Sunday, February 28, 2016

સંસાર ભાવના- મહેન્દ્ર પુનાતર

સંસાર એટલે રાગ-દ્વેષનો સંગ્રામ
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


મનશુદ્ધિ, વિચારશુદ્ધિ અને કાર્યશુદ્ધિ દ્વારા જીવનપથને ઉજ્જવળ બનાવનારી બાર ભાવનાઓમાં અનિત્ય ભાવના અને અશરણ ભાવનાનો આપણે ખ્યાલ કર્યો. આ જગતમાં કશુ કાયમી નથી. બધુ નાશવંત છે. સમયની સાથે બધું વિલીન થાય છે. જીવન પણ ક્ષણ ભંગુર છે અને કોઈનું પણ શરણ કામ આવે એવું નથી. સુખ-દુ:ખ બધુ આપણે પોતે ભોગવવાનું છે. હવે ત્રીજી ભાવના છે સંસાર ભાવના. આ સંસાર શું છે? આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ? આપણું મુખ્ય ધ્યેય શું છે. જીવનને કઈ રીતે સાર્થક અને આનંદપૂર્ણ બનાવી શકાય વગેરે બાબતોનું ચિંતન ધર્મ સાધનામાં આવશ્યક છે.

આ સંસારમાં આપણે સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, માન-અભિમાન, સફળતા - નિષ્ફળતા અને આશા - નિરાશાથી અટવાયેલા છીએ. ક્રોધ, માન, માયા, લોભ અને પરિગ્રહના કારણે જીવનનું મુખ્ય ધ્યેય ભુલાઈ ગયું છે અને સાચો રસ્તો મળતો નથી. આસક્તિ, ઈચ્છા અને અપેક્ષાઓને કારણે સંસારનો રંગ વધુ ઘેરો બન્યો છે. આના કારણે આંતરિક વિકાસ અને આત્માનું કલ્યાણ સધાતું નથી. અંદર કચરો ભરેલો છે. એટલે સારું સાત્ત્વિક, જીવનને ઊંડા અંધારેથી પ્રકાશ તરફ લઈ જાય એવું કશું પ્રવેશી શકતું નથી. અંદરનો આ મેલ સાફ ન થાય ત્યાં સુધી ધર્મનો રંગ અંદર ઊતરી શકતો નથી. શરીર અને શરીર સંબંધી મોહ અને આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી જીવન પરિવર્તન શક્ય નથી. ધર્મનું યથાર્થ પાલન જ માણસને સાચા માર્ગે લઈ જાય છે. સ્વાર્થ, કપટ, લોભ અને લાલચ માણસને ન કરવાનું કરાવે છે. સંસારના આ બધા બંધનોમાંથી મુક્ત થવાનું એટલું સરળ નથી. સત્ય, અહિંસા, પ્રેમ, દયા અને કરુણા દ્વારા સદ્ગુણોનો વિકાસ થાય છે અને જીવન નિર્મળ બને છે. મનુષ્યની સૌથી નબળી કડી તેનો અહંકાર છે તેના કારણે સાચું જ્ઞાન અને સાચી સમજ ઊભી થતી નથી.

આપણું સમગ્ર જીવન આપણા મનનું પરિણામ છે. આપણે ક્રોધથી છુટકારો મેળવવા માગીએ છીએ, રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માગીએ છીએ, પરંતુ આપણે તેને ભૂલી શકતા નથી એટલે સતત તે વસ્તુ આપણા મનમાં રહે છે અને તે વધુ ને વધુ આપણા મન પર અંકુશ જમાવે છે. કોઈ એક ધારાને ભૂલવી હોય તો બીજી મજબૂત ધારામાં જવું જોઈએ. નહીંતર તેને અતિક્રમાશે નહીં, જે વસ્તુ સબળ હોય તે ચિત્ત પર છવાઈ જાય છે. મન વિપરીતમાં રહેતું હોય છે, જ્યારે આપણે કોઈ વસ્તુ નહીં કરવાના સોગંદ ખાઈએ છીએ, વ્રત લઈએ છીએ કે મનસૂબો કરીએ છીએ ત્યારે તે વસ્તુ આપણને વધુ પકડે છે, કારણ કે નહીં કરવા માટે પણ તે વસ્તુને યાદ રાખવી પડે છે. તેનું રટણ કરવું પડે છે, જે વસ્તુ મન પર છવાઈ જાય છે તેને ભૂલવાનું મુશ્કેલ છે સિવાય કે તેના કરતા બીજી કોઈ સબળ વસ્તુ આપણા મન પર છવાઈ જાય. ધર્મનો રંગ જો સાચા અર્થમાં લાગી જાય તો આ બધા રંગો ઊતરી જશે.

