Friday, September 18, 2015

ધર્મ:વૈજ્ઞાનિકનો, દાર્શનિકનો, સાહિત્યિકનો, ધાર્મિકનો...- ચંદ્રકાંત બક્ષી



બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ગુરુ ગોવિંદસિંહે લખેલું અને ગાંધીજીએ લોકપ્રિય બનાવેલું એ ભજન... ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ... મંદિર મસ્જિદ તેરે ધામ... સબકો સન્મતિ દે ભગવાન...’ આજે કેટલું સાચું છે? મંદિર અને મસ્જિદ તેરે ધામ બરાબર છે, પણ ઈશ્વર અને અલ્લાહ હિંદુસ્તાનના ૨૦૦૨ના દેશકાળ સુધી એક થઈ શક્યા નથી. કદાચ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે અંતિમ વાક્ય કહી દીધું છે કે જ્યાં સુધી ધર્મો જુદા છે, ઈશ્વર એક નહિ થઈ શકે! ઈશ્વર અને અલ્લાહ પૂરા ભારતીય ઈતિહાસમાં ઘણી વાર સામસામે આવી ગયા છે: અલ્લાહો અકબર અને હરહર મહાદેવ કે જય ભવાની એ ઘોષ-પ્રતિઘોષ એકબીજાને કતલ કરવા નીકળેલા સૈનિકોના યુદ્ધનાદો રહ્યા છે. ઈરાન-ઈરાકના આંતર-ઈસ્લામી જંગમાં પણ વર્ષો સુધી ઈરાની સૈનિકનો ‘ખુદા’ અને અરબી સૈનિકનો ‘અલ્લાહ’ એક નહોતા, ફકત પરચમનો લીલો રંગ એક હતો. આ ઈતિહાસબોધ છે. ઈશ્વર અને ધર્મ એક છે? ઈશ્વરનું અસ્તિત્વ છે? ટીવી પર કોમી ભાઈચારાની વાત રટ્યા કરવી એ માત્ર ધર્મનો એક દુન્યવી અને સરકારી આયામ છે.

શ્વર કે કોઈ ઉચ્ચતર સત્તા કે નિયતિ નામનું તત્ત્વ છે એ સ્વીકાર કરો તો જીવનના અન્યાયોનાં સમાધાનો તરત થઈ જાય છે. ફિલસૂફ કાર્લ જાસ્પર્સનું વિધાન હતું કે આસ્તિક કરતાં નાસ્તિકમાં વધારે અટલ આત્મશ્રદ્ધા હોવી જરૂરી છે અને હોય છે, કારણ કે નાસ્તિક માટે ઈશ્વરનું અવલંબન નથી. બીજા પર જવાબદારી ઢોળી નાખવાની કાયર સુવિધા નથી. શાંતિમાં ઈશ્વર અને અલ્લાહ એક બની જાય છે, અશાંતિમાં ઈશ્વર અને અલ્લાહ જુદા પડી જાય છે, સૌનો પોતપોતાનો એક ઈશ્વર કે અલ્લાહ હોય છે.

અને ઈટાલિયન આભિજાત્ય સંગીતજ્ઞ લ્યુસીઆનો પાવારોટ્ટી કહે છે કે બાળકનું રડવું એ બિલકુલ સ્વચ્છ સંગીત છે, એની ગળાના આંદોલન-સ્પંદનોની ટેક્નિક તદ્દન કરેક્ટ છે. બાળક એ જ ‘સ્વર’ પસંદ કરે છે, જેમાં સૌથી વિશેષ સુવિધા હોય છે. બાળક આખી રાત રડી શકે છે, થાક્યા વિના કે ગળું ખરાબ કર્યા વિના! બાળકને આવી સરસ રીતે રડતાં કોણે શીખવ્યું?

શ્વર તદ્દન સરળ અને અત્યંત કઠિન છે, જ્ઞાનીઓ કહે છે. એક પ્રાચીન ફારસી કહેવત છે: અંગૂરો હજી પાકી નથી, પણ લોકો શરાબના નશામાં ઝૂમવા લાગ્યા છે! ઈશ્વર એ પીધા વિના નશો થાય એવા શરાબ જેવો છે? વીસમી સદીના સર્વશ્રેષ્ઠ ગાણિતિક - વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું: વધારે અને વધારે પ્રતિષ્ઠા સાથે હું વધારે મૂર્ખ બનતો ગયો, જે એક બિલકુલ સ્વાભાવિક બાબત છે. માણસ સ્વયં જે છે અને બીજાઓ એને જે ધારી લે છે એ બે વચ્ચે અસમજદારીનો એક સમુદ્ર વહેતો હોય છે... આઈન્સ્ટાઈને ઈશ્વરમાં વિશ્વાસ ખોયો નહોતો. એ ત્રણ વર્ષ સુધી બોલવાનું શીખ્યા નહોતા, પ્રવેશ પરીક્ષામાં એ ફેલ હતા, વર્ગમાં એ કલાસ બંધ કરી ભાગી જતા, યુનિવર્સિટીમાં શિક્ષક થવા માટે એમને અયોગ્ય ગણાયા હતા. આઈન્સ્ટાઈને વારંવાર કહેવા માંડ્યું કે ઈશ્વર પાસાઓ ફેંકીને પૃથ્વીનું સંચાલન કરતો નથી ત્યારે એમની જ કક્ષાના બીજા વૈજ્ઞાનિક નીલ્સ બોહરે કહ્યું હતું: ઈશ્વરે શું કરવું એ સલાહો આપવાનું હવે બંધ કરો!

શ્વર વિશે ૮૦૦-૧૦૦૦ શબ્દો બહુ ઓછા છે અને ઘણા વધારે છે, કારણ કે વિશ્વના દરેક મહાન વિચારકે ઈશ્વર વિશે વિચાર કર્યો છે, કાર્લ માર્ક્સે કહ્યું હતું કે ઈશ્વરે માણસનું સર્જન કર્યું નથી, માણસે ઈશ્વરને જન્મ આપ્યો છે. માણસનું અસ્તિત્વ પહેલાં ઈશ્વરનું એક મૃત અસ્તિત્વ અથવા નાસ્તિત્વ હતું. માણસે ઈશ્વરમાં પ્રાણ પૂર્યો. વીસમી સદીના મહાન અસ્તિત્વવાદી દાર્શનિક ઝ્યોં પોલ સાર્ત્રે લખ્યું: મનુષ્ય સ્વતંત્ર છે, માટે કાયર પોતાને વધુ કાયર ને વીર પોતાને વધુ વીર બનાવી શકે છે... કારણ કે ઈશ્વર નથી, માટે મનુષ્યે નક્કી કરવું પડે છે એ શું છે, એનું મનુષ્યત્વ શું છે અને એ મનુષ્યત્વ એનાં કર્મો પરથી નક્કી થાય છે. સાર્ત્રે એક ભયંકર તર્ક કર્યો છે: ઈશ્વર વિનાના વિશ્વની જવાબદારી મનુષ્ય ઉપાડી શકશે?

વૈજ્ઞાનિક અને દાર્શનિકના ઈશ્વર કરતાં કળાકાર અને કવિનો ઈશ્વર જુદો હોય છે? સંવનન કરતા પક્ષીનું સંગીત અને રડતા બાળકના રુદનનું સંગીત અથવા અંધની આંગળીઓના સ્પર્શથી પ્રકટતું સંગીત પેદા કરનાર એક જ ઈશ્વર છે? ઈશ્વર એક પરાતાર્કિક સર્વઉત્તર છે અથવા એક પરાતાર્કિક અનુત્તર છે. લેખક અથવા કવિ ભાષાને આંગળીઓના ખૂનના ધબકારની લયમાં નચાવી શકે છે. પ્રસવની કરાહતી સુખવેદનામાંથી ગુજરી ચૂકેલી માતાની જેમ લેખક કસકની ક્ષણો પર ઝૂલીને જીવી ચૂક્યો છે માટે એની ભાષા ડિસ્ટિલ્ડ વૉટરની જેમ સ્વચ્છતમ બની શકે છે. કવિનો ઈશ્વર એની કળાના આર્તનાદમાં છે.

અને વિજ્ઞાન અને દર્શન સંગીત અને સાહિત્યની પાર એક વિદ્યા છે, જેનો ઈશ્વર સાથે સીધો સંબંધ છે: ધર્મ! કેટલીક જાતિઓ પુસ્તકની જાતિઓ છે. અને પુસ્તકને જ પ્રમાણભૂત માને છે: યહૂદી, ખ્રિસ્તી, મુસ્લિમ અને હિન્દુસ્તાનમાં શીખ! ટોમસ અ કેમ્પીસ નામના વિદ્વાને ચેતવણી આપી હતી કે પુસ્તકની પ્રજાથી ચેતજો. બાઈબલનો ખ્રિસ્તી, ઓલ્ડ ટેસ્ટામેન્ટનો યહૂદી, કુરઆનનો મુસ્લિમ (અને ગ્રંથસાહેબનો શીખ) શા માટે વધારે કટ્ટર છે?

