Sunday, December 13, 2015

જીવતાં આવડે તો જીવન આનંદ ઉત્સવ, નહીંતર દુ:ખનો દરિયો - મહેન્દ્ર પુનાતર

જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


ભગવાન મહાવીરનું બધા જીવો પ્રત્યેનું કથન છે કે તમે જ તમારા ભાગ્યવિધાતા છો.

તમારું શરીર ર્જીણ થઈ રહ્યું છે. વાળ સફેદ થઈ રહ્યા છે અને સર્વ પ્રકારે તમારું બળ ક્ષીણ થઈ રહ્યું છે. હવે ક્ષણ માત્રનો પ્રમાદ ન કરો.

મનુષ્યનાં બધાં સારાં કાર્ય સફળ થાય છે. કરેલાં કર્મને ભોગવ્યા વિના મુક્તિ નથી. તમે તમારા આત્માને જ વશ કરો. જેથી બધા દુ:ખોમાંથી છૂટકારો મળશે. ક્રોધ, માન, માયા અને લોભ

આ ચાર શત્રુઓ છે તેના પર વિજય એ આત્મવિજય છે.

આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. આપણે જેવું કરીએ છીએ તેવું પામીએ છીએ. સારું કરીશું તો સારું પ્રાપ્ત થશે. જીવનનો આ નિયમ છે. ધર્મ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે. સુખ અને દુ:ખ આપણી પોતાની સર્જત છે. જેવી આપણી આકાંક્ષા હોય એવું મળે છે. કામ, ક્રોધ, લોભ અને મોહ આપણને સારું હકીકતમાં જેવું છે તેવું જોવા દેતો નથી. જીવન જેવું છે તેવું સ્વીકારવું એ જ મુક્તિ, શાંતિ અને સ્વર્ગ છે.

જીવનમાં આપણને શેની ઈચ્છા છે? શું જોઈએ છે? માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છે. શક્તિ અને ક્ષમતા મુજબ જે કાંઈ મળવાનું હતું તે મળી જાય છે. પછીના જે વર્ષો હોય છે તે નફાના હોય છે. નફાને નુકસાન ગણીને ચાલીએ તો દુ:ખી થઈ જઈએ. જીવનના આ વર્ષોમાં જંજાળ ન છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંત સમયે અફસોસ કરીએ તો કેમ ચાલે. આપણે શા માટે જીવીએ છીએ, ધન એકઠું કરવા માટે? કીર્તિ અને પ્રસિદ્ધિ માટે? સંતાનોને સલાહ આપવા માટે? હજુ કયા માન, ચાંદ મેળવવાના બાકી છે? અત્યાર સુધી જે જીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતું? હવે થોડું પોતાના માટે જીવવું છે કે? અત્યાર સુધી આટાપાટા ખેલ્યા, હવે સત્કાર્યો કરી પુણ્યનું ભાથું બંધાવવું છે કે? ૫૦ કે ૬૦ના આરે પહોંચેલા દરેક માણસે આ અંગે વિચાર કરવો જોઈએ.

શરૂઆતના વર્ષોમાં ધન, પદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામા કરવાના હતા તે કરી નાખ્યા. જુઠ્ઠી શાન શોહરતમાં અને આડંબરમાં જીવ્યા અને જીવનના કિંમતી વર્ષો ગુમાવી દીધાં. હવે બાકીનાં વર્ષોમાં જીવનને માણીએ. મસ્ત બનીને રહીએ. જે આપણને મળ્યું છે અને જે આપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએ. સંતોષથી રહીએ. ચિંતા, ભય, રાગ-દ્વેષ છોડીને શાંતિ અને આનંદથી જીવન પસાર કરીએ તો તેના જેવું બીજું કોઈ સુખ નથી.

જીવનનાં બધાં કામો યોગ્ય સમયે કરી લેવાના હોય છે. સમય અને સંજોગો બધા સમયે સરખા રહેતા નથી. પરિસ્થિતિ પલટાયા કરે છે. કાળનું ચક્ર ફર્યા કરે છે. તમારી પાસે શું છે અને કેટલું પ્રાપ્ત કર્યું છે તેનું બહુ મહત્ત્વ નથી. પણ તમે તેનો કેટલો આનંદ માણ્યો તેમાંથી કેટલું સુખ મેળવ્યું તેનું મહત્ત્વ છે. જીવનની બધી જ આપાધાપી સુખ મેળવવા કરીએ છીએ અને છેવટે દુ:ખ વહોરી લઈએ છીએ, કારણ કે સુખને આપણે ધન, પદ, કીર્તિ અને પ્રસિદ્ધિમાં સિમીત કરી નાખ્યું છે. આપણે એમ સમજીએ છીએ આ બધું. મળે એટલે સુખી થઈ ગયા, પરંતુ જ્યારે આ બધું મળી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ધારતા હતા એવું સુખ આમાં નથી. માણસ વિચાર કરે છે ધન, દૌલત, સંપત્તિ બધું મેળવી લઈએ પછી સુખેથી જીવશું, પરંતુ એવો સમય કોઈને માટે કદી આવતો નથી. ઉંમર થાય પછી શક્તિઓ ક્ષીણ થતી જાય છે. કહેવાતું સુખ હોય તો પણ માણી શકાતું નથી.

જીવન માટે ભવિષ્યનું કોઈ મહત્ત્વ નથી. વર્તમાન જ મહત્ત્વનો છે. આજે આપણી પાસે જે કાંઈ છે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. ભવિષ્યની ચિંતામાં આજના સુખને જતું કરવા એ ખોટનો સોદો છે. વર્તમાનમાં રહેવામાં અને માણવામાં જીવનની સાર્થકતા છે. ધર્મ, પુણ્ય અને કોઈ સારું કામ કરવું હોય તો આજ કરી લેવું જોઈએ. આજનો ભાવ કાલ પર ઠેલી શકાય નહીં. આજે જે અવસર છે તે કાલે આવવાનો નથી.

પ્રતિક્ષણ જગત બદલાયા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે. સમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે. એટલે ઘણું કરવાનું બાકી રહી જશે. પરંતુ તેનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. ભલાઈ અને સારાઈ માટે આવતીકાલની રાહ જોવાની જરૂર નથી. કાલ આવશે ત્યારે માણસ વધુ કમજોર બની ગયો હશે. આજે જે કામ, ક્રોધ, ઘૃણા અને જલન છે તે કાલે વધુ માત્રામાં હશે. સમયની સાથે માણસ નબળો પડતો જાય છે અને દુર્ગુણોની જડ વધુ મજબૂત બનતી જાય છે. ક્રોધ અને અહંકારને આજે જો જીતી ન શકાય તો આવતીકાલે તેના પર વિજય મેળવવાનું વધુ કઠીન બની જશે.

મનુષ્યને ઘણી પ્રગતિ કરી છે. સુખ સગવડતાના અનેક સાધનો હાંસલ કર્યા છે. આમ છતાં રાગ-દ્વેષ, માન-અભિમાન, દુ:ખ પીડા, ચિંતા - એકલતા અને શાંતિ માટેની ઝંખના વગેરે એના એ જ રહ્યા છે. જગતમાં શું બની રહ્યું છે. તેના કરતાં આપણી અંદર શું બની રહ્યું છે. તે વિચારવું જોઈએ. જીવનના બધા સુખો મળશે, પરંતુ પ્રેમ, સ્નેહ અને સહાનુભૂતિ જો નહીં મળે તો આ સુખનો આનંદ માણી શકાશે નહીં. પ્રેમ એ જીવનનું અમૃત છે. ઘણાં માણસો પ્રેમ, સ્નેહ હૂંફ ન મળવાના કારણે સમય કરતા વહેલા મરતા હોય છે. સ્વાર્થ, લોભ અને અહંકાર સાથે પ્રેમ રહી શકતો નથી. આ બધું વિસર્જિત થાય ત્યારે પ્રેમ પ્રગટ થાય છે. જેને પ્રેમ-સ્નેહ મળે છે તેને બીજા કશાની જરૂરત રહેતી નથી. પ્રેમ જેટલો વિસ્તૃત બને, જેટલો વહેંચાય એટલો વધે છે. આપણે જે આપીએ છીએ તે પાછું આપણા તરફ એક યા બીજા સ્વરૂપે આવે છે. આપણે જે મેળવવા ઈચ્છતા હોઈએ તેની સામે કાંઈક આપવું પડે. આપણે સુખ મેળવવા માગતા હોઈએ તો બીજાને સુખ આપવું પડે. કંટકો વાવીને પુષ્પો મેળવી શકાય નહીં.

પ્રકૃતિએ દરેક માણસને શુભ કરવા માટે વધુ અને અશુભ કરવા માટે ઓછી શક્તિ આપી છે, પરંતુ શુભ થતું નથી. કારણ કે તે માટેની ઈચ્છા નથી. ક્યારેક શુભ ભાવના મનમાં ઊભી થાય છે, પરંતુ કાર્યમાં પરિણમતી નથી. શુભ ભાવના ચાર વખત કરી હોય, પણ એક અશુભ ભાવના થઈ જાય તો બધું એળે જાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘ચોવીસ કલાક મંગળ ભાવનામાં જ ડૂબેલા રહો. ઊઠતા, બેસતાં, શ્ર્વાસ લેતા અને છોડતાં માત્ર મંગળનું જ સ્મરણ કરો.’

જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી સફળતા-નિષ્ફળતા આવ્યા કરે છે. સુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે. તેમાં સમયનો ખ્યાલ રહેતો નથી. દુ:ખ લાંબુ ચાલે છે કારણ કે તેને આપણે મનમાંથી દૂર કરી શકતા નથી. જે વસ્તુ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી આપણી રહે છે. તેમાંથી આનંદ લુપ્ત થઈ જાય પછી તેની કોઈ કિંમત રહેતી નથી. તિજોરીમાં કે બેન્કોમાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તેને માણી શકાતા નથી. તેના વિચારથી સુખ દુ:ખ અનુભવી શકાય છે. મોટા ભાગના સુખો ધારણા અને કલ્પનાના હોય છે.

જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છે. એક જન્મ અને બીજું મૃત્યુ. જે આપણા હાથમાં નથી. કાળને કોઈ રોકી શકતું નથી. તો કાળને શા માટે મિત્ર ન બનાવવો? તેનાથી ડરીને રહેવાથી શો ફાયદો? ક્રમાનુસાર કર્મ પ્રમાણે બધું થવાનું છે. તેની ચિંતા શા માટે? જે કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે જીવન જેવું છે તેવું સ્વીકારવું એ જ મુક્તિ, એ જ શાંતિ, એ જ મોક્ષ એ જ સ્વર્ગ. જીવનમાં સારું કાર્ય કરીએ તો પુણ્ય અને ખરાબ કામ કરીએ તો પાપ એમ સમજવું, શુભ ભાવ રાખવો, સારું ચિંતન કરવું. પ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવો. કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ રાખવી નહીં. કવિ દલપતરામે લખ્યું છે તેમ... ‘એક દિન હાથી, એક દિન ઘોડા, એક દિન પાવસે ચલનાજી. એક દિન લડ્ડુ, એક દિન રોટી, એક દિન ફક્કમ ફક્કાજી’. સારું ખાધું, સારું પીધું. સુખ-ચેનથી રહ્યા એક દિવસ કોઈ ચીજ ન મળી તેથી શું? જીવનમાં કેટલીક વસ્તુઓમાં ચલાવી લેતા પણ શીખવું જોઈએ. જીવતા આવડે તો જીવન આનંદ ઉત્સવ છે, નહીંતર દુ:ખનો દરિયો. રઈસ મણિયારે કહ્યું છે તેમ:

‘ઘણું છોડી પછી થોડાની

સાથે જીવવાનું છે

ફગાવી દો વજન

નૌકાની સાથે જીવવાનું છે.’

No comments:

Post a Comment