ખોટાને દૂર કરવાની ઉતાવળ કરતા પહેલા સાચાને પકડવાની કોશિશ કરવી જોઈએ. સાચું પકડાઈ જશે તો ખોટું એની મેળે દૂર થઈ જશે અને નકામું તૂટતું જશે. નકારાત્મક વલણ પશ્ર્ચાત્તાપ, પીડા અને ઉદાસીનતા ઊભી કરશે. જે નથી છોડાતું તેનો અફસોસ રહેશે અને સાચાને પકડી શકાશે નહીં. સંસારને છોડવાની કોશિશ સાથે પરમાત્માને પામવાની અભિલાષા હોવી જોઈએ. ત્યાગની સાથે રાગની પક્કડ ઢીલી થવી જોઈએ. મનમાંથી મોહ દૂર ન થાય તો ત્યાગ વ્યર્થ બની જશે. આ સંસાર મનનો છે. જો મન ત્યાગી બની ગયું તો સંસારમાં રહેવા છતાં તમે સાધુ છો અને મનમાં રંગો ભરેલા હોય તો સાધુ થવા છતાં ત્યાગી બની શકાતું નથી. ત્યાગ અને રાગ બંને ભેગા થાય ત્યારે આત્મગ્લાની જન્મે છે અને અપરાધ ભાવ ઊભો થાય છે. શરીરની સાથે મન પર પણ અંકુશ હોવો જરૂરી છે.

જીવનમાં પ્રત્યેક સુખ સાથે દુ:ખ જોડાયેલું છે. સુખ ક્યારે દુ:ખ બની જશે અને દુ:ખ ક્યારે સુખમાં પરિણમશે તેનો ખ્યાલ આવતો નથી. આજે જે સુખ લાગે છે તે કાલે દુ:ખ પણ લાગે. બધુ આપણા મન પર નિર્ભર છે. સુખને આપણે છોડવા માગતા નથી. આપણે તેને જોરથી પકડી રાખીએ છીએ, જે વસ્તુને આપણે જોરથી પકડી રાખીએ છીએ તેને જલદીથી છોડવી મુશ્કેલ છે અને દુ:ખને આપણે છોડવા માગીએ છીએ એટલે દુ:ખ આપણને વળગીને રહે છે. સુખની જેમ દુ:ખનો પણ આપણે સ્વીકાર કરીએ તો દુ:ખ જેવું કશું રહેશે નહીં. મોટાભાગના દુ:ખો માનસિક છે તે આપણા મનના કારણે ઊભા થાય છે. સુખ અને દુ:ખ બંને સરખા છે. બંનેથી બચવાનું છે. સુખ અને દુ:ખ બંનેનો ભાવ ન રહે તો આસક્તિ છૂટી જશે. કોઈ પણ જાતનું વળગણ રહેશે નહીં. સુખમાં રહેવા છતાં સુખથી અલિપ્ત અને દુ:ખમાં રહેવા છતાં દુ:ખથી અલિપ્ત બંનેમાંથી કોઈ પણ આપણને વિચલિત કરી શકશે નહીં.

સંસાર એટલે રાગ-દ્વેષનો સંગ્રામ. ઘર, ક્ષેત્ર, પુત્ર, ધન વગેરેમાં માણસ અટવાઈ જાય છે. આમાંથી ‘હું અને મારું’ ભાવ ઉત્પન્ન થાય છે અને કર્મો બંધાય છે. પોતાના સુખ માટે બીજાને હાનિ પહોંચાડવી, કષ્ટ આપવું, વેરઝેર રાખવું અને હિંસામાં પ્રવૃત્ત રહેવાથી પાપકર્મો વધુ ઘેરા બને છે. ઈચ્છા, અપેક્ષા અને લાલસાના કારણે ગમે તેટલું મળે પણ સંતોષ થતો નથી. માણસ બધુ ભેગું કરતો રહે છે અને પરિગ્રહનું પાપ વહોરી લે છે.

અહંકારના કારણે માણસને સાચી વાત સમજાતી નથી. ધન, પદ અને પ્રતિષ્ઠા ભલભલાને બહેકાવી દે છે. ધન હોય ત્યારે લોકોના ટોળાં ઊમટે છે. પ્રશંસા કરે છે, હાજી હા કરે છે ત્યારે માણસને એમ લાગે છે કે તેના જેવો હોંશિયાર, ચતુર કોઈ નથી. અહંકારના કારણે છેવટે માણસનું પતન થાય છે. ધન અને સત્તાને જીરવી ન શકાય તો તે મુશ્કેલી ઊભી કરે છે. ભગવાન ઋષભદેવે પોતાના પુત્રોને જે ઉપદેશ આપ્યો હતો તેમાં તેમણે પોતાના પુત્રોને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘હે પુત્રો અહંકારનો છુટકારો નીચે પ્રમાણેના પચીસ સાધનો દ્વારા થઈ શકે છે. વિવેકી ગુરુ, પરમાત્માના વિષયમાં ભક્તિ અને તત્પરતા, તૃષ્ણાનો ત્યાગ, સુખ-દુ:ખ દ્વન્દ્વોને સહેવા આ લોક અને પરલોકમાં સર્વત્ર દુ:ખ જ છે એવું જ્ઞાન, તત્ત્વ અને અતત્ત્વને જાણવાની જિજ્ઞાસા, તપ, કામ્ય કર્મનો ત્યાગ, પ્રભુ પ્રત્યે સમર્પણ, ધર્મકથાઓનું શ્રવણ, સત્સંગ, પ્રભુના ગુણોનું કીર્તન, પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમા, બધા સાથે સમભાવ, બાહ્ય અને આંતરિક ઈન્દ્રિયો પર વિજય, શરીર અને ગૃહ પ્રત્યેના અહ્મ ભાવનો ત્યાગ, આધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ, એકાંત, મન પરનો અંકુશ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રમાદનો ત્યાગ, બ્રહ્મચર્ય, વાણીમાં સંયમ, પરમાત્માનો ભાવયુક્ત અનુભવ, જ્ઞાન અને ધ્યાન યોગ સમાધિ.

ભગવાન ઋષભદેવે માણસે સંસારમાં કેવી રીતે રહેવું તેનો બોધપાઠ આપ્યો છે. માણસ આટલી બાબતનો ખ્યાલ રાખે તો તેનો અહંકાર ઓગળી જાય અને સાથે સાથે તે સહજ અને સરળ બની જાય, કર્મની નિર્જરા થાય અને સાચા સુખનો અનુભવ કરી શકે.

બધા માણસો સંસાર છોડી ન શકે પણ સંસારમાં રહીને પણ સાધુ બની શકાય. સંસાર છોડીને સાધુ બન્યા પછી પણ મનથી આ બધું ન છૂટે તો તેનો કોઈ અર્થ નથી. સંસારમાં રહેવા છતાં જે નિર્લેપ રહી શકે તે ખરા અર્થમાં સંત છે. કમળ કાદવમાં રહે છે પણ કાદવનો તેને સ્પર્શ થતો નથી. માણસ ભલે સંસારમાં રહે પણ તેના મનમાં સંસાર રહેવો જોઈએ નહીં.

