જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
એક
પ્રાચીન કથા છે. શિષ્યને અંતિમ દીક્ષા આપવાની હતી ત્યારે ગુરુએ તેને
કહ્યું તું પંદર વર્ષથી મારી સાથે છે તને જે જ્ઞાન આપવાનું હતું તે મેં આપી
દીધું છે. હવે હું તને મારા શ્રીમંત મિત્ર પાસે મોકલું છું. તેની પાસે
પુષ્કળ ધન અને વાડી-બંગલા છે. ગમે ત્યાં સુધી તું ત્યાં રોકાજે અને પછી
પાછો ફરજે. તે તને કાંઈક આપશે અને જે મળે તે લેતો આવજે. તેના પરથી તને
પ્રબુદ્ધ જાહેર કરવામાં આવશે. લેવામાં અચકાતો નહીં. તેની પાસેથી ઘણું લેવા
જેવું છે. તને લેતા આવડશે તો તારો ઉદ્ધાર થઈ જશે.
શિષ્ય આ શ્રીમંત શેઠ પાસે ગયો. શેઠે તેનું ભવ્ય સ્વાગત કર્યું અને પોતાના બાગબગીચાથી સજ્જ વિશાળ બંગલામાં ઉતારો આપ્યો. અહીં કોઈ વસ્તુની કમી નહોતી. શેઠ એશોઆરામ અને મોજશોખથી રહેતો હતો. રોજ રાતે મહેલમાં નાચગાનની મહેફિલ થતી હતી. મનને તરબતર કરે એવાં પીણાઓ, નૃત્ય કરતી સુંદરીઓ, સ્વાદિષ્ટ વ્યંજનો જાણે કે સ્વર્ગ ખડું થયું હોય એવું સુંદર વાતાવરણ હતું. જે માગો તે હાજર થતું હતું. શિષ્ય આ બધું જોતો રહ્યો. શેઠના સુખની તેને ઈર્ષા થવા લાગી. તેના મનમાં રાગ ઊભો થયો. તેને થયું સંન્યાસને બદલે આ બધું મળી જાય તો બેડો પાર થાય. અહીં બધાં સુખો છે. આમ વિચારતો વિચારતો તે સુખનો અભિલાષી બનતો ગયો. એક દિવસ બંગલાના બગીચામાં ફરતા ફરતા શેઠે કહ્યું: આપ ઘણા દિવસથી અહીં પધાર્યા છો. તમારા સત્સંગનો લાભ મળ્યો છે. અહીંના વાતાવરણથી આપ વાકેફ થયા છો. હવે મારી ઈચ્છા છે કે હું તમને મારી પાસે જે કાંઈ છે તે ભેટ આપી શકું. આપ તેનો સ્વીકાર કરશો તો મને ઘણો આનંદ થશે. તમો અહીં આવો તેની હું આતુરતાથી રાહ જોતો હતો. હવે આમાંથી તમારી ઈચ્છા હોય તે માગી લો. શિષ્યે મનમાં વિચાર્યું બરાબરનો મોકો છે. તેનો લોભ અંદરથી સળવળી રહ્યો હતો. તેને થયું આ બધું મળી જાય તો કેવું સારું. આમ છતાં તેણે ખાતરી કરી લેવા પૂછયું: હું માગું તે તમે આપશો? શેઠે કહ્યું: તમે મારી તમામ સંપત્તિ માગી લેશો તો પણ હું તે આપીશ. જે કાંઈ જોઈતું હોય તે નિ:સંકોચ માગી લો. હું આપવા માટે આતુર છું. હું આ બધા વચ્ચે રહું છું પણ એમાં કશું મારું નથી. આ બધું ઐશ્ર્વર્ય બહાર છે. મારી અંદર કશું નથી. એટલે જે ઈચ્છા હોય તે બેફિકર માગી લો. શિષ્યને થયું માગવાનું જ છે તો ઓછું શા માટે માગવું? શેઠ કોઈપણ જાતના ખચકાટ વગર માગું તે આપી દેશે તો પછી જલસા અને નહીં આપે તો શેઠની કસોટી થઈ જશે. આમ બંને બાજુ આપણું પલ્લું નમેલું છે. એવો વિચાર કરીને તેણે કહ્યું: શ્રેષ્ઠીવર્ય આપ આપવા માટે તૈયાર હો તો આપની પાસે જે છે તે બધું માગી લઉં છું. આપની તમામ સંપત્તિ, કારોબાર, વાડી-બંગલા બધું મારું. આપ પહેરેલે કપડે આ બંગલો અને સંપત્તિ છોડીને ચાલ્યા જશો. શેઠે કહ્યું: તથાસ્તુ. મને તમારી વાત મંજૂર છે. હું આપનો અનુગૃહિત છું. છેલ્લાં ૩૦ વર્ષથી હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. વ્યર્થને લઈને હું બેસી ગયો હતો અને આ બધી જંજાળ ઊભી કરી હતી. મને તેમાંથી છૂટકારો મળતો નહોતો. આપે મને આમાંથી મુક્તિ અપાવી છે. તમને જેણે અહીં મોકલ્યા છે તે મારા પણ ગુરુ છે. છેલ્લાં ૩૦ વર્ષથી હું દીક્ષા માટે રાહ જોઈ રહ્યો છું પણ મારી બધી સંપત્તિ સંભાળવા માટે કોઈ લાયક માણસ મળતો નહોતો. હવે આપ આવી ગયા અને હું બોજામાંથી મુક્ત થયાનો અહેસાસ અનુભવી રહ્યો છું. શેઠની વાત સાંભળીને શિષ્ય વિચારવા લાગ્યો બાબત શું છે? હું જે પ્રાપ્ત કરવા માગું છું તે શેઠ છોડવા માગે છે અને આ માટે તેમણે ૩૦ વર્ષ સુધી રાહ જોઈ છે. શેઠ ત્યાગ માટે ઉત્સુક છે અને હું લોભ અને માન-માયાની જાળમાં ફસાઈ રહ્યો છું. શેઠ જે મેળવવા માગે છે તે તો મને ક્યારનું મળી ગયું છે. તેની પાસે આનું મૂલ્ય શું છે? મને જે સંપદા મળી છે તેની સામે આ બધા દુન્યવી સુખોની શી વિસાત છે. શિષ્યના મનમાં ઝબકારો થયો, તે જાગી ગયો અને શેઠના ચરણો પકડી લીધાં અને કહ્યું: હું મૂર્ખ છું. મને માફ કરો. આપે મને સન્માર્ગે વાળ્યો છે. મારે કશું જોઈતું નથી. મને જે કાંઈ જોઈતું હતું તે ક્યારનું મળી ગયું છે. આપે મારા સંપૂર્ણ મન, ઈચ્છા અને લાલસાનો અંત આણ્યો છે. થોડી વાર માટે મારું મન ડગમગી ગયું હતું. હવે હું સંપૂર્ણ હોંશમાં છું અને અહીં હવે વધુ વાર રોકાઈ નહીં શકું અને તમારી પાસેથી આ મહામૂલો બોધ લઈને જાઉં છું. યુવાન શિષ્ય પોતાના ગુરુ પાસે પાછો પહોંચ્યો અને બધી વાત કરી ત્યારે ગુરુએ કહ્યું: તારી અંતિમ દીક્ષા પૂરી થઈ છે. હવે તને ક્યારેય કોઈ ગુલામ નહીં બનાવી શકે. હવે તું સજાગ, જાગૃત અને મુક્ત બન્યો છે. હું બધું નિહાળી રહ્યો હતો. તે જ્યારે તેમની તમામ સંપત્તિની માગણી કરી ત્યારે મારું હૃદય રડી પડ્યું હતું. મને થયું આ મૂર્ખ પર કરેલી વર્ષોની મહેનત એળે ગઈ છે, પણ તેં તારી જાતને સંભાળી લીધી અને આ મોહમાંથી બહાર નીકળી ગયો ત્યારે મને અત્યંત આનંદ થયો હતો. હવે તું મારો શિષ્ય છે એમ કહેવાને લાયક બન્યો છે. ધન, દોલત, સત્તા અને સંપત્તિ સામે ભલભલા ઝૂકી જાય છે. આ નશો જ એવો છે જે માણસને બહેકાવી નાખે છે. સાધુ-સંતો પણ તેનાથી સંપૂર્ણપણે અળગા રહી શકતા નથી, પરંતુ તેમાંથી સાચું સુખ અને શાંતિ કોઈને મળ્યા હોય એવું સાંભળ્યું નથી. ઘણા લોકોની પાસે પૈસા છે. મોટા મહેલો છે. આપણે જેની ઈચ્છા કરીએ છીએ અને જે આપણી પહોંચમાં નથી એવું બધું એમની પાસે છે. જરા નિરીક્ષણ કરીએ શું તેઓ બધા સુખી છે? તેમને જે મળ્યું છે તેનાથી તેમને સંતોષ છે? તેઓ આપણા કરતાં કદાચ વધુ સુખ-સગવડતા ધરાવતા હશે અને એટલો જ અસંતોષ હશે. જેટલું સુખ હશે એટલું અંદર દુ:ખ ધરબાયેલું હશે. ધન-દોલત અને પૈસાથી સુખને સુખ જ મળતું હોય તો આ બધાને કોઈ જાતનું દુ:ખ હોય જ નહીં. આટલું ઐશ્ર્વર્ય હોવા છતાં તેઓ ચેનથી ઊંઘી શકતા નથી. કોઈ શ્રીમંત માણસના કુટુંબમાં બટવારા થાય ત્યારે પ્રેમ અને શાંતિથી થતા નથી. યાદવાસ્થળી રચાય છે. કરોડોની મિલકત ભાગમાં આવતી હોવા છતાં અંદરોઅંદર કેટલી હુંસાતુંસી, ખેંચતાણ અને લડાઈ ચાલતી હોય છે. નાની એવી વસ્તુ પણ કોઈ જતી કરવા તૈયાર થતું નથી. આ સ્વાર્થનો સંઘર્ષ છે. કેટલી વ્યથાઓમાંથી તેઓ પસાર થાય છે. કેટલીક વખત વાત કોર્ટ સુધી પહોંચે છે. સંબંધો બગડે છે અને પછી જે મળે છે તેનું મૂલ્ય રહેતું નથી. આવો પૈસો શા કામનો? જેના માટે લોહી-ઉકાળા કરવા પડે એવું થોડું મળે કે ન મળે શું ફરક પડે છે? માણસને સાચી સમજણ, સાચું જ્ઞાન અને સાચો અનુભવ પોતાના જીવનમાંથી મળે છે. અનુભવ વગરનું જ્ઞાન નકામું છે. જીવનમાં સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા, જય-પરાજય આ બધી ઘટનાઓ કાંઈકને કાંઈક બોધપાઠ આપી જાય છે. કેટલાક માણસો જલદીથી ગ્રહણ કરી લે છે તો કેટલાક માણસો આખી જિંદગી વીતી જાય પણ કશું શીખતા નથી અને ભૂલોનું પુનરાવર્તન કરતા રહે છે. જીવનમાં સુખી બનવાના ઉપાયો બહુ સહેલા છે, પરંતુ તેનો અમલ બહુ દુષ્કર છે. મન બહુ ચંચળ છે જંપવા દેતું નથી. મન જે નથી કરવાનું તેમાં વધુ રસ ધરાવતું હોય છે. તે વિપરીતમાં ચાલતું હોય છે તેને દબાવવું મુશ્કેલ છે. નહીં કરવાની બાબતમાં તે વધુ રસપૂર્ણ બને છે. જે વસ્તુ, ઘટનાને આપણે ભૂલવા માગીએ છીએ તેને તે વારંવાર યાદ કરે છે અને જે યાદ રાખવા માગીએ છીએ તેને તે ભૂલી જાય છે. સતત યાદ રાખવાનું અને સતત ભૂલવાનું બહુ કઠિન છે. સ્મૃતિ અને વિસ્મૃતિ વચ્ચે માણસ ફંગોળાયા કરે છે. સ્મૃતિ તેનો કેડો છોડતી નથી અને વિસ્મૃતિ તેને સતાવ્યા કરે છે. કડવી યાદો મનમાં ઘર કરીને બેસી જાય છે અને તે રાગ અને દ્વેષને જલતા રાખે છે. માણસની આ મોટી નબળાઈ છે, બધાં વેરઝેર આના કારણે છે. કોઈએ આપણા માટે સારું કર્યું હોય, સાથ આપ્યો હોય, આંગળી ચીંધી હોય અને ભલું કર્યું હોય તે આપણે જલદીથી ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈએ કટુ વચનો કહ્યાં હોય તે ભુલાતાં નથી. અપમાન, માનહાનિ અને તિરસ્કાર કદી ભુલાતો નથી. રાગદ્વેષ અને અહંકાર મનમાંથી નીકળી જવો જોઈએ તેને બદલે તે વધુ ઘેરો બનતો જાય છે. મનને, ઈચ્છાઓને અંકુશમાં રાખવાનું બહુ મુશ્કેલ છે. માણસ પાસે બધું હોય, પરંતુ સંતોષ અને આનંદ ન હોય તો બધું વ્યર્થ છે. લોભ અને લાલચ ન કરવાના કામો કરાવે છે. સંત કબીરે જેમ કહ્યું છે તેમ... "ગૌધન, ગજધન, બાજધન ઔર રતનધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન |
Monday, February 8, 2016
જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન - મહેન્દ્ર પુનાતર
Labels:
ધન,
મહેન્દ્ર પુનાતર,
સંતોષ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment