Sunday, November 8, 2015

‘અભય’ ધર્મનો મૂળભૂત આધાર- મહેન્દ્ર પુનાતર

સમય અને ક્ષેત્ર બે મહત્ત્વનાં તત્ત્વો ‘અભય’ ધર્મનો મૂળભૂત આધાર
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


એક સૂફી સંતને કોઈએ પૂછયું કે તમે આટલા પ્રસન્ન કેમ છો? તેનું રહસ્ય શું છે? સંતે કહ્યું, મેં એક નિયમ બનાવ્યો છે. સવારમાં જ્યારે હું ઊઠું છું ત્યારે મારી સામે બે વિકલ્પ હોય છે. આજનો દિવસ સુખમાં વિતાવવો કે દુ:ખમાં. હું સુખનો વિકલ્પ પસંદ કરું છું. દુ:ખ મારે શા માટે પસંદ કરવું જોઈએ? અને મારો આખો દિવસ સુખમાં જાય છે. ગમે તે થાય પણ આપણે દુ:ખી થવું નથી એવું નક્કી કરી નાખીએ તો દુ:ખ રહેતું નથી. આપણે આનંદમાં રહેવાનું પસંદ કરીએ અને દરેક બાબતને સુખરૂપ માનીએ તો દુ:ખ કે આ અંગેની ફરિયાદ રહેશે નહીં અને પ્રસન્નતાની ઘટના બન્યા કરશે અને દુ:ખી થવાનો વિચાર કરીશું તો અણગમતી ઘટનાઓ બન્યા કરશે. કેટલાક માણસો સમસ્યા આવ્યા પહેલા જ તેના વિચારો કરીને દુ:ખી થયા કરે છે. આપણું જેવું મન હશે એવી ઘટના બન્યા કરે છે અને આપણા જેવા ભાવ હશે તેવાં પરિણામો દેખાશે. જીવનમાં સારા ભાવો અને રચનાત્મક અભિગમ હશે તો ખરાબને સારામાં પરિણમતા વાર નહીં લાગે. દુ:ખ આવે તે પહેલાં રોદણાં રોવા બેસી જઈએ તો તેનો કોઈ ઉપાય નથી. દુ:ખ કરતાંય દુ:ખની ધારણા આપણને વધુ પરેશાન કરે છે.

માણસ દુ:ખી છે તેનું કારણ કે તે એક યા બીજા ભય હેઠળ જીવી રહ્યો છે અને વધુ સલામતી કવચ શોધ્યા કરે છે. માણસને ધનમાં, પદમાં, સત્તામાં એટલા માટે રસ છે કે તેમાં તેને વધુ સુખ અને સલામતી નજરે પડે છે. ધન વધતું જશે એમ ડર પણ વધતો જશે. કશા પણ ભૌતિક સુખો ચિંતા વગરના હોતાં નથી. આપણે સુખની પણ કિંમત ચૂકવવી પડે છે. આ પ્રકારના સુખોથી શું મળ્યું તેના કરતાં શું ગુમાવ્યું તેનો વિચાર કરવાનું મહત્ત્વનું છે. પણ આપણે એક વખત નક્કી કરી નાખીએ જીવનમાં જે કાંઈ બને મારે ડરવું નથી અને દુ:ખી થવું નથી. જે કાંઈ બનશે તે મને સ્વીકાર્ય છે, એવો મનસૂબો થઈ જાય તો કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ પરેશાન કરી શકશે નહીં. માણસ પ્રસન્ન રહેવું હશે તો નિર્ભય બનવું પડશે. ભગવાન મહાવીરે પણ ‘અભય’ને ધર્મનો મૂળભૂત આધાર ગણાવ્યો છે. જેનામાં હિંમત છે, સાહસવૃત્તિ છે. તેઓ ધર્મના માર્ગનું અનુસરણ કરી શકે છે. સાચું બોલવામાં, અહિંસાનું પાલન કરવામાં અને પ્રમાણિકતામાં પણ હિંમત જોઈએ. ગમે તેવા ઉપસર્ગો આવ્યા પણ મહાવીર પ્રભુ કશાથી ડર્યા નહોતા અને પોતાના માર્ગથી વિચલિત થયા નહોતા.