આ સંસાર એટલે સાચું, ખોટું, સ્વાર્થ, લોભ, મોહ અને કપટ. કોઈ ને કોઈ રીતે માણસ આમાં ફસાયેલો છે. સ્વાર્થ અને લોભ આવે ત્યારે માણસ ન કરવાનું કરી બેસે છે. આમાંથી કઈ રીતે બચી શકાય તેનો માણસે વિચાર કરવો જોઈએ. સંસાર ભાવનાનો આ બોધ છે. ભગવાન મહાવીરે પ્રમાદ રહિત અને સર્વ હિતકારી વાણી બાબતે કહ્યું છે કે ‘સમજી વિચારીને સત્ય બોલવું જોઈએ. ગુસ્સામાં, ભયમાં અને લોભવશ ખોટું બોલાય તે સંભવિત છે. એટલે ક્રોધ, લોભ અને ભયથી દૂર રહેવું હિતાવહ છે.’ હસવામાં અને મશ્કરીમાં પણ અસત્ય ન બોલવું જોઈએ. વાણીનો સંયમ બહુ જરૂરી છે તેનાથી અનેક દોષોમાંથી બચી શકાય છે.

ઈસપને એક વખત પૂછવામાં આવ્યું કે સંસારમાં સૌથી સારી વસ્તુ કઈ? ઈસપે કહ્યું: વાણીથી વધારે ઉત્તમ વસ્તુ સંસારમાં બીજી કોઈ નથી. વળી બીજી વાર પૂછવામાં આવ્યું કે સંસારમાં સૌથી વધારે ખરાબ વસ્તુ શું છે? તેમણે જવાબ આપ્યો કે સંસારમાં વાણીથી વધારે ખરાબ વસ્તુ બીજી કોઈ નથી. સાંભળવાવાળા અચંબામાં પડી ગયા. આ શું, પહેલા તો આપે કહ્યું કે વાણીથી વધારે ઉત્તમ કોઈ વસ્તુ નથી અને હવે કહો છો વાણીથી વધારે ખરાબ કોઈ વસ્તુ નથી!

ઈસપે શાંત ભાવે કહ્યું: આ બન્ને વાત બરાબર છે. વાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો તે સૌથી ઉત્તમ વસ્તુ છે અને વાણી જો કટુ હોય તો તે સૌથી ખરાબ વસ્તુ છે. વાણીથી શત્રુ પણ મિત્ર બની શકે છે. મધુર વાણી હોય તો જીવનમાં આનંદ, પ્રસન્નતા અને ખુશી ઊભી થાય છે. વાણી જો કટુ હોય તો લડાઈ, ઝઘડા અને સંઘર્ષમાં ઊતરવું પડે છે અને બીજાને દુ:ખ પહોંચે છે. વાણીના કારણે અનેક મહાભારતો સર્જાયા છે અને અનેક આહુતિઓ અપાઈ છે. વાણીમાં નમ્રતા છે અને અહંકાર પણ છે.

જીવનમાં સારું-નરસું, ગુણ-અવગુણ બધાનો આધાર આપણા પર છે. સંસારને સાચી રીતે ન સમજીએ અને આપાધાપીમાં ડૂબ્યા રહીએ તો દુ:ખ સિવાય બીજું કશું નથી. સંસાર અસાર છે. મૂળભૂત સારતત્ત્વ નથી એવું ચિંતન માણસને પારદર્શક બનાવે છે. સંસાર બંધન છે પણ કોઈએ આપણને બાંધી રાખ્યા નથી. આપણે મોહવશ થઈને જાતે બંધાઈ ગયા છીએ. આપણે બંધાઈએ નહીં તો કોઈ આપણને બાંધી શકે નહીં. કોઈને અંકુશમાં રાખવા માટે આપણે અંકુશમાં રહેવું પડે. જીવનનો બધો દોર આપણા હાથમાં નથી તેથી અહંકાર અને અભિમાન રાખવાથી જાતે જ દુ:ખી થવાનું છે. જ્યાં બંધન છે ત્યાં મુક્તિ નથી. સંસાર ભાવનાના ચિંતનનો આ મુખ્ય સાર છે.

(હવે પછી એકત્વ ભાવના)

No comments:

Post a Comment