ઝંદ અવસ્તાનો ઝોરોસ્ટ્રીઅન કે ધમ્મદપદનો બૌદ્ધ કે ભગવત્ ગીતાનો હિંદુ કે કલ્પસૂત્રનો જૈન એ પુસ્તકની જાતિઓ નથી. બૌદ્ધ કે જૈનમાં ઈશ્વર પણ નથી, હિંદુમાં અનેક ઈશ્વરો છે. ખ્રિસ્તીથી મુસ્લિમ સુધી ઘણી વિચારધારાઓમાં એકેશ્વર છે. અનાસ્થા અને નાસ્તિકવાદના સ્થાપક ફિલસૂફ લુડવિગ ફયુઅરબાકે કહ્યું છે કે ધર્મ, મનુષ્યમાં ઉચ્ચતમ ગુણોના પ્રતિબિંબરૂપ માર્ગદર્શક સિધ્ધાંતો અને નિયમનો મૂકે છે. તમે ફરીથી ઈશ્વર નામના એક બિંદુ પર આવવાનો પ્રયત્ન કરો છો. તમે ધાર્મિક બનો છો. ગર્ભાશયમાં વૃદ્ધિ પામતો ગર્ભ કે હવામાંથી પડતા બર્ફના કરા કે રૂઝતો જખમ કે ફરીથી લાલલીલાં કુમાશભર્યાં પાંદડાંથી ભરાઈ જતી વૃક્ષની ડાળીઓ એ જ માત્ર ઈશ્વરની કરામત નથી.

ઈંગ્લિશ ધર્મગુરુ વિલિયન પેવલીએ ૧૮૦૨માં કહેલી વાત... કે ઘડિયાળ જોઈને ઘડિયાળ બનાવનારની યાદ આવે, અને એમાંથી પણ સર્જનના સંકેતમાં અંદાજ આવે. ઈશ્વર સર્વત્ર છે. બીજાનું દર્દ આપણને કોણ સમજાવે છે! અને ઈશ્વર સિવાય આટલી બધી ક્રૂરતા અને આટલો બધો વ્યય કોણ કરી શકે છે? કરોડો ફૂલો, કરોડો વીર્યકણો, કરોડો પથ્થરો, કરોડો જંતુઓ... આ ધ્યેયહીન ક્રૂર દુર્વ્યય ઈશ્વર શા માટે કરે છે? અને વરસાદો, હવાઓ, તોફાનો, આંધીઓ, ઓગળતાં આકાશો અને ફાટતી જમીનો, ઊછળતા દરિયાઓ અને પાગલ થઈ જતી નદીઓ, ઈશ્વરની ક્રૂરતાનું કયું સંતુલન છે?

બીજી તરફ, વિજ્ઞાનનો તર્ક ધર્મજ્ઞાનીઓ કરતાં કહે છે: ઈશ્વરની દુનિયામાં નાશ નામની વસ્તુ નથી, માત્ર પરિવર્તન છે અને રૂપાંતર છે. ઈશ્વર દરેક જીવંત અને નિર્જીવંત વસ્તુનો રૂપ બદલતો રહે છે. લાકડું ધુમાડો બને છે. બરફ પાણી બને છે, પાણી વાદળ બને છે. બધી જ ઈશ્વરી પ્રવૃત્તિ ઊર્જાના આવર્તનની રમત છે, એલજિબ્રાનાં સમીકરણો જેવી.

ઈશ્વરના બ્રહ્માંડમાં પૂર્વ અને પશ્ર્ચિમ નામના શબ્દો નથી, દિશા નામની વસ્તુ નથી. મનુષ્યે અર્થોનાં લેબલો લગાવીને બધું બહુ જ જટિલ બનાવી દીધું છે અને મનુષ્યે ઈશ્વરની સામે છેલ્લા વેરની વસૂલાત એક શબ્દમાં કરી લીધી છે. એ શબ્દ છે: ધર્મ! ધર્મ ઈશ્વરનું માઉસ-ટ્રેપ (ઉંદર પકડવાનું પાંજરું) છે? માણસે ઈશ્વરને પકડી રાખવાનું માઉસ ટ્રેપ?

No comments:

Post a Comment