આ જગતમાં બે પ્રકારના ધાર્મિક માણસો છે એક ભયના કારણે ધાર્મિક બન્યા છે. દુ:ખના કારણે અને સુખની આશાએ ધર્મ તરફ વળ્યા છે. ભય આવે ત્યારે માણસ શરણ શોધે છે. અને ધાર્મિક બની જાય છે, કારણ કે ધર્મમાં શાતા છે. સધિયારો છે. દુ:ખમાં અને વધુ પડતા સુખમાં પ્રભુ યાદ આવે છે. સુખમાં રહેલાં લોકોને પણ સુખ હાથમાંથી છટકી તો નહીં જાયને તેની ભીતિ રહેલી છે. આ સગવડિયો ધર્મ છે. બીજા કેટલાક લોકો જેેમણે અભય બનીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. આ પ્રકારના લોકો આત્યંતિક વિકાસ સાધીને પરમાત્મા સુધી પહોંચી શકે છે. આપણા સાધુુ મહારાજો, આચાર્યો અને મહાત્માઓ ધર્મમાં લીન એટલા માટે રહી શકે છે કારણ કે તેમને કોઈ જાતનો ભય નથી. સંસારમાં ભય હોય છે. સાધુુતામાં ભય હોતો નથી. એટલે તેઓ સત્યના માર્ગે ચાલી શકે છે.

કોઈ પણ વસ્તુ મનથી કરીએ અને તેમ કરવાની ફરજ પડે એ બંનેમાં ફરક છે. માણસ ચોરી કરી શકતો નથી એટલે પ્રામાણિક બની જાય. બેઈમાની કરી શકતો નથી એટલે ઈમાનદાર બની જાય છે, જૂઠ બોલતા પકડાઈ જવાનો ડર છે એટલે સત્યવાદી બની જાય. આ તો ચાલાકી છે. ખોટું કામ કરવામાં પણ હિંમત જોઈએ. તક મળતી નથી ત્યાં સુધી માણસ પ્રામાણિક રહે, ઈમાનદાર રહે, સાચો રહે એ તો મુખવટો છે. ગમે તેવો ચહેરો ધારણ કરો પણ સમય આવ્યે અસલી ચહેરો પ્રગટ થઈ જાય છે.

માણસ પાપ કરતા અચકાય છે, કારણ કે તેના પરિણામોની ચિંતા છે. નર્કનો ડર છે. એક વખત નિશ્ર્ચિત થઈ જાય કે આમાં કશું થવાનું નથી. પકડાવાનો કોઈ ડર નથી તો માણસ ચોરી કરતા અચકાશે નહીં. બેઈમાની કરતા ખચકાશે નહીં. માણસની નીતિમત્તા કાયદાના ડરના કારણે રહેલી છે. પોતાની આબરૂના કારણે રહેલી છે. લોકો આપણા વિશે શું ધારશે તે બીક રહેલી છે. સમાજનો ડર રહેલો છે. ભયના કારણે જે લોકો ધર્મને અનુસરે છે તેનો ધર્મ લાંબો સમય ટકતો નથી, કારણ કે આ ઉપરની વ્યવસ્થા છે, અંદરનો ભાવ નથી. ઉપર ચડાવેલો રંગ જલદીથી ઊતરી જાય છે.

ધાર્મિક દેખાવું જરૂરી નથી. ધાર્મિક બનવું જરૂરી છે. ધર્મ જીવનમાં ઊતરે અને આચરણ બદલાય તો જ તેનો અર્થ સરે. આંતરિક પરિવર્તન દ્વારા આત્મા સુધી પહોંચાય છે. આમાં ભીતરનું પરિવર્તન મહત્ત્વનું છે. ભગવાન મહાવીરે આત્માને સમયનું નામ આપ્યું છે. આપણે સમયને ગુમાવીએ છીએ તો આત્માને પણ ગુમાવીએ છીએ. સમય જો સંભાળી લીધો તો આત્માને પણ સંભાળી લીધો. જીવનમાં સમય અને ક્ષેત્ર આ બે મહત્ત્વનાં તત્ત્વો છે. મહાવીર પ્રભુએ કહ્યું છે, ‘કાલ નિર્દય છે અને શરીર દુર્બળ છે.’ આ સત્યને સ્મરણમાં રાખવું જોઈએ. શરીર ક્ષણભંગુર છે અને સમય કોઈની રાહ જોતો નથી. સમયને આપણી બિલકુલ ચિંતા નથી એ તો એનું કામ કર્યે જાય છે. સમય આપણને સુવિધા આપતો નથી અને આપણી મરજી મુુજબ સાથ પણ આપતો નથી. આપણે સમયની સાથે ચાલવું પડે છે. આપણા હોવા, ન હોવા સાથે સમયની ધારાને કશો ફરક પડતો નથી.

એક તણખલું નદીમાં વહી રહ્યું છે. નદીને તેની સાથે શું લેવાદેવા. જો તણખલું એમ માને કે નદી મારે સહારે વહી રહી છે તો પછી કહેવાનું શું? કેટલાય એવા માણસો છે જેઓ એમ માની રહ્યા છે કે બધું એમના લીધે ચાલી રહ્યું છે. હું ન હોત તો આમ ન થાત તેમ ન થાત. ગાડા નીચે કૂતરું ચાલી રહ્યું હોય અને તે માને કે આખા ગાડાનો ભાર તેના પર છે એના જેવી આ વાત છે. કુટુંબમાં, સમાજમાં અને ધર્મમાં કેટલાક માણસો પગદંડો જમાવીને બેેસી જાય છે અને બધો કારભાર પોતાના કારણે ચાલી રહ્યો છે એમ માને છે. માણસનો આ અહંકાર છે.

એક ગામમાં એક ડોશી રહેતી હતી. તેેની પાસે એક કૂકડો હતો. કૂકડો સવાર પડ્યે અવાજ કરતો અને સૂરજ ઊગતો. ડોશી એમ માનતી હતી કે એનો કૂકડો અવાજ કરે છે એટલે સૂરજ ઊગે છે. એક દિવસ ગામના લોકો સાથે વાંકું પડતા ડોશીએ કહ્યું, હું મારા કૂકડાને લઈને જતી રહીશ પછી તમને ખબર પડશે. સૂરજ ઊગશે નહીં અને તમે બધા હેરાન-પરેશાન થઈ જશો. હું જે ગામમાં જઈશ ત્યાં મારો કૂકડો અવાજ કરશે અને ત્યાં સૂરજ ઊગશે.

ડોશી તો કૂકડાને લઈને ગામ છોડી ગઈ અને જે ગામમાં ગઈ ત્યાં સવાર થયું અને કૂૂકડાના અવાજની સાથે સૂરજ ઊગ્યો. ત્યારે ડોશીએ કહ્યું: હવે મારા ગામના લોકોને ખબર પડશે કે મારી શું કિંમત હતી?

કેટલાક લોકો એમ માને છે કે બધું તેમના વિના અટકી જશે. આ તેમનો ભ્રમ છે. આપણે હોઈએ કે ન હોઈએ દુનિયા ચાલવાની છે. આપણા વગર કશું અટકવાનું નથી. આ સત્ય સમજાય તો ખોટી જંજાળ છૂટી જાય.

આપણે ખ્યાલ કરીએ કે જે વસ્તુ સાથે આપણે જોડાઈ જઈએ છીએ તે વસ્તુ આપણા મન પર છવાઈ જાય છે અને એવો ભાવ ઊભો થાય છે. આપણે જે કાંઈ છીએ તે આપણા મનનું પરિણામ છે. અંદરનો જેવો ભાવ હોય એવું આપણને દેખાય છે. સુખ અને દુ:ખ, સારું અને નરસું, પ્રિય અને અપ્રિય આપણા મન અને ભાવ પર નિર્ભર છે. કોઈને એક વસ્તુ સારી લાગે તો બીજાને ખરાબ લાગે. વસ્તુ તો તેની તે જ હોય છે પણ બંનેનાં મન જુદાં છે.

જીવનશુદ્ધિ અને મનશુદ્ધિ એ છે કે જ્યાં કોઈ જાતનું તાદાત્મ્ય નથી કોઈ જાતનો લગાવ નથી. ન સુખનું, ન દુ:ખનું, ન દેહનું, ન મનનું એવું કોઈ વળગણ નથી. જીવનમાં જે પણ આવે તેનો સ્વીકાર છે. હું કાંઈ નથી, મારું કાંઈ નથી. હું કર્તા નથી અને કર્તાનો અનુમોદક પણ નથી. હું કોઈ વસ્તુને લઈને તો આવ્યો નથી અને કોઈ વસ્તુને સાથે લઈને જવાનો નથી એવું પરમજ્ઞાન એ વીતરાગનો માર્ગ છે.

No comments:

Post a Comment