ભગવાન
મહાવીરના વચનો છે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા રાખો. દરેકને
પોતાનો જીવ વહાલો છે. કોઈ પણ જીવની હત્યા એ આપણી હત્યા છે. સામે ઊભેલો જીવ
કોઈ બીજો નથી આપણા આત્માનું જ સ્વરૂપ છે.
અહીં આપણે પ્રેમ શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ. ભગવાન મહાવીરે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનું કહ્યું છે, કારણ કે જ્યાં પ્રેમ હોય તો અહિંસા અસંભવિત બની જાય. આપણે જેને પ્રેમ કરીએ તેને દુ:ખ પહોંચાડી શકીએ નહીં. પ્રેમ હોય ત્યાં ક્રોધ, લોભ કે સ્વાર્થ પણ રહે નહીં. પ્રેમ એ જીવનનું અમૃત છે. ધન વગર માણસ જીવી શકે પણ પ્રેમ વગરનું જીવન શુષ્ક બની જાય. માણસના તમામ સંબંધો પ્રેમ પર આધારિત છે. પ્રેમમાં સ્વાર્થ આવે ત્યારે પ્રેમ રહેતો નથી પણ સોદો બની જાય છે. પ્રેમ બંધન પણ છે અને મુક્તિ પણ છે. સાધારણ રીતે આપણે જે પ્રેમને જાણીએ છીએ તે એક બંધન છે. તેને પ્રેમ કહેવાનું વ્યર્થ છે. પ્રેમનું બંધન અપેક્ષાઓથી નિર્મિત થાય છે. આપણે સામાન્ય રીતે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે સામે કાંઈક મેળવવાની ઈચ્છા હોય છે. આમાં પ્રેમ સાધન છે સાધ્ય નહીં. આમાં સમગ્ર નજર મેળવવા પર હોય છે અને દેવાનું ગૌણ બની જાય છે. લેવામાં જેટલો રસ રહે છે તેટલો દેવામાં રહેતો નથી. આમાં આપ્યા વગર પ્રેમ મળી જાય તો સોનામા સુગંધ, પણ એવું બને નહીં. પ્રેમ જ એક એવી વસ્તુ છે જે આપ્યા વગર મળતી નથી. મનુષ્યનો સ્વભાવ છે કે કશું આપવું નથી અને બધું મેળવી લેવું છે, પણ પ્રેમ એવી ચીજ છે જેટલા પ્રમાણમાં આપો તેટલા પ્રમાણમાં મળે. પ્રેમમાં આપણી આકાંક્ષા માત્ર મેળવવાની જ હોય અને આપવાનું બિલકુલ મન ન થાય તો કશું હાથમાં આવતું નથી. કશું મેળવવા માટે જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે તે માત્ર સોદો બનીને રહી જાય છે. આવો પ્રેમ માત્ર દેખાવ બની જાય છે અને સોદામાં તો ઓછું આપીને વધુ મેળવવાનો પ્રયાસ હોય છે. પ્રેમ જ્યારે ધંધાનું, લેવડદેવડનું સ્વરૂપ ધારણે કરે છે ત્યારે સ્વાર્થ અને લોભ ઊભો થવાનો અને છેવટે તેનું પરિણામ રાગદ્વેષમાં આવે છે. આમાં કેટલું આપવું પડ્યું તેનો જ વિચાર આવે છે. સામે કેટલું મળ્યું તેના તરફ નજર જતી નથી. આ પ્રકારનો પ્રેમ હોય ત્યારે બંને જણ લેવામાં ઉત્સુક હોય છે. દેવામાં બિલકુલ રસ પડતો નથી. આ પ્રકારનો પ્રેમ કરનારા માણસોને એમ લાગે છે કે તે બીજા માટે પ્રેમ વરસાવી રહ્યો છે, પણ એટલા પ્રમાણમાં સામે પ્રતિભાવ મળતો નથી. હું આના માટે આટલું બધું કરી રહ્યો છું પણ તેને મારી કાંઈ પડી નથી એવી ફરિયાદો વારંવાર આપણને સાંભળવા મળે છે, પણ તમારો પ્રેમ સામા માણસ સુધી કેમ પહોંચતો નથી તે અંગે કદી વિચાર કર્યો છે કે? આનો અર્થ એ થયો કે તમારા દિલમાં સાચો પ્રેમ નથી. તમારી પાસે જે નથી તે તમે બીજાને કેવી રીતે આપી શકો? પ્રેમ વહાવવા માટે પ્રેમપૂર્ણ બનવું પડે. માનો પ્રેમ હંમેશાં નિર્વ્યાજ હોય છે, પણ મા એમ વિચારે કે મેં દીકરાને માટે આટલું બધું કર્યું, પણ મને શું મળ્યું? પત્નીને એમ થાય કે મેં પતિ માટે શું નથી કર્યંુ અને બદલામાં શું પ્રાપ્ત થયું? જે માણસ એમ વિચારે છે કે આમાં મને શું મળ્યું તો નિશ્ર્ચિત માનજો કે તેણે પ્રેમ કર્યો નથી, પણ ઉપરછલ્લો સંબંધ નિભાવ્યો છે, કર્તવ્ય અદા કર્યંુ છે, ફરજ બજાવી છે. કર્તવ્ય અને ફરજ એ પ્રેમ નથી એક જવાબદારી છે, જ્યારે દૃષ્ટિ મેળવવા પર હોય ત્યારે પ્રેમ પ્રગટ થતો નથી. અપેક્ષાયુક્ત પ્રેમ છેવટે બંધન બની જાય છે. અપેક્ષાઓ, ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે ખટરાગ ઊભો થાય છે અને પ્રેમના આ કહેવાતા સંબંધો તૂટી જાય છે. આમાં દુ:ખ અને પીડા સિવાય બીજું કશું નિષ્પન્ન થતું નથી. એક બીજા પ્રકારનો પ્રેમ છે જેમાં લેવડદેવડ નથી. કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, લોભ નથી. જેમાં દેવાની જ વાત છે. લેવાનો કોઈ પ્રશ્ર્ન નથી. પોતાની પાસે જે કાંઈ છે તે બીજાના માટે ન્યોછાવર કરવાની જ ઉત્સુકતા હોય છે. આપણે કોઈને ચાહીએ અને તેની પાસેથી કશું મેળવવાનો જ ભાવ હોય તો તે એક બંધન છે અને સમગ્ર ધ્યાન દેવા પર હોય, ત્યાગ પર હોય, કશુંક કરી છૂટવા પર હોય તો તે એક મુક્તિ છે. આવો પ્રેમ સુગંધમય બને છે. પ્રભુ માટે પણ આપણો પ્રેમ એવો હોવો જોઈએ. પ્રભુને આપણે કહીએ કે પ્રભુ મારે તારી કૃપા સિવાય બીજું કશું જોઈતું નથી. તે મને પર્યાપ્ત આપ્યું છે. પ્રભુએ તો આપણને ઘણું બધું આપ્યું છે, પણ જે આપણને મળ્યું છે તેના તરફ નજર જતી નથી, પણ જે વસ્તુ આપણાથી દૂર છે તેના તરફ મન લલચાયા કરે છે. કાંઈક ને કાંઈક સુખ તો દરેક માણસ પાસે છે, પણ તેનો આનંદ માણતા આપણને આવડતું નથી. પ્રેમમાં માગ નથી. અપેક્ષા નથી, ઈચ્છા નથી, લાલસા નથી તો દુ:ખ પીડાનું કોઈ કારણ નથી. જ્યારે મન આપવામાં ઉત્સુક હોય અને કોઈ તેનો સ્વીકાર કરે ત્યારે અપાર આનંદ ઊભો થાય છે. જેમનું ધ્યાન માત્ર લેવા પર છે તેમનો ભીક્ષાભાવ વધતો જાય છે. ભીખારીને કદી સંતોષ થતો નથી. તે મળવા છતાં કદી કોઈનો આભાર માની શકતો નથી. તેને જે મળે છે તે ઓછું લાગે છે અને તેનો હાથ હંમેશાં લાંબો જ રહે છે. જીવનનો ક્રમ છે માગીએ તે મળે નહીં અને ન માગીએ તે દોડતું આવે. આપણે જ્યારે કાંઈ કોઈને આપીએ ત્યારે મન ઉદાર હોવું જોઈએ. આપ્યા પછી અફસોસ અને કચવાટ થાય તો તેનું સારું પરિણામ ઊભું