સંસારમાં રહીને કમળવત્ બને એ સાચો સંન્યાસી |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
ભારતીય
સંસ્કૃતિ અને ધર્મોમાં કમળના પ્રતીકનું સવિશેષ મહત્ત્વ છે. બધા ધર્મોએ
તેનો એક યા બીજી રીતે સ્વીકાર કર્યો છે. સંન્યાસનો અર્થ છે કમળવત બની જવું.
કમળના પર્ણ પર જળબિન્દુઓ ટપકતાં રહે છે અને મોતીની જેમ ચમકે છે. જ્યારે
સૂર્યના કિરણો તેના પર પડે છે ત્યારે સાચા મોતી પણ તેની પાસે ફિક્કા લાગે
છે. આ દૃશ્ય અદ્ભુત છે, પરંતુ તેનો ભીતરનો અર્થ સન્યસ્તને ઉજાગર કરે છે.
જળબિન્દુઓ કમળના પર્ણ પર પડવા છતાં તેને સ્પર્શતા નથી. આ અલિપ્તતાનો જે ભાવ
છે તે સંસારની વચ્ચેના સન્યસ્તનો અર્થ છે. માણસ બધું છોડી દે અને મનથી
મુક્ત થઈ જાય તો સંસારમાં રહેવા છતાં સાધુ જેવો છે. સંસાર જો મનમાં ભરેલો
હોય તો સાધુના કપડા પહેરવાથી કાંઈ ફરક પડતો નથી.
કાદવ અને કિચડમાં રહેવા છતાં કમળને તેનો સ્પર્શ થતો નથી. તે તેનું સૌંદર્ય અકબંધ જાળવી રાખે છે. સંસાર પણ આ પ્રકારનો છે, પરંતુ કેટલાક પ્રજ્ઞ પુુરુષો તેને જરા પણ સ્પર્શ કરવા દેતા નથી. માયાના બંધનોમાંથી તેઓ મુક્ત થઈ જાય છે. સંસારના સુખો માયાજાળ જેવા છે તેમાંથી છટકવાનું અને અલિપ્ત બનવાનું અતિ મુશ્કેલ છે. ઈચ્છાઓ અને અપેક્ષાઓ માણસને પકડી રાખે છે. તે કદી આજમાં પૂરી થતી નથી. માણસ વિચારે છે આટલું પૂરું થઈ જાય પછી મારે કાંઈ જોઈતું નથી. પણ ઈચ્છાઓ મૃગજળ જેવી છે. જે માણસને ભટકાવે છે. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી જાગે છે. આમ ક્રમ ચાલતો રહે છે અને માણસ આ કળણમાં વધારે ને વધારે ખૂંપતો જાય છે પણ જે કિચડને નીચે રાખીને ઉપર ઊઠે છે એ કમળવત છે. મહાવીર આવા પ્રજ્ઞ પુરુષ હતા. સંસાર પરથી તેમનું મન ઊઠી ગયું હતું અને દીક્ષા લેવી હતી. સંસારનો ત્યાગ કરવો હતો, પરંતુ માતાએ કહ્યું: હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી તને દીક્ષા લેવા નહીં દઉં. માતાની આજ્ઞાને તેમણે સ્વીકારી લીધી. પરંતુ તેઓ સંસારમાં રહીને જળકમળવત બની ગયા. હવાના ઝોકાની જેમ તેઓ ઘરમાં આવતા અને જતા હતા. તેઓ ઘરમાં છે તેવું લાગતું જ નહોતું અને છેવટે જ્યારે અનુમતી મળી ત્યારે મહાવીરે માત્ર એટલું કહ્યું હતું કે હું અહીં છું જ નહીં. હું તો ક્યારનો ચાલ્યો ગયો છું. મહાવીરના ગૌતમ પરના અંતિમ સંદેશામાં આ કમળનો ઉલ્લેખ છે. જગત માટેનો આ બોધ છે. મહાવીર પ્રભુનું બાહ્ય અને આંતરિક જ્ઞાન અદભુત હતું. મહાવીરના સમયમાં ગૌતમ મોટા પંડિત હતા. તેમના હજારો શિષ્યો હતા. મહાવીરને મળ્યા એ પહેલાં તેઓ પ્રસિદ્ધ બ્રાહ્મણ વિદ્વાન હતા. મહાવીર સાથે વાદવિવાદ કરવા માટે આવ્યા હતા. મહાવીરને પરાજિત કરવાના મનસૂબા સાથે આવ્યા હતા. ગૌતમ પાસે બાહ્ય જ્ઞાન ખૂબ જ હતું. ગૌતમને જ્ઞાનથી પરાજિત કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. કારણ કે જાણકારી તેમની સંપદા હતી. પરંતુ મહાવીરના અંતરજ્ઞાન સામે તેઓ ઝૂકી ગયા અને મહાવીર પ્રત્યેક શ્રદ્ધાની આંખથી જોવાનું શરૂ કર્યું અને તેઓ મહાવીરના પરમશિષ્ય બની ગયા અને મહાવીરથી તેઓ એટલા પ્રભાવિત બની ગયા કે મહાવીર સિવાય તેમને કશું નજરે પડતું નહોતું. ગૌતમ મહાવીરના સૌથી શ્રેષ્ઠ શિષ્ય અને તેમના પ્રથમ ગણધર, તેમના પ્રથમ સંદેશવાહક. આ બધું છતાં તેઓ પરમ જ્ઞાનને ઉપલબ્ધ થઈ શક્યા નહીં. ગૌતમ પછી અસંખ્ય લોકો દીક્ષિત થયા અને જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયા અને મુક્તિને પામી ગયા. ગૌતમ આ શિખર સર કરી શક્યા નહીં. તેમનું પાંડિત્ય બાધારૂપ બની ગયું. તેઓ પહેલા પંડિત હતા અને મહાવીરના શિષ્ય બન્યા પછી પણ પંડિત બની રહ્યા. તેમણે બધું છોડીને મહાવીરને પકડી લીધા. તેઓ મહાવીરને વાંરવાર પૂછતા હતા કે મારામાં જ્ઞાનની જ્યોત ક્યારે પ્રગટશે. જે દિવસે મહાવીરની અંતિમ ઘડી આવી ગઈ ત્યારે તેમણે ગૌતમને બાજુના ગામમાં ઉપદેશ માટે મોકલી દીધા. ગૌતમ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને માર્ગમાં સમાચાર મળ્યા કે મહાવીર નિર્વાણને ઉપલબ્ધ થઈ ગયા છે. ગૌતમ આ દુ:ખ સહન કરી શક્યા નહીં અને ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યા. અને કહેવા લાગ્યા કે મહાવીર ચાલ્યા ગયા હવે મારું શું થશે? આવા ગુુરુ હવે ક્યારે મળશે? તેઓ વિલાપ કરવા લાગ્યા. જવાની ઘડી આવી પહોંચી હતી તો મને શા માટે બહાર મોકલી દીધો? મહાવીરના નિર્વાણના ખબર લાવેલા સંદેશવાહકે કહ્યું: મહાવીરે અંતિમ સમયે આપને યાદ કર્યા હતા અને સંદેશો મોકલ્યો છે. આ સંદેશોમાં મહાવીરે ગૌતમને સંબોધીને જણાવ્યું હતું કે ‘જેવી રીતે કમળ શરદ ઋતુના નિર્મળ જળને પણ સ્પર્શ કરતું નથી અને અલિપ્ત રહે છે. તેવી રીતે તું સમગ્ર આસક્તિઓને દૂર કરીને, તમામ પ્રકારના સ્નેહબંધનોમાંથી મુક્ત થઈને અલિપ્ત થઈ જા. હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. તું આ પ્રપંચમય સંસાર સમુદ્રને તરી ચૂકયો છે. ભલા કિનારે આવીને કેમ અટકી ગયો છે. હૈ ગૌતમ ક્ષણમાત્ર પણ વિલંબ ન કર.’ મહાવીરના ગૌતમ માટે આખરી શબ્દો હતા. ‘બધુ છોડીને તે મને પકડી લીધો છે. હવે તું મને પણ છોડી દે અને મુક્ત થઈ જા.’ સ્નેહના સંબંધો અને સ્પર્શ આપણને આગળ વધતા અટકાવે છે. કોઈનામાં પણ મન મોહિત હશે ત્યાં સુધી આકાંક્ષા રહેશે. અને વ્યક્તિ તેનાથી બંધાયેલી રહેશે. કમળ જો કાદવને સ્પર્શ કરવા આતુર હોય તો તેનાથી ઉપર કઈ રીતે ઊઠી શકે. જેમને સંસારનું સુખ જોઈતું હોય તેઓ આનાથી અલિપ્ત કઈ રીતે રહી શકે? બીજાથી સુખ પામવાની ઈચ્છા છે ત્યાં સુધી આમાંથી મુક્ત થવાનું મુશ્કેલ છે. મન ચારે બાજુ ભટકતું રહે છે. એક વસ્તુમાં સુખ ન મળ્યું તો બીજી વસ્તુ તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. ધનમાં સુખ ન મળ્યું તો સ્ત્રીમાં અને સ્ત્રીમાં સુખ ન મળ્યું તો પદ-પ્રતિષ્ઠામાં. આમ મન વિચલિત થતું રહે છે અને માણસ સુખને શોધતો રહે છે પણ સાચું સુખ હાથમાં આવતું નથી. સુખ ઝાંઝવાના જળ જેવું છે. શોધો તો ભટકો. પણ તેનો કેડો છોડી દો, અને ઈચ્છા ન રાખો તો સામે આવીને ઊભું રહે. આપણે સુખની પાછળ પડીએ છીએ એટલે તે હાથતાળી આપીને દૂર થતું રહે છે. માણસને સુખ જ જોઈએ એટલે દુ:ખ જલદીથી આવીને ઊભું રહી જાય છે. મહાવીર કહે છે આ બધી આસક્તિઓથી અલિપ્ત થઈ જાવ. મોહ-માયાના બંધનોને તોડી નાખો. આ વાસનાનો વિસ્તાર છે. પરંતુ આમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય? મહાવીર કહે છે ગૌતમ ક્ષણમાત્રનો પ્રમાદ ન કર. પ્રમાદનો અર્થ છે બેહોશી. પ્રમાદનો અર્થ છે મૂર્છા, પ્રમાદનો અર્થ છે બેધ્યાન. મોટાભાગના લોકો બેહોશીમાં જીવી રહ્યા છે. શું કરવું, શું ન કરવું, સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું એની તેમને ખબર નથી મહાવીર કહે છે. હોશપૂર્વક જીવો, જાગૃતિપૂર્ણ જીવો. જે જાગૃત હશે તે સંસારમાં રહેવા છતાં બંધનોમાં લપેટાશે નહીં તે સંબંધોને જોડશે નહીં અને તોડશે પણ નહીં. તે સંબંધોને સાચવી રાખશે. આમાં સ્વાર્થ, ઈર્ષા, અદેખાઈ રાખશે નહીં. આમાં કોઈ પણ જાતની અપેક્ષા રહેશે નહીં. આનો અર્થ એવો નથી કે તે કઠોર બની જશે. હકીકતમાં તો તે વધુ પ્રેમપૂર્ણ બનશે. તારા- મારાના દ્વંદ્વમાંથી તે બહાર નીકળી જશે. જે બંધાતો નથી એના માટે છૂટવાનું આસાન બની જાય છે. આપણે કોઈ વસ્તુને પકડી રાખીએ છીએ, આપણી માનીએ છીએ ત્યારે તેનાથી બંધાઈ જઈએ છીએ. સંસારે આપણને બાંધ્યા નથી આપણે ખુદ બંધાઈ ગયા છીએ. ગૌતમ મહાવીરથી બંધાયેલા હતા એટલે મહાવીરને છોડવાનું તેમના માટે દુ:ખદ થઈ ગયું હતું. અંતિમ સમયે મહાવીરે ગૌતમને યાદ કર્યા તેનો અર્થ એવો નથી કે તેઓ સ્નેહના બંધનથી જકડાયેલા હતા. મહાવીરને ગૌતમ પ્રત્યે પ્રેમ તો હતો જ પરંતુ તેમાં મોહ અને આસક્તિ નહોતી. મહાવીર ગૌતમને મુક્ત થવાની વાત કરે છે તેમાં માત્ર કરુણા છે. કરુણા અપેક્ષા રહિત પ્રેમ છે જ્યારે મોહ અપેક્ષા સાથેનો પ્રેમ છે. અપેક્ષા જ્યાં છે ત્યાં બંધન છે જેના પ્રત્યે મોહ ઊભો થાય છે. તેમાં આપણે જીવ મૂકી દઈએ છીએ. મોહ હોય ત્યાં તેના સિવાય બીજું કશું દેખાય નહીં. મોહ હોય ત્યાં સાધારણ ચીજ પણ સુંદર દેખાવા લાગે છે. સંસાર મોહ-માયાનું બંધન છે. સન્યસ્તમાં પણ મનથી મુક્ત ન થવાય તો આ બધા વળગણો ચાલુ રહે છે. ધર્મ માણસને જાગૃત કરે છે. ધર્મના પ્રવેશથી માણસ પ્રકૃતિથી પરમાત્મા તરફ ઉઠવા લાગે છે. |
Sunday, November 29, 2015
સંન્યાસી- મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment