું આપે છે.

એક જ ઘરનાં રોગનાં જંતુ એક માણસને મારી નાખે છે અને બીજાને સ્પર્શ પણ કરતાં નથી.

* * *

જેને લોભ નથી, જેને જરૂર નથી, તેને મદદ કરવા જવું એના જેવી બેવકૂફી બીજી કોઈ નથી.

* * *

મહત્ત્વાકાંક્ષા શરૂઆતમાં દુ:ખ દે છે, પણ જો માણસ અડગ રહે તો સિદ્ધિ મળ્યા વિના રહેતી નથી.

* * *

પોતાના પર વીતે એની રાહ ન જોવાય. બીજાને માથે વીતી હોય એના પરથી પણ ઘણું શીખવાનું હોય છે.

* * *

અનુમાન ઉપર આધાર રાખી કેસનો નિર્ણય થઈ શકે નહીં.

* * *

અન્યાયથી કંઈ એક જ પક્ષને નુકસાન થતું નથી. બંને પક્ષ નુકસાન પામે છે. 

No comments:

Post a Comment