થતું નથી. આ અંગે એક કથા બોધરૂપ છે. એક ભિક્ષુક રાજમાર્ગ પર ઊભો હતો અને ત્યાં સામેથી રાજાનો સુવર્ણ રથ આવતો જોયો. તેની ખુશીનો પાર રહ્યો નહીં. તેને થયું આજે દળદર ફીટી જશે. બે-ચાર સોનામહોર મળી જશે. રાજાનો રથ તેની પાસે આવીને ઊભો રહ્યો અને રાજા રથમાંથી ઊતરીને તેની પાસે આવ્યા અને હાથ લાંબો કરીને ઊભા રહી ગયા. આ તો લેવાના દેવા થયા. રાજાનો હાથ પાછો ઠેલાય નહીં. ભિક્ષુકનો હાથ થેલીમાં ગયો. તેમાં મુઠ્ઠીભર ચોખા હતા, પરંતુ આપવા માટે જીવ ચાલ્યો નહીં. રાજા હાથ પ્રસારીને ઊભો હતો. કાંઈક આપવું પડશે. ભિક્ષુકનું મન કચવાઈ રહ્યું હતું. મથામણ પછી તેનો હાથ બહાર નીકળ્યો. તેમાં ચોખાનો એક દાણો હતો તે રાજાના હાથમાં મૂકી દીધો. રાજા આ પછી ચાલ્યો ગયો. ભિક્ષકનું મન દુ:ખી દુ:ખી થઈ ગયું. તેને થયું કે ગરીબની ખીચડીમાંથી રાજાએ એક દાણો છીનવી લીધો. આવું વિચારતો વિચારતો તે ઘેર આવ્યો અને થેલી થાળીમાં ઠાલવી તો મુઠ્ઠીભર ચોખામાં એક સોનાનો દાણો હતો. ભિક્ષુક આ જોઈને દિગ્મૂઢ થઈ ગયો અને ભારે અફસોસ થયો. તેને થયું કે મેં આખી થેલી રાજાના હાથમાં કેમ ઠાલવી ન દીધી. કોઈને કાંઈ આપીએ તેમાં પ્રેમ ન હોય, મજબૂરીથી આપીએ, કર્તવ્ય નીભાવવા આપીએ તો તેમાં કશી બરકત રહેતી નથી. તેમાં આનંદ આવતો નથી. પ્રસન્નતા રહેતી નથી. પ્રેમમાં પણ જ્યારે માત્ર કર્તવ્ય અને ફરજ નિભાવવાનો ખ્યાલ આવે છે ત્યારે સાચો પ્રેમ રહેતો નથી. પ્રેમમાં સેવા અને સમર્પણ ન હોય તો એ માત્ર દેખાવ બની જાય છે. પ્રેમનો એ જાદુ છે. માગો તો કશું મળે નહીં અને ન માગો તો બધું દોડતું આવે. પ્રેમનો ત્રીજો ભાવ અને ત્રીજી અવસ્થા પરમ અવસ્થા છે. તેના સુધી પહોંચવાનું માણસનું ગજું નથી. આમાં લેવાનો કે કશું મેળવવાનો તો સવાલ નથી, પરંતુ કશો આપવાનો પણ પ્રશ્ર્ન રહેતો નથી. આમાં આપવા અને લેવાની વાત ગૌણ બની જાય છે. એમાં તો અપાર કરુણા વહે છે. આવો કરુણાસભર માણસ જ્યાંથી પણ પસાર થાય ત્યાં પ્રેમના પુષ્પો ખીલી ઊઠે છે અને તેની સુગંધ ચોમેર પ્રસરે છે. આવા પ્રજ્ઞ પુરુષોની છાયામાં આપણને બધું મળી રહે છે. પરમાત્માનું સાંનિધ્ય આવું છે. પ્રેમની આ ધારા વહેતી રહે છે અને તેનો એક યા બીજી રીતે આપણને સાક્ષાત્કાર થતો રહે છે. એક પ્રેમ છે શરીરનો, બીજો પ્રેમ છે મનનો અને ત્રીજો પ્રેમ છે આત્માનો. આ ત્રીજો પ્રેમ શુદ્ધ અને આત્મિ છે. એમાં કશું કરવાનું નથી. કરુણાસભર વહેવાનું છે. આ પ્રેમ જ આપણને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે. |
Sunday, December 20, 2015
પ્રેમ જીવનનું અમૃત: બંધન અને મુક્તિ - મહેન્દ્ર પુનાતર
Labels:
પ્રેમ